LITERATURE

ગુજરાતી ગઝલ વિશે

રવીન્દ્ર પારેખ
19-05-2020

ગુજરાતીમાં ગઝલો ઘણી લખાય છે તેનો આનંદ છે, પણ લખાય છે તે ગઝલ જ છે તે અંગે વિચારવા જેવું છે.

કેટલાક સંજોગોમાં લઘુને સ્થાને ગુરુ નભી જાય, પણ ગુરુને સ્થાને લઘુ ન જ ચાલે તે નક્કી છે. જો આપણે ગુજરાતી ગઝલ લખતા હોઈએ તો ગઝલ ઉર્દૂ છે કે ગુજરાતી તે જોવું જોઈએ. જો ગુજરાતી વિકલ્પો મળતા હોય તો ઉર્દૂની ભરમાર વિશે વિચારવાનું રહે. ગુજરાતી ગઝલમાં હજી જનાજાઓ નીકળે છે, હજી જુર્મ થાય છે, હજી ઝુલ્ફો ઊછળે છે, દારૂબંધી છતાં હજી સાકી શરાબ વહેંચે છે. આ બધું ઉર્દૂ પરંપરાની નબળી નકલને કારણે ચાલે છે. આ હવે અટકવું જોઈએ.

આપણે જાણીએ છીએ કે ગઝલ બોલચાલની ભાષામાં લખાય છે. જો એ માનતા હોઈએ તો એ જોવાનું રહે કે સાધારણ રીતે નથી બોલાતા એવા શબ્દો તો ગઝલમાં નથી લખતાને! એક સમયે તુજ, મુજ, વિણ જેવા શબ્દો કવિતામાં લખાતા હતા, પણ એ હવે સામાન્ય વાતચીતમાં પણ બોલાતા નથી, તો એનો ઉપયોગ ટાળવો જોઈએ.

જો ગઝલ વાતચીતની ભાષામાં લખાતી હોય તો ગઝલકારોએ પાંડિત્ય પ્રગટ કરવાનું નથી તેનું ધ્યાન રાખવાનું રહે. અસંપ્રજ્ઞાત, સુવિદિત, અહર્નિશ, પ્રતાડિત, કર્ણ, ચક્ષુ જેવા શબ્દો સામાન્ય વાતચીતમાં વપરાતા નથી તો ગઝલમાં તેનો ઉપયોગ કારણ વગર કરવાનો અર્થ નથી. એ પણ સમજવાનું રહે કે ગઝલકાર, ઉપદેશક કે સલાહકાર નથી. તેનું કામ સંકેત આપવાનું છે. તે પરિસ્થિતિને સૂચવે ને ચમત્કૃતિ સાધે ત્યાં તેનું કામ પૂરું થઈ જાય છે. તે ઈલાજ બતાવે, કરવા ન બેસે. તે ઉકેલની દિશા સૂચવે, ઉકેલ ન બને. કોઈ પણ કવિતામાં સંગોપનનો મહિમા છે તે ગઝલમાં પણ છે, કારણ ગઝલ પણ કાવ્ય પ્રકાર છે.

ગઝલનો શે'ર બે પંક્તિઓથી બને છે એ સાચું, પણ રદીફ, કાફિયા જાળવીને બે પંક્તિ લખી દેવાથી શે'ર બનતો નથી. બે પંક્તિઓ એવી રીતે સંકળાવી જોઈએ કે તેમાંથી વિશેષ અર્થ નીપજે અથવા તો શે'રને અપેક્ષિત ચમત્કૃતિનો અનુભવ થાય. સર્જક માત્ર શબ્દકોશના શબ્દોનો જ ઉપયોગ કરે છે, પણ તે ત્યાં જ અટકી જતો નથી, તે શબ્દકોશના શબ્દને રક્તકોશમાં મૂકે છે ને રક્તને આંદોલિત કરે છે. એ આંદોલન કરુણા ને આનંદ પ્રગટાવે છે. એ આનંદ એટલે થાય છે કે પરિચિત શબ્દોનો અપરિચિત એવો અર્થ પ્રગટ થાય છે. સર્જક આ કામ કરે છે. તે પરિચિતમાંથી અપરિચિત એવું આનંદવિશ્વ ઊભું કરે છે. એટલે જ તો તેના વિશ્વનો તેને સર્જક કહ્યો છે.

000

e.mail : [email protected]

Category :- Opinion / Literature

વિવેચન અને વિરેચન

રવીન્દ્ર પારેખ
14-05-2020

વિવેચકોએ અન્યાય કર્યો તે ગાયા કરવાનો અર્થ નથી. એ વિવેચકોમાંના અત્યારે ઘણા નથી અથવા નિષ્ક્રિય છે, પણ તે પછી પણ વિવેચકોની પેઢીઓ આવી. એ લોકોએ શું કર્યું? એમાંના મોટે ભાગનાઓએ પીએચ.ડી મેળવીને અધ્યાપનમાં ગોઠવાઈને સલામત જિંદગી સ્વીકારી લીધી. સલામતી મળતાં પિરિયડ લેવા સિવાય વિવેચનની ચિંતા અપવાદરૂપે જ કરવાની રહી. જે સર્જકો હતા એમણે લખવા સિવાય બીજી ચિંતા કરી નહીં. એમને રસ, ઉપલક પ્રશંસાથી વધારે હતો નહીં. સર્જનનાં પણ ધોરણો બદલાયાં છે. કશુંક, સારું, જુદું થવાના અણસાર પણ મળે છે, પણ ગંભીરતાને અભાવે, અભ્યાસના અભાવે ઝાઝા ટકતા નથી.

બીજી તરફ થોડા કહેવાતા વિવેચકોએ પૈસા લઈને કે પૈસા વગર પ્રશંસામૂલક પ્રસ્તાવનાઓથી સંતોષ માન્યો છે. અત્યારે વિવેચન લગભગ મરવા પડ્યું છે. મોટે ભાગનાને હવે લાઈકસથી, કોમેન્ટસથી ચાલી જાય છે એટલે તટસ્થ, સૈદ્ધાંતિક વિવેચનાનો ખાસ ખપ જ કોઈને નથી. આજની આખેઆખી પેઢી સત્યથી વિમુખ છે ને ધંધો કરી ખાનારી છે. કેટલાક ગંભીરતાથી આજે પણ સર્જન, વિવેચનમાં પ્રવૃત્ત છે, પણ એની ટકાવારી ખૂબ ઓછી છે ને કદાચ એમની હવે જરૂર પણ નથી. ખાસ કૈં કર્યા વગર બધું જ મળી જાય એની ફિરાકમાં જ ઘણા રહે છે.

હવે કવિતા કૂટનારા કવિઓ છે એને ગાઈ નાખનારા ભોળા ગાયકો, સંગીતકારો છે. આસ્વાદ કરાવનારી બેસ્વાદ કોલમો છે ને માઇક્રોનો જમાનો છે એટલે વાર્તા, નવલકથા, નાટકો, નિબંધોમાં રસ જ કોને છે? જેને રસ હોય તે ખૂણે બેસીને લખે છે અથવા તો ખૂણો પાળે છે. એ સારું છે કે ખરાબ તે નથી ખબર, પણ અગાઉ ન હતી એવી દંભી સર્જક પેઢીમાં આપણે જીવીએ છીએ. આ બધું અગાઉ પણ હતું, પણ જે અપવાદોમાં હતું તે હવે નિયમોમાં ને મોટા પ્રમાણમાં છે. આ સમય ખસે એવું અત્યારે તો લાગતું નથી. જે સાહિત્યને ગંભીરતાથી ને અભ્યાસથી હાથમાં લે છે એ પોતાના પર ભરોસો રાખીને લખતા રહે તો ય ઘણું છે, બને કે એમને ભવિષ્યમાં મરણોત્તર વિવેચન મળે. અફસોસ સિવાય કોઈ સિલક જ બચી નથી ત્યાં કરવાનું શું?

e.mail : [email protected]

Category :- Opinion / Literature