LITERATURE

મનુદાદાનું મનનીય 'લંચબોક્સ'

દિવ્યેશ વ્યાસ
16-10-2013

૧૫મી ઓક્ટોબરથી મનુભાઈ પંચોળી 'દર્શક'નું જન્મશતાબ્દી વર્ષ શરૂ થઈ રહ્યું છે. દર્શકદાદાને ઇતિહાસના અભ્યાસુ, સાહિત્યકાર કે કેળવણીકાર તરીકે તો સૌ કોઈ ઓળખે છે, પણ તેમને 'જાણવા' માટે થોડું અંગત સાહિત્ય ઘણું ઉપયોગી થઈ પડે. મૃદુલા પ્ર. મહેતાને લખેલા પત્રોમાં તેઓ માત્ર ખૂલ્યા જ નથી, ખીલ્યા પણ છે ત્યારે એ પત્રોમાંથી થોડી પ્રસાદી પામીએ ...

મનુભાઈ પંચોળી 'દર્શક'ને આપણે 'સોક્રેટિસ', 'ઝેર તો પીધાં જાણી જાણી', 'કુરુક્ષેત્ર', 'દીપનિર્વાણ' અને 'બંધન અને મુક્તિ' જેવી મૂલ્યવાન નવલકથાઓ, 'પરિત્રાણ' કે 'ગૃહારણ્ય' જેવાં નાટકો, 'વાગીશ્વરીનાં કર્ણફૂલો' જેવા વિવેચનગ્રંથો, 'આપણો વારસો અને વૈભવ' કે રોમ અને ગ્રીસની ઇતિહાસકથાઓ જેવા ઇતિહાસના ગ્રંથો તથા 'સદ્દભિઃ સંગ' જેવી માતબર-માર્ગદર્શક અનુભવકથાના લેખક તરીકે તો જાણીએ-સન્માનીએ છીએ, પણ તેઓ કવિતા પણ લખતા, એ ભાગ્યે જ કોઈ જાણતું હશે. 'કાવ્યનું સત્ય અન્ય શાસ્ત્રો કે અભિગમોના સત્ય કરતાં ચડિયાતું હોય છે' એવું માનનારા મનુભાઈની કવિતાનું કોઈ પુસ્તક નથી, પણ અંગત વ્યક્તિને લખેલા પત્રોમાં તેમનાં કાવ્યો વાંચવા મળે છે. મૃદુલાબહેનને લખેલા એક પત્રમાં મનુદાદાએ વિશ્વ કોસ્મોસ સંદર્ભે પોતે લખેલી એક કવિતા મોકલેલી :

'થીજે છે જલ કો' ક્ષણે,
ને કલકલે કો સમે,
સૂર્યાકર્ષણથી ચઢે ગગનપે
વર્ષા બની વર્ષવા ઃ
કિંતુ સર્વસ્થિતિ મહીં પૃથિવીને
તે પોષતું પ્રેરતું,
ને સ્થિત્યંતર સહુ વિષે
છે સ્થિરતા અર્પતું.'

વોશિંગ્ટન કાર્વરની જીવનકથા 'દેવદૂત' ને 'યુરોપદર્શન' નામનું પ્રવાસવર્ણનનું પુસ્તક લખનારાં મૃદુલા પ્ર. મહેતા સાથે મનુદાદાને આત્મીય સંબંધો હતા. મનુભાઈ લોકભારતી, સણોસરામાં વસે અને મૃદુલાબહેન મણારની લોકશાળામાં રહેતાં. તેમની વચ્ચે વર્ષો સુધી પત્રાચાર ચાલેલો. તાજેતરમાં રિલીઝ થયેલી 'લંચબોક્સ' ફિલ્મે પત્રસંબંધોની કેટલી ય કહાણી અને પત્રસંગ્રહોની યાદ તાજી કરાવી છે. વળી, ૧૫મી ઓક્ટોબરથી મનુદાદાની જન્મશતાબ્દીનું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે મનુદાદા અને મૃદુલાબહેન વચ્ચેના પત્રવ્યવહારનું પુસ્તક 'ચેતોવિસ્તારની યાત્રા' સાંભરી આવ્યું. મૃદુલાબહેનને લખેલા પત્રોમાં મનુદાદા માત્ર ખૂલ્યા જ નથી, ખીલ્યા પણ છે.

મનુદાદાએ પત્રમાં પોતાની યશસ્વી નવલકથા 'સોક્રેટિસ' અંગે ૨૪ નવેમ્બર, ૧૯૭૧ના પત્રમાં લખ્યું છે, "કાલે રાત્રે ૧૧-૫ વાગ્યે 'સોક્રેટિસ'નું છેલ્લું પ્રકરણ પૂરું કર્યું. કેટલુંક ઘણું સારું લખાયું છે. મોટાભાગનું સારું ને થોડું સહ્ય છે. રંગરોગાનનો હાથ શુદ્ધ નકલ વખતે ફરશે ત્યારે દીપી ઊઠશે. એના પર કોઈ મને સાહિત્ય પરિષદનો પ્રમુખ બનાવે તો વધારે પડતું નહીં લાગે." કેવો મિજાજ! આ લેખક વળી બીજા એક પત્રમાં લખે છે, "પ્રેમચંદજીનું પોતાના લખાણ વિશેનું એક મંતવ્ય વાંચ્યું, 'વ્યાસ, વાલ્મીકિ તો ધનવંતરિસમા છે. પણ ધનવંતરિ હોવા છતાં નાના વૈદ્યો તો સંસારમાં હોવાના.' પ્રેમચંદજી પોતાને નાના વૈદ્ય ગણાવે તો આપણે તો વૈદ્ય માટે દવા વાટી આપનારા ગણાઈએને!"

મનુદાદાએ 'ઝેર તો પીધાં જાણી જાણી' નવલકથાના અમર પાત્ર રોહિણીનું રહસ્ય એક પત્રમાં ખોલતાં લખ્યું છે, "'ઝેર તો પીધાં છે ...'ના બીજા ભાગનું અંતિમ પ્રકરણ જેમાં રોહિણી અને સત્યકામ વારાફરતી ગાય છે, તે મારાં શ્રેષ્ઠ પ્રકરણોમાંનું એક છે, પણ રાયાણીભાઈનાં (મોહનભાઈ રાયાણી) ભજનો મેં સાંભળ્યાં ન હોત તો આ રોહિણીનું સર્જન ન થાત. સત્યકામનું બની શકત, પણ ઘણા લોકોને જેણે પરિપ્લાવિત કર્યા તે સત્યકામે નહીં, રોહિણીએ."

મનુદાદા ક્યારે ખટમીઠ્ઠા પ્રસંગો પણ લખીને મોકલતા, "પરિત્રાણ ટીવી પર લેવાયું છે. જશવંત ઠાકરની મંડળીએ ભજવ્યું. મને ખબર ન હતી એટલે વાંધો ઉઠાવ્યો, એટલે માફી માગી - ૫૦૧ રૂપિયા આપ્યા ને બરાબર ઊતર્યું છે કે નહીં તે તપાસવા અનુકૂળતાએ જોઈ જવા કહ્યું."

મનુદાદા અને મૃદુલાબહેનના પત્રવ્યવહારમાં સંસ્થાના સામાન્ય પ્રશ્નોથી લઈને શાસ્ત્રો-સિદ્ધાંતોની ચર્ચાઓ ચાલતી. સામ્યવાદ અંગે મનુદાદાએ સચોટ ટિપ્પણી કરેલી, "... સામ્યવાદ, બુદ્ધિમંતો માટે કાળપ્રશ્ન છે. તેમાં રાખેલ બૌદ્ધિક અસાવધાની, આપણી ખેતી, શિક્ષણ, કુટુંબજીવન, આયોજન, વ્યાપાર, ઉદ્યોગ, સાહિત્ય બધાંનું ખગ્રાસગ્રહણ કરશે, કારણ કે એને મન કલા, સાહિત્ય, તત્ત્વજ્ઞાાન, ધર્મ, કુટુંબ, ખેતી, બધું જ વર્ગીય સર્જન છે. કાં તો આ બધાં કોમ્યુિનસ્ટ છે ને કાં તો કોમ્યુિનસ્ટ વિરોધી છે. ધર્મનું ઝનૂન + નિઃશંક સત્યનો ઈજારો + રાજ્યસત્તા, આવો સરવાળો જગતમાં પહેલી વાર થયો છે ..."

એક પત્રમાં સુખની સુંદર વ્યાખ્યા પણ મળે છે, "મૂળે આ સુખ છે શું? બહુ ભારે પ્રશ્ન છે. ભલભલા તેમાં ગોથાં, ડૂબકાં ખાય છે, અસારને સાર સમજીને વળગે છે અને પસ્તાય પણ છે, પણ સારનો સાર આ સુખ વિશે મેં અનુભવ, અવલોકનથી કાઢયો છે, તે એ કે સુખ એટલે રુચિ, કલ્પના, વલણો, માન્યતાઓ અને આદર્શો વિશેનો અભેદાનુભવ. આ જ્યાં, જેની જોડે થયું તે સુખ, સ્નેહ-પ્રેમ."

આ પુસ્તકના પહેલા જ પત્રની શરૂઆત છે, "ધારાસભામાં હોઉં પણ ખરો, ન પણ હોઉં. પણ સંગ્રામમાં ખરો. સંગ્રામ એ વૈદિક શબ્દ છે. તેની વ્યુત્ત્પતિ શોધીએ તો ગ્રામ જેમાં મતભેદો ભૂલી સંયુક્ત રીતે ઊભું રહે તે. સં + ગ્રામ. સાધારણ રીતે આવું લડાઈમાં જ બને છે, એટલે સંગ્રામનો અર્થ થઈ ગયો લડાઈ, પણ તે અનિવાર્ય નથી. જીવનના સંયુક્ત કાર્યક્રમમાં હૃદયપૂર્વકના, સહજ ઐક્યનો અનુભવ એ તેનો મૂળ અર્થ છે. આ કાર્યક્રમ શાંતિનો કે સર્જનનો હોઈ શકે."

મનુદાદાના શિક્ષણ, સમાજ અને સંસ્કૃિત અંગેના આદર્શોને સાકાર કરવા માટે એમની જન્મશતાબ્દી નિમિત્તે આપણે કોઈ સંગ્રામ કેમ શરૂ ન કરી શકીએ?

e.mail : [email protected]

(સૌજન્ય ઃ ‘સમય-સંકેત’, સંસ્કાર પૂર્તિ, “સંદેશ”, 13.10.2013)

Category :- Opinion Online / Literature

મનુદાદાનું મનનીય 'લંચબોક્સ'

દિવ્યેશ વ્યાસ
16-10-2013

૧૫મી ઓક્ટોબરથી મનુભાઈ પંચોળી 'દર્શક'નું જન્મશતાબ્દી વર્ષ શરૂ થઈ રહ્યું છે. દર્શકદાદાને ઇતિહાસના અભ્યાસુ, સાહિત્યકાર કે કેળવણીકાર તરીકે તો સૌ કોઈ ઓળખે છે, પણ તેમને 'જાણવા' માટે થોડું અંગત સાહિત્ય ઘણું ઉપયોગી થઈ પડે. મૃદુલા પ્ર. મહેતાને લખેલા પત્રોમાં તેઓ માત્ર ખૂલ્યા જ નથી, ખીલ્યા પણ છે ત્યારે એ પત્રોમાંથી થોડી પ્રસાદી પામીએ ...

મનુભાઈ પંચોળી 'દર્શક'ને આપણે 'સોક્રેટિસ', 'ઝેર તો પીધાં જાણી જાણી', 'કુરુક્ષેત્ર', 'દીપનિર્વાણ' અને 'બંધન અને મુક્તિ' જેવી મૂલ્યવાન નવલકથાઓ, 'પરિત્રાણ' કે 'ગૃહારણ્ય' જેવાં નાટકો, 'વાગીશ્વરીનાં કર્ણફૂલો' જેવા વિવેચનગ્રંથો, 'આપણો વારસો અને વૈભવ' કે રોમ અને ગ્રીસની ઇતિહાસકથાઓ જેવા ઇતિહાસના ગ્રંથો તથા 'સદ્દભિઃ સંગ' જે

Category :- / Literature