LITERATURE

નઝામ બદલે જાણગે

દીપક બારડોલીકર
20-03-2013

લાહોરને પંજાબીઅો લહોર કહે છે. અા શહેર પંજાબનું હૃદય ગણાય છે. સુંદર શહેર ! દિલવાળાઅોનું  શહેર ! ઉદાર મહેમાનનવાઝ  ઇન્સાનોનું  શહેર !

અહીં શાહી કિલ્લો છે, શાહી મસ્જિદ છે, શીશમહલ છે, શાલીમાર બાગ અને દાતાનો દરબાર અને બીજું ઘણું છે. લખવા બેસું તો એનો એક અલાયદો લેખ થાય. … ગમે એમ પણ અા એક ભવ્ય શહેર છે. જોવા જેવું શહેર. અને એના વિશે કહેવાય છે કે ‘જિસનું લહોર ના વેખ્યા વો જનમ્યાહી નૈ !’

અા શાનદાર શહેરમાં એક પંજાબી શાયર હતા. નામ હતું ઉસ્તાદ દામન. એ એક સારા દરજી હતા, અાપણા સુરતના ગોપી પરાવાળા ગની દહીંવાળા જેવા. ગનીભાઈ સિદ્ધહસ્ત કવિ હતા. તેમની કેટલીક ગઝલો તો અભૂતપૂર્વ ગણાય છે. અનોખી શૈલી, અદ્દભુત ખયાલ ! ગનીભાઈ અને ઉસ્તાદ દામનમાં કેટલુંક મળતાપણું હતું.  એ બન્ને ખુશમિજાજ, યારોના યાર અને દુનિયાથી બેપરવા હતા. ઉસ્તાદ દામનની લાહોરમાં ટેલરિંગ શોપ હતી, જે 1947માં ઉપખંડને અાઝાદી મળી ત્યારે વિરોધીઅોએ બાળી નાખી હતી. કહે છે કે અા અાગમાં કપડાંભેગું, તેમનું ઘણું સાહિત્ય પણ બળી ગયું હતું. અા ઘટનાના તીવ્ર અાઘાતે તેમને વિરક્ત કરી નાખ્યા હતા. અને ત્યાર પછી તેમણે કલંદરાના જિંદગી ગુજારી હતી. 1984માં તેમની વફાત થઈ હતી.

ઉસ્તાદ દામન કોઈ સામાન્ય, ‘હૈસો ભાઈ હૈસો’ કરનારા કવિ ન હતા. સમયની અારપાર જોઈ લેનારી દૃષ્ટિ ધરાવનારા કવિ હતા. અા હકીકતની શાખ પૂરે એવું તેમણે ઘણું લખ્યું છે. નમૂના રૂપે અહીં તેમની ચાર પંક્તિ ટાંકું છું :

દુનિયા હુણ પુરાણી એ, નઝામ બદલે જાણગે,

ઊઠ્ઠ દી સવારી દે, મકામ બદલે જાણગે.

અમીર તે ગરીબ દે, નામ બદલે જાણગે,

અાકા બદલે જાણગે, ગુલામ બદલે જાણગે.

ઉસ્તાદ દામન કહે છે કે અા દુનિયા પુરાણી થઈ ગઈ છે. હવે એના શાસન, શાસકનો બદલાવ થશે, પુરાણું ઉખેડી નવું સ્થાપિત કરાશે. ઊંટોના કારવાનોના પડાવ, મંઝિલો, બદલાશે, અમીર અને ગરીબનું નવું અર્થઘટન થશે, માલિકો - શેઠો બદલાશે અને ગુલામોની ખેપ પણ બદલાઈ જશે. અાજના માલિકો અાવતી કાલના ગુલામો હશે !

ઉસ્તાદે અા પંક્તિઅો કેવી સ્થિતિમાં કહી હશે ? ખુદા જાણે. પણ તેમનું એ દર્શન કેટલું સાચું, સુરેખ છે એ તો જુઅો ! દુનિયા બદલાઈ ગઈ છે. બીજા વિશ્વયુદ્ધ પછીના વિજ્ઞાનજુવાળે દુનિયાની કાયાપલટ કરી નાખી છે. જાણે દુનિયાએ કાયાકલ્પ ન કર્યો હોય !

અા એક અજબ ક્રાંતિ હતી, જે ઉસ્તાદ દામને લાહોર શહેરના કોઈક ખૂણે બેસીને જોઈ હશે. તેમણે કદાચ વૈજ્ઞાનિક સંશોધનો અને તેનાં અાશ્ચર્યકારક પરિણામોની ભરમાર નહીં દેખી હોય, પરંતુ શાહોના તાજ ને તખત તથા સરમુખત્યારોના પોલાદી પગ ઉખડતા - ફેંકાતા તો જરૂર જોયાં હશે ! અને સામાન્ય પ્રજાને અધિકારની શમશીરો ઉપાડીને છડેચોક ફરતીયે જોઈ હશે !

અાવું અદ્દભુત દર્શન મિર્ઝા ગાલિબ, ઇકબાદ અને ફયઝ અહમદ ફયઝ અને અન્ય અનેક કવિઅોને ત્યાં જોવા મળે છે. અહીં અાપણે એ માંહેનું કેટલુંક ચૂંટેલું જોઈશું. મિર્ઝા ગાલિબ એક અનોખા શાયર હતા. પીડાઅોને ય રમાડનારા ને ગમના ગુલારા ઉડખનારા કવિ. તેમને કોઈ સાહિત્યરસિક ભૂલાવી શકે નહીં. યાદ કરવા જ પડે. તેમના પોતાના શબ્દોમાં કહીએ તો :

હૂઈ મુદ્દત કે ‘ગાલિબ’ મર ગયા પર યાદ અાતા હય

વહ હર ઈક બાત પર કેહના કે યું હોતા તો ક્યા હોતા !

તેમણે દુનિયાને બાળકોના ખેલ સ્વરૂપે રજૂ કરતાં એક શેરમાં કહ્યું છે :

બાઝીચએ ઈત્ફાલ હય દુનિયા મેરે અાગે

હોતા હય શબોરોઝ તમાશા મેરે અાગે.

અર્થાત્ : મારી સમક્ષ અા દુનિયા નાનાં બાળકોના ખેલ સમાન છે. એવા ખેલ જે છાશવારે બદલાય છે. − જાણે એક તમાશો ! જે રાત -દિવસ મારી સમક્ષ ભજવાઈ રહ્યો છે. અાજે શું ! અાવતી કાલે શું નું શું ! દરરોજ એક નવો તમાશો ! − પરિવર્તન, પરિવર્તન, પરિવર્તન !

વળી, અા પરિવર્તનની ગતિ તો જુઅો : મેરી રફતાર સે ભાગે હય બયાબાં મુઝ સે !

અા ગતિનું શું કહેવું ? ફાળ ભરતા એ પ્રવાસીને જોઈને બયાબાં, રણ, વગડો પણ ભાગવા માંડે છે. દીવાના પ્રવાસીની ઝપટમાં અાવવાથી બચવા માટે ભાગે છે. પરંતુ એ પ્રવાસી − દિન-બ-દિન બદલાતી અા દુનિયા, ભાગતા રણની ક્યાં પરવા કરે છે ? તેની દૃષ્ટિમાં એ રણની હેસિયત શી છે ? જુઅો ગાલિબ શું કહે છે − એ સંદર્ભે :

જોશે જુનૂં સે કુછ નઝર અાતા નહીં ‘અસદ’

સહરા હમારી અાંખમેં ઈક મુશ્તે-ખાક હય !

યાને દીવાનગીના જોશમાં, સંઘર્ષના જુસ્સામાં ‘અસદ’ (ગાલિબનું શરૂનું તખલ્લુસ અસદ હતું.) અમને તો કંઈ દેખાતું નથી, શું સહરા ને શું વગડો !  સૌ અમારી દૃષ્ટિએ એક મુઠ્ઠી ધૂળથી વિશેષ નથી !

અમારી સંઘર્ષશક્તિ, મનુષ્યનાં સાહસો - પરાક્રમો સામે દુનિયાએ ગોઠણ ટેકવી દેવાં પડશે. અને મનુષ્ય ઇચ્છે એવું સ્વરૂપ એણે ધરવું પડશે. દુનિયા અમારા માટે છે, અમે દુનિયા માટે નથી ! મહાકવિ ‘ઇકબાલ’ના શબ્દોમાં કહીએ તો :

ન તૂ ઝમીં કે લિયે હય ન અાસમાં કે લિયે

જહાં હય તેરે લિયે, તૂ નહીં જહાં કે લિયે.

‘ઇકબાલ’ ઉર્દૂ અને ફારસી ભાષાના શાયર હતા. તેમની શાયરી પ્રણાલિકાગત શાયરીથી અલગ પડે છે. ગાલિબની જેમ તેમણે પણ ચીલો ચાતર્યો હતો અને હિન્દુસ્તાનની ગુલામ પ્રજામાં પ્રાણ ફૂકવા માટે, અાઝાદીનું સાનભાન જગાવી ગુલામીની ઝંજીરો કાપવાનો જુસ્સો જગાવવા ખાતર કલમ ચલાવી હતી. તેમની તો સમગ્ર કવિતા વીરરસથી ભરપૂર છે. અધ્યાત્મ પણ તેમનો પ્રિય વિષય હતો.

અા કવિનું જન્મસ્થળ સિયાલકોટ (પંજાબ), લાહોરમાં વર્ષો સુધી રહ્યા. તેમનો મકબરો પણ લાહોરમાં છે. એમના પૂર્વજો મૂળ કાશ્મીરી બ્રાહ્મણ હતા. ઉસ્તાદ દામનથી બહુ પહેલાં તેમણે વિશ્વપરિવર્તન વિશે ઘણું કહ્યું હતું. તેમનો એક શેર છે :

અાંખ જો કુછ દેખતી હય લબ પે અા સકતા નહીં

મરવે હયરત હું કે દુનિયા ક્યા સે ક્યા હો જાયેગી !

એટલે કે મારી અાંખો પ્રજ્ઞા દૃષ્ટિ જે અદ્દભુત દૃષ્યો દેખી રહી છે, મારું દર્શન મારા અોષ્ટ પર અાવી શકતું નથી. અાશ્ચર્યમાં એવો ગરકાવ છું, ભાવિ પરિવર્તનોનાં અદ્દભુત દૃષ્યોએ, મારા દર્શને મને એવો ચકિત કીધો છે કે અોષ્ઠ ખૂલી શકતા નથી ! શું કહું કે દુનિયા અાવતી કાલે ક્યાંની ક્યાં પહોંચી જશે !

‘ઇકબાલ‘ એક અણુમાં સમગ્ર રણને, સહરાને જુએ છે. યહ ઝર્રા નહીં, શાયદ સિમટા હુઅા સહરા હય ! − તો વળી, તે અા જિંદગીમાં, હયાતીમાં ઉદ્યાનનું સ્વરૂપ બદલી નાખવાની અસામાન્ય શક્તિ જુએ છે. તે કહે છે :

ચાહે તો બદલ ડાલે હયઅત ચમનસ્તાં કી

યે હસ્તી દાના હય બીના હય, તવાના હય.

અર્થાત્ − અા જિંદગી અગર ઇચ્છે તો ઉદ્યાનનું - વિશ્વનું સ્વરૂપ બદલાવી શકે એમ છે. એ બુદ્ધિમાન છે, દૃષ્ટિવાન છે, સ્વાસ્થ્યવાન છે, શક્તિવાન છે.

મતલબ કે મનુષ્યએ તેની શક્તિને પરખવી જોઈએ, તેના પર ભરોસો કરવો જોઈએ અને કમ્મર કસીને અાગેકૂચ કરવી જોઈએ. જાણવું જોઈએ કે જ્યાં ગતિ ત્યાં પ્રગતિ, જ્યાં હિમ્મત ત્યાં સરજત ! સંઘર્ષ વિશે ને હામ - હિમ્મત બાબત ફયઝ અહમદ ફયઝ શું કહે છે ?

અર્સએ દહર કે હંગામે તહે ખાબ સહી

ગર્મ રખ અાતિશે પયકાર સે સીના અપના.

એટલે કે વિશ્વ-અાંગણની ધમાલો અત્યારે ભલે નીંદરમાં, ખાબમાં પડી હોય, પરંતુ તું તારા સીનાને, તારી છાતીને સંઘર્ષના અગ્નિથી ગરમ રાખ. યાને તું સંઘર્ષ નિરંતર ચાલુ રાખ − સુષુપ્ત પડેલી વિશ્વની ધમાલો જાગૃત થઈ જશે અને પરિણામે વિશ્વની શિકલ બદલાઈ જશે, − અાવા અવિરત, અણથક સંઘર્ષ કરનારા જવાનોના મોઢામાં ફયઝ સાહેબ અાવા શબ્દો મૂકે છે :

ચંદ રોઝ અૌર મેરી જાન ! ફક્ત ચંદ હી રોઝ !

ઝુલ્મ કી છાંવ મેં દમ લેને પે મજબૂર હંય હમ

અૌર કુછ દેર સિતમ સેહ લેં તડપ લેં, રો લેં

અપને અજદાદ કી મિરાસ હય મઅઝૂર હય હમ

ચંદ રોઝ અોર મેરી જાન ! ફક્ત ચંદ હી રોઝ !    

જુલમની અા છાંઈ, અાપણી લાચાર સ્થિતિ, વારસાગત મળેલી અા દુર્દશા ફક્ત ચંદ રોજ માટે છે. અને ત્યાર પછી ઉજ્જવળ પ્રભાત હશે. કવિ વિશ્વાસપૂર્વક કહે છે :

જો ઈસ સાઅત મેં પિન્હાં હય ઉજાલા હમ ભી દેખેં ગે

જો ફરકે સુબ્હ પર ચમકે ગા તારા હમ ભી દેખેં ગે

ફયઝ સાહેબ કહે છે કે સમયની ભીતર જે અજવાશ ગોપિત છે અને પ્રભાતના લલાટે જે સિતારો ચમકશે તે અમે પણ જોશું ! પરિવર્તનો, ક્રાંતિ વિશ્વની બદલતી શિકલ એ સૌ અમે જોશું. શાહોના તખત ઉથલી ગયા હશે અને તેમના તાજ સામાન્ય પ્રજાના ચરણોમાં હશે ! − અમે જોશું અને કદાચ એ જોવાનું અમારા ભાગ્યમાં ન હોય તો ? જુઅો એના ઉત્તરમાં ફયઝ સાહેબ શું કહે છે :

બલા સે હમને ન દેખા તો અૌર દેખેં ગે

ફરોગે ગુલ્શનો સવતે હઝાર કા મોસમ !

યાને અા ગુલ્શન અને અાનંદોલ્લાસના પોકારોની રોનક અગર અમે ન જોઈ શકીએ તો ભલે − અન્ય લોકો, ભાવિ પેઢીના લોકો જોશે. કષ્ટની અમને પરવા નથી. અમારી ફરજ સંઘર્ષની છે. સંઘર્ષ કરીશું અંતિમ શ્વાસ સુધી. સહર કરીબ હય, દિલ સે કહો ન ઘબરાતેં !

[નોંધ : અા લેખમાંની ઉસ્તાદ દામન વિશેની કેટલીક વિગત ‘લોકનાદ’ − અમદાવાદના 2013ના કેલેન્ડર ‘સાંઝી વિરાસત’ના અાધારે લેવામાં અાવી છે. શુક્રિયા.]

[136, Stamford Street, Old Trafford, MANCHESTER M16 9LR, U.K.]

("અોપિનિયન", 26 માર્ચ 2013)

Category :- Opinion Online / Literature

‘આવો લેખ લખવાનાં સાધનો મેળવવાની ઘણી મુશ્કેલી છે. વખતોવખત થતી સાહિત્યપ્રસિદ્ધિની સંપૂર્ણ માહિતી આપે એવું મંડળ યા પુસ્તકાલય યા માસિક ગુજરાતમાં નથી .... મુદ્રાયન્ત્રોના માલિકોને, ગ્રંથ પ્રસારક મંડળોના મંત્રીઓને અને ગ્રંથ વિક્રેતાઓને પત્રો લખ્યા હતા. પરંતુ તેમાંથી માત્ર ચારના જવાબ આવ્યા .... એટલે આ લેખ સર્વતઃ સંપૂર્ણ લખી ન શકાયો હોય તો દરગુજર કરવા વિનંતી છે.’

આજની સરવૈયાની બે બેઠકોમાંના અગિયાર વક્તાઓમાંના કોઈના લખેલા શબ્દો હું આપની આગળ વાંચી રહ્યો નથી. આ શબ્દો તો છે સુરત જેમની જન્મભૂમિ હતું, ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના જેમને આભારી છે તે રણજિતરામ વાવાભાઈ મહેતાના. આ શબ્દો લખાયા હતા ઇ.સ. ૧૯૦૯માં. પણ રણજિતરામભાઈએ આજથી ૧૦૩ વર્ષ પહેલાં લખેલા આ શબ્દો નીચે સહી કરવા માટે આજના અગિયારે અગિયાર વક્તાઓ સ્વેચ્છાએ તૈયાર થશે. લાગે છે કે આટલાં વર્ષોમાં કશું જ બદલાયું નથી. સાધનોની મુશ્કેલી આજે પણ એટલી જ છે, બલકે વધી છે. વર્ષ દરમ્યાન પ્રગટ થતાં બધાં જ પુસ્તકોની માહિતી મળી રહે એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવાની અને તેને ધગશ અને કુશળતાથી નિયમિત રીતે ચલાવવાની જરૂર આજે પણ આપણને વર્તાતી નથી. એવી માહિતી મેળવવા પત્રો લખીએ તો આજે ચાર જવાબ પણ કદાચ ન મળે.

ક્યારે, શા માટે, લખ્યા હતા રણજિતરામભાઈએ આ શબ્દો? ‘જ્ઞાનસુધા’ માસિકના એપ્રિલ ૧૯૦૯ના અંકમાં પ્રગટ થયેલા ‘ઇસુનું વર્ષ ૧૯૦૮’ નામના ખાસ્સા લાંબા લેખના આરંભે તેમણે આ શબ્દો લખ્યા હતા. આજે જે કામ કરવા માટે અગિયાર જણની જરૂર પડે છે તે કામ તે વખતે રણજિતરામભાઈએ એકલે હાથે કર્યું હતું – ૧૯૦૮ના વર્ષમાં પ્રગટ થયેલાં પુસ્તકોનું સરવૈયું રજૂ કર્યું હતું. અને તેમાં તેમણે માત્ર ‘સાહિત્ય’નાં પુસ્તકોની જ વાત નહોતી કરી. ધર્મ, ઇતિહાસ, સમાજ, રાજકારણ, કેળવણી, વગેરે વિશેનાં પુસ્તકોની પણ વાત કરી હતી. પણ માત્ર પુસ્તકોની જ વાત નહોતી કરી. વર્ષભરનાં સામયિકો અને અખબારોની વાત પણ કરી હતી. પણ માત્ર મુદ્રિત શબ્દની જ વાત નહોતી કરી. ધર્મ, સમાજ, રાજકારણ, કેળવણી, જુદી જુદી જ્ઞાતિઓ, વગેરેની સંસ્થાઓની અને તેમની પ્રવૃત્તિઓની પણ વાત કરી હતી. કારણ? કારણ એમણે જ કહ્યું તે આ પ્રમાણે હતું : ‘જેવું જીવન તેવું સાહિત્ય, જીવનમાં વહેતાં બળોનો પ્રભાવ સાહિત્યમાં અંકાય છે. એટલે એ બળો વિશે કંઇક જાણવું આવશ્યક છે.... ધર્મ, સંસાર, રાજય આદિ પરત્વે થતી પ્રક્ષોભણા – મંથનના પડઘા સાહિત્યમાં સંભળાય છે યા તો તેમનો પટ સાહિત્યને બેસે છે.’

‘જ્ઞાનસુધા’ પછી બીજો પ્રયત્ન કર્યો વિજયરાય વૈદ્યે, તેમના ‘કૌમુદી’ ત્રૈમાસિકમાં. હકીકતમાં તેઓ તો વાર્ષિક કરતાં પણ આગળ વધીને ત્રિમાસિક સરવૈયું રજૂ કરવા મથી રહ્યા હતા. ૧૯૨૪માં પ્રગટ થયેલા ‘કૌમુદી’ના પહેલા જ અંકથી તેમણે ‘સમકાલીન સાહિત્યપ્રવાહ’ શીર્ષક નીચે પુસ્તકોનુ સરવૈયું પ્રગટ કરવાનું શરૂ કરેલું. વિલક્ષણ અને વિચક્ષણ વિવેચક વિજયરાય ચીલાચાલુ રીતે તો આવાં કામ કરે જ શાના? પહેલા અંકમાં આગલા ત્રણ મહિનામાં પ્રગટ થયેલાં પુસ્તકો વિશે લંબાણથી લખેલું. તો બીજા અંકમાં ‘૧૯૮૦નું વાઙમય’ નામનો લાંબો લેખ એક મિત્રને પત્ર રૂપે લખેલો. તેની શરૂઅતમાં તેમણે મિત્રને ઉદ્દેશીને લખેલું : ‘ગઈ પચ્ચીસીનું યુરોપી સાહિત્ય તમે ઘણું વાંચ્યું છે પણ આજના અગ્રણી ગુજરાતી લેખકોને તો સાભિમાન ઉવેખવામાં જ મહત્તા ને શોભા માની છે. નવાં નવાં પુસ્તકો કેવાં ને કેટલાં બહાર પડે છે તેની અધૂરી જાણ પણ તમને નથી. તમે કોઈ પણ માસિક નિયમિતપણે વાંચીને આજના લેખકવર્ગના બલાબલનો ક્યાસ કાઢતા નથી.’ આજે પણ આવા ‘મિત્રો’ આપણી વચ્ચે ક્યાં નથી? એ જ અંકમાં ‘સમકાલીન સાહિત્યપ્રવાહ’માં ૧૯૨૪ના ‘ત્રીજા ચરણનું વાઙમય’ની વિસ્તૃત સમાલોચના તો આપી જ છે. પણ તેમણે તેમાં માત્ર પુસ્તકોનાં લખાણની જ વાત નથી કરી. રૂપરંગને આધારે પુસ્તકોને પદ્મિની, હસ્તીની, ચિત્રીણી, અને શંખિની, એવા ચાર વિભાગોમાં વહેંચ્યાં છે અને દરેક પુસ્તકને પોતે અમુક વર્ગમાં શા માટે મૂક્યું છે તે સમજાવવા પુસ્તકોનાં રૂપરંગની ચર્ચા કરી છે. જો કે વાર્ષિક સમીક્ષાનું આ કામ ‘કૌમુદી’નાં પહેલાં બે વર્ષ સુધી જ ચાલુ રહ્યું હતું.

‘કૌમુદી’ પછી વાર્ષિક સમીક્ષાનો પ્રયત્ન ફરી એક વાર ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિદ્યાસભા) તરફથી થયો. ૧૯૩૦માં ‘ગ્રંથ અને ગ્રંથકાર’નો પહેલો ભાગ પ્રગટ થયો તેમાં ‘ગ્રંથકાર ચરિત્રાવળી’ની સાથે ‘સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન’ નામથી સરવૈયું રજૂ થયું હતું. બીજું એક કરવા જેવું કામ સાથોસાથ થયું તે એ વર્ષમાં પ્રગટ થયેલાં પુસ્તકોની વર્ગીકૃત યાદી પ્રગટ કરવાનું. આખું પુસ્તક ‘તૈયાર કરનાર’ તરીકે જેમનું નામ છપાયું છે તે હીરાલાલ પારેખ જ તેના કર્તા હતા. ૧૯૩૮ સુધી ‘ગ્રંથ અને ગ્રંથકાર’નું પ્રકાશન દર વર્ષે નિયમિત રીતે થતું રહ્યું અને એ આઠે ભાગમાં પુસ્તકોની વર્ગીકૃત યાદી છપાતી રહી. જો કે કેટલાક ભાગમાં વાર્ષિક ગ્રંથસમીક્ષા જોવા મળતી નથી. ત્યાર બાદ ૧૯૪૪માં પ્રગટ થયેલા નવમા ભાગમાં ‘પાંચ વર્ષના સાહિત્ય ઉપર દૃષ્ટિપાત’ નામનો સુદીર્ઘ લેખ છે, પણ તેના કર્તાનો નિર્દેશ એ પુસ્તકમાં ક્યાંય નથી. તે પછી ૧૦મો ભાગ પ્રગટ થાય છે છેક ૧૯૫૨માં. તેમાં ૧૦૦ પાનાંનો પહેલો વિભાગ છે ‘ગયા દાયકાના વાઙમય પર દૃષ્ટિપાત.’ ૧૯૬૬માં પ્રગટ થયેલા ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના ૧૧મા અને છેલ્લા ભાગમાં ૧૯૫૧થી ૧૯૬૦ સુધીના સાહિત્યનું પ્રવાહ દર્શન ૧૧૮ પાનાંમાં રજૂ થયું છે.

‘ગ્રંથ અને ગ્રંથકાર’નો ૮મો ભાગ ૧૯૩૭માં પ્રગટ થયો તે જ વર્ષે ગુજરાત સાહિત્ય સભાએ દર વર્ષે ‘ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહી’ના એક ભાગ રૂપે ‘ગ્રંથસ્થ વાઙમય’ પ્રગટ કરવાનું શરૂ કરી દીધું હતું. વાર્ષિક પુસ્તક સમીક્ષાનો સૌથી વધુ વ્યવસ્થિત અને સાતત્યભર્યો પ્રયત્ન પણ ગુજરાત સાહિત્ય સભાએ જ કર્યો. ૧૯૮૩ સુધી – પૂરાં ૪૬ વર્ષ સુધી – તેણે આ કામ કર્યું. શરૂઆતનાં વર્ષોમાં આપણા ઘણા અગ્રણી વિવેચકોને તેણે આ કામ સોપ્યું. ડોલરરાય માંકડ, અનંતરાય રાવળ, મંજુલાલ મજમુદાર, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, જેવાનો સહકાર શરૂઅતાનાં વર્ષોમાં તેને મળ્યો. પણ પછી ધીમે ધીમે વિવેચકોનો ઉત્સાહ ઓસરતો ગયો. પણ ત્યારે હતોત્સાહ થયા વગર પિતાને પગલે ચાલીને  મધુસૂદન હીરાલાલ પારેખે થોડાં વર્ષો એ જવાબદારી એકલે હાથે પાર પાડી. પણ પછી આ જવાબદારી ઉપાડી લે એવી વ્યક્તિઓ ન મળતાં ૧૯૮૩ પછી ‘ગ્રંથસ્થ વાઙમય’ની આ પ્રવૃત્તિ બંધ પડી.

ગુજરાત વિદ્યા સભાએ શરૂ કરેલું કામ ગુજરાત સાહિત્ય સભાએ ઉપાડી લીધું તેમ ગુજરાત સાહિત્ય સભાનું કામ ગુજરાતી સાહિત્ય પરિષદે તેનાં જ્ઞાનસત્રોમાંની ‘સરવૈયું’ની બેઠકો દ્વારા ઉપાડી લીધું. અલબત્ત, જે કામ રણજિતરામ મહેતા, હીરાલાલ પારેખ, કે મધુસૂદન પારેખ એકલે હાથે કરતા એ કામ માટે ઉત્તરોત્તર વધુ ને વધુ મોટી વિવેચકોની ટીમ મેદાનમાં ઉતારવી પડે છે. પણ આ બેઠકોમાં રજૂ થતાં વક્તવ્યોને પ્રગટ કરવા અંગે આટલાં વર્ષોમાં કોઈ કાયમી અને નિયમિત વ્યવસ્થા ઊભી કરી શકાઈ નથી. ક્યારેક બધાં વક્તવ્યો ‘પરબ’માં છપાય છે, ક્યારેક અમુક થોડાં જ છપાય છે, ક્યારેક એક પણ નથી છપાતું. કેટલાક સમીક્ષકો પોતાનુ વક્તવ્ય અન્ય કોઈ સામયિકમાં છપાવવાની વ્યવસ્થા કરી લે છે, કેટલાક નથી કરતા તેમનાં વક્તવ્યો બોલાયા પછી હવામાં ઊડી જાય છે. આવી સ્થિતિને કારણે સરવૈયાની પ્રવૃત્તિ ભવિષ્યના અભ્યાસીઓ માટે બહુ ઉપયોગી બની ન શકે તેમ બને. પરિષદે સરવૈયાની બેઠકોમાં રજૂ થતાં વક્તવ્યોના નિયમિત પ્રકાશનની વ્યવસ્થા કરવાની જવાબદારી ઉપાડી લેવી જોઈએ. વાતની શરૂઆત ૧૯૦૯માં લખાયેલા રણજિતરામભાઈના શબ્દોથી કરી હતી. વાત પૂરી કરતાં પણ એ જ રણજિતરામભાઈના, એ જ લેખમાંના આ શબ્દો યાદ આવે છે : ‘આપણી પાસે પૈસો છે, યૌવન છે, બુદ્ધિ છે, ફક્ત તેનો સદુપયોગ કરવાની જરૂર છે.’*
____________________________________________
ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૭મા જ્ઞાનસત્રની ‘બે વર્ષના સાહિત્યનું સરવૈયું’ બેઠકના અધ્યક્ષ સ્થાનેથી આપેલું વક્તવ્ય

e.mail : [email protected]

("અોપિનિયન", 26 માર્ચ 2013)

Category :- Opinion Online / Literature