OPINION

ફિલ્મ ઇન્ડિયાને બાબુરાવ પટેલ એકલા હાથે લખતા. એમાં હિન્દી સિનેમાના ચમરબંધી એક્ટરોની ચામડી ઊતરી જાય તેવા લેખો અને રિવ્યૂ છપાતા હતા.

બધા પટેલ પટેલ ના હોય, પાટિલ પણ હોય, એટલે, ફિલ્મ ઇન્ડિયાવાળા, બાબુરાવ પટેલ પટેલ ખરા પણ પાટીદાર નહીં. એ પાટિલમાંથી પટેલ થઈ ગયેલા. કેમ થઈ ગયેલા? એનો જવાબ નથી. બહુ લાંબા સમયથી એવી માન્યતા ચાલી આવે છે કે બાબુરાવ પટેલ ગુજરાતી હતા. એમાં પાછું, એમને પરણેલી પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા સુશીલા રાણીનું નામ પણ આપણને એમ માનવા પ્રેરે કે બાબુરાવની બીવી પણ કો’ક પાટીદાર સુશીલાબહેન છે. પટેલ અને સુશીલા ભેગાં થાય તો આપણને ‘ઘર-ઘર’ રમતાં હોઈએ તેવી ફીલિંગ થાય તે સ્વાભાવિક છે પરંતુ બાબુરાવ અને સુશીલા રાણી બંને જુદા જુદા ઘરના : કર્ણાટક અને મહારાષ્ટ્ર.

પત્રકાર-લેખક સિદ્ધાર્થ ભાટિયા(ભાટિયા ગુજરાત ઉપરાંત પંજાબ, રાજસ્થાન અને સિંધમાં પણ છે)ની અફલાતૂન કિતાબ ‘ધ પટેલ્સ ઓફ ફિલ્મ ઇન્ડિયા’માં બાબુરાવ પટેલ ગુજરાતી હતા કે નહીં તેનો ખુલાસો થયો છે. બાબુરાવ મુંબઈથી નજીક પાલઘર પાસેના એક ટચૂકડા ગામ માસવામાં 4 એપ્રિલ 1904ના પેદા થયા હતા. એમના પિતા પાંડુરંગ વિઠ્ઠલ પાટિલ નાની-મોટી વકીલાત કરતા હતા. એમની માતા જમના બાબુરાવ ચાર વર્ષના હતા ત્યારે સિધાવી ગયેલાં અને પિતા બીજી પત્ની લાવ્યા તેના આશ્રયે મોટા થયા. આ પાટિલ પરિવાર મુંબઈ આવ્યો ત્યાં સુધીમાં ‘પટેલ’ થઈ ગયો હતો. કેમ? ખબર નથી. કદાચ પાટિલ કરતાં પટેલમાં વધારે વજન હશે.

અને બાબુરાવે સાબિત પણ કરી દીધું કે પટેલો કેવા ભાયડા હોય, પછી ભલેને ખાલી સરનેમ જ પટેલ હોય. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મ પત્રકાર તરીકે જેનો ડંકો વાગ્યો હોય, વાંચતી વખતે (વાચક તરીકે) દાઝી જવાય અને (જેને વિશે લખાયું હોય તેને) ઉઝરડા પડી જાય એવું લખવાવાળા પત્રકારો ન તો સિનેમામાં રહ્યા છે કે ન તો મુખ્ય ધારામાં રહ્યા છે. એક જમાનામાં પત્રકારત્વ એક વ્યવસાય હતું. આજે નોકરી કે ધંધો બનીને રહી ગયું છે.

અમિતાભ બચ્ચનને પત્રકારોનો એટલો કડવો (અને વરવો) અનુભવ થયેલો કે એણે કહેલું કે અમને (એટલે કે સ્ટારને) બનાવવાવાળા અને તોડવાવાળા તો આ પત્રકારો છે, દર્શકો નહીં. તોડફોડિયા પત્રકારોની પ્રજાતિમાં આ બાબુરાવનું નામ પ્રથમ આવે.

હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સૌથી પહેલું સમર્પિત સામયિક ગુજરાતીમાં ‘મોઝ-મઝા’ 1924માં શરૂ થયેલું. એની સફળતાથી પ્રેરાઈને અન્ય ભાષામાં ફિલ્મી સામયિકો શરૂ થયાં. અંગ્રેજીમાં ધમાકેદાર એન્ટ્રી બાબુરાવ પટેલના ફિલ્મ ઇન્ડિયા (1935 થી 1961) સામયિકે કરેલી. કહે છે કે આ ફિલ્મ ઇન્ડિયાએ એવો ત્રાસ વર્તાવ્યો કે ટાઇમ્સવાળા જૈનોએ ફિલ્મફેર (1952) શરૂ કરવું પડેલું. આ ફિલ્મ ઇન્ડિયાને બાબુરાવ પટેલ એકલા હાથે લખતા. એમાં હિન્દી સિનેમાના ચમરબંધી એક્ટરોની ચામડી ઊતરી જાય તેવા લેખો અને થિયેટરોમાં ફિલ્મો ઊતરી જાય તેવા રિવ્યૂ છપાતા હતા. 1948માં રાજકપૂરની ‘આગ’ આવી તેના રિવ્યૂમાં બાબુરાવે લખેલું, ‘નરગિસ ખભાથી ઉપરના ભાગે, કરુણ દૃશ્યોમાં, સારો અભિનય કરે છે. પરંતુ, નૃત્ય કરતી વખતે એની બેઢંગ ‘બેક સાઇડ’ અને ચપટુ શરીર ઘૃણાસ્પદ લાગે છે.’

આવાઝ (1956) ફિલ્મના રિવ્યૂમાં બાબુરાવ લખે છે કે, ‘(આ ફિલ્મમાં) રાજેન્દ્રકુમાર દેખાય છે ય સ્ટુપિડ અને એક્ટિંગ પણ સ્ટુપિડ છે. કારણ? સ્ટુપિડ એટલા માટે દેખાય છે કારણ કે એ દિલીપકુમાર જેવો દેખાવા ફાંફાં મારે છે અને સ્ટુપિડ એક્ટિંગ એટલા માટે કરે છે કારણ કે એ દિલીપકુમાર જેવી એક્ટિંગ કરવા ગયો છે!’ વિભાજન બાદ પાકિસ્તાન જતી રહેલી નૂરજહાંનો ચહેરો બે વિશ્વયુદ્ધમાંથી પસાર થયા પછી ઘરડો થઈ ગયો છે એવું બાબુરાવે લખેલું. રાજકપૂરની જ બીજી ક્લાસિક ‘શ્રી 420’ રજૂ થઈ ત્યારે ફિલ્મ ઇન્ડિયાએ એને એક ઇડિયટની ઠન ઠન ગોપાલ જેવી કહાની ગણાવેલી. વી. શાન્તારામની મ્યુિઝકલ બ્લોકબસ્ટર ‘નવરંગ’ આવી ત્યારે એના લેખમાં બાબુરાવે મથાળું ઠઠાળેલું :  મેન્ટલ માસ્ટરબેશન ઓફ અ સેનાઇલ સોલ (ઓક્સફર્ડ અંગ્રેજી-ગુજરાતી ડિક્ષનરીની મદદ લેવી!)

મુંબઈની સેન્ટ ઝેવિયર્સમાં દસમું ધોરણ પણ પૂરું ન કરનાર બાબુરાવને બૌદ્ધિક શિક્ષણ નહીં મળ્યાનો અફસોસ રહી ગયેલો. અને એ અફસોસમાંથી જ ફિલ્મ ઇન્ડિયા અને એ બંધ થયું તે પછી 1961માં મધર ઇન્ડિયા નામનું રાજકીય સામયિક આવેલું. આજે આ બંને (ખાસ કરીને ફિલ્મ ઇન્ડિયા) સામયિકના જૂના અંકો કે એના કવર પેજની તસવીરો સંઘરી રાખવાનું મન થાય તેવી જણસ ગણાય છે. પંજાબના ગુરદાસપુર જિલ્લાના સાકરગઢમાં આનંદ પરિવારનો નાનો દીકરો દેવ આનંદ આ ફિલ્મ ઇન્ડિયાના અંકોને રદ્દીમાંથી લઈ આવતો હતો અને એમાંથી એને ફિલ્મોનો ચસકો લાગેલો. રદ્દીની એ દુકાનનો દેવ એટલો નિયમિત ગ્રાહક કે દુકાનનો માલિક રદ્દી આવે તો એમાંથી ફિલ્મ ઇન્ડિયાની પસ્તી જુદી કાઢી રાખતો. આવા જ એક અંકમાંથી દેવને સમાચાર વાંચવા મળેલા કે ‘સુપરસ્ટાર’ અશોકકુમાર ‘બંધન’ (1940) ફિલ્મના પ્રીમિયર માટે ગુરદાસપુર આવવાનો છે. ફિલ્મ સ્ટારને નજીકથી જોવાનો એ પહેલો અનુભવ અને ત્યાંથી જ સફર શરૂ થયેલી.

પાકિસ્તાન જઈને (ગરીબી અને કોર્ટ કેસોમાં) ફસાઈ ગયેલા લાજવાબ કહાનીકાર સાદત હસના મંટોએ હિન્દી ફિલ્મોની અનેક શખ્સિયત પર લખેલું એમાંથી એક બાબુરાવ પટેલ પણ સિદ્ધાર્થ ભાટિયા ‘ધ પટેલ્સ ઓફ ફિલ્મ ઇન્ડિયા’માં લખે છે કે પાછળથી રાજ કપૂરના લેખક તરીકે મશહૂર થનારા ખ્વાજા અહેમદ અબ્બાસ આ ફિલ્મ ઇન્ડિયામાં નિયમિતપણે ‘ભારત વિરોધી’ ફિલ્મો વિશે લેખ લખતા હતા. બાબુરાવ પટેલ 1939માં (પહેલીવાર) હોલિવૂડ ફરવા ગયા ત્યારે ફિલ્મ ઇન્ડિયાનો હવાલો અબ્બાસને એવી સૂચના સાથે આપેલો કે એની બે લોકપ્રિય કોલમો, સવાલ-જવાબ અને યુ હાર્ડલી બીલીવમાં સહેજ પણ આઘું-પાછું ન કરવું. (બાબુરાવે ત્રણ શાદી રચાવેલી. એક વાચકે ‘સવાલ-જવાબ’ કોલમમાં ‘કેમ ત્રણ પત્ની?’ એવું પૂછેલું. જવાબમાં બાબુરાવે ગુજરાતીમાં જવાબ લખેલો : તમારા બાપાનું શું જાય છે? વકીલ રામ જેઠમલાણીની બે પત્નીને લઈને કોઇકે પૂછેલું કે, ‘તમારી પહેલી પત્ની ખુશ છે?’ ત્યારે જેઠમલાણીએ કહેલું, ‘યસ, તમારી એક જ પત્ની કરતાં મારી પ્રથમ પત્ની વધારે ખુશ છે.’)

બાબુરાવના નામે પ્રથમ અંગ્રેજી ફિલ્મ સામયિક શરૂ કરવા ઉપરાંત બીજો એક રેકોર્ડ પણ છે. આજકાલ તો લોકો રાજનીતિમાં ઘૂસવા માટે પત્રકાર બની જતા હોય છે પણ એ સમયે બાબુરાવ પ્રથમ પત્રકાર હતા જે ભા.જ.પ.ના જૂના અવતાર જનસંઘની ટિકિટ ઉપર 1967ની સંસદમાં ચુંટાયા હતા. 1960 સુધીમાં બાબુરાવમાં રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ જન્મી ચૂકી હતી અને એ માટે જ એમણે મધર ઇન્ડિયા સામયિક શરૂ કરેલું. બે સામયિકોનો માર સહન ન થયો એટલે ફિલ્મ ઇન્ડિયા બંધ કરી દીધું અને પૂરું ફોકસ મધર ઇન્ડિયા પર લગાવી દીધું. આ સામયિક પણ ખાસ્સું લોકપ્રિય થયેલું.

કાનપુરમાં જવાહરલાલ નહેરુએ એક પાર્ટી કરેલી તેમાં બાબુરાવ સપત્ની ગયેલા. ગરમી હતી એટલે પાર્ટી લોનમાં રાખેલી. ત્યાં પવનમાં સુશીલા રાણીની સાડીનો પાલવ ઊડીને નીચે પડી ગયો. નહેરુ બાજુમાં ઊભેલા હતા. એમણે મુશ્કુરાઈને પાલવ ઉઠાવીને સુશીલાને થમાવ્યો. બાબુરાવે આનો ફોટો પાડી લીધો અને ફિલ્મ ઇન્ડિયાના તાજા અંકમાં છાપીને લખ્યું : કોનું હાસ્ય વધુ મોહક છે? કોઇકે નહેરુને આ અંક બતાવીને પૂછ્યું, કે શું જવાબ છે? ત્યારે નહેરુએ કહ્યું, ‘આ નવજુવાનની મુશ્કુરાહટ લાજવાબ છે.’ એ વખતે બાબુરાવ પર લખાયેલા એક લેખકમાં જામીલ અન્સારી નામના પત્રકારે લખેલું, ‘પિસ્તોલ જો નિશાન ચૂકી જાય તો બાબુરાવ પિસ્તોલના બટ વડે કામ પૂરું કરે છે.’

પટેલોને આમે ય જુગાડ કરતા તો આવડે જ છે!

e.mail : [email protected]

સૌજન્ય : ‘સન્નડે ભાસ્કર’, “દિવ્ય ભાસ્કર”, 28 જૂન 2015

http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5036114-NOR.html

Category :- Opinion Online / Opinion

કહેવાય છે કે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’. માણસ જ્યાં જાય છે ત્યાં પોતાનાં મૂળિયાં સાથે લઈને જાય છે. વર્તમાન પેઢી પોતાની માતૃભાષાથી આઘે ને આઘે ઢસડાઈ રહી છે તે જોઈ એ લોકો કેટલું બધું ગુમાવી રહ્યાં છે, એની વેદના થાય છે. ભાષા માત્ર વાણી નથી. ભાષા એક સંસ્કૃિત છે, એક પરંપરા છે, એક વિકાસગાથા છે. એક એવું વહેતું ઝરણું, જેના કાંઠે- કાંઠે અનેક તીર્થધામો રચાયાં છે. ભાષા એ મનુષ્યોની વિશિષ્ટ સંપદા છે. પ્રાણી જગત પાસે ધ્વનિ છે, શબ્દ છે, પણ ભાષા નથી. માણસને ધાવણ પૂરું પાડનારી જન્મદાતા મા છે, એ જ રીતે પરસ્પર–સંવાદનું માધ્યમ ભેટમાં આપનારી માતૃભાષા પણ છે. આ બંને માતા થકી માનવજીવનનો ઉઘાડ થાય છે.

માતૃભાષાથી જે લોકો વંચિત રહી જાય છે તેમની વાત છોડીએ, પણ જે લોકો માટે ગુજરાતી હજુ માતૃભાષા બનીને સંસ્કૃિતના ધાવણ પાઈ રહી છે તેમના માટે ગુજરાતી ભાષાની આસપાસ રહેવું અનિવાર્ય છે. વિજ્ઞાનને પરિણામે ધીરે ધીરે અનેક માધ્યમો કાળબાહ્ય સાબિત થઈ રહ્યાં છે. તે રીતે કદાચ ધીરે ધીરે મુદ્રણકળા પણ સંકેલાતી જશે, પરંતુ ત્યારે પણ કશુંક નવું સંપર્ક માધ્યમ તો આવશે જ અને આવી રહ્યું પણ છે. એ ઈલેક્ટ્રોનિક માધ્યમ આજે ‘પાંચમી જાગીર’ રૂપે પ્રગટ થઈ રહ્યું છે.

થોડા સમય પહેલાં … અમદાવાદથી પ્રગટ થયેલા ‘વિશ્વકોશ’ની માહિતી પીરસાયેલી. એના અનુસંધાને ઘણા વાચકોની પૃચ્છા પણ થતી રહી. પરંતુ એ જ લેખે બીજી અનેક આનુષાંગિક જાણકારી પણ મેળવી આપી. સુરતના ઉત્તમભાઈ ગજ્જરે તરત જ ગુજરાતી લેક્સિકૉન ડોટકોમ અને લોકકોશની માહિતી મોકલી આપી, જેમાંથી સાર રૂપે થોડીક પ્રસાદી ગુર્જરી પ્રેમી માટે! દેશવિદેશમાં વસતા ગુજરાતી બાંધવો માટે ગુજરાતી ભાષાનું ઉત્તમોત્તમ સાહિત્ય હાથવગું રહે તે માટે વડોદરાના મૃગેશ શાહની ‘રીડ ગુજરાતી’ વેબસાઇટની વાત તો અગાઉ લખાઈ જ ચૂકી છે.

આપણી ભાષા અને આપણું સાહિત્ય એ આપણો અણમોલ વારસો છે. ધનદોલતના ખજાના લૂંટાઈ જાય તો પાછા ભરી શકાય પરંતુ વાણીમાંનો એક શબ્દ ગુમનામ થઈ જાય તો એની સાથે ઘણુંબધું ગુમ થઈ જાય છે. મહારાષ્ટ્રના સંત તુકારામે ગાયું છે કે आम्हा घरी शब्दांचे चन आणि शब्दांचे  રતન ! શબ્દ એ શંકાનું રતન છે. યોગ્ય સમયે યોગ્ય રીતે વપરાયેલો શબ્દ માણસ માટે તારકસિદ્ધ થાય છે.

અગાઉ નર્મકોશ, સાર્થ ગુજરાતી જોડણી કોશ, બૃહદ્દ ગુજરાતી કોશ, વિરુદ્ધાર્થ કોશ જેવા અનેકાનેક શબ્દકોશો પ્રગટ થઈ ચૂક્યા છે અને હવે આ એકવીસમી સદીના ઉઘડતા દાયકે ઇન્ફોરમેશન ટેકનૉલૉજીના સથવારે ‘ગુજરાતી ડિજિટલ ડિક્શનરી’ પણ લોકાર્પિત થઈ ચૂકી છે. માસ મીડિયાના આ નવાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી નિર્માણ થયેલા આ અદ્દભુત પ્રકલ્પના વિશ્વકર્મા પુરુષ છે – રતિલાલ ચંદરયા.

આરંભના વર્ષો આફ્રિકામાં ગાળી 1965ના અરસામાં રતિભાઈએ યુરોપને પોતાનું ઉદ્યોગ ક્ષેત્ર જ ન બનાવ્યું, અદ્યતન ટેક્નૉલૉજી દ્વારા ગુજરાતી કોશોનું કૉમ્પ્યુટરીકરણ ઉપરાંત ‘ગુજરાતી સ્પેલચેકર’ પણ ઉપલબ્ધ કરાવી આપ્યું, બે દાયકાના અથાક પુરુષાર્થનું આ સુવર્ણફળ છે. પોતાના વ્યવસાય અને ધંધા – ઉદ્યોગની પ્રવૃત્તિ સાથોસાથ તેઓ વિવિધ સામાજિક સેવા સંસ્થાઓ સાથે જોડાઈ આફ્રિકા, એશિયા, દૂર પૂર્વના દેશો, યુ.કે., કેનેડાની પણ અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેઓ વિશ્વપ્રવાસી છે, છતાં માતૃભૂમિ અને માતૃભાષાને ભૂલ્યા નથી. કવિ દલપતરામે પ્રત્યેક ગુજરાતીને ‘રૂડી ગુજરાતી વાણી રાણીના વકીલ’ બનવા આહ્વાન કરેલું. એ આહ્વાન રતિભાઈએ યથાર્થ રીતે ઝીલી જાણ્યું છે.

રતિભાઈની ‘ગુજરાતી લેક્સિકૉન’ની આ વેબસાઇટને સુસજ્જ અને ઉપયોગી બનાવવામાં ગુજરાતી ભાષાના અસંખ્ય ચાહકોના સાથ સહકાર સાંપડ્યા છે. જેવી રીતે ઓક્સફોર્ડ્ના અંગ્રેજી શબ્દકોશમાં વચ્ચે-વચ્ચે વપરાશમાં આવતા નવા શબ્દોની ઉમેરણી નવી આવૃત્તિમાં સતત થતી રહે છે. જે કોઈ નવો શબ્દ અંગ્રેજીમાં પ્રગટ થતા લખાણમાં પાંચ વાર વપરાયો હોય તેને ઓક્સફોર્ડ ડિક્શનરીમાં ઉમેરવામાં આવે છે. આવું જ  કાંઈ ગુજરાતી કોશમાં કરવા આ મંડળી ઉત્સુક છે. હવે તો રતિભાઈએ ભગવદ્દ્ગોમંડળને પણ ડિજિટ્લાઇઝ કરવાનું બીડું ઝડપ્યું છે અને તેમાં ઝડપભેર આગળ વધી રહ્યા છે.

‘ગુજરાતી લેક્સિકૉન સાઇટ’માં તો માન્ય શબ્દકોશના જ શબ્દોનો સમાવેશ થયો છે.  પરંતુ લોકવાણીમાં તો અનેક શબ્દો એવા વપરાય છે જે આ બધા કોશોમાં જડતા નથી. આવા લોકવાણીના શબ્દો વણનોંધાયેલા ન રહી જાય તે માટે આવા શબ્દોને ભેગા કરી, ચકાસણી કરી, નવો ‘લોકકોશ’ રચવાની યોજના પણ આવી રહી છે. આ કોશ લોકો દ્વારા, લોકો માટે લોકોનો નવનીતમ શબ્દભંડાર નીવડશે. તે માટે લોકો પાસેથી એમની બોલીમાં વપરાતા શબ્દોની માગણી પણ કરાઈ રહી છે. સમયાંતરે શબ્દ સૂચવવા માટેની સ્પર્ધા પણ યોજાતી રહે છે. ‘લોકકોશ’ની વેબસાઇટ સંપૂર્ણપણે યુનિકૉડમાં જ રહેશે. આ કોશમાં વિવિધ ભાષાથી પ્રચલિત થયેલા શબ્દો પણ સમાવાશે. જેવા કે ‘ઓ.કે’., “યા’, ‘પ્લીઝ’, ‘સૉરી’ વગેરે.

ભલે આપણે એક પ્રદેશમાં રહેતા હોઈએ, છતાં ય ક્યારેક અંદરના ગામડામાં જવાનું થાય ત્યારે કેટલા ય શબ્દો એવા સાંભળવા મળે છે જે આપણે બધાની જેમ સાંભળી લેવાના જ હોય ! જાણીતા સાહિત્યકાર  ધીરુબહેન પટેલ લખે છે તેમ આપણે અજ્ઞાની અને ભોટ પણ સાબિત થઈએ. એમને લગ્નપ્રસંગે વતનમાં જવાનું થયું.

પૂરીઓ વણતી વખતે ફોઈએ ટકોર કરી – ‘જરા સદડી રાખ’. હવે ‘સદડી’ નો અર્થ તો ખબર નહીં પણ માની લીધું કે ઉતાવળ કરવાનું કહેતાં હશે. ઝડપ વધારી ત્યાં ફરી ટકોર થઈ – ઊઠ બેટા, તને પૂરી સદડી રાખતા નહીં ફાવે. અને હાથમાંથી વેલણ ખેંચાઈ ગયું ! આ તો ઘોર અપમાન! કહેવાઈ ગયું- આટલું તો જલદી વણું છું. પછી કેટલીક સદડી રાખું! – અને  ફોઈ હસી પડ્યાં. કહે, ‘બેટા, સદડી એટલે જાડી. તને એટલું ય ગુજરાતી નથી આવડતું?’ લો, મોટા સાહિત્યકારને મળ્યો ફોઈબાનો એવૉર્ડ !

એક્વાર મારે પણ આવું થયેલું. ગામડામાં ઘણી વાર કૂવે જ નહાવા જવાનું થાય. એકવાર કોઈથી ડોલ કૂવામાં પડી ગઈ. તરત બૂમ પડી - ‘લી, ઘેર જઈને મીંદડી લઇ આવ. એના વગર ડોલ બહાર નહીં નીકળે!’… અને મારા અંતરમાં ચીરાડો પડ્યો ... અરેરે! એક ડોલ માટે બિચારી બિલાડીને કૂવામાં ઉતારશે! ... તે દિવસે મને નવું જ્ઞાન લાધ્યું કે ‘ બિલાડી’ નામનું કોઈ સાધન પણ હોય છે જેનાથી કૂવામાં પડેલી વસ્તુ બહાર કાઢી શકાય છે.

આવું તો ઘણું બધું! બાર ગાઉ બોલી બદલાય. પરણીને નવી નવી સાસરે ગઈ. બા કથરોટ મગાવે અને હું તબાકડું લઈને ઊભી રહું. બા ‘લાપસી’ રાંધવા કહે અને હું કરી મૂકું કંસાર! એકવાર તો નૅશનલ બુક ટ્ર્સ્ટના એક હિન્દી પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરવા માટે બે દિવસ ગામડામાં રહેવું પડેલું. ગામડાના ગમાણ અને ખેતરની દુનિયા જ સાવ જુદી! સાધનો પણ જુદાં, પ્રક્રિયાઓ પણ અજાણી! આપણા માટે તો સવારનો નાસ્તો અને બપોરનું ભોજન આ બે શબ્દોમાં પેટ ભરાઈ જાય, પણ સૌરાષ્ટ્રમાં રહીએ ત્યારે ખબર પડે કે સવારે શીરામણ હોય, બપોરે ‘બપોરા’ હોય, અપરાહને “રોંઢો’ હોય અને સાંજે ‘વાળુ’ હોય. અમારા જયેન્દ્ર ત્રિવેદીએ સૂત્ર આપેલું – ‘સાંજનું વાળુ સાથે.’ અંગ્રેજીમાં પણ બ્રેકફાસ્ટ, ‘લંચ’ ‘ડિનર’, ‘સપર’ જેવા ખાસ શબ્દો છે ને! આ બધી ભાષાસમૃદ્ધિ છે! શબ્દભંડાર જેટલો સમૃદ્ધ, એટલો સંવાદ વધુ સઘન અને સાર્થક. તેમાં ય સંસ્કૃત શબ્દો તો આપણી સાથે વાતો કરે! પૃથ્વી જે પૃથક્ થઈ છે તે. વસુંધરા વિવિધ વસુને ધારણ કરે છે તે! ધરા - ધરતી, ધીરજપૂર્વક જે ધારણ કરે છે તે! વ્યોમ – વ્યાપ્ત છે તે! ચરણ વિચરે છે તે, ફરે છે તે! સરિતા – જે સર સર સર સરે છે તે! પંકજ જન્મે છે તે કમળ. સરોદ - પાણીમાં ઉદ્દ્ભવે છે તે! દીપક – દીપ્તિમાન છે તે. જે ખવાય છે તે. – વિગેરે વિગેરે શબ્દોનો વિશાળ સાગર ભરેલો છે, જેમાં શબ્દો પોતે જ બોલે છે.

ભાષાને કદી પૂર્ણવિરામ નથી હોતું. સાગરની જેમ એ અગાધ છે, અસીમ છે. એમાં નીતનવાં પાણી ઉમેરાતાં રહેવાનાં અને માણસ સમૃદ્ધ થતો જવાનો. કૉમ્પ્યુટર જગતે આ વિરાટ સાગરને ખિસ્સામાં રાખી શકાય એવો કીમિયો શોધી આપ્યો છે. વિજ્ઞાનયુગમાં દુનિયાભરની ભાષાઓની લેવડદેવડ વધતી જવાની. માણસે હવે પોતાની જાતને વિશ્વસંસ્કૃિત માટે તૈયારી કરવાની છે. રતિભાઈએ ગુજરાતી લેક્સિકોન સી.ડી. નિર્માણ કરીને આ દિશાના દરવાજા ખોલી આપ્યા છે. તેમને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. આ સોફ્ટવેર સી.ડી. રૂપે તૈયાર થયો છે. જેમાં યુનિકૉડ પદ્ધતિ વાપરવામાં આવી છે. સાથે સ્પેલચેકર પણ છે, જેથી સાચી જોડણી જાળવી શકાય. ભાષા સાથે કામ કરનારા અસંખ્ય લોકો માટે આ સેવા આશીર્વાદરૂપ નીવડી રહી છે.

હવે ‘લોકકોશ’ આવી રહ્યો છે. આ યુગ જ લોકોનો ‘લોકયુગ’ છે. જેમાં  સર્વોપરી શક્તિ લોકશક્તિ સિદ્ધ થવાની છે. ‘લોકકોશ’ દ્વારા સમાજ સમક્ષ એવા આધારખંડની દુનિયા પ્રગટ થવાની છે જે ઘણી બધી નવી ક્ષિતિજો ખોલી આપશે. આ લોકકોશના શબ્દોની પસંદગી માટે માપદંડ પણ નક્કી કરાયા છે. જેમ કે - સાર્થ, બૃહદ્દ, ભગવદ્દ્ગોમંડળ. આ ત્રણેય કોશમાં ન હોય તેવા છતાં ગુજરાતી ભાષામાં લખાતા - બોલાતા હોય તેવા શબ્દો આવકાર્યા છે.

શબ્દની સાથોસાથ અર્થ પણ જણાવવા જરૂરી છે અને શક્ય બને તો એ શબ્દો ક્યાં બોલાય-સંભળાય છે તે પણ જણાવવું.

અન્ય ભાષાનો શબ્દ હોય તો જે-તે ભાષા પણ જણાવવી.

અસંસ્કૃત, અપમાનજનક, જાહેરમાં ન બોલાય અને માત્ર ખાનગીમાં જ બોલાય તેવા ગંદા, શિષ્ટ ભાષામાં અમાન્ય શબ્દો ન હોવા જોઈએ.

લોકકોશમાં શબ્દ આ રીતે ઉમેરવાના રહેશે.

સાઇટની મુલકાત, - નોંધણી કરાવો - શબ્દોની નોંધ - નિષ્ણાતોની કમિટી દ્વારા શબ્દની ચકાસણી – શબ્દદાતાને ઇ-મેઈલ – સ્વીકારાયેલા શબ્દોનો લોકકોશ સાઇટ પર સમાવેશ.

e.mail_ [email protected]

www.gujaratilexicon.com

www.bhagwadgomandal.com

ગુજરાતી ભાષાની આ કૉમ્પ્યુટર સેવાની પ્રસિદ્ધિ માટે બળવંતભાઈ પટેલ તથા ઉત્તમ ગજ્જર પ્રવૃત્ત છે. એમણે ‘કૉમ્પ્યુટર ક્લિકે’ પુસ્તિકા દ્વારા વિગતવાર માહિતી પીરસી છે.

ભાષાની શોધ અરસપરસનો સંવાદ સ્થાપવા રચાઈ છે. ભાષાની સેવા એ સંવાદને વધુ સંગીન કરવા માટેનું આયામ છે. આપણે સૌ પોતપોતાની રીતે આપણી માતૃભાષાનું ઋણ અદા કરીએ.

***

[73, Rajsthambh Society, Near Polo Ground, Rajmahel Road, VADODARA - 390 001, India]

(સૌજન્ય : “જન્મભૂમિ-પ્રવાસી”, 5 ડિસેમ્બર 2011)

મુદ્રાંકન સદ્દભાવ : વલ્લભ નાંઢા

સૌજન્ય : “ઓપિનિયન”, 26 જાન્યુઆરી 2012; પૃ. 08-09

Category :- Opinion Online / Opinion