OPINION

મેગી મોડલની મોકાણ

દિવ્યેશ વ્યાસ
14-06-2015

અનેક લોકોની મનપસંદ એવી મેગીમાં ઝેરી તત્ત્વોનું પ્રમાણ ઘણું ઊંચું હોય છે, એવા અહેવાલો બાદ લોકોનો તેના પ્રત્યે મોહભંગ થઈ રહ્યો છે. મેગીના વિવાદે રાતોરાત રાષ્ટ્રીય મુદ્દાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે અને હવે તો દેશમાં ભાગ્યે જ કોઈ એવું રાજ્ય બચ્યું છે, જેણે મેગી નૂડલ્સ પર પ્રતિબંધ નથી મૂક્યો. પાણીજન્ય રોગો અટકાવવા દરેકને સ્વચ્છ જળ અને મચ્છરજન્ય રોગો અટકાવવા દરેકને મચ્છરદાની તેમ જ આરોગ્યની સુવિધા આપવાના પ્રયાસ અને પ્રતિબદ્ધતામાં ઊણી ઊતરતી સરકારોએ મેગી પર પ્રતિબંધ લાદીને બે મિનિટમાં પ્રસિદ્ધિ મેળવી લીધી છે. અલબત્ત, આ વિવાદને કારણે આપણા ખાદ્યપદાર્થોનાં ધારાધોરણો સુધરશે તથા તેનો કડક અમલ થશે કે નહીં, એ કહેવું મુશ્કેલ છે, છતાં લોકોમાં જે જાગૃતિ પેદા થઈ છે, એ વિવાદનું સૌથી શ્રેષ્ઠ ફળ છે.

મેગી વિવાદ તો અત્યારે ઊભો થયો પણ તમારી જાતને સવાલ પૂછજો, શું મેગી નૂડલ્સ કે બજારમાં મળતી આવી અન્ય ખાદ્યસામગ્રીઓ આરોગ્યપ્રદ જ હોય છે, એવી આપણને કદી ખાતરી હતી? ના, મેગી જેવી વસ્તુઓ આરોગ્યપ્રદ છે, એવું કદાચ આપણામાંના કોઈ માનતા નહોતા અને છતાં મેગીએ માર્કેટમાં મેદાન માર્યું હતું. મેગી વિવાદ નિમિત્તે મેગીના સફળ માર્કેટિંગ મોડલ અંગે વિચાર કરતાં જણાય છે કે આજકાલ આપણા સમાજમાં મેગી મોડલ જ બધે મેદાન મારી રહ્યું છે. સમાજના દરેક ક્ષેત્રમાં મેગી મોડલની સફળતા જોતાં આ અંગે ઉપરછલ્લી ચિંતા અને ચિંતન માત્ર નહીં, પણ સામાજિક મનોમંથન કરવું જરૂરી બન્યું છે. મેગી મોડલની સફળતાનાં રહસ્યોમાં જ આપણી સામાજિક ઊણપોની પોલ પણ ખૂલતી જોવા મળે છે, એના અંગે થોડો વિચાર કરીએ.

'માત્ર બે મિનિટ'નો મોહ :

જમાનો હવે ઇન્સ્ટન્ટનો આવ્યો છે, એવું કહેવાય છે પણ વાસ્તવિકતા એ છે કે લોકો પહેલાં કરતાં વધારે અધીરા બન્યા છે અને આળસુ પણ. મેગી બે મિનિટમાં બની જાય પણ કેટલા દિવસે પચે કે પછી જીભને ગમે છે, પેટની શું હાલત કરે છે, એવો વિચાર બહુ ઓછા લોકો કરે છે અને એનો ફાયદો મેગી મોડલને મળતો હોય છે. આપણને રસોઈ બનાવવાની જ નહીં પણ જાણે વિચારવાની પણ આળસ ચડે છે. કોઈ વસ્તુ, વિચાર કે વ્યક્તિ વિશે અધિકૃત માહિતી મેળવવાની કે તથ્ય ચકાસવાને બદલે આપણને કોઈ કહે એ માની લેવાનું કે કોઈ કરે એમ કરી નાખવાનો આસાન માર્ગ વધારે માફક આવતો હોય છે. આ માર્ગ આસાન હોય છે, સાથે સાથે આત્મઘાતી પણ, એ રખે ભુલાય.

'ટેસ્ટ ભી હેલ્થ ભી'નો વાયદો :

અહીં આપણે વિચારવાનો મુદ્દો એ બને છે કે વરને તો એની માતા વખાણે જ, પણ આપણે એ વખાણને સાચા માની લેવાનું ભોટપણ શા માટે દાખવીએ. જો કે, પ્રચંડ પ્રચારમારાથી આપણી સાદી સમજ અને બુદ્ધિ બહેર મારી જતી હોય. એમાં ય સેલિબ્રિટી જ્યારે કોઈ પ્રોડક્ટની ભલામણ કરે ત્યારે આપણે તેમના 'ફેન' તરીકે એ ફેરવે તેમ ફરવા માંડતા હોઈએ છીએ. માર્કેટિંગનું ક્ષેત્ર હોય કે રાજકીય, આપણે ચટપટાં અને ખટમીઠાં સૂત્રો-નારા-જિંગલની જાળમાં ફસાઈ જતા હોઈએ છીએ, પણ એક જાગૃત વ્યક્તિ અને નાગરિક તરીકે પ્રચારમારાથી દોરવાયા વિના વિવેકબુદ્ધિથી વિચાર કરવાની તસદી લીધા વિના છૂટકો નથી.

'ઓથેન્ટિક ઇન્ડિયન ફ્લેવર'નો વઘાર :

મેગીની અમુક પ્રોડક્ટ પર 'ઓથેન્ટિક ઇન્ડિયન ફ્લેવર' લખેલું વાંચવા મળે છે. મેગી જેવી વિદેશી કંપનીઓ જ નહીં તમામ ક્ષેત્રના ધુરંધરો જાણે છે કે આપણને દેશ-સંસ્કૃિત-ધર્મ-સંપ્રદાય-પ્રદેશ-ભાષા વગેરે બાબતોના ગૌરવ અને અસ્મિતાનો એટલો નશો છે કે આપણે એ નશામાં કોઈને મારવા કે મરવા જ નહીં ખરીદવા પણ ઊમટી પડીએ! કંપનીઓ કે સ્થાપિત હિત ધરાવનારા આપણા ગૌરવ-અસ્મિતાને ખોટી રીતે પંપાળતા રહે છે અને પોતાનું કામ કઢાવતા રહે છે.

પ્રચારના પૂરમાં તણાતા સત્યને આપણી સભાનતા અને સક્રિયતાથી જ બચાવી શકાશે. વળી, સત્ય ટકશે તો જ આપણે ટકવાના છીએ, ખરુંને?

e.mail : [email protected]

સૌજન્ય : ‘સમય-સંકેત’ નામક લેખકની કોલમ, “સંદેશ”, ૧૪ જૂન 2015

Category :- Opinion Online / Opinion

વંચિતોની વીતકની વાત અને સામાજિક ન્યાય માટે ગયાં ચારેક દાયકાથી કાર્યરત પત્રકાર ઇન્દુકુમાર જાનીને  શનિવારે ‘સદ્દભાવના સન્માન 2015’થી નવાજવામાં આવ્યા.

ગુજરાતના સદ્દભાવના ફોરમ નામના મંચનો આ પુરસ્કાર રામકથાકાર મોરારિબાપુને હસ્તે મહુવાના કૈલાસ ગુરુકુળ ખાતે આપવામાં આવ્યો. ઇન્દુકુમારની સાથે આ સન્માન સમસ્યાપ્રધાન દસ્તાવેજી ફિલ્મો બનાવનાર માધ્યમકર્મી આનંદ પટવર્ધનને પણ આપવામાં આવ્યું. ‘સન્નિષ્ઠ અને નિષ્કામ સેવા દ્વારા સામાજિક સંવાદિતાના નિર્માણ-કાર્યમાં મૂલ્યવાન યોગદાન’ માટેના આ પુરસ્કારની એકાવન હજાર રૂપિયાની રકમ  ઇન્દુકુમારે ‘નયા માર્ગ’ પખવાડિકને અર્પણ કરી છે.

‘નયા માર્ગ’ને ઇન્દુભાઈ ચોંત્રીસ વર્ષથી એક મિશન તરીકે ચલાવી રહ્યા છે. ‘વંચિતલક્ષી વિકાસપ્રવૃત્તિ, વૈજ્ઞાનિક અભિગમ અને શોષણવિહિન સમાજરચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક’ એવો ‘નયા માર્ગ’ મુદ્રાલેખ ઇન્દુભાઈએ અસ્ખલિત અને ઉત્તમ રીતે ચરિતાર્થ કર્યો છે. તેમણે ‘નયા માર્ગ’ને સમાજના દરેક કચડાયેલા વર્ગની વાત મૂકવા માગતા લખનારનું ભરોસાપાત્ર માધ્યમ બનાવ્યું છે. લગભગ કોઈ ભૂલ વિના નીકળતા એકેએક અંકમાં ઇન્દુભાઈની નિસબત, જહેમત અને માવજત જ નહીં પણ લગભગ ફનાગીરી દેખાતી રહી છે. ગુજરાત ખૂંદીને ઇન્દુભાઈએ કચડાતાં માણસોની જિંદગી અને તે સારી બને તે માટે મથનારા લોકો વિશે સતત લખ્યું છે.

દક્ષિણ ગુજરાતના શેરડી કામદારોના શોષણ અંગેની તેમની લખેલી લેખમાળાને આધારે લોકાધિકાર સંઘે અદાલતમાં  કરેલી જાહેર હિતની અરજીને કારણે એ શ્રમજીવીઓનું લઘુતમ વેતન નિયત થયું અને કામદારોને પોણા આઠ કરોડ રૂપિયા જેટલો વેતન તફાવત મળ્યો. ડાંગમાં નક્ષલવાદને નામે મચાવાતો હોબાળો, ખેતમજૂરો પર સીમરખાના અત્યાચારો, આદિવાસીઓ અને દલિતોને જમીન અપાવવી, ટીમરુના પાનના દરોમાં વધારો કરાવવો, માથે મેલું ઉપાડવાની બદીની નાબૂદી જેવી અનેક બાબતોમાં ઇન્દુભાઈનાં લેખન અને પ્રત્યક્ષ સામેલગીરી બહુ મહત્ત્વનાં રહ્યાં છે. ગોલાણા અને સાંબરડામાં દલિતો પરનાં તેમ જ દક્ષિણ અને ઉત્તર ગુજરાતના આદિવાસીઓ પરના અત્યાચારો વિરુદ્ધ તેમણે નક્કર અહેવાલો લખ્યા છે. અનામતવિરોધી આંદોલન કે કોમી તોફાનોના અસરગ્રસ્તોની વ્યથાકથા તેમણે વર્ણવી છે. અછતનાં વર્ષો અને ભૂકંપમાં ‘નયા માર્ગે’ નોંધપાત્ર કામ કર્યું છે. ગોધરાકાંડ પછીનાં રમખાણોમાં રાહત-પુનર્વસન અને શાંતિયાત્રાઓ જેવી કામગીરીમાં તો ઇન્દુભાઈ જોડાયા જ હતા. વળી, તેમણે બે કર્મશીલો સાથે જોડાઈને કાયદો, વ્યવસ્થા અને કોમવાદના સંદર્ભે રાજ્યની સામે જાહેર હિતની અરજી પણ દાખલ કરી હતી. જો કે તે પહેલાં 1993-94નો રાજ્ય સરકારનો શ્રેષ્ઠ પત્રકાર તરીકેનો પુરસ્કાર તેમને મળ્યો હતો. ઇકોતેર વર્ષના ઇન્દુભાઈ અને તેમના પાંચ સાથી કર્મશીલોને પોલીસે હમણાં અગિયારમી જાન્યુઆરીએ આખો દિવસ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં રાખ્યા હતા - તેઓ વાઇબ્રન્ટ ગુજરાતની ઉજવણી દરમિયાન સરકારની જમીનવિરોધી નીતિ સામે વિરોધ કરવા જવાના છે એવા સગડ પોલીસને મળ્યા હતા ! અદના વાચકને તરત સમજાય એવી સાદી છતાં ય અસરકારક ભાષામાં હંમેશા લખનાર ઇન્દુભાઈએ ‘અસ્પૃશ્યતા અને અત્યાચારના બે પડ વચ્ચે પીસાતા દલિતો’, ‘માનવ અધિકાર : સાબાર ઉપરે મનુષ્ય સત્ય’, ‘રેશનાલિઝમ : નવલાં મુક્તિનાં ગાન’ પુસ્તકો લખ્યાં છે.  આદિવાસીઓના પ્રશ્નો વિશેનાં પુસ્તકો છે :  ‘તમે કહો છો એ આઝાદી ક્યાં છે?’ ‘બે દાયકાનો સફળ સંઘર્ષ : જંગલ-જમીન નામે કરો ...’ અને ‘આદિપર્વ’. બાબા આમટે, નારાયણભાઈ રાઠોડ, પાનાચંદ પરમાર અને મુનિ સંતબાલ પરની પુસ્તિકાઓ તેમની પાસેથી મળી છે. ઊંડી નિસબત અને અભ્યાસ સાથેના તેમનાં વ્યાખ્યાનો તેમ જ ‘રચના અને સંઘર્ષ’ તેમ જ ‘જિંદગી : એક સફર’ નામે વર્ષો સુધી લખેલાં કંઈક સો અખબારી લેખોનાં સંચયો થાય તે જરૂરી છે.

રંગભૂમિના વિખ્યાત કલાકાર અમૃત જાનીના પુત્ર ઇન્દુભાઈએ ખેતી બૅન્કની બારેક વર્ષની નોકરી બાદ 1978માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને બે વર્ષ વકીલાત અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં કમગીરી કરી. ત્યારબાદ પૂરા સમયના સામાજિક કાર્યકર્તા તરીકે તે ગુજરાત ખેત વિકાસ પરિષદમાં જોડાયા. વૉશિંગ્ટન ડી.સી.ની એડવોકસી ઇન્સ્ટિટ્યૂટ ખાતે છ અઠવાડિયાં રહીને એડવોકસી ફેલો થયા છે. ઇન્દુભાઈ એમના ઘડતરમાં ઝીણાભાઈ દરજીના બહુ મોટા પ્રદાનને અનેક વખત યાદ કરે છે. ગાંધીજી, બાબા આમટે, ભાનુભાઈ અધ્વર્યુ, જોસેફ મેકવાન વિશે પણ તે ઊંડો આદર ધરાવે છે. તેઓ અનેક જાહેર સંસ્થાઓ સાથે સ્પષ્ટ વક્તા તરીકે સંકળાયેલા છે. સેન્ટર ફૉર સોશ્યલ જસ્ટિસ અને નવસર્જનનો હ્યૂમન રાઇટસ્ પુરસ્કાર, સાવલિયા રિસર્ચ સેન્ટર દ્વારા કીર્તિ સુવર્ણ ચન્દ્રક મેળવનાર ઇન્દુકુમાર ગુજરાત જર્નાલિસ્ટ યુનિયનનું વરિષ્ઠ પત્રકાર તરીકેનું સન્માન પણ પામ્યા છે. 

કિશોરવયે પિતાજી સાથે અવારનવાર નાટકો માણનારા, ક્યારેક તખ્તા પર પાઠ ભજવનારા, સરસ રીતે ભજન ગાનારા ઇન્દુભાઈએ વાયોલિન પર પણ હાથ અજમાવ્યો હતો. તેમની સાહિત્યરુચિ ‘નયા માર્ગ’માં ‘નવું વાચન’ વિભાગની સંખ્યાબંધ પુસ્તક નોંધોમાં અને તેના છેલ્લા પાને આવતી પદ્યરચનાઓની પસંદગીમાં જોવા મળે છે. આ પાનાએ દલિત કવિતાને મંચ પૂરું પાડવાનું મોટું કામ કર્યું છે.  

ભેખધારી પત્રકાર ઇન્દુભાઈ પોતાના કામ વિશે એ ભાગ્યે જ કંઈ કહે છે,અને જે કહે છે તે લગભગ નજીવું કામ કરતા હોય તેવી રીતે અલ્પોક્તિમાં કહે છે. આ નીડર કલમનવીસ બહુ લાગણીશીલ છે. એમની સાથે અદના આદમીની કોઈ પણ પ્રકારની હાડમારીની વાત કરીએ ત્યારે તેમના ચહેરા પર સાચકલી પીડા દેખાય છે.જો કે તેમની વ્યક્તિગત તકલીફ વિશે તો બહુ મોડેથી, ફરતી-ફરતી વાત થકી જ જાણવા મળે છે.

ઇન્દુકુમાર ઘણી વખત દુષ્યંતકુમારનો એક શેર ટાંકે છે :

‘સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં
મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિએ’.

9 જૂન 2015 

+++

સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 10 જૂન 2015

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion