OPINION

અસહકાર

પ્રવીણા કડકિયા
31-10-2015

ઘણી વખત વિચાર આવે, જ્યારે ભારત ગુલામીની જંજીરોમાં જકડાયેલું હતું, ત્યારે આ ‘અસહકાર’નું આંદોલન જન્મ પામ્યું. અંગ્રજોને ભારતમાંથી તગડી મૂકવા તેઓ જે પણ નવા કાયદા કરે, તેનો આપણે વિરોધ કરતા. અસહકારનું આંદોલન કરી તેમની નવી નીતિનો બહિષ્કાર કરતા. તેમની યોજનાઓ નિષ્ફળ બનાવવામાં આપણે મચી પડતા અને જ્યારે તે નિષ્ફળ નિવડે તો આનંદપૂર્વક ઉજવણી કરતા. યાદ આવે છે, ‘દાંડીકૂચ, મીઠાનો સત્યાગ્રહ’. ‘પરદેશી માલની હોળી’ ! આ બધા પ્રસંગો વખતે હું પોતે પણ હાજર ન હતી. આ લેખ વાંચનાર બુઝર્ગો સિવાય અન્ય જુવાન વર્ગ પણ ગેરહાજર હતો, આ બધું આપણે ભારતનો ઇતિહાસ ભણ્યા ત્યારે વાંચ્યું હતું. અમુક પ્રસંગો તે સમયની ફિલ્મો દ્વારા કચકડામાં મઢી લેવા આવી હતી.

૨૧મી સદીમાં અસહકાર રગરગમાં સમાયો છે. નાના બાળકને પણ કહીશું કે ‘ આ કપડાં પહેર, ના હું પેલા પહેરીશ’! જો કે અસહકાર શબ્દ નાનાં બાળક માટે ઉગ્ર છે. પણ શુભ શરૂઆત ત્યાંથી જ થાય છે. મોટા થાય એટલે પોતાનું મનમાન્યું કરવાના. તેમાં વળી લગ્ન થાય પછી ? કશું કહેવામાં માલ નથી. આ તો સામાન્ય સ્તર ઉપર ઘર ઘરની વાત થઈ. જાહેરમાં, સમાજમાં અને આગળ જ્તા દેશની ભક્તિ આ રીતે પ્રગટ કરીએ છીએ.

ભૂતકાળ ભૂલવાનો, ભવિષ્યની ખબર નથી. વર્તમાનમાં જીવનારા સામે આજે આ લેખ લખવાનો શો હેતૂ હશે? આપણે નહીં તો, આપણા માતા, પિતા યા સગાં સંબંધી એ સમયે જેલ ભેગા પણ થયાં હશે ! મતલબ સીધો છે. આપણામાં અસહકારનાં બીજ છે. જેને આપણે આજની ભાષામાં કહી શકીએ, આપણા ‘જીન્સ’માં છે. લાગે છે ને ભૂમિતિની કોઈ રાઈડર સૉલ્વ કરી હોય. જો કે રાઈડર સૉલ્વ કરવાનું તો શાળાકાળ દરમ્યાન પણ અઘરું લાગતું હતું! આજે ક્યાંથી આવડી ગયું ?

હવે મુદ્દા પર આવું. આપણે યા આપણાં ભાઈબહેનો અથવા આપણા દેશવાસીઓ સરકારે કાયદો કર્યો. ’આવકવેરો’ ભરવાનો. હવે જ્યારે આપણા જન્મજાત સંસ્કાર જ હોય કે સરકાર માઈ બાપ કાંઈ પણ કહે તેનો વિરોધ કરો. આપણે શા માટે આવકવેરો ભરીએ ? જેને કારણે કરચોરી એ આપણો જન્મ સિદ્ધ હક બને છે. ઉપરથી ફરિયાદ કરવાની, ‘ભરેલાં પૈસાથી આપણને શું ફાયદો થયો’ ?

સરકાર માઈ બાપે ભારતમાં બધે ટ્રાફિકનાં સિગ્નલ મૂક્યાં છે. અસહકાર કરો. કાયદાનો ભંગ કરો. સિગ્નલ તોડીને ગાડી પૂરપાટ ભગાવો. જો પાંડુ હવાલદાર પકડે ત્યારે ૧૦૦ કે ૨૦૦ રૂપિયા તેના ખિસામાં સેરવી દો. ગરીબ બિચારો પાંડુ હવાલદાર ‘બાર સાંધતા તેર ટૂટે’ એવી હાલત હોય. બે કડકડતી નોટો જોઈને તમને જવા દે. આપો તાળી !

આવકવેરો ભરવો નહીં અને પછી જ્યારે ઇનકમ ટેક્સવાળાની ધાડ પડે ત્યારે પસીનો છૂટી જાય. જો ઈમાનદાર ઓફિસર હોય તો આવી બન્યું. તેમની ધાડ ઘર, ઓફિસ, ફેક્ટરી, બેંકના ખાતાં અને લૉકર બધાં પર એકી સાથે પડે. કોઈને ગંધ પણ ન આવે. ક્યાં ય એક પૈસો ખસાડવાની જગ્યા ન રાખે. એવા કેટલાય કિસ્સા સાંભળ્યા છે. શેઠ આ આઘાત સહન ન કરી શક્યા અને ‘ રામ બોલો ભાઈ રામ’ થઈ ગયા.  જો વ્યવહાર અને હિસાબ કિતાબ ચોખ્‍ખા રાખ્યા હોય, તો આ દિવસ જોવાનું નસીબમાં ન આવે ! કરોડપતિને, રોડ પતિ થતાં વાર ન લાગી ! આ  થઈ પૈસાની વાત !

આખા શહેરમાં કચરા નાખવાના ડબ્બા રાખ્યા છે. પણ આપણે તો, ભાઈ, અસહકારના હિમાયતી. આ પડીકામાંથી ખાધું નથી ને ડૂચો ફેંક્યો રસ્તા પર. પછી ગરમી ખાવાની, સરકાર રસ્તા સાફ નથી રાખતી. શું સરકારને બીજો કોઈ ધંધો ખરો? જો આપણે સરકારને સાથ અને સહકાર આપીશું તો મને લાગે છે આપણા દેશમાંથી ગરીબીને પગ આવશે. જરા આપણી પ્રગતિ પર નજર નાખી વિચાર કરી જુઓ. ક્યાંથી ક્યાં આવી પહોંચ્યા છીએ. આપણા દેશનું યુવા ધન કેટલું હોશિયાર છે. તેમને જરા સાથ અને સહકાર આપી જુઓ. તેમનામાં આકાશને આંબવાની તમન્ના છે. આધુનિકતાના રંગે રગાયેલા યુવાનો ખૂબ ઊંચા વિચાર અને કામ કરવાની શક્તિ ધરાવે છે.

બે મહિના પહેલાં સૂરતથી મુંબઈ જઈ રહી હતી. ફ્લાઈંગ રાણીને આવવાની વાર હતી. મારી નજર સામે અદ્દભુત દૃશ્ય જોયું. પાણીની પઈપો વડે પ્લેટફૉર્મ ધોવાતું હતું. નીચે પાટા પરથી કચરો બધો સાફ થયો. ગાલે ચૂંટી ખણી, ખરેખર આ બની રહ્યું છે! ત્યાં સામેના પાટા પર લોકલ ગાડી આવી અને ઉપડી ગઈ. તમે નહીં માનો, ગાડી ગયા પછી, પાટા પર બેસૂમાર કચરો ખડકાયો હતો. બોલો આને શું કહું. અમે સહકાર આપવાના નથી. ‘ગંદકી કરવી અમારો જન્મ સિદ્ધ હક છે’ !

ઘણી વખત ભણેલાં કે અભણ બેમાં કોઈ ફરક જણાતો નથી. ખૂબ દુઃખ થાય એવી વાત છે. ગરીબ કે તવંગર કોઈ ફરક નહીં. જ્યાં એક જાતનું માનસિક વલણ ઘર કરી ગયું હોય ત્યાં બદલાવ કઈ રીતે લાવવો ? એક ઉપાય છે. જો આપણે બધા આચરણમાં મૂકીએ તો વાત સીધા પાટા પર આવે ખરી ! આજકાલ બધા એમ.બી.એ. છે. ‘મને બધું આવડે છે’. જેને કારણે અસહકાર દર્શાવવો એ એક રિવાજ થઈ ગયો છે. અરે ભાઈ, સહકાર આપવો એ ગુલામીની દશા નથી. એ તો છે ખુલ્લા દિલે અને મને નવિનતાને અપનાવવાની ઉત્કંઠા. સહકાર મળે તો આખું દૃશ્ય સુહાનું લાગે.

અમેરિકામાં બાળપણથી બાળકોને આ પ્રકારનું શિક્ષણ આપવાની આંખે ઊડીને વળગે એવી રીત છે. માતા અને પિતા બન્ને નોકરી કરતાં હોય. નાનું બાળક ‘ડે કેર’ અથવા ‘પ્લે સ્કૂલ’માં જતું હોય. જ્યારે બધાં બાળકોને ઘરે જવાનો સમય થાય એ પહેલાં ટીચર ગાવાનું શરૂ કરે.

”ક્લીન અપ. ક્લીન અપ એવરી બડી ક્લીન અપ”. શરૂઆત ટીચર કરે. નાની નાની વસ્તુઓ, રમકડાં ઊંચકીને તેની જગ્યા પર મૂકે. બાળકો ટીચર જે કરતાં હોય તે કરે, આવો સુંદર દાખલો બેસાડે. માતા અને પિતા ઘરે આ રીતે તેમને રમકડાં ઉપાડી ટોય બૉક્સમાં મૂકાવે. ધોવાનાં કપડાં લૉન્ડ્રી બાસ્કેટમાં મૂકતાં શિખવે. કેટલો સુંદર અભિગમ. આ બાળક મોટું થાય ત્યારે આવું વર્તન જ કરે ! ‘જે ગંદકી કરે તે સાફ કરે. (હુ એવેર મેક્સ મેસ, ક્લિન્સ ઈટ”) આ બીજો અકસિર ઈલાજ. અજમાવવા જેવો ! પરિણામ સારું આવશે એમાં બે મત નથી .. આ ગુણ જો બાળકમાં સંસ્કાર સાથે સિંચિત થયો હોય તો એ બાળક ખૂબ પ્રગતિ સાધે એમાં બે મત નથી !

ખબર નહીં કેમ જીવનના દરેક તબક્કામાં અસહકાર દર્શાવવાની આદત પડી ગઈ છે! ‘ઝાઝા હાથ રળિયામણા’, જો સહકાર આપીને કોઈ કાર્ય કરીશું તો તેનું પરિણામ સુંદર આવશે તેમાં બે મત નથી. કોઈ પણ વ્યક્તિને યા કુટુંબીજનને નવા પ્રયોગમાં સહકાર અને સાથ આપીએ તો તે સહુના લાભમાં છે. પૂરી જો મમ્મી યા સાસુ એકલાં બનાવતાં હોય તે સમયે સહકાર આપીએ તો બધી પૂરી ફૂલે, ગોળ વણાય અને જમનાર તેનો સ્વાદ માણી શકે ! ખોટી ‘હામાં  હા’ નહીં ભણવાની.’ કિંતુ જે યોગ્ય હોય તો અસહકાર બતાવી પોતાનું મહત્ત્વ સ્થાપવાની ખોટી રીત શોભાસ્પદ નથી.

અસહકાર ક્યાં દર્શાવવો એ અગત્યનું છે. અસત્યનું આચરણ થતું હોય. ખોટા સમાજના રિવાજો પ્રત્યે અણગમો હોય. બાળકોનું વર્તન અસભ્ય હોય ! ત્યાં અસહકાર વ્યાજબી છે. ઘણીવાર અસહકારને  બદલે ,”મૌનં પરં ભૂષણમ” યોગ્ય લાગે. જેનો મતલબ સંમતિ નથી. માત્ર તેના દ્વારા ઊભા થતા ઘર્ષણોથી છૂટકારો છે. બાકી સમજુ કો ઈશારા કાફી. વિવેકબુ્દ્ધિનો  ઉપયોગ એ તેનો સરળ ઉપાય છે.

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion

…… તો શું થાય ?

આશા બૂચ
27-10-2015

ચાહો કે ન ચાહો પણ પ્રાણવાયુની માફક દેશ-વિદેશમાં બનતી ઘટનાઓના સમાચાર આપણને સવાર પડે ને મફતમાં મળતા રહે છે, રોજેરોજ. તેનાથી ક્યારેક મન મોર બની થનગાટ કરી ઊઠે તો ક્યારેક હતાશાની ઊંડી ગર્તામાં ઉતરી પડે. તેમાંથી બહાર નીકળવા કોઈ રામ, તો કોઈ કૃષ્ણને સંભારે, કોઈ જિસસ તો કોઈ અલ્લાહને મદદે બોલાવે. કોઈ લાભદાયી પરિવર્તનોનો યશ કળશ પોતાને શિરે ધરી પોતાનાં ગુણગાન કરે તો કોઈ વળી અનિચ્છનીય પરિસ્થિતિ માટે જવાબદાર તત્ત્વોને દીવો લઈ શોધવા નીકળે.

યુ.કે.માં પાનખર ઋતુ જામી છે, દિવસો ટૂંકા થયા અને રાત લાંબી થતી ચાલી ત્યારે કેટલાકને દુ:સ્વપ્ન આવે તેમ મને દીવા સ્વપ્ન આવવાં લાગ્યાં છે. મારું મન ભારતીય અને અન્ય  સંસ્કૃિતનાં કેટલાક પ્રચલિત સૂત્રો તરફ ગયું અને જો એ બોધક સૂત્રોનો અમલ થાય તો શું થાય એની કલ્પનાઓ આવવા લાગી. તેમાંથી થોડી અહીં પીરસું.

જો વેદકાલીન પુરાતન સૂત્ર ‘સત્યમ વદ, ધર્મમ ચર’નું પાલન વિશ્વના મુખ્ય મુખ્ય રાજ્યકર્તાઓ અને ધાર્મિક-સામાજિક આગેવાનો કરે તો ન પોતે માનવ અધિકારોનું ખંડન કરી શોષણ કરે કે ન તેમ કરનારને પોતાને આંગણે આવકારે. ચીન અને ભારતનો માનવ અધિકાર જાળવવાનો ઇતિહાસ ધૂંધળો છે તો પણ વ્યાપારી સંબંધો વિકસાવવાને લોભે ‘કથરોટ કુંડાને શું હસે’ એ ન્યાયે એ બંને દેશના નેતાઓને લાલ જાજમ બિછાવી સ્વાગત કરવાનું બ્રિટન કદી નહીં વિચારે.

જિસસે કહેલું, “તારા ડાબા ગાલે તમાચો મારે તો જમણો ધર.” “તારા પાડોશીને પ્રેમ કર”. એ આદેશનું પાલન કરીશું ત્યારે એક જ ધર્મના અનુયાયીઓ અંદરોઅંદર અને બીજા ધર્મ, દેશ અને કોમના લોકો સાથેનું વેર શમી જશે. વેરથી વેર શમે ના, શમે જ એ તો ક્ષમાથી એ હકીકતની સાબિતી જમાનાઓથી ઠેર ઠેર જોવા મળે છે. એ સમજીશું ત્યારથી લશ્કરી આક્રમણ અને આતંકવાદી હુમલા બંધ થશે. ત્યારે આપણે અણુ શસ્ત્રો અને બીજા વિનાશક શસ્ત્રો, શસ્ત્ર વાહક જહાજો અને અણુ સબમરીનો નહીં બનાવીએ.

“બીજા તમારી સાથે જેવો વર્તાવ કરે તેમ તમે ઈચ્છો, તેવો વર્તાવ બીજા પ્રત્યે કરો.” તેમ લગભગ બધા ધર્મોના પવિત્ર પુસ્તકોમાં લખેલ જોવા મળે છે અને અસંખ્ય મહાપુરુષોએ એ વાત દોહરાવી છે. જો એ વાત ગળે ઉતારે તો પારકાં પોતાનાં લાગવા માંડશે અને આ પૃથ્વી પરના એક પણ માનવને કે જીવ માત્રને હાનિ પહોંચાડવાની દિલ ના પાડશે.

બધા ધર્મોના મૂળભૂત સિદ્ધાંતોમાં સામ્ય છે એ હકીકત સ્વીકારીશું ત્યારે કોઈ પોતે ધર્માંતરણ નહીં કરે કે બીજા પાસે કરાવે. મારા ધર્મનો મર્મ સમજી તેનો યોગ્ય અમલ કરવાથી શાંતિ મળશે તેવી જ બીજા ધર્મને અનુસરવાથી મળે એમ સમજીને પોતાના જ ધર્મનો તાગ મેળવી તેના ઉચિત અમલના પ્રયત્નો કરીશું.

“વાવો તેવું લણો” એવું દરેક સંસ્કૃિતમાં પ્રબોધેલું છે. જ્યારે તેનો અર્થ જાણશું ત્યારે પોતાના દેશના રક્ષણથી વધુ સંખ્યામાં શસ્ત્રો બનાવવાનું અને તેનો વેપાર કરવાનું સદંતર બંધ કરીશું. આજે દુનિયાના મોટા ભાગના સંઘર્ષો સતત ચાલુ રાખવા પાછળ મોટે પાયે શસ્ત્રો બનાવતા દેશોની શસ્ત્ર વેપારની નીતિ કારણભૂત છે એ નિર્વિવાદ હકીકત છે.

“બધા મનુષ્યો અને પ્રાણી માત્ર એક જ પરમાત્માના અંશ છે.” એવું આપણે કથાઓમાં કેટલી વખત સાંભળ્યું હશે? ત્યારે સંમતિમાં ડોકું હલાવીએ, પણ જ્યારે તેનો મર્મ સમજીશું ત્યારે દલિતોને મારવા હાથ નહીં ઉપડે. ત્યાં સુધીમાં આપણે ‘મારા’ની વ્યાખ્યા ઊંચી-પહોળી કરી દીધી હશે એટલે ‘મારા ધર્મને અનુસરનાર તમામ માનવો તેમ જ અન્ય ધર્મને અનુસરનારા પણ મારા બાંધવો છે.’ એવું માનતા થયા હશું. કેમ કે બીજા કોઈ મને અન્યાય કરે કે હાનિ પહોંચાડે તે નથી જ સહન થતું, તો હું એ શી રીતે આચરી શકું એવો વિચાર કરતાં થઇ જશું.

‘જ્ઞાનની ખરી કસોટી તેના અમલમાં છે’ એવું તો માનવ જાતની ઉત્પત્તિ થઈ ત્યારથી કહેવાતું આવ્યું છે. જ્યારે તેનો અમલ કરીશું ત્યારે અંધશ્રદ્ધાને તિલાંજલી આપશું અને વરદાયિની માતા પર 6્,00,000 કિલો ઘી ચડાવવા 100 મીલિયન રૂપિયાનો ખર્ચ નહીં કરીએ.

‘અહિંસા પરમો ધર્મ’ એ સૂત્ર હિંદુ સંસ્કૃિતનું પ્રદાન છે એ વાતનું ગૌરવ લઈએ છીએ તો જયારે તે વ્યવહારમાં ઉતારીને બતાવીશું ત્યારે ગાયનું માંસ ભક્ષણ કરનાર માનવીની હત્યા નહીં કરીએ કેમ કે આખર ગૌ હત્યા કરતાં માનવ હત્યાનું પાપ મોટું છે એમ માનનાર પણ એ જ પ્રજા ખરી કે નહીં?

‘લોભને થોભ ન હોય’ એ વાત તો નાનપણથી ડગલે ને પગલે યાદ અપાવાતી હોય છે. જયારે એ મંત્ર યાદ રાખીશું ત્યારે દાળ હોય કે ડુંગળી, દૂધ હોય કે તેલ તેના ભાવ આસમાને ન ચડે તેનો ખ્યાલ દરેક ઉત્પાદક, વેપારી અને દલાલ રાખશે.

ઉમાશંકર જોશીએ કહેલું, “જો માનવી પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જોતો થાય તો અર્ધું જગત શાંત થઈ જાય.” જો એમ જ થયું હોત તો ‘અયોધ્યામાં રામ મંદિર હોવાની બાતમી મળી છે, તો આપણે એ જગ્યાએ બાબરી મસ્જીદ ન બનાવવી જોઈએ, એમ કરવાથી રામભક્તોનું દિલ એટલું જ ઘવાય જેટલું અલ્લાહના બંદાઓનું મસ્જીદ તોડવાથી ઘવાય’ એમ વિચારાયું હોત તો વાત એટલેથી પૂરી થઈ હોત. અને જો એ પ્રજાએ શાણપણ ન બતાવ્યું તો રામભક્તોએ ‘અમને જેટલી પીડા રામ મંદિરના ધ્વસ્ત થવાથી થઈ તેવી જ પીડા મસ્જીદ ભાંગવાથી મુસ્લિમ લોકોને થાય, તો એવું શા સારું કરવું?’ એવું વિચાર્યું હોત તો આજની સ્ફોટક પરિસ્થિતિ નિર્માણ ન થઈ હોત. હજુ સમય છે એક બીજાની દ્રષ્ટિથી જોવાનો, બહુ મોડું નથી થયું.

એક દોહો યાદ આવે છે, “ગો ધન ગજ ધન બાજી ધન, ઔર રતન ધન ખાન; જબ આવત સંતોષ ધન, સબ ધન ધૂલ સમાન”. જયારે આ દોહાની શીખ સમજીશું ત્યારે મૂડીવાદનું આંધળું અનુકરણ કરીને માનવ વિકાસ અને તેની માનસિક સુખાકારીને હોડમાં મૂકી અતિ ઔદ્યોગિકરણની દિશામાં નહીં દોડીએ. ત્યારે ગામડાં ગાળીને શહેરો નહીં બનાવીએ. ત્યારે માનવ મૂલ્યોને બજારુ વૃત્તિને ત્રાજવે નહીં તોળીએ.

“હું માનવી માનવ થાઉં તો ઘણું” એવી મહેચ્છા રાખનારાઓ ‘તમારે ઘેર પાછા જાઓ’ તેમ નહીં કહે કેમ કે એ વલણ માનવને શોભે તેવું નથી. જો એમ જ કરવું હોય તો દક્ષિણ ભારતમાં રહેતા મોટા ભાગના લોકોના વડવાઓએ 50 હજાર વર્ષ પહેલાં આફ્રિકા ખંડથી આવીને ભારતના દક્ષિણ તટે વસાહત ઊભી કરેલી. તેમણે આફ્રિકા પાછા જવું રહ્યું અને ગુજરાતીઓ મૂળે તો પર્શિયાના, પણ વીસેક હજાર વર્ષ પહેલાં ઈરાન થઈ ગુજરાતના કાંઠે આવી વસ્યા, તો તેમને ઈરાન થઈ પર્શિયા જવાનું કહી શકાય.

“સબ ભૂમિ ગોપાલકી” એવું અનુભવતા થઈશું ત્યારે દરેક માનવી પોતાના રહેણાકના દેશને, તેના લોકને અને સંસ્કૃિતને પોતીકી ગણશે અને તેને સંપૂર્ણપણે વફાદાર રહેશે.

“માનવ સેવા એ જ પ્રભુસેવા” એવું માનવામાં એક પણ ધર્મ બાકાત નહીં હોય. જ્યારે એ કથનને અમલમાં મુકતા થઈશું ત્યારે પોતાના જ દેશમાં રાજકીય કે ધાર્મિક ઉથલપાથલ ન થાય તેની તકેદારી રખાશે અને અન્ય દેશના અસંતુલિત રાજકારણનો ભોગ બનેલ પ્રજા જયારે શરણાર્થી તરીકે હાથ લંબાવશે ત્યારે આપણે તેમની બાંહ્ય પ્રેમથી સહીશું અને એક રોટલો હશે તો તેમાંથી અર્ધો તેમને આપીશું.

“શીરા માટે શ્રાવક ન થવાય” એ બહુ સૂચક વાક્ય છે, જેનો મતલબ સમજીશું ત્યારે અનામત તરીકેના લાભ મેળવવા પોતાનો ધર્મ છોડી અન્ય ધર્મ અંગીકાર કરવાનું વિચારી પણ નહીં શકીએ.

“We are worshipers of ideal, not idols or individuals” એ વાતને પચાવીશું તો કુલ 2989 કરોડ રૂપિયા ખર્ચીને સરદારનું બાવલું બનાવવાનો નિર્ણય ફેરવીશું કેમ કે ભારતની એકતા શું કરવાથી સ્થપાય અને ટકે તેની જાણ સહુને છે તેથી એકતાના પ્રતિક તરીકે બાવલાની નિરર્થકતા સાબિત કરવાની જરૂર નથી રહેતી. વળી તે માટે જરૂરી લોખંડમાંથી કેટકેટલા લોકોપયોગી સાધનો બની શકે તે સહુ જાણતા હશે તેથી એ પ્રકલ્પ અહીં પડતો મુકવામાં આવશે.

આ વાંચનાર કદાચ કહેશે, આવાં દિવાસ્વપ્નો સેવવાથી કંઈ ન વળે. દુનિયા એમ ન બદલે. જરા ધ્યાનથી વાંચીએ તો ખ્યાલ આવશે કે તમામ ઉપદેશાત્મક સૂત્રો અને કહેવતો સમજવામાં સાવ સરળ છે, અંતર માત્ર તેનો અમલ કરવામાં અને તેના વિષે વાત કરવામાં છે. માનવ જાતની ઉંમર એટલી થઈ છે કે તેને અહેસાસ થવો રહ્યો કે હવે પોથી માંયલા રીંગણને જાતે રાંધીને ખાધા-ખવડાવવા સિવાય કોઈ ઉધ્ધાર નથી. ધાર્મિક પુસ્તકોનાં અવતરણોને મંદિરમાં મૂકી રાખવાનો, મહાપુરુષોના ઉપદેશને અભેરાઈ પર ચડાવી દેવાનો અને સમાજના આદર્શોને ‘એ તો આદર્શો છે, વ્યવહારમાં શે મુકાય?’ એવા બહાના બનાવવાનો સમય પૂરો થયો છે, હવે તો જે વાંચો, સાંભળો કે જાણો તે અમલમાં કેવી રીતે મૂકી શકાય, તેમાં આવતાં વિઘ્નો દૂર કેમ કરાય તે જ વિચારવાનો અને આચરવાનો સમય આવ્યો છે કેમ કે રેતીમાં મોં સંતાડીને ઉપર ઉલ્લેખી તે એક પણ સ્થિતિનો તોડ નથી કાઢયો, હવે સિદ્ધાંતો અને આદર્શોને પૃથ્વી પર અવતાર આપવા અને રોજીંદા જીવનમાં અમલી બનાવવા ભગીરથ પ્રયત્ન આદરવો એ જ એક વિકલ્પ રહ્યો છે. ઈશ્વર સહુને કર્તવ્ય પ્રતિબદ્ધ થવા શક્તિ આપે.

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion