LITERATURE

લૅટ્સ ઝૂઉઉઉઉઉઉઉમ

અનિલ વ્યાસ
04-06-2013

અમેરિકાથી પધારેલા શ્રી ભરત ભટ્ટ અને શ્રીમતી નીલિમા શુક્લ ભટ્ટના સાનિધ્યમાં, ‘વાર્તા વર્તુળ’ની આજની બેઠકમાં અગવડો વેઠીને ય પધારેલા સહુનું સ્વાગત કરતાં સંચાલક વિપુલ કલ્યાણીના ચહેરા પર વરસેલો છાનો હરખ માણવા કૅમેરો સ્હેજ ઝૂમ કરવો પડશે. 

યસ. હવે બરાબર ઝીલાય છે, એમની આંખ પકડું .. ઓહો ... એમાં દેખાય છે આ બેઠકબંકાઓ .. પહેલાં રૂપમઢ્યું નારીવૃંદ .. ભદ્રા વડગામા, હંસા પુરોહિત, શશી પટેલ .... હવે દોસ્તો, પંચમ શુક્લ, રમણભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, ગવર નથ્થુ, મહેન્દ્ર દેસાઈ, બાબુભાઈ સિકોતરા, સુભાષભાઈ દેસાઈ, પિંડોરિયાજી અને આ ક્ષણે ચહેરો ઉપસે કિન્તુ નામ ન પરખાય એ સહુ.

આવકારની વાણીના મોજા પર સવાર હિમાંશી શેલતની વાર્તા, ‘સાતમા આસમનની ભોંય’ પરના મહેન્દ્ર દેસાઈના રસદર્શન પછી સહુ સ્તબ્ધ છે. શશીબહેન બારી બહાર–અંદર  જોતાં વિચારે છે, પુરુષોની પરંપરાગત ચાલી આવતી આપખુદી અને સ્ત્રીએ વેઠવી પડતી પીડા. એમનો ચિત્કાર ભદ્રા વડગામાના તંગ ચહેરા પર જોઉં છું. લેટસ ક્લિક ધેટ. રમણભાઈના ચહેરા પર અકળામણ તરવરે છે વાર્તામાં પમાતાં ભવાઈના સ્તરગત પરિવર્તનો .. કોઈને મન છે અભિમાનની ટક્કર, તો કોઈ હાથ ઊંચકી, મુઠ્ઠી વાળી વ્યકત કરે છે, રિયાલીટી શૉઝની જનમાનસ પર અસર, બદલાતાં મૂલ્યો અને ધ્રુજતું કૌટુંબિક જીવન.

કેમૅરો બાજુએ રાખી, હવે ભદ્રા વડગામાની વાર્તા ‘ચકરાવો’ની વાત કરું. આ વાર્તામાં લેખિકાએ જે કાળ સદ્શીકરણ અને જક્સટાપૉઝ શન (એકબીજાની પાસે મૂકવું)  રચ્યું છે એ કાબિલેદાદ છે. એમણે આત્મકથાનાત્મક લાગતી વાતને જે કલાત્મકતાથી મૂકી છે, ઉપરાંત જે સંદર્ભો અને ઈંગિતો રચ્યાં છે, એ વાર્તા રસને ઉપકારક બને છે. સહુને આ વાર્તા ગમી અને સહુએ પ્રમાણી.

આ એ એમની ઘડાયેલી સમજ અને સર્જનનો નમૂનો છે. કોણ બોલ્યું ? સંચાલક વિપુલ કલ્યાણી, ઓફકોર્સ. સાથોસાથ એમણે આ સમગ્ર પરિવર્તન પાછળના પરિબળને સ્પષટ કરતાં કહ્યું, ‘વાર્તાની નિખાલસ ચર્ચા અને વિવિધ દ્રષ્ટિકોણને સમજી, વાર્તા પર વધુ ધ્યાન આપી, ફરીથી સર્જન તપાસવાની, વાર્તાકારની તૈયારીનું આ પરિણામ છે.’ વળી અગાઉના વાર્તા વર્તુળના સંચાલકો .. પોપટલાલ પંચાલ, મનેશચંદ્ર કંસારા, વલ્લભ નાંઢા, અને અનિલ વ્યાસના પ્રયાસોની ઉપયોગિતા અને અસરની નોંધ અંકે કરી અતિથિ વિશેષને નિમંત્ર્યા. હવે કેમૅરા .. રોલ ... એકશન. ‘આવો, ભરતભાઈ’. (ઈટ ઈઝ જસ્ટ અ વેલકમ જેશ્ચર ઓન્લી, ભદ્રાબે’ન. નોટ અ મેલ ડોમીનન્સ એટઓલ.)

ભરત ભટ્ટના ઝૂમ લૅન્સમાં દેખાતા ચહેરા પર ચિંતા હતી ગુજરાતી ભાષાની. અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં અન્ય ભાષાઓના લેકચરર હોય, એ ભાષા માટે ભંડોળ ઊભું થયું હોય, ત્યારે આપણી ભાષાની ખેવના તરફે આવી ઉદાસીનતા? આપણાં બાળકો અમુક અક્ષરો ઓળખતા નથી. સુભાષ દેસાઈથી ન રહેવાયું, ચહેરો આટલો રાતોચોળ ? ઝૂમ હટાવી જોઉં સઘળા ચહેરા સરખા ચિંતિત.

આપણા સંતાનો હવે મોબાઈલ વાપરે છે ફેસબુક કે ઓરકુટ કે કોઈ એપ્સ વાપરી ચૅટ (વાતો, હોં ભઈ.) કરે ત્યારે અંગ્રેજીમાં ગુજરાતી લખે. હવે આપણા ળ, ક્ષ, જ્ઞ અક્ષરો અંગ્રજીમાં જુદા છે. આ ળ તો છે જ નહિ. એટલે ‘મળ્યા’ કહેવું હોય ત્યાં લખવું પડે .. Malya. આ મલ્યા, મલીશું  લખતા આપણાં સંતાનોને ‘ળ’ની ખબર જ નથી. હા સુભાષભાઈ. તમારા નામમાં વપરાતો ‘ષ’ પણ એવો અઘરો જ છે, એમના માટે. એમને ષટ્કોણ એટલે Hexagon.

એની વૅ, ભરતભાઈ તરફ ફરું. બીજી બાજુ એ ચિંતા કરે છે સર્જાતા સાહિત્યના સ્તર અને ગુણવત્તાની. કહે, ગુજરાતમાં આપણું સાહિત્ય કેમ નથી લેખામાં લેવાતું ? નિમંત્રણ મેળવી અમેરિકા ફરવા આવતા ગુજરાતના દિગ્ગજ સાહિત્યકારો આપણાં સર્જનના કેવા કેવા વખાણ કરે છે ? (વાહ, અમારે બ્રિટનમાં આવીને ય એ જ વાત કરે છે, મોટા ભાગના આમંત્રિત સ્વદેશી સર્જકો. કેવું સરસ !)  ત્રીજી વાત ... ડાયસ્પોરાનું સાહિત્ય કેમ વતનઝુરાપાની બહાર આવતું નથી ? (અલ્યા ભઈ, માટીની આ કાયાને એમ કંઈ માટીની માયા છૂટે ?) તરત સભામાં ગરમાટો આવી ગયો. સહુએ ખાસ્સી ચર્ચા કરી અને ગંભીરતા પિછાણી, ખસૂસ નક્કી પણ કર્યું જાગતિક રહેવાનું.

સાઉથ એશિયન રિલીજિયન પર વિદ્યા વાચસ્પતિ થયેલાં નીલિમા શુકલ–ભટ્ટને લેન્સ કુમારે તો આગળ વધી સલામ કરી; હું શું કરી શકું ફૉકસ એડજેસ્ટ કરવા સિવાય ? અમેરિકાની વૅલેસ્લી કોલેજમાં પ્રાદ્યાપિકા તરીકે ધર્મની ખેવના કરતાં કરતાં એમણે ગાંધી યુગીન કાવ્યો મુખ્યત્વે સત્યાગ્રહ સંબધે “ઓપીનિયન”માં પ્રગટ થયેલાં કાવ્યોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. મહાત્મા ગાંધીના અત્યંત પ્રિય પદ ‘વૈષ્ણવ જન તો તેને કહિયે ..’ વિષે વિગતે વાત કરતાં, એ અસ્પૃશ્યતા અને ગાંધીજીનો દ્રષ્ટિકોણ રજૂ કરે છે. વર્ષોથી એક માનવ સમૂહને કરેલા અન્યાયનું પ્રાયશ્ચિત, અસ્પૃશયતા નિવારણ અને ગાંધીજીએ હરિજન શબ્દની કરેલ પસંદગી, અને તે સમયના અને આજના વ્યાપક પ્રતિભાવની ખાસ્સી િવચારશીલ ચર્ચામાં કેમેરો બાજુએ રાખી હું ય જોતરાયો. હું જે સમજ્યો છું એ કે અછૂત, અસ્પૃશય,  દલિત …. આ શબ્દો ગાંધીજીને ન ગમ્યા, એના મૂળમાં સંભવત: એ વાત હોવી જોઈએ કે આ શબ્દો વર્તણૂક સૂચક છે. ક્યાંક છાનો ઈશારો છે. એને ન અડાય કેમ કે એ આ છે. બીજું ગાંધીજી સત્યાગ્રહના માર્ગે સહુને સાથે રાખી ઝઝૂમવાના આગ્રહી હતા, પશ્ચાતાપ કરતાં એકતા, સમભાવ અને સહવાસ જોડાયેલાં સમજવા.

ફરી કેમેરો લઈ, પાછલા પગે જોઉં છું. હરખભર્યા મોં, હસતા હોઠ, છલકાતો ઉમંગ.

આ હોંશ અને ઉલ્લાસ કાયમ રાખું ખર્..ર્.. ર્..ર્..ખટ .... 

Category :- Opinion Online / Literature

અવલોકન : “એક લીલી પળ અતીતની” - કિશોર મોદી

અમેરિકામાં લખાતી કવિતા હવે પગભર થઈ રહી છે તેમ કહીએ તો તેમાં કશી અતિશયોક્તિ કરી રહ્યા હોવાનો ભય નથી જણાતો. અહીં ગીત, ગઝલ અને અછાંદસ કવિતા અઢળક લખાતી લાગે છે પણ ગઝલને એક ઊંચા સ્તરે અને તે પણ સાતત્યપૂર્વક લખતી કલમો તરફ અંગૂલિનિર્દેશ કરવો હોય તો આદિલ મન્સૂરી, અશરફ ડબાવાલા, શકુર સરવૈયા, મધુમતી મહેતા, સુધીર પટેલ, ઇન્દ્ર શાહ કે ભરત ત્રિવેદી પછી બીજાં શોધવા જહેમત ઉઠાવવી પડે. આટલી ટૂંકી યાદીમાંથી પણ આદિલજી અને ઇન્દ્ર શાહ હવે રહ્યા નથી.

અમેરિકામાં વસતો પણ દેશમાં શ્વસતો એક ગઝલકાર એવો પણ છે જે પહેલી નજરે કદાચ ધ્યાન પર ન આવે. પણ અહીં બનતી ઉત્તમ ગઝલની એન્થોલોજી બનાવવી હોય તો જેની ગઝલોને સારી એવી જગા કરી આપવી પડે – એ નામ છે :  કિશોર મોદી. ‘જલજ, ‘મધુમાલિકા’, ‘મોહિની’, અને હવે તેઓ લઈને આવ્યા છે ‘એક લીલી પળ અતીતની’.

ત્યારે હું વડોદરામાં એક બેંકમાં કામ કરતો હતો. હશે ૧૯૭૫/૭૬નો ગાળો ! એક તો ઉનાળાની બપોર અને બેંકની સબ-ઓફિસ એટલે ઝાઝી ભીડ પણ ના મળે. જોઉં છું કે બે યુવાન મારી કેબિન પાસે આવી ઊભા છે. એકને તો હું તરત જ ઓળખી ગયો. વતનનો મારો મિત્ર હેમંત ત્રિવેદી, પણ બીજો ચશ્માધારી યુવાન કોણ ?  હેમંત કહે : આ છે કિશોર મોદી ! ને મેં ઉમેર્યું – ને  ગઝલો લખે છે, બરાબરને ! તે દિવસે અમારી પહેલી મુલાકાત ! સામયિકોમાં તો તેમની ગઝલો જોઈ હતી … આજે રૂબરૂમાં તેમની પાસે તેમની એક/બે ગઝલ સાંભળવા પણ મળી !

કિશોર મોદીની ગઝલો મને ગમે છે કેમ કે એમાં આયાસનું પ્રમાણ નહીંવત્ ને સાદગી અને ચિંતનશીલતા વધારે. ‘એક લીલી પળ અતીતની’નો સ્થાયીભાવ છે : સ્મરણ. અનેક ઉત્તમ શે’રમાંથી જે મારા ચિત્ત પર સવાર થઈ બેઠા છે તે આ રહ્યા :


દરરોજ મારું ગામ આખું સ્મરતું હોય છે,
કાયમ નદી શી લાગણી ભીતર રહેલી હોય છે.


વતન-ઝુરાપો તો આપણા જેવા બે-વતનીને તો લમણે લખાયેલો જ હોય છે ને ? પણ અહીં દિલને દઝાડી મૂકતી યાદો નહીં પણ શાતા આપતી રહેતી લાગણીની વાત થઈ રહી છે. અહીં નદી શી કહીને વતનની નદીને પણ ખૂબ કુશળતાપૂર્વક યાદ કરી લેવાઈ છે. કલમ કસાયેલી હોય ત્યારે એ બધું ડગલે ને પગલે દેખાઈ આવતું હોય છે. એટલે જ તો ભાવક પાસે અડધે રસ્તે આવીને મળવાની અપેક્ષા રહેતી હોય છે. શે’રમાં વેધકતા પણ કેવી કામે લાગતી હોય છે તેનો પણ એક નમૂનો આ રહ્યો :

આટલો ગંભીર ક્યારે થઈ ગયો તું !
બાળપણના ચોતરાનું પૂછવું છે.


અહીં કોણ કોને પૂછી રહ્યું છે તે ખાટી/મીઠી મૂંઝવણ ધ્યાનાર્હ છે ને ?

કિશોર મોદી સ્વભાવે ચિંતનશીલ વ્યક્તિ છે તેથી તેમની ગઝલમાં તે પણ ખૂબ નોંધપાત્ર રીતે દેખાઈ આવે છે અને તેમનું ઋજુ  વ્યક્તિત્વ તેને ખૂબ પોષક પણ બને છે તેનો એક નમૂનો જોઈએ :

વૃક્ષો, ફૂલો, પહાડ જોઈ દંગ છે કિશોર
ઈશ્વરની આટલી બધી પરસાદી હોય છે.


ગીતાનો ‘પત્રં પુષ્પમ્ ફલમ્ તોયં’  શ્લોક સ્મરણપટ પર આવી ચડે છે ? અહીં કોણ કોને ‘પરસાદી’ ચડાવતો હોય છે ? ખુદ ઈશ્વર કે પછી તેનો આપણા જેવો અબુધ ભગત ! તમે જ કહો કોઈ ચિંતનશીલ વ્યક્તિ આવે સમયે દંગ રહી ના જાય તો બીજું કરે પણ શું ! જો કે અહીં પણ બે બાબતો ખાસ ધ્યાન ખેંચે છે. એક તો એ કે ગઝલકાર સરળતાને વરેલા છે. અદમ ટંકારવી સાહેબ ફરમાવે છે ને કે :

ગઝલ લખી દો સીધીસાદી અદમ,
જીવીકાકીની સવિતા જેવી.


તો આ રહી જીવીકાકીની સવિતા જેવી સરળ ગઝલો !

કિશોર મોદીનું ભાષાકર્મ કે ગામઠી કે સાચા અર્થમાં તો સુરતી બોલી વિશેષ નોંધપાત્ર છે. ‘એઈ વીહલા’ના સર્જક આ ગઝલસંગ્રહમાં પણ સતત ડોકાતા રહે છે. પટારે, ખાંભી, ઢોચકી, ડોલાભ જેવા અરૂઢ શબ્દો તેમની રચનામાં ધાણીની જેમ સતત ફૂટતા રહે છે.

કોઇ પણ સભાન સર્જક નિજી સર્જનપ્રવૃતિ વિશે ના વિચારે તેમ કેવી રીતે બની શકે ! ગઝલકાર કહે છે :


આ લીમડાની ડાળ હલે – ને ગઝલ મળે,
શ્વાસોની વાત રાત ચાલે – ને ગઝલ મળે.


આ સંદર્ભે 'લ્યો ત્યારે ગઝલ કહું'માં તો તેમણે એક સાથે અનેક વાત કહી દીધી છે પણ એવી સાદગીથી કે સંચયમાંની પૂરી સો ગઝલોમાં તો ક્યાંક નજર-અંદાજ થઈ જાય તો પણ ખ્યાલ ના આવે. મને આ ગઝલ કિશોર મોદીની સિગ્નેચર ગઝલ લાગી છે. કહે છે ને કે હાથ કંગનને આરસીની જરૂર ખરી ? આખે આખી ગઝલ ટાંક્યા વિના બીજો કોઈ જ ઉપાય નથી. તેથી આ રહી તે ગઝલ-જરા જેટલી પણ કાપકૂપ વિના :

લ્યો ત્યારે ગઝલ કહું
નામેરી નામે નંગ, લ્યો ત્યારે ગઝલ કહું,
શબ્દોથી થાતો દંગ, લ્યો ત્યારે ગઝલ કહું.
હું તાકી તાકીને તને જોયા કરું પછી,
આંખોમાં આવે રંગ, લ્યો ત્યારે ગઝલ કહું.
ચહેરા ઉપર હજી એના એ હાવભાવ છે,
છે એ જ સ્મિત, ઢંગ, લ્યો ત્યારે ગઝલ કહું.
આજે જુદા પ્રકારનો અણસાર આવતો,
કોઈ નવ્ય છે તરંગ, લ્યો ત્યારે ગઝલ કહું.
સ્મરણો વડે જીતી ગયો છું હું પૂરેપૂરો,
હોવાપણાનો જંગ, લ્યો ત્યારે ગઝલ કહું.
‘કિશોર’ જિંદગી તો એવી હોવી જોઈએ,
નભ ડોલતો પતંગ, લ્યો ત્યારે ગઝલ કહું.


આદિલજી તો ગયા અને તેની સાથે જ જાણે અમેરિકામાં સર્જાતી ગઝલનો ગ્રાફ દેખાઈ આવે તેટલો નીચે ઉતરી આવ્યો જણાય, પણ અગાઉ નોંધ લેવાઈ છે તે કલમોની સાથે કિશોર મોદી પણ એક મહત્ત્વનું નામ ગણાય. તેમના આ ગઝલ-સંગ્રહના અવલોકન નિમિત્તે હું રાજીપો વ્યક્ત કરું છું.

***

સૌજન્ય : ભરતભાઈ ત્રિવેદીનો આ લેખ “ગુર્જરી ડાયજેસ્ટ”, એપ્રિલ 2013માં પ્રગટ થયો છે. આ લેખનું લખાણ યૂનિકૉડમાં કિશોરભાઈ મોદીના બ્લોગ www.kishoremodi.wordpress.com    પરથી મેળવવામાં આવ્યું છે. કાવ્યસંગ્રહના મુખપૃષ્ઠની છબિ ધૃતિબહેન મોદી અને કિશોરભાઈ મોદીની સંયુક્ત સહાયથી મળી છે.  

Category :- Opinion Online / Literature