OPINION

લૂલી

ભરત મહેતા
01-07-2015

 

લૂલી કરે દલીલ લૂલી,
લૂલી ઉર્ફે ઉર્દૂમાં બોલે તો જબાન
જબાન કા પક્કા.
જબાન સંભાલ કે બોલના ભાઈ,
અંગ્રેજી મેં કહતે હૈ ટંગ
એમાંથી આવી મધરટંગ!

દેખાડો તો તમારી જીભ?
ઓહ! આ તો બેધારી છે!

એક ધારથી આમ બોલો ને બીજી ધારથી તેમ?
વાગેશ્વરીના નેત્રસરોવરનું ચાંગળુંક નીર પીને
કામે વળગેલા મારા વિપ્લવખોર મિત્રો!
ખાવું હોય તે ખાવ, પીવું હોય તે પીઓ,
લઈ લો લાડવો, આખેઆખો. પણ કાં કરો દેખાડો?
અમારે તો અપ્પા ને એકાદશી છે!
તમારા ધોળાધફ અબોટિયામાં પડેલા ડાઘાં બોલે છે
સબડકા તાણીતાણીને પીધી છે દાળ,
ગયા ગયા તો ગયારામ, કાશી ગયા તો કાશીરામ,
કોશિયાની ભલામણ કરનારા પ્રમુખ
આપણા જ હતાને?
એ ય તમને જોઈ ફરી બોલશે - હે, રામ !
ઉ. જો. પૂછશે
સૃષ્ટિ આખી મુક્ત, તું સર્જક જ કાં ગુલામ ?
સુ.જો. જનાન્તિકે જણાવશે,
સરકારી રોશનીની ઝાકમઝાળમાં
ક્યાં ખોવાઈ ગયા, મારા આગિયા!
લૂલી, વાગ્દેવીનું વાહન તું
કેમ પડી ભૂલી?

e.mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2015; પૃ. 05

Category :- Opinion Online / Opinion

કદમ કદમ બઢાયે જા

પ્રકાશ ન. શાહ
01-07-2015

કટોકટીની ચાલીસીએ, પોતાને વિકલ્પ તરીકે રજૂ કરતા ભાજપને સારુ ચીમકીરૂપ અને વૈકલ્પિક રાજનીતિની દિશામાં વિકલ્પવાંછુ બાકી સૌને સારુ વર્તમાન વ્યવસ્થા વિશેની ફરિયાદમાં ઊંજણરૂપ મોટી ઘટના બીજી કઈ હોઈ શકે, સિવાય કે જનસંઘના જનતા અવતાર અને ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ સહશિલ્પી અડવાણીનું પ્રગટ મંથન/ ચિંતન : ‘દેશમાં કટોકટી પાછી નહીં જ આવે એ વાતે હું આશ્વસ્ત નથી’ એ ધાટીએ જૂનના ત્રીજા અઠવાડિયામાં એમણે એક્સપ્રેસ સાથે ખુલ્લો સંવાદ કર્યો અને ચોથું અઠવાડિયું લમોગેટના સંદર્ભમાં શુચિતાના આગ્રહ સાથે ‘આનંદબજાર પત્રિકા’ વાટે બેસાડ્યું. સંકેત પાધરો સમજાય તે સારુ પોતે હવાલા પ્રકરણ વખતે ખસી ગયા હતા તેનીયે યાદ આપી.

જ્યાં સુધી કૉંગ્રેસનો સવાલ છે, એને તો ઘેરબેઠા બખ્ખેબખ્ખાની સગવડ આવી મળી : જુઓ, એક ભાજપ શ્રેષ્ઠી પોતે શું કહે છે. અલબત્ત, કૉંગ્રેસની મુશ્કેલી એ છે કે અડવાણીએ નમો સંદર્ભે સંભારેલો ઇંદિરાઈ પેરેલલ ખુદ કૉંગ્રેસ કને નિર્મમ આત્મપરીક્ષણ માગે છે. ઉલટ પક્ષે, કટોકટીરાજ સામેના લડવૈયા રૂપે પોતાને હાલ ધરાર આગળ ધરતા ભાજપના ખુદના વજૂદને પણ આ વાનું સવાલિયા દાયરામાં મૂકી આપે છે; કેમ કે અડવાણી એક અસંતુષ્ટ છે એમ કહીને સહેલાઈથી બાજુએ મૂકી શકાય એવી પ્રતિભા આ પક્ષ પરત્વે એમની નથી.

પરંતુ, કૉંગ્રેસ-ભાજપ અને ઇંદિરામોદીઅડવાણીના સીમિત સંદર્ભમાં અલગ અલગ છેડેથી ચાલી શકતા અગવડિયા વિમર્શમાં, તેનું સંજ્ઞાન (કોગ્નાઇઝન્સ) લેતે છતે નહીં બંધાતાં વૈકલ્પિક નાગરિક પરિબળો કટોકટીની ચાલીસીએ જરી લાંબે પને અને વ્યાપક ફલક પર વિચારે છે. જેપી-કૃપાલાનીના ઉજાસમાં, મોરારજી દેસાઈના નેતૃત્વમાં જનતા રાજ્યારોહણ સાથે સ્વરાજની બીજી લડાઈ એક મુકામ પર જરૂર પહોંચી. લોકશાહીની પુનઃપ્રતિષ્ઠા, નાગરિક સ્વાધીનતાનો મહિમા, મિલકતના મૂળભૂત અધિકારનું ‘જસ્ટિશ્યેબલ’ થવું, આ બધાં રૂડાં વાનાં જરૂર બની આવ્યાં. પણ કૉંગ્રેસને સ્થાને જનતા પક્ષ આવ્યો તે સાથે, એના ઘટકોમાં તેમ લોકસમર્થનમાં જેટલી ‘બદલ’ની ચાહ હતી તેટલી ‘ક્રાન્તિ’ની આહ નહોતી તે ઇતિહાસવસ્તુ છે. ‘કટોકટી’ ગઈ, ‘કટોકટી’ જારી છે એમ કહેતી વેળાએ ‘ઈમરજન્સી’ ઊઠ્યે છતે ચાલુ એવી જે ચિર ‘ક્રાઇસિસ’ અભિપ્રેત છે તે જેને રૂંવે રૂંવે દઝાડતી હોય એવા રાજકીય વર્ગનું ટાંચું પડેલું છે તે છેલ્લા ચાર દાયકા સબબ કેવળ અને કેવળ વાસ્તવકથન માત્ર છે.

આર્થિક-સામાજિક વિષમતા રૂપે તેમ સહજ મોકળાશના અભાવરૂપે આપણા હાડમાં પડેલી અને આક્સ્પે, પોટે, ટાડે એમ નાનાવિધ શંખચક્રગદાપદ્મે ડિસ્ટર્બ્ડ એરિયાના એન્કાન્ટરી અભયારણ્યમાં મત્ત વિલસતી અઘોષિત જેવી કટોકટી બીજા સ્વરાજમાંયે પૂર્વવત બરકરાક છે તો વિધિવત્ કટોકટીજાહેરાત શક્ય ન બને એવા બંધારણીય સુધારાઓ પછી પણ સત્તામાનસ અને ગરાસ માનસ આ વારસાવણછાથી ઊંચે ઊઠી શકતાં નથી તે અડવાણીનાં અવલોકનો સાથે વધુ એક વાર અંકે થતી બીના છે.

આવા અનેક મુદ્દે ‘નિરીક્ષક’ અવાજ ઉઠાવતું રહ્યું છે. સાહિત્ય અકાદમીના સરકારીકરણ સામે સ્વાયત્તતાનો અવાજ, સાહિત્ય પરિષદ પરત્વે અન્આશ્વસ્ત એટલી જ આત્મીય ભૂમિકા, આઈઆઈએમની ટાપુલોક તાસીર પરત્વે આલોચનાવિવેકપૂર્વક એની સ્વાયત્તતા માટેની નિસબત, આઈસીએચઆરમાં સમ ખાવા પૂરતાયે ‘પિયર રિવ્યૂ’ની પાત્રતા વગરના સંશોધકના ધરાર ગણેશસ્થાપાન સબબ ચિંતા, આપણા ‘હાડ’માં પચેલી ગેરબરાબરી છતાં અને તે સહિત ઘણું મોટું કુરુક્ષેત્ર રાહ જુએ છે. સ્વરાજની લડાઈ ૧૯૫૦ના પ્રજાસત્તાક સાથે પૂરી નહીં પણ શરૂ થઈ છે અને ૧૯૭૫ના રાણીસત્તાકને વળોટીને કૉંગ્રેસ-જનતા-ભાજપ કશામાં નહીં ગંઠાતાં લમોગેટ, નમોગેટને અતિક્રમીને કંઈ કેટલું અંતર કાપવાપણું છે.                                                                                          

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2015; પૃ. 01 

Category :- Opinion Online / Opinion