OPINION

રાજાજ્ઞા બુદ્ધ ધર્મ વિષે છે, વેદિક (હિંદુ) ધર્મ વિષે કેમ નથી? રાજાજ્ઞાની ભાષા સંસ્કૃત કેમ નથી?

હું ગયા વર્ષે દિલ્લીના રાષ્ટ્રીય મ્યુિઝયમમાં ગયો હતો ત્યારે મહારાજા અશોકના શિલાલેખો વિષે માહિતી વાંચી, ચિત્રો જોયાં અને શિલાલેખોની લિપિ વિષે અને શિલાલેખોના આદેશો વેદિક સનાતન ધર્મને બદલે ફક્ત બુદ્ધ ધર્મની વિચારધારા દર્શાવનારા હતા તે વિષે ઉત્સુકતા નિર્માણ થઈ ..

ભારતનો પ્રવાસ પૂરો કરી અમેરિકા પાછો આવ્યો ત્યારે આ વિષય ઉપર વિચાર કર્યો અને મારા વાચન અને સંશોધન પ્રમાણે આવું થવાનાં કારણો લખવાનો અહીં પ્રયત્ન કરેલો છે.

શિલાલેખોની બ્રાહ્મી લિપિનો અર્થ ઇ.સ. ૧૮૩૭માં જેમ્સ પ્રીન્સેપ નામના અંગ્રેજ ઇતિહાસકારે શોધી કાઢ્યો ત્યાર પછી આ બધા શિલાલેખો ખારોસ્તી, અરમૈક અને બ્રાહ્મી લિપિમાં અને પ્રાકૃત ભાષામાં લખાયેલા આદેશો પ્રજાજનોને બુદ્ધ ધર્મનું પાલન કરવા માટે હતા એનું જ્ઞાન પ્રાપ્ત થયું. આ બધા આદેશો રાજા પીયાદેસીએ  (પ્રિયદર્શી) કરેલા છે એવું  જ્ઞાન પ્રાપ્ત થયું પણ મહારાજા અશોક અને રાજા પ્રિયદર્શી એક જ વ્યક્તિ છે એની સાબિતી શ્રી. બીડન નામના બ્રિટિશ એન્જિનિયરે ૧૯૧૫માં રાયચુર જિલ્લાના મસ્કી નામના ગામડામાં કોરેલા નિવેદનની લિપિનો ઉકેલ ઘણા પરિશ્રમ અને અભ્યાસ કર્યા પછી કર્યો ત્યાર બાદ જ આ મહાન મૌર્ય સમ્રાટનું અસ્તિત્વ સાબિત થયું.

મૌર્ય સામ્રાજ્યના સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના પૌત્ર અને મહારાજા બિન્દુસારના પુત્ર અશોકનો જન્મ આશરે ઇ.સ.   પૂર્વ ૨૬૯ –૨૩૧ માં થયેલો. એમણે ૩૮ વર્ષ રાજ્ય કર્યું. પ્રથમ ૮ વર્ષ એ વેદીક  કે સનાતન ધર્મી હતા. અને પછીના ૩૦ વર્ષ બુદ્ધધર્મી હતા. મહારાજા અશોકે બુદ્ધ ધર્મ સ્વીકાર્યો તે પછી એમના રાજ્યના નિવેદનો શિલાલેખોમાં, ગુફાઓમાં અને રાજ્યસ્તંભો ઉપર ભારત, પાકિસ્તાન, નેપાળ અને બાંગલાદેશમાં વિવિધ જગ્યાએ વિખરાયેલા છે. આ સર્વ લખાણો ફક્ત બુદ્ધ ધર્મ વિષે છે એના ઘણાં કારણો હોઈ શકે. તો ચાલો આપણે આ કારણો તપાસીએ.

અશોક રાજા પહેલાં આઠ વર્ષ સનાતન વેદિક ધર્મના ઉપાસક હતા અને સામ્રાજ્ય વધારવાના કાર્યમાં ઘણા વ્યસ્થ હતા તેથી શિલાલેખોના નિવેદનોમાં વેદિક સનાતન ધર્મ વિષે પ્રચાર કરવાનો કે તે વિષેના આદેશો  લખવા વિષે સમય આપી ન શક્યા તેથી કદાચ વેદિક ધર્મ આધારિત આદેશો ઉપલબ્ધ નથી એવું થવાની  સંભાવના હોઈ શકે. ઓરિસા (કલિંગ) દેશ પર આક્રમણ કરીને યુધ્ધમાં હજારો લોકોનો હત્યાકાંડ જોયા બાદ તેમણે વેદિક ધર્મ છોડીને બુદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો અને બુદ્ધ ગુરુઓની સલાહ પ્રમાણે યુધ્ધો જીતવાને બદલે  ઠેક ઠેકાણે શિલાલેખો અને ધર્મસ્તંભો બુદ્ધ ધર્મની વિચારધારા પ્રમાણે સ્થાપ્યા (ગુજરાતમાં ગિરનાર પર્વત ઉપર આમાંનો એક શિલાલેખ છે.)    

વેદિક કાળમાં ધર્મગ્રંથો અને વેદો લખવાની પ્રણાલિકા ન હતી એ કારણ પણ જોઈ શકે, વેદો કંઠસ્થ કરી મોટા અવાજમાં ગાવાની પ્રથા હતી અને લખવાથી કદાચ ગુપ્તતા જાળવી ન શકાય એવો ભય હોવાથી લખવાની પ્રથા ન હતી એ કારણ પણ હોઈ શકે.

લખવાથી શ્લોકો અશુદ્ધ થાય એવી માન્યતા હોવાથી લખવાથી વેદો દૂષિત થવાનો ભય હોય એ કારણે  વેદિક ધર્મ આધારિત લખાણો ઉપલબ્ધ ન હોવાની શક્યતા છે.

પ્રાચીન ભારતમાં લખવાની લિપિ ઉપલબ્ધ ન હતી એટલે કદાચ મૌર્ય સામ્રાજ્યમાં ચંદ્રગુપ્ત, બિન્દુસાર અને અશોક રાજાઓના કાળમાં લખેલા દસ્તાવેજો મળતા નથી. વેદિક કાળમાં લિપિના અભાવના કારણો અને તેની પાર્શ્વભૂમિકા સમજવા માટે અહીં થોડી પૂર્વભૂમિકા આપવી જરૂરી છે. આદેશો બ્રાહ્મી, ખારોસ્તી અને અરમૈક લિપિમાં પ્રાકૃત ભાષામાં લખાયેલા છે.

મૂળાક્ષરોના ઉદય વિષે થોડી માહિતી અહીં આપવી યોગ્ય લાગે છે. ઇજિપ્તના પ્રાચીન સામ્રાજ્યમાં મહારાજાને “ફેરોહ” કહેવામાં આવતા અને સામાન્ય પ્રજાજનો અને સૈનિકો “સેમેટિક” લોકો તરીકે ઓળખાતા (યહૂદી અને બોડોવીન લોકોનો આમાં સમાવેશ હતો) મૂળાક્ષરોની શરૂઆત ઇજિપ્તના આ સીમેટિક લોકોએ આશરે ૪,૦૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તના સાઈનાઈ રણ પ્રદેશમાં કરેલી છે. ઇજિપ્તમાં હાઈરોગ્લીફ લિપિનો ઉપયોગ કરવામાં આવતો. આ લિપિ ફક્ત રાજા, અન્ય સત્તાધારીઓ અને વિદ્વાનો જ લખી અને વાંચી શકતા. સામાન્ય પ્રજાને આ લિપિ શીખવવામાં આવતી નહિ, શીખવાની મનાઈ હતી અને અન્ય કોઈ પણ લિપિ ઉપલબ્ધ ન હતી. હાયરોગ્લીફ્સ લિપિ વસ્તુના ચિત્ર ઉપર આધારિત હતી એટલે એ ચિત્ર લિપિ હતી. દાખલા તરીકે ઘર શબ્દ લખવા માટે ઘરનું ચિહ્ન વપરાતું જે ફક્ત ઘર માટે જ વાપરી શકાતું. આ કારણે ઘણા મોટા પ્રમાણમાં ચિહ્નો યાદ રાખવા પડતા (આ જ કારણે ચીનમાં બાળકને શાળામાં ૬૦૦૦ થી ૭૦૦૦ ચિહ્નો મોઢે કરવા પડે છે!!) અને સુંદર આકારમાં ચિત્રો દ્વારા દર્શાવવામાં આવતા. આજે પણ ઇજિપ્તમાં અનેક જગ્યાએ પ્રાચીન અવશેષોમાં દીવાલો ઉપર, ગુફાઓમાં, મૂર્તિઓ ઉપર પ્રાચીન ઇતિહાસની માહિતી હાયરોગ્લીફ્સમાં કોરેલી જોઈ શકાય છે. સીમેટિક લોકોને એક બીજા સાથે સંપર્ક રાખવા માટે અન્ય કોઈ ઉપાય ઉપલબ્ધ હતો નહિ તેથી જ મૂળાક્ષરોનો શોધ થયેલો લાગે છે.(બ્રિટિશ સંશોધક શ્રી પેટ્રીએ ૧૯૦૫માં શરૂ કરેલું સંશોધન અમેરિકાની યેલ યુનિવર્સિટીના સંશોધકો ડાર્નેલ પતિ-પતિની જોડીએ ૧૯૯૦ થી સીમેટિક મૂળાક્ષરો ઉપર ઊંડાંણમાં સંશોધન કરેલું છે.) મૂળાક્ષરો ચિહ્ન ઉપર નહિ પણ ઉચ્ચાર ઉપર આધારિત હોવાથી થોડી સખ્યામાં હોવા છતાં (ફક્ત ૨૬ થી ૩૦ મૂળાક્ષરો) ફરી ફરીથી એ જ મૂળાક્ષર (અક્ષરો) મુકવાથી જુદા જુદા શબ્દો બની શકે છે જે ચિત્ર લિપિમાં અશક્ય છે. વિશ્વના પૂર્વના અને પશ્ચિમના બધા પ્રદેશોમાં (ચીન, કોરિયા અને જાપાન સિવાય) પોત પોતાની ભાષાના ઉચ્ચારો પ્રમાણે થોડા ફેરફારો સાથે મૂળાક્ષરોને સહજ રીતે અપનાવવામાં આવ્યા. ફોનેશિયન નામના લોકોએ સીમેટિક લિપિને પ્રથમ અપનાવી અને આ લોકો દરિયાના સમૃદ્ધ વ્યાપારી હતા અને સુંદર વહાણો દ્વારા કનાન પ્રદેશના (આજનું ઇઝારેલ, લેબનાન, સરિયા વગેરે પ્રદેશ) આજુબાજુના પ્રદેશોમાં વ્યાપાર કરતા હતા. આ લોકોના સંપર્કથી યહૂદી લોકોએ હિબ્રુ લિપિ બનાવી જેમાં યહૂદી ધર્મગ્રંથો લખાયેલા છે, ગ્રીક લોકોએ ગ્રીક લિપિ બનાવી અને તે સમ્રગ્ર ગ્રીક સામ્રાજ્યમાં અપનાવવામાં આવી. ગ્રીક લિપિને રોમન લોકોએ અપનાવી અને રોમન લિપિ બનાવી અને વિશાળ રોમન સામ્રાજ્યના દરેક પ્રદેશમાં આ લિપિ અપનાવામાં આવી જે લિપિ રોમન અક્ષરોમાં આજે પણ પશ્ચિમના દરેક દેશમાં અપનાવવામાં આવી છે અને તેમાં અંગ્રેજીનો પણ સમાવેશ થાય છે. આ જ વિસ્તારમાં આરામીક લિપિ બની (જે લિપિમાં બાઇબલ લખાયેલું છે) અને આરમીક લિપિમાંથી અરબસ્તાનમાં આરબીક લિપિ, બલુચિસ્તાનમાં ખારોસ્તી, ઈરાનમાં પર્શિયન અવેસ્તાન લિપિ અને ભારત ખંડમાં આશરે ઇ.સ. પૂર્વે ૪૦૦માં આ મૂળાક્ષરોમાંથી બ્રાહ્મી લિપિનો જન્મ થયો. આ મૂળાક્ષરોમાંથી ભારતમાં ધીમે ધીમે ત્યાર બાદ દેવનાગરી અને અન્ય ભારતીય લિપિઓનો ઉદય થયો. મૌર્ય સામ્રાજ્યના મહારાજા ચંદ્રગુપ્ત મૌર્ય અને બિન્દુસાર રાજાના સામ્રાજ્ય વિષે કોઈ લખાણો અથવા શિલાલેખો ન હોવાનું કારણ કદાચ લિપિનો અભાવ હોવાની સંભાવના છે. બ્રાહ્મી લિપિની રચના સંસ્કૃત ભાષામાં બોલાયેલા શ્લોકોના ઉચ્ચારો લખવા માટે બહુ અનુકૂળ ન હતી તેથી અશોક રાજાના શિલાલેખો સંસ્કૃતને બદલે પ્રાકૃત ભાષામાં લખેલા છે અથવા બુદ્ધ ધર્મગુરૂઓ પ્રાકૃત ભાષા વધારે પસંદ કરતા હશે. અથવા સામાન્ય લોકોને સહેલાઈથી સમજી શકાય એ હેતુથી પ્રાકૃત ભાષા હશે. રાજાજ્ઞાની લિપિ કંદહારમાં અરામૈક અને ગ્રીક છે, પાકિસ્તાનમાં બે જગ્યાએ રાજાજ્ઞાની લિપિ ખારોસ્તી છે જયારે બાકીની મોટા ભાગની રાજાજ્ઞાઓ મોટા ભાગે બ્રાહ્મી લિપિ છે.

એક વાત કહેવી જરૂરી છે કે પ્રાચીન ભારતના ઇતિહાસ વિષે દુર્ભાગ્યે બહુ થોડી માહિતી ઉપલબ્ધ છે તેથી બ્રાહ્મી લિપિના ઉદય ઘણો વિવાદાસ્પદ છે. ઘણા વિદ્વાનોનું માનવું છે કે આરામૈક લિપિમાંથી અફઘાનીસ્તાનની ખારોસ્તી અને ભારતની બ્રાહ્મી બંનેનો જન્મ થયેલો છે જયારે અન્ય વિદ્વાનોનું માનવું છે કે ઇન્ડસ (હડપ્પા)  લિપિમાંથી બ્રાહ્મી લિપિનો ઉદય થયેલો છે. ઇન્ડસ લિપિ વિષે નજીવી માહિતી ઉપલબ્ધ છે કારણકે હજુ સુધી આ લિપિને સમજી શકાઈ નથી.

પ્રાચીન ભારતના લેખિત વેદિક ધર્મગ્રંથો ઉપલબ્ધ નથી એના ઘણા કારણો હોઈ શકે છે. લખવાની લિપિનો અભાવ, ગુપ્તતા જાળવી રાખવાની પ્રણાલિકા, વેદોના શ્લોકોના પવિત્ર ઉચ્ચારોને લખવાની ક્રિયા દૂષિત બનાવાનો ભય, વેદોના અર્થો ઉત્તમ રીતે કંઠસ્થ કરી તેનું રટણ કરવાની પ્રથા (કદાચ અ પ્રથાને લીધે ભારતની શૈક્ષણિક પ્રણાલી કંઠસ્થ પ્રધાન બની હશે), અનેક આક્રમણોથી ધાર્મિક ગ્રંથોનો નાશ વગેરે કારણોને લીધે સનાતન વેદિક ધર્મ આધારિત લેખિત પ્રાચીન દસ્તાવેજો કે શિલાલેખો ન હોવાની શક્યતા વગેરે કારણભૂત હશે. 

http://www.cs.colostate.edu/~malaiya/ashoka.html

Letter Perfect- A Book by David Sacks

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion

હોળીનો તહેવાર તો હતો 16મી માર્ચના, પણ ઇન્ડિયન એસોસીએશન, માન્ચેસ્ટર તરફથી તારીખ 23મી માર્ચને દિવસે માન્ચેસ્ટરના પ્લાટફિલ્ડ પાર્કમાં, નાનકડી તળાવડીને કાંઠે, ધુળેટીની ઉજવણીનું આયોજન કરવામાં આવેલું !

ભાઈ, આ તો માન્ચેસ્ટર એટલે વરસાદ આવે તો જ તેનું અસ્તિત્વ સાર્થક થાય, પણ અમને એટલાથી સંતોષ ન વળ્યો, તે કરાંની બૌછાર વચ્ચે અમે તો ઉત્સવની જમાવટ કરી. છેવટ જો કે સૂરજદાદાને પણ અમારી સાથે જોડાવાનું પ્રલોભન થયું।

લાલ, પીળો, લીલો, જાંબલી, વાદળી, કેસરી અને ગુલાબી રંગો અમે નાની નાની ડબ્બીઓમાં વેંચ્યા ! ધીમે ધીમે લોક ઉમટતું ગયું. અર્ધા કલાકમાં તો યુનિવર્સિટીમાં ભણતાં યુવક-યુવતીઓથી મેદાન ભરાઈ ગયું. રંગના વેચાણમાંથી માથું ઊંચું કરીને જોયું તો આખેઆખાં કુટુંબ સાથે આવેલ લોકો હતાં, ચાર મહિનાનું બાળક અને પંચોતેર વર્ષની દાદીમા પણ હતાં.

મજાની વાત તો એ બની કે રંગ ખરીદવા આવે ત્યારે જમૈકન, પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી, અંગ્રેજ, મરાઠી, આઈરીશ, આફ્રિકન, પંક, ગે, યુરોપિયન અને મન્ક્યુનિયન એમ જાત જાતના લોકો આવ્યાં છે એવો અહેસાસ થયો પણ રંગોના છંટકાવ થયા પછી રંગો વચ્ચે ઢંકાયેલા ચહેરાઓ અને નાચતાં-કૂદતાં લોકો વચ્ચે ફરતાં લાગ્યું કે એ તો બધા માત્ર રંગ રસિયા હતાં. એ બધાની ઓળખ જાણે એ સપ્ત રંગોની મિલાવટમાં ઓગળી ગઈ. એ વખતે સહુ જાણે વૃન્દાવનમાં હોળી ખેલવા એકઠાં થયેલ ગોપ-ગોપીઓ જેવા લાગતાં હતાં.

એક હાથે રંગ ભરી પોટલી આપીને બીજે હાથે બદલામાં રોકડ લેતાં ભારતમાં હતી ત્યારે કેવો ગુલાલ ઉડતો હતો તેની સ્મૃિતઓ સળવળી ઊઠી એટલે સામે આવેલા ંયુવક-યુવતીઓને અમે કેવા સુતેલી ભોજાઈને ગળે કંકુના લપેડા કરેલા, મિત્રોના ચહેરાઓ પર કાજળની મૂછો બનાવેલી, ઘેર આવેલ મામા-માસીને તેમની પીઠ તરફથી આવીને કપાળે રંગ ચોપડેલો તે વાતો કરતી રહી. તેમાં ય જંગલમાં કેસૂડાં વીણવા જતાં એ યાદથી તો આંખો ભીની થઈ ગઈ. એ કેસૂડાનાં ફૂલોના આકાર, એક જ ફૂલમાંના ચચ્ચાર રંગોની જમાવટ અને ગરમ પાણીમાં પલળવાથી એમાંથી છૂટતી ફોરમનું મારું વર્ણન સંભાળીને ટોળે વળેલ લોકો કહેવા લાગ્યા, ‘અહીં એ મગાવોને!’ એકે કહ્યું, ‘મારે ભારત જવું છે.’

મેં હોળીનો ઉલ્લાસ ભરપૂર માણીને થાક ઉતારતી બે બહેનો વચ્ચે વાર્તાલાપ સાંભળ્યો, ‘અહીં આલ્કોહોલ નથી વેચાતો, છતાં લોકો કેવા ખુશ થઈને નાચે-ગાય છે!’ મેં તેમને નવરાત્રીના ઉત્સવમાં જોડાવાનું આમત્રણ આપતાં કહ્યું કે અમે હજાર-બારસોની સંખ્યામાં આવેલ નાર-નારીઓ એક એક પ્લેટ ભેળ-ચાટ કે સમોસાં સાથે પાણી, કોક કે સ્પ્રાઈટ પીને ચાર-પાંચ કલાક મધરાત સુધી વણથંભ્યા રાસ લઈએ છીએ એ જોઈને તમને ખ્યાલ આવશે કે આનંદનો અનુભવ કરવા એક સરખા રસ ધરાવતા લોકોની હાજરી, સુંદર સંગીત અને તાલ સિવાય કશું જરૂરી નથી.

એ બહેનોને મેં કહ્યું કે એમ તો આ હોળીના તહેવાર સાથે જોડાયેલ વાર્તા પણ જાણવા જેવી છે, તો મને આગ્રહ કરીને સંભળાવવા કહ્યું, એટલે એ 20-25 વર્ષની ઉંમરની, એ ઉત્સુક બહેનોને, પ્રહ્લાદની વાર્તા કહી. જે સાંભળીને તેઓ બોલી ઊઠ્યાં, તમે એક કથાકાર છો? આવતે વર્ષે હોળી ખેલવા સાથે વાર્તા પણ કહો તો કેવું? મેં સ્વીકાર્યું કે હા, નાનાં બાળકોને એ ગમે, તો શરમાઈને નીચું જોઈને કહે, ‘ખરેખર તો અમને બહુ મજા આવી’. આ રીતે હોળી રમવાની સગવડ કરી આપવા બદલ લોકો આભાર માને, આવતે વર્ષે ક્યારે ઉજવશો એમ પૂછે, રંગ ખલાસ થાય તો હવે એક આખું વર્ષ રાહ જોવી ન પોસાય, તેના કરતાં તરત બીજો રંગોત્સવ કરોને એવી માંગણી કરતાં લોકોનો અદમ્ય ઉત્સાહ અને આનંદ જોવાથી પાનો ચડે એમાં નવી કશી?

આ અનુભવને વાગોળતાં ઘર ભણી વળતી હતી ત્યાં ચહેરા અને કપડાં પૂરેપૂરાં રંગેલ હોય તેવી સ્થિતિમાં લોકોને માન્ચેસ્ટરના રસ્તાઓ પર ચાલતાં જોયાં ત્યારે થયું, ‘79ની સાલમાં મને ‘તમારી ક્રિસ્ટમસ જેવી ઉજવણી ક્યારે હોય?’ એમ પૂછનાર પ્રજા અત્યારે અમારી સાથે હોળી, દિવાળી, વૈશાખી, પ્રજાસતાક અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી હોંશે હોંશે કરે છે. ખરું જુઓ તો આ તહેવારની પાછળ કોઈ પણ જાતના ઉંમર, નાત-જાતના કે ભાષા-ધર્મના ભેદભાવ વગર નિર્ભેળ-નિર્દોષ આનંદ કરવાની તક મળે છે તેને કારણે તેની ચાહના વધવા પામી છે. આજની પ્રજાને એકબીજા સાથે સાંકળનાર અસામાજિક અને આતંકવાદી તત્ત્વો વધુ નજરે પડે છે ત્યારે સામાજિક મેલજોલના આ માહોલને જોઈને હૈયામાં એક પ્રકારનો સંતોષ અનુભવ્યો અને તેને કારણે હોળીનો તહેવાર ખરેખર પવિત્ર બન્યો તેવું લાગ્યું!

અમને તો એવી આશા છે કે હવે ‘આ મારો ધર્મ, મારા તહેવારો, મારી નૈતિક બોધ આપનારી વાર્તાઓ’ અને ‘આ તમારો ધર્મ, તમારા તહેવારો, તમારી વાર્તાઓ’ અમે ‘અમારી રીતે, અમારા લોકો સાથે ઉજવીએ’, તમે ‘તમારી રીતે તમારા લોકો સાથે ઉજવો’ એવી રીત રસમ ખત્મ થશે અને ‘ચાલો હું તમને એક ધર્મની વાત કહું, તેમાંના સિદ્ધાંતોનો અમુક અર્થ છે, એમાં આવી આવી વાર્તાઓ છે, એ નીતિમત્તાનો બોધ ગ્રહણ કરવા વિવિધ તહેવારો ઉજવાય છે, તો ચાલો આપણે બધા એ સાથે મળીને ઉજવીએ’ એવું બનશે ! એક દિવસ એવો આવશે જ્યારે બધા લોકો નાતાલ, દિવાળી, ઈદ, બૈસાખી, બુદ્ધ પૂર્ણિમા અને જુઇશ નવ વર્ષ તેના વિષે પૂરતી જાણકારી સાથે ભેળાં મળીને ઉજવશે!

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion