OPINION

જૂનાગઢની ભૂમિ જેટલું જોઈને અને સંઘરીને બેઠી છે એવું વૈવિધ્ય અને સમન્વય ગુજરાત તો શું ભારતમાં પણ કદાચ નહીં હોય. હિંદુ, મુસ્લિમ, બૌદ્ધ, શૈવ, વૈષ્ણવ, વૈદક, જૈન એમ તમે કહો તે ધર્મનાં સ્થાનક સદીઓથી ગિરનારની ગોદમાં છે, વળી બધા ધર્મોના તાણાવાણા ત્યાં એવા ઓતપ્રોત છે કે બિનસામ્પ્રદાયિકતાનો ખરો મેરૂ તો ગિરનાર જ છે એમ કહી શકાય. બધા ધર્મો એકબીજા વગર અધૂરા છે એ ગિરનાર સહજ રીતે સમજાવી દે છે. ગંગાજમુની તહેઝીબની જેમ ત્યાં ગિરનાર-દાતાર તહેઝીબ છે.

ગ્લોબલ ભજન બની ગયેલા 'વૈષ્ણવજન તો તેને રે કહીએ ....'ના રચયિતા નરસિંહ મહેતા જૂનાગઢમાં થઈ ગયા. પીર જમિયલ સા દાતાર જેવા ઇસ્લામી ઓલિયાનું પ્રવૃત્તિકેન્દ્ર પણ જૂનાગઢ રહ્યું. પુરાતત્ત્વ વિદ્યાના ભારતીય આદિપુરુષ અને લેઇડન યુનિવર્સિટીએ જેમને માનદ્દ ડોક્ટરેટથી સન્માનિત કર્યા હતા એ અશોક સહિતના અનેક શિલાલેખના અક્ષરો ઉકેલનારા ભગવાનલાલ ઇન્દ્રજી જૂનાગઢના હતા. કવિ નર્મદના સમોવડિયા મણિશંકર કિકાણી જેવા સમાજસુધારક પણ જૂનાગઢના જ હતા.

કહેવાય છે કે ગિરનાર હિમાલય કરતાં પણ જૂનો છે. જૂનાગઢ અને ગિરનાર કાળપલટાના સાક્ષી રહ્યા છે. ગુજરાતના જાણીતા નાટયવિદ્દ ચન્દ્રવદન ચી. મહેતાએ એક રૂપકમાં ગિરનારને વાચા આપતાં લખ્યું હતું કે "હું ગિરનાર છું, યુગયુગથી ઊભો છું. મેં આફ્રિકાને એશિયાથી અલગ થતો નિહાળ્યો છે. ઉત્તરાપથે જ્યાં મહાસાગર ઘૂઘવતો હતો ત્યાં અચાનક કુમાર હિમાલયનો ઉદ્દભવ થતો મેં નિહાળ્યો છે."

માત્ર ગુજરાતના જ નહીં પણ જગતભરના ઇતિહાસમાં જૂનાગઢનું નામ એ રીતે પણ વિશેષ છે કે એના અઢી હજાર વર્ષનો સળંગ ઇતિહાસ મળે છે, આવાં નગરો જગતના નકશામાં ઓછાં છે.

સોલંકીકાળથી લઈને નવાબીકાળ સુધી જૂનાગઢનો રાજકીય ઇતિહાસ એવો દિલધડક છે કે એના પરથી મેગા બજેટ ટીવી સિરીઝ કે ફિલ્મો બનાવી શકાય. બૌદ્ધ સાધુઓએ ત્યાં ધ્યાનસાધનાઓ કરી છે, તો નાગા બાવાઓએ ધૂણી ધખાવી છે. અશોકનો શિલાલેખ ત્યાં છે, તો નવાબીકાળના ભવ્ય દરવાજાઓ આજે પણ નગરના દરવાન બનીને ઊભા છે. વનૌષધિઓનો અંબાર સંઘરીને ગીરનું જંગલ બેઠું છે. સાવજોની ડણક ગિરનારનાં શૌર્યની ઝાંખી કરાવે છે. શોધ-સંશોધનમાં રસ હોય એને એક વખત જૂનાગઢની છાલક લાગે તો મરજીવાની જેમ એ જૂનાગઢમાંથી કદી બહાર જ ન નીકળી શકે, એટલું ભર્યુંભર્યું છે. શંભુપ્રસાદ દેસાઈ, પરિમલ રૂપાણી, એસ. વી. જાની, પ્રદ્યુમ્ન ખાચર તેમ જ તેમની અગાઉ કેટલાક ઇતિહાસના જાણકારોએ જૂનાગઢ પર સંશોધન કરીને સરસ દસ્તાવેજીકરણ કર્યું છે.

જૂનાગઢ સ્વાતંત્ર્ય ઇતિહાસમાં પણ અનોખું પ્રકરણ ધરાવે છે. દેશ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદ થઈ ગયો હતો પણ જૂનાગઢ નહોતું થયું. જૂનાગઢે ૯ નવેમ્બર ૧૯૪૭ના દિવસે આઝાદી જોઇ હતી. એના માટે જૂનાગઢના નવાબ મહાબત ખાન-ત્રીજા, શાહનવાઝ ભુટ્ટો અને આરઝી હકુમતને સમજવા પડશે. જૂનાગઢના છેલ્લા નવાબના દીવાન શાહનવાઝ ભુટ્ટો હતા, જેમણે સૌથી મોટી ગેમ રમી હતી. શાહનવાઝ ભુટ્ટો એટલે પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ઝુલ્ફિકારઅલી ભુટ્ટોના પિતા અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોના દાદા.

આરઝી હકૂમત

અંગ્રેજોએ દેશ પર શાસન તો કર્યું જ હતું પણ દેશ આઝાદ થયો ત્યારે દેશ બેધારી પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો. ૧૯૪૭માં ૧૫ ઓગસ્ટ નજીક હતી ત્યારે બ્રિટનની પાર્લામેન્ટનાં બંને ગૃહોએ ૧૮ જુલાઈ, ૧૯૪૭ના દિવસે એક ખરડો પસાર કર્યો હતો, જેને બ્રિટિશ તાજની મંજૂરી મળતાં એ ખરડો કાયદો થયો, જે હિંદ સ્વાતંત્ર્ય ધારા તરીકે ઓળખાયો, એમાં હિંદુસ્તાનના બે ભાગ કરવાની જોગવાઈ હતી તથા દેશી રાજ્યો માટે પણ જોગવાઈ કરવામાં આવી હતી. એ કાયદાનુસાર ૧૫ ઓગસ્ટ ૧૯૪૭થી તમામ દેશી રાજ્યો પર બ્રિટિશ હકૂમતનો અંત આવતો હતો અને જે રાજ્યે ભારત અથવા તો પાકિસ્તાનમાં જોડાવું હોય તે જોડાઈ શકે. ૧૫ ઓગસ્ટ પહેલાં સામેલ થવાનું હતું. સરદાર પટેલની મહેનતથી મોટા ભાગનાં રજવાડા ભારતીય સંઘમાં જોડાવા માંડયાં અને ભારતનો એક નકશો તૈયાર થવા માંડયો. જૂનાગઢ પાકિસ્તાનમાં જોડાશે એવી હલચલ વેગ પકડી રહી હતી. ૧૧ એપ્રિલ ૧૯૪૭ના રોજ જૂનાગઢના નવાબ મહાબત ખાન-ત્રીજાએ એક અખબારી યાદી જાહેર કરીને એને રદિયો આપ્યો હતો પણ ચિત્ર ઊંધું હતું. નવાબે જૂનાગઢ પાકિસ્તાનમાં નહીં જોડાય એવી અખબારી યાદી જાહેર કરી હતી પણ ભારતમાં જોડાવાની જાહેરાત જૂનાગઢે કરી નહોતી. અફવાબજાર ગરમ હતું.

૭-૮ જૂન ૧૯૪૭ના રોજ તળ મુંબઈના માધવબાગમાં કાઠિયાવાડ પ્રજા-સંમેલન મળ્યું હતું, જો જૂનાગઢ પાકિસ્તાનમાં જાય તો કટોકટીને પહોંચી વળવા કાઠિયાવાડ રાજકીય પરિષદની રચના કરવામાં આવી હતી, જેમાં રસિકલાલ પરીખ, જેઠાલાલ જોશી અને રતુભાઈ અદાણી હતા. ૧૯૩૯માં સ્થાપાયેલાં જૂનાગઢ રાજ્ય પ્રજામંડળને ફરી સક્રિય કરવાનું વિચારવામાં આવ્યું. જૂનાગઢ પ્રજામંડળે સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ અને પટ્ટાભી સીતારામૈયાને ટેલિગ્રામ કરીને જૂનાગઢની બહુમતી પ્રજાનાં હિતમાં પોતાની વગનો ઉપયોગ કરવા વિનંતી કરી. આ સભાએ આવેદનપત્ર પાઠવીને જૂનાગઢ નવાબને ભારતમાં જોડાવા વિનંતિ કરી પણ નવાબ પાકિસ્તાનમાં જોડાવા માટે આંતરિક હિલચાલ કરી રહ્યા હતા, જેનું કારણ હતું જૂનાગઢ રાજ્યના દીવાન શાહનવાઝ ભુટ્ટો. જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાય એ માટેનું કોઈ ભૌગોલિક કે સાંસ્કૃિતક કારણ નહોતું. જૂનાગઢમાં ૮૨ ટકા પ્રજા હિંદુ હતી, તે ભારતમાં જોડાવા માગતી હતી પણ ઇચ્છા પ્રગટ કરવાની શક્તિ નહીં. સામે પક્ષે નવાબ પણ નિર્ણય લેવામાં મોળા હતા, ભુટ્ટો એનો જ ફાયદો ઉઠાવતા હતા. સરદાર પટેલે નવાબને સમજાવવા વી. પી. મેનનને મોકલ્યા પણ ભુટ્ટોએ તેમને મળવા જ ન દીધા. આ તમામ હિલચાલ વચ્ચે નવાબે પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત કરી. દેશમાં હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં.

જૂનાગઢ પાકિસ્તાનમાં જોડાય તો દહેશત ફેલાશે એવા ભયથી લોકો શહેર છોડીને ચાલ્યાં ગયાં હતાં. વાટાઘાટ કે સમજૂતીથી આ સવાલ ઉકલે એમ નહતો, તેથી મુંબઈમાં 'જૂનાગઢ આરઝી હકુમત'ની રચના થઈ. એનું બાકાયદા પ્રધાનમંડળ તૈયાર થયું હતું. પ્રધાનમંડળમાં શામળદાસ ગાંધીને વડા પ્રધાન બનાવવામાં આવ્યા. દુર્લભજી ખેતાણી, નરેન્દ્ર નથવાણી, ભવાનીશંકર ઓઝા, મણિલાલ દોશી, સુરગભાઈ વરુ, જશવંત મહેતા, સનત મહેતા વગેરેને હોદ્દા આપવામાં આવ્યા હતા. લડતનો પ્રારંભ થયો.

૩૦.૯.૪૭ના રોજ આરઝીના સૈનિકોએ રાજકોટમાં આવેલો ઉતારો કબજે કર્યો. એ પછી અમરાપુર, નવાગઢ, ગાઝકડા વગેરે ગામો કબજે થયાં. જૂનાગઢ તો સાવ ખાલી ભાસતું હતું. નવાબ તો કેશોદથી પ્લેન પકડીને કરાચી રવાના થઈ ગયા હતા. શાહનવાઝ ભુટ્ટો અને પોલીસ કમિશનર નકવી આરઝીનો પ્રતિકાર કરવા પ્રવૃત્ત થયા. એ વખતે કરાચી ભાગી ગયેલા નવાબે ભુટ્ટોને સંદેશ મોકલ્યો કે નિર્દોષ પ્રજાનું લોહી ન રેડાય તે માટે ભારત સરકારની શરણાગતિ સ્વીકારવી. ૯.૧૧.૧૯૪૭ના રોજ આરઝી હકૂમતનાં સૈનિકો જૂનાગઢમાં પ્રવેશ્યાં અને ઉપરકોટ પર ધ્વજ ફરકાવ્યો. એ જ વખતે શાહનવાઝ ભુટ્ટો કેશોદનાં એરપોર્ટ પરથી પ્લેન પકડીને પાકિસ્તાન પલાયન થઈ ગયા. રાજકોટના રિજિયોનલ કમિશનર નિલમભાઈ બુચે ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ વહીવટી કબજો લીધો. સરદાર પટેલ ૧૩.૯.૪૭ના રોજ જૂનાગઢ આવ્યા હતા અને પ્રજાને તેમ જ ખાસ કરીને મુસ્લિમોને શાંતિ અને સલામતીની ખાતરી આપી હતી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ તથા મિલિટરી શહેરમાં ગોઠવી દેવાઈ હતી.

લોકતંત્રની મહાનતા : રાજા નહોતા ત્યારે પ્રજાનો મત લેવામાં આવ્યો

જૂનાગઢમાં આઝાદીનો ધ્વજ લહેરાયો છતાં પણ પ્રજા ભારતમાં રહેવા ખુશ છે કે પાકિસ્તાનમાં જવા ઇચ્છે છે એ માટે ૨૦.૨.૪૮ના રોજ રેફરન્ડમ યોજવામાં આવ્યું હતું, જેનું પરિણામ ૧-૩-૧૯૪૮ના રોજ આવ્યું હતું, જેમાં પાકિસ્તાન તરફ માત્ર ૯૧ મત અને ભારત તરફ ૧,૯૦,૭૭૯ મત પડયા હતા. વિભાજન બાદ સિંધના કેટલાંક હિંદુઓ જૂનાગઢ આવ્યાં હતાં અને કુતિયાણા, બાંટવા વગેરે શહેરોમાં વસ્યાં હતાં.

નવાબ અને તેમના દીવાન પાકિસ્તાન ચાલ્યા ગયા પછી જૂનાગઢ તો આપોઆપ ભારતનો જ હિસ્સો હતું. આપણા દેશની લોકતાંત્રિક મહાનતા એ છે કે એ પછી પણ રેફરન્ડમ લેવામાં આવ્યું હતું અને જૂનાગઢ પાકિસ્તાનમાં જાય કે ભારત સાથે રહે એ માટે લોકોનો મત લેવામાં આવ્યો હતો. રાજા ન હોય છતાં પ્રજાનો મત લેવામાં આવ્યો એ દર્શાવે છે કે ભારત લોકતંત્રને કેટલું વરેલું છે. આ દેશ જગતમાં એનાં લોકતાંત્રિક મૂલ્યોને લીધે જ મહાન છે.

નવાબ મહાબત ખાને કરેલાં કાર્યો 

જૂનાગઢમાં બાબીવંશનો શાસનકાળ ૨૦૦ વર્ષનો હતો. ૧૭૪૭-૪૮માં બહાદુરખાન બાબીએ જૂનાગઢની પ્રજાના સાથ-સહકારથી સ્થાપેલાં રાજ્યનો ૧૯૪૭માં પ્રજાના વિરોધનાં પરિણામે અંત આવ્યો.

શાહનવાઝ ભુટ્ટોની સલાહને અનુસરીને જૂનાગઢના છેલ્લા નવાબ મહાબત ખાન-ત્રીજાએ પાકિસ્તાન તરફી વલણ અપનાવ્યું એ મહાન ભૂલ હતી. જૂનાગઢમાં બસ્સો વર્ષનાં નવાબી શાસન દરમ્યાન કેટલાંક નમૂનેદાર કામો થયા છે, જે છેલ્લા નવાબની ભૂલને કારણે દબાઈ ગયાં છે. આપણે પણ ઇતિહાસનું મંથન કરીને એ કાર્યો યાદ કરવાં જોઈએ. નવાબે કરેલી ભૂલ મહાન હતી પણ માત્ર એ ભૂલને આધારે જ તેમને મૂલવીએ અને તેમનાં સારાં કાર્યોને નજરઅંદાજ કરીએ એ ઇતિહાસનું ગેરવાજબી મૂલ્યાંકન કર્યું કહેવાય. આપણો દેશ તો લોકશાહી મૂલ્યોને વરેલો છે. નવાબ પલાયન થયા પછી પણ રેફરન્ડ્મ લઇને જૂનાગઢની જનતાનો મત લેવામાં માનતા હોઈએ તો બાબી નવાબોનાં સારાં કાર્યોને આપણે બિરદાવવાં રહ્યાં. એવાં કેટલાંક નમૂનેદાર કાર્યો જોઈએ.

પાકિસ્તાન રવાના થઈ ગયેલા નવાબ મહાબત ખાન ત્રીજાએ ૩૧.૦૩.૧૯૨૦ના રોજ ગાદી સંભાળી હતી. તેમણે ગાદી સ્વીકારતી વખતે કેટલીક નવાજેશો કરી હતી એ નોંધનીય છે, જેમ કે, ૧ સપ્ટેમ્બર ૧૯૨૦થી જૂનાગઢ રાજ્યમાં પ્રાથમિક કેળવણી મફત આપવામાં આવશે, સાથે સાથે અંગ્રેજીનું પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ પણ મફત અપાશે. દેશ જ્યારે આઝાદ નહોતો થયો ત્યારે નવાબને શિક્ષણનું મૂલ્ય ખબર હતી.

ગિરનારમાં યાત્રીસુવિધા અને વ્યવસ્થાના ભાગે યાત્રિકો પાસેથી વેરો વસૂલાતો હતો, જે મુંડકવેરા તરીકે ઓળખાતો હતો. ગામના યાત્રિકો અને ગામ બહારના યાત્રિકો માટે અલગ અલગ રકમ હતી. મહાબત ખાન-ત્રીજાએ શાસન હાથમાં લીધું એ પછી યાત્રાવેરો રદ કરી નાખ્યો હતો. એ રદ થયા પછી ગિરનારની વ્યવસ્થાને આંચ નહોતી આવવા દીધી.

ભારે વરસાદ પડે ત્યારે કઠિયારાઓ ગિરનારનાં જંગલમાં ન જઈ શકે, પરિણામે ખાધાખોરાકીના પ્રશ્ન ઊભા થાય. નવાબે એ કઠિયારાઓ માટે પેટિયાની વ્યવસ્થા કરી હતી. ચોમાસા દરમ્યાન તેમને પેટિયારૂપે નિશ્ચિત રકમ આપવામાં આવતી હતી. નવાબના સમયમાં પાણીના અવેડાઓની રખેવાળી કરનારાને પગાર ચૂકવાતા હતા. જૂનાગઢના વિલિંગ્ડન તળાવનો પાયો ૧૧.૫.૧૯૩૬ના રોજ નખાયો હતો. નવાબ મહાબત ખાન-ત્રીજાએ ગણેશપૂજા કરીને પાયો નાખ્યો હતો. એ તળાવના બાંધનારા ત્રણ એન્જિનિયર પૈકીના એક કે. જે. ગાંધી હતા, જેઓ અભિનેત્રી દીના પાઠકના પિતા હતા.

ચૂડાસમા કે મુઘલકાળમાં ગિરનાર પર રાજ્યવ્યવસ્થા કેવી હતી એ જાણવા મળતું નથી પણ બાબીકાળની વ્યવસ્થા અને દેખરેખની વિગતો મળે છે. ૧૮૯૭માં ગિરનારના દરેક ધર્મસ્થાનક દર્શાવતો અને હક્ક-હિસ્સાની સમજૂતી આપતો નકશો તૈયાર કરવામાં આવ્યો હતો જ્યારે વિવાદ થાય ત્યારે એ નકશાના આધારે નિરાકરણ લાવવવામાં આવતું હતું. મતલબ કે રાજ્યવ્યવસ્થાના દસ્તાવેજીકરણનું કામ નવાબીકાળમાં થયું હતું.

નવાબ મહાબત ખાન-ત્રીજાને કૂતરાં પાળવાનો જબરો શોખ હતો. તેમની પાસે ઢગલાબંધ કૂતરાં હતાં, પણ તેમને ગાયો પાળવાનો ય શોખ હતો. જેણે નવાબ સામે આરઝી હકૂમત સર્જીને જંગ માંડયો હતો એ રતુભાઈ અદાણીએ તેમનાં પુસ્તક 'સોરઠની લોકક્રાંતિનાં વહેણ અને વમળ'માં લખ્યું છે કે 'નવાબનો કૂતરાંનો શોખ અતિરેકને કારણે ગવાઈ ગયો, તેમને ગાયોનો પણ એટલો જ શોખ હતો. ગૌપાલન અંગેનું તેમનું જ્ઞાન અદ્દભુત હતું. એમની ગૌશાળામાં ગીર ઓલાદની ચડિયાતી ગાયોની સંખ્યા સારી એવી હતી.

૧૯૩૫માં ગિરનાર પર મસ્જિદ હોવાનો વિવાદ 'જમિયલતુલ મુસ્લેમિન' સંસ્થાએ ચગાવ્યો ત્યારે એ સંસ્થાને વિખેરી નાખવાનો આદેશ અપાયો હતો. વિવાદને મુસ્લિમ શાસક નવાબે તટસ્થતાથી દાબી દીધો હતો. એ વખતે 'દીન' નામનાં સાપ્તાહિકમાં નવાબ વિરુદ્ધ ખૂબ લખાયું હતું ત્યાં સુધી લખાયું હતું કે નવાબીતંત્ર હિંદુવાદી બની ગયું છે.

કાઠિયાવાડમાં આઝાદી આવી ત્યાં સુધી દલિતો પર કેટલાક પ્રતિબંધ હતા. દલિતો ગામના કૂવે કે મંદિરોએ જઈ શકતા નહોતા. દુકાનદાર પાસે કોઈ ચીજવસ્તુ ખરીદવા જાય તો તેના પૈસા પણ પાણીની છાંટ નાખીને દૂરથી જ લેવાતા હતા. રજવાડાઓના એ સમયમાં દલિતો માટે થોડી સગવડનું કાર્ય કોઈએ કર્યું હોય તો એ જૂનાગઢના નવાબ મહાબત ખાન-બીજાએ કર્યું. જૂનાગઢમાં એ વખતે હોળી નિમિત્તે દલિતોને ગાળો દેવાનો અવ્યવહારૂ રિવાજ હતો. નવાબે ૧૮૬૯માં એ રિવાજથી બચાવવા સમાન કરવાનો કાયદો ઘડયો હતો. યોગાનુયોગ જુઓ કે એ જ વર્ષે પોરબંદરમાં ગાંધીનો જન્મ થયો હતો.

નવાબીકાળમાં ૧૯૩૮માં એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે હરિજનોને મકાન બાંધવા જમીન શહેરમાં લેવી હોય તો અન્ય લોકો કરતાં અડધા ભાવે આપવાનું નક્કી કરીને તેમને શહેરમાં વસવાની સગવડ કરવામાં આવી હતી.

ગાંધીજી સાથે પણ નવાબને સારા સંબંધ હતા. હરિજનસેવાની પ્રવૃત્તિ માટે ૨૭.૧૦.૧૯૩૮ના રોજ નવાબે ૧,૫૦૦ રૂપિયા મોકલ્યા હતા, જેનો આભાર માનતો પત્ર પણ ગાંધીજીએ તેમને લખ્યો હતો.        

સાલેભાઈની આવડી એટલે કેસર કેરી

જૂનાગઢ-ગીર કેસર કેરી માટે ખૂબ વિખ્યાત છે. એ કેસર કેરીની કલમો નવાબકાળમાં વિકસાવાઈ હતી. નવાબે મોતીબાગ, સકરબાગ, પાઈબાગ વગેરે તૈયાર કરાવ્યા હતા, ત્યાં વિવિધ કેરીઓની કલમ ઉછેરવામાં આવી હતી. કેસર કેરી નવાબના સમયમાં આવી હતી. એ વખતે 'સાલેભાઈની આવડી'ના નામે મશહુર હતી.

જૂનાગઢની ધરોહર તરફ ધ્યાન દેવાની જરૂર છે

જૂનાગઢમાં નવાબીકાળના બેનમૂન દરવાજા અને મકબરાઓ છે. એવા દરવાજા અને કોતરણીવાળા મહાબત ખાનના અને બ્હાઉદ્દીન મકબરા ધરોહર છે પણ અફસોસ કે એની જાળવણી પ્રત્યે ભયંકર બેદરકારી રાખવામાં આવી રહી છે. માત્ર 'રક્ષિત સ્મારક'નું પાટિયું મૂકી દેવાથી સ્મારકનું રક્ષણ થતું નથી. અશોકના શિલાલેખની છત બે વર્ષ પહેલાં તૂટી ગઈ પછી એ મહાન શિલાલેખ અવાવરૂ અવસ્થામાં પડયો છે. આ સ્થળોની માવજત કરીને જૂનાગઢને મહત્ત્વનાં ટૂરિસ્ટ સ્પોટ તરીકે ડેવલપ કરી શકાય એમ છે. એ સરવાળે રાજ્યની તિજોરીના લાભમાં છે. જૂનાગઢને ટૂરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવાના પ્રયાસ થયા જ છે, યાત્રિકોની સંખ્યા વધી છે, પણ હજી થોડા વધારે પ્રયાસની જરૂર છે.

સંગીતરત્ન ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન અને જૂનાગઢ

સંગીત દિગ્ગજ પંડિત ભીમસેન જોશી અને વિદુષી ગંગુબાઈ હંગલ જેવાં શાસ્ત્રીય સંગીતજ્ઞો સંગીતના કિરાણા ઘરાના સાથે નાતો ધરાવે છે. કિરાણા ઘરાનામાં ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાનનું નામ ખૂબ આદરપૂર્વક લેવાય છે. પંડિત ભીમસેન જોશીના ગુરુ પંડિત સવાઈ ગાંધર્વ હતા. પંડિત સવાઈ ગાંધર્વના ગુરુ ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન હતા. મજાની વાત એ છે કે ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન છેલ્લા નવાબના કાળમાં જૂનાગઢ વસવાટ કરી ચૂક્યા છે. ઉપરાંત સેનિયા ઘરાનાના ઉસ્તાદ ગુલામઅલી કામીલ પણ જૂનાગઢમાં વસવાટ કરી ચૂક્યા છે.

e.mail : [email protected]

સૌજન્ય : ‘છપ્પરવખારી’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 04 નવેમ્બર 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3163731

Category :- Opinion Online / Opinion

‘નિરીક્ષક’ની ભૂમિકા

તંત્રી [પ્ર.ન.શા.]
04-11-2015

સ્વાયત્તતાએ ભરેલો અને ભારેલો આ અંક પ્રેસમાં જાઉં જાઉં છે અને દેશના ચુનંદા વૈજ્ઞાનિકો અને એવા જ નામી ફિલ્મકારોનાં નિવેદન આવે છે કે દેશમાં વૈજ્ઞાનિક અભિગમ અને વિવેકશૂન્યતા તેમ અસહિષ્ણુતાનો જે માહોલ જામ્યો છે તેની સામે અમે વિરોધલાગણી નોંધાવીએ છીએ. પચાસ ઇતિહાસકારોએ વાતાવરણને વિષાક્ત કરતા ઘટનાક્રમ વિશે વડાપ્રધાનના મૌન બાબતે ચિંતા વ્યક્ત કરી છે. આ નિવેદનકારો પૈકી સંખ્યાબંધે પોતાનાં માનસન્માન પાછાં વાળ્યાં છે. લાગે છે, દેશમાં એક નવી હવા બની રહી છે. બને કે અસંમતિના આ અવાજો કોઈક નવા વિમર્શ વાસ્તે સમો બાંધી રહે. આ નવો (અગર તો સહજક્રમે હોવો જોઈતો) વિમર્શ કોઈ ડોગ્મેટિક અને ડોક્ટ્રિનેર કહેતાં મતાંધ મૂઢાગ્રહને ધોરણે અલબત્ત ન જ હોય. પણ માનવ મૂલ્યોથી પ્રેરિત સમુદાર લોકશાહીની એની ચાલના અલબત્ત હોય જ હોય.

એપ્રિલ ૨૦૧૫માં સરકારનિયુક્ત અકાદમી આવી અને સમાનધર્મા મિત્રોના સહયોગપૂર્વક ‘નિરીક્ષક’ સ્વાયત્તતા આંદોલન સાથે સંકળાયું એમાં કશું નવાઈ પમાડનારું સ્વાભાવિક જ નહોતું, કેમ કે એપ્રિલ ૧૯૯૨માં તંત્રીપદ સંભાળવાનું બન્યું ત્યારથી જે અભિગમ રહ્યો છે એનું એમાં સાતત્ય છે. બલકે, ‘નિરીક્ષક’ના આદ્ય અવતારનું દાયિત્વ નિર્વહણ કરનાર પ્રકાશ પબ્લિકેશન્સના સ્થાપક અધ્યક્ષ ઉમાશંકર જોશી અને પચીસ કરતાં વધુ વરસ પર સ્થપાયેલ નિરીક્ષક ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ મનુભાઈ પંચોળી ‘દર્શક’ ગુજરાતમાં સ્વાયત્ત અકાદમી આંદોલનના અગ્રયાયી રહ્યા છે તે અર્થમાં વર્તમાન તંત્રીનું ચોક્કસ ઉત્તરદાયિત્વ પણ બને છે.

ભિન્નમત નિઃસંકોચ છાપતે છતે છેલ્લા છ મહિનામાં આપણે જે નાનાવિધ સામગ્રી જોગવતા રહ્યા છીએ તેના પરથી તાજેતરનાં વરસોમાં જોડાયેલા વાચકવર્ગને પણ ખયાલ આવ્યો જ હોય કે પરબારી અધ્યક્ષનિયુક્તિને કારણે જાગેલી વ્યાપક પ્રતિક્રિયા છતાં આ કોઈ નવું આંદોલન છે એમ નથી. ૧૯૯૩થી ૨૦૦૩ સુધી અનુક્રમે દર્શક-યશવન્ત શુક્લ અને ભોળાભાઈ પટેલ-કુમારપાળ દેસાઈના નેતૃત્વમાં કાર્યરત અકાદમીને સુષુપ્ત ને મૂર્છિતવત્ કરવાનો દોર ચાલુ થયો તે દરેક તબક્કે અને વળાંકે ‘નિરીક્ષક’ તરફથી ધ્યાન દોરાતું રહ્યું છે. અલબત્ત, છૂટાછવાયા અવાજો છતાં વ્યાપક વિરોધને ધોરણે ઉદ્યુક્ત ને ગઠિત થવાનું ધાર્યું બન્યું નહોતું એ સાચું છે. કદાચ, પેલી કહેતી માંહેલા ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા જેવી પરબારી નિયુક્તિની પ્રતીક્ષા હશે? જો કે, છેલ્લી ચૂંટાયેલી અકાદમીના નેતૃત્વ અને સભ્યમંડળીની સક્રિયતા સુષુપ્તિકાળ સામે ઓછી પડી એટલું જ નહીં પણ એક પા મૂર્છિત અકાદમી અને બીજી પા સપ્રાણ સન્માન સ્વીકારનો સિલસિલો જારી રહ્યો તેણે ૨૦૧૫ના સરેઆમ સરકારીકરણનો પથ પ્રશસ્ત કર્યો એમ કહેવામાં વાસ્તવકથન માત્ર છે.

દેશમાં ‘ગુજરાત મોડલ’ની ગાજવીજ જાણીતી છે. જો આપણી અકાદમી સાથે ય એવો કોઈ મોડલ વહેવાર થયો હોય અને આગળ ચાલતાં દેશની અકાદેમી સાથે પણ ગુજરાત વેધશાળાની સર્ટિફાઇડ શૈલીએ તેમ જ થવાનું હોય તો અહીં લડત આપવાનું મહત્ત્વ ખાસું વધી જાય છે.

લાગે છે, ગુજરાતનો સાહિત્યસમાજ આના સમ્યક્ અંદાજ (અને એમાંથી ફલિત થતી જવાબદારી) બાબતે કંઈક ઊંઘતો ઝડપાયો છે. આંદોલન ચાલ્યું અને સાહિત્ય પરિષદનો ૨૦૦૭નો નારાયણ દેસાઈની નિશ્રાપ્રાપ્ત ઠરાવ કંઈક જાગવા લાગ્યો. પણ બીજા કેટલાક સન્માન્ય સુહૃદોને સારુ આ જાગૃતિ જાણે કે વાયા કલબુર્ગી (અને વિશ્વનાથ તિવારી) આવવાને નિરમાયેલ હતી. તે પણ સ્વાગતાર્હ જ હોય અને એનું રાષ્ટ્રીય સંધાન છેક પીઈએન ઇન્ટરનેશનલ લગી આખી વાતને લઈ ગયું એનોયે સમાદર જ હોય. ૧૬ ઑક્ટોબરના અંકમાં ‘નિરીક્ષક’તંત્રીએ અગ્રસ્થાનેથી અલબત્ત આ પ્રશ્ને ઘટતો ઊહાપોહ કર્યો જ હતો.

કેન્દ્રીય અકાદેમીની કારોબારીએ તાકીદની બેઠકમાં કરેલા ઠરાવનો મહત્ત્વનો અંશ આ અંકમાં પ્રકાશિત કર્યો છે, અને તે સ્વયંસ્પષ્ટ છે. જે લેખકોએ પોતાનાં ઍવોર્ડ પરત કરીને અકાદેમીને જગાડવા ચાહ્યું હતું એ સૌને કારોબારીએ હવે એમના ઍવોર્ડ પાછા વાળવા બાબતે ખમૈયા કરવા કહ્યું છે અને પુનઃ સ્વીકાર સારુ અરજ કરી છે એમાં કંઈક પથસંસ્કરણનો સંકેત અવશ્ય પડેલો છે. ઘરઆંગણે ગુજરાતમાં ગણેશ દેવીએ એ સંદર્ભમાં વિધાયક અભિગમ પ્રગટ કર્યો છે એમાં ઔચિત્ય પણ છે. અનિલ જોશી આવા કોઈ પુનર્વિચાર માટે તૈયાર નથી તેમ એમના પ્રગટ પ્રતિભાવ પરથી જણાય છે. સર્જકના મિજાજનો આદર જ હોય. માત્ર, એવી અપેક્ષા અવશ્ય રહે કે એમનો આ જોસ્સો દિલ્હીમાં આવતીકાલે શું થઈ શકે એના ગાંધીનગર ગીની પીગની ય લગરીક દાઝ જાણે.

અનિલ જોશીની એક ચિંતા એ વાતે છે કે આ બધું રઘુવીર ચૌધરીને સાઈડલાઈન કરવા વાસ્તે છે. લાંબા સમયથી ગુજરાતના સાહિત્યિક જાહેર જીવનમાં રઘુવીરભાઈની જે હાજરી છે એ જોતાં આવાં સામસામાં અવલોકનોને અવકાશ રહેવાનો, જેમ કે પરિષદ પ્રમુખના પદાધિકારને લગતી ચર્ચા રમેશ બી. શાહ છેડે ત્યારે એમને ભાગે ય એવો ગણગણાટ આવે કે એ કેમ જાણે કશુંક રઘુવીર તરફે કરી રહ્યા છે. વસ્તુતઃ સ્વાયત્તતા સબબ બે વાત સાફ છે. એના ઠરાવમાં દરેક મોડ પર રઘુવીર યથાસંભવ સહભાગી, અગ્રભાગી રહ્યા છે. એટલી જ સાફ વાત બીજી એ છે કે આંદોલનથી હમણાં સુધી તો એ કિનારો કરતા રહ્યા છે. મુદ્દે, જ્યાં સુધી ગુજરાતી સાહિત્યસમાજના સાર્વજનિક જીવનનો સવાલ છે, આજે આપણે એક એવા નિર્ણાયક માંચી મુકામે અને વળાંકબિંદુએ ઊભા છીએ જ્યારે તમે સ્વાયત્તતા આંદોલનની સાથે છો કે પ્રત્યક્ષ અગર પરોક્ષ સામે છો એના પરથી મારુંતમારું સૌનું માપ મળી રહેશે.

નેવું નાબાદ નિરંજન ભગત આજે એકાણુમે જે રીતે મેરુદંડપૂર્વક ઊભા છે તે સ્વતઃ એક પ્રતિમાન છે. જતાઆવતા બંને પ્રમુખોની સ્વાયત્તતા માટેની પ્રતિબદ્ધતા, તેઓ પોતપોતાની ગજાસંપત ને શક્તિમર્યાદા સાથે, આ મુદ્દે ઉમાશંકર-દર્શકની પરંપરામાં પરિષદની પાટે આવ્યાની સાહેદીરૂપ છે. ૧૯૫૫માં ગોવર્ધનરામની શતાબ્દી વખતે ઉમાશંકર જોશી, જયન્તિ દલાલ, ભોગીલાલ ગાંધી વગેરેએ વિરોધ પોકાર્યો અને પરિષદ એકાધિકાર આજ્ઞાંકિતા મટી સહભાગી સખીકૃત્યની લોકશાહી ભૂમિકાએ આવી. એવી જ એક ઘડી આપણા સાહિત્યસમાજના સાર્વજનિક જીવનમાં આજે બરાબર સાઠે વરસે આવી છે. અલગ અલગ સ્તરે હર સત્તા-પ્રતિષ્ઠાન સામે સ્વાયત્તતાનાં બળો જાગી ઊઠ્યાં છે, જેમ ત્યારે ક.મા. મુનશી સામે અવાજ ઊઠ્યો હતો.

સાહિત્ય પરિષદના પ્રમુખપદની મર્યાદા ચીંધતી રમેશભાઈની રજૂઆતમાં દમ છતાં સંમેલનની અધ્યક્ષતાને વળોટીને અર્થઘટન અને રુલિંગને ધોરણે તે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. તે આપણે ધીરુ પરીખના વર્તમાન કાર્યકાળમાં જોયું છે અને મતદારોએ ચંદ્રકાન્ત ટોપીવાળાને ય તેઓ પોતીકી રીતેભાતે સ્વાયત્તતાના સંગોપન-સંબંધની દિશામાં આગળ વધતા રહે તે માટે નિર્ણાયક આદેશ આપ્યો છે.

ગુજરાતી સાહિત્ય પરિષદે સ્વાયત્તતાના મુદ્દે, હવે તો બિનસ્વાયત્ત અકાદમીનો અસહકાર પોકારવાની ભૂમિકા લીધી છે. કારોબારી અને મધ્યસ્થ સમિતિએ ધીરુ પરીખ અને નિરંજન ભગતને સોંપેલી સત્તાનુસાર સરકાર સાથે વિનયવિષ્ટિ અનુત્તર રહ્યા પછીનો આ નિર્ણય છે. પરિષદ અને અકાદમી બેઉમાં એક સાથે સત્તાભોગવટો કરી રહેલાં સન્માન્ય સુહૃદો માટે આ નિર્ણયની ઘડી છે. કદાચ, જે કોઈક જ પળ માટે અંતરાત્માનું હોવું સાર્થક લેખાય તેવી આ એક પળ છે. એપ્રિલથી ઑક્ટોબર લગીના છએક માસના ગાળામાં એમને જો ચિત્ર સાક્ષાત ન થયું હોય તો શું કહેવું. થોભો અને રાહ જુઓ.

ગુજરાત સરકારે પોતે કોઈ લોકશાહી રાહે ઉત્તરદાયી સરકાર છે એ ધોરણે આ પ્રશ્ને તમા રાખવાપણું જોયું નથી. સુણ્યુઅણસુણ્યું કરવું અને ધાર્યું ધૂણવું એ એનો રવૈયો જણાય છે. કેન્દ્રીય અકાદેમીની પ્રાતિનિધિકતાથી આગળ જઈ ગુજરાતમાં આપણે લેખકોની કૉન્સ્ટિટ્યુઅન્સીનું એક વિશેષ પરિમાણ વિકસાવ્યું હતું. એની કદર ન તો સરકારને છે, ન તો એક મોટા અક્ષરકર્મી સમુદાયને.

જેમણે પણ અવાજ ઉઠાવ્યો એનું બ્રાન્ડિંગ અનવરત જારી છે. ભાજપ વિ. કૉંગ્રેસથી માંડી ડાબાજમણી ખાનાખતવણી ચાલુ છે. પ્રાયોજિત અને વિનિર્મિત (મેન્યુફેક્ચર્ડ) વિરોધરૂપે જેટલીએ એનું અવમૂલ્યન કરતાં સંકોચ કર્યો નથી. ભાઈ, સવાલ લોકતાંત્રિક અગ્રચરણ અને સમુદાર માનવ મૂલ્યોનો છે. લેફ્ટરાઈટ તો લશ્કર કરે. અહીં તો નાગરિકની મૂલ્યોત્થ વકટલેંડનો મામલો છે. ‘નિરીક્ષક’નું કહેવું તો એટલું જ છે કે અક્ષરકર્મીઓ લગરીક પણ નાગરિક બને તો લખ્યું પ્રમાણ, લડ્યું પ્રમાણ.

તા.ક.

પેજ પ્રૂફ અને બટર તબક્કા વચ્ચેના નાજુકનિર્ણાયક સંધિકાળે સાહિત્ય પરિષદના ટ્રસ્ટીપદેથી વિનોદ ભટ્ટના રાજીનામાના સમાચાર આવે છે. પરિષદે વિધિવત્ સ્વીકાર-અસ્વીકારનો નિર્ણય હજુ કરવાનો રહે છે એવી એક ટેકનિકલ સફાઈ અસ્થાને નથી. પરંતુ ખરો નિર્ણય તો સરકારી અકાદમી અને બિનસરકારી પરિષદ વચ્ચે પસંદગીનો છે જેનો જવાબ વિનોદભાઈએ પરિષદમાંથી રાજીનામું આપીને પોતાના પૂરતો તો આપી દીધો છે. છાપાગત ઔપચારિક પાઠમાં તો “આ પરિપત્રમાં મારા પૂ. ગુરુજી શ્રી ભગતસાહેબની સહી હોવાને કારણે એમની તરફનો પ્રેમાદર વ્યક્ત કરવા હું ગુજરાતી સાહિત્ય પરિષદના ટ્રસ્ટીપદેથી આજ રોજ (૨૯/૧૦) રાજીનામું આપું છું” એમ જણાવ્યું છે. વસ્તુતઃ ‘પૂ. ગુરુજી’ માટેનો પ્રેમાદર તેઓ, નિરંજન ભગત(અને ધીરુ પરીખ)ની સાફ વાત મુજબ સરકારી અકાદમીમાંથી હટીને ધોરણસર પ્રગટ કરી શક્યા હોત. અકાદમીના માર્ગદર્શક સભ્યને નાતે સરકારીકરણમાંથી સ્વાયત્તતા તરફ પાછા ફરવાની સલાહ તો, કમ સે કમ, આપી જ શક્યા હોત. આ સંધિકાળ માત્ર પેજ પ્રૂફ અને બટર તબક્કા વચ્ચેનો જ નથી. રાજસૂય દબાણો અને પ્રજાસૂય મથામણો વચ્ચે તમે ક્યાં છો એવા જનતંત્રલાયક ઝમીરના પડકારની આ સંધિક્ષણ છે. આખરે તો, રવીન્દ્રનાથના ‘પ્રાંતિક’નું વાર્તિક કરતાં ઉમાશંકરે ઉપસાવી આપ્યું છે તેમ જ્યાં સુધી શ્વાસ છે ત્યાં લગી પસંદગીનો હિસાબ આપતા રહેવાનું છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2015; પૃ. 14 & 23                       

Category :- Opinion Online / Opinion