LITERATURE

આપણી કવિતાની સામાજિક નિસ્બત વિષે વિચારતાં જે કંઈ ઊગી આવ્યું તે આપ સમક્ષ વધુ વિચારાર્થે મૂકી રહ્યો છું. આ અંગત અવલોકનો છે જેના ઉપર વધુ વિચાર થઈ શકે. કશું પ્રતિપાદિત કરવાનો હેતુ નથી.

આઝાદીની ચળવળના કાળમાં પંડિતયુગની ચુસ્ત મરજાદી, દુર્ગમ અને ચોખલી કવિતા આરસનાં પગથિયાં ઊતરી લોકો વચ્ચે, લોકોની બનીને ધૂળમાં બેસી ગઈ હતી. ગાંધીપ્રભાવમાં પ્રવર્તતા લોકજુવાળને, લોકલાગણીને સીધી જ કવિતામાં ઝીલતી કવિતાઓ ગાંધીયુગમાં લખાઈ. આ એવી કવિતા હતી જે ભાવકોને પોતાની જ લાગણીનો પડઘો પાડતી જણાઈ. કેટલીક કવિતાઓ એ યુગના સંઘર્ષનું પ્રતિબિંબ બની ગઈ અને કેટલીક તો યુગપરિવર્તનની પ્રવર્તક પણ બની રહી. આ અગાઉની સુધારાવાદી કવિતાઓ પણ સીધા જ જીવાતા જીવનના સંદર્ભની કવિતાઓ હતી. અહીં કવિ એક કળાકાર હતો અને સાથેસાથે એક દાર્શનિક અને માર્ગદર્શક પણ હતો. પણ આઝાદી મળ્યા પછી પેલી ધૂળમાંથી ઊભી થયેલી, લોકોને પોતાની જ લાગતી ગુજરાતી કવિતા ધીરે ધીરે ફરીથી એકદંડિયા મહેલમાં રહેવા ચાલી ગઈ.

અહીં વાસ્તવવાદ, અતિવાસ્તવવાદ, અસ્તિત્વવાદ, સૌન્દર્યવાદ વગેરે પશ્ચિમી વિચારધારાઓની આંગળી ઝાલીને ગુજરાતી કવિતાએ તેની નિજી આંતરિક અને બાહ્ય સૌન્દર્યની ચરમસીમાઓને સ્પર્શવાના પ્રયત્નો કર્યા.  કંઈક અંશે એક આગવી મુદ્રા પણ પ્રાપ્ત કરી. અનુગાંધીયુગ અને આધુનિકયુગમાં ગુજરાતી કવિતાએ તેનાં કલાકીય શિખરો સુપેરે સર કર્યાં અને ગુજરતી કવિતાને ઘણી કલાનિષ્ઠ કલમોએ રળિયાત કરી. ગુજરાતી ભાષાના, કવિતાના અને અભિવ્યક્તિના ઉત્ક્રાંતિગત વિકાસ માટે આ તબક્કો અતિ મહત્ત્વનો ગણાયો છે. આપણે નિશ્ચિતપણે ગુજરાતી કવિતાનો આ સુવર્ણકાળ ગણી શકીએ, જેમાં તેણે વૈશ્વિક ગતિવિધિઓ સાથે કદમ મિલાવ્યાં. પોતાની વૈશ્વિક ઓળખ બનાવી. પણ એ નોંધવું રહ્યું કે આ દરમ્યાન પેલી તેની જીવાતા જીવનના સંદર્ભની પકડેલી આંગળી ક્યાંક છૂટી ગઈ. કવિતાનું સંતુલન મોટે ભાગે (કેટલાક અપવાદોને બાદ કરતાં) કળા અને તેના આંતરિક સૌન્દર્ય તરફ જ ઝૂકેલું રહ્યું,  ભાવક જાણ્યે અજાણ્યે વિસરાઈ ગયો. 

આધુનિકયુગના ઊંડા પ્રભાવ દ્વારા તૈયાર થયેલી ભૂમિ પર આજનો કવિ ખેડાણ કરી રહ્યો છે. જરા આજની સ્થિતિ પર નજર કરીએ તો જણાય છે કે કવિતાઓમાં વિતેલા આધુનિકયુગના ઓઘરાળા સમા અતિ અંગત અનુભૂતિઓનાં અકળ ગૂંચળાં (નરી Personal Poetry), સપાટી પરના સામૂહિક છબછબિયાં અને કશે જ ના લઈ જતી વંધ્ય સંરચનાઓ વિખરાઈને પડી છે. નવા યુગનો સુરેખ ચહેરો કે સીધી જમીની હકીકતોમાંથી ઊભી થયેલી કોઈ બળકટ વિભાવના ઓછી નજરે ચડે છે.

પ્રશ્ન થાય છે કે શું આપણી સામાજિક ચેતના સતત ઉદ્દીપ્ત અવસ્થામાં નહીં રહેતી હોય ?(કમ સે કમ ગુજરાતી કવિતાની બાબતમાં ?) જોકે આ સામાજિક નિસ્બતના અભાવનું કારણ શું હોઈ શકે તે એક અલગ ચર્ચાનો વિષય છે. એવું પણ નથી કે સામાજિક સંદર્ભ એટલે અભાવ અને સંઘર્ષનો જ સંદર્ભ. ફકત દલિત કવિતા જ સામાજિક નિસ્બતની કવિતા નથી. આમ તો દરેક સાચ્ચી કવિતા એ કોઈ ને કોઈ આઘાતની પ્રતિક્રિયા રૂપે જ સર્જાતી હોય છે. અને કવિની આસપાસ બનતી બાહ્ય કે આંતરિક ઘટનાઓનો પ્રતિઘોષ તેની કવિતામાં પરોક્ષ રીતે પણ પડતો જ રહે છે. એ રીતે તો કોઈ પણ કવિતા જીવાતા જીવનની નિસ્બતની કવિતા ગણી શકાય. જો આમ જ થતું હોય તો તેની કવિતા દરેક ભાવકને પોતાના સંદર્ભની/પોતાની નિસ્બતની કવિતા લાગવી જોઈએ. જે હકીકતે બનતું નથી. અહીં સવાલ ભાવક પક્ષે જરૂરી પ્રતિબદ્ધતાનો તો છે જ પણ સર્જકના અભિગમનો પણ છે. અને અભિવ્યક્તિ બાબતે કેવો અભિગમ અપનાવવો તે દરેક કવિના મૌલિક અધિકારક્ષેત્રની બાબત છે. કવિની ક્ષમતા અને કયા હેતુ ( Motto ) સાથે કવિ કાવ્યસર્જન તરફ જાય છે તે પણ અહીં મહત્ત્વનું બની રહે છે. 

બોલકા થઈ જવાના કાલ્પનિક ભયે કે વિવેચકો શું કહેશે એ વિચારે કવિઓ તેમની રચનાઓમાં સીધી સામાજિક નિસ્બતને ધરાર આવતી રોકી રહ્યા હોય તેવું પણ જણાય છે. તેમના આ વલણને શું કહેશું ? ફક્ત કવિતાના સૌન્દર્યની જ ચિંતા કર્યા કરતો આપણો કામઢો કવિ તેની ભીતરી અનુભૂતિને તો ક્યાંક અવગણી નથી રહ્યો ને ? જવાબ ‘ના’માં હોય તો સારું. હકીકતે કવિતાના આંતરિક અને બાહ્ય સૌન્દર્યને લેશમાત્ર હાનિ પહોંચાડ્યા વગર પણ સામાજિક નિસ્બતની  સુંદર કવિતા લખી શકાય તેનાં સુખદ ઉદાહરણો કવિ સીતાંશુ યશશ્ચન્દ્ર, કવિ અનિલ જોશી સમેત અનેક કવિઓએ પૂરાં પાડ્યાં જ છે. 

હાલ તો, આ ભ્રાંતિના આકાશને ચીરી નાંખતા એકાદ જંગલી બાવળની જરૂરત છે. અને આપણે બધા આવું કશું ના બને ત્યાં સુધી સ્વીકૃતિ અને અસ્વીકૃતિની સીમાઓમાં એક એક પગ રાખીને દહીં-દૂધમાં રમતાં ઊભાં છીએ.

તંત્રી-સંપાદક : “નિસ્યંદન”, 30 સપ્ટેમ્બર 2013

e.mail : [email protected]

Category :- Opinion Online / Literature

સંસ્કૃત સાહિત્યમાં લોકજીવન

રાજેન્દ્ર નાણાવટી
16-10-2013

લોકજીવન એટલે લોકોનું જીવન, જનસાધારણનું જીવન, ભારતના વિશાળ ગ્રામીણ લોકસમાજના સાધારણ મનુષ્યનું જીવન. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યનાં નાટકો - કાવ્યો - કથાઅોમાં વર્ણવાતો સમાજ સામાન્ય રીતે સમાજના ઉચ્ચ કે વિશિષ્ટ વર્ગનો પ્રતિનિધિ હોય છે − રાજા, દેવ, મંત્રી, શ્રેષ્ઠી, સમૃદ્ધ ગણિકા અથવા તેમની સાથે તેમના અનુષંગે જોડાતો સેવકો, ભૃત્યો, મિત્રો, વિદૂષકો, શિષ્યો, વિટ-ચેટ વગેરે પાત્રોનો સમાજ હોય છે. પણ અા બધાં સિવાય પણ એક વિશાળ પ્રજાવર્ગ - પોતાની કશી જ વિશિષ્ટ અોળખ વિનાનો વિશાળ લોકસમુદાય - ભારતના ભૂમિપટ પર હંમેશા અસ્તિત્વ ધરાવતો હતો, કોઈ પણ પ્રજામાં હોય જ. અાવા સમાજનાં થોડાંક ચિત્રો અાપણને વિવિધ સુભાષિતો - સુભાષિતસંગ્રહોમાં છૂટાંછવાયાં વેરવિખેર વેરાયલાં જોવા મળે છે ખરાં.

વળી, હજારો વર્ષોમાં ભારતીય સંસ્કૃિતનો જે વિકાસ (કે ક્યારેક હ્રાસ - રકાસ) થતો રહ્યો તેનાં ચિત્રો અાપણને લગભગ સ્થિર અને સૂક્ષ્મ ક્ષમતાવાળી સંસ્કૃત ભાષામાં મળે છે અને એ ભાષા માટે સમાજના તમામ વર્ગોને હંમેશા ભારે અાદર રહ્યો છે એ નિર્વિવાદ સત્ય છે, છતાં અામ પ્રજાની વધારે નજીકની ભાષા તો પ્રાકૃત (અને એમાંથી ઉદ્દભવતી) ભાષાઅો રહી છે. જીવનનું / સમાજનું પ્રત્યક્ષકલ્પ ચિત્ર રજૂ કરવાનું લક્ષ્ય ધરાવતા દૃશ્યકાવ્યના અર્થાત્ અભિનેય સાહિત્યના - નાટકના પ્રકારોમાં પણ અમુક પાત્રવર્ગો માટે પ્રાકૃત ભાષા પ્રયોજવાનું વિધાન થયેલું છે. એટલે સહેજ અર્થવિસ્તાર કરીએ તો સંસ્કૃતમાં પ્રાકૃતનો સમાવેશ કરી શકાય, અને પ્રાકૃતમાં પણ કેટલાક પદ્યસંચયોમાં લોકજીવનનાં સુંદર ચિત્રો મળે છે.

એટલે અા વ્યાખ્યાનમાં સંસ્કૃત–પ્રાકૃત સુભાષિતો-પદ્યોમાં વર્ણવાયેલા કશી વિશિષ્ટ અોળખ વિનાના, વિશાળ સાધારણ ગ્રામીણ ભારતીય સમાજનું દર્શન કરવાનો ઉપક્રમ સ્વીકાર્યો છે.

***

અાવા વિશાળ જનસમુદાયનું કદાચ સૌથી મુખ્ય લક્ષણ હોવાનું એની દરિદ્રતા. કેટલાં ય મુક્તકો એવાં છે જેમાં સામાન્ય માણસની દરિદ્રતાનું હૃદયદ્રાવક વર્ણન કરાયું છે. અાવી દરિદ્રતામાં લોકજીવન શ્વાસ લેતું રહે છે, ધબકતું રહે છે.

એક કવિ પોતાના ઘરનું વર્ણન કરી રહ્યો છે :

चलत्काष्ठं गलत्कुड्यम् उत्तानतृणसंचयम् ।
गण्डूपदार्थिमण्डूक-कीर्णं जीर्णं गृहं मम ॥

[અા મારું જીર્ણ - શીર્ણ ઘર. એમાં બધી વળીઅો હાલી રહી છે, ભીંતો પરથી માટી ખરતી રહે છે, ઘરમાં ઘાસ ઊગી નીકળ્યું છે, અળસિયાં ફૂટી નીકળ્યાં છે જેને ઝપટવા દેડકાં કૂદી રહ્યાં છે.]

બીજો કવિ પોતાના ઘરને અામ વર્ણવે છે :

धूमेन रिक्तमपि निर्भरबाष्पकारि
दूरीकृतानलमपि प्रतिपन्नतापम् ।
दैन्यातिशून्यमपि भूषितबन्धुवर्गम्
अाश्चर्यमेव खलु खेदकरं गृहं न: ॥

[ધૂમાડાથી ખાલી - ધૂમાડા વિનાનું તો યે બહુ અાંસુ અાપે છે, અગ્નિ તો નથી પણ તાપ સંતાપ કરાવે છે, દરિદ્રતાને કારણે એકદમ ખાલી છે, તો યે બન્ધુજનો - સગાંવહાલાં - સંતાનોથી ભરેલું છે, સાચે જ, અા અમારું ઘર અાશ્ચર્યકારક પણ છે અને દુ:ખદાયક પણ છે.]

કારણ વિના કાર્ય, અને કારણ છતાં કાર્ય ન થવું એવા વિભાવના-વિશેષોક્તિ અલંકારોનો કવિ દરિદ્રતાને વર્ણવવા પ્રયોગ કરે છે !

ત્રીજો કવિ પોતાની દરિદ્રતાને ઉપમાઅોની એક માળા - string of similesથી વર્ણવે છે :

मद्गेहे मुसलीव मूषिकवधू: मूषीव मार्जारिका
मार्जारीव शुनी, शुनीव गृहिणी, वाच्य: किमन्यो जन: ।
किंच क्षुत्क्लमघूर्णमाननयनै: उन्निद्रम् ऊर्वीगतै:
कर्तुं वाग्व्ययमक्षमै: स्वजननी बालै: समालोक्यते ॥

[મારા ઘરમાં ગરોળી-પલવડી જેવી ઉંદરડી છે, ઉંદરડી જેવી બિલાડી છે, બિલાડી જેવી કૂતરી છે, કૂતરી જેવી (મારી) ઘરવાળી છે; બાકી લોકોની તો શી વાત કરવી ? અને વળી ભૂખની પીડાથી ચકરાતે ડોળે, ફાટેલી અાંખે, ભોંયે પડેલા, વાણીનો વ્યવહાર પણ કરવાની શક્તિ વિનાનાં બાળકો પોતાની માને તાકી રહે છે.]

દરિદ્ર બાળકોના સંદર્ભમાં માની ચિન્તા −

अद्याशनं शिशुजनस्य बलेन जातं
श्वो वा कथं नु भवितेति विचिन्तयन्ती ।
इत्यश्रुपातमलिनीकृतगण्डदेशा
नेच्छेद् दरिद्रगृहिणी रजनीविरामम् ॥

[અાજે તો મહામુશ્કેલીએ બાળકોના ખાવાનો જોગ થયો, પણ હવે કાલે શી રીતે થશે એમ વિચારતી અશ્રુપાતથી ખરડાયેલા ગાલવાળી દરિદ્રની ગૃહિણી રાત પૂરી જ ન થાય એમ ઇચ્છે છે.]

દરિદ્ર બાળકોની લાગણીઅોને વ્યક્ત કરતાં બેએક ચિત્રો −

प्रायो दरिद्रशिशवो परमन्दिराणां
द्वारेषु दत्तकरपल्लवलीनदेहा: ।
लज्जानिगूढवचसो बत भोक्तुकामा
भोक्तारमर्धनयनेन विलोकयन्ति ॥

[દરિદ્ર શિશુઅો મોટે ભાગે પારકાનાં ઘરોના દરવાજાઅો પર હથેળી મૂકીને તેના પર શરીર ટેકવતાં ઊભાં રહેતાં હોય છે, ખાવાની લાલચ છતાં (ગરીબાઈની) લજ્જાને કારણે વાણી અંદર ઊતરી ગઈ છે અને (ઘરોની અંદરના) ખાઈ રહેલા(બાળક)ને અરધી અાંખે જોયા કરે છે.]

દરિદ્ર બાળકોનું અા વર્ણન એની ચિત્રાત્મકતાને કારણે મને ઘણું અપીલ કરી ગયું છે :-

एते दरिद्रशिशव: तनुजीर्णकन्थां
स्कन्धे निधाय मलिनां पुलकाकुलांगा: ।
सूर्य-स्फुरत्-कर-करम्बित-भित्तिदेश -
लाभाय शीतसमये कलिमाचरन्ति ॥

[અા દરિદ્ર શિશુઅો ટાઢના વખતમાં મેલા ઘસાઈને જર્જરિત થઈ ગયેલા ચીંથરાને ખભે નાખીને (ઠંડીની ચમકના) રોમાંચથી થથરતાં અંગોએ સૂર્યનાં ચમકતાં કિરણોથી હૂંફાળા ભીંતના ભાગને પામવા ઝઘડો કરી રહ્યાં છે.]

‘ભોજપ્રબન્ધ’નો અા શ્લોક પણ એના દારિદ્ર્યવર્ણનમાં લાગણીશીલતાને કારણ કંઈક અતિરંજક - melodramatic - બનતો હોવા છતાં અસરકારક બન્યો છે :

कन्थाखण्डमिदं प्रयच्छ, यदि वा स्वाङ्के गृहाणार्भकं,
रिक्तं भूतलमत्र, नाथ ! भवत: पृष्ठे पलालोच्चय: ।
दम्पत्योर्निशि जल्पतोरिति वच: श्रुत्वैव चौरस्तदा
लब्धं कर्पटमन्यत: तदुपरि क्षिप्त्वा रुदन् निर्गत: ॥

[‘અા કંથાનો ટૂકડો અાપો, અથવા તો બાળકને તમારા ખોળામાં લઈ લો (કેમ કે) અહીં તો ખાલી ભોંય છે, નાથ! તમારી નીચે ઘાસનો પૂળો તો છે !’ એમ રાત્રે વાત કરતાં દંપતીનાં વચનો સાંભળીને જ ચોર બીજેથી મળેલું કાપડ તેમના ઉપર નાખીને રડતો રડતો નીકળી ગયો.]

દરિદ્રતા પછી અાપણા લોકજીવનમાં બીજો એવો જ વ્યાપક વિષય કુટુંબજીવનમાં સાસરિયામાં વહુની અવસ્થાનો રહ્યો છે. વહુ ઉપર સાસરિયાનો ભારે દાબ, પતિ તરફથી સ્નેહની અાશાનો અભાવ, વહુને ઘરમાં જ પુરાઈ રહેવાની ફરજ પડવી વગેરે અાપણા લોકજીવનની જાણીતી વાતો છે. સંસ્કૃત સુભાષિતોમાં પણ અા વિષયનું થોડુંક નિરૂપણ થયેલું જોવા મળે છે.

कार्येणापि विलम्बनं परगृहे श्वश्रूर्न सम्मन्यते
शंकामारचयन्ति यूनि भवनं प्राप्ते मिथो यातर: ।
वीथीनिर्गमनेऽपि तर्जयति च क्रुद्धा ननान्दा पुन:
कष्टं हन्त मृगीदशां पतिगृहं प्रायेण कारागृहम् ॥

[બીજાને ઘેર કામસર પણ મોડું થાય તો સાસુ ન સાંખે . કોઈ જુવાન જો ઘેર અાવી ચડે તો પાડોશણો અંદર અંદર શંકા કરવા માંડે, અને વળી ઘરની બહાર શેરીમાં નીકળો તો પણ ખિજાઈને નણંદ ધમકાવે. રે હાય ! પતિનું ઘર સ્ત્રીઅો માટે ઘણુંખરું તો કારાગૃહ જેવું - કેદખાના જેવું - જ હોય છે.]

સાસરિયાંઅોની અપેક્ષા તો એવી જ હોય કે પતિએ પણ સ્ત્રીને વશમાં જ રાખવી જોઇએ. પતિ જો પત્ની તરફ જરા પણ સ્નેહ બતાવે તો અાવી બન્યું :

श्वश्रू: पश्यति नैव, पश्यति यदि भ्रूभंगवक्रेक्षणा
मर्मच्छेदपटु प्रतिक्षणमसौ ब्रूते ननान्दा वच: ।
अन्यासामपि किं ब्रवीमि चरितं, स्मृत्वा मनो वेपते
कान्त: स्निग्धदृशा विलोकयति माम् एतावद् अाग: सखि ॥

[સાસુ તો જુએ જ નહીં, ને જોશે તો ભ્રૂભંગ કરીને વાંકી નજરે; પેલી નણંદ પણ ક્ષણે ક્ષણે હૈયું વીંધી નાખે એવાં તીણાં વચનો બોલશે. બીજીઅોનાં વર્તનની તો વાત શી કરવી. યાદ કરતાં યે મન કાંપી ઊઠે છે. અપરાધ મારો એટલો જ, સખી, કે મારો પ્રિય મને સ્નેહભરી અાંખે જુએ છે.]

અને જો પતિ ક્યારેક રોષભરી નજરે જુએ તો તો અાનંદ-અાનંદ.

ननान्दा सानन्दा हसितवदनाभूद् वहिनिका
कृतार्था च श्वश्रू: कुपितदृशि पत्यौ मयि सखि ।
स चेद् उच्चैर्ब्रूते कठिनवचनैस्तर्हि सकला:
करिष्यन्ति प्रायो वसनरहितास्ताण्डवविधिम् ॥

[નણંદને અાનંદ અાનંદ થઈ જાય, જેઠાણીનું મોં હસું હસું થઈ જાય, અને સાસુ ધન્ય થઈ જાય, સખી ! જો પતિ ખિજાઈને મારા ઉપર નજર કરે તો. અને એણે જો (ભૂલેચૂકે) મોટેથી કઠોર વચનો કહ્યાં તો તો બધીઅો લગભગ કપડાં કાઢીને તાણ્ડવનૃત્ય જ કરવા માંડશે.]

પતિ અને પત્ની વચ્ચે - ખાસ કરીને અાપણા ગ્રામીણ સમાજમાં − મનમેળ ન હોય, ન રહે એ માટે સાસરિયાં - ખાસ કરીને સ્ત્રીઅો - ભારે પ્રયત્નશીલ રહેતી એ અાપણને જાણીતી વાત છે. અાપણાં લોકગીતો પણ કેટલીયે વાર અા વાતને રેખાંકિત કરતાં હોય છે. કદાચ અા કુટુંબજીવનની વૈશ્વીક ઘટના હશે. હમણાં જ સીરિયાના સરમુખત્યાર શાસક અસદની માતાને એની પત્ની અસ્માના સંદર્ભમાં એક પત્રકારે classic interventionist mother-in-law કહીને અોળખાવી હતી.

***

હાલની ‘ગાહાસત્તસઈ’ પ્રાકૃત પદ્યોનો એક વિશ્વસાહિત્યમાં સ્થાન પામી શકે તેવો અદ્દભુત સંચય છે. અાપણે એને પ્રાકૃત પદ્યોની Golden Treasury અવશ્ય કહી શકીએ. પ્રાકૃતમાં ‘ગાહાસત્તસઈ‘ એટલે સંસ્કૃતમાં ‘ગાથાસપ્તશતી’. નામ પ્રમાણે એમાં સાતસો ગાથાઅો છે. એ હાલની કહેવાય છે પણ સંભવત: હાલ માત્ર એનો સંપાદક છે. એ નામે સાતવાહન વંશનો એક રાજા ઇસુની બીજી સદીમાં અાન્ધ્રમાં થઈ ગયો. પોતાના સમયમાં એના પ્રદેશમાં ગાથાઅોનું જે વિશાળ લોકરચિત સાહિત્ય લોકસમુદાયમાં પ્રચલિત હશે તેમાંથી એણે ઉત્તમ પદ્યો તારવીને અા સાતસોનો સંગ્રહ તૈયાર કર્યો હશે. ગાથા એટલે અાર્યા, માત્રામેળ છંદ, સ્થિતિસ્થાપક, ઘણીવાર વ્યાકરણની ઉપર ઊઠતી લોકભાષાના પ્રવાહી લયને બરાબર ઝીલી શકે તેવો.

ગાથાસપ્તશતીની મોટા ભાગની ગાથાઅો ગ્રામીણ જીવનનાં ચિત્રો રજૂ કરે છે. તેમાં યે લગભગ સર્વત્ર સ્ત્રીની લાગણીઅો, સ્ત્રીના ભાવો, સ્ત્રીનો દૃષ્ટિકોણ રજૂ થયો છે. મને તો એવી સંભાવના પણ જણાય છે કે મોટા ભાગનાં પદ્યો પણ સ્ત્રીકવયિત્રીઅોની જ રચનાઅો હશે. સ્ત્રીઅોનાં મનોભાવોની જે સૂક્ષ્મતાઅો, સ્ત્રીઅોનાં કાર્યોની જે લાક્ષણિકતાઅો અા અાર્યા પદ્યોમાં નિરૂપાઈ છે તે કોઈ પુરુષકવિ કલ્પી શક્યો હશે કે કેમ એવી વારંવાર શંકા થયા કરે. ગોવિન્દચંદ્ર પાણ્ડેએ અા અાર્યા છંદોને હિન્દીમાં દોહા છંદમાં ભારે કુશળતાથી ઉતાર્યા છે અને થોડાંક ચિત્રો સાથે મનોહર પ્રકાશન કર્યું છે : એનું શીર્ષક જ એમણે તો महिलाएँ (Raka Prakashan, 40-A, Moti Lal Nehru Road, Allahabad - 211 002 Phone no. 9415307687) એવું અાપ્યું છે ! અાપણા દેશમાં જેવી પ્રકૃતિ અનેક નિર્બંધ રમણીય સ્વરૂપોમાં પ્રગટ થતી રહી છે (હવે કદાચ ‘થતી રહી હતી’ એમ કહેવાનો વારો પણ અાવે !) એટલાં જ નિર્બંધ રમણીય રૂપો સ્ત્રીઅોની ચિત્તવૃત્તિઅોનાં − એમની પ્રણયપ્રેરિત પ્રવૃત્તિઅોનાં અહીં પ્રગટ થયા કરે છે. એ પદ્યોને નીતિશાસ્ત્રના માપદંડોથી માપવા જઇશું તો એમાંની કવિતા અાપણા હાથમાંથી સરકી જશે. નૈતિક-અનૈતિક, ઉચિત-અનુચિત જેવાં ખાનાંઅોમાં એને વહેંચવાને બદલે એમાં જીવનનો ઉન્મુક્ત સ્વીકાર અને નારીહૃદયમાં ઊઠતી સહજ ભાવનાઅોનું સરળ નિર્દંભ નિરૂપણ જોઇશું તો અા લોકજીવનને ખુલ્લાશથી અાલેખતાં લોકકાવ્યને અાપણે વધારે માણી શકીશું. વળી એવું પણ નથી કે બધાં જ પદ્યો અાવી ઉન્મુક્ત સ્ત્રીઅોની પ્રણયપ્રવૃત્તિઅોને જ અાલેખે છે. સરસ પ્રણયનાં, શીલવતી ગૃહિણીઅોનાં, દાંપત્યજીવનના અાનંદના પણ અનેક ચિત્રો અહીં મળે છે. સંક્ષેપમાં જેટલી સ્ત્રીઅો, જેટલી એમની મનોવૃત્તિઅો, જેટલી એમની પ્રવૃત્તિઅો, જેટલી એમની પ્રણયછટાઅો વિવિધ છે એટલાં એમનાં રચેલાં અા અાર્યાપદ્યોમાંનાં ચિત્રો વિવિધ છે. અાપણે પદ્યો જ જોઇએ :

ગાહાસત્તસઈ - ગાથાસપ્તશતી - નું એક અાર્યા છંદનું પદ્ય સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અભ્યાસમાં વારંવાર સામું અાવે છે.

उअ णिच्चलणिप्पन्दा बिसिणीपत्तम्मि राहइ बलाअा ।
णिम्मल-मरगअ-भाअण-परिठ्ठिअा संखसुत्ति व्व ॥ गाहा ॥ 1/4

[पश्य निश्चलनि:स्पन्दा बिसिनीपत्रे राजते बलाका ।
निर्मल-मरकत-भाजन-परिस्थिता शंखशुक्तिरिव ॥]

જો, કમળપત્ર પર સ્થિર અને નિષ્પન્દ બેઠી છે બલાકા, મરકતના નિર્મળ પાત્ર પર રહેલી શંખની છીપ જેવી.

ચિત્ર પોતે જ ખૂબ સુન્દર છે. લીલા કમળપત્ર પર સ્થિર બેઠેલી ધોળી બલાકા, જાણે લીલા મરકતમણિના થાળ પર મૂકેલી શંખની છીપ. પણ પછી વ્યંજનાના સ્તરો ઊઘડે છે અને અા પ્રકૃતિ-ચિત્ર લોકજીવનની લીલાઅોને પ્રગટ કરે છે : નાયિકા પોતાના પ્રેમીને કહી રહી છે : પક્ષીને પણ ખલેલ ન પહોંચે એવો અા શાંત જળનો કિનારો છે. અાપણા એકાંત મિલનને માટે ઉત્તમ ! અથવા તો, નાયિકા પોતાના ધૂર્ત પ્રેમીનો કાન પકડી રહી છે : તું ખોટું બોલે છે, તું અહીં અાવ્યો જ નહોતો. કોઈ અાવ્યું હોત તો અા બલાકા અામ સ્થિર બેઠી ન હોત !

એક અલ્લડ કે ઉદ્દંડ છોકરી ગામના મુખીના રૂપાળા છોકરાને - કદાચ નવો પરણેલો છે, કદાચ hen-packed હશે તેને − સંબોધીને કહે છે :

णिक्किव जाअाभीरुअ दुदंसण निम्बईडसारिच्छ ।
गामो गामणिनन्दन तुज्झ कए तह वि तणुअाई ॥ 1/30

[निष्कृप ! जायाभीरुक ! दुर्दर्शन ! निम्बकीटसदृक्ष ! ।
ग्रामो ग्रामणिनन्दन तव कृते तथापि तनुकायते ॥]

અરે ગામમુખીના છોરા ! નિર્દય ! બૈરીબીધલ ! દુર્લભ-દર્શન ! લીમડાના કીડા જેવો છે તું તો ય અા અાખું ગામ તારે કાજે સુકાય છે !!

અાખું ગામ એટલે કોણ ? ગામની જુવાનડીઅો જ ને ? અને લીમડાના કીડા સાથે સરખાવ્યો તે લીમડો કોણ ? કદાચ એની પરણેતર ! પણ, એક તો ગામમુખીનો છોરો અને પાછો કદાચ રૂપાળો હશે, એટલે ગામ સુકાય જ ને ?

એક બીજું ચિત્ર !

भिच्छाअरो पेच्छइ णाहिमण्डलं सावि तस्स मुहअन्दं ।
तं चटुअं च करंकं दोहूण वि काअा विलुम्पन्ति ॥ 2/62

[भिक्षाचर: प्रेक्षते नाभिमण्डलं सापि तस्य मुखचन्द्रम् ।
तच्चटुकं च करङ्कं द्वयोरपि काका विलुम्पन्ति ॥]

ભિખારી પેખે છે તેના નાભિમંડળને અને તે પણ નિરખી રહી છે અાના મુખચન્દ્રને. અને બંનેનાં ભિક્ષાપાત્ર તથા કટોરાને કાગડા લૂંટી રહ્યા છે !

કવિએ સ્થિર ચિત્ર અાપ્યું છે. સહેજ ઊંચા અોટલા પર ઊભેલી નાયિકાનું નાભિમંડળ કદાચ ભિક્ષુકની અાંખ સામે અાવતું હશે અને નાયિકા ઘરમાંથી બહાર અાવતી ભિક્ષુકના ચંદ્ર જેવા મુખને જોતી સ્થિર છે. કટોરો હાથમાં રહી ગયો છે, ભિક્ષુક નાયિકાના સૌંદર્યથી મુગ્ધ, સ્થિર. એના પાત્રમાં રહેલી ભિક્ષા અને નાયિકાના કટોરામાંની ભિક્ષા - બંને જેમના તેમ, કાગડાઅોને લૂંટાલૂંટ. કામમુગ્ધ નાયિકા-નાયકનું એક સરસ ચિત્ર.

બૌદ્ધ ભિક્ષુ પર મોહી પડતી ગણિકાની કથાનું અાપણને સ્મરણ થાય. ભિક્ષુકના વેશે કદાચ પ્રેમી હોય એમ પણ કલ્પી શકાય.

અા નાયિકા પોતાના પ્રેમીની પ્રણયનિવેદનની રીતથી જીતાઈ ગઈ છે.

मामि हिअअं व पीतं तेण जुअाणेण मज्जमाणाए ।
ण्हाणहलिद्दाकडुअं अणुसोत्तजलं पिअन्तेण ॥ 3/46

[मातुलानि हृदयमिव पीतं तेन यूना मज्जन्त्या: ।
स्नानहरिद्राकटुकं अनुस्रोतोजलं पिबता ॥]

મામી, હું નહાતી હતી ત્યારે મારા નાવણનું હળદરથી કડવું પાણી જે પ્રવાહમાં એની પાસે પહોંચ્યું તે પીતાં તો જાણે એણે મારું હૈયું પી લીધું !

રૂપગર્વિતા નાયિકાને જીતી લેવાની અતિ વિશિષ્ટ રીતિ !

પ્રણય હોય તો પ્રણયભંગ પણ થાય. અા નાયિકા એના પ્રેમીને કહે છે :

ण कुणन्तो विअ माणं णिसासु सुहसुत्तदरविबुद्धाणं ।
सुण्णइअपासपरिमूसणवेअणं जइ सि जाणन्तो ॥ 1/26

[नाकरिष्य एव मानं निशासु सुखसुप्तदरविबुद्धानाम् ।
शून्यायितपार्श्वपरिमोषणवेदनां यदि असि जानन् ॥]

તું કદિ અામ માન કરત જ નહીં જે રાત્રે સુખેથી  સૂતા પછી જરીક જાગી જતાં (શય્યાનો એક છેડો) ખાલી જોતાં જે લૂંટાયાની - ઠગાયાની વેદના તે તેં જાણી હોત !

એક તો રાત્રે શય્યા સૂની છોડીને વારેવારે ચાલ્યા જવું અને પાછું પોતાના અપરાધને ઢાંકવા માટે માન - રીસ લઈને બેસવું ! તને મધ્ય રાત્રીમાં અામ ઠગાયાની વેદનાનો અનુભવ છે ? હોત તો તું અામ ખોટેખોટું માન લઈને ન બેઠો હોત.

વાત રજૂ કરવાનો પ્રકાર ભારે મરમાળો છે !

બીજી નાયિકા વાતને અામ મૂકી અાપે છે :

सा तुज्झ वल्लहा तं सि मज्झ वेसो सि तीअ तुज्झ अहं ।
बालअ कुडं भणामो पेम्मं किर बहुविअारं त्ति ॥ 2/26

[सा तव वल्लभा,  त्वमसि मम, द्वेष्योऽसि तस्या:, तव अहं ।
बालक स्फुटं भणाम: प्रेम किल बहुविकारमिति ॥]

એ તારી પ્રિયતમા છે, તું મારો; એ તારો દ્વેષ કરે છે, તું મારો. ભોળિયા ! તને ચોખ્ખું કહું છું : અા પ્રેમના ‘ધંધા’માં ઘણા વિકારો હોય છે.

પ્રણયત્રિકોણની અવસ્થા છે. નાયિકા પ્રણયની બાબતમાં અનુભવીની જેમ વાત રજૂ કરે છે. ભર્તૃહરિ અને પિંગળાની વચ્ચેનો અમરફળની વારાફેરીનો પ્રસંગ યાદ અાવી જાય.

यां चिन्तयामि सततं मयि सा विरक्ता
साऽप्यन्यमिच्छति जनं स जनोऽन्यसक्त: ।
अस्मत्कृते च परिशुष्यति काचिदन्या
धिक् तां च तं च मदनं च इमां च मां च ॥

હું સતત જેને ચિંતવું છું તે મારા પ્રત્યે વિરક્ત છે, તે વળી અન્ય પુરુષને ઇચ્છે છે, અને એ પુરુષ બીજીમાં અાસક્ત છે, અને એ કોઇક બીજી અમારે માટે શોષાય છે ! ધિક્કાર છે તેણીને અને તેને અને કામદેવને, અને અાને અને મને !

પણ દૃષ્ટિબિંદુનો ભેદ છે. ભર્તૃહરિમાં પુરુષનો ક્રોધ છે, જ્યારે અહીં એક સ્ત્રીની અસહાયતા છે.

પણ અાપણે માટે પ્રણયછટાઅો જેવો જ, કદાચ વધારે, રસનો વિષય હોય દાંપત્ય. દાંપત્ય વિશેનાં પણ અનેક પદ્યો અાપણને અહીં મળે છે. જેમ કે અા ગૃહિણીને પોતાના ગરીબ પણ સ્વમાની પતિના માનની ચિંતા છે.

अहिअाअमाणिणो दुग्गअस्स छाहिं पिअस्स रक्खन्ती ।
निजबन्धवाणाँ जूरइ घरिणी विहवेण पत्ताणं ॥ 1/38

[अाभिजात्यमानिनो दुर्गतस्य छायां प्रियस्य रक्षन्ती ।
निजबान्धवेभ्य: क्रुध्यति गृहिणी विभवेन प्राप्तेभ्य: ॥]

કુલીનતાનું ગૌરવ ધરાવતા પણ દરિદ્ર પતિની છાયા(= સ્વાભિમાન)નું રક્ષણ કરતી ગૃહિણી વૈભવથી (વૈભવનો દેખાડો કરતા) અાવેલા પોતાના બંધુ-બાંધવો (પિયેરનાં સગાં) પર ખિજાય છે.

બીજું એક ચિત્ર :

हिअअ च्चेअ विलीनो न साहिअो जाणिऊण घरसारं ।
बान्धवदुव्वअणं विअ दोहलअो दुग्गअवहूए ॥ 3/90

[हृदय एव विलीनो न साधितो ज्ञात्वा गृहसारम् ।
बान्धवदुर्वचनमिव दोहदो दुर्गतवध्वा ॥]

ખરાબ અવસ્થામાં રહેલા(પતિ)ની વધૂએ ઘરની સારતા(=શક્તિ, સામર્થ્ય) જાણીને પોતાના દોહદ(સગર્ભાવસ્થામાં સ્ત્રીની ઇચ્છા, અભાવો)ને પોતાના બાંધવો-પિયરિયાંઅોનાં કડવાં વચનોની જેમ હૃદયમાં જ સમાવી દીધો, સિદ્ધ ન કર્યો (એટલે કે એવો દોહદ પૂરી કરવાનો કોઈ પ્રયાસ જ ન કર્યો).

પતિની દરિદ્ર અવસ્થામાં પિયેરિયાં કડવાં વેણ ઉચ્ચારે તો સમજુ ગૃહિણી એવા ઉદ્દગારોને પોતાના મનમાં સમાવી લે, પતિ સુધી પહોંચાડીને એને પીડા ન થવા દે. એ અવસ્થાનો કવિ દોહદના ઉપમાન તરીકે પ્રયોગ કરે છે. અા ઉપમા, મને લાગે છે કે, એક સ્ત્રી સિવાય બીજા કોઈને ન સૂઝે.

પિયેરિયાઅોનાં કટુવચનો અને સગર્ભાવસ્થાના દોહદો સિવાય પણ સમજુ ગૃહિણીએ ઘણું મનમાં સમાવવાનું હોય છે.

असरिसचित्ते दिअरे सुद्धमणा पिअअमे विसमसीले ।
ण कहइ कुडुम्बविहडणभएण तणुअाअए सोण्हा ॥ 1/59

[असदृशचित्ते देवरे शुद्धमना प्रियतमे विषमशीले ।
न कथयति कुटुम्बविघटनभयेन, तनुकायते स्नुषा ॥]

દિયેરનું ચિત્ત અણસરખું છે, અને પ્રિયતમ ઉલટા સ્વભાવનો છે, એવી દશામાં શુદ્ધ મનવાળી કુલવધૂ કુટુંબ ભાંગી પડવાના ભયે કશું કહેતી નથી, બસ સુકાતી જાય છે.

એ કુલવધૂના મનની ભીંસ એના દેહ પર અસર કરતી દેખાય છે. પણ ક્યારેક કોઇક કુલીન સ્ત્રી પોતાની રીતે એનો ઉપાય કરવા પ્રયાસ પણ કરે :

दिअरस्स असुद्धमणस्स कुलवहू णिअअकुड्डलिहिअाइं ।
दिअहं कहेइ रामाणुलग्गसोमित्तिचरिअाइं ॥ 1/35

[देवरस्य अशुद्धमनस: कुलवधू: निजक कुऽय लिखितानि ।
दिवसं कथयति रामानुलग्नसौमित्रिचरितानि ॥]

અશુદ્ધ મનવાળા દિયરને કુલવધૂ પોતાના ઘરની ભીંતે ચીતરેલા રામનું અનુસરણ કરતા સૌમિત્રિ લક્ષ્મણનાં ચરિત્રો દિવસભર કહેતી - સંભળાવતી રહે છે.

બધી વધૂઅો અાવી જ હોય એવું નથી પાછું. કોઇક સાધારણ વધૂને દિયરની અા પ્રકારની ચેષ્ટાઅો ગમે પણ ખરી.

णव-लअ-पहरं अंगे जेहिँ जेहिँ महई देवरो दाउँ ।
रोमंचदण्डराई तहिं तहिं दीसइ बहूए ॥ 1/28

[नव-लता-प्रहारम् अङ्गे यत्र यत्र इच्छति देवरो दातुम् ।
रोमाञ्चदण्डराजि: तत्र तत्र दृश्यते वध्वा: ॥]

નવી વેલથી દિયર જ્યાં જ્યાં એના અંગ પર પ્રહાર કરવાની ચેષ્ટા કરે છે ત્યાં ત્યાં વધૂને રોમાંચથી રુંવાં ખડા થઈ જતાં દેખાય છે.

સમાજ બન્ને પ્રકારની વ્યક્તિઅોનો બનેલો છે - શું સ્ત્રીઅોમાં કે શું પુરુષોમાં.

ગૃહસ્થજીવનમાં અવારનવાર અાવતી એક અવસ્થા હોય છે વિરહની. એ કાળમાં તો વિરહની અવસ્થા વધારે કપરી હતી, પતિ-પ્રિયતમ પરદેશ ગયો હોય, જીવનની અનિશ્ચિતતા, સમાચાર-સંદેશાની અાપલેની ભારે મુશ્કેલી, પતિના પાછા ફરવાના કાળ અંગે અનિર્ણય, કેવળ પતિ પાછો ફરશે એટલી અાશાના તાંતણે ટકી રહેવાનું, ક્યારેક વળી જીવવાનાં સાધનોની તંગી − વિરહિણીની અવસ્થા જીરવવાનું ભારે કષ્ટદાયક હતું.

પતિ કાલે પ્રવાસે જવાનો છે એ અવસ્થાનું એક ચિત્ર :

दिअहं खुडक्किअाए तीए काऊण गेहवावारं ।
गरुए वि मण्णुदुक्खे भरिमो पाअन्तसुत्तस्स ॥ 3/26

[दिवसं रोषमूकाया: तस्या: कृत्वा गृहव्यापारम् ।
गुरुकेऽपि मन्युदु:खे स्मराम: पादान्तसुप्तस्य ]

અાખો દિવસ રોષથી મૂંગી રહી, ઘરનાં કામકાજ કરતી રહી, અને પછી રોષનું દુ:ખ ભારે હોવા છતાં એ પગની પાસે સૂઈ રહી − તેને યાદ કરું છું.

પતિ ગયા પછી તેના વિરહમાં દિવસો ગણતી - પતિએ પાછા અાવવાના અાપેલા વાયદાના દિવસો ગણતી સ્ત્રીનું અા ચિત્ર :

अोहिदिअहागमासंकिरीहिं सहिअाहिं कुड्डलिहिअाअो ।
दोतिण्णि तहिं विअ चोरिअाएॅ रेहा पुसिज्जन्ति ॥ 3/6

[अवधिदिवसागमाशंकिनीभि: सखीभि: कुड्यलिखिता: ।
द्वित्रास्तत्रैव चोरिकया रेखा: प्रोञ्छ्यन्ते ॥]

અવધિનો દિવસ અાવી જશે એવી અાશંકાથી સખીઅો ભીંત પર લખેલી રેખાઅોમાંથી બે-ત્રણ (રેખાઅો) ચોરીછૂપીથી ભૂંસી નાખે છે.

ભીંત પર રોજ એક રેખા દોરીને વિરહિણી પતિના વાયદાના દિવસો ગણે છે. પણ પતિ કદાચ અવધિના દિવસે પાછો ન અાવી શક્યો તો ? એ બીકે નાયિકાની સખીઅો એ રેખાઅોમાંથી બે-ત્રણ ચોરીછૂપીથી ભૂંસી નાખે છે.

કેમ કે વિરહિણીની દશા બહુ સારી નથી, સુકાઈ એવી ગઈ છે કે હાથમાં કંકણ મોટાં પડવા માંડ્યાં છે, વારંવાર ઊતરી જાય છે, ચડાવવાં પડે છે.

पासासङ्की काअो णेच्छदि दिण्णं वि पहिअघरणीए ।
अोअन्तकरअलोगलिअवलअमज्झट्ठिअं पिण्डं ॥ 3/5

[पाशाशङ्की काक: नेच्छति दत्तमपि पथिकगृहिण्या ।
अवनत-करतलावगलितवलयमध्यस्थितं पिण्डम् ॥]

પ્રવાસી પતિની ગૃહિણીએ અાપેલો બલિપિંડ, (પિંડ મૂકવા માટે) ઝૂકેલી ગૃહિણીના હાથમાંથી સરી પડેલાં કંકણોની વચ્ચે પડ્યો છે તે, કાગડો જાળની અાશંકાથી લેવા કરતો નથી.

અાની સાથે અાપણને હેમચંદ્રે અાદિ અવસ્થાની ગુજરાતી ભાષામાં રચાયેલો એક દોહો ઉદાહરણ તરીકે અાપેલો છે તે યાદ અાવે

वायसु उड्डावन्तिअए िपउं दिट्ठउ सहसत्ति ।
अद्धा वलया महिहिं गय अद्धा फुट्ट तडत्ति ॥

[વાયસ ઉડાડન્તિએ પિયુ દીઠો સહસત્ત,
અર્ધાં વલય મહીએ ગયાં અર્ધાં ફૂટ્યાં તડત્ત.]

(અનુવાદ : ધીરુભાઈ ઠાકર, ‘ગુજરાત દર્શન [સાહિત્ય]’, જ્ઞાન-ગંગોત્રી ગ્રંથ-શ્રેણી 10, પૃ. 1)

ઘર પાસે બોલતા કાગડાને ઉડાડવા વિરહિણી પથ્થર લેવા વાંકી વળી અને અડધાં કંકણ સરી પડ્યાં, ત્યાં એણે દૂરથી પિયુને અાવતો દીઠો અને દેહને પુષ્ટ કરતો અાનંદ રોમેરોમ એવો ફરી વળ્યો કે બાકીનાં અડધાં પણ તડતડ તૂટી ગયાં.

વિરહમાં વિરહિણીનું કૃશકાય બનવું, કંકણ સરી પડવા, કાગડાનું પાસે હોવું એવા બધા motifs સમાન છતાં બે કવિઅો કેવી ભિન્ન અર્થચ્છાયાઅો - કેવાં ભિન્ન શબ્દચિત્રો સિદ્ધ કરે છે !

વિરહદશા સાથે સાંકળતી અા એક ગાથા કૈંક વિશિષ્ટ લાગે છે :

साहीणे वि पिअअमे पत्ते वि खणे ण मण्डिअो अप्पा ।
दुग्गअपउत्थवइअं सअज्झिअं सण्ठन्वतीए ॥

[स्वाधीनेऽपि प्रियतमे प्राप्तेऽपि क्षणे न मण्डितो अात्मा ।
दुर्गतप्रोषितपतिकां प्रतिवेशिनीं संस्थापयन्त्या ॥]

પ્રિયતમ પણ સ્વાધીન છે, અને ઉત્સવ પણ અાવી પહોંચ્યો છે. તો યે નાયિકાએ શણગાર ન સજ્યા − દુર્દશામાં રહેલી પ્રોષિતપતિકા પાડોશણને હિંમત-અાશ્વાસન-સાન્ત્વન અાપવા માટે.

પડોશણ દરિદ્ર છે, પ્રોષિતપતિકા છે, એને અોછું ન અાવે, એને સાંત્વન અાપી શકાય એ માટે અા કરુણાળુ નાયિકાએ પોતાનો ઉત્સવનો અાનંદ જતો કર્યો (અથવા સીમિત કરી નાખ્યો).

એમાં સહાનુભૂતિનો સામાજિક સંદર્ભ છે તો અા બીજા પદ્યમાં સામાજિક મર્યાદાની તીવ્ર સભાનતાનો સંદર્ભ છે.

हिअअट्ठिअस्स दिज्जउ तणुअाअन्तीं ण पेच्छह पिउच्छा ।
हिअअट्ठिअोम्ह कंतो भणिउं मोहं गअा कुमारी ॥ 3/98

[हृदयस्थिताय दीयतां तनुकायन्तीं न प्रेक्षथ पितृष्वस: ।
हृदयस्थितोऽस्माकं कुत: भणित्वा मोहं गता कुमारी ॥]

‘રે ફોઈ ! અા સૂકાતી જતીને જોતાં નથી ? એને એના મનમાનેલાને જ દેજો’ ‘(અરે !) અમારે વળી કોઈ મનમાનેલો છે જ ક્યાં ?’ કહેતાં કહેતાં કુમારી મૂર્છા પામી ગઈ.

કુલીન કન્યાના મનમાં કોઈ વસ્યો હોય તો યે બોલાય નહીં, એ લાગણી દબાવી રાખવી પડે, કોઈ ઉપરવટ જઈને ભલામણ કરે તો યે એ ભાવ પ્રકટ ન થવા દેવાય, એવી તીવ્ર લજ્જા - પ્રબળ સામાજિક મર્યાદાનો એ કાળ હતો. એની ભીંસ મૂર્છા પમાડે એમાં કશું અાશ્ચર્ય નથી. અત્યંત પરિચિત ચિત્ર.

પતિ ન હોય ત્યારે પણ ઘર તો હોય છે કેમ કે વિરહિણી ગૃહિણી ત્યાં રહે છે. ગૃહસ્થીનો અાધાર ગૃહ છે અને અાપણાં શાસ્ત્રો કહે છે : न गृहं गृहमित्याहु: गृहिणी गृहमुच्यते । ઘરને ઘર નથી કહ્યું, ઘર તો ગૃહિણીને જ કહેવાય. પણ એ ગૃહિણી જ ઊઠી જાય તો પછી પાછળ રહેલા પુરુષને માટે ઘર કેવું હોય ? કેવું રહે ?

णिक्कमाहिँ वि छेत्ताहिँ पामरो नैव वच्चए वसइं ।
मुअपिअजाअासुण्णइअगेहदुक्खं परिहरन्तो ॥ 2/69

[निष्कर्मणोऽपि क्षेत्रात् पामरो नैव व्रजति वसतिम् ।
मृतप्रियजायाशून्यायितगृहदु:खं परिहरन् ॥]

કામ ન બચ્યું હોય ત્યારે પણ ખેતરમાંથી તે બિચારો વસ્તીમાં જતો જ નથી, મૃત્યુ પામેલી પ્રિય પત્નીને કારણે શૂન્ય બની ગયેલા ઘરનું દુ:ખ ટાળવા માટે.

અાવી એકલતા કદાચ વાર્ધક્યમાં વધારે કષ્ટદાયક બનતી હશે :

परिहूएण वि दिअहं घरघरभमिरेण अण्णकज्जम्मि ।
चिरजीविएण इमिणा खविअह्मो दड्ढकाएण ॥ 2/34

[परिभूतेनापि दिवसं गृहगृहभ्रमिरेण अन्नकार्ये ।
चिरजीवितेन अनेन क्षपिता: स्मो दग्धकायेन ॥]

અન્નને કાજે અાખો દિવસ ઘેરઘેર ભટકીને, અપમાનિત થઈને પણ લાંબુ જીવતા અા બળ્યા શરીરથી તો અમે હારી ગયા !

પત્ની નહીં, ઘર નહીં, એકલો પુરુષ, ઘડપણ, કામ થાય નહીં, બળ્યા પેટને અનાજ નાખવા ઘેર ઘેર ભટકવાનું, હડધૂત થવાનું, અને જિંદગી લાંબી ખેંચાયા કરે !

પણ પુરુષોને વિષય બનાવતાં પદ્યો ઝાઝાં મળતાં નથી. ઘર તે ગૃહિણીનું, અને કવિતા તો સ્ત્રીની જ. ‘ગાથાસપ્તશતી’ પણ એમાં અપવાદ નથી જ. એટલે હવે છેવટે ગૃહસ્થ જીવનનાં - મુખ્યત્વે સ્ત્રીની દૃષ્ટિએ, સ્ત્રીને વિષયે રચાયેલાં ચિત્રો તરફ જ વળીએ :

घरिणीएॅ महाणसकम्मलग्गमसिमलिइएण हत्थेण ।
छित्तं मुखं हसिज्जइ चन्दावत्थं गअं पइणा ॥ 1/13

[गृहिण्या महानसकर्मलग्नमषीमलिनितेन हस्तेन ।
स्पृष्टं मुखं हस्यते चन्द्रावस्थां गतं पत्या ॥]

રસોઈઘરના કામમાં વળગેલી મેશથી મેલા હાથે સ્પર્શ થતાં ગૃહિણીના ચંદ્રની દશાને પામેલા મુખને પતિ હસે છે.

રસોડાની મેશ લાગી એટલે તો કલંકવાળા ચંદ્રની ઉપમા વધારે સાર્થક બને. ત્યારે સાધારણ અવસ્થામાં અા મુખ ચંદ્ર કરતાં યે વધારે સુન્દર હશે ? દયારામના ગીતની નાયિકા ગોપી યાદ અાવે છે ?

‘હવે સખી ! નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું રે !
કદાપિ નંદકુંવરની સંગે,
કે મુંને શશિવદની કહી છે રે !’

કેમ કે ‘ચંદ્રબિંબમાં લાંછન છે.’ મોટી ઉંમરના ફિલ્મરસિકોને કદાચ રાજકપૂર પહેલી વાર નરગિસને જે સ્વરૂપમાં જોઇને પહેલી નજરના પ્રેમમાં પડી ગયેલો તે પ્રસંગ પણ યાદ અાવી જાય. પણ અાપણને જીવનની સહજ અવસ્થાઅોમાં પણ કાવ્ય જોઈ શકતા કવિની દૃષ્ટિપ્રતિભાની ઝાંખી થાય છે. ગૃહસ્થ જીવનના મધુર અાનંદનું રમણીય ચિત્રણ !

અા બીજું ચિત્ર !

धावइ विअलिअधम्मिलसिचअसंजमणवावडकरग्गा ।
चन्दिलभअविवलाअन्तडिम्भपरिमग्गिणी घरिणी ॥ 3/91

[धावति विगलितधम्मिलसिचयसंयमनव्यापृतकराग्रा ।
चन्दिलभयविपलायमानडिम्भपरिमार्गिणी गृहिणी ॥]

છૂટી ગયેલા કેશસમૂહને સાચવવામાં રોકાયેલા હાથવાળી ગૃહિણી હજામની બીકે ભાગેલા બાળકને શોધવા દોડી રહી છે.

ગ્રામસમાજનું અત્યંત પરિચિત ચિત્ર. હજામના ભયથી દોડતું બાળક, તેને પકડવા શોધી કાઢવા દોડતી ગૃહિણી, દોડતી વખતે અંબોડો છૂટી જતાં એક હાથે વાળને અાંટીને પકડી રાખવાની ક્રિયા - બધું બહુ પરિચિત લાગે. શરદ્દબાબુની નવલ ‘છોટી મા’માં અામ જ ભાગતા બાળ દિયરની પાછળ ભાભી દોડે છે, તેનું ફિલ્મીકરણનું દૃશ્ય અાંખ સામે અાવી જાય. કાંગડા શૈલીના એક ચિત્રમાં નાયિકા ભાગતી બિલાડીને મારવા છુટ્ટા વાળને એક હાથે સાચવતી બીજા હાથે લાકડી ઉગામતી દોડે છે એ પણ યાદ અાવે.

અા બાળક સહેજ નાનો હોય, હમણાં જ ચાલતાં શીખ્યો હોય તો ? અા ચિત્ર જુઅો :

पाअपडिअस्स पइणो पुट्ठिं पुत्ते समारुहत्तम्मि ।
दढमण्णुदुण्णिअाएॅ वि हासो घरिणीएॅ णेक्कन्तो ॥ 1/11

[पादपतितस्य पत्यु: पृष्ठं पुत्रे समारुहति ।
दृढमन्युदूनाया अपि हासो गृहिण्या निष्क्रान्त: ॥]

પગે પડેલા પતિની પીઠ પર જ્યાં પુત્ર ચઢવા લાગ્યો કે ભારે રોષથી દુણાયેલી તો યે ગૃહિણીના (મોંમાંથી) હાસ્ય ફૂટી નીકળ્યું !

ગૃહિણી છે, પુત્રવતી છે, એટલે પ્રગતયૌવના છે, પણ હજુ સ્વાધીનપતિકા છે. પતિનો કશો અપરાધ થયો છે, નાયિકા ભારે ખિજાઈ છે, પતિ ક્ષમા માગતો પગે પડ્યો છે, તો યે પત્ની મચક ન અાપત, પણ બન્યું એવું કે િપતાની પીઠ પર ઘોડો કરવાને ટેવાયેલો પુત્ર પિતાને અા અવસ્થામાં જોઈને એની પીઠ પર ચડવા લાગ્યો અને એ જોતાં જ પત્નીનો તીવ્ર રોષ ક્ષણમાં અોગળી જઈને એના મોંમાંથી હાસ્ય ફૂટી પડ્યું. નાયિકાના સમાધાનનો અા ઉપાય કેવો અદ્દભુત છે ? સુખદ ગૃહસ્થાઈનું પ્યારું લાગે એવું ચિત્ર !

ભવભૂતિ યાદ અાવે છે :

अन्त:करणतत्त्वस्य दम्पत्यो: स्नेहसंश्रयात् ।
अानन्दग्रन्थिरेकोऽयं अपत्यं इति बध्यते ॥

સ્નેહના અાશ્રયને કારણે દમ્પતીના અન્ત:કરણના સત્ત્વને એક અા ‘અપત્ય’ (સંતાન) નામની અાનંદની ગાંઠ લાગી જાય છે.

બાળક હજુ નાનું હોય તો એના ખિલખિલાટથી ઘર અને મન ભરાઈ જાય છે. એના વિકાસનાં ઝીણાં સોપાનો જોતાં દરેક સોપાને અાનંદનો એક એક ઊભરો અનુભવાતો હોય છે. એવા અાનંદનો એક ઉમળકાભર્યો અનુભવ !

गेह्णह पलोअह इमं पहसिअवअणा पइस्स अप्पेइ ।
जाया सुअपढमुब्भिण्णदन्तजुअलङ्कितं बोरं ॥ 2/100

[गृह्णीत प्रलोकयत इदं प्रहसितवदना पत्युरर्पयति ।
जाया सुतप्रथमोद्भिन्नदन्तयुगलाङ्कितं बदरम् ॥]

‘લો, લો, જુઅો અા’ એમ ખુશખુશાલ મોંએ પતિને પત્ની દીકરાને પહેલવહેલા ફૂટેલા દાંતની જોડથી અંકાયેલું બોર અાપે છે.

દીકરાને પહેલવહેલા ફૂટેલા દાંતની જોડ - અને એ દાંતની છાપ જેના પર બેઠી છે એવું બોર - દીકરાના પહેલા દાંતની પ્રત્યક્ષ નિશાની - માનો ઉમંગ - એ પતિને બતાવતાં એના અાનંદનો ઉભરો …

મને લાગે છે કે બાલકૃષ્ણને પહેલી ફૂટેલી દાંતની કળી અંકાયેલું બોર યશોદા હરખથી નંદને બતાવે છે એ ચિત્ર અાગળ અાપણે દાંપત્યના અાવા અાનંદને વંદન કરીને શબ્દોને વિરામી દઇએ !

[દિલ્હી યુનિવર્સિટીમાં પ્રૉ. નરેન્દ્રનાથ ચૌધરી વ્યાખ્યાન તરીકે તા. 18 ડિસેમ્બર 2006ના રોજ, હિન્દીમાં, રજૂ થયેલું વક્તવ્ય. ઠીક ઠીક પરિવર્તનો સાથે એ લંડનમાં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના ઉપક્રમે તા. 7 સપ્ટેમ્બર 2013ના રોજ ગુજરાતીમાં રજૂ થયું. તેનું પણ પરિષ્કૃત સ્વરૂપ અા લેખમાં પ્રસ્તુત છે. અહીં ઉદ્ધૃત મોટા ભાગનાં સંસ્કૃત સુભાષિતો પ્રૉ. રાધાવલ્લભ ત્રિપાઠીના પુસ્તક ‘संस्कृत कविता की लोकधर्मी परंपरा’માંથી લીધાં છે, પ્રાકૃત પદ્યો હાલની ‘गाहासत्तसई’ (गाथासप्तशती)માંથી પસંદ કર્યાં છે.]

[B-103, Rajlaxmi Society, Old Padra Road, VADODARA - 390 007, Gujarat, India]

e.mail : [email protected]

[મુદ્રાંકન : વિપુલ કલ્યાણી]  

Category :- Opinion Online / Literature