LITERATURE

અંગ્રેજી ભાષાના લેખનમાં અનુસ્વારનું ચિહ્ન નથી. આપણી ભાષામાં એનું ચોક્કસ સ્થાન છે. આ અને આ પહેલાંનાં બન્ને મળીને ત્રણ વાક્યોમાં મેં ૯ વખત અનુસ્વારનું ચિહ્ન વાપર્યું છે.

ગયા અઠવાડિયે યોજાયેલી એક સાહિત્યસભામાં હાજરી આપવાનું બનેલું. એક મહાનુભાવ સાહિત્યકારના ગ્રન્થ વિશે સમીક્ષાનો ઉપક્રમ હતો. ગ્રન્થકાર પણ એક વક્તા રૂપે હાજર હતા. ગ્રન્થનું નામ છે, “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો”. પહેલા સમીક્ષકે શરૂઆતમાં જ પોતાની મીઠી મૂંઝવણ રમૂજમાં રજૂ કરી, કે ટાઇટલ-પેજ પર ગ્રન્થના શીર્ષકમાં હોવું જોઇતું અનુસ્વાર કેમ નથી ! એમનું તાત્પર્ય એમ હતું કે ગ્રન્થમાં જો અમેરિકાવાસી પુરુષ અને સ્ત્રી, નર અને નારી, બન્ને જાતિના સર્જકોની વાત છે, તો શીર્ષકના “કેટલાક” શબ્દ પર અનુસ્વાર હોવું જોઇએ-- “અમેરિકાવાસી ‘કેટલાંક’ ગુજરાતી સર્જકો”, એમ હોવું જોઇએ. તો બરાબર કહેવાય. એમની ફરિયાદ સાચી હતી, છતાં, સભાના અન્ત ભાગમાં ચર્ચા-ચર્ચી ચાલેલી.

વાત એમ છે કે આપણને ગુજરાતીઓને “ઝીણું” જીરું, “ટુકડી” ઘઉં, કે “પૉણિયા” ચોખા -- જેવા ભેદ પાડવામાં મહેનત નથી પડતી, પણ હ્રસ્વ અને દીર્ઘ “ઇ” કે “ઉ” લખવામાં જોર પડે છે ! તે તે ભેદ મુજબના તે તેના ભાવતાલને વળગી રહેવામાં લહેર પડે છે, પણ હ્રસ્વ-દીર્ઘ સાચવવામાં આપણી પ્રજાને કંટાળો આવે છે ! આવી સુસ્ત અને મતલબી મનોદશાને કારણે નિયત જોડણી કરવા તેમ જ લખવા-બોલવા બાબતે આપણે સૌ સ્વૈરવિહારી છીએ. એને અંગેની એકવાક્યતાના અભાવમાં આપણું ભાષા-ગાડું જેમનું તેમનું ગબડે છે. એમાં, આ અનુસ્વારની તો ભારે દુર્દશા છે. એ બાપડાની જાણે કશી વિસાત જ નથી ! સર્વસાધારણ મનોવલણ એવું જોવા મળે છે કે અનુસ્વાર હોય તો ય શું ને ન હોય તો ય શું ! આમે ય દેખાવમાં એ બચારું નાનું છે !

જુઓ, જ્યાં જરૂર ન હોય ત્યાં અનુસ્વાર હોય : “રમેશ, રમા અને એમનું કૂતરું નામે સાજન ટાવર બાજું જતાં હતાં.” આ વાક્યમાં “બાજુ” પર અનુસ્વારનું હોવું બિનજરૂરી છે. તો વળી, જ્યાં જરૂર હોય ત્યાં એ ન હોય : “ટાવર બાજુ જતા હતા” -- એમ જોવા મળે ! એમાં, “જતા” અને “હતા” બન્ને પર અનુસ્વારનું હોવું જરૂરી છે. આ અનાચાર, લેખનમાં જોવા મળે છે તેમ બોલવામાં પણ જોવા મળે છે. કેટલાક શિક્ષકો તેમ જ સારા સારા સાહિત્યકારો પણ આમાંથી બાકાત નથી ! સારસ્વતો જ બેફામ હોય, પછી પ્રજાને શું કહેવાનું !

ટૂંકમાં, “મમ મમ”થી કામ છે ! એ કાજે વ્યાકરણી વ્યવસ્થાનો અનાદર કરવામાં આપણને કશી નાનમ નથી !

આપણા વ્યાકરણમાં, સામાન્યપણે, નર અને નારી જાતિની ભેગી વાત કરવાની હોય તો યથાસ્થાને અનુસ્વારો આવે છે. નર, નારી અને નાન્યતરની ભેગી વાત કરવાની હોય તો પણ તેમ કરાય છે. “રમેશ, રમા અને એમનું કૂતરું નામે સાજન ટાવર બાજુ જતાં હતાં” -- એ આખું વાક્ય આ બન્ને વાતનું સમર્થક છે. શિષ્ટમાન્ય વ્યવહારો વખતે દરેકે આ વ્યવસ્થાને વળગી રહેવું જોઇએ. સીધી વાત છે ! પરન્તુ, થોડું જુદું કહું : આપણી ભાષામાં, કુંભાર-કુંભારણ, બામણ-બામણી, મોચી-મોચણ, દરજી-દરજણ, વાણિયા-વાણિયણ, જેવી જાતિ-સૂચક વ્યાકરણી વ્યવસ્થા સ્થિર થયેલી છે. પણ એનો અર્થ એ નથી કે તમે કુંભારણબાઈને “કુંભાર” કે વાણિયણબાઈને “વાણિયા” કહીને સમ્બોધો તો ન ચાલે, ને તેને ખોટું લાગે ! ખોટું તો ત્યારે લાગશે, જ્યારે તમે એમાં કશો દુર્ભાવ દબાવીને બોલતાં હશો. કેમ કે, દુર્ભાવનો સ્વભાવ છે કે પોતાના હોવાપણાની તરત ચાડી ખાય !

ત્યારે, ગયા અઠવાડિયાની એ સાહિત્યસભામાં, “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો” શીર્ષકમાં અનુસ્વારના મુદ્દા અંગે મારા મનમાં થોડા જુદા વિચારો વિચરતા થયેલા. પણ અન્ય ચર્ચાઓમાં સભાની નિયત સમય-મર્યાદા સાવ નજીક આવી ગયેલી, એટલે મેં મૌનને ગમતું કરેલું. પણ અહીં એને વાચા આપું છું :

એમ કે, એક અર્થમાં “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો” પ્રયોગ ખોટો નહીં લાગે. એમ કે,  “કેટલાક” પર અનુસ્વાર નથી તે બરાબર છે. એટલા માટે કે, સાહિત્યસર્જન કે કશું પણ સર્જન જે વ્યક્તિ કરે એને સર્જક કહેવાય, ભલેને એ સ્ત્રીએ કર્યું હોય કે પુરુષે કર્યું હોય કે પછી બાળકે. એ સૌ સર્જકો છે. એ ન્યાયે એ ગ્રન્થમાં બધા સર્જકો છે. (ખરેખર તો, સમીક્ષા અને ચર્ચાથી સભા એવા સૂર અને સારની દિશામાં વધારે સફાઈથી વિકસી શકી હોત -- કે એ અમેરિકાવાસીઓમાં કાચા-પાકા આછા-ઓછા અને ખરા કે ખરેખરા સર્જકો કોને ગણી શકાય એમ છે અને કોના કોનાથી ગુજરાતી સાહિત્ય આછુંપાતળું પણ રળિયાત થઈ શકે એમ છે. ગ્રન્થકાર એ સારને સ્વ સૂરે સુદૃઢ પણ કરી શકયા હોત.) આપણા જમાનામાં “ઍક્ટ્રેસ”ને પણ હવે “ઍક્ટર” કહેવાય છે. જુલિયા રૉબર્ટને લોકો “ઍક્ટર” કહેવાનું પસંદ કરે કે અનુષ્કા શર્મા પોતાને “ઍક્ટર’ કહે એમાં કશું ખોટું નથી. હવે કોઈ “પોએટેસ” નથી બોલતું.  તમે “કવયિત્રી”, “લેખિકા” કે “સ્ત્રી-લેખિકા” કહો તે ન ગમે, કેમ કે ન ચાલે. નારીવાદીઓ તો ન જ ચલાવી લે ! આ બહેન “પોએટ” છે --  “રાઇટર” છે --  “કવિ” છે --  “વાર્તાકાર” છે --  એમ કહીએ તો મને તો વધારે સારું લાગે છે. જો કે આમ તો એમને “બહેન” પણ નહીં કહેવાય !

તે છતાં, ટૂંકમાં, સ્ત્રી-પુરુષ કે નર-નારી ભેદને ઉલ્લંઘીને વિકસેલી આ નવતાનું આપણે સ્વાગત કરવું જોઇએ. એની સામે આંખમીંચામણાં કરવાથી સંભવ છે કે આપણે જીવનની ગતિશીલતાનો અનાદર કરી બેસીએ.

જોવા જઇએ તો આપણે એવા અનુ-આધુનિક કાળમાંથી ગુજરી રહ્યાં છીએ, જેમાં બધાં મૂલ્યો, બધી શાસ્ત્રસમ્મત વાતો, આગ્રહો, નિયમો કે આચાર-વિચાર પ્રશ્નાર્થ હેઠળ આવી ગયાં છે. એ પ્રશ્નાર્થોને ઉકેલવામાં મોડા પડીશું તો વિમાસણો વધશે ... કશાં સુખદ સમાધાનો જડશે નહીં ...

(૨૭ મે ૨૦૧૩)

e.mail : [email protected]

Category :- Opinion Online / Literature

વિચરતા વિચારો

સુમન શાહ
05-06-2013

“શબરી ટાવર”ના આઠમા માળના અમારા નિવાસમાં, રોડ-સાઇડે, મારો સ્ટડી-રૂમ છે. એની બાલ્કનીની છતના કિનારે એક વિરાટ મધપૂડો લટકે છે. ચાર ફીટની લંબાઈમાં દોઢ-બે ફીટના અર્ધ વર્તુળાકારે બે પૂડા ને એમાં વસતી હજ્જારો મધમાખીઓ -- એટલે મને વિરાટ લાગે. રોજ સવારે એ માખીઓ મધુ-શોધ-ભ્રમણ કાજે, અને હું મને જોઇતા રમ્ય સુન્દર શબ્દોના શિકારે, દસે દિશાએ નીકળી પડીએ છીએ. સાંજ લગીમાં એમને અને મને કિંચિત્, કિંચિત્ તો મળી જ રહે છે. કેટલીક બાળ મધુમક્ષિકાઓ ઘરે રહે છે. પ્રેમભરી ધીરજથી રાહ જોનારીઓ. આ આખું મને મારા લેખનની સુખદ પિછવાઈ લાગે છે.

આપવા-લેવા બાબતે ઇશ્વરને હું સાવ મૌલિક પણ ધોરણ વગરનો ગણું છું – ઢંગધડા વગરનો ! ભાગેડુ પણ ખરો. આવું કંઈક અળવીતરું સુખદ આપીને ભાગી જાય ! લઈ લેવા બાબતે પણ એવો જ સ્વૈર. લઈ લે ને સંતાઈ જાય : જુઓ : અમારા વિસ્તારમાં ચકલીઓ નથી, નહીં હોય – કેમ કે એણે લઈ લીધી. નહિતર ચકલીઓને અમારે ત્યાં આવવું તો ગમે જ ને ! ઘરમાં અમે બે જ છીએ ! અમારા આ વસ્ત્રાપુરમાં કાબરો ને ખિસકોલીઓ અદૃશ્ય છે. એમને એ જ તેડી ગયો ક્યાંક ! કાગવાસ આરોગવાને કાગડા પણ દુર્લભ થયા છે. બા કે પિતાનાં શ્રાદ્ધ વખતે આવતા જ નથી -- બોલાવી બોલાવીને થાકી જવાય છે. એમ કરવું’તું તો એમ ગોઠવેલું શું કામ ? નાહકનો તું બધું બદલતો રહૅ છે ... ! ...

કારણ-અકારણની અંધાધૂંધ હડિયાદડી ને મારગ ન જડે એવી ગિરદી ઉપરાન્ત જાતભાતની ભૉં ભૉં પીં પીં ને ચીં ચીં ચેં ચેં જોડે ધૂળ-ધુમાડાના ગોટા. એ બધાંથી રંજિત હવામાં પંખીઓને કેમનું ફાવે ? ચણ ન મળે, ચન્ચુભર પાણી ન મળે, એવી જગ્યાઓમાં શું કામ પડ્યાં રહે ? એઓ માણસ જેવાં જીવન-ગરજાળ થોડાં છે કે અછતગ્રસ્તતાઓ વચ્ચે પણ મંડ્યાં રહે ? એમને યાદ હોય છે કે જીવનસમય કેટલો તો અકળ ને મીંઢો છે. ચોક્કસ કદ-માપ વગરનો. અગમ્ય.

હા, બધે હોય એમ અમારે ત્યાંય કૂતરાં છે. એણે જ એમને મોકલી રાખ્યાં છે. માણસો પ્રત્યે કૂતરાં જેટલું વફાદાર કોઈ નથી એ એક નરદમ સત્ય છે. પણ એ સત્યની બીજી બાજુ વિદેશોમાં, અમેરિકામાં, જોવા મળે. ત્યાં કૂતરાં પ્રત્યે માણસો જેટલું વફાદાર કોઈ નથી ! વહાલ કરે, પાળે, પોષે. જાણે પોતાનું જ જણતર, સ્વનું જ સન્તાન ! આપણા જેવા પરદેશી મહેમાનોને અડવું લાગે -- કેમ કે બાજુના સોફામાં નક્કી સીટ પર મિસ્ટર, મિસિસ, મિસ કે મિઝ ડૉગ વિરાજમાન હોય, યજમાનના ઘરમાં જ એનું અલાયદું નાનું રૂપાળું ઘર હોય ! એક મહેમાને મારા કાનમાં કહેલું : સુમનભાઈ, આવતા જન્મે મારે અમેરિકામાં કૂતરું થવું છે ...

શ્વાનધર્મ એ છે કે અજાણ્યા શ્વાનને કે અજાણ્યા જણને ભસીને જાહેર કરી મૂકવો. કૂતરું માત્ર એ ધર્મપાલન ચૂકે નહીં. પણ પાળેલું કૂતરું તો એમાં ય સાવ જ આજ્ઞાંકિત, એકદમનું ડાહ્યું ... જો કે અગણિત ભારતીય કૂતરાં એવાં નથી. ખાસ તો, અંદર અંદર લડવામાં ભારે શૂરાં છે. કેમ કે આપણે એમને પ્રેમ નથી કર્યો, પાળ્યાં નથી, છૂટાં મૂકી દીધાં છે. મોડી રાત થાય એટલે ઠેકઠેકાણેથી એકઠાં થઈ સામસામે આવી શરૂ કરી દે છે એમનું ભસતાં ભસતાં વિસ્તરી જનારું ભીષણ વાગ્યુદ્ધ. બચકાં ભરી જે જેટલાંને ભગાડી મૂકે એ એટલું શૂરવીર ક્હેવાય. એને જ વિજય કહેવાય. એમના ભસકારાએ ઘણી યે વાર મારા વાદળી મુલાયમ ભીનાં મળસ્કાંના ચીરે ચીરા કરી કાઢ્યા છે. પથારીમાં પડેલો હું એ દુ:ખદ છતાં રોચક યુદ્ધને જોઈ તો શકું નહીં પણ બનાવટી આરામભાવથી સાંભળી રહું – એટલે લગી કે મારા કાનની ગ્રહણશક્તિ અને મગજની સહનશક્તિ અંગે મને અ-પૂર્વ લાગણી થઈ આવે. દર્શનલાભ ઝીરો પણ શ્રવણલાભ અઢળક. મેં અનુભવ્યું છે કે સર્જનની લીલાની જેમ શ્વાનસ્ય યુદ્ધકથા રાતભર વિકસતી રહે છે. મારી પૂરી નહીં થયેલી વાર્તા બાબતે એવું ઘણી વાર થતું હોય છે – દેખાય નહીં એટલું સંભળાયા કરે ... કલ્પનાથી જોવાય, કાનથી સંભળાય ... પછી લખાય !

એક સવાલ મને જરૂર થાય -- કૂતરાંનું આટલું બધું દારૂણ લડવાનું શું કામ. શાં કારણો હશે ? શું વ્હૅંચવું હશે ? પછી જવાબ જેવું ય થાય -- એમનું ય બધું આપણા જેવું જ હશે ! એક કૂતુહલ પણ ઘણા સમયથી સંચિત રહી ગયેલું – કે ભસવા-લડવા માટે કૂતરાંઓએ રાત જ પસંદ કરી છે, તે કેમ. આજે કુતૂહલ શમી ગયું. જવાબ ઊગ્યો : એમનો વારો રાતે હોય છે ...

(૨ જૂન ૨૦૧૩)

https://www.facebook.com/suman.shah.94/posts/581035855260665                                                                           

Category :- Opinion Online / Literature