LITERATURE

ચાર વિવેચનાત્મક વિધાનો : ક્રિટિકલ સ્ટેટમૅન્ટ્સ :

પહેલાં એ જણાવું કે વિવેચન ‘પ્રત્યક્ષ’ અને ‘સિદ્ધાન્ત’ એવી બે પાંખો ધરાવે છે. વિવેચનનો દેહ એવો દ્વિદળ છે. બક્ષીની ‘આકાર’ નવલ વિશેનો વિવેચનલેખ પ્રત્યક્ષ વિવેચન કહેવાય - ઍપ્લાઈડ ક્રિટિસિઝમ. પરન્તુ ‘નવલકથામાં પાત્રાલેખન’ કે ‘ટૂંકીવાર્તામાં અન્ત’ કે ‘કાવ્યનાં પ્રયોજન’ કે ‘કલ્પન અને પ્રતીક’ કે ‘નાટકમાં કાર્યવેગ’ કે ‘નાટકમાં સ્થળ-કાળની એકતા’ વગેરે લેખો સિદ્ધાન્ત વિવેચન કહેવાય - થિયરેટિકલ ક્રિટિસિઝમ.

દાંતનો કોઈ ડૉક્ટર દવાખાનું ખોલીને બેઠો હોય, ડિગ્રી-સર્ટિફિકેટો લટકાવ્યાં હોય, પણ માંખો મારતો હોય, તો એ ડૉક્ટર ખરો પણ નામનો જ ! કૉલેજમાં થિયરી બહુ ભણ્યો હોય, પણ દર્દીઓની ખરેખરી સારવાર શરૂ કરે ત્યારે જ એને ડૉક્ટર કહેવાય છે. ત્યારે એ પોતાના ભણતરની પ્રૅક્ટિસ કરતો હોય છે. દર્દી સાજો થઈ જાય કે ન થાય પણ ત્યારે એના ડૉક્ટરી સિદ્ધાન્તોના જ્ઞાનની કસોટી થતી હોય છે. એવા જ કોઈ કારણે ઘણા વિવેચકો સિદ્ધાન્તમાં જ સ્થિર થવાનું અને ત્યાં જ રહેવાનું પસંદ કરતા હોય છે.

પ્રત્યક્ષ વિવેચનને ‘પ્રૅક્ટિકલ ક્રિટિસિઝમ’ કહેવાય છે. એ શબ્દપ્રયોગ આપ્યો હતો આઇ.એ. રીચાર્ડ્ઝે, એ જ નામના પુસ્તકમાં, છેક ૧૯૨૯માં. 

મહિમા બન્નેનો છે, જરૂરત બેયની છે. બન્ને એકબીજાંનાં પૂરક છે.

પણ આપણને કૃતિઓ અને કર્તાઓ વિશે, કહો કે, સમગ્ર સર્જન-લેખન વિશે, તોલમોલ કરીને સાહિત્યપદાર્થનું અને સરવાળે ભાષા-સાહિત્ય અને સંસ્કૃતિનું મૂલ્ય આંકી આપનારા પ્રૅક્ટિસિન્ગ ક્રિટિક્સની જરૂર વધારે હોય છે. આપણે ઇચ્છતા હોઇએ છીએ કે તેઓ સદા આપણને પ્રત્યક્ષ થાય.

એટલે, હમણાં તો હું પ્રત્યક્ષ વિવેચનની વાત જ ચાલુ રાખીશ.

આ અગાઉના લેખમાં કહ્યું હતું કે વિવેચન-લેખનમાં ચાર વાનાં વરતાવાં જોઈશે : વર્ણન, અર્થઘટન, સમજૂતી અને મૂલ્યાંકન. એ ચાર વાનાં હકીકતે વિવેચનાત્મક વિધાનો છે - ક્રિટિકલ સ્ટેટમૅન્ટ્સ : વર્ણનપરક, અર્થઘટનપરક, સમજૂતીપરક અને મૂલ્યાંકનપરક.

વિવેચનની પ્રત્યક્ષ-પાંખે, નાના અવલોકનલેખથી માંડીને મોટા સમીક્ષાલેખ સુધીનાં કોઇપણ વિવેચનલેખનમાં આ ચારેય વિધાનો આછાપાતળા કે એકદમના સ્પષ્ટ સ્વરૂપમાં જોવા મળશે.

વાત એમ છે કે આ ચારેય વિધાનો વિવેચનનાં અનિવાર્ય તત્ત્વો કે પરિમાણ કે પાસાં છે.

એ વિધાનોથી થાય છે શું? એથી લખાણ વિવેચન બને છે. એથી વિવેચનનું ’કૉન્ફિગરેશન’ થાય છે એમ કહેવું વધારે યોગ્ય ગણાશે. એટલે કે, એક એવું સમાયોજન રચાય છે, એક એવું સંયોજન, કે જેમાં કૃતિનું વર્ણન, અર્થઘટન, સમજૂતી અને મૂલ્યાંકન યથાસ્થાને ગોઠવાઈ ગયાં જાય છે. અટકું, શાસ્ત્રીયતામાં ન ધપી જઉં. એક વ્યવહારુ દૃષ્ટાન્ત રજૂ કરું :

ધારો કે, આપણે પિત્તળનું એક ફ્લાવરવાઝ લાવ્યા છીએ. બે વર્ષ પર મારા મિત્રને મેં એવું જ એક ભેટ આપેલું. ધારો કે, એ ફ્લાવરવાઝ વિશે હું આવું બધું કહું છું : એકાદ ફૂટ ઊંચું છે. હલકું નથી, વજનદાર છે. એમાં પાણી રેડી શકાય છે પણ એનું પિત્તળ ઊંચી ક્વૉલિટીનું છે, પ્રોસેસ્ડ્ છે, કદી કટાશે નહીં. એનું ગળું એવું માપસરનું છે કે ઘણાં બધાં ફૂલોની ડાળખીઓને એ બરાબર પકડી રાખશે.

વાઝ : Ebay

Pic courtesy : Faire

નમણું અને રૂપાળું દેખાય છે. માત્ર વાઝ નથી લાગતું, આકર્ષક કલાકૃતિ લાગે છે. મનને ગમે છે, પ્રસન્ન થવાય છે. એમાં મશીન અને માણસની સર્જકતાનો સુમેળ સધાયો છે. મૉંઘું છે પણ ભેટ તરીકે આપીએ તો વ્યક્તિ ખુશ થઈ જાય. આકર્ષક ટિપોઇ પર સજાવી રાખે. એની પૉલિશ એટલી સરસ છે કે સોનાનું લાગે છે. ઉત્પાદકોએ લખ્યું જ છે : ગોલ્ડ ફિનિશ. એમ પણ લખ્યું છે : સાથે અમે ફૂલો નથી આપતા, તેની નૉંધ લેવી. એ નૉંધ રમૂજ પમાડે છે, પણ જરાક ધંધા-બાજુની લાગે છે, ન મૂકી હોત સારું થાત.

આ મેં વાઝ વિશે કહ્યું લગભગ તેવું જ પ્રત્યક્ષ વિવેચનમાં સાહિત્યકૃતિ વિશે કહેવાતું હોય છે. ને ત્યારે એમાં ચારેય વિવેચનાત્મક વિધાનો સંભવ્યાં હોય છે. સ્વયંભૂ લાગે. વિવેચકથી જાણ્યે-અજાણ્યે પણ થઈ ગયાં હોય. જો કે સારો વિવેચક એ વિશે હમેશાં સભાન અને સતર્ક રહેતો હોય છે.

એ દરેક વિધાન વિશે, હવે પછી …

સૂચના :

1. આ લેખમાં રજૂ થયેલા વિચારો અને મુદ્દાઓ વિશેના જ પ્રતિભાવો સ્વીકારાશે, તેની મિત્રોએ નૉંધ લેવી.

2. આ FB પેજ પર રજૂ થતાં મારાં કાવ્યો, અનુવાદો કે લેખો કૉપિરાઇટથી રક્ષિત છે, તેની સૌએ નૉંધ લેવી. પોતાનું નામ જાહેર કર્યા વિના આમાંનું કશું પણ Share કરનાર સામે યોગ્ય કારવાઈ કરાશે. 

= = =

(October 11, 2021: USA)

Category :- Opinion / Literature

વિવેચન કરવાનો અધિકાર કોનો? (1)

ત્રીસેક વર્ષ પહેલાંની વાત છે. મારા ઘરે ગુજરાતી સાહિત્યનાં એક અધ્યાપકબહેન આવેલાં. અલકમલકની વાતો ચાલેલી. મને એકાએક કહેવા લાગ્યાં : સુમનભાઈ, તમે નામાંકિત સાહિત્યકાર છો, મારાથી વિવેચક થવાય? મારે થવું છે, શું કરવું જોઈએ? મેં કહ્યું : હું પોતે હજી વિવેચન શીખી રહ્યો છું, તમને શું કહી શકું? : થોડું પણ કહો : મેં કહેલું કે મને જેટલું આવડે છે એને આધારે બે વાત કરું. પછી મેં એમને જે કંઈ કહ્યું હશે તે બધું અત્યારે યાદ નથી.

પણ અમારી વાતોનો સારરૂપ મુ્દ્દો એ હતો કે - વિવેચકપદવાંચ્છુએ શું કરવું જોઇએ.

વિવેચક શી રીતે થવાય. વિવેચન કોણ કરી શકે. ટૂંકમાં, વિવેચન કરવાનો અધિકાર કોનો?

એ બહેન વિવેચક ન થયાં, કાવ્યો કરે છે, વિભાગીય અધ્યક્ષ થયાં, હવે કદાચ નિવૃત્ત છે. હું નમ્રતાપૂર્વક કહું કે વ્યક્તિ અધ્યક્ષ હોય કે પ્રમુખ, મહેનતુ વિદ્યાર્થી હોય કે સાહિત્યનો કોઈ અઠંગ વાચક, સામયિકનો દુરારાધ્ય અથવા પરમ સરળ તન્ત્રી હોય કે સમ્પાદક, વિવેચન ન કરી શકે.

મારે વિવેચક થવું છે .... I want to be a critic ...  

Pic courtesy : Reedsy

એ ત્રીસ વર્ષના મારા વિદ્યાવ્યાસંગને પ્રતાપે મારું મન્તવ્ય બંધાયું છે કે એ જ અધ્યક્ષ, એ જ પ્રમુખ, એ જ વિદ્યાર્થી, એ જ વાચક, એ જ તન્ત્રી કે સમ્પાદક વિવેચન જરૂર કરી શકે, કરી શકે અને કરી જ શકે - જો એની પાસે નીચે દર્શાવેલી ૧૧ વસ્તુઓ હોય :

૧ :

ધારો કે એ ચન્દ્રકાન્ત બક્ષીકૃત ‘આકાર’ નવલકથાનું વિવેચન કરવા ચાહે છે. સૌ પહેલાં એણે એ કૃતિનું શબ્દ શબ્દમાં વાચન કર્યું હોવું જોઈશે - જેને સઘન વાચન, નિકટવર્તી વાચન કે ક્લોઝ રીડિન્ગ કહેવાય છે. એવું વાચન ભાવનમાં પરિણમે અને કૃતિનો રસાનુભવ કે કલાનુભવ શક્ય બને. રસાનુભવ વિવેચનની પૂર્વશરત છે.

નવલકથા કેટલી મોટી છે, બધું ક્યારે વાંચી રહીશ, એવા મનોભાવથી ઉપર ઉપરથી જોઈ જાય કે ગગડાવી જાય, તે ન ચાલે.

‘આકાર’ વિશે બીજા વિવેચકે લખેલું વિવેચન વાંચીને પોતાનું ઠઠાડી કાઢે, તે પણ ન ચાલે.

૨ :

એની પાસે બક્ષીની અન્ય નવલકથાઓનો ઠીક ઠીક પરિચય હોવો જોઈશે. ‘અન્ય’-નો અર્થ એ કે ‘આકાર’ પૂર્વેની અને તે પછીની.

૩ :

એને નવલકથાના સ્વરૂપ, કાર્ય અને પદ્ધતિની પાકી સૈદ્ધાન્તિક જાણ હોવી જોઈશે. એ પણ ખરું કે એને લઘુનવલ કે મહાનવલના સિદ્ધાન્તોની પણ જાણ હોવી જોઈશે. એ સાહિત્યવિશ્વના ત્રણ મુખ્ય ઉપખણ્ડ અને તેમની વચ્ચેના ભેદ જાણતો હોવો જોઈશે - ડ્રામેટિક પોએટ્રી - નૅરેટિવ પોએટ્રી - લિરિકલ પોએટ્રી. ‘પોએટ્રી’-નો અહીં અર્થ લેવાનો છે, સાહિત્ય. 

૪ :

એની પાસે વિશ્વ-નવલકથાના ઇતિહાસની આછીપાતળી પણ ઐતિહાસિક રૂપરેખા હોય, તો સારું થશે.

પરન્તુ એની પાસે ગુજરાતી સાહિત્યના સમગ્ર ઇતિહાસનું અને ગુજરાતી નવલકથાના વિશિષ્ટ ઇતિહાસનું સાદ્યન્ત જ્ઞાન નહીં હોય, તે નહીં જ ચાલે. એને ખબર પડવી જોઈશે કે બક્ષી પૂર્વે ગુજરાતી નવલકથા કેવા સ્વરૂપે હતી, એટલું જ નહીં, એને એ પણ ખબર હોવી જોઈશે કે બક્ષી પછી ગુજરાતી નવલકથા કેવા સ્વરૂપે બદલાઈ હતી.

૫ :

કથાસાર આપી દેવો કે ઘટનાઓની અને પાત્રોની પરિસ્થતિઓની પોતાના શબ્દોમાં વાતો લખી નાખવી, તે વિવેચન નથી.

નવલકથા એક સર્જન કહેવાય. એમાં બધું સરસ રીતે ગૂંથાયું હોય. વિવેચન કરનારને એ આખી ગૂંથણી ઉકેલતાં આવડવું જોઈશે. ઉકેલાયું હોય એટલે મહત્ત્વના એકમો એના ધ્યાનમાં આવ્યા હોય. એ એકમો એકમેકને શી રીતે પ્રભાવિત કરે છે એ બધું એ સરસ રીતે કહી શકવો જોઈશે.

યાદ રાખો કે સર્જન સંશ્લેષણ છે, વિવેચન વિશ્લેષણ છે. યાદ એ પણ રાખો કે સર્જન કાળજીભર્યું સંશ્લેષણ છે, વિવેચન પણ કાળજીભર્યું વિશ્લેષણ છે.

વિવેચકે કૃતિ નામના પંખીનાં પીછાં જોવાનાં ને તપાસવાનાં જરૂર પણ યાદ એ રાખવાનું કે એણે એવી ફૅંદાફૅંદી નથી કરવાની કે પંખી બચારું મરી જાય !

૬ :

સંસ્કૃત કાવ્યશાસ્ત્ર, રસમીમાંસા, પ્લેટો-ઍરિસ્ટોટલથી માંડીને ટી.ઍસ. એલિયટ અને ‘નવ્ય વિવેચન’ લગીની પશ્ચિમની સાહિત્યમીમાંસાનો - બન્ને પરમ્પરાઓનો - એ અભ્યાસુ હોવો જોઈશે. કેમ કે એ સમૃદ્ધ પરમ્પરાઓએ જ વિવેચનપદાર્થને વિધ વિધે ઓળખાવ્યો છે. વિવેચકપદવાંચ્છુની એ પ્રાથમિક શાળાઓ છે.

૭ :

એણે પોતાની ભાષાના નીવડેલા વિવેચકોને વાંચ્યા હોવા જોઈશે. એણે વિશ્વખ્યાત વિવેચકોને વાંચ્યા હોય તો ઉપકાર થશે.

૮ :

એની પાસે વિવેચનને માટેના શબ્દોનું ભંડોળ હોવું જોઈશે. એ ભંડોળ અથવા વૉકેબ્યુલરી સામાન્યપણે બે પ્રકારની છે : મૅટાફોરિકલ અને મૅથડોલૉજિકલ. નવલકથાની ચર્ચા કરતી વખતે ‘જન્મ’ ‘ઉછેર’ ‘વિકાસ’ ‘નાભિશ્વાસ’ ‘મરણ’ જેવા શબ્દો પ્રયોજીએ છીએ, તે મૅટાફોરિકલ. મૅથડોલૉજિકલ આપણે ત્યાં ખાસ વિકસી નથી, છતાં, આપણે કથાવસ્તુની સંરચના, તેનું સ્થાપત્ય, તેનું શિલ્પ એમ જાણ્યે-અજાણ્યે પ્રયોજીએ છીએ ખરા.

૯ :

એણે સાહિત્યવિવેચનની પરિભાષામાં લખવું જોઈશે. પારિભાષિક સંજ્ઞાઓ દૂધમાં સાકર ભળે એમ એના લેખનમાં ભળીને એકરસ થઈ ગઈ હોય તો ખૂબ આવકાર્ય ગણાશે. પણ પરિભાષા વિનાનું લેખન નિ:સામાન્ય હોય છે, એની એણે ફૉમ રહેવી જોઇશે.

૧૦ :

એના લેખનમાં ગુજરાતી ભાષાની જોડણી સચવાઈ હોય, વાક્યરચનાઓમાં પસંદગી-ધરી અને અન્વય-ધરીનું સામંજસ્ય હોય, વાક્યો વાક્યતન્ત્રનું માન રાખતાં હોય, શબ્દો શબ્દાર્થશાસ્ત્ર અનુસારના હોય, એ બધી અનિવાર્યતા છે. એ કોઈ ગુજરાતી જાણતો સામાન્ય નાગરિક નથી કે જેમતેમ લખી પાડે તે નભી જાય.

વિવેચકો પ્રત્યક્ષપણે સાહિત્યકલાના અને પરોક્ષપણે પોતાની માતૃભાષાના રખેવાળ હોય છે.

૧૧ :

એના એ મહત્ત્વાકાંક્ષી લેખનમાં ચાર વાનાં વરતાવાં જોઈશે : વર્ણન, અર્થઘટન, સમજૂતી અને મૂલ્યાંકન. એથી એના લેખનને વિવેચનનનો માભો મળશે. એકલું વર્ણન કે એકલી સમજૂતી, વિવેચન નથી. માત્ર અર્થઘટન કે માત્ર મૂલ્યાંકન તો, શક્ય જ નથી. આ ચારેય વાનાં લેખનમાં ક્રમે ક્રમે દેખા દે છે. ક્યારેક એકાદ દીર્ઘ ફકરામાં ચારેય સમ્મિલિત પણ જોવા મળે છે.

આ ૧૧ વસ્તુઓ નવલકથા ઉપરાન્ત, પ્રકાર અનુસાર, કવિતા ટૂંકીવાર્તા નિબન્ધ નાટક વગેરે બધા જ સાહિત્યપ્રકારોને લાગુ પડે છે.

આ ૧૧ વસ્તુઓ પાયાની છે. વિવેચનની ઇમારત એ પર ઊભી હોય છે. છતાં, અપવાદ રૂપે કશાકમાં લગીર છૂટછાટ લેવાઇ હોય, તો ચાલી શકે છે. પણ એટલી મોટી છૂટ નહીં લઈ શકાય કે ઇમારત વિકસે એ પહેલાં જ ધબૂસ થઈ જાય.

તાત્પર્ય, વિવેચકપદવાંચ્છુએ આ ૧૧ વસ્તુઓના આગ્રહી બનવું. જાત જોડે રાખેલો એ આગ્રહ એના અધિકારને દૃઢથી સુદઢ કરશે.  

= = =

(October 8, 2021: USA)

સૂચના :

1. આ FB પેજ પર રજૂ થતાં મારાં કાવ્યો, અનુવાદો કે લેખો કૉપિરાઇટથી રક્ષિત છે, તેની સૌએ નૉંધ લેવી. પોતાનું નામ જાહેર કર્યા વિના આમાંનું કશું પણ Share કરનાર સામે યોગ્ય કારવાઈ કરાશે.

2. સૂચના : આ લેખમાં રજૂ થયેલા વિચારો અને મુદ્દાઓ વિશેના જ પ્રતિભાવો સ્વીકારાશે, તેની મિત્રો નૉંધ લેશે.

Category :- Opinion / Literature