OPINION

ગુજરાતની આગવી ઓળખ એનું ગુજરાતી સુગમ સંગીત, ને ગુજરાતી સુગમ સંગીતની આગવી ઓળખ એટલે સંગીત શિરોમણિ પુરુષોત્તમ ઉપાધ્યાય. એમના માટે એવું કહેવાય કે, પુરુષોત્તમ .... નરોત્તમ ...... સ્વરોત્તમ !! ત્રણ વર્ષની વયથી જેમણે ગુજરાતી સુગમ સંગીતનો હાથ ઝાલ્યો, તે પુરુષોત્તમ ઉપાધ્યાય આજે ગુજરાતી સાહિત્ય અને સંગીતનો આધાર સ્તંભ બનીને ઊભા છે. મહેશ દવેએ લખેલ 'એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે' હોય, જવાહર બક્ષી રચિત 'દૂરતા કોઈ વખત મોંઘી પડી' હોય કે પછી, મેઘબિંદુની રચના 'ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ' હોય, આ દરેકે દરેક રચનાને જેણે સંગીતબધ્ધ કરી છે, જેમણે લગભગ ૬૨ વર્ષની લાંબી કારકિર્દી દરમિયાન ૧૦,૦૦૦થી વધુ કાર્યક્રમો આપ્યા છે, તેમ જ સુગમ સંગીત ક્ષેત્રે ‘વિશ્વગુર્જરી’ એવોર્ડ મેળ્વ્યો છે તે સંગીતકાર અને ગાયક એટલે કે પુરુષોત્તમ ઉપાધ્યાય.

સંગીતકાર તરીકે પુરુષોત્તમભાઈએ અનેક અવિસ્મરણીય રચનાઓ આપી. જેની યાદી કરવા બેસીએ તો પાર ન આવે. પ્રસ્તુત ગીત 'માંડવાની જૂઈ''ની વાત કરીએ તો, લગભગ સાઠ વર્ષ પહેલાં જ્યારે ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે અવિનાશ વ્યાસનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો, એ સમયે પુરુષોત્તમભાઈને સંગીતકાર તરીકે ખાસ કોઈ ઓળખતું ન હતું. ગાયક તરીકે તેમની થોડી ઘણી ઓળખાણ પ્રસ્થાપિત થઈ હતી. એ વખતે અવિનાશ વ્યાસના ગરબા ખૂબ પ્રચલિત હતા. આવા જ એક ગરબાના કાર્યક્રમમાં અવિનાશભાઈને સમય ન હોવાથી એમણે એક ગરબો કમ્પોઝ કરવાનું કામ પુરુષોત્તમભાઈને સોંપ્યું. પુરુષોત્તમભાઈ એ સમયે પોતાના ગુરુ નવરંગ નાગપુરકર પાસે શંકરા રાગ શીખી રહ્યા હતા અને પંડિત શિવકુમાર શુક્લનો રાગ હંસધ્વનિ તેમણે સાંભળેલો હતો. એક જ ઘાટના આ બંને રાગના સંયોજન દ્વારા તેમને સુંદર ધૂન સ્ફુરી અને અદ્દભૂત ગીત સર્જાયું, 'માંડવાની જૂઈ ...'. સંગીતકાર તરીકે પુરુષોત્તભાઈનું આ પહેલવહેલું ખૂબસુરત સર્જન ! જો કે, અવિનાશભાઈના એ ગરબાના કાર્યક્રમમાં આ નવોદિત સંગીતકારનું નામ પણ તે વખતે જાહેર થયું ન હતું. પણ પછીથી, આ રચનાની લોકપ્રિયતા જોઈને અવિનાશભાઈ પોતે જ પુરુષોત્તમભાઈનું નામ જાહેર કરવા લાગ્યા. અને ત્યાર બાદ પુરુષોત્તમભાઈની સંગીતયાત્રાના આપણે સૌ સાક્ષી છીએ.

માંડવાની જૂઈ .... આ ગીતમાં જિતુભાઈ મહેતા હૃદયસ્પર્શી શબ્દોમાં, જૂઈના રૂપકથી એક કન્યાના અઘૂરા રહી ગયેલા અરમાનની વાત કરે છે. જૂઈ અમથી અમથી મૂઈ એવી વાતથી શરૂ થતું ગીત જૂઈના અકાળે કરમાઈ ગયેલાં જીવનની વાત કરે છે. જૂઈનુ જીવન એટલે એક લાંબી તરસ. તડકામાં ઊછરેલી છતાં એ જીવનના તડકા – દુ:ખો – થી ડરી ગઈ એવી વાત નાજુકાઈથી આવે છે. એનો હાથ પકડનાર તો છેવટ સુધી આવ્યો જ નહીં. એના સનમની રાહમાં ને રાહમાં એ એક ક્ષણમાં ખરી ગઈ. જૂઈને જેની રાહ હતી એ પવન છેવટે આવ્યો, પણ જૂઈના મૃત્યુ બાદ જ. જૂઈને રોજ રમાડતો પવન, જેની રાહમાં જૂઈ ખરી ગઈ, એ જૂઈના મોતનો મલાજો રાખે છે. એને ઝાકળમાં નવડાવી, ધૂળમાં પોઢાવી એના અગ્નિસંસ્કાર કરે છે. પોતાની માનીતી જૂઈને એ અગ્નિદેવતાને અંકે સોંપે છે.અધૂરા રહી ગયેલા પ્રેમનું આ ગીત સ્વરના ઉતારચડાવથી વધારે અર્થસભર બન્યું છે. એક વાર સાંભળ્યા પછી આ ગીત મનમાં લાંબા સમય સુધી વિષાદની લાગણી છોડી જાય છે.

http://rankaar.com/blog/category/poets/jitubhai-mehta

Category :- Opinion Online / Opinion

'નાયકન' અને મણિરત્નમ્

સૌમ્યા જોશી
02-01-2013

ઇ. સ. 1987ના મે મહિનાની વાત. વિખ્યાત ફિલ્મનિર્દેશક મણિરત્નમ્ ચેન્નાઈના એક સ્ટુડિયોમાં લાગેલા ઝૂંપડપટ્ટીના સેટ પર દ્રશ્યનું ફિલ્માંકન કરી રહ્યાં હતા. તે સમયે ગુંડા જેવા લાગતા ચાર-પાંચ માણસો સેટ પર આવીને ચૂપચાપ શૂટિંગ જોઈ રહ્યાં હતા. મણિરત્નમ્એ એક નજર તેમના સામે કરી અને ચૂપચાપ પોતાનું કામ કરવા લાગ્યા.

શૂટિંગના ચોથા દિવસે તેમનો ફોન રણક્યો. સામેથી સાંકેતિક ભાષામાં સંદેશો અપાયો. સંદેશો સાંભળીને ભયભીત બની ગયેલા રત્નમ્, જોખમ લઈને પણ, નિયત કરેલા સમયે અને સ્થળે પહોંચ્યા. શ્વેત ધોતિયું પહેરેલા, કપાળમાં તિલક કરેલા, નાના કદના પણ શક્તિશાળી માણસે તેમને આવકાર્યા.

એ માણસ એટલે બીજું કોઈ નહીં પણ રત્નમ જેના જીવન અને કુકર્મ પર આધારિત 'નાયકન' નામની ફિલ્મ બનાવી રહ્યાં હતા, એ વર્દરાજન મુદલિયાર ઉર્ફે 'વર્દાભાઈ' તરીકે કુખ્યાત મુંબઈનો ગુંડો સરદાર !

રત્નમના આશ્ચર્ય વચ્ચે, વર્દા તેમની ફિલ્મ વિશે, ફિલ્મના હીરો વિશે જાણવા ઉત્સુક હતો ! વર્દાને એ જાણવું હતું કે ફિલ્મનો હીરો પોતાની ગરદન પર લાલ રંગનો ખેસ વીંટાળે છે? તે લોકોને ફટકારે છે? કોર્ડલેસ ફોન પર હુકમ આપ્યા કરે છે? (એ સ્પષ્ટ હતું કે હિન્દી સિનેમામાં ખલનાયકના પાત્રને જેવું ચિતરવામાં આવે છે, તેનાથી વર્દા વાકેફ હતો.

ફિલ્મમાં ગુંડા સરદાર કેવો હોવો જોઈએ એ અંગે રત્નમને જણાવતા વર્દાએ કહેલું : 'તમારી ફિલ્મ એકપક્ષી ન બની જાય તે સુનિશ્ચિત કરજો. કોઈ પણ વ્યકિત, ગુંડા સરદાર સહિતની કોઈ પણ વ્યક્તિ, તેને ચીતરવામાં આવે છે, એટલી ખરાબ નથી હોતી. તમારી માથે એકની એક બાબત થોપવામાં આવે તો તમે એના આદી બની જાઓ એ વાત ખરી છે, પરંતુ તમને જે દેખાડવામાં આવ્યું છે, તે જ સાચું હોય એવું જરૂરી નથી. સત્યનું પ્રભાવલય તો દ્રષ્ટિની પેલે પાર સુધી વિસ્તરેલું હોય છે. અંધારી આલમ હંમેશાં પોલિસથી એક ડગલું આગળ શું કામ હોય છે, તમને ખબર છે ? અમારી પાસે ભલે કોઈ સુવિધા નથી, ભલે ઢગલાબંધ માણસો નથી, પણ અમે બુદ્ધિશાળી છીએ, કૌશલ્યવંત છીએ ...... વગેરે વગેરે ....'

જો કે, રત્નમ્ જેને ગર્ભિત ધમકી સમજતા એવી આ વાત અર્ધસત્ય જ હતી. એ સમયે વર્દા મુંબઈ પોલિસથી ડરીને ભાગતો ફરતો હતો. સામે એ વાત પણ એટલી જ સાચી હતી કે, જો વર્દા ધારે તો આખી ફિલ્મનું શૂટિંગ ખોરવી નાખે. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ એ સ્પષ્ટ થતું ગયું કે વર્દાને પોતાના જીવન પર આધારિત આ ફિલ્મ બને અને તેમાં પોતાના પાત્રનું વાસ્તવિક ચિત્રણ રજૂ થાય એમાં રસ હતો.

કુખ્યાત દાણચોર હાજી મસ્તાનના જીવન પર વિખ્યાત પટકથાલેખક જોડી સલીમ-જાવેદે લખેલી ફિલ્મ 'દીવાર'થી સ્ટાર સ્ટેટસ મેળવનાર અમિતાભ બચ્ચનની જેમ જ કમલ હાસને વર્દાભાઈની ભૂમિકામાં પ્રાણ રેડી દીધેલો. તે વર્દાને મળ્યો ત્યારે એક વાતોડિયા અને ઊર્જાભર્યા, ભારોભાર ચંચળ અને જોશભર્યા માણસ તરીકે પિછાણીને અવાચક બની ગયેલો !

વર્દાએ ફિલ્મમાં રસ દાખવ્યા બાદ રત્નમ્, વર્દા વિશે વધુ માહિતી મેળવવા મુંબઈ આવીને વર્દાના દીકરા મોહનને મળ્યા અને એમની વાતચીતના આધારે ફિલ્મના અનેક દ્રશ્યો અત્યંત રોમાંચક બન્યાં. દા.ત., ફિલ્મમાં હીરોના નિવાસસ્થાનના દ્રશ્યો.

1987ના ઓક્ટોબર મહિનાની એક સાંજે, મણિરત્નમે તેમની આ મહત્વકાંક્ષી ફિલ્મ 'નાયકન'નો સ્પેિશયલ પ્રિવ્યૂ શો, ચેન્નાઈના ટી.નગર પ્રિવ્યૂ થિયેટરમાં યોજેલો. આગલી હરોળમાં ખુશખુશાલ વર્દરાજન મુદલિયાર તેમના પરિવાર અને મિત્રો સાથે બિરાજેલા હતા. એ પ્રિવ્યૂ પછીની સવારે વર્દાએ રત્નમને ફોન કર્યો અને કહ્યું, : 'હું શક્તિશાળી માણસ છું, પણ તમારી ફિલ્મે મને એ વાતનું ભાન કરાવ્યું છે કે હું વધુ સારો માણસ બની શક્યો હોત. ઘણું ઘણું વધારે સારું કામ કરી શક્યો હોત. તમે મને મદદ કરો. તમે કોઈને એવું ન કહેતા કે, આ ફિલ્મ મારા જીવન પર આધારિત છે. હું સખત મૂંઝવણ અનુભવું છું.'

રત્નમે આ ભડભાદર માણસની આખરી ઇચ્છાને માન આપ્યું. જી હા, આખરી ઇચ્છા. આ ઘટનાના ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં વર્દા હૃદયરોગના હુમલાને લીધે મૃત્યુ પામ્યો. આજના જ દિવસે એટલે કે, 2 જાન્યુઆરી, 1988ના દિવસે.

વર્દા ઇચ્છતો હતો કે તે શાંતિથી, ચૂપચાપ મરે, નહીં કે ફિલ્મના નાયકની જેમ હિંસક રીતે તેનું મોત થાય. તેને દિલથી ચાહતા લોકો દ્વારા તેના મોત બાદ કોઈ તંગદિલી ન સર્જાય એવી તેની ઇચ્છા પૂરી થઈ. વર્દાનો એક વેળાનો બોસ, દાણચોર હાજી મસ્તાન વર્દાના મૃતદેહને લેવા મુંબઈથી ચાર્ટર્ડ પ્લેનમાં ચેન્નઈ આવેલો. અંતિમયાત્રાના દિવસે. વર્દાના મૃત્યુનો શોક પાળતા હોય એમ આખા મુંબઈની બધી દુકાનોના શટર બંધ રહેલા. એકઠા થયેલા ઢગલાબંધ લોકોએ વર્દરાજનના મૃતદેહ પર પુષ્પવર્ષા કરી હતી.

* 'નાયકન'ને 1988ની શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની કેટેગરીમાં એકેડેમી એવોર્ડ માટે નામાંકન પ્રાપ્ત થયેલું.

https://www.facebook.com/home.php#!/saumya.joshi.739

Category :- Opinion Online / Opinion