OPINION

૨૫મી માર્ચ ૨૦૧૩ના અખબાર ‘The Hindu’માં, બી.એસ.પ્રકાશનો લેખ વાંચ્યા બાદ, વિચારો આવ્યા તે વાચકો સાથે વહેંચવા માગું છું. આ લેખના લેખક ભૂતપૂર્વ એલચી હતા અને હાલમાં જામિયા મિલિયા વિશ્વ વિદ્યાલયમાં વિઝિટીંગ પ્રોફેસર તરીકે સેવા આપે છે. આવા માતબર લેખકનું લખાણ સહેજે માહિતી સભર અને અનુભવજન્ય ગહન વિચારોનું ભાથું લઈને આવ્યું હોય. તેથી ઘણું રસપ્રદ વાંચન લાગ્યું.

BRIC અને હવે BRICS તરીકે ઓળખાતા વ્યાપારી સંગઠનના સભ્યો છે : બ્રાઝીલ, રશિયા, ઇન્ડિયા, ચાઈના અને સાઉથ આફ્રિકા. આ ઝડપથી વિકસતા દેશોના જોડાણનો વિચાર માર્કેટિંગ ગુરુ ગણાતા Goldman Sachsના  Jim ‘O Neilના ભેજાની ઉપજ છે. G8, SARC અને BRICS જેવાં આંતરરાષ્ટ્રીય સંગઠનોનો હેતુ શો હોય છે ? વિશ્વના સહુથી વધુ વિકસિત અને ધનાઢ્ય એવા આઠ દેશોએ પોતાનો એક જુદો ચોકો રચ્યો. જેમાં તે સમયે હજુ વિકાસની દિશામાં દોટ મૂકતા બીજા દેશોને ‘પ્રવેશ બંધ’, એવું પાટિયું જોઇને પાછા વળવું પડતું હતું. શું આ નવું સંગઠન G8ના મુખ્યત્વે પશ્ચિમી દેશોને ડરાવવા માટે અસ્તિત્વમાં આવ્યું ?

એ દેશોની મિટિંગના અહેવાલો investment, market, economic growth, job opportunities વગેરે જેવા ઉત્પાદન, વેચાણ અને નફાને લગતા શબ્દોથી ભરપૂર હોય છે. એનો અર્થ એ કે તેઓ ધન સંપત્તિ = વિકાસ = સુખ એવા સમીકરણમાં શ્રદ્ધા ધરાવે છે. માનો કે એ ગણતરી સાચી હોય તો BRICSના સભ્ય દેશોમાં, તેના બધા નાગરિકો સુધી વિકાસની ધારા પહોંચે છે? તેમને થોડી ઘણી સંપત્તિનો પણ સ્પર્શ થાય છે? એ લોકોના ‘સુખ’ની વ્યાખ્યા BRICSના અધિકારીઓની વ્યાખ્યા સાથે બંધ બેસતી હોય છે? 

ઉપર કહેલા સંગઠનો જે રીતે પોતાના વિકાસનો ઢોલ વગાડે છે એ સાંભળતા લાગે છે કે એ પાંચ દેશોમાં ઉદ્યોગોનો વિકાસ કરવા માટે તેમણે એક બીજા સાથે રાજકારણીય જોડાણ કર્યું છે, જેમાં ખેતી અને પર્યાવરણને ભારે નુકસાન થાય તેની પરવા કરવાની નવરાશ નથી. જો ધનિક દેશ કહેવડાવવા માટે વૈશ્વિક બજારનું ખપ્પર ભરવા મોટા જથ્થાના ઉત્પાદનની જ નીતિ અપનાવવી જરૂરી હોય, તો એ મજૂરો, કારખાનાના કામદારોની પાયાની જરૂરિયાતો જેવી કે શારીરિક, માનસિક સુખાકારી અને આધ્યાત્મિક તથા સાંસ્કૃિતક જરૂરતો કોણ પૂરી કરશે ? માનવ શરીરમાં માત્ર ખોરાક ભરવામાં આવે, પણ તેના શરીર સ્વાસ્થ્ય, લાગણીઓ, ભાષા અને અન્ય સામાજિક પાસાંઓની કાળજી ન લેવાય તો એની શી દશા થાય? સંગીત, નાટ્ય અને કળા વિનાનો માણસ પશુ સમાન ગણાય છે. તો એવા પશુ સમાન માનવ સમૂહો માટે આટલી બધી વસ્તુઓ શા માટે પેદા કરવી, મારા ભાઈ?

મને તો આ G8, SARC અને BRICS જેવાં સંગઠનો એક રીતે જ્ઞાતિ પ્રથા અને વર્ગ વ્યવસ્થાના આંતરરાષ્ટ્રીય સ્વરૂપ લાગે છે. દુનિયાના વિકસિત, અર્ધ વિકસિત, અવિકસિત અને કદિ વિકાસ પામી ન શકનારા દેશો એવા વિભાગ પાડી, તમે અમારા ગોળમાં આવો તો પરસ્પરનું વેપારી સ્વાર્થ સાચવશું અને બાકીના બધાને અછૂત ગણીને તેમાંથી બાકાત રાખીશું, એવું વલણ આવાં સંગઠનોથી ફલિત થાય છે. જેમ વર્લ્ડ બેંક, યુરોપીયન બેંક છે તેમ હવે BRICSના સભ્ય દેશો માટે જુદી બેંક બનાવીને જુદા ચોકા રચાશે અને મતભેદ થતાં એકબીજા સાથે અથવા બીજા દેશો સાથે લડાઈ નહીં કરે તેની શી ખાતરી? આમ જુઓ તો G8 અને BRICSના સભ્ય દેશોમાં કેટલી શાંતિ અને અમન છે? સહુથી વધુ દુ:ખદ અંને શરમજનક હકીકત તો એ છે કે તેમાંના મોટા ભાગના દેશોના નાગરિકોના માનવ અધિકારોની રક્ષા કરવામાં ત્યાંની સરકારો નિષ્ફળ ગઈ છે, અને સારી ય દુનિયા એ વાત જાણે છે. અણુ શસ્ત્રો બનાવવા અને ‘અમે વિકસિત દેશ છીએ’ એમ કહેવું તે તો ‘હાથમે કુંડા બગલમે છૂરી’ જેવો તાલ કર્યો કહેવાય. પોતાના દેશોમાં કે બીજાના દેશોમાં સંઘર્ષોનો ઉકેલ હિંસાત્મક રીતે લાવવામાં આવે છે ત્યારે G8 અને BRICSના સભ્ય દેશો કોના તરફી વલણ દાખવે છે? આ હકીકત સૂચવે છે કે કહેવાતા વિકસિત, ધનાઢ્ય દેશોને સાધન શુદ્ધિનો જરા ય આગ્રહ નથી. યેન કેન પ્રકારેણ પોતાના દેશની માથાદીઠ આવક અને કરોડપતિઓની સંખ્યા વધે, જેમાં પોતાનું નામ અગ્ર સ્થાને હોય, એટલે કામ પત્યું. વાલિયા લુંટારાના મા-બાપ અને પત્ની-છોકરાએ તેના પાપની કમાણીમાં પોતાનો ભાગ નહોતો નોંધાવ્યો, તો G8 અને BRICSના સભ્ય દેશોની પ્રજા શા માટે દેશના તમામ પ્રજાજનોને લાભ ના થાય તેવી વિકાસ યોજનાઓમાં જોડાય છે?  

વેપાર, બજાર અને ઉદ્યોગોમાં રોકાણ કરવા માટે આવાં સંગઠનો થાય છે, કદિ શાંતિ અને અહિંસા સ્થાપવા, જાળવવા બે દેશો પણ એક થાય છે ખરા?

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion

એક હતો માણસ

અાશા બૂચ
05-04-2013

કુક્કુ ... કુક્કુ ... સવારના દસ વાગ્ય્યા ‘ને બે મિનિટ થઈ.

ધરતી પર ધબ્બ દઈને છોકરાં જન્મ્યાં.

એમાં નવું શું છે? દર સેકન્ડે અંદાજે સરેરાશ ૪ એટલે કે દર મિનટે ૨૪૭ એટલે કે વર્ષે ૧૩૩ મીલિયન બાળકો જન્મે છે. બે-ચારની ભૂલ-ચૂક લેવી દેવી.

આટલા જીવાત્માઓને મનુષ્યની યોનીમાં અવતરવા દેવા અને એમાંથી અમુક સ્ત્રી જાતિના અને બાકીના પુરુષ જાતિના જન્મે એટલું જ કુદરત નક્કી કરે છે. બસ. એનું કામ ત્યાં ખતમ.

માનવ જાત હવે પોતાનું કામ કરવા મચી પડે છે. કેટલાંક હોશિયાર લોકોએ દીકરો હશે કે દીકરી એ જાણી લીધું હોય છે, એટલે બચ્ચાનું માથું બહાર ડોકાતાં જ એને પહેલેથી નક્કી કરેલ નામથી બોલવવા લાગે છે. બીજાં બધાં છોકરો છે કે છોકરી એ ખબર પડે એટલે નામ ફંફોસવા લાગે. કોઈ વળી બાળકની ફોઈ, માસી, નાની કે દાદીને પૂછે પણ ખરાં. તેમાં વળી બાપને થાય કે છોકરું જન્મ્યું એમાં મારો પણ ફાળો છે, એની દુનિયા નોંધ લે એટલે ઓળીજોળીમાં પોતાનું ય નામ બબલા કે બબલી ભેગું ઝૂલવા માટે નાખે. તેમાં અધૂરું હોય તેમ દાદા ડબકું મૂકે, ‘અલ્યા, આપણા બાપ-દાદાને શે ભૂલાય ? ભેગી અટક તો મેલ!’

આમ આંખો ખોલે તે સાથે જ દીકરાને કે દીકરીને પોતાનું નામ, વાંસે બાપનું (કેટલાક અપવાદો બાદ કરતાં હંમેશ બાપનું જ નામ જોડાય છે) નામ અને છેવાડે અટક એટલું બધું મફતમાં મળી જાય છે. નામ તો દરેકને જોઈએ, હાં ભાઈ, નહીં તો છોકરો છે કે છોકરી (વળી, એમાં ય અપવાદ છે જેમ કે વસંત, ધીરજ કે Chris) કેમ ખબર પડે? આમ વ્યક્તિનું નામ, બાપનું નામ અને અટક જોડાવાથી એ માણસ કયા ધર્મનો, જ્ઞાતિનો કે કયા પ્રદેશનો છે, એ બધી જ માહિતી મળી જાય, પછી જુઓ મજા.

ખરું જુઓ તો એ બધાં છોકરાં પોતાની માનું કે બોટલનું દૂધ પીએ, ઊંઘ આવે કે ભૂખ લાગે, ભીનું થાય કે ગંદું થાય તો રડે, રાજી થાય તો હસે અને દિવસે ન વધે એટલા રાત્રે વધવા માંડે છે. જો કે કેટલાંક વંચિત મા-બાપના બાળકોના દિવસ અને રાત લાંબા હોય છે, એટલે એવાં બાળકોને પોતાના મા-બાપના નામને કારણે અપૂરતું કે કુપોષણ મળે તે લટકામાં. તો ય બધાં ભૂલકાં હસે તો આખું ઘર ખુશીના હિલોળે ચડે અને રડે તો છાનું રાખવા સહુ દોડે એમાં નાત-જાત, ધરમ-રંગ, ગરીબ-તવંગરના ભેદ ન નડે, માત્ર છાનું રાખવાના નુસ્કા સસ્તા-મોંઘા હોય.

પારણામાંથી આંગણામાં આવતાં બધાં બાળકો રમે, પડે, આખડે અને મોટાં થાય. હોય એમાં કાંઈ ફેર ? એ બધાંને સલામતી, પ્રેમ, કાળજી અને હુંફ જોઇએ. પણ પછી ખરાખરીના ખેલ શરૂ થાય. શેરીમાં રમતાં છોકરાંઓને મા-બાપ ચેતવે, ‘તું અ, બ કે કની સાથે ન રમતો, એ વાણિયા છે, ધોળિયા છે, કાળિયા છે, મરાઠી છે, સુવેટોથી આવ્યા છે, સોમાલિયાના છે’. નિશાળ પસંદ કરતાં તો ખાસ ધ્યાન રાખવું પડે. તમારે કપાળે કયા ક્લાસનું તિલક છે, એ પ્રમાણે સરકારી કે ખાનગી નિશાળ જ તમારા લાડલા/લાડલીને માફક આવે. ઘર ખરીદવા ટાણું થાય, ત્યારે ‘આપણાથી ફલાણા લત્તામાં ઘર ન લેવાય, ત્યાં વસવાયાં રહે - ઉચ્ચ વર્ણના લોક રહે, એશિયન્સ રહે કે કેથલિક લોકો રહે એનું ધ્યાન રાખવું પડે, ભૈલા. સફેદ ઘેટાંનાં ટોળામાં કાળું જાય તો શું થાય ?’  

યુવાવસ્થામાં પહોંચતાં સુધીમાં મોટા ભાગના લોકોને હાસ્ય, કરુણ, ભય, વીર, શૃંગાર, અદ્દભુત, રૌદ્ર, શાંત અને બીભત્સ એવા નવે રસોનો ઓછે વત્તે અંશે અનુભવ થઈ ચૂક્યો હોય છે. જુદી જુદી ભાષા બોલનારાઓને અનુભૂતિઓ સરખી હોય છે એમાં બે મત નથી. અલબત્ત, આ તબક્કે દરેક ધર્મ, સમાજ, જ્ઞાતિ અને વર્ગ પોતાની સંસ્કૃિત અને રિવાજને આધારે પોતાના ભાવિ નાગરિકોને વિશિષ્ટ વિચારો, સિદ્ધાંતો અને મૂલ્યો પ્રમાણે આ લાગણીઓને વ્યક્ત કરવા કે નાથવા માટે ઘડે છે.

અતિ ગતિમાન એવી ૨૦મી અને ૨૧મી સદીમાં ઝડપી વાહન વ્યવહાર અને કામની તથા અભ્યાસની અમાપ તકોને કારણે જાણે દુનિયા ભરની પ્રજાઓ પોતાના દેશના સીમાડાઓ વટાવીને અત્ર તત્ર સર્વત્ર પોતાના ડેરાઓ તાણાવા લાગી. હવે એમના પછીની પેઢીને પચરંગી પ્રજા સાથે રમતાં, ભણતાં, હરતાં-ફરતાં કેટલાક રિવાજો અને જીવનરીતિના પાલનની તથા નિષેધની રેખાઓ પાતળી થવા લાગી. હવે વારો આવ્યો તેમના ઘર માંડવાનો. ત્યાં તો, ‘બેટા / બેટી, જો હવે તો ખાસ તારી સાથે ભળતા યુવાન / યુવતીના બાપના નામ અને અટકનું ધ્યાન રાખવાનું, હોં, નહીં તો આપણું તો સત્યાનાશ થાય.’ એમ યાદ અપાવવામાં આવે છે.

એવે ટાણે પેલાં યુવક-યુવતીઓને વિમાસણ થાય કે જેની સાથે બાલમંદિરથી માંડીને કોલેજ સુધી ભણ્યાં, રમ્યાં, ખાધું, પીધું, પાર્ટીઓમાં ગયાં, અરે, ઘર ઘોલીકુંય રમ્યાં એની સાથે સાચુકલા ઘરમાં ઘર કેમ ન મંડાય? જો કે મોટા ભાગનાં યુવક-યુવતીઓ પોતાનાં મા-બાપના દોરવ્યા દોરવાય અથવા પોતાની જ ટુકડીમાંથી કોઈ સાથીદાર મળી આવે તો પૂર્વજોના ચીલા પર ખુશીથી સંસારની રમત માંડી શકે છે. જે કેટલાક એના સમાજના ધારા-ધોરણ પ્રમાણે ન ચાલી શકે તેનાં મા-બાપ, કુટુંબીઓ કાં તો બદલતા પ્રવાહને સમજીને એમની ભેળા ચાલવા લાગે, કાં લાચારીથી પોતાના સંતાનનો નિર્ણય સ્વીકારી લે અને નહીં તો ઈટ્ટા કીટ્ટા કરીને જુદે જુદે માર્ગે ફંટાઈ જાય.

વર્ષો પછી જયારે એ વ્યક્તિ એક ‘માણસ’ તરીકે જન્મી હોય તેને પોતાના કિરતાર પાસે જવાનો સમય થાય. ત્યારે એ પણ બીજાની જેમ જ શ્વાસ લેવાનું બંધ કરે છે અને શરીર એનું પણ પંચમહાભૂતમાં અથવા ashes to ashes ભળી જાય છે. થોડા દશક પહેલાં જે જીવાત્માને પૃથ્વી પર મોકલ્યો હોય તેને એક ‘માનવ’ ઉપરાંત કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ, વર્ગ, રાજકીય પક્ષ, યુનિયન, મંડળ, સભા જેવાં શતવિધ ઓળખપત્રોનાં પાટિયાંથી ભરખમ બનેલ પોતાના ખોળામાં લેતી વખતે કુદરત વિચારતી હશે કે ભારે હોશિયાર નીકળ્યા, ભાઈ આ માણસો !

એક માત્ર ‘માણસ’નું બિરુદ લઈને મોકલેલો જીવાત્મા વિશ્વાત્મા બનવાને બદલે સાવ પામર આત્મા બનીને પાછો આવ્યો, તો હવે ફરી તેને મનુષ્ય બનાવું કે પછી .........?

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion