OPINION

…… તો શું થાય ?

આશા બૂચ
27-10-2015

ચાહો કે ન ચાહો પણ પ્રાણવાયુની માફક દેશ-વિદેશમાં બનતી ઘટનાઓના સમાચાર આપણને સવાર પડે ને મફતમાં મળતા રહે છે, રોજેરોજ. તેનાથી ક્યારેક મન મોર બની થનગાટ કરી ઊઠે તો ક્યારેક હતાશાની ઊંડી ગર્તામાં ઉતરી પડે. તેમાંથી બહાર નીકળવા કોઈ રામ, તો કોઈ કૃષ્ણને સંભારે, કોઈ જિસસ તો કોઈ અલ્લાહને મદદે બોલાવે. કોઈ લાભદાયી પરિવર્તનોનો યશ કળશ પોતાને શિરે ધરી પોતાનાં ગુણગાન કરે તો કોઈ વળી અનિચ્છનીય પરિસ્થિતિ માટે જવાબદાર તત્ત્વોને દીવો લઈ શોધવા નીકળે.

યુ.કે.માં પાનખર ઋતુ જામી છે, દિવસો ટૂંકા થયા અને રાત લાંબી થતી ચાલી ત્યારે કેટલાકને દુ:સ્વપ્ન આવે તેમ મને દીવા સ્વપ્ન આવવાં લાગ્યાં છે. મારું મન ભારતીય અને અન્ય  સંસ્કૃિતનાં કેટલાક પ્રચલિત સૂત્રો તરફ ગયું અને જો એ બોધક સૂત્રોનો અમલ થાય તો શું થાય એની કલ્પનાઓ આવવા લાગી. તેમાંથી થોડી અહીં પીરસું.

જો વેદકાલીન પુરાતન સૂત્ર ‘સત્યમ વદ, ધર્મમ ચર’નું પાલન વિશ્વના મુખ્ય મુખ્ય રાજ્યકર્તાઓ અને ધાર્મિક-સામાજિક આગેવાનો કરે તો ન પોતે માનવ અધિકારોનું ખંડન કરી શોષણ કરે કે ન તેમ કરનારને પોતાને આંગણે આવકારે. ચીન અને ભારતનો માનવ અધિકાર જાળવવાનો ઇતિહાસ ધૂંધળો છે તો પણ વ્યાપારી સંબંધો વિકસાવવાને લોભે ‘કથરોટ કુંડાને શું હસે’ એ ન્યાયે એ બંને દેશના નેતાઓને લાલ જાજમ બિછાવી સ્વાગત કરવાનું બ્રિટન કદી નહીં વિચારે.

જિસસે કહેલું, “તારા ડાબા ગાલે તમાચો મારે તો જમણો ધર.” “તારા પાડોશીને પ્રેમ કર”. એ આદેશનું પાલન કરીશું ત્યારે એક જ ધર્મના અનુયાયીઓ અંદરોઅંદર અને બીજા ધર્મ, દેશ અને કોમના લોકો સાથેનું વેર શમી જશે. વેરથી વેર શમે ના, શમે જ એ તો ક્ષમાથી એ હકીકતની સાબિતી જમાનાઓથી ઠેર ઠેર જોવા મળે છે. એ સમજીશું ત્યારથી લશ્કરી આક્રમણ અને આતંકવાદી હુમલા બંધ થશે. ત્યારે આપણે અણુ શસ્ત્રો અને બીજા વિનાશક શસ્ત્રો, શસ્ત્ર વાહક જહાજો અને અણુ સબમરીનો નહીં બનાવીએ.

“બીજા તમારી સાથે જેવો વર્તાવ કરે તેમ તમે ઈચ્છો, તેવો વર્તાવ બીજા પ્રત્યે કરો.” તેમ લગભગ બધા ધર્મોના પવિત્ર પુસ્તકોમાં લખેલ જોવા મળે છે અને અસંખ્ય મહાપુરુષોએ એ વાત દોહરાવી છે. જો એ વાત ગળે ઉતારે તો પારકાં પોતાનાં લાગવા માંડશે અને આ પૃથ્વી પરના એક પણ માનવને કે જીવ માત્રને હાનિ પહોંચાડવાની દિલ ના પાડશે.

બધા ધર્મોના મૂળભૂત સિદ્ધાંતોમાં સામ્ય છે એ હકીકત સ્વીકારીશું ત્યારે કોઈ પોતે ધર્માંતરણ નહીં કરે કે બીજા પાસે કરાવે. મારા ધર્મનો મર્મ સમજી તેનો યોગ્ય અમલ કરવાથી શાંતિ મળશે તેવી જ બીજા ધર્મને અનુસરવાથી મળે એમ સમજીને પોતાના જ ધર્મનો તાગ મેળવી તેના ઉચિત અમલના પ્રયત્નો કરીશું.

“વાવો તેવું લણો” એવું દરેક સંસ્કૃિતમાં પ્રબોધેલું છે. જ્યારે તેનો અર્થ જાણશું ત્યારે પોતાના દેશના રક્ષણથી વધુ સંખ્યામાં શસ્ત્રો બનાવવાનું અને તેનો વેપાર કરવાનું સદંતર બંધ કરીશું. આજે દુનિયાના મોટા ભાગના સંઘર્ષો સતત ચાલુ રાખવા પાછળ મોટે પાયે શસ્ત્રો બનાવતા દેશોની શસ્ત્ર વેપારની નીતિ કારણભૂત છે એ નિર્વિવાદ હકીકત છે.

“બધા મનુષ્યો અને પ્રાણી માત્ર એક જ પરમાત્માના અંશ છે.” એવું આપણે કથાઓમાં કેટલી વખત સાંભળ્યું હશે? ત્યારે સંમતિમાં ડોકું હલાવીએ, પણ જ્યારે તેનો મર્મ સમજીશું ત્યારે દલિતોને મારવા હાથ નહીં ઉપડે. ત્યાં સુધીમાં આપણે ‘મારા’ની વ્યાખ્યા ઊંચી-પહોળી કરી દીધી હશે એટલે ‘મારા ધર્મને અનુસરનાર તમામ માનવો તેમ જ અન્ય ધર્મને અનુસરનારા પણ મારા બાંધવો છે.’ એવું માનતા થયા હશું. કેમ કે બીજા કોઈ મને અન્યાય કરે કે હાનિ પહોંચાડે તે નથી જ સહન થતું, તો હું એ શી રીતે આચરી શકું એવો વિચાર કરતાં થઇ જશું.

‘જ્ઞાનની ખરી કસોટી તેના અમલમાં છે’ એવું તો માનવ જાતની ઉત્પત્તિ થઈ ત્યારથી કહેવાતું આવ્યું છે. જ્યારે તેનો અમલ કરીશું ત્યારે અંધશ્રદ્ધાને તિલાંજલી આપશું અને વરદાયિની માતા પર 6્,00,000 કિલો ઘી ચડાવવા 100 મીલિયન રૂપિયાનો ખર્ચ નહીં કરીએ.

‘અહિંસા પરમો ધર્મ’ એ સૂત્ર હિંદુ સંસ્કૃિતનું પ્રદાન છે એ વાતનું ગૌરવ લઈએ છીએ તો જયારે તે વ્યવહારમાં ઉતારીને બતાવીશું ત્યારે ગાયનું માંસ ભક્ષણ કરનાર માનવીની હત્યા નહીં કરીએ કેમ કે આખર ગૌ હત્યા કરતાં માનવ હત્યાનું પાપ મોટું છે એમ માનનાર પણ એ જ પ્રજા ખરી કે નહીં?

‘લોભને થોભ ન હોય’ એ વાત તો નાનપણથી ડગલે ને પગલે યાદ અપાવાતી હોય છે. જયારે એ મંત્ર યાદ રાખીશું ત્યારે દાળ હોય કે ડુંગળી, દૂધ હોય કે તેલ તેના ભાવ આસમાને ન ચડે તેનો ખ્યાલ દરેક ઉત્પાદક, વેપારી અને દલાલ રાખશે.

ઉમાશંકર જોશીએ કહેલું, “જો માનવી પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જોતો થાય તો અર્ધું જગત શાંત થઈ જાય.” જો એમ જ થયું હોત તો ‘અયોધ્યામાં રામ મંદિર હોવાની બાતમી મળી છે, તો આપણે એ જગ્યાએ બાબરી મસ્જીદ ન બનાવવી જોઈએ, એમ કરવાથી રામભક્તોનું દિલ એટલું જ ઘવાય જેટલું અલ્લાહના બંદાઓનું મસ્જીદ તોડવાથી ઘવાય’ એમ વિચારાયું હોત તો વાત એટલેથી પૂરી થઈ હોત. અને જો એ પ્રજાએ શાણપણ ન બતાવ્યું તો રામભક્તોએ ‘અમને જેટલી પીડા રામ મંદિરના ધ્વસ્ત થવાથી થઈ તેવી જ પીડા મસ્જીદ ભાંગવાથી મુસ્લિમ લોકોને થાય, તો એવું શા સારું કરવું?’ એવું વિચાર્યું હોત તો આજની સ્ફોટક પરિસ્થિતિ નિર્માણ ન થઈ હોત. હજુ સમય છે એક બીજાની દ્રષ્ટિથી જોવાનો, બહુ મોડું નથી થયું.

એક દોહો યાદ આવે છે, “ગો ધન ગજ ધન બાજી ધન, ઔર રતન ધન ખાન; જબ આવત સંતોષ ધન, સબ ધન ધૂલ સમાન”. જયારે આ દોહાની શીખ સમજીશું ત્યારે મૂડીવાદનું આંધળું અનુકરણ કરીને માનવ વિકાસ અને તેની માનસિક સુખાકારીને હોડમાં મૂકી અતિ ઔદ્યોગિકરણની દિશામાં નહીં દોડીએ. ત્યારે ગામડાં ગાળીને શહેરો નહીં બનાવીએ. ત્યારે માનવ મૂલ્યોને બજારુ વૃત્તિને ત્રાજવે નહીં તોળીએ.

“હું માનવી માનવ થાઉં તો ઘણું” એવી મહેચ્છા રાખનારાઓ ‘તમારે ઘેર પાછા જાઓ’ તેમ નહીં કહે કેમ કે એ વલણ માનવને શોભે તેવું નથી. જો એમ જ કરવું હોય તો દક્ષિણ ભારતમાં રહેતા મોટા ભાગના લોકોના વડવાઓએ 50 હજાર વર્ષ પહેલાં આફ્રિકા ખંડથી આવીને ભારતના દક્ષિણ તટે વસાહત ઊભી કરેલી. તેમણે આફ્રિકા પાછા જવું રહ્યું અને ગુજરાતીઓ મૂળે તો પર્શિયાના, પણ વીસેક હજાર વર્ષ પહેલાં ઈરાન થઈ ગુજરાતના કાંઠે આવી વસ્યા, તો તેમને ઈરાન થઈ પર્શિયા જવાનું કહી શકાય.

“સબ ભૂમિ ગોપાલકી” એવું અનુભવતા થઈશું ત્યારે દરેક માનવી પોતાના રહેણાકના દેશને, તેના લોકને અને સંસ્કૃિતને પોતીકી ગણશે અને તેને સંપૂર્ણપણે વફાદાર રહેશે.

“માનવ સેવા એ જ પ્રભુસેવા” એવું માનવામાં એક પણ ધર્મ બાકાત નહીં હોય. જ્યારે એ કથનને અમલમાં મુકતા થઈશું ત્યારે પોતાના જ દેશમાં રાજકીય કે ધાર્મિક ઉથલપાથલ ન થાય તેની તકેદારી રખાશે અને અન્ય દેશના અસંતુલિત રાજકારણનો ભોગ બનેલ પ્રજા જયારે શરણાર્થી તરીકે હાથ લંબાવશે ત્યારે આપણે તેમની બાંહ્ય પ્રેમથી સહીશું અને એક રોટલો હશે તો તેમાંથી અર્ધો તેમને આપીશું.

“શીરા માટે શ્રાવક ન થવાય” એ બહુ સૂચક વાક્ય છે, જેનો મતલબ સમજીશું ત્યારે અનામત તરીકેના લાભ મેળવવા પોતાનો ધર્મ છોડી અન્ય ધર્મ અંગીકાર કરવાનું વિચારી પણ નહીં શકીએ.

“We are worshipers of ideal, not idols or individuals” એ વાતને પચાવીશું તો કુલ 2989 કરોડ રૂપિયા ખર્ચીને સરદારનું બાવલું બનાવવાનો નિર્ણય ફેરવીશું કેમ કે ભારતની એકતા શું કરવાથી સ્થપાય અને ટકે તેની જાણ સહુને છે તેથી એકતાના પ્રતિક તરીકે બાવલાની નિરર્થકતા સાબિત કરવાની જરૂર નથી રહેતી. વળી તે માટે જરૂરી લોખંડમાંથી કેટકેટલા લોકોપયોગી સાધનો બની શકે તે સહુ જાણતા હશે તેથી એ પ્રકલ્પ અહીં પડતો મુકવામાં આવશે.

આ વાંચનાર કદાચ કહેશે, આવાં દિવાસ્વપ્નો સેવવાથી કંઈ ન વળે. દુનિયા એમ ન બદલે. જરા ધ્યાનથી વાંચીએ તો ખ્યાલ આવશે કે તમામ ઉપદેશાત્મક સૂત્રો અને કહેવતો સમજવામાં સાવ સરળ છે, અંતર માત્ર તેનો અમલ કરવામાં અને તેના વિષે વાત કરવામાં છે. માનવ જાતની ઉંમર એટલી થઈ છે કે તેને અહેસાસ થવો રહ્યો કે હવે પોથી માંયલા રીંગણને જાતે રાંધીને ખાધા-ખવડાવવા સિવાય કોઈ ઉધ્ધાર નથી. ધાર્મિક પુસ્તકોનાં અવતરણોને મંદિરમાં મૂકી રાખવાનો, મહાપુરુષોના ઉપદેશને અભેરાઈ પર ચડાવી દેવાનો અને સમાજના આદર્શોને ‘એ તો આદર્શો છે, વ્યવહારમાં શે મુકાય?’ એવા બહાના બનાવવાનો સમય પૂરો થયો છે, હવે તો જે વાંચો, સાંભળો કે જાણો તે અમલમાં કેવી રીતે મૂકી શકાય, તેમાં આવતાં વિઘ્નો દૂર કેમ કરાય તે જ વિચારવાનો અને આચરવાનો સમય આવ્યો છે કેમ કે રેતીમાં મોં સંતાડીને ઉપર ઉલ્લેખી તે એક પણ સ્થિતિનો તોડ નથી કાઢયો, હવે સિદ્ધાંતો અને આદર્શોને પૃથ્વી પર અવતાર આપવા અને રોજીંદા જીવનમાં અમલી બનાવવા ભગીરથ પ્રયત્ન આદરવો એ જ એક વિકલ્પ રહ્યો છે. ઈશ્વર સહુને કર્તવ્ય પ્રતિબદ્ધ થવા શક્તિ આપે.

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion

જેમને હસ્તક એનો વિધિવત ભોગવટો છે એ સૌ અક્ષરકર્મીઓમાં થોડુંકે આત્મકૌવત જોઈએ ને ...

સરકાર અને જન-પ્રતિનિધિઓ વચ્ચે સંવાદ જરૂરી છે : સરસંઘચાલક મોહન ભાગવતના વિજયાદશમી સંદેશના આ અંશને કેવી રીતે જોગવશું, વારુ. બે વરસ પર નહોતો એવો એક વિશ્વાસ દેશ આજે અનુભવી રહ્યો છે, એવી ભાગવતની ધ્રુવપ્રતીતિ છે. જો કે આ વિશ્વાસ કોઈ સ્થાયી બાબત નયે હોય, અને સ્વાભાવિક જ તે પુન:પુન: સાધ્ય કરતા રહેવાપણું છે એવી પણ એમને ખબર છે. કદાચ, એથી જ એ સંવાદ પર ભાર મૂકે છે.

જોગાનુજોગ જુઓ, આ સંવાદગાન ત્યારે છેડાઈ રહ્યું છે જ્યારે વડાપ્રધાનના દફ્તરમાંથી ઉર્દૂ સાહિત્યસેવી મુનવ્વર રાણા જોગ અરસપરસ વાતચીત માટેનું કહેણ પહોંચ્યું છે. રાણા એ ખરા ઇલમી અને ખરા શૂરા પૈકી છે જેમણે અકાદેમીનાં માનઅકરામને પાછા વાળવામાં સાર્થકતા જોઈ છે. નહીં કે વડાપ્રધાનનું નિમંત્રણ એમને નહીં ગમ્યું હોય, પણ છે તો પાછા જાગૃતવિવેક જણ એટલે એમણે વળતી એવી લાગણી પ્રગટ કરી છે અમે સૌ સાથે મળીએ.

જો કે, સંવાદ જેનું નામ એ ચોક્કસ જ એક દોહ્યલો પદારથ છે-ખાસ કરીને વડાપ્રધાન મોદીના કિસ્સામાં, કેમ કે એમનો વિશ્વાસ અને એમનો એકંદર દારોમદાર જાહેર સભામાં સંબોધનના સંમોહન પર છે. એમની શૈલી, એમનો મિજાજ, ‘ટૉકિંગ ટુ’ના નહીં એવાં અને એટલાં ‘ટૉકિંગ ઍટ’નાં છે. ભાગવત તો જનપ્રતિનિધિઓ સાથેેના સંવાદની વાત કરે છે. ચુંટાયેલાઓ વચ્ચે આવો વહેવાર બેલાશક જરૂરી છે. પણ તે સ્તરેય જો ટાંચુ પડતું હોય તો બાકીનું તો કાચું ને કાચું જ છે. ‘મનકી બાત’નો એકતરફી તખતો આપણા જણને ખાસો ગોઠી ગયેલ છે. પણ આ સંવાદમુદ્દો સામે છેડેથીયે જરી તપાસ અને ઊહાપોહ માગી લે છે. કલબુર્ગીની નિર્ઘૃણ હત્યા સબબ અકાદેમીના છેડેથી, સર્વોચ્ચ સ્તરેથી શોકસંવેદનાપૂર્વકની કોઈક સાર્થક પહેલ થવી જોઈતી હતી. અકાદેમી સ્તરે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી એ માટેની રજૂઆત અનવરત જારી હતી. પણ અધ્યક્ષ તિવારી એને કાન આપતા નહોતા. કેમ કે એમણે ‘આંખ આડા કાન’માં નિજનું મોચન શોધી લીધું હતું. જો ત્યારે સંવાદનો દોર શરૂ થયો હોત તો, બને કે, આમ રાજીનામાંના દોરની નોબત ન આવી હોત.

સવાલ આ છે, સરકાર માત્રની પ્રકૃતિમાં-અને હાલ સત્તારૂઢ વિચારધારાકીય માનસિકતામાં-સાર્થક સંવાદનો અવકાશ વાસ્તવમાં કેવોક છે. મહેશ શર્મા એમના જાહેર ઉદ્દગારોમાં અને અરુણ જેટલી એમની બ્લોગકારીમાં લેખકોના મુદ્દે શું કહીશું - ‘ચાલુ પડી ગયા હતા’ અને બાકી હતું તે સેનાખાસખેલ વી.કે.સિંહ જે રીતે પડમાં પધાર્યા હતા, તે પછી મોદીની મોળી અને મોડી બુંદ પહેલ કોઈ હોજનો અવેજ બની શકે એવો આશાવાદ જરી સાહસ માગી લે છે. અહીં લોકશાહીમાં અનિવાર્યપણે અપેક્ષિત બહુસ્તરીય અને બહુપરિમાણી સંવાદનો સવાલ પ્રસ્તુત બને છે. આ સંવાદ માત્ર સરકાર અને જનપ્રતિનિધિઓ એમ પાંચસાતદસ હજાર ચુંટાયેલી મંડળી વચ્ચે જ હોવાપણું નથી. ઠામોઠામ, જગોજગ દ્વિમાર્ગી વાતચીતને સતત અવકાશ ન હોય તો પાંચ વરસે આવતી ચૂંટણી બેમતલબ બની રહે છે. સંવાદની બહુસ્તરીય ને બહુપરિમાણી જરૂરત જોતાં જેમ શાસકીય સ્તરે તેમ અન્ય સ્તરે પણ સ્વાયત્ત સંસ્થાઓની જરૂરત લોકતંત્રમાં પ્રમાણવામાં આવે છે.

પણ સ્વાયત્ત સંસ્થાઓને મામલે આજની તારીખે દેશનું ચિત્ર કેવુંક છે? બે દાખલા બસ થઈ પડશે. ગુજરાત સરકારની ચૂંટણીચાંઉ પેરવી વિશે હમણાં જ ગુજરાત હાઇકોર્ટે પૂરતું કહ્યું છે એટલે જીવદયાને ધોરણે એમાં નહીં જઈએ. પણ આ ચુકાદામાં સ્વાયત્ત, રિપીટ, સ્વાયત્ત ચૂંટણી પંચની કેવી છવિ ઉપસે છે. આ સ્વાયત્ત પંચ રાજ્ય સરકારનું પઢાવ્યું આજે એમ કહે છે કે અબઘડી ચૂંટણી માટે તખતો તૈયાર છે, અને એ જ હજુ આગલે દહાડે એમ પણ કહી શકે છે કે રાજ્યમાં ચૂંટણીના સંજોગો નથી.

2002માં રક્તિમ રોકડી વાસ્તે લાલાયિત ગુજરાત સરકાર અબઘડી ચૂંટણી ઈચ્છતી હતી ત્યારે લિંગ્દોહના નેતૃત્વમાં પંચે પોતાની સ્વાયત્ત મુદ્રા, તત્કાળ ચૂંટણીસંજોગો નથી એવા સ્પષ્ટ મત સાથે, અંકિત કરી જાણી હતી. ત્યારે કેન્દ્ર અને રાજ્યની સરકારો એક જ છાવણીની હતી તે છતાં લિંગ્દોહે પંચની સ્વાયત્તતા બરકરાર રાખી હતી. અને આજે? જવા દો, બોલવા જેવું રહ્યું છે પણ શું.

છતાં, પંચમાં તો માનો કે ઉપરનું માળખું બાદ કરતાં નીચેનું તંત્ર ચાલુ સરકારી નોકરિયાતોએ ભરેલું હોય છે. પણ સ્વાયત્ત અકાદેમીને તો એવાં કોઈ બંધન નથી. તે કેમ પોતાને ઍસર્ટ ન કરી શકે? સમજાતું નથી. કદાચ સ્વાયત્તિનાં જે રસકસ, એનું જે રૂધિરાભિસરણ અને એનાં જે ચયઅપચય તે કેવળ બંધારણજીવી કે નકરા કાનૂનવશ હોઈ શકતાં નથી. જેમને હસ્તક એનો વિધિવત ભોગવટો છે એ સૌ અક્ષરકર્મીઓમાં થોડુંકે આત્મકૌવત જોઈએ ને … બાકી તો આપણ સહુ કલમઘસીટુ, સદેહે અક્ષરવાસી!

નાગરિકને નાતે સરકારની ચિંતા કરીએ, જરૂર કરીએ-પણ અક્ષરકર્મીને નાતે આપણી જાતતપાસ પણ જારી રાખીએ, જરૂર જારી રાખીએ. ગુજરાત છેડેથી તમે જુઓ ગણેશ દેવી અને અનિલ જોશી જેવા અવાજો ઊઠ્યા. એક સહીઝુંબેશ પણ થઈ. જરૂર રૂડું થયું. પણ સહસા ઉઠેલી આ રાષ્ટ્રીય હિલચાલે ગુજરાતમાં ઘોર સરકારીકરણનો જે દોર હજુ થોડા મહિના પર જ શરૂ થયો હતો એને વિશે સક્રિય પ્રતિકારમાં સામેલ થવાપણું જોયું નહોતું. ભાઈ, ગામમાં આપણે સૌ ‘ક્યારેકટર’ હોઈએ છીએ અને એકબીજા અંગે ‘ઊંચા અભિપ્રાય’ ધરાવતા આસામી હોઈ શકીએ છીએ … પણ બાઈ સ્વાયત્તતા, તે સાહિત્યની સધવા, એની દાઝ જરીક તો સાથે મળીને જાણીએ.

સરકારી પ્રાણીઓ કહે છે કે લેખકોની આવીતેવી હિલચાલો પાછલે બારણે કે ભળતે રસ્તે રાજકારણ રૂપ (પોલિટિક્સ બાય અધર મીન્સ) છે. સામે છેડેથી, કોઈક અભિપ્રાય આપવાનો કે સ્ટેન્ડ લેવાનો પ્રસંગ આવે ત્યારે ‘મારે અને રાજકારણને શું’ એવી શુદ્ધસાહિત્યમુદ્રા સવાર થઈ જાય છે. એક અક્ષરસેવીને બધી બાબતોમાંથી બધી વખત અભિપ્રાયથી કે અન્યથા સંડોવાવાનું જરૂર ન કહીએ. પણ જે ઈલાકો સુવાંગ એનો જ છે એમાંયે તે ભલાભાઈ ભોળાભાઈ લૂગડાં સંકોરભાઈ બની રહે એ દશા કાં તો પ્રામાણિક પણ વ્યામોહની છે, કે પછી કેવળ પલાયનની. કલબુર્ગીની હત્યા હો કે દાદરીની કથિત ગો ઘટના અગર ગુજરાતની સરકારી અકાદમી પેરવી : આપણે એના ઓશિંગણ રહીશું કે એમણે અક્ષરકર્મીઓની આગઆગવી ઓળખ પ્રગટ કરી, અને વ્યાપક નાગરિકતાને ઝંઝેડી.

પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે

e.mail : [email protected]

સૌજન્ય : ‘સ્વાયત્તતાનો સંઘર્ષ’, “દિવ્ય ભાસ્કર”, 24 અૉક્ટોબર 2015

http://www.divyabhaskar.co.in/news/ABH-useless-democracy-without-meaningful-dialogue-5149503-NOR.html

Category :- Opinion Online / Opinion