LITERATURE

સાહિત્ય અને સ્ત્રી-લેખકો

સ્ત્રી-લેખક જન અને જીવનથી હારીને શબ્દના ઉપવનમાં તો જાય, પણ ત્યાંયે એને સખ નથી, દાઝવાનું છે

એક તરફ, સાહિત્યકારો એમ કહે છે કે આપણે ત્યાં પોસ્ટ-મૉડર્નિઝમ - અનુઆધુનિકતાવાદ - પ્રવર્તે છે. હાંસિયામાં ધકેલાઇ ગયેલા સામાજિક સંવિભાગો વિશે ખૂબ લખાઈ રહ્યું છે. જેમ કે, દલિત-પ્રશ્નનું સરસ સાહિત્ય સરજાયું છે. એમ પણ ઉમેરે છે કે નારીપીડાનું કથાસાહિત્ય તો બેનમૂન છે.

માની શકાય કે એથી કરીને નારીપીડાને વાચા મળી છે. પરન્તુ એમ માની શકાય ખરું કે એથી લગ્ન તેમ જ કુટુમ્બ સંસ્થાઓ હાલી ગઈ છે? ના. એમ માની શકાય ખરું કે એથી ગુજરાતી સાહિત્યક્ષેત્રે વીમેન-રાઈટર્સની એટલે કે સ્ત્રી-લેખકોની સંખ્યામાં નૉંધપાત્ર વધારો થયો છે? ના, નથી થયો.

બીજી તરફ, સમસામયિક જીવનવ્યવહારોમાં નારીની દુર્દશામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. બળાત્કાર, ગૃહક્લેશ, મારઝૂડ વગેરે દુર્ઘટનાઓ બન્યા કરે છે. તાજેતરનો આ બનાવ તો ઘણો આઘાતક છે : છોકરીઓ માસિક ધર્મ પાળે છે કે કેમ એ જાણવા એ છાત્રાલયની વ્યક્તિઓએ એ છોકરીઓનાં કપડાં ઉતરાવ્યાં ! હદ બહારની નિર્ લજ્જતા ! દાઢીજટાધારી સાધુએ બકવાસ ફેલાવ્યો : માસિકધર્મમાં હોય તેવી મહિલાના હાથે ખાશો તો નર્કમાં જશો. એમના હાથે જમવાનો અર્થ, બીજો અવતાર પાડાનો ! : કેટલું ઘોર અજ્ઞાન !

આપણે ત્યાં મોટા ભાગની સ્ત્રી-લેખકો પરલક્ષી ધોરણે નારીપીડાનું સર્વસામાન્ય સાહિત્ય લખતી હોય છે. એમનો પ્રોટેગનિસ્ટ 'તે' કે 'તેઓ' હોય છે. તેઓ પડોશી કે ગ્રામીણ કે નગરવાસી સ્ત્રીઓની વ્યથાઓ વિશે લખે એથી એ વ્યક્તિઓનાં દુ:ખો સુ-ચારુ રૂપે સરસ પ્રતિબિમ્બિત થાય. પરન્તુ શું એ સાહિત્યની અસર સાહિત્યપ્રદેશની બહારના સમાજમાં વિસ્તરે છે ખરી? ના.

આત્મલક્ષી ધોરણે માત્રસ્વપીડાનાં લેખનો કરનારી સ્ત્રી-લેખકો પણ હોઈ શકે છે. ત્યાં પ્રોટેગનિસ્ટ નહીં હોય પણ 'હું' કે 'અમે' જરૂર હશે. મુખ્યત્વે તેઓ પોતાની યાતનાઓની વાત કરે. એ અંગત સૂરને કારણે દેખીતું છે કે એમનાં લેખનોની અસર તીવ્ર હોય. સાહિત્યપ્રદેશે તેઓ ભલે ન પંકાય પણ સમાજના વ્યાપક વર્ગો એમને ધ્યાનથી સાંભળે અને સ્વીકારે.

દલિતપ્રશ્ન, નારીપીડા કે સમાજના કોઇ પણ હાંસિયાકૃત સંવિભાગની વાત માંડનારા સાહિત્યને હું પર્સ્યુએશનનું અથવા અપીલનું - અનુનયનું - સાહિત્ય કહું છે. અ-લૌકિક આનન્દના સાહિત્યથી એ જુદું છે. એ સાહિત્યકારો સમાજને ઢંઢોેળે છે. સમાજના ધુરીણોને અપીલ પ્હૉંચાડે છે કે સઘળી વ્યથાઓને સમજો અને સડેલાં સમાજતન્ત્રોને સ્વચ્છ કરો, બદલો ! તેઓ સામાજિક ન્યાય માટે પરિવર્તનો ઝંખે છે, કહો કે, એમનો અનુનય સ-મૂળી ક્રાન્તિ માટે હોય છે. પણ શું આપણું એ પોસ્ટ-મૉડર્નિસ્ટ સાહિત્ય એટલું જોરદાર અને એવું પ્રભાવક અનુભવાયું છે ખરું? ના.

કેમ કે આમાં સાહિત્યપદાર્થ મોટો ભાગ ભજવે છે. જે કંઈ છે તે સાહિત્ય છે. સાહિત્ય છે એટલે એમાં કલાસૌન્દર્યની તેમ જ રસાનન્દની અપેક્ષા રહે છે. લેખકની કસોટી થાય છે. લેખક જો અપીલના હેતુને વળગી રહે, તો કલાસૌન્દર્ય માર્યું જાય અને એ જો કલાની કૃતિ કરવા જાય, તો અપીલનો હેતુ માર્યો જાય ! આ બાબતે, સામાન્ય લેખકો આમથી તેમ અથડાયા કરે છે. એમને સયુક્તિક સંતુલિત સર્જન-પ્રયાસ નથી જડતો.

પરલક્ષી સ્ત્રી-લેખક આ શિંગડાંભીડ વિશે જાગ્રત હોય તો સારાં વાનાં થાય. પણ મોટે ભાગે એમ નથી બનતું. 'હું નારીવાદી છું પણ મુખ્યત્વે સાહિત્યકાર છું' એવી મનોદશાથી અમુક સ્ત્રી-લેખકો મુક્ત નથી થઈ શકતી, એ હકીકત છે. એમની એ મનોદશાને વિવેચકો કશી ટીકાટિપ્પણી વિના છાવરે છે બલકે વધાવી લે છે. છેવટે, સ્ત્રી-લેખનોને અને આનુષંગિક વિવેચનાને પોસ્ટ-મૉડર્નિસ્ટનું લેબલ લગાડાય છે. ભાસે છે એમ કે સાહિત્ય પ્ર-ગતિના પન્થે છે.

આત્મલક્ષી સ્ત્રી-લેખકને એ શિંગડાંભીડ નથી હોતી. એને સાહિત્યકાર નથી થવું, લાઈફની વાત કરવી છે, લિટરેચર બને કે ન બને - શી ડઝન્ટ કૅઅર. એને માત્રઆત્મકથનકાર ગણો, એનો એને સંતોષ હોય છે. એને લગન એટલી હોય છે કે પોતાની પીડાને પોતે અસરકારક રૂપે વ્યક્ત કરી શકે. જગવિખ્યાત ફિલસૂફ દેરિદાએ આત્મકથનાત્મક લેખનોને ઉચિત રીતે જ 'મોડ ઑફ ઍક્સપ્રેશન'-નો દરજ્જો આપેલો. એવાં લેખનો આત્મકથા, નવલકથા કે ટૂંકીવાર્તા બની આવે, તો એ એક સામાન્ય પ્રકારની બાય-પ્રોડક્ટ હોય છે. એથી સાહિત્યસંસારને લાભ, બાકી, એ માટે એ સ્ત્રી-લેખકે કશા સર્જનાત્મક શિવ-સંકલ્પો નથી સેવ્યા હોતા.

પરન્તુ, રીપીટ 'પરન્તુ', પરપીડા કે સ્વપીડા વ્યક્ત કરતી સ્ત્રી-લેખકોની કસોટી એ હોય છે કે પોતે સાચું લખી શકશે કે કેમ. લખી શકશે તો કેટલું ને કેટલા સમય લગી. છપાવશે તો આસપાસનાંઓ કેટલું સ્વીકારશે. કેટલો તો કંકાસ જન્મશે. એને થાય છે, સચ્ચાઈભર્યા પોતાના સાહિત્ય-પ્રયત્નોથી કયો લાભ … કોણ કેટલું બદલાવાનું … એ માંડી વાળે છે. મેં પ્રારમ્ભે કહ્યું કે સ્ત્રી-લેખકોની સંખ્યામાં ખાસ વધારો નથી થયો, પણ એમાં ઉમેરું કે આત્મકથનકાર સ્ત્રી-લેખકો તો આપણે ત્યાં છે જ નહીં. એવી કેટલીયે સ્ત્રીઓ છે જેમણે પોતાના જીવનને કરમકહાણી રૂપે સ્વીકારી લીધું હોય છે ને જીવ્યે રાખે છે. એમની એ વાસ્તવિકતાઓ હમ્મેશને માટે અપ્રકાશિત રહી જાય છે.

સામ્પ્રત સામાજિક સમસ્યા જ એ છે કે પીડિત સ્ત્રીઓ બોલતી જ નથી. એનું કારણ? એનું કારણ, એમની આસપાસનાં મનુષ્યો; એ જેમાં જીવે છે એ અસહિષ્ણુ અન્યાયી સમાજ. એમને ખાતરી હોય છે કે સાચું બોલી શકાશે નહીં બલકે દુ:ખોમાં ઑર વધારો થશે. તેમ છતાં એ જો લેખનનું સાહસ કરે ને છપાવવા જાય, તો નારીપીડનનાં વરવાં રૂપો બહાર આવે છે : ઘર-પરિવારથી પ્રોત્સાહનો મળે, પણ પોલાં પોલાં : સાથી પુરુષલેખકો શુદ્ધ મદદ ન કરે, એમાં ભેળ હોય : વિવેચકો પાસેથી ખરા પ્રતિભાવની આશા જ કેવી? તેઓ તો મૉડર્ન ને પોસ્ટ-મૉડર્નની ખોજમાં ને એની જ મૉજમાં હોય છે : લટપટિયા તન્ત્રીઓ સ્ત્રી-લેખકોને લલચાવે, સામેથી નિમન્ત્રણ આપે, ને જે મળે એ છાપે : બધા લાળ પાડતા હોય અને એથી જનમતો ગંદવાડ સાહિત્ય-શબ્દની આડમાં ઢંકાઈ જાય.

ટિટા વૅલેન્સિયા

હમણાં મારા વાંચવામાં આવ્યું કે મૅક્સિકન સ્ત્રીલેખક ટિટા વૅલેન્સિયાને (1938 - ) મૅક્સિકન સાહિત્યનો સુખ્યાત અવૉર્ડ અપાયો. એમની એ અવૉર્ડ-વિનર નવલકથાનું નામ છે, 'મિનોતૉર ફાઇટિન્ગ'. એમાં એમણે પોતાના જ પ્રેમજીવનની અને એમાં મળેલી નિષ્ફળતાની વાત જોડી છે. રચનામાં એ પ્રેમીનું નામ નથી આપ્યું. તેમ છતાં, વૅલેન્સિયાએ જાણ્યું કે પ્રેમીને તો વાંધો ન્હૉતો પડ્યો - હી વૉઝ ફાઇન વિથ ઇટ - પણ મૅક્સિકન પુરુષ-સાહિત્યકારો ગુસ્સે ભરાયેલા. તેઓએ નારાજગી દાખવેલી ને અવૉર્ડની ઘટનાને વખોડી કાઢેલી. વૅલેન્સિયા ૮૧ વર્ષનાં છે. એ પછી એમણે ખાસ લખ્યું નથી, પોતાની પિયાનોવાદક તરીકેની કારકિર્દીમાં વધારે ધ્યાન આપ્યું છે. એવા સમાચાર છે કે નેશનલ ઑટોનૉમસ યુનિવર્સિટી ઑફ મૅક્સિકો એમની આ નવલને પુન:પ્રકાશિત કરી રહી છે.

આ તમામ દાખલાઓમાં, પુરુષવૃત્તિની નિષ્ઠુર સક્રિયતા મોટું પરિબળ હોય છે. સ્ત્રી-લેખક જન અને જીવનથી હારીને સાહિત્ય-શબ્દના ઉપવનમાં તો જાય, પણ ત્યાંયે એને સખ નથી, દાઝવાનું છે …

= = =

(March 7, 2020 : Ahmedabad)

[શનિવાર, 07 માર્ચ 2020ના ‘નવગુજરાત સમય'માં પ્રકાશિત લેખ અહીં સૌજન્યથી મૂક્યો છે]

Category :- Opinion / Literature

ઉમેશ સોલંકીની ૨૦૧૭માં પ્રકાશિત થયેલી નવલકથા “ફેરફાર"માંથી પસાર થવાનું બનેલું ત્યારે એવું અનુભવાયેલું કે અતીત અને વર્તમાનની મથામણ આજના સમાજના વ્યક્તિને ઘમરોળી નાખતી હોય છે. પ્રાપ્ત થયેલ ફેરફારને કારણે સાચ્ચે જ કંઈ નવું પામી શક્યા છીએ કે નહીં? એ પ્રશ્ન સહુના દિલમાં ઉદ્ભવે! ખેર, ‘ફેરફાર’ના વાચન બાદ ટૂંકા ગાળામાં ઉમેશની કવિતામાં ડોકિયું કરવાનો પ્રસંગ સાંપડ્યો ત્યારે એટલું તો આપમેળે નિર્ધારી શકાયું કે ઉદય પામતા કવિના શબ્દમાં દમ છે. શાર્પનેસ છે! 

કોઈ નવોસવો વાચક ‘પ્રેમકાવ્યો’માં શાબ્દિક અને આંતરિક રીતે ‘પ્રેમ'ની ખોજ કરવા પ્રયાસ કરે તો શક્ય છે કે એને સફળતા ન પણ મળે. પણ એનાં ય કારણો છે. ‘ચાહવું' એ નાનીસૂની બાબત નથી, આખુંયે આયખું વીતી ગયા છતાં ય "ચાહવા"ની  ક્ષણો થોડીકે ય મળી ન હોય એમ ન પણ બને! ‘૨૮ પ્રેમકાવ્યો'માં એ ‘ચાહવાની ક્ષણો' કેન્દ્રમાં રહેલી છે અને તે પણ ધોધમાર વર્ષા કે ચોતરફ વિખરાયેલાં ગરમાળાનાં ફૂલોની ગેરહાજરીમાં રિવરફ્રન્ટની પાળે કે કાંકરિયાની વચ્ચોવચ આવેલી નગીનાવાડીમાં બેઠેબેઠે અનુભવાયેલ પ્રેમાળ ક્ષણો શોધવા વાચક અહીં પ્રયત્ન કરશે તો તે વૃથા જ પામશે. કારણ અહીં કવિતાના એવા ઉપકરણો થકી કવિતા સર્જાઈ છે કે જેમાં પ્રેમ એક નવા નોખા મિજાજમાં ભાવક્ને ઊંડાણથી વિચારવા માટે ફરજ પાડે છે. આ કાવ્યસંચયનું “અને તું?" શીર્ષક હેઠળનું છેલ્લું કાવ્ય આમ છે : 

“બોલ, ક્હીશ શું, પ્રેમને તુ … ?" 
“બીજુ … શું, વરસાદનું પહેલું ટીપું,” 
  અને તુ … ?” 
"ગટરનું ઢાંકણું" 

(પૃષ્ઠ…૭૧) 

કવિ આદિકાળથી ચાલ્યા આવતા પ્રેમને ‘વરસાદનું પહેલું ટીપું'થી નહીં ઓળખાવતા 'ગટરનું ઢાકણું' - એવી નવી જ વ્યાખ્યા બાંધી આપે છે. અતીતની પ્રકૃતિ અને આજની વાસ્તવિકતા … એ બંને છેડાનું સંધાન નહીં કરતાં કવિ આંખો સામે ઊઠતા તાંડવનું સંધાન કરી આપે છે ! “વાૅંઘું"’ કાવ્યની આ બે પંક્તિઓ : 

“કાંટા પણ લાગે વણબોટ્યા જંગલ વચ્ચે
આદિવાસી સ્ત્રીઓનો જાણે હઠીલો શણગાર" 

સાચ્ચે જ રૂપક કે ઉપમા એવા શબ્દો નહીં પ્રયોજતાં અફલાતૂન શબ્દ પણ પ્રશંસવા-પ્રયોજવા માટે કૃપણ લાગે … એટલી હદે આબેહૂબ ચિત્ર ઉપસી આવ્યું છે અહીં. 

“એ એના રસ્તે હું મારા રસ્તે"માં ‘જોયું ન જોયું'ની કદર કરી - પછી આખી કવિતા પમાય છે. નાયક-નાયિકાની મનોવ્યથા છતાં એ મનોવ્યથાનો સાહજિક સ્વીકાર કવિતાનું કેન્દ્રબિંદુ છે.

“ખેંચાણ" આ સંગ્રહની એક ઉત્તમ કૃતિની પ્રતીતિ કરાવે છે. કવિનું મન ભલે પ્રિયતમાના સરોવર જેવા શરીર પર મંદમંદ શ્વાસોથી લહેરો સર્જતું હોય પણ પ્રબળ ખેંચાણ તો -

“ખખડી ગયેલી ઝૂંપડીના 
ખૂણામાં પડેલા 
ઘસતેલિયા દીવાની 
થરથરતી જ્યોત 
આડે હાથ ધરવા” -

તરફ છે. બાળોતિયા વગરની નિર્દોષતાને હૂંફ આપવા તરફનું ખેંચાણ છે. આખીયે કવિતાનો મર્મ સમજવા ભાવકે પણ વેદનામાંથી પસાર થવું પડે ! “પ્રેમ એટલે"માં પ્રેમનો સાચો અર્થ સમજાવતા કવિ કહે છે : 

"પ્રેમ એટલે 
લડવાનું હોય નહીં 
હોય નહીં મરવાનું
પ્રેમ એટલે હળવાનું મળવાનું હસવાનું
જીવવાનું પળપળનું” 

તો વળી “પ્રેમ" કવિતામાં “કહેંજે”નો પ્રયોગ કરી ઘણું બધું કહી નાખે છે કવિ ! 

"ઠંડું ઠંડું પાણી પીતાં પીતાં 
ગોબા પડેલા બેડાના ભારના વિચારથી
થાકી જવાય, તો મને ક્હેજે. 
મને કહેજે 
જ્યારે પોચા પોચા બિસ્તરમાંથી આવતી 
ફાટીમેલી ગોદડીની ગંધ
નાકના ટેરવાને લાલ કરી નાખે. 
મને કહેજે 
જ્યારે સ્વિમિંગ પુલનું પાણી 
શરીરને ચોંટતા ચપચપતા પરસેવા જેવું લાગે" 

‘સરહદ’ કાવ્યમાં વેરવિખેર થયેલા લોકોને જોડી આપવાની વાત કહી કવિ “રાજારાણી"ની રીતને નઠારી કહી સરહદ તોડી નાખવા આહ્વાન આપે છે. 

સંગ્રહની સ્પર્શક્ષમ બનતી કૃતિઓમાં ‘મોહણિયું', ‘ટીલડીઓ’, ‘મગરાની વાતો', 'પતંગદોર', ‘ઉખેડી ફેંક્યું', ‘તેથી', ‘અનાજનો પહેલો દાણો', ‘નામ છોડ્યું', ‘નિયમની છાતી ૫૨'ને ગણાવી શકાય. 

‘ફેરફાર' નવલકથા પછી ઉમેશ સોલંકી ‘૨૮ પ્રેમકાવ્યો’ની રચનાઓ વાસ્તવિક જીવનની વિટંબણાને ઉજાગર કરે છે. કવિ ભલે પ્રેમની વાતો માંડતા હોય પણ એમાં અસહ્ય પરિતાપ વેઠી રહેલા સમાજની છબી ઉપસી આવે છે. તૃપ્તિ, ૫રિતૃપ્તિ, સફળતા, વિફળતા અને આ બધામાં કેન્દ્રસ્થાને રહેલ “ગ્રામીણ પ્રેમ"ની પરિભાષા કવિને ઊંચાઈ બક્ષે છે, એમ કહેવું લગીરે શેષ-વિશેષ નહીં લાગે !

(પ્રગટ : “દલિત અધિકાર”, 16 જૂન 2018; પૃ. 02-03)

Category :- Opinion / Literature