LITERATURE

‘ઝટ્ટ ડોળિ નાંખો રે, મનજળ થંભ થયેલું’

ઓગણીસમી સદીનાં આપણાં સમાજ, ધર્મ, શિક્ષણ, ભાષા, સાહિત્ય, આ બધાંની જે તાતી જરૂરિયાત હતી તે કવિ નર્મદના આ શબ્દોમાં છતી થાય છે. સમાજ સુધારો એ ઓગણીસમી સદીનાં જીવન અને સાહિત્યનું એક મહત્ત્વનું પરિબળ ખરું, પણ તે એકમાત્ર પરિબળ નહોતું. એ જમાનાનાં કેટલાંક સામયિકોનાં નામ જુઓ : વિદ્યાસાગર (૧૮૪૦), ખોજદોસ્ત (૧૮૪૨), જ્ઞાનપ્રસારક (૧૮૪૮), બુદ્ધિપ્રકાશ (૧૮૫૦), રાસ્તગોફતાર (૧૮૫૧), સત્યપ્રકાશ (૧૮૫૩), જ્ઞાનદીપક (૧૮૫૬), અને બુદ્ધિવર્ધક (૧૮૫૬). આ સામયિકોનાં નામમાં આવતા વિદ્યા, જ્ઞાન, સત્ય, બુદ્ધિ, જેવા શબ્દો સૂચક છે. એ વખતે પશ્ચિમ ભારતમાં જે મથામણ ચાલી રહી હતી તે માત્ર સમાજ સુધારા અંગેની ન હતી. વ્યક્તિ અને સમાજના જીવનમાં વિદ્યાની, જ્ઞાનની, સત્યની, બુદ્ધિની પ્રતિષ્ઠા કરવાની હતી. બ્રિટીશ પદ્ધતિના શિક્ષણને પ્રતાપે જે નવી નવી વિદ્યાશાખાઓ આપણી નજર સામે ખુલી રહી હતી તેની પ્રતિષ્ઠા કરવાની હતી. આ વ્યાખ્યાન સાથે જેમનું નામ જોડાયેલું છે તે આપણા અગ્રણી વિવેચક અનંતરાય રાવળે બહુ યોગ્ય રીતે કહ્યું હતું તેમ ‘અંગ્રેજો દ્વારા પ્રવૃત્તિપુરુષાર્થી પશ્ચિમનું, એટલે વૈજ્ઞાનિક અને અન્ય સાધનો દ્વારા ભૌતિક ઉત્કર્ષની સાધના પુરસ્કારતી અર્વાચીન પાશ્ચાત્ય સંસ્કૃિતનું, ભારતમાં થયેલું આગમન અને તેણે સ્ફુરાવેલ જાગૃતિ અને નવચૈતન્ય, અંગેજી કેળવણી, મુદ્રણકળા, એ બધાંએ બદલી નાખેલી હવામાં જ સાંસારિક સભાનતા પ્રગટી. તેણે સાહિત્યનું સુકાન બદલી નાખતાં અર્વાચીન સાહિત્ય પ્રભુલક્ષી મટી માનવલક્ષી અને સંસારલક્ષી એટલે જીવનાભિમુખ બન્યું. પરિણામે સમાજ સુધારો, ધર્મસુધારણા, રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રાગટ્ય, વગેરેએ આપણા અર્વાચીન સાહિત્યને ઉપાદાનભૂત જીવનસામગ્રી પૂરી પાડી છે.’  [‘નિત્યનૂતન સારસ્વતયજ્ઞ’ તારતમ્ય પા. ૩૯. ૧ આવૃત્તિ, ૧૯૭૧] આપણે જેને ‘સુધારક યુગ’ કહીએ છીએ તેને માટે આ જ લેખમાં રાવળસાહેબે ‘જાગૃતિ યુગ’ એવી વધુ વ્યાપક સંજ્ઞા પ્રયોજી છે. એટલે સુધારક યુગનું સાહિત્ય એવી ઓળખને બદલે પ્રબોધન યુગનું અથવા જાગૃતિ યુગનું સાહિત્ય એવી ઓળખાણ વધુ સાચી ઓળખાણ બની રહે. આજે આપણે જેને પંડિત યુગના સાહિત્ય તરીકે ઓળખીએ છીએ તે પણ હકીકતમાં તો આ પ્રબોધન યુગના સાહિત્યનું જ એક્સટેન્શન – વિસ્તરણ – હતું. એટલે ૧૯મી સદીનાં સાહિત્યને બે ભાગમાં વહેંચવા કરતાં આખી ઓગણીસમી સદીના સાહિત્ય માટે ‘પ્રબોધન યુગનું સાહિત્ય’ એવી સંજ્ઞા યોજવાનું વધારે ઉચિત ગણાય.

ઓગણીસમી સદીના સાહિત્યના વિવેચન વિશે વાત કરતાં સૌથી પહેલી જરૂર જણાય છે તે ઓગણીસમી સદીના પૂર્વાર્ધ પર સવિશેષ ધ્યાન આપીને એ સમયગાળામાં પ્રગટ થયેલાં પુસ્તકો અને સામયિકોના મહત્ત્વને સમજવાની અને સ્વીકારવાની. આપણા સાહિત્યમાં અર્વાચીન યુગની શરૂઆત નર્મદ-દલપતનાં લખાણોથી જ થઈ એવી માન્યતા આપણા વિવેચનમાં ઘર કરી ગઈ છે. નર્મદ અને દલપત એ આપણા સાહિત્યના અર્વાચીન યુગના બે મુખ્ય અને મહત્ત્વના પુરસ્કર્તા ખરા, પણ સમય દૃષ્ટિએ પહેલા પુરસ્કર્તા નહીં. અર્વાચીનતાનાં વૃત્તિવલણોનો સીધો સંબંધ બે સાહિત્યેતર ઘટનાઓ સાથે રહેલો છે. કાળક્રમે જોતાં આમાંની પહેલી ઘટના તે મુદ્રણનું આગમન અને બીજી ઘટના તે બ્રિટીશ પદ્ધતિના શાળા-શિક્ષણની અને પછી ઉચ્ચ શિક્ષણની શરૂઆત. આ શરૂઆત ૧૯મી સદીના પૂર્વાર્ધમાં મુંબઈમાં થઈ. ૧૮૦૮માં પહેલવહેલું છપાયેલું ગુજરાતી પુસ્તક મુંબઈમાં છપાઈને પ્રગટ થયું ત્યારથી ૧૮૫૨ સુધીમાં આપણી ભાષામાં ઓછામાં ઓછાં ૩૦૦ પુસ્તકો પ્રગટ થયાં હતાં. તેમાંનાં મોટા ભાગનાં પદ્યમાં નહીં, ગદ્યમાં લખાયેલાં હતાં. અને છતાં અર્વાચીન ગુજરાતી ગદ્યની શરૂઆત ૧૮૫૦માં પ્રગટ થયેલા દલપતરામના ‘ભૂત નિબંધ’થી કે ૧૮૫૧માં પ્રગટ થયેલા નર્મદના નિબંધ ‘મંડળી મળવાથી થતા લાભ’થી થઈ, એમ આપણે વર્ષોથી માનતા-મનાવતા આવ્યા છીએ. વાત જો સર્જનાત્મક ગદ્યની જ કરવાની હોય તો તો આ બંને કૃતિઓનું ગદ્ય પણ સર્જનાત્મક ગદ્ય નથી જ. હકીકતમાં અર્વાચીન ગુજરાતી ગદ્યનો આરંભ ૧૮૫૦ કરતાં ઘણો વહેલો પારસીઓ, પાદરીઓ, અને પરદેશી અમલદારોને હાથે થઈ ચૂક્યો હતો. અલબત્ત, તેમાંનું ઘણુંખરું ગદ્ય કાં અનુવાદ માટે, કાં ધર્મપ્રચાર માટે, કાં શાલેય શિક્ષણ માટે પ્રયોજાયું હતું, પણ તેથી એ અર્વાચીન ગદ્ય નહોતું એમ કેમ કહી શકાય? પણ આપણા સાહિત્યના ઇતિહાસમાં થોડા અપવાદોને બાદ કરતાં આપણે પારસીઓ, પાદરીઓ, અને પરદેશીઓના પ્રદાનની તો અવગણના જ કરી છે. ૧૮૪૪માં સુરતથી પ્રગટ થયેલા ‘પિલગ્રિમ્સ પ્રોગ્રેસ’ના અનુવાદ ‘યાત્રાકરી’નો અને અનુવાદક ફાધર વિલિયમ ફ્લાવરનો ઉલ્લેખ આપણા સાહિત્યના ઇતિહાસમાં ક્યાંય જોવા નહીં મળે. ચાલો, એ તો અનુવાદ હતો, પણ ૧૮૪૪માં જ પૂરાં સાતસો પાનાંમાં કાવસજી સોરાબજી કાવસજી પટેલે ‘ચીનનો અહેવાલ’ નામનું પ્રવાસ વર્ણનનું પુસ્તક મુંબઈથી પ્રગટ કરેલું. તેની વાત કોઈએ કરી છે? કરીએ તો તો પછી નર્મદ-દલપતનો ગદ્યના પ્રારંભક હોવાનો હક્ક લૂંટાઈ જાય ને? પણ ખુદ નર્મદે પોતે ગુજરાતી ગદ્યને જન્મ આપ્યાનું માન કેપ્ટન જર્વિસને આપ્યું છે અને ૧૮૨૮ના વરસથી ‘ગદ્યમાં લખવાનું શરૂ થયું’ એમ કહ્યું છે. પણ આ કેપ્ટન જર્વિસ કોણ હતો, એણે શું શું લખેલું એની ભાળ મેળવવાનો પ્રયત્ન કોણે કર્યો છે? ૧૮૬૭માં પ્રગટ થયેલા અભિજ્ઞાન શાકુંતલ નાટકના ઝવેરીલાલ યાજ્ઞિક અને દલપતરામ ખખ્ખરના બે અનુવાદ સંસ્કૃતમાંથી થયેલા પહેલા અનુવાદ તરીકે ઓળખાવાતા આવ્યા છે. પણ એ બંને મહાનુભાવોનો જન્મ પણ નહોતો થયો ત્યારે, છેક ૧૮૨૪માં સંસ્કૃતમાંથી પંચતંત્રનો અનુવાદ ‘પંચોપાખીઆંન’ નામે ફરદુનજી મર્ઝબાનજીએ કર્યો હતો એ વાત સાહિત્યના ઇતિહાસ કે વિવેચનમાં કોઈએ નોંધી છે? ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટી શરૂ થઈ તે પછી કેટલાંક વર્ષો સુધી આ ‘પંચોપાખીઆંન’ પાઠ્યપુસ્તક તરીકે ભણાવાતું હતું અને ૧૮૮૨ સુધીમાં તેની છ આવૃત્તિ પ્રગટ થઈ હતી. તેનાથી પણ પહેલાં, ૧૮૨૧માં બાયબલના નવા કરારનો અનુવાદ સુરતમાં છપાઈને પ્રગટ થયો હતો. જેમ્સ સ્કિનર અને વિલિયમ ફાઈવી નામના લંડન મિશનરી સોસાયટીના બે પરદેશી પાદરીઓ ગુજરાતી ભાષા શીખીને બાયબલનો અનુવાદ ગુજરાતી ગદ્યમાં કરે, જ્યારે નર્મદનો જન્મ પણ થયો નહોતો અને જ્યારે દલપતરામની ઉંમર માંડ દોઢેક વર્ષની હતી ત્યારે કરે, એ હકીકત આપણા વિવેચને કે ઇતિહાસે નોંધી પણ છે? પણ આ બે પાદરીઓ પણ પહેલા ગદ્યકાર નથી. તેમના પહેલાં ‘કમતરીન ખાકસાર મુનશી ડોશાભાઈ મોબેદ શોહરાબજી ભરવચી’એ કરેલો ‘મોગલાઈ ઊનાની હકીમ લોકોનો ઊહવાલ તથા તે લોકોની નશીહતો’ નામનો અનુવાદ ૧૮૧૮માં મુંબઈના ફરદુનજી મર્ઝબાનજીના છાપખાનામાં છપાઈને પ્રગટ થયો હતો. અને આ જ ફરદુનજી મર્ઝબાનજીએ ૧૮૧૫ના ડિસેમ્બરની ૨૫મી તારીખે પોતે કરેલા અનુવાદનું ૪૧૦ પાનાંનું પુસ્તક પોતાના છાપખાનામાં છાપીને પ્રગટ કર્યું હતું. એનું નામ ‘દબેસ્તાનુલ મઝાહેબ.’ કોઈ પુસ્તકનો અનુવાદ પ્રગટ કરતાં પહેલાં કોઈ જાણકાર પાસે તેની ચકાસણી કરાવવાનું આજે પણ આપણને બહુ જરૂરી લાગતું નથી, અને પરિણામે કઢંગા અનુવાદો ખડકાતા જાય છે. ફરદુનજી પોતે ફારસીના સારા જાણકાર હતા, ગુજરાતી તો તેમની માતૃભાષા હતી, છતાં પોતે ફારસીમાંથી કરેલા આ અનુવાદની ચકાસણી તેમણે ત્રણ-ત્રણ જાણકારો પાસે કરાવી હતી અને તેમનાં પ્રમાણપત્ર પ્રસ્તાવનામાં આમેજ કર્યાં હતાં. અને છતાં ગુજરાતી ગદ્યલેખન અંગે આટલી સભાનતાભરી કાળજી રાખનારનું નામ પણ આપણે લેતા નથી. અર્વાચીન મરાઠી સાહિત્યના વિકાસ અને ઘડતરમાં પરદેશીઓ અને પાદરીઓએ આપેલા ફાળા અંગે સંશોધન કરી, અભ્યાસપૂર્વક લખાયેલાં પુસ્તકો પ્રગટ થયાં છે. પણ આપણે પુસ્તકો લખવાની વાત તો દૂર રહી, પરદેશીઓ અને પાદરીઓના ફાળાની નોંધ પણ કેટલી લીધી છે? પારસીઓની ભાષાને ‘અશુદ્ધ’નું લેબલ લગાડીને આપણે પહેલાં તેમના સાહિત્યને મુખ્ય પ્રવાહથી અલગ માનવાનું અને પછી એ અલગ પ્રવાહની અવગણના કરવાનું શરૂ કર્યું. આ વલણની શરૂઆત પોતાની કૃત્રિમ રીતે સંસ્કૃતમય ભાષાનો ફાંકો ધરાવતા પંડિત યુગના કેટલાક લેખકોથી થઈ અને ભાષાશુદ્ધિના આગ્રહી એવા ગાંધી યુગના કેટલાક લેખકોએ એ વલણને વધુ દૃઢ બનાવ્યું. એક ઉદાહરણ રૂપે આ વાક્ય જુઓ : ‘૧૮૨૨માં ગુજરાતની સાહસિક પારસી કોમના એક નબીરાએ ‘મુમબઈ સમાચાર’ નામે અઠવાડિક કાઢવા માંડ્યું ... ભલે મુંબઈથી શરૂ થયેલું, પણ આ ગુજરાતી ભાષાનું સાહસ હતું.’ ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રગટ કરેલા બહુખંડી ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ના ત્રીજા ભાગની ભૂમિકામાં યશવંત શુકલે આ શબ્દો લખ્યા છે. બીજે ક્યાંય નહીં ને સાહિત્યના આવા વિસ્તૃત ઇતિહાસમાં પણ આમ નામ વગર મભમ વાત થાય એ કેવું? ‘૧૮૬૪માં એક નાગર નબીરાએ ‘ડાંડિયો’ નામે સામયિક કાઢવા માંડ્યું’ એમ કોઈ લેખક લખે ખરો? ૧૯૭૬માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિમાં આમ છપાયું. ૨૦૦૫માં બીજી શોધિત-વર્ધિત આવૃત્તિ પ્રગટ થઈ ત્યારે પણ એ પારસી નબીરાનું નામ આપવાનું ન તો બીજી આવૃત્તિના વિદ્વાન સંપાદક કે પરામર્શકને જરૂરી લાગ્યું, કે ન તો પ્રકાશક સંસ્થાને જરૂરી લાગ્યું.                       

પણ આપણે માત્ર પારસીઓ, પાદરીઓ, અને પરદેશીઓ જેવા સમૂહોની જ ઉપેક્ષા કરી છે એવું નથી. આપણી કેટલીક મહત્ત્વની સંસ્થાઓની પણ ઉપેક્ષા કરી છે. પારસીઓની જોડાક્ષર વગરની ‘અશુદ્ધ’ ભાષાનો દાખલો આપવા માટે ‘ગનેઆન પરસારક’નો ઉપહાસભર્યો ઉલ્લેખ કરવા સિવાય આપણે એ સંસ્થા અને તેની કામગીરી વિશે જાણવાની કેટલી ચિંતા કરી છે? ૧૮૪૮ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખે આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારે તેના પહેલા પ્રમુખ કોઈ પારસી નહીં, પણ રણછોડદાસ ગિરધરભાઈ ઝવેરી હતા અને તેની પહેલી કારોબારી સમિતિના કુલ આઠ સભ્યોમાંથી ત્રણ હિંદુ અને પાંચ પારસી હતા. ૧૯૫૯માં આ મંડળીને ૧૧૦ વર્ષ પૂરાં થયાં તેનો ઉત્સવ મુંબઈમાં ઉજવાયો હતો અને તે વખતે તેના પ્રમુખ હતા પોપટલાલ ગોવિંદલાલ શાહ, અને તેની કારોબારીમાં હરસિદ્ધભાઈ દિવેટિયા અને જ્યોતીન્દ્ર દવેનો સમાવેશ થતો હતો. પણ આપણે તો આ સંસ્થા પર ‘પારસીઓની મંડળી’ એવી છાપ મારી તે મારી. હકીકતમાં, ૧૯મી સદીની પહેલી ત્રણ પચ્ચીસી સુધી સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ, સમાજ સુધારો વગેરે ક્ષેત્રોમાં, કંઈ નહીં તો મુંબઈમાં, ગુજરાતી અને મરાઠી હિન્દુઓ, પારસીઓ, કેટલાક પરદેશી અમલદારો અને થોડાક પાદરીઓ સાથે મળીને કામ કરતા હતા. આ બધાં ક્ષેત્રોમાં ગુજરાતીભાષી હિન્દુઓનો જુદો ચોકો માંડવાની શરૂઆત આપણે જેને ‘પંડિત યુગ’ કહીએ છીએ ત્યારથી થઈ.

નર્મદે પોતાનો પહેલો ગદ્યલેખ ભાષણ રૂપે મુંબઈની બુદ્ધિવર્ધક સભામાં રજૂ કર્યો હતો એટલા પૂરતી આપણે એ સભાને યાદ કરીએ છીએ, પણ આ સભાની પણ વિગતે વાત આપણે કેટલી કરીએ છીએ? હકીકતમાં, ૧૮૫૧માં, લગભગ એક જ વખતે, લગભગ સરખા નામવાળી બે સંસ્થાઓ શરૂ થઈ હતી. તેમાંની એક તે નર્મદે શરૂ કરેલી ‘જુવાન પુરુષોની અન્યોઅન્ય બુદ્ધિવર્ધક સભા’. કોલેજનો અભ્યાસ પડતો મૂકીને નર્મદને સુરત જવું પડ્યું અને તેની દોરવણી વગર આ સભા ઝાઝો વખત ચાલી શકી નહીં.  બીજી બાજુ ગંગાદાસ કિશોરદાસે એલ્ફિનસ્ટન કોલેજના પ્રોફેસર પાટન સાથે મસલત કરીને ૧૮૫૧ના આરંભમાં ‘બુદ્ધિવર્ધક હિંદુ સભા’ની સ્થાપન કરી. તેના પહેલા પ્રમુખ હતા પ્રાણલાલ મથુરાદાસ, સેક્રેટરી હતા મોહનલાલ રણછોડદાસ ઝવેરી, જ્યારે ગંગાદાસ પોતે હતા ખજાનચી. ૧૮૫૧ના ફેબ્રુઆરીના ઉત્તરાર્ધમાં નર્મદ મુંબઈ છોડી સુરત ગયો તે પછી ૧૮૫૧ના માર્ચની ૩૦મી તારીખથી તેણે સ્થાપેલી મંડળી પ્રાણલાલ મથુરાદાસવાળી ‘બુદ્ધિ વર્ધક સભા’માં ભળી ગઈ. લગભગ ૧૮૭૦ સુધી આ સભા અને તેનું સામયિક ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ વધતે ઓછે અંશે કાર્યરત રહ્યાં હતાં. ૧૮૯૪-૯૫માં થોડા વખત માટે તે સંસ્થા ફરી સક્રીય બની ત્યારે તેના નામમાંથી ‘હિંદુ’ શબ્દ કાઢી નાખવામાં આવ્યો. છેવટે ૧૯૩૪ના જુલાઈની ૨૯મી તારીખે તે ફાર્બસ ગુજરાતી સભામાં વિલીન થઈ ગઈ. આજે ફાર્બસ ગુજરાતી સભાનું પુસ્તકાલય ઔપચારિક રીતે ‘બુદ્ધિવર્ધક પુસ્તકાલય’ તરીકે ઓળખાય છે એટલા પૂરતું હજી એ સંસ્થાનું નામ રહ્યું છે. પણ આ સંસ્થાના ઇતિહાસ અને કામગીરીની આપણે ઝાઝી ચિંતા કરી નથી. ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ની લગભગ આખી ફાઈલ મુંબઈની કે.આર. કામા ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં સચવાઈ છે. એકના એક ચવાઈ ગયેલા વિષયો પર પીએચ.ડી. માટે ‘શોધનિબંધ’ લખનારાઓની નજર આજ સુધી તેમાં દટાયેલા ખજાનાને શોધી શકી નથી.  

સંસ્થાઓની ઉપેક્ષા કરી છે તેમ આપણા વિવેચને ૧૯મી સદીનાં ઘણાંખરાં સામયિકોની પણ ઉપેક્ષા કરી છે. ‘બુદ્ધિપ્રકાશ’ને જ પહેલું ગુજરાતી સામયિક માનીને આપણે ચાલતા આવ્યા છીએ. પણ ૧૫મી મે ૧૮૫૦ના રોજ પ્રગટ થયેલા તેના પહેલા અંકમાં આરંભે છાપેલા ‘પ્રસ્તાવના અથવા દીબાચો’માં એક વાક્ય આ પ્રમાણે છે : ‘જેટલાં મુંબાઈનાં વરતમાન અથવા ચોપાંનીઆં આવે છે, તેને લોકો ગપાઊંસ છે કેહે છે.’ એ જમાનામાં સામયિકો માટે ‘ચોપાંનીઆં’ શબ્દ વપરાતો. પણ આ વાક્ય એ હકીકતનું સૂચન કરે છે કે ‘બુદ્ધિપ્રકાશ’ શરૂ થયું તે પહેલાં મુંબઈમાં ગુજરાતી સામયિકો પ્રગટ થતાં હતાં એટલું જ નહીં, એ જમાનામાં ટપાલ કે વાહનવ્યવહારનાં સાધનો ટાંચા હોવા છતાં તે અમદાવાદ સુધી પહોંચતાં હતાં. હકીકતમાં પહેલવહેલું ગુજરાતી માસિક મુંબઈથી પ્રગટ થયું હતું, ૧૮૪૦ના સપ્ટેમ્બરની પહેલી તારીખે. તેનું ‘અશુદ્ધ’ નામ ‘વીદેઆ સાગર’, ‘શુદ્ધ’ નામ ‘વિદ્યાસાગર.’ એલ્ફિન્સ્ટન કોલેજના પહેલવહેલા ગુજરાતી આસિસ્ટન્ટ પ્રોફેસર નવરોજજી ફરદુનજી તેના અધિપતિ હતા. એ જમાનામાં ઘણી મોંઘી કહેવાય તેવી તેની કિંમત હતી દોઢ રૂપિયો! ૧૮૪૬ના ડિસેમ્બર સુધી તે નિયમિતરૂપે પ્રગટ થતું હતું. તે બંધ પડ્યું તે પહેલાં, ૧૮૪૬ના જાન્યુઆરીની પહેલી તારીખથી બે ગુજરાતી સામયિકો શરૂ થયાં હતાં. મુંબઈથી અગ્રણી પત્રકાર, સમાજ સુધારક, અને લેખક સોરાબજી શાપુરજી બંગાળીએ ‘જગત મીતર’ શરૂ કર્યું જે ૧૮૫૫ સુધી ચાલુ હતું. બીજું માસિક તે જ દિવસે સુરતમાં શરૂ થયું તે ‘સુરતના પરહેજગાર.’ ૧૮૩૯ના માર્ચમાં મુંબઈમાં કેટલાક અંગ્રેજ લશ્કરી અધિકારીઓએ ‘ટેમ્પરનન્સ યુનિયન’ની સ્થાપના કરી હતી. ટેમ્પરનન્સ એટલે મદ્યનિષેધ. બેજનજી પાલનજી કોટવાલની આગેવાની હેઠળ તેની એક શાખા સુરતમાં ૧૮૪૫માં શરૂ થઈ હતી. એ શાખાએ શરૂ કરેલું ‘સુરતના પરહેજગાર’ એ આપણી ભાષાનું દારૂબંધીને વરેલું પહેલું – અને કદાચ છેલ્લું – સામયિક. ૧૮૫૦ના ઓક્ટોબરમાં બેજનજીનું અવસાન થતાં તે બંધ પડ્યું. અગાઉ જેનો ઉલ્લેખ કરેલો તે જ્ઞાનપ્રસારક મંડળીએ ૧૮૪૯ના જુલાઈ મહિનાથી ‘જ્ઞાનપ્રસારક’ નામનું જ માસિક શરૂ કર્યું હતું જે ૧૮૬૭ના ડિસેમ્બર સુધી ચાલુ હતું. એ જ મંડળી તરફથી ૧૮૫૨માં અરદેશર ફરામજી મૂસના અધિપણા નીચે ‘ખોલાસે જાદુ’ શરૂ થયું હતું જે બે વર્ષ જ ચાલ્યું હતું.  ૧૯૫૧ના ઓગસ્ટની પહેલીથી સોરાબજી બંગાળીએ ‘જગત પરેમી’ નામે બીજું માસિક શરૂ કર્યું હતું. તેનો મુખ્ય ભાગ ‘ઉગમણ તથા આથમણ પરાન્તના દેશોની પુરાતન હાલતને લગતી શોધો’ માટે રોકાયેલો રહેતો. કેવળ સંગીતને વરેલું સામયિક ગુજરાતીમાં ચલાવવું આજે પણ સહેલું નથી. ૧૮૫૪માં તો એમ કરવું કેટલું મુશ્કેલ હશે? પણ મુંબઈથી દાદાભાઈ સોરાબજી મહેતાએ ૧૮૫૪ના જાન્યુઆરીની પહેલીથી સંગીતને વરેલું ‘સરોદ સરાહીદન’ નામનું માસિક શરૂ કર્યું એટલું જ નહીં ૧૮૬૧ સુધી તેને ચલાવ્યું હતું. ૧૯મી સદીના પૂર્વાર્ધની વાત જવા દો, માત્ર સાહિત્યવિવેચનને વરેલું એક ત્રિમાસિક છેક ૧૮૮૬માં મુંબઈથી શરૂ થયું હતું એ વાતની કોણે નોંધ લીધી છે? સાક્ષર સહાયક, પ્રજા પ્રબોધક મંડળે શરૂ કરેલા એ સામયિકનું નામ હતું ‘વિવેચક.’ ગુજરાતી ટૂંકી વાર્તાનું પગેરું હજી આપણે સંતોષકારક રીતે શોધી શક્યા નથી, કારણ આપણી નજર માત્ર પુસ્તકો પર રહી છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધનાં સામયિકોની ફાઈલો ઝીણા આંકે ચાળીએ તો તેમાંથી શરૂઆતની ટૂંકી વાર્તાના નમૂના મળી આવે તેવો પૂરો સંભવ છે. પચાસ વર્ષ સુધી આપણાં સામયિકોને વાર્તા છાપ્યા વગર ચાલ્યું હોય એમ માનવું મુશ્કેલ છે. હા, અનુવાદ કે રૂપાંતર માટેની સૂગ આપણે છોડવી પડે. આપણી સૌથી મોટી મુશ્કેલી એ છે કે ગુજરાતી સાહિત્યનો, છાપાં-સામયિકોનો, સાહિત્યિક સંસ્થાઓનો, સિલસિલાબંધ, વિગતવાર, પ્રમાણભૂત ઇતિહાસ આપણી પાસે છે જ નહીં. અને જ્યાં માહિતી જ નથી, ત્યાં વિવેચન તો ક્યાંથી જ હોય?

ગમે તેટલા મહાન સર્જકની કૃતિ પણ સાહિત્યિક મરુભૂમિમાં એકાએક ઊગી નીકળતી નથી. એવા સર્જકને અને એવી કૃતિને પોષનારાં અને પ્રેરનારાં તત્ત્વો અને સત્ત્વો સાહિત્યિક ભૂમિમાં ધરબાયેલાં પડ્યાં જ હોય છે. નવલકથા અને નાટક જેવા સમાજ સાથે સીધો સંબંધ ધરાવતા પ્રકારો માટે તો આ વાત સવિશેષ સાચી છે. પણ આપણા સાહિત્યના વિવેચનનાં કે ઇતિહાસનાં ઘણાંખરાં પુસ્તકો માર્ગસૂચક સ્તંભોની જેટલી વાત કરે છે તેટલી માર્ગની કરતાં નથી. એક બે ઉદાહરણો જોઈએ. આપણા વિવેચને માની લીધું કે આપણી નવલકથામાં દેશી રાજ્યોની ખટપટની વાત પહેલીવાર ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’માં કરી. પણ ૧૮૬૬માં ‘કરણઘેલો’ પ્રગટ થઈ તે પછી ચાર જ વર્ષે પ્રગટ થયેલી ભાણશંકર જયશંકરની નવલકથા ‘ભભકપૂર’માં એશઆરામમાં પડી જઈને કર્તવ્યભાન ભૂલેલા રાજાનું પતન થતું બતાવાયું છે. દેશી રાજ્યો અંગેની આ આપણી પહેલી નવલકથા છે. પાત્રોને ગુણ પ્રમાણે અપાયેલાં નામોને એક વખત ‘સરસ્વતીચંદ્ર’ની વિશિષ્ટતા ગણાવવામાં આવતી હતી. પણ ‘ભભક્પૂર’ના લેખક આ બાબતમાં પણ ગોવર્ધનરામના પુરોગામી છે. રાજા અબલસિંહ, કારભારી નિષ્કપટીદાસ, લાંચખાઉ કારભારી ત્રોડફોડભાઈ, રાજવૈદ ધનદાસ, વગેરે પાત્રો અહીં જોવા મળે છે. ૧૮૭૯માં પ્રગટ થયેલી હરગોવિંદદાસ કાંટાવાળાની ‘અંધેરી નગરીનો ગર્ધવસેન’ પણ દેશી રાજ્યોની દશા અને તેમાં સુધારો કરવાના ઉપાયો વિશેની નવલકથા છે. અહીં પણ ગર્ધવસેન, દુર્બળસિંહ, બોથડપંત, કપટચંદ, એવાં પાત્રનામો જોવા મળે છે. ‘સરસ્વતીચંદ્ર’માં ગુણસુંદરી છે તો અહીં સગુણસુંદરી છે. ‘સરસ્વતીચંદ્ર’નાં કુમુદ અને કુસુમ જેવાં પાત્રો વિશે કહેવાયું છે કે આ નવલકથા વાંચીને ઘણા લોકોએ પોતાની દીકરીઓનાં આવાં નામ પાડેલાં. પણ હકીકતમાં એ વખતના સમાજમાં પ્રચલિત નામો ગોવર્ધનરામે ઉપાડી લીધાં હોય એવો સંભવ વધારે છે. કારણ ૧૮૭૨માં પ્રગટ થયેલી ધીરજરામ જગજીવનદાસની નવલકથા ‘કુમુદા’ની નાયિકાનું તે જ નામ છે અને તેમાં એક પાત્રનું નામ કુસમ પણ છે. તો ૧૮૮૪માં પ્રગટ થયેલી વિઠ્ઠલદાસ ધનજીભાઈની નવલકથાનું નામ છે ‘પતિવ્રતા સ્ત્રી ગુણસુંદરી’. નવીનચંદ્ર અને કુમુદ વચ્ચેના પત્રવ્યવહારને પણ ‘સરસ્વતીચંદ્ર’નું એક આગવું પાસું ગણવામાં આવે છે. પણ આવો પત્રવ્યવહાર કરનારી કુમુદ પહેલી નાયિકા નથી. ૧૮૭૩માં પ્રગટ થયેલી કેશવરામ દલપતરામની નવલકથા ‘ચંદાકુમારીની વાર્તા’માં પણ કથાનાયિકા ચંદાકુમારી નાયક પ્રાણલાલ સાથે લાંબો પત્રવ્યવહાર ચલાવે છે. કથાને અંતે વિધવા કુમુદનાં લગ્ન સરસ્વતીચંદ્ર સાથે ગોવર્ધનરામે નથી કરાવ્યાં એ અંગે આપણે ત્યાં સારી એવી ચર્ચા થઈ છે અને નવલકથામાં વિધવાનાં પુનર્લગ્ન કરાવવાની પહેલ કનૈયાલાલ મુનશીએ ‘કોનો વાંક?’માં કરી એમ કહેવાયું છે. પણ હકીકતમાં વિધવાવિવાહ કરાવવાનું હિંમતભર્યું પગલું ‘સરસ્વતીચંદ્ર’નો પહેલો ભાગ બહાર પડ્યો તે પહેલાં, ૧૮૮૦માં પ્રગટ થયેલી નવલકથા ‘કમળાકુમારી’માં ભવાનીશંકર નરસિંહરામ કવિ નામના લેખકે લીધું હતું. આ નવલકથાની સોળ પાનાંની પ્રસ્તાવના અંગ્રેજીમાં રમણભાઈ નીલકંઠે લખી હતી. તેમાં તેમણે કહ્યું હતું : ‘The author Mr. Bhavanishankar Narsinhram of Limdi has rendered a service to the cause of social reform, he has depicted faithfully the condition of Hindu society and his story makes the necessity of reform self-evident.’ છેક ૧૮૮૦માં, લીંબડી જેવા નાનકડા ગામનો લેખક પોતાની નવલકથામાં આવું હિંમતભર્યું પગલું લે છે, પણ તેની નોંધ આપણે લીધી છે? પણ આ બધી નવલકથાઓ લખનારા કોઈ મોટાં માથાં નહીં, માર્ગસૂચક સ્તંભો નહીં, પણ માર્ગ પર પડેલા પથરા, એટલે તેમના તરફ કોણ ધ્યાન આપે? જરૂર છે આવા પથરાને વીણીવીણીને તેમને શાલીગ્રામ તરીકે સ્થાપે તેવા વિવેચનની.             

પણ પારસીઓ, પાદરીઓ, પરદેશીઓ, સંસ્થાઓ, સામયિકો, આજે ભૂલાઈ ગયેલ લેખકો અને કૃતિઓ વિશે વાત કરવી હોય તો કંઈ નહીં તો ૧૯મી સદી પૂરતી આપણે ‘સાહિત્ય’ શબ્દની વ્યાખ્યા વધુ વિસ્તૃત કરવી પડશે. કારણ ૧૯મી સદીના ઘણા દાયકા સુધી આજે આપણે જેને ‘સાહિત્યિક’ નથી ગણતા એવાં પુસ્તકોનું વર્ચસ્વ રહ્યું હતું. ૧૮૦૮થી ૧૮૬૭ સુધીના સાઠ વર્ષના ગાળામાં ઓછામાં ઓછાં ૧૧૫૦ પુસ્તકો પ્રગટ થયાં હતાં. તેમાંથી ૫૪ પુસ્તકો ઇતિહાસને લગતાં છે, ૪૮ સમાજશાસ્ત્રને લગતાં છે, કાયદા વિશેનાં ૪૦ અને ભૂગોળ વિશેનાં ૨૬ પુસ્તકો પ્રગટ થયાં છે. સૌથી વધુ – ૧૫૧ – પુસ્તકો પારસીઓના ધર્મ વિશે પ્રગટ થયાં છે. ખ્રિસ્તી ધર્મ વિશે ૩૧ અને હિંદુ ધર્મ વિશે ૩૨ પુસ્તકો છપાયાં હતાં. આ બધાં પુસ્તકોમાંની ભાષા તેમ જ સામગ્રી – કન્ટેન્ટ – આજે આપણને કાલગ્રસ્ત લાગે. પણ એ જમાનામાં ગુજરાતી ભાષાને – ખાસ કરીને ગુજરાતી ગદ્યને, તેના શબ્દભંડોળને, તેના વાક્યવિન્યાસોને, તેની માંડણીને, તેની શૈલીને, અર્વાચીનતાનો ઓપ આપવામાં આ પ્રકારનાં પુસ્તકોએ તેમ જ વિવિધ વિષયોનાં શાલેય પાઠ્યપુસ્તકોએ મહત્ત્વનો ફાળો આપ્યો હતો. પણ એ તરફ આપણે ભાગ્યે જ ધ્યાન આપ્યું છે. ‘સાહિત્ય’ને બદલે વધુ વ્યાપક એવી ‘વાઙ્મય’ સંજ્ઞાનો ઉપયોગ કરીને ૧૯મી સદીના ગ્રંથકારો અને તેમના ગ્રંથોને નવેસરથી જોવા, જાણવા, અને નાણવાની જરૂર છે. 

છેલ્લા થોડા દાયકાથી આપણા વિવેચનમાં એક વલણ જોર પકડતું જોવા મળે છે. એ છે આજનું ગુજરાત રાજ્ય જ જાણે ૧૯મી સદીમાં પણ અસ્તિત્વમાં હોય એમ માનીને વાત કરવાનું. ગુજરાતી ભાષા અને સાહિત્યને, તેનાં મુદ્રણ અને પ્રકાશનને, તેના શિક્ષણને, પુસ્તકો, અખબારો અને સામયિકોને, ગુજરાતી નાટક અને રંગભૂમિને, જાણે મુંબઈ સાથે કશું લાગતું વળગતું જ ન હોય એમ માનીને ચાલવાનું વલણ ભલભલા વિવેચકોએ અપનાવ્યું છે. એક દાખલાથી વાત વધુ સ્પષ્ટ થશે. ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રગટ કરેલા દળદાર ‘ગુજરાતી સાહિત્યકોશ’ના ત્રીજા ભાગમાં માત્ર હાલના ગુજરાત રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓ વિશે જ માહિતી આપી છે, પણ ઉચ્ચ કક્ષાએ ગુજરાતીના શિક્ષણની પહેલ કરનાર યુનિવર્સિટી ઓફ બોમ્બે કે એલ્ફિન્સ્ટન કોલેજનો નામોલ્લેખ કરવાનું પણ તેના વિદ્વાન સંપાદકને જરૂરી લાગ્યું નથી. પણ હકીકતમાં ૧૯૬૦ સુધી ગુજરાત અને મહારાષ્ટ્રનો મોટા ભાગનો પ્રદેશ એક જ રાજકીય એકમનો ભાગ હતો એટલું જ નહીં, એ પ્રદેશો અને તેમાંની મોટા ભાગની સાંસ્કૃિતક, શૈક્ષણિક, સાહિત્યિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર મુંબઈ હતું. ધીરુભાઈ ઠાકરે બહુ યોગ્ય રીતે કહ્યું છે તેમ, ‘મહારાષ્ટ્ર સાથે ગુજરાતનો સંબંધ પરાપૂર્વથી ચાલ્યો આવે છે. ભાષાવાર ‘જુવારું’ કર્યું અને બૃહદ્દ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ કર્યાં તેની પહેલાં દાયકાઓથી મુંબઈ ગુજરાત અને મહારાષ્ટ્રને સાંકળતી સુવર્ણકડી હતું. પશ્ચિમ ભારતની ધર્મ અને સમાજ સુધારાની અનેક ઉચ્છેદક અને સંસ્કારરક્ષક પ્રવૃત્તિઓનું ઉગમસ્થાન મુંબઈ રહેલું. ગુજરાતી અને મહારાષ્ટ્રી, બંને પ્રજાઓના સંયુક્ત સાંસ્કારિક ઉછેરનું સાક્ષી એક સદી કરતાં વધુ સમય સુધી મુંબઈ હતું.’ ૧૯મી સદી વિશે વાત કરતી વખતે તો આ વાત સતત ધ્યાનમાં રાખવાની જરૂર છે.    

જેમ મુંબઈને સમાવવા ‘ગુજરાત’ અને ‘ગુજરાતી’નો વ્યાપ વધારવો પડશે તેમ, આપણે ‘વિવેચન’ શબ્દનો અર્થવિસ્તાર પણ કરવો પડશે. કેટલીક આનુશંગિક પણ પાયાની પ્રવૃત્તિ તરફ ધ્યાન આપવું પડશે. સૌથી પહેલું કામ ૧૯મી સદીનાં પુસ્તકો અને સામયિકોના સંયુક્ત સૂચીકરણ –યુનિયન કેટલોગ -- નું કરવું પડશે. બીજું કામ ૧૯મી સદીનાં પુસ્તકો અને સામયિકોની જાળવણીનું, ડિજિટલ રૂપે જાળવણીનું, કરવું પડશે. ત્રીજું કામ તે તેમના સઘન અભ્યાસનું. ત્યાર પછી સંપાદન, સંશોધન, લેખન, વિવેચન. ૧૯મી સદીના સાહિત્ય પાસે કઈ રીતે જવું જોઈએ એનું એક ઉત્તમ ઉદાહરણ આપણને આજના ઉત્સવમૂર્તિ ડૉ. રમેશભાઈ શુકલે તેમનાં સંશોધન, સંપાદન, વિવેચનનાં પચાસ કરતાં વધુ પુસ્તકો દ્વારા પૂરું પાડ્યું છે. આવા બીજા બે-પાંચ રમેશભાઈ આપણી પાસે હોત તો જે નથી થયું તેમાંનું ઘણું થઈ ચૂક્યું હોત.

છેલ્લે, એક સૂચન કરવાનું મન થાય છે. ૧૯મી સદીનાં સાહિત્ય, બલકે વાઙ્મયના સંગોપન, સંશોધન, અધ્યન, સંપાદન, પ્રકાશન માટે એક અલગ સ્વાધ્યાય કેન્દ્ર શરૂ કરવાની જરૂર છે. તેનું પહેલું કામ લેખકો, પુસ્તકો, સામયિકો, સંસ્થાઓ વગેરે વિશે માહિતી મેળવી તેનું સૂચીકરણ કરવાનું. બીજું કામ બને તેટલી વધુ મુદ્રિત સામગ્રીને ડિજિટલ રૂપે એક સ્થળે એકઠી કરવાનું અને તે અભ્યાસીઓને સુલભ કરી આપવાનું. સંશોધન, સંપાદન, વિવેચનને તો તે અવકાશ અને પ્રોત્સાહન આપે જ. તેના ફળ સ્વરૂપે જે સામગ્રી તૈયાર થાય તેની ચકાસણી કરીને યોગ્ય લાગે તે સામગ્રીનું પ્રકાશન કરવાનું કામ પણ તે કરે. આ કેન્દ્રને પોતાની વેબસાઈટ તો પહેલેથી જ હોય અને બને તેટલી સામગ્રી ડિજિટલ રૂપે તેના પર સર્વ-સુલભ હોય.

૧૯મી સદીના સાહિત્ય અંગેની આપણી જાણકારી અને વિવેચનની આજની સ્થિતિ ‘મન જળ થંભ થયેલું’ જેવી છે. ૧૯મી સદીના સાહિત્યના સંશોધન, સંપાદન, અભ્યાસ, વિવેચન, ઈતિહાસલેખન, પ્રકાશન વગેરે સાથે સંકળાયેલા સૌ કોઈને આજે આટલાં વર્ષો પછી પણ ફરી નર્મદના એ શબ્દો થોડા ફેરફાર સાથે કહેવા પડે તેમ છે : ’હવે તો ડોળિ નાંખો રે, મન જળ થંભ થયેલું.’*
____________________________________________
*૧૯ જાન્યુઆરી, ૨૦૧૩ના રોજ પ્રો. અનંતરાય મ. રાવળ સ્મારક સમિતિના ઉપક્રમે અમદાવાદમાં આપેલું અનંતરાય રાવળ સ્મૃિત વ્યાખ્યાન  

 

e.mail : [email protected]

 

("અોપિનિયન", 26 માર્ચ 2013)

 

 

Category :- Opinion Online / Literature

પક્ષીતત્વ

નંદિતા મુનિ
14-03-2013

હમણાં ત્રણેક દીની રજા હતી. એ દરમ્યાન મારો મોટા ભાગનો સમય મારા અભ્યાસખંડમાં - ‘a room of one’s own’ - વીતતો હતો. મારી બેઠક એકદમ બારી પાસે.બારીના કાચ આજકાલ ઠંડીના કારણે બંધ રહે છે. આ કાચ એવા કે હું બહારની દુનિયા નિહાળી શકું, પ્રચ્છન્ન રહીને. આ પરિસ્થિતિના ફાયદા દેખીતા જ છે. એ પૈકી એક ફાયદો બારીના ઓટા પર કે બારી પાસે વાવેલ વાયવરણા પર નિ:શંકભાવે ફરતાં પક્ષીઓને નિહાળવાનો. એકદમ જ નજીકથી.

કાચ પર અમુક સમયે એવી રીતે પ્રકાશ પડે કે એમાં પક્ષીઓ પોતાનું પ્રતિબિંબ જોઈ શકે. આવું થાય ત્યારે જો વન લેલાં કે મોટાં લેલાં આવી ચડ્યાં હોય તો જોઈ લો મઝા. વન લેલાંની પીળા વર્તુળવાળી આંખ ધ્યાનથી જોઇએ તો એ આમ પણ જરાક ચસકેલ લાગે. અને એમાં પોતાનું પ્રતિબિંબ નજરે ચડે ત્યારે એ, અસલના સમયમાં બૂંગિયો વાગતાં શૂરવીરોની જે અવસ્થા થતી તેમાં એટલે કે વીરરસમાં આવી જાય! કાચ અને ચાંચનું ધીંગાણું નિહાળીને ‘ઇર્શાદ’ યાદ આવી જાય: ક્યારેક સાચ સામે, ક્યારેક કાચ સામે; થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી ... પણ આ શૂરવીરો જલદી થાકતા નથી. ... કદાચ આપણી લડાઈઓ પણ મોટા ભાગે આવી જ છે.

હરિનારાયણ આચાર્ય ‘વનેચર’ અને હૉરેસ એલેક્ઝેન્ડરે પણ આ શૌર્યની નોંધ લીધી છે. ‘પક્ષિતત્વવિદ્વર શ્રી હૉરેસ એલેક્ઝેન્ડર’ નામના પોતાના લેખમાં શ્રી આચાર્ય લખે છે : ‘ગાડીમાં બેસતાં બેસતાં શ્રી એલેક્ઝેન્ડરે મોટરના પૈડાની ચળકતી નિકલ-પ્લેટેડ ઢાંકણી પર બૂટના ટેરવાથી ઠોકર મારી અને મારા સામું જોઈ હસ્યા. હું પણ હસ્યો અને પૂછ્યું : હજુ પણ યાદ છે? એમણે કહ્યું : હા અને ભવિષ્યમાં પણ રહેશે ... લેલાં પક્ષીઓની મોટરના ચાકની ચળકતી ઢાંકણી ઉપર ચાંચ વડે ટકોરા મારવાની ટેવ વિષયની એમની એક નોંધ પ્રસિદ્ધ થયી હતી. એ નોંધની પુરવણી રૂપે લેલાંનો એમના જેવો જ મારો અનુભવ,મેં એ જ સામયિકમાં, નોંધરૂપે રજૂ કર્યો હતો. મારા સામું જોઈ એ હસેલા એની પાછળ આ જ વાતનો ઇશારો હતો.’

લેલાંનું આ યુદ્ધ નિહાળીને મને મારા જૂના ઘરની ઓસરી યાદ આવી ગઈ. ત્યાં એક અરીસો લટકાવેલો રહેતો. એના પર ચકલી આવીને આવું જ યુદ્ધ ખેલતી. જેટલી વાર ઉડાડીએ એટલી વાર પાછી આવે. એનું શૂરાતન એ કક્ષાએ પહોંચ્યું હતું કે એક વાર અરીસા પર કંકુછાંટણાં દેખાયાં. ચકલીએ ચાંચ અથડાવી અથડાવીને લોહી કાઢ્યું હતું! પછી દાદીમાએ અરીસો ઉતારીને મૂકાવી દીધો હતો. સાવચેતી ખાતર ઘરના બીજા અરીસા પણ કપડાથી ઢાંકી દીધા’તા. ચકલી સાંભરતાં દુ:ખ થયું અને હું યાદ કરવા લાગી કે છેલ્લે મેં ચકલીને ક્યારે જોઈ હતી.

સવારે પંખીઓ પેટપૂજામાં વ્યસ્ત હોય. એકદમ કામગરી રીતે વાયવરણાની ડાળીઓ પર એમની આવજા થાય. પણ આહારોપાર્જન થઈ જાય એટલે એ બધાં એકદમ નિરાંતવા જીવે બેસે. રોજ બપોરે દેવચકલી આવે. એવી છટામાં પૂંછડી અદ્ધર રાખી હોય કે જાણે એના ટેકા વિના આભ નીચે પડી જશે. કદાચ પડે પણ ખરું, કોણ જાણે છે? દેવચકલી પ્રત્યે મને પહેલેથી પક્ષપાત. મા ખોડિયાર કાળીદેવનું રૂપ લઈને ભાવેણાના રાજાના ભાલે આવીને બેસે, ને પછી અમારા ભાવનગરની ફત્તેહ! પણ અહીં તો દેવચકલી ધીમા ધીમા મીઠા સૂરમાં ગીતો ગાવા આવે છે. ‘બિલ્લી વાઘ તણી માસી’ હોય તો દેવચકલી શામાની માસી ખરી કે નહીં? શામા ભારતનું સૌથી સારું ગાયક.  એનાં માસીબા સગપણને નથી લજાવતાં; મંદ પણ સુંદર ગાય છે. સાંભળીને મનને બહુ સારું લાગે.

પણ સૌથી વધુ મઝા કાબરને જોઇને આવે. રોજ ચાર કાબર વાયવરણા પર આવીને બેસે છે. પહેલાં તો નિરાંતે પીંછેપીંછું સાફ કરે. પોતાનું, અને વહાલ ઉભરાય તો સાથીનું. એ બધી સાજસજ્જા પછી એનું ગાણું શરૂ થાય. કાબરનું માથું આમ તો સરસ રીતે ધૂપેલ લગાવીને ઓળ્યું હોય તેવું લાગે. પણ ગાવાનું શરૂ કરે ત્યારે માથાનાં પીંછાં બને તેટલાં ઊંચાં કરીને પછી જ આરંભ કરે. ગાય પણ લટકાળી રીતે. વચ્ચે વચ્ચે માથું નીચું નમાવતી જાય અને ટહુકા સાથે ઊંચું કરીને પાછા તાનપલટા શરૂ કરે. સાંભળવાની મઝા આવે એટલી જ જોવાની પણ આવે! આ મહેફિલ પૂરી થાય પછી તંદ્રાનો સમય આવે. પગ વાળી દેવાના, પેટ ડાળી પર ટેકવવાનું અને પેટનાં પીંછાં ફૂલાવીને પહોળાં કરવાનાં. આંખનું નીચેનું પીળું પોપચું ઊંચું કરી આંખ મીંચી દેવાની. પછી કાબરબેન ઝોકાં ખાય. ક્યારેક તો આપણને એમ થાય કે ડાળ પરથી ગબડી જશે કે શું? પણ જરાક અમથો સંચર થાય એટલે તરત સાવધાન! પસ્તીવાળા ભાઈ  કે ગાય નીકળ્યા હોય તો પાછી આંખ બીડી દે; પણ બિલાડી કે શકરો હોય તો  તો બધાં જાગી જાય એટલો ઘોંઘાટ કરી મૂકે. એમ થાય કે હમણાં જાતજાતના ટહુકા કરતી’તી એ જ આ વૈખરી વાચાવાળી?

વાયવરણાને વીંટાયેલી સંધ્યાવેલનાં શ્વેત ફૂલોથી આકર્ષાઈને જાંબુડી શક્કરખોરા પણ આંટો મારી જાય. એ બન્નેની ઘટાથી આકર્ષાઈને માળો બનાવવા માટે મુનિયા અને દરજીડો આવે. બુલબુલ આવી જાય; ક્યારેક કચ્છી પિદ્દો પણ આવી જાય. ખિસકોલી-કાચીંડા તો ખરા જ. આમ મારી બારી રળિયાત બન્યા કરે.

અત્યારે પણ કાબર એનાં ગાણાં ગાતી હશે. પણ મારી રજાઓ પૂરી થઈ ગઈ છે. ‘જરાસંધ’ની એક લઘુકથા યાદ કરું છું : ‘પક્ષીતત્વ’. આ કથાના મધ્યમવર્ગી નાયકને નાનપણમાં ગગનવિહારી પક્ષીઓને દેખી એવી જ મોકળાશથી રમવાની ઇચ્છા થાય. મોટા થયા પછી ઑફિસે જતી વખતે ઝોકાં ખાતાં પક્ષીની સામે એ જોઈ રહે. અને એથી પણ પછીના સમયમાં, નિરાંતવાં પક્ષીઓને જોઈને એ વિચારે કે પક્ષીઓને દીકરી પરણાવવાની ચિંતા નથી હોતી ... દરેક માણસની અંદર પક્ષીતત્વ રહેલું જ હશે ને? ઉપનિષદમાં આત્મા અને પરમાત્માને અમસ્તાં ‘સુપર્ણ’ નહીં કહ્યાં હોય ... ઑફિસના પીંજરની અંદર રહ્યે રહ્યે આજે મારી અંદરનું પક્ષીતત્વ કંઈક વધુ જ પ્રબળ થઈ ગયું, એટલે અહીં આ બધું. થોડી વાર ટેબલ પર નાનકડું આકાશ ઉતરી આવ્યું! પણ હવે મનની ઉડાન આટલેથી જ સંકેલી લઉં. 

FRIDAY, AUGUST 10, 2012

સૌજન્ય : http://thismysparklinglife.blogspot.in/

Category :- Opinion Online / Literature