OPINION

અમારો દેશ ન્યૂ જર્સી

હરનિશ જાની
28-02-2013

એક અગત્યના સમાચાર – ન્યૂ જર્સી સ્ટેટ અમેરિકાના બીજા સ્ટેટ્સના યુનિયનમાંથી છુટું થઈને સ્વતંત્ર દેશ બનવાના મુડમાં છે. તેમાં બીજી અગત્યની વાત એ છે કે આ ચળવળ પાછળ અહીંના ગુજરાતીઓનો હાથ નથી. બાકી અમે આવ્યા ત્યારથી, અમેરિકામાં ‘નયા ગુજરાત’ બનાવવામાં લાગી ગયા છીએ. અમે માનવીમાંથી વિશ્વમાનવી બનવા થોડા આવ્યા છીએ? અમે તો વિશ્વમાનવીઓને ગુજરાતી બનાવવા આવ્યા છીએ.
વાત એમ છે કે અમેરિકામાં ચૂંટણીઓ પતી ગઈ. બારાકભાઈ ચૂંટાઈ આવ્યા અને પ્રમુખ બની ગયા. સવાલ એ છે કે હવે શું? વરસો પહેલાં ગુજરાતમાં એજ્યુકેશનની હાલત એ હતી કે તમે બી.એ. ડિગ્રીની ફાઇનલ પરીક્ષા આપો તો એવું જ ઇચ્છો કે પાસ ન થઈએ તો સારું. જો પાસ થઈ જઈએ  તો પછી શું ? નોકરી તો મળવાની નથી. બારાક ઓબામા સાહેબ ચૂંટણી તો જીતી ગયા. પરંતુ એ જીત કેટલી મોંઘી છે ? આમે ય તેમણે બળતું ઘર ભાડે રાખ્યું છે. તેનો હવે ખ્યાલ આવવા માંડ્યો છે. ઇકોનોમીના અને બજેટના પ્રશ્નોની વાત તો અલગ છે. પણ આ જીત તો એકાવન ટકા બહુમતીની છે, જે તેમને અમેરિકામાં રહેતી લઘુમતીઓએ અપાવી છે. બાકીના ઓગણપચાસ ટકા લોકો કે જેમને ઓબામા સાહેબ કે  જે ગન  કંટ્રોલની વાતો કરે  છે, તે નથી ગમતા તેમનું  શું ?  તે વર્ગમાં મોટા ભાગના વ્હાઇટ અમેરિકનો છે. તેમણે આ આંદોલન ચાલુ કર્યું છે કે આપણા રાજ્યે યુનાઈટેડ સ્ટેટસ્ ઓફ અમેરિકાના યુનિયનમાંથી છૂટાં થઈ જવું. ઓબામાના નેતૃત્વનો બહિષ્કાર કરવો. અને સ્વતંત્ર દેશ સ્થાપવો. હવે આ નવી ચળવળમાં ન્યૂ જર્સી સાથે બીજા વીસ રાજ્યો જોડાયા છે. ટેક્સાસે તો પોતાનો ધ્વજ પણ ફરકાવવા માંડ્યો છે.
આપણે ન્યુ જર્સીની વાત કરીએ. જો ન્યૂ જર્સી સ્વતંત્ર દેશ બને, તો અહીંના ગુજરાતીઓ આ નવો દેશ પચાવી પાડે. પછી ભલેને દુનિયા આખીની પ્રજા અહીં કેમ ન રહેતી હોય. કે પછી ભારતનાં બીજાં બધાં રાજ્યોના લોકો પણ  અહીં કેમ ન રહેતા હોય ! પરંતુ અમે ગુજરાતીઓ કોઈને ન ગાંઠીએ, જ્યાં જયાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત !
અમારે અરદેશરદાદાનો બોલ ખરો કરવાનો જ ! આમે ય ન્યૂ જર્સી સ્ટેટ અમેરિકાના બીજા રાજ્યોને નથી ગમતું. બીજાં રાજ્યોમાં લોકો ન્યૂ જર્સીના જાત જાતના જોક્સ બનાવે છે. જેનો અમને વાંધો નથી. કારણ કે અમને તે બહુ સમજાતા નથી. અમારા પાડોશી રાજ્ય ન્યૂ યોર્કમાં મેં એક કાર પર સાઈન વાંચી, ‘Keep New York clean. Dump your garbage in New Jersey.’ એમનું કહેવું છે કે ન્યૂ જર્સી એટલું ગંદું છે કે તેમાં આપણો કચરો દેખાશે નહીં. જ્યારે હાઇ વે પરથી ન્યૂ જર્સી આવતા હો અને ફાર્માસ્યુિટકલ પ્લાંટસ્ અને રિફાયનરીઓથી પ્રદૂષિત હવાની ગંધ આવે, તો માનવું કે તમે ન્યૂ જર્સીમાં પ્રવેશી ચૂક્યા છો. એક પોલિટીશયનને પૂછવામાં આવ્યું કે ‘તમને કેલિફોર્નિયા કેમ ગમે છે?’ તો તેમણે જવાબ આપ્યો, ‘અહીંથી ન્યૂ જર્સી દેખાતું નથી એટલે.’ પણ એ વાત અલગ છે, કે ન્યૂ જર્સી ગુજરાતીઓને ફાવી ગયું છે. અહીં ઘર જેવું લાગે છે. ન્યૂ જર્સી સિવાય બીજે ક્યાં ગુજરાતની યાદ આવવાની છે? જો અમને અહીં કશુંક ખૂંચતું હોય, તો તે કે રસ્તા પર રખળતાં રઝડતાં ઢોર અને કૂતરાંઓનો અભાવ. અમે તો તેને પણ ઈમ્પોર્ટ કરવા તૈયાર છીએ. પરંતુ તેને સારુ ચાલુ અમેરિકન ગવર્નમેંટ આડી ફાટે છે. તેથી અમે ન્યૂ જર્સી રાજ્ય ક્યારે સ્વતંત્ર દેશ બને છે, તે ઘડીની રાહ જોઈશું. એક રીતે જોઈએ તો ભારતની બધી જ પ્રજાઓ ન્યૂ જર્સીમાં છે. પરંતુ તેમાં આંખે ચડતા હોય તો તે છે ગુજરાતીઓ. રાજકારણમાં અમારી નવી પેઢી તો છેક વ્હાઇટ હાઉસમાં પણ પહોંચી ગઈ છે. પોલિટીક્સ તો અમારા લોહીમાં છે.
અમે તો અમેરિકામાં ‘નયા ગુજરાત’ બનાવવામાં લાગી ગયા છીએ. અમે અહીં ન્યૂ જર્સીમાં આપણું થાણું સ્થાપી દીધું છે. જતે દિવસે ખરા ગુજરાતીઓને જો અમેરિકા આવવું હશે તો વિઝા લેવો નહીં પડે. આ ‘નયા ગુજરાત’ તેમનું જ થઈ જશે. એક સ્વતંત્ર દેશ બનવા માટે ન્યૂ જર્સી સક્ષમ છે. અમે કાંઈ, બીજી બધી પ્રજાની જેમ અમેરિકન સંસ્કૃિતમાં ભળવા નથી આવ્યા.
અમે ભલે ચાલીસ–પચાસ વરસથી અહીં રહીએ, તો પણ અમે અમેરિકન નેશનલ એન્થમ - રાષ્ટ્રગીત નથી શીખ્યા. ‘ફોર્થ ઓફ જુલાઈ’ કઈ બલાનું નામ છે ? અમે તો ૧૫ ઓગસ્ટ, મૂળ ભારતીય કરતાં, અમે ભારતીય મૂળના, વધારે કૂદકા મારીને ઉજવીશું. અમે તો પાછા બોલિવુડની કોઈ આઈટમ, ગર્લને ઝંડો પકડાવીને, ‘ભારતમાતાકી જય’ના નારા લગાવીને – પણ ઉજવીશું. એ વાત ચોક્કસ છે. અમારે ત્યાં પણ બે પક્ષ છે. રિપબ્લીકન અને ડેમોક્રેટ નહીં; પરંતુ – કોંગ્રેસ અને ભા.જ.પ. અહીં અમારે જાત જાતના મતભેદ પણ છે. એક પક્ષ ૧૫મી ઓગસ્ટે આઝાદ દિન ઉજવશે, તો બીજો પક્ષ ૧૬મીએ. અમને સવારના પહોરમાં અમેરિકનોની જેમ કોફી કે ટોસ્ટ ન ખપે. અમે તો અમારી સાથે ફાફડા અને જલેબી લાવ્યાં છીએ. માનવીમાંથી વિશ્વમાનવી બને એ બીજા. અમે તો વિશ્વમાનવીઓને ગુજરાતી બનાવીશું. હવે તો અમારા બાળકોને પણ બાળકો છે. તેઓ આ ધરતીનું અન્ન ખાય છે. આ આકાશની હવા શ્વસે છે. તેઓ તેમનું વતન ન્યૂ જર્સી ગણાવે છે. ભલેને ! અમે પણ આ ધરતીનું અન્ન ખાઈએ છીએ. પણ અમારું વતન તો ચરોતર અને સોરઠ જ છે. અમે અમારા વતનની ધૂળ માથામાં ભરી લાવ્યાં છીએ. તે બતાવીએ છીએ. પચાસ વરસે પણ એ ધૂળ ખંખેરે તે બીજા ! અમે ગુજરાતીઓ ન ખંખેરીએ .. અમદાવાદમાં વરસાદ પડે, ત્યારે પહેલાં છતરીઓ ન્યૂ જર્સીમાં ખૂલે છે. ચૂંટણી ગુજરાતમાં થાય અને પરિણામની રાહ ન્યૂ જર્સીમાં જોવાય છે. અમને અમેરિકામાં બીજું બધું ખબર હોય કે ન હોય. પરંતુ અમને બેંકના રસ્તા બરાબર યાદ છે.
અમે અહીં, બધા ભગવાનોનાં મંદિરો પણ બનાવી દીધા છે. એટલે ગુજરાતમાંથી આવનારને ઘર જેવું લાગે. મનપસંદ ગુજરાતી ભગવાનો અહીં તમારા માટે હાજર જ છે. પાંચ સાંઈબાબાનાં, પાંચ સ્વામીનારાયણ પ્રભુનાં (બન્ને પંથના) મંદિરો બનાવી દીધાં છે. તમારે જે માતા જોઇએ તે માતાજી અહીં મળે. દરેક માતાનાં મંદિર આપની સેવામાં હાજર છે. અહીં જલારામ અને સંતરામ મંદિરો પણ ભગતો માટે તૈયાર જ છે. હાલમાં દુનિયાનું સૌથી મોટું સ્વામીનારાયણનું મંદિર બની રહ્યું છે. એ જરૂર પૂરું થશે, કારણ કે મંદિર માટે હરિભક્તો પાંચ હજાર ડોલરની એક, લેખે ઈંટો અર્પણ કરે છે. મોટા જૈન દેરાસરો પણ તૈયાર છે. ગુજરાતી મુસ્લિમ કોમ માટે ઢગલાબંધ મસ્જિદો તૈયાર છે. હાલ અમેરિકામાં લોકશાહી છે. અને અમેરિકા સાચું સેક્યુલર સ્ટેટ છે. જ્યાં સુધી અહીં આવું રાજતંત્ર છે. ત્યાં સુધીમાં અમે એનો લાભ લઈ લેવા માંગીએ છીએ. આજકાલ અમેરિકનોને લાંચરૂસ્વત શીખવાડીએ છીએ. હા, મઝાની વાત એ છે કે અમે એકે બિલ્ડીંગ એવું નથી બાંધ્યું કે જ્યાં કોઈ અજાણ્યા – મુસાફરને કે કોઈ મુસાફરીમાં રખડી પડેલા કુટુંબને એક બે રાત રહેવાનું મળે. એમણે તો ભજન જ કરવાનું !
ધંધાપાણીની વાત કરીએ તો – મોટાભાગની મોટેલો આપણાં પટેલ બંધુઓના હાથમાં છે. આ ક્ષેત્રમાં, છેલ્લાં વીસત્રીસ વરસમાં આપણે હરણફાળ ભરી છે. હોલી ડે ઈન કે રમાડા ઈન કરતાં વધુ આપણાં પટેલોની મોટેલો છે. કોઈ મોટેલ જોઈએ તો એમ જ પૂછવાનું હોય કે માલિક સુરતના છે કે ચરોતરના. આપણે ફક્ત મોટેલોના ધંધામાં જ પ્રવીણ નથી, ન્યૂ જર્સીની દરેક હોસ્પિટલોમાં  બે ત્રણ ડઝન ઇન્ડિયન ડોકટરો તો મળે જ મળે. અને તેમાં પણ ડઝન ડોકટર પટેલ હશે. દરેક ક્ષેત્રમાં ગુજરાતીઓ કામ કરે છે. એટલે જતે દિવસે સ્વતંત્ર દેશ બને તો દેશનું સુકાન અમે સંભાળીશું. પંજાબીઓને પણ રાખીશું કોઈકે તો લશ્કરમાં જવું પડશે ને ! અમે તો બેન્કો ચલાવવામાં બિઝી હોઈશું.
મને લાગે છે કે આજે નહીં તો કાલે એમ બનશે. (યાદ રાખજો આ ભવિષ્યવાણી સૌ પ્રથમ જ્યોતિષશાસ્ત્રી શ્રી હરનિશ જોષીના મુખે સાંભળી હતી.) ઇિહાસ બોલે છે. મહાસત્તા રશિયાએ સ્થાપેલા સોવિયેટ યુનિયન કે જેને હું જન્મથી જોતો આવ્યો હતો તે આજે કયાં ગયું? અમેરિકાની વાત કરીએ તો ટેક્સાસ, કેલિફોર્નિયા, એરિઝોના વગેરે રાજ્યો પાડોશી મેક્સિકો પાસેથી શામદામદંડથી પડાવ્યા છે. જેમાં અમેરિકાના મેક્સિકન લોકોએ ધામા નાખ્યા જ છે. તેઓ કહે જ છે કે મૂળ તો આ અમારો જ પ્રદેશ છે ને ! ગામને છેવાડે અલાસ્કા છે. જે રશિયા પાસેથી ખરીદ્યું છે. જેમાં વધુ એસ્કિમો લોકો છે. એટલે એને છૂટું પડતા વાર નહીં લાગે. લુઈઝિયાના સ્ટેટ ફ્રેન્ચ પાસેથી પડાવ્યું છે.
આજથી પચીસો વરસ પહેલાં કોઈ ગ્રીકને કે બે હજાર વરસ પહેલાં કોઈ રોમનને  કોઈએ એમ કહ્યું હોત કે તમારા આ મહેલો ખંડેર થઈ જશે – સંસ્કૃિત ઊડી જશે. તો તેમણે એ વાત માની હોત ? આજકાલ અમેરિકામાં જે રીતે ગન શુટિંગ થાય છે. તે જોતાં લાગે કે યાદવાસ્થળીની શરૂઆત આવી જ કાંઈક હશે. હશે. કાંઈ નહીં, અમેરિકાનું જે થવાનું હોય તે થાય. પરંતુ આપણને તો ‘નયા ગુજરાત’ મળવાનું ને ! અમેરિકાના હાલના પ્રમુખ પણ ગુજરાતી જ છે. જે વ્યક્તિની ઓફિસમાં મહાત્મા ગાંધીનો ફોટો હોય. ગજવામાં હનુમાનજીની મૂર્તિ હોય. અને સ્પાયસી સમોસાં ભાવતાં હોય, તો તે ગુજરાતી જ કહેવાય ને !

 

(30 જાન્યુઅારી 2013)

[4 Pleasant Drive, Yardville, NJ 08620, U.S.A.] Email [email protected]

["અોપિનિયન", 26 ફ્રેબ્રુઅારી 2013]

 

 


Category :- Opinion Online / Opinion

चरवेति चरवेति धर्म

મહેન્દ્ર દેસાઈ
28-02-2013

થોડા સમય પહેલાં લંડનના ઇલિંગ રોડ પર આવેલી બ્રેન્ટ કાઉન્સિલની લાઇબ્રેરીમાં એક ડચ નાગરિકની બનાવેલી દસ્તાવેજી ફિલ્મનો શો હતો. વિષય હતો – ભારતથી અને તમારાં ગુજરાતથી બ્રિટનમાં રહેવા – ભણવા – વસવાટ કરવા આવેલા યુવા વર્ગની કથની. એ શો પછી નિર્દેશક અને એ ફિલ્મમાંના એક પાત્રની સાથે વાતચીત – પ્રશ્નોત્તરી હતી. એ બધુ પત્યું અને હું નીકળવા જતો હતો, ત્યાં એ જ શોની એક સીડી હાથમાં લઈને એક ઊંચી કદાવર વ્યક્તિ મારી સામે આવીને કહે છે – ‘લો. આના વિશે કાંઈક લખો.’  અને મારા હાથમાં સીડી પકડાવી દીધી. ‘મેં તો કદી લખ્યું જ નથી.’ મેં એ વાત ટાળવા વિચાર કર્યો. તો કહે ‘કાલે લખવાનું જ છે તો આજથી શરૂ કરો.’ કંઈક અધિકારભરી ભાષાએ મને સ્થગિત કરી દીધો. વર્ષો પહેલાં પત્ર લખતો હતો પણ ફોનની વ્યવસ્થા સુલભ થવા માંડી અને પત્ર લેખન વિસારે પડતું ગયું. હવે તો ઇ-મેઇલને લીધે ભાષા પણ ટૂંકી થવા માંડી અને  SMSના પ્રભાવથી તો ભાષાશાસ્ત્રીઓ પણ ડરી રહ્યા છે. હું વિચારોના રણમાં અટવાઈ ગયેલો, દિશા શોધવા માટે ફાંફા માર્યા અને તૂટક તૂટક વિચારો ઊગતા લાગ્યા. પણ તે બધા જ અસ્તવ્યસ્ત. પછી હાથમાં કલમ લઈને એને લખવા બેઠો કંઈક આવી રીતે :
શિયાળો આવતાં સ્થળાંતર કરનાર પંખીઓ ઠંડા પ્રદેશ છોડીને ગરમ પ્રદેશ તરફ પ્રયાણ કરે, નવાં ચરિયાણ માટે નવા જીવનનાં ચણતર માટે. પશુ સૃષ્ટિમાં પણ ઘણાંબધાં પ્રાણીઓ આમ સ્થળાંતર કરતાં હોય છે. નવી ચરાઉ જમીનની શોધમાં નવું ચરવા માટે અને સાથોસાથ નવજીવનને પાંગરવા માટે. આમ જોવા જઈએ તો આપણી માનવ જાતિની કહેવાતી આદ્ય માતા ‘લ્યુસી’ પણ ત્રણ-સાડાત્રણ લાખ વર્ષ પૂર્વે કંઈક આવા જ ઉદ્દેશથી આફ્રિકાના ટાન્ઝાનિયા મુલકમાંથી સ્થળાંતર કરેલું અને એ સ્થળાંતરના ફલસ્વરૂપે આખા ય પૃથ્વી પર માનવજાતિ વિસ્તરાઈ ગઈ.
આપણા ભારતીય પૌરાણોમાં – વેદોમાં એક વાક્ય છે – चरवेति चरवेति धर्म॥ चर + उ + इति એટલે કે ચરવું. ચરવું અને ચરવું એ જ ધર્મ. આ જગતની હરેક જીવ સૃષ્ટિ માટે ચરવું એ સ્વભાવ છે ........... પછી ચરવું, ફરવું, હરવું, રળવું, એ બધું જોડાઈ ગયું.
આ દસ્તાવેજી ફિલ્મમાં ચરવા, ફરવા અને રળવા નિકળેલા યુવાવર્ગની કથા છે. દેશમાં નાના ગામમાં હવે તો પરદેશની વાતો, ત્યાંનુ જીવન વગેરેના અનેક આલેખનો સચિત્ર મળતાં રહેતા હોય છે. ગામમાં વિકાસ – પ્રગતિ  માટેની તકો પૂરતી ન હોવાથી ઘણાંબધાં યુવક – યુવતીઓ પરદેશ જઈને પ્રગતિ સાધવા માંગતા હોય છે, અને તક મળતાં ત્યાંથી નીકળી પડતાં હોય છે. કંઈ કેટલી આશાઓ – ઉમંગો અને વિવિધ કલ્પનાનાં પોટલાં બાંધી કેટકેટલાં યુવાનો આ દેશમાં આવતાં હશે. નવા સ્વપ્નલોકમાં જવા થનગનતા પગલાંના અવાજોમાં વતનથી નીકળતી વખતની જુદાઈ ક્યાંક દબાઈ જાય તો ક્યાંક પરિવાર સગાંસંબંધીઓ – મિત્રમંડળ બધાની સાથે નામછેદ કરીને નીકળતાં દુ:ખ પણ વર્તાય, તો ક્યાંક પરદેશ ખેડીને સમૃદ્ધિ સાથે પાછા ફરશું એવી સુખદ સાંત્વના પણ હોય. આવી બધી લાગણીઓના મિશ્રણ સમૂહ સાથે બ્રિટનની ધરતી પર પગ મૂકે અને આ દેશની ભવ્યતા જોઈ આશ્ચર્ય મગ્ન થઈ જાય, એક રોમાંચકતા ઘેરી વળે. વિશાળ રસ્તા પરથી પસાર થતી ટેક્સી. ધીરે ધીરે નાના રસ્તાઓ વટાવીને નાની એક ગલીમાં આવેલા એક સાધારણ મકાન આગળ અટકે ત્યારે થોડું ડઘાઈ જવાય. પણ આશાના ઉમંગમાં શરૂ શરૂના દિવસો નાના સરખા મકાનમાં અન્ય રહેવાસીઓની ભીડ વચ્ચે સંકડાશની જિંદગી શરૂ કરે ત્યારે પેલાં પોટલાં ઓગળવાં માંડે. હતાશા ફરી વળે, વતનની યાદ પીડવા લાગે. પણ ચરવું તો પડશે અને એ માટે રળવું પણ પડશે જ એટલે એ બધું ખંખેરી કટિબદ્ધ થઈ નીકળી પડે ચણ ગોતવા. આખડતાં પાખડતાં જે મળ્યું એ ભલું મળ્યું એમ સ્વીકારી ગોઠવાઈ જાય. નવા ખોખામાં દિવસો વિતતા જાય, કોઠવાતું જવાય અને ગોઠવાતું જવાય. દિવસનો મોટો ભાગ બાર તેર કલાકનો મજૂરીમાં જાય, દોઢ બે કલાક જવા-આવવામાં પસાર થાય અને ઘર .. એક રેલવે સ્ટેશન જેવું લાગે .. વિરામ કરવા થોડીવાર ઊભી રહેલી ટ્રેન જેવું.
સમય પસાર થતો જાય. નિયમબદ્ધ જીવન પણ પસાર થતું જાય અને ઘરના અલગ અલગ સભ્યો એકબીજા સાથે હળીભળી જાય. દરેકના સુખદુ:ખમાં સહિયારા ખરા પણ સમયની પાબંદી પામવી પડે. વતનમાં પરિવારજનો સાથે અવારનવાર ફોન પર વાતચીત થાય. સુખની થોડીક વાતો થાય અને દુ: ખની અનેક વાતો છિપાવાય. આવી સંતાકૂકડી રમતાં રમતાં વિસાની આવરદા ટૂંકી થઈ જાય. મન અવઢવમાં મુકાઈ જાય. શેકસ્પિયર ન વાંચ્યો હોય તો પણ એના એક વાક્યનું અનેકવાર રટણ થાય To stay or not to stay અને જ્યારે to stay ના તરફનું પલ્લું નમે ત્યારે વિસાની આવરદા લાંબી કરવા માટે અરજી થાય, નારિયેળ અને દિવો થાય. નવી આશા ઉમંગનો સંચાર થાય અને અરજીના જવાબની રાહ જોવામાં શિયાળાના ટૂંકા દિવસો પણ લાંબા લાગે. જવાબ આવે ત્યારે ક્યાંક ખુશીની બ્યોછાર થાય તો ક્યાંક નિરાશા – હતાશા ઘેરી વળે. પરદેશના એકલા અટૂલા દિવસોમાં એ દુ:ખ કોની સાથે વહેઁચી શકાય. કોના ખભે માથુ નાખી દુ:ખની પળો વહાવી શકાય!
જેઓ અહીં રહી ગયા, તેઓનું જીવન થાળે પડતું જાય. બધુ ગમવું ફાવતું થઈ જાય અને કદી બે પાંદડે થયાનો સુખદ અહેસાસ પણ થાય. સમય વિતતો જાય અને વતનની યાદ આવે ત્યારે કોકવાર હવે બસ આવતી સાલ પાછા ફરવું છે એવા મનોભાવ ઉભરતા જાય, સાથોસાથ ‘થોડું વધારે બાંધી લઉ’ એવી અગલે બરસાતમેં કે પછી અહીંની પરિભાષામાં come September થી કૂદી રહેલા મનનું સમાધાન પણ થાય. એક પલ્લે ગઠરિયાં બાંધી વતન પરત જવું તો બીજા પલ્લામાં પરદેશની ગમી ગયેલી, ભાવી ગયેલી ભૂમિ પર કાયમ થવું? ફરી વિમાસણ શરૂ થાય. કાન્તના ભરતની જેમ ‘રાગ અને ત્યાગ વચ્ચે હૈયું એ ઝૂલતું હતું’ એમ અવઢવમાં મુકાઈ જવાય. કોઈક પોતાની સમૃદ્ધિની ગઠડી બાંધીને ખુશી ખુશી વતન પરસ્ત થાય તો કોઈ વધારે સારા ભવિષ્યની ભાવનાથી એક દ્વારિકા કરી લે અને નવો સસાર માંડી – નવજીવનમાં ઓતપ્રોત થઈ જાય. જીવન વાસ્તવિકતાની ઊંચી નીચી કેડી પરથી પસાર થતું જાય અને સમયની પીંછી શરીર પર અને મન પર રેખાઓ દોરતી જાય .
પણ વતન વિસરાતું નથી. કુટુંબ પરિવાર, વૃદ્ધજનો, મિત્રમંડળ વગેરેની યાદ વિસરાતી નથી. અનેકોની અવરજવરથી અને વિધવિધ પ્રવૃત્તિઓથી ધમધમતું ઘર યાદ આવે. ગામની સીમમાં કરેલી રખડપટ્ટી, તળાવમાં મારેલા ભૂસકા અને વડ-પીપળના ઝાડ નીચે બેસીને વણેલી કોમળ ભાવનાઓ બધું જ મન:ચક્ષુ આગળ સચિત્ર થાય, અને યાદોને ફરી માણી લેવાની અદમ્ય ઇચ્છા થાય. વતન જવાની તૈયારીઓમાં સૌ પ્રથમ ખરીદી શરૂ થાય અને અવનવી ચીજ વસ્તુઓથી બેગો ભરાતી જાય. જવાની તારીખ આવે એ પહેલાં તો મન ક્યારનું ય ઘેર પહોંચી ગયું હોય.
પણ ‘પરિવર્તન સંસારે’ બધું જ બદલાઈ ગયું. ગામનો નકશો બદલાઈ ગયો, વિશાળ ઘર જર્જરિત થઈ ગયેલું લાગ્યું, અનેક પરિવારજનોથી ઉભરાતું ઘર હવે ખાલી ખાલી થઈ ગયું અને પેલો હિંચકો જેની સાથે ઘણીબધી સુખદ યાદો સંકળાયેલી તે હિંચકો જ ગાયબ ! વાંકી વળી ગયેલી જૂની પેઢીએ હિંચકાને વિદાય આપી હતી. શેરીનું મિત્રમંડળ પણ વિખરાઈ ગયેલું. સૌ પોતપોતાના સંસારને લઈને ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ ગયેલા. અને ગામની સીમ તો હવે નવી વસ્તીથી ઉભરાઈ ગયેલી. પેલું તળાવ વડ - પીપળ એની તો નિશાની જ ન મળે. આટલું બધું ક્રૂર પરિવર્તન!
કેટકેટલી યાદોના, કેટકેટલી ભાવનાઓના પોટલાં બાંધીને વતન પાછા આવીએ. ઘણું બધું માણવાની ઇચ્છાઓથી લપેટાઈને આવીએ, ઘરમાં બેસી પગ લાંબા કરીને હાશકારો અનુભવીએ એવી કેટકેટલી લાગણીઓ લઈને આવીએ. પણ અહીં તો બધું જ બદલાઈ ગયું. ચિરપરિચિત જગ્યાઓ, વસ્તુઓ, વ્યક્તિઓ બધું જ અપરિચિત લાગે અને ફરી પોટલાં ઓગળવાનાં દુ:ખનો અહેસાસ થાય. બધાં જ અરમાનો કડડભૂસ થઈ જાય.
ડુમો ભરાઈ આવે અને ઘેર પાછા ફરવાનો વિચાર આવે, પણ કયા ઘરે ‘હવે મારું ઘર ક્યાં?’

 

e.mail : [email protected]

("અોપિનિયન", 26 ફેબ્રુઅારી 2013)

Category :- Opinion Online / Opinion