OPINION

સાધુ હોય કે શેતાન, કટ્ટરતા બંનેનો એકસરખો ગુણ હોય છે. અને બંનેના અનુયાયીઓ એ જ કટ્ટરતાને ભક્તિનું નામ આપીને ઉચિત ઠેરવે છે. જેમ બે હોંશિયાર માણસો તેમના બૌદ્ધિક અહંકારનાં કારણે એકબીજાને ગમતા ના બને, તેવી જ રીતે અલગ સંપ્રદાયના બે સાધુઓ પણ હાથમાં હાથ નાખીને પ્રેમનાં ગીત ગાતાં-ગાતાં સડકો પર ના નીકળે. આપણે કટ્ટરતાને ધર્મ સાથે જોડીને ખુદને શ્રેષ્ઠ સાબિત કરીએ છીએ. એ સાચું કે ધર્મ મારફતે કટ્ટરવાદ વધુ સ્પષ્ટ રીતે બહાર આવે છે, પણ એક લેખક, એક પિતા, એક પતિ પણ એના વિચાર કે વ્યવહારમાં એટલો જ કટ્ટર હોઈ શકે, જેટલો કોઈ આતંકવાદી હોય. મૂળમાં તો બધા માણસો જ છે અને પ્રત્યેક માણસ તેના વિચારો, માન્યતાઓ અને લાગણીઓનો ગુલામ હોય છે.

એક સાધુ તેના ગુરુ કે તેના ઈશ્વરને લઈને એટલો જ કટ્ટર હોઈ શકે, જેટલો એક પિતા તેની પુત્રીનાં અફેરને લઈને કટ્ટર હોય. ફરક એટલો છે કે આપણે સાધુના ચરણસ્પર્શ કરીએ છીએ અને પિતાને જેલમાં મોકલીએ છીએ. ધર્મોની કટ્ટરતા આપણને ઉચિત લાગે છે, કારણ કે એમાં પૂરા સમુદાયનું કલ્યાણ દેખાય છે. પુણ્યપ્રકોપ જેવો કોઈ અલગ પ્રકોપ નથી હોતો. તે એક સામાન્ય માણસના ક્રોધ જેવી જે એક બીમારી છે, જેનો ઈલાજ થવો ઘટે.

કટ્ટરતા એટલે શું? કટ્ટરતા એટલે જે પોતાની માન્યતા, વિચાર, લાગણી અને અભિપ્રાયમાં અટલ છે અને જે કોઈ પણ પ્રકારની ટીકા કે સવાલથી પરે છે તે. કટ્ટરતા અંધભક્તિમાંથી આવે. એક વ્યક્તિ, એક પરિવાર, એક સમુદાય કે એક આખો સમાજ તેની માન્યતા અને વિરોધમાં કટ્ટર હોઈ શકે.

"માત્ર મારો વિચાર અને મારી ભાવના જ સાચી છે અને જે વ્યક્તિના વિચાર મારાથી અલગ છે, તે વ્યક્તિ ગલત છે અને દુનિયામાં જે ગલત છે, તેને દૂર કરવાની આપણી ફરજ છે." એક વ્યક્તિને કે પછી પૂરા સંસારને બહેતર બનાવવા માટે જે વ્યક્તિમાં આ પ્રકારનો વિચાર જડાયેલો હોય, તે કટ્ટર કહેવાય. એક નાસ્તિક કરતાં એક આસ્તિક વધુ કટ્ટર હોય છે તેનું કારણ એ છે કે આસ્તિક એમ માને છે કે તેની પાસે અથવા તેના ઈશ્વર કે ગુરુ પાસે તમામ સવાલોના અસલી જવાબો છે અને તમામ સમસ્યાઓનાં સમાધાન છે અને તેણે હવે બીજું કશું કરવાની જરૂર નથી, માત્ર પાલન જ કરવાનું છે. આમાંથી તેમનો અહંકાર મજબૂત થાય અને કટ્ટરતા જન્માવે. ધાર્મિક લાગણીઓ એટલે જ બહુ આસાનીથી દુભાય છે.

જેની લાગણી દુભાતી હોય, તે વ્યક્તિ કટ્ટર હોય, કારણ કે તેને મન તેની લાગણી સાચી અને સર્વોચ્ચ છે અને તેનો આગ્રહ હોય કે તમામ લોકોએ તે લાગણીને માન આપવાનું, પછી એ લાગણી ધાર્મિક હોય, સામાજિક હોય, પારિવારિક હોય કે વ્યક્તિગત હોય. મારા ભગવાનને કશું કહેવાનું નહીં, મારા ગુરુ વિશે ઘસાતું બોલવાનું નહીં, મારા પરિવારને કશું કહેવાનું નહીં, મારા ઝંડા માટે ગમેતેમ ના બોલતા, મારા નેતા વિશે કશું બોલતા નહીં, મારી મા સુધી ના જતા, મારા છોકરા માટે એકફેલ ના બોલતા, મારા વિશે સંભાળીને બોલજે …… આ કટ્ટરતા!

અંગ્રેજીમાં બે શબ્દો છે, ફંડામેન્ટાન્લિસ્ટ એટલે કે રૂઢીચુસ્ત અને ફેનાટિક એટલે કે કટ્ટર. આપણે બંનેને એક જ ગણીએ છીએ, પણ બંનેમાં તફાવત છે. રૂઢિચુસ્ત એ છે જે સિદ્ધાંતોનું પાલન કરે છે. એક વૈજ્ઞાનિક, એક ડોક્ટર, એક વકીલ, એક પોલીસ કે એક ધાર્મિક વ્યક્તિ રૂઢિચુસ્ત હોઈ શકે, કારણ કે તે સિદ્ધાંતો, નિયમો કે કાનૂનનું કડક પાલન કરે છે. એક વ્યવસ્થાને કારગત રીતે ચલાવવા માટે પાયાના નિયમો ઘડવા પડે અને તેનું શિસ્તબદ્ધ રીતે અનુસરણ કરવું પડે. તે અર્થમાં રૂઢિચુસ્ત અભિગમ આવકાર્ય ગણાય છે.

ચંદ્ર પર ચંદ્રયાન મોકલનારા ઈસરોના વૈજ્ઞાનિકો રૂઢિચુસ્ત કહેવાય કારણ કે તેઓ અગાઉથી લેખિત એક ગાણિતિક કોમ્પ્યુટર પ્રોગ્રામનું અક્ષરસઃ પાલન કરે છે. એક વકીલ પીનલ કોડ કે બંધારણમાં લખેલી સંહિતાને ચુસ્ત રીતે વળગી રહે છે એટલે તેને રૂઢિચુસ્ત કહેવાય. એક ડોકટર તેના ભણવામાં આવેલી સારવારની પ્રણાલીમાં રૂઢિચુસ્ત હોય, પણ નવી શોધખોળ વિકસે તો તે જૂની પદ્ધતિનો અસ્વીકાર કરીને નવી પદ્ધતિ અપનાવે. ટ્રાફિક પોલીસ તેના નિયમોનું ‘જડતા’થી પાલન કરે છે, કારણ કે તો જ ટ્રાફિક સુચારુ રૂપે ચાલતો રહે. તેવી જ રીતે એક પરિવાર કે એક સમાજ પણ આચાર-વિચારમાં રૂઢિચુસ્ત હોય છે, પણ રિવાજો કે પરમ્પરા બદલાય, તો તે તેમાં ફેરફાર કરીને નવી રસમ અપનાવે છે. દાખલા તરીકે એક સમયે સ્ત્રીના સતી થવાની, બાળ વિવાહની, જ્ઞાતિમાં જ વિવાહ કરવાની રૂઢિચુસ્તતા હતી, આજે નથી. રૂઢિચુસ્તતામાં મતભેદ માટે જગ્યા હોય છે.

કટ્ટર વ્યક્તિ પણ રૂઢિચુસ્ત હોય છે, પણ એની રૂઢિમાં પરિવર્તનની શક્યતા નથી. તેનું સત્ય અંતિમ હોય છે. તેની ટીકા કે વિશ્લેષણ ના થઇ શકે. તેમાં સંદેહને કોઈ સ્થાન ના હોય. તેમાં અસહમતિ કે પ્રતિ-વિચારની સંભાવના ના હોય. કોઈ તેની વિવેચના કરે, તો પણ તે સમર્થનમાં જ હોય. કટ્ટરતામાં મતભેદની જગ્યા નથી હોતી. દાખલા તરીકે જર્મનીમાં નાઝીઓ તેમની આર્યોની શ્રેષ્ઠતાના સિદ્ધાન્તમાં એટલા કટ્ટર હતા કે લાખો યહૂદીઓને ‘ગંદા’ ગણીને મારી નાખ્યા હતા. તેમણે તેમની થિયરીના સમર્થનમાં વિજ્ઞાન પણ વિકસાવ્યું હતું. પશ્ચિમનાં રાષ્ટ્રોએ તેમની માન્યતાનો વિરોધ કર્યો, તો તેમણે યુદ્ધ છેડી દીધું.

“હું જે માનું છું, તે શ્રેષ્ઠ છે અને મારી પાસે તેના (ધાર્મિક અને વૈજ્ઞાનિક) તર્ક પણ છે,” એ કટ્ટરતા કહેવાય. તેને તર્કદોષ કહેવાય. દાખલા તરીકે તમે જેની ભક્તિ કરો છો તે ગુરુ કે નેતા સત્યવક્તા છે. તમને કોઈક આવીને કહે કે ગુરુએ આપણને એક કામ સોંપ્યું છે. તમારે એ કામ કોઈ સવાલ પૂછ્યા વગર કરવાનું, કારણ કે એ સત્ય જ છે. બીજી રીતે આ સમજવું હોય, તો દરેક પક્ષી ઊડે છે, તે સત્ય હકીકત છે. ડોલ્ફિન પક્ષી છે. મતલબ ડોલ્ફિન ઊડી શકે.

એક આશ્રમમાં રોજ સવારે ગુરુ ધ્યાનમાં બેસે. એમની સાથે અનુયાયીઓ પણ આનંદની ખોજ કરે. એમાં એક દિવસ ક્યાંકથી આવેલી બિલાડી જોડાઈ. એ મ્યાવ મ્યાવ કરતી જાય, અને બધાના પગમાં ઘસાતી જાય. અનુયાયીઓને બિલાડીના કારણે ધ્યાનમાં ખલેલ પડવા લાગી. ગુરુએ તેનો વ્યવહારિક રસ્તો કાઢીને, બિલાડીને નજીકમાં થાંભલે બાંધી દીધી. હવે ધ્યાન સરસ થવા લાગ્યું. વર્ષો થઈ ગયાં, આમ જ નિત્યક્રમ ચાલે. અનુયાયીઓ રોજ સવારે ઊઠીને બિલાડીને બાંધે દે, અને પછી ધ્યાન ધરે.

એક દિવસ ગુરુનું અવસાન થયું. એ પછી પણ પેલો બિલાડીને બાંધવાનો અને ધ્યાન ધરવાનો નિત્યક્રમ ચાલતો રહ્યો. થોડો વખત થયો, અને બિલાડી મરી ગઈ. ભક્તો બીજી બિલાડી લઈ આવ્યા, અને એને થાંભલે બાંધીને ધ્યાન કર્મ શરૂ કર્યું.

સદીઓ પછી પંડિત અનુયાયીઓએ શાસ્ત્ર લખ્યું કે, ઇશ્વરપ્રાપ્તિમાં થાંભલે બાંધેલી બિલાડીનું મહત્ત્વ કેટલું છે. ત્યાંથી એક મહાન ધર્મનો પ્રારંભ થયો. બિલાડી પૂજાવા લાગી, વિશેષ થાંભલા બન્યા અને મંદિરો બન્યાં. બિલાડીને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવી અને જે કોઈ તેને હાનિ પહોંચાડે, તેને અપરાધી ગણવાની પ્રથા શરૂ થઈ. જે કોઈ બિલાડીમાં ના માને, તેને વિધર્મી કહેવાનું શરૂ થયું. તેમાં મારામારી અને કાપાકાપી થઈ.

કટ્ટરતા શરબખોરી જેવી હોય છે. શરાબી માણસ જેમ એક્સેલેટર દબાવીને બેફામ વાહન ચલાવે અને રસ્તે જતા લોકોને પાડી દે, તેવી જ રીતે કટ્ટર વ્યક્તિ કે સમુદાય પણ તેની અંધભક્તિ, માન્યતા, શ્રદ્ધા, અભિપ્રાય કે લાગણીના નશા હેઠળ અડફેટે આવે તેને પાડી દે. આ શરાબ ભણેલા અને અભણ બંને પર એકસરખી રીતે જ કામ કરે. પ્રત્યેક માણસ કટ્ટર જ હોય છે. ખાલી વિષયો બદલાતા રહે છે.

https://www.facebook.com/permalink.php?story_fbid=2368058363522209&id=1379939932334062&__tn__=K-R

Category :- Opinion / Opinion

આજકાલ અમદાવાદ ખાતે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અનેક પ્રવૃત્તિઓથી ધમધમે છે. વિવિધ પ્રકારનાં કાર્યક્રમો અને પ્રદર્શનો, વક્તવ્યો ત્યાં યોજાય છે. જેનો રસિક અને ઉત્સુકજનો પૂરતો લાભ લે છે. તા. પમી સપ્ટેમ્બરના રોજ આવો જ એક કાર્યક્રમ યશવંત દોશી સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણીનો યોજાઈ ગયો. એમાં જાણીતા રાજકીય સમીક્ષક, અનુવાદક, ઇતિહાસ તથા બંધારણના અભ્યાસી નગીનદાસ સંઘવીએ ‘યશવંત દોશીનું જીવન અને કવન’ વિષય પર મનનીય પ્રવચન આપ્યું હતું. આ નિમિત્તે ગુજરાતી સાહિત્યના અભ્યાસી અને સંશોધક દીપક મહેતાએ વક્તાનો વિગતે પરિચય આપ્યો હતો અને દીપક મહેતા લિખિત ‘ગ્રંથના પંથના અનોખા યાત્રી યશવંત દોશી’ વિશેની ૭૨ પાનાંની નાનકડી પુસ્તિકાનું શતાયુ નગીનદાસ સંઘવીએ વિમોચન પણ કર્યું હતું.

યશવંત દોશી (૧૯૨૦-૧૯૯૯) આપણા ગ્રંથસમીક્ષાના સામયિક ‘ગ્રંથ’ના તંત્રી અને પરિચય પુસ્તિકાના સંપાદક તરીકે પૂરતા જાણીતા છે. આપણે ત્યાં અંગ્રેજીમાં ગ્રંથસમીક્ષાનાં થોડાં સામયિકો જોવા મળે છે. પરંતુ ગુજરાતી ભાષામાં ગ્રંથ અને પરિચય પુસ્તિકા એ એક અવનવું કાર્ય હતું. એ પ્રવૃત્તિ પાછળ વાડીલાલ ડગલી અને યશવંત દોશીની મિત્રબેલડી હતી. ‘ગ્રંથ’ સામયિક ૧૯૬૩માં શરૂ થયું, પરિચય પુસ્તિકા ૧૯૫૮માં. ‘ગ્રંથ’ સામયિક કાળક્રમે ૧૯૮૬ના વર્ષમાં આટોપી લેવાયું. પરિચય પુસ્તિકાની પ્રવૃત્તિ આજે પણ ચાલુ છે! યશવંત દોશીએ પોતે આઠ જેટલી પરિચય પુસ્તિકા લખી છે. જેમાંની સૌથી વધુ જાણીતી છે : સાચી જોડણી અઘરી નથી. (૧૯૫૯) આ ઉપરાંત તેમણે કેટલાંક સંપાદન અને કેટલાક અનુવાદો ઉપરાંત મોરારજી દેસાઈ વિશેની ચરિત્ર પુસ્તિકા અને સરદાર પટેલનું બે ભાગમાં જીવનચરિત્ર લખ્યું છે. આ જીવનચરિત્ર નવજીવન પ્રકાશિત છે.

યશવંત દોશી નગીનદાસ સંઘવીના પરમ મિત્ર. મુંબઈના કાંદિવલીમાં કવિ પ્રહ્‌લાદ પારેખના અવસાન સમયે આ મિત્રનો પરિચય થયેલો. પછી પરિચય ટ્રસ્ટની ઑફિસમાં અઠવાડિયે બે-ત્રણ વાર લગભગ નિયમિત જવાનો અને ચા પીવાનો ઉષ્માભર્યો સંબંધ તેમનો રહ્યો. ડગલી અને દોશી બંને મિત્રોએ પરિચય ટ્રસ્ટના કામ માટે પોતપોતાની નોકરી છોડવાનું નક્કી કરેલું. દોશીએ યુનાઈટેડ સ્ટેટસ ઈન્ફરમેશનની સર્વિસની ઊંચા હોદ્દાની અને અમેરિકન ડૉલરમાં મળતા પગારની નોકરી છોડી દીધી, અને ડગલીએ ન છોડી. મિત્ર નગીનદાસનું કહેવું હતું કે પોતાનું જીવન યશવંતભાઈએ પરિચય ટ્રસ્ટની પ્રવૃત્તિઓમાં આપી દીધું. મિત્રોએ યથવંતભાઈને ઘણો અન્યાય કર્યો છે, યશવંત દોશીએ તે મૂંગે મોઢે સહન કરી લીધો છે. સૌથી વધુ પરિચય પુસ્તિકા નગીનદાસ પાસે તેમણે લખાવી. લખવાની શિસ્ત પોતે યશવંતભાઈના કારણે શીખ્યા, પોતાના લેખન ઘડતરમાં યશવંત દોશીનો અમૂલ્ય ફાળો છે એમ નગીનદાસે જાહેર કબૂલાત કરી. ય.દો. અજાતશત્રુ હતા. પરિચય ટ્રસ્ટની પ્રવૃત્તિ તેમને માટે બીજી પત્ની જેટલી મૂલ્યવાન હતી.

કશા કારણ વિના ૧૯૭૭ના વર્ષ દરમ્યાન ‘ગ્રંથ’ મુંબઈથી અમદાવાદ ગયું અને કવિ નિરંજન ભગતે તે સમય દરમિયાન તેનું સંપાદન કર્યું. માતાના ખોળામાંથી બાળક ઝૂંટવી લેવાય એવી વેદના એ કાળે ય.દો.એ અનુભવી. પોતાની વ્યથા તેમણે કદી પ્રગટ કરી નહીં. ફરીથી સંપાદન સંભાળવાનું આવ્યું ત્યારે એક માતાની લાગણીથી એ બાળકને પુનઃ તેડી લીધું! ડગલીના  અવસાન પછી ડગલીનાં પત્ની ઇન્દિરાબહેન ટ્રસ્ટમાં દાખલ થયાં. ક્રમશઃ યશવંતભાઈ તેમાંથી મુક્ત થયા. ૨૨ વર્ષ તેમણે ‘ગ્રંથ’નું સંપાદન સભાળ્યું. તે પછી ‘સમકાલીન’ અને અન્ય પત્રમાં તેમણે કોલમ-લેખન કર્યું, જે લેખોના ત્રણેક સંચયો પ્રગટ થયા છે.

રાજમોહન ગાંધીએ અંગ્રેજીમાં સરદારનું દળદાર જીવનચરિત્ર લખીને પ્રગટ કર્યું તે જ સમયે ય.દો.નું આ જ વિષયનું ચરિત્ર બે ભાગમાં નવજીવન દ્વારા પ્રકાશિત થવાનું હતું. રાજમોહનની પ્રતિભા અને આગ્રહને કારણે બંને ચરિત્રો એક સાથે પ્રગટ ન થયાં, ય.દો.નું પુસ્તક પછીના વર્ષે પ્રગટ થયું જ્યારે તેઓ મૃત્યુ પામી ચૂક્યા હતા! નગીનદાસ તો રાજમોહનના પુસ્તકના અનુવાદક રહ્યા છે. તેમનું પ્રગટ મંતવ્ય હતું કે ય.દો.નું ચરિત્ર રાજમોહનના ચરિત્ર કરતાં ચોક્કસ ચઢિયાતું છે.

પરિચય ટ્રસ્ટમાં તેમના બીજા મિત્ર ભૃગુરાય અંજારિયા પણ નિયમિતપણે મળવા આવતા. ક્યારેક લેખકમેળો જામતો. ચંદ્રકાંત શાહ, દીપક મહેતા, હસમુખ ગાંધી, સૌરભ શાહ જેવા સાથી કર્મચારીઓને ય.દો. પાસેથી લેખન સંપાદનનો ઘણો અનુભવ પ્રાપ્ત થયો છે. દૈનિક ‘સમકાલીન’નું નામકરણ પણ ય.દો.ના નામે જ જમા છે.

મિત્ર વિશે બોલવાના આનંદ અને વ્યથા નગીનદાસે એક સાથે પ્રગટ કર્યાં. સહન કરવાનું જીવનમાં ઘણાને ફાળે આવે છે જેનો ક્યારેક કોઈ વિકલ્પ હોતો નથી. પણ ય.દો.એ તેમના સ્વભાવ મુજબ જે સહન કર્યે રાખ્યું તેનો જોટો મળવો મુશ્કેલ છે. એ તિતિક્ષાની કક્ષાનું હતું એમ કહી નગીનદાસે તિતિક્ષાની વ્યાખ્યા કરતો શંકરાચાર્યનો શ્લોક ટાંક્યો હતો. માનવીય ગુણોથી ય.દો. ભર્યાભર્યા હતા. આવો મિત્ર ભાગ્યે જ કોઈને મળે એમ પણ તેમણે કહ્યું.

આજનો સમય આત્મપ્રશંસાનો અને બધે કહી બતાવવાનો છે ત્યારે આવા મૂક સેવકોને યાદ કરવા એ પણ એક મહત્ત્વનું કાર્ય છે. નગીનદાસ કહેતા હતા કે ૧૦૦ વર્ષની મારી ઉંમરમાં અમદાવાદ જાહેરમાં બોલવાનો મારે માટે કદાચ આ પહેલો પ્રસંગ છે. મોટા માણસોના દાંભિક આચરણનો નગીનદાસે વક્તવ્ય દરમ્યાન નામો દઈને પર્દાફાશ પણ કર્યો. ચંદ્રકાંત બક્ષી અને ‘કુત્તી’ વાર્તા નિમિત્તે થયેલો વિવાદ પણ તેમણે યાદ કર્યો. દર્શકની ‘સોક્રેટિસ’ નવલકથા પોતે કરેલી સમીક્ષા અને દર્શકે અન્યત્ર તેનો કરેલો જવાબ પણ બાદ કર્યાં. ય.દો.ની ભાષા સંઘેડા ઉતાર હતી એમ પણ તેમણે કહ્યું. સોમા વર્ષે ટટ્ટાર ઊભા રહીને જુસ્સાપૂર્વક થયેલું નગીનદાસનું વ્યાખ્યાન સાંભળવું એ એક યાદગાર લહાવો બની રહ્યો.

E-mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 19 તેમ જ 22

પ્રા. નગીનદાસ સંઘવીના આ પ્રવચનની લિન્ક :

https://www.facebook.com/gujaratvishvakosh.trust.94/videos/520007068764770/?__tn__=%2CdlCH-R-R&eid=ARCKb-_F6-sGXbnqo8Vrz9tMu4EUvsufu5W6VQcOMv7_n9WrvDAxHVaAsUKS4zlVkTtz1j6y4TBy-tpt&hc_ref=ARR58BfB50e8CVLpnsdNmnPlSmtGmUN4QIRGCUOXAr9y13245TzMV0i3I56lS2fjr5g

Category :- Opinion / Opinion