OPINION

મરવા વાસ્તે જીવવાનો ધરમ

રોહિત શુક્લ
05-11-2015

તને તો, ભાઈસાબ, ગુમસૂમ બેસી રહેવાની આદત જ પડી ગઈ છે. તારી આ નાળિયેરનાં છોડાં કાઢેલા ગોટા જેવી કથ્થઈ રંગની આંખો ઉપર તો હું વારી ગયેલી. તું કેટલો રસિક હતો; સરખી સહેલીઓમાં તો તારી એકએક અદા ઉપર અમે સૌ ફિદા થતી. ગમે તે બહાનાં કાઢી-ક્યારેક મેળવણ લેવા તો ક્યારેક છલકાતા કચોળે તારી મા પાસે અમે પહોંચી જતી. કોની માવડીને તને પોંખવાનો લહાવો મળશે, તેની ચિંતામાં અમારી રાતો તારામઢી બની રહેતી. ક્યારેક કિશોરકુમાર તો ક્યારેક બેગમ અખ્તરનાં ગીત કે ગઝલ અમને ગમતાં; જો કે અમને શું ગમતું તેનો આધાર તો તેં કૉલેજમાં કયું ગીત ગાયું કે ચર્ચાસભામાં તું શું બોલ્યો, તેની ઉપર રહેતો. અને હવે તને શું થાય છે ? હું જોઈ શકું છું કે તું ક્યારેક એટલે દૂર સુધી તાકે છે કે જાણે સાત સમંદરના છેડે પહોંચવાનો ના હોય!

ચોથેશ્વરીના વલોપાતભર્યાં વેણ અને પ્રેમ પાછળની પીડા, ચોથિયો બેઠો હતો તે ઝાડની ઊંચામાં ઊંચી ડાળીને પણ આંબી જતા હતા. ગમે તેમ કો પણ આખરે ચોથિયો ય માણસ તો ખરો જને! ભલે બાપા, તમે કો, તેમ હશે - આનર્ત જેવા એક વિકસિત દેશનો હોવા છતાં અણવિકસિત માણસ ગણો તો ય ભલે. ઉત્ક્રાંતિમાં એનો એકડો ના માંડો તો ય ભલે.

પોતાની હનુ હેઠે એક અંગૂઠાનો ટેકો મેલી, નેહરુની ચિંતનમુદ્રા અપનાવી, થોડી વાર માટે તે ચોથેશ્વરી તરફ સાવ જ શૂન્ય ભાવે તાકી રહ્યો. કોઈ મહાન યોગીની જેમ બે વાર આંખો ખોલી અને બંધ કરી. વળી, થોડીવાર માટે આંખોને અર્ધનિલિત પણ રાખી. પછી પાછા રોદાંની શિલ્પમુદ્રામાં આવી જઈ ઊંડો અને ફળફળતો નિસાસો મેલ્યો અને કહ્યુંઃ

‘ચોથેશ્વરી, મને ય પેલા લિયોનાર્દો-દ-વિંચી જેવી આદત પડી ગઈ છે - સમજોને કોઈક મનોરોગ લાગી ગયો છે. પેલો લિયોનાર્દો રસ્તે જતા કોઈ દાઢીવાળાને જુએ તો તેની પાછળ જ પડી જાય. પેલાની દાઢીનો એકેએક વાળ કેવી રીતે ગોઠવાયો છે, તેનો દિમાગી નકશો તૈયાર ન થાય, ત્યાં સુધી તે તેની પાછળ ભમતો રહેતો. એ માણસ આજે મારો ગુરુ થઈ ગયો છે!’ 

ચોથેશ્વરીને લગભગ ખાતરી થઈ ગઈ કે આનું કદાચ ધાર્યા કરતાં વધારે છટક્યું લાગે છે. પણ એમણે ય મનોવિજ્ઞાનમાં ફ્રૉઈડ અને વૉટ્સનની પરંપરા બરાબર પચાવેલી. હાલ પૂરતો ચોથિયો પતિ નહીં તો પેશન્ટ ભલો એમ સ્વીકારી - તેમણે પોતાના બ્રેઇન સેલ્સનું વીજ-ચુંબકીય સમાયોજન કરતાં-કરતાં વિચાર્યું.

‘એટલે કહે તો ખરો કે આ લિયોનાર્દો અહીં ક્યાંથી આવી ગુડાણો? અને જો આ દેશમાં દાઢીની તો વાત જ ના કરવી. અહીં જો તારો લિયોનાર્દો પ્રગટ થાય ને તો તેની ખેર નથી; અહીં તો કોઈક ધોળી દાઢી તો કોઈક કાળી દાઢી - કોઈક લઘુમતીની દાઢી તો કોઈક દાઢીના કારણે પ્રભાવક બનતા મહાત્માની દાઢી; કોઈક એદીની દાઢી, તો વળી કોઈક ફિલસૂફની દાઢી - તારો લિયોનાર્દો જો બજારમાં નીકળે ને તો બાર દા’ડેય ઘેર પહોંચે તો હું હારી જાઉં. લે હવે વધારે મોણ નાંખ્યા વગર કહે જોઉં - આમ મૂઢ જેવો થઈને કેમ બેઠો રહે છે ?’

‘ચોથેશ્વરી - આપણાં બાળકોની તમે તો માતા છો. તમે તો એમને છાતીએ ચાંપીને રાખ્યા અને ઉછેર્યાં. ધણણણ ડુંગરા ડોલે એવાં હાલરડાં ગાયાં. ડિલે નરવા રહે તે વાસ્તે તો તમે શિયાળાની કૂળી કૂંપળ જેવા તડકે, કચોળામાં અજમો કકડાવેલું તેલ લઈને માલિસ કરીને મલાવ્યાં. રોજ રાતે તેમના દાંતની બત્રીસી સાબદી રહે, તે વાસ્તે ચીવટ કરીકરીને લીંબુનાં ફાડિયામાં ભરીને દીકામાળી ઘસી. ક્યારેક થોડુંકે આચરકૂચર ખવાઈ ગયું હોય અને પેટમાં અસુખ થાય, તો તમે સવાના પાણીની બાટલી હંમેશાં હાથવગી રાખી.’

ચેાથેશ્વરીને તો આ બધું , જાણે પોતે કોઈ પરીક્ષા આપીને ઉજ્જ્વળ પરિણામો મેળવીને સર્ટિફિકેટ મેળવતા હોય તેવું લાગ્યું. પોતાનો જીવનસાથી આટલી બધી કદર બૂઝે તો અંદર ઝણઝણ-ઝણઝણ થાય અને ગાલ ઉપર શેરડા પડે, તો કાંઈ તેમનો વાંક થોડો જ ગણાય! પણ હાલ તો તેમને માથે આ પતિ નામના પેશન્ટની સારવારની જવાબદારી હતી, તેથી તેમણે અન્યથા જે કર્યું, હોત તે ન કર્યુ. તેમના સાવધ મનમાં એટલી તો ગણતરી બેઠી જ કે પેલો લિયોનાર્દો હાલ પૂરતો તો રુખસદ થયો જ છે.

હાશકારો અનુભવીને અને થોડોક આયાસી વિવેક દાખવીને તે બોલ્યાં - ‘તે લે, પંડનાં દીકરા-દીકરીઓને તો હઉં જીવથી ય અદકાં જાળવે જને. એમાં મારી કોઈ વશેકાઈ થોડી જ ગણાય!

‘એ જ તો વાત છેને! લો આ ફોટો જુઓ. આ નાનકડું બાળક. આમ તો લહેરથી દરિયાકિનારે સુતું હોય તેમ દેખાય છે. પણ એવું છે નહીં . એ શાશ્વત નિદ્રામાં પોઢી ગયું છે. તેને હવે સવાનું પાણી, દીકામાળી કે અજમાના તેલના કચોળાની કોઈ જરૂર નથી. ધર્મના નામે અને તેના જ વાસ્તે ચાલતાં યુદ્ધો જીવતાં રહે છે અને આવાં ફૂલ મસળાઈ ને પિલાઈ જાય છે. વાત છે સીરિયાની. તેની આ ભયાનક કથાનો પ્રારંભ થાય છે ૨૦૧૧ની આરબ વસંતથી. ટ્યુનિશિયા ઇજિપ્ત અને લીબિયામાં થયું તેવું આપણે પણ કરીએ એમ ધારી અસદ સરકાર સામે તેમણે વિરોધ કર્યો. તેમાં શિયા અને સુન્નીના પાસાની સામે તેથી ય નાની લઘુમતી ધરાવનાર પ્રમુખ અસાદના આલાવાઇટ વિભાગની વસ્તી તો માંડ બાર ટકા જ થાય છે. પણ શસ્ત્રો તેમના હાથમાં છે અને ભયાનકતાની કોઈ જ સીમા તે તોડ્યા વગરની રાખવા માંગતા નથી. તેમણે સિત્તેર પત્રકારોને મારી નાંખ્યા છે અને બીજા એંશીને ઉપાડી ગયા છે. હજારો સ્ત્રીઓ સામૂહિક બળાત્કારોનો ભોગ બની છે. જેલોમાં ગુજારાતા અત્યાચારોનું વર્ણન તો ગુલાગને પણ પાછળ પાડી દે તેવું છે.

‘સરકારની સામે પડેલા માત્ર સુુન્ની જ છે તેવું નથી. વાત મૂળ તો ગરીબ-અમીરની પણ છે. ૨૦૧૧માં આ લોકજુવાળ ઊછળી આવ્યો, કારણ કે ૨૦૦૭-૨૦૧૦ દરમિયાન સીરિયામાં મોટો દુકાળ પડ્યો. આથી ઘણા બધા - લગભગ પંદર લાખ લોકો - ખેતી અને ગામડાં છોડીને શહેરોમાં ઠલવાયા. દુકાળના કારણે મોંઘવારી વધી અને સરકારે સ્વીકારેલા મૂડીવાદના પગલે બેકારી પણ વધી. વળી, નવ્ય મૂડીવાદ તો બેરુખ છે - તેણે તો સિદ્ધાંત ઉચ્ચાર્યો - નો મોર ફ્રી લંચીઝ. અને ૧૭૮૯માં પૅરિસમાં બન્યું હતું તેમ, સહનશકિતની હદ વટી જતા લોકો ઊભા થઈ ગયા.

‘પણ જાણો છો ચોથેશ્વરી, હવેની સત્તાખોરી વધુ ધીટ અને નિષ્ઠુર બની છે. સરકારે તો આ લોકો સામે રાસાયણિક શસ્ત્રો વાપર્યાં અને માથેથી હવાઈબૉંબવર્ષા પણ કરી. સરકારના પક્ષે ૯૪,૦૦૦ સૈનિકો મર્યા, પણ લોકોના પક્ષે જાન્યુઆરી ૨૦૧૫ સુધીમાં ૨,૨૦,૦૦૦ માણસો અને એપ્રિલ ૨૦૧૫ સુધીમાં ૩,૧૦,૦૦૦ લોકો માર્યા ગયા. એટલે કે આ ચાર મહિનામંા નેવું હજાર મર્યા; એટલે કે મહિને ૨૨,૫૦૦ અને રોજના હિસાબે ૭૫૦ - એક મિનિટના સવા એકત્રીસ માણસને એટલે દર બે સેકંડે એક આખેઆખા અને જીવતા માણસને મારી નંખાય છે. બધા પૂરેપૂરા માણસો જ હશેને!’

ચોથેશ્વરીને લાગ્યું કે આ પારદર્શક કથ્થાઈ આંખોવાળા માણસમાં હજુ પણ એવું કાંઈક હતું જેને પોતે પામી શક્યાં ન હતાં. આનું પાગલપણું પણ કાંઈ કાઢી નાંખવા જેવું ન હતું, પણ પોતાની પાસે પણ હિંસા અને તેની ઉપયોગિતાના ઘણા દાખલા હતા. કદાચ તેના ઉદાહરણ મારફત આ છટકેલાને ઠેકાણે લાવી પણ શકાય - કોને ખબર. તેમણે હળવે રહીને વાત ગોઠવીઃ ‘જો ચોથિયા, તું એક વાત તો માનીશ જ ને કે જેનું નામ છે તેનો નાશ પણ છે જ. અને આપણાં શાસ્ત્રો અને પંડિતો પણ કહે છે કે - કર્તુમ, અકર્તુમ અને અન્યથા કર્તુમ - બધું ઈશ્વરના હાથમાં છે. મહાભારતના યુદ્ધને ધર્મયુદ્ધ કહેવાય છે. તેમાં પાંડવપક્ષે સાત અને કૌરવપક્ષે અગિયાર અક્ષોહિણી સેના હતી. એક અક્ષૌહિણી એટલે શું? હિસાબ મૂકતો જા :

૧. ૨૧,૮૭૦ રથ
૨. ૨૧,૮૭૦ હાથી
૩. ૬૫,૬૧૦ અશ્વદળ
૪. ૧,૦૯,૩૫૦ પાયદળ

તું આ બધાનો સરવાળો કર અને તેમાં રથ હાંકનાર અને હાથી ચલાવનારની સંખ્યા ઉમેર તો સમજાશે કે માત્ર અઢાર દિવસના આ મહાભારતમાં  લગભગ અડધો કરોડ લોકો માર્યા ગયા હતા. એક અક્ષૌહિણી સેના એટલે ૨,૬૨,૪૪૦ માણસો - હાથી અને ઘોડા જુદા. માત્ર અઢાર દિવસના આ મહાભારતમાં લગભગ ૪૭,૨૩,૯૨૦ માણસો માર્યા ગયા હતા. યુદ્ધ અઢાર દિવસ માટે ચાલ્યું હતું અને અઢાર અક્ષૌહિણી હતી. તે હિસાબે રોજ એક અક્ષૌહિણી જેટલા માણસો મરતા. હજુ આગળ હિસાબ માંડ : રોજના ૨,૬૨,૪૪૦ માણસો, એટલે કે કલાકના ૧૦,૯૩૫ એટલે કે એક મિનિટના ૧૮૨.૨૫ - એટલે કે એક સેકંડના ૩.૦૩ માણસો - હાજી જીવતાજાગતા, કુટુંબ કબીલાવાળા, આશા અને ઓરતાવાળા. મર્યા તે એવા મર્યા કે તેમને કોઈ પાવલાં પાણી દેનાર પણ નહોતું રહ્યું. એટલી જ સ્ત્રીઓ વિધવા બની અને કેટલાં ય બાળકોએ છત્ર ગુમાવ્યાં. બોલતાં - બોલતાં હાંફી ગયેલા ચોથેશ્વરીએ ઊંડો શ્વાસ લીધો અને આગળ ચલાવ્યું - શું થાય પતિને સાજો કરવો હતોને! જો જૂની વાત .. છોડ અને થોડોક નજીકના ભૂતકાળ તરફ નજર નાંખ :

• ભારતના ભાગલા પડ્યાં ત્યારે લગભગ બેથી પાંચ લાખ લોકોનાં મરણ થયાં. દોઢ કરોડ લોકો નિરાશ્રિત બન્યા.

• પ્રથમ વિશ્વયુદ્ધમાં ૧૫-૬૫ લાખ લોકો મર્યા, બીજા વિશ્વયુદ્ધમાં ૪૦-૮૫ લાખ મર્યા.

• અમેરિકાએ ઈ.સ. ૧૪૯૫ અને ૧૯૦૦ વચ્ચે કદાચ ચૌદેક કરોડ રેડ ઇન્ડિયનોને મારી  નાંખ્યા.

• ચીનમાં દુકાળ અને ગ્રેટલિપ ફૉરવર્ડ અને કલ્ચરલ રેવૉલ્યુશનમાં ૫૦-૭૮ લાખ લોકોને મારી નંખાયા.

• સોવિયત રશિયામાં ૧૯૧૭-૧૯૫૩ વચ્ચે આંતરયુદ્ધ, ગુલાગ, ગ્રેટ પર્જ વગેરે નિમિત્તોએ કદાચ એકસઠ લાખને મારી નંખાયા.

અને સ્ત્રીઓ ઉપરનાં બળાત્કાર કે અત્યાચારોની વાત સાંભળવી છે ?’ ચોથેશ્વરીએ બાજુમાં આવીને બેસી ગયેલા શ્વેતકેશી, એકદંતગૂમ, રકતાક્ષ, પુચ્છગુચ્છ અને યપ્પી સહિતની વાનરટોળી સામે ફરીને પૂછ્યું.

‘ના હોં, હવે હાઉ કરજો!’ શ્વેતકેશીને લાગ્યું કે આ નપાવટ માનવજાતના કારણે પોતાની વાનરજાતે વધારે આળા થવાની જરૂર ન હતી. પણ હવે વાતને થાળે પાડવાની જવાબદારી પણ, એક વાનરપુંગવ તરીકે તેની જ હતી. વાનરટોળીના સૌ સભ્યો સામે નજર ફેરવી તેણે વાતની બાંધણી માંડીઃ

‘જુઓ, આ આખી વાતને ધરમ અને ભગવાનના નામ સાથે જોડીને ભારે મોટી ઉપાધિ ઊભી કરી દેવાઈ છે. લોકો મરે તે તો તેમનાં કરમ એમ કહેવું કે પછી અમે ન્યાય માટે લડીએ છીએ, તેમ કહેવું તે કેટલું સાચું છે, તે સમજવા વાસ્તે તો કદાચ બર્ટ્રાન્ડ રસેલને વાંચવા અને સમજવા પડે. ધરમ, રાષ્ટ્રવાદી ઝનૂન, સત્તા, સાચી કે ખોટી મહાનતાના ખ્યાલો વગેરેને કારણે માણસને એમ લાગતું થયું છે કે પોતાની સામે ફરકેલી સાવ જ અજાણ સ્ત્રી પર અત્યાચાર કરાય કે હરતાફરતા પુરુષને મારી નંખાય તે વધાવવા જેવું કૃત્ય છે. જે નરી ક્રૂરતા છે, તેને વીરતા ગણાવીને પોંખાય છે. પણ ધ્યાન રાખજો કે આખી પૃથ્વી આવા માણસોની બનેલી નથી. ક્યારેક કોઈક બુદ્ધ આવે છે અને કલિંગબોધ પણ જાગે છે. ક્યારેક કોઈક ગાંધી પાકે છે અને રહેંસી નાંખતી બર્બરતાની સામે જાનફેસાની આચરે છે. કોઈક શર્મિલા ઇરોમ, કોઈક ઑંગ સાન સૂચી, કોઈક નેલ્સન મંડેલા અને કોઈક માર્ટિન લ્યુથર કિંગ પેલા હણાયેલા, દુણાયેલા, ભીંસાયેલા અને ફેંકાયેલાના નિઃશ્વાસમાંથી પ્રગટે જ છે. આ ઈશ્વરતત્ત્વ નહીં પણ માનવતત્ત્વ છે, તે તમારે રણકાભેર ડંકે કી ચોટ ઉપર કહેવું રહ્યું. ઈશ્વરને આરામ કરવા દો અને માણસની માણસાઈને બરકો - એ જરૂર પડઘાશે.’

‘શ્વેતકેશી, તમે હવે ઘરડા થયા છો અને તમારી તો મત મારી ગઈ છે. જરાક સમજો તો ખરા - આ માર ખાઈખાઈને મરતાં-મરતાં જીવનારા તો દેશ અને વતન છોડીને જીવ બચાવવા ભાગે જ જાય છે. તેમના ચરણરજની જે ડમરી ચડી છે, તે જુઓ તો ખરા. આ નકામો આદર્શવાદ અને તરંગી આશાવાદમાં અમને ના ફસાવો’. રક્તાક્ષે ભારે ઉકળાટ સાથે ધસી જઈને કહ્યું.

‘તારી આંખેથી આ ભ્રમણાના ડાબલા ઉતાર. ગામને ચોરે બેસી - ગોઠણે ફાળિયું બાંધી - ઠૂંગાપણી કરતાં-કરતાં હાકોટા પાડવાનો આ કસબ નથી. અને પેલાં એન્જેલા મર્કલ સામે જો. આ એ જ જર્મની છે કે જેમાં હિટલર પાક્યો હતો. યહૂદી માત્રને મારી જ નંખાય તેમ તે સમયના તારા જેવા ઘણા માનવા માંડ્યાં હશે. મોતની ફૅક્ટરીઓ ચલાવીને તેણે અડધો કરોડને માર્યા. એ જ દેશનાં આ બહેને સીરિયાના નિરાશ્રિતોને આવકાર્યા છે. ૧,૨૦,૦૦૦ને વસાવ્યા છે અને મૂડીવાદી દેશ હોવા છતાં, જીવવા માટેના ભથ્થા રુપે માથા દીઠ દર મહિને ૬૭૦ યુરો આપે છે. વિચાર કર તો જા ભઈલા, આ દેશે હિટલરથી મર્કલ સુધીનો જે કૂદકો માર્યો છે, તે પેલા આદર્શવાદ અને આશાવાદ વગરનો નથી. અને વિમાસણમાં પડ્યા વગર જોતો જા - આવા સમાજ, સંસ્કાર અને સરકાર થકી આપોઆપ જ મહાસત્તા બનાય.’

રાત તો પૂરી થવા આવી અને એકે ય બંદર સૂતો ન હતો. બધી જ આંખો ક્યાંક દૂર પ્રગટવા મથતા ભવિષ્યની ખોજમાં ડૂબી ગઈ હતી.

e.mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2015; પૃ. 15, 16 & 23

Category :- Opinion Online / Opinion

જૂનાગઢની ભૂમિ જેટલું જોઈને અને સંઘરીને બેઠી છે એવું વૈવિધ્ય અને સમન્વય ગુજરાત તો શું ભારતમાં પણ કદાચ નહીં હોય. હિંદુ, મુસ્લિમ, બૌદ્ધ, શૈવ, વૈષ્ણવ, વૈદક, જૈન એમ તમે કહો તે ધર્મનાં સ્થાનક સદીઓથી ગિરનારની ગોદમાં છે, વળી બધા ધર્મોના તાણાવાણા ત્યાં એવા ઓતપ્રોત છે કે બિનસામ્પ્રદાયિકતાનો ખરો મેરૂ તો ગિરનાર જ છે એમ કહી શકાય. બધા ધર્મો એકબીજા વગર અધૂરા છે એ ગિરનાર સહજ રીતે સમજાવી દે છે. ગંગાજમુની તહેઝીબની જેમ ત્યાં ગિરનાર-દાતાર તહેઝીબ છે.

ગ્લોબલ ભજન બની ગયેલા 'વૈષ્ણવજન તો તેને રે કહીએ ....'ના રચયિતા નરસિંહ મહેતા જૂનાગઢમાં થઈ ગયા. પીર જમિયલ સા દાતાર જેવા ઇસ્લામી ઓલિયાનું પ્રવૃત્તિકેન્દ્ર પણ જૂનાગઢ રહ્યું. પુરાતત્ત્વ વિદ્યાના ભારતીય આદિપુરુષ અને લેઇડન યુનિવર્સિટીએ જેમને માનદ્દ ડોક્ટરેટથી સન્માનિત કર્યા હતા એ અશોક સહિતના અનેક શિલાલેખના અક્ષરો ઉકેલનારા ભગવાનલાલ ઇન્દ્રજી જૂનાગઢના હતા. કવિ નર્મદના સમોવડિયા મણિશંકર કિકાણી જેવા સમાજસુધારક પણ જૂનાગઢના જ હતા.

કહેવાય છે કે ગિરનાર હિમાલય કરતાં પણ જૂનો છે. જૂનાગઢ અને ગિરનાર કાળપલટાના સાક્ષી રહ્યા છે. ગુજરાતના જાણીતા નાટયવિદ્દ ચન્દ્રવદન ચી. મહેતાએ એક રૂપકમાં ગિરનારને વાચા આપતાં લખ્યું હતું કે "હું ગિરનાર છું, યુગયુગથી ઊભો છું. મેં આફ્રિકાને એશિયાથી અલગ થતો નિહાળ્યો છે. ઉત્તરાપથે જ્યાં મહાસાગર ઘૂઘવતો હતો ત્યાં અચાનક કુમાર હિમાલયનો ઉદ્દભવ થતો મેં નિહાળ્યો છે."

માત્ર ગુજરાતના જ નહીં પણ જગતભરના ઇતિહાસમાં જૂનાગઢનું નામ એ રીતે પણ વિશેષ છે કે એના અઢી હજાર વર્ષનો સળંગ ઇતિહાસ મળે છે, આવાં નગરો જગતના નકશામાં ઓછાં છે.

સોલંકીકાળથી લઈને નવાબીકાળ સુધી જૂનાગઢનો રાજકીય ઇતિહાસ એવો દિલધડક છે કે એના પરથી મેગા બજેટ ટીવી સિરીઝ કે ફિલ્મો બનાવી શકાય. બૌદ્ધ સાધુઓએ ત્યાં ધ્યાનસાધનાઓ કરી છે, તો નાગા બાવાઓએ ધૂણી ધખાવી છે. અશોકનો શિલાલેખ ત્યાં છે, તો નવાબીકાળના ભવ્ય દરવાજાઓ આજે પણ નગરના દરવાન બનીને ઊભા છે. વનૌષધિઓનો અંબાર સંઘરીને ગીરનું જંગલ બેઠું છે. સાવજોની ડણક ગિરનારનાં શૌર્યની ઝાંખી કરાવે છે. શોધ-સંશોધનમાં રસ હોય એને એક વખત જૂનાગઢની છાલક લાગે તો મરજીવાની જેમ એ જૂનાગઢમાંથી કદી બહાર જ ન નીકળી શકે, એટલું ભર્યુંભર્યું છે. શંભુપ્રસાદ દેસાઈ, પરિમલ રૂપાણી, એસ. વી. જાની, પ્રદ્યુમ્ન ખાચર તેમ જ તેમની અગાઉ કેટલાક ઇતિહાસના જાણકારોએ જૂનાગઢ પર સંશોધન કરીને સરસ દસ્તાવેજીકરણ કર્યું છે.

જૂનાગઢ સ્વાતંત્ર્ય ઇતિહાસમાં પણ અનોખું પ્રકરણ ધરાવે છે. દેશ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદ થઈ ગયો હતો પણ જૂનાગઢ નહોતું થયું. જૂનાગઢે ૯ નવેમ્બર ૧૯૪૭ના દિવસે આઝાદી જોઇ હતી. એના માટે જૂનાગઢના નવાબ મહાબત ખાન-ત્રીજા, શાહનવાઝ ભુટ્ટો અને આરઝી હકુમતને સમજવા પડશે. જૂનાગઢના છેલ્લા નવાબના દીવાન શાહનવાઝ ભુટ્ટો હતા, જેમણે સૌથી મોટી ગેમ રમી હતી. શાહનવાઝ ભુટ્ટો એટલે પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ઝુલ્ફિકારઅલી ભુટ્ટોના પિતા અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોના દાદા.

આરઝી હકૂમત

અંગ્રેજોએ દેશ પર શાસન તો કર્યું જ હતું પણ દેશ આઝાદ થયો ત્યારે દેશ બેધારી પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો. ૧૯૪૭માં ૧૫ ઓગસ્ટ નજીક હતી ત્યારે બ્રિટનની પાર્લામેન્ટનાં બંને ગૃહોએ ૧૮ જુલાઈ, ૧૯૪૭ના દિવસે એક ખરડો પસાર કર્યો હતો, જેને બ્રિટિશ તાજની મંજૂરી મળતાં એ ખરડો કાયદો થયો, જે હિંદ સ્વાતંત્ર્ય ધારા તરીકે ઓળખાયો, એમાં હિંદુસ્તાનના બે ભાગ કરવાની જોગવાઈ હતી તથા દેશી રાજ્યો માટે પણ જોગવાઈ કરવામાં આવી હતી. એ કાયદાનુસાર ૧૫ ઓગસ્ટ ૧૯૪૭થી તમામ દેશી રાજ્યો પર બ્રિટિશ હકૂમતનો અંત આવતો હતો અને જે રાજ્યે ભારત અથવા તો પાકિસ્તાનમાં જોડાવું હોય તે જોડાઈ શકે. ૧૫ ઓગસ્ટ પહેલાં સામેલ થવાનું હતું. સરદાર પટેલની મહેનતથી મોટા ભાગનાં રજવાડા ભારતીય સંઘમાં જોડાવા માંડયાં અને ભારતનો એક નકશો તૈયાર થવા માંડયો. જૂનાગઢ પાકિસ્તાનમાં જોડાશે એવી હલચલ વેગ પકડી રહી હતી. ૧૧ એપ્રિલ ૧૯૪૭ના રોજ જૂનાગઢના નવાબ મહાબત ખાન-ત્રીજાએ એક અખબારી યાદી જાહેર કરીને એને રદિયો આપ્યો હતો પણ ચિત્ર ઊંધું હતું. નવાબે જૂનાગઢ પાકિસ્તાનમાં નહીં જોડાય એવી અખબારી યાદી જાહેર કરી હતી પણ ભારતમાં જોડાવાની જાહેરાત જૂનાગઢે કરી નહોતી. અફવાબજાર ગરમ હતું.

૭-૮ જૂન ૧૯૪૭ના રોજ તળ મુંબઈના માધવબાગમાં કાઠિયાવાડ પ્રજા-સંમેલન મળ્યું હતું, જો જૂનાગઢ પાકિસ્તાનમાં જાય તો કટોકટીને પહોંચી વળવા કાઠિયાવાડ રાજકીય પરિષદની રચના કરવામાં આવી હતી, જેમાં રસિકલાલ પરીખ, જેઠાલાલ જોશી અને રતુભાઈ અદાણી હતા. ૧૯૩૯માં સ્થાપાયેલાં જૂનાગઢ રાજ્ય પ્રજામંડળને ફરી સક્રિય કરવાનું વિચારવામાં આવ્યું. જૂનાગઢ પ્રજામંડળે સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ અને પટ્ટાભી સીતારામૈયાને ટેલિગ્રામ કરીને જૂનાગઢની બહુમતી પ્રજાનાં હિતમાં પોતાની વગનો ઉપયોગ કરવા વિનંતી કરી. આ સભાએ આવેદનપત્ર પાઠવીને જૂનાગઢ નવાબને ભારતમાં જોડાવા વિનંતિ કરી પણ નવાબ પાકિસ્તાનમાં જોડાવા માટે આંતરિક હિલચાલ કરી રહ્યા હતા, જેનું કારણ હતું જૂનાગઢ રાજ્યના દીવાન શાહનવાઝ ભુટ્ટો. જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાય એ માટેનું કોઈ ભૌગોલિક કે સાંસ્કૃિતક કારણ નહોતું. જૂનાગઢમાં ૮૨ ટકા પ્રજા હિંદુ હતી, તે ભારતમાં જોડાવા માગતી હતી પણ ઇચ્છા પ્રગટ કરવાની શક્તિ નહીં. સામે પક્ષે નવાબ પણ નિર્ણય લેવામાં મોળા હતા, ભુટ્ટો એનો જ ફાયદો ઉઠાવતા હતા. સરદાર પટેલે નવાબને સમજાવવા વી. પી. મેનનને મોકલ્યા પણ ભુટ્ટોએ તેમને મળવા જ ન દીધા. આ તમામ હિલચાલ વચ્ચે નવાબે પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત કરી. દેશમાં હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં.

જૂનાગઢ પાકિસ્તાનમાં જોડાય તો દહેશત ફેલાશે એવા ભયથી લોકો શહેર છોડીને ચાલ્યાં ગયાં હતાં. વાટાઘાટ કે સમજૂતીથી આ સવાલ ઉકલે એમ નહતો, તેથી મુંબઈમાં 'જૂનાગઢ આરઝી હકુમત'ની રચના થઈ. એનું બાકાયદા પ્રધાનમંડળ તૈયાર થયું હતું. પ્રધાનમંડળમાં શામળદાસ ગાંધીને વડા પ્રધાન બનાવવામાં આવ્યા. દુર્લભજી ખેતાણી, નરેન્દ્ર નથવાણી, ભવાનીશંકર ઓઝા, મણિલાલ દોશી, સુરગભાઈ વરુ, જશવંત મહેતા, સનત મહેતા વગેરેને હોદ્દા આપવામાં આવ્યા હતા. લડતનો પ્રારંભ થયો.

૩૦.૯.૪૭ના રોજ આરઝીના સૈનિકોએ રાજકોટમાં આવેલો ઉતારો કબજે કર્યો. એ પછી અમરાપુર, નવાગઢ, ગાઝકડા વગેરે ગામો કબજે થયાં. જૂનાગઢ તો સાવ ખાલી ભાસતું હતું. નવાબ તો કેશોદથી પ્લેન પકડીને કરાચી રવાના થઈ ગયા હતા. શાહનવાઝ ભુટ્ટો અને પોલીસ કમિશનર નકવી આરઝીનો પ્રતિકાર કરવા પ્રવૃત્ત થયા. એ વખતે કરાચી ભાગી ગયેલા નવાબે ભુટ્ટોને સંદેશ મોકલ્યો કે નિર્દોષ પ્રજાનું લોહી ન રેડાય તે માટે ભારત સરકારની શરણાગતિ સ્વીકારવી. ૯.૧૧.૧૯૪૭ના રોજ આરઝી હકૂમતનાં સૈનિકો જૂનાગઢમાં પ્રવેશ્યાં અને ઉપરકોટ પર ધ્વજ ફરકાવ્યો. એ જ વખતે શાહનવાઝ ભુટ્ટો કેશોદનાં એરપોર્ટ પરથી પ્લેન પકડીને પાકિસ્તાન પલાયન થઈ ગયા. રાજકોટના રિજિયોનલ કમિશનર નિલમભાઈ બુચે ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ વહીવટી કબજો લીધો. સરદાર પટેલ ૧૩.૯.૪૭ના રોજ જૂનાગઢ આવ્યા હતા અને પ્રજાને તેમ જ ખાસ કરીને મુસ્લિમોને શાંતિ અને સલામતીની ખાતરી આપી હતી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ તથા મિલિટરી શહેરમાં ગોઠવી દેવાઈ હતી.

લોકતંત્રની મહાનતા : રાજા નહોતા ત્યારે પ્રજાનો મત લેવામાં આવ્યો

જૂનાગઢમાં આઝાદીનો ધ્વજ લહેરાયો છતાં પણ પ્રજા ભારતમાં રહેવા ખુશ છે કે પાકિસ્તાનમાં જવા ઇચ્છે છે એ માટે ૨૦.૨.૪૮ના રોજ રેફરન્ડમ યોજવામાં આવ્યું હતું, જેનું પરિણામ ૧-૩-૧૯૪૮ના રોજ આવ્યું હતું, જેમાં પાકિસ્તાન તરફ માત્ર ૯૧ મત અને ભારત તરફ ૧,૯૦,૭૭૯ મત પડયા હતા. વિભાજન બાદ સિંધના કેટલાંક હિંદુઓ જૂનાગઢ આવ્યાં હતાં અને કુતિયાણા, બાંટવા વગેરે શહેરોમાં વસ્યાં હતાં.

નવાબ અને તેમના દીવાન પાકિસ્તાન ચાલ્યા ગયા પછી જૂનાગઢ તો આપોઆપ ભારતનો જ હિસ્સો હતું. આપણા દેશની લોકતાંત્રિક મહાનતા એ છે કે એ પછી પણ રેફરન્ડમ લેવામાં આવ્યું હતું અને જૂનાગઢ પાકિસ્તાનમાં જાય કે ભારત સાથે રહે એ માટે લોકોનો મત લેવામાં આવ્યો હતો. રાજા ન હોય છતાં પ્રજાનો મત લેવામાં આવ્યો એ દર્શાવે છે કે ભારત લોકતંત્રને કેટલું વરેલું છે. આ દેશ જગતમાં એનાં લોકતાંત્રિક મૂલ્યોને લીધે જ મહાન છે.

નવાબ મહાબત ખાને કરેલાં કાર્યો 

જૂનાગઢમાં બાબીવંશનો શાસનકાળ ૨૦૦ વર્ષનો હતો. ૧૭૪૭-૪૮માં બહાદુરખાન બાબીએ જૂનાગઢની પ્રજાના સાથ-સહકારથી સ્થાપેલાં રાજ્યનો ૧૯૪૭માં પ્રજાના વિરોધનાં પરિણામે અંત આવ્યો.

શાહનવાઝ ભુટ્ટોની સલાહને અનુસરીને જૂનાગઢના છેલ્લા નવાબ મહાબત ખાન-ત્રીજાએ પાકિસ્તાન તરફી વલણ અપનાવ્યું એ મહાન ભૂલ હતી. જૂનાગઢમાં બસ્સો વર્ષનાં નવાબી શાસન દરમ્યાન કેટલાંક નમૂનેદાર કામો થયા છે, જે છેલ્લા નવાબની ભૂલને કારણે દબાઈ ગયાં છે. આપણે પણ ઇતિહાસનું મંથન કરીને એ કાર્યો યાદ કરવાં જોઈએ. નવાબે કરેલી ભૂલ મહાન હતી પણ માત્ર એ ભૂલને આધારે જ તેમને મૂલવીએ અને તેમનાં સારાં કાર્યોને નજરઅંદાજ કરીએ એ ઇતિહાસનું ગેરવાજબી મૂલ્યાંકન કર્યું કહેવાય. આપણો દેશ તો લોકશાહી મૂલ્યોને વરેલો છે. નવાબ પલાયન થયા પછી પણ રેફરન્ડ્મ લઇને જૂનાગઢની જનતાનો મત લેવામાં માનતા હોઈએ તો બાબી નવાબોનાં સારાં કાર્યોને આપણે બિરદાવવાં રહ્યાં. એવાં કેટલાંક નમૂનેદાર કાર્યો જોઈએ.

પાકિસ્તાન રવાના થઈ ગયેલા નવાબ મહાબત ખાન ત્રીજાએ ૩૧.૦૩.૧૯૨૦ના રોજ ગાદી સંભાળી હતી. તેમણે ગાદી સ્વીકારતી વખતે કેટલીક નવાજેશો કરી હતી એ નોંધનીય છે, જેમ કે, ૧ સપ્ટેમ્બર ૧૯૨૦થી જૂનાગઢ રાજ્યમાં પ્રાથમિક કેળવણી મફત આપવામાં આવશે, સાથે સાથે અંગ્રેજીનું પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ પણ મફત અપાશે. દેશ જ્યારે આઝાદ નહોતો થયો ત્યારે નવાબને શિક્ષણનું મૂલ્ય ખબર હતી.

ગિરનારમાં યાત્રીસુવિધા અને વ્યવસ્થાના ભાગે યાત્રિકો પાસેથી વેરો વસૂલાતો હતો, જે મુંડકવેરા તરીકે ઓળખાતો હતો. ગામના યાત્રિકો અને ગામ બહારના યાત્રિકો માટે અલગ અલગ રકમ હતી. મહાબત ખાન-ત્રીજાએ શાસન હાથમાં લીધું એ પછી યાત્રાવેરો રદ કરી નાખ્યો હતો. એ રદ થયા પછી ગિરનારની વ્યવસ્થાને આંચ નહોતી આવવા દીધી.

ભારે વરસાદ પડે ત્યારે કઠિયારાઓ ગિરનારનાં જંગલમાં ન જઈ શકે, પરિણામે ખાધાખોરાકીના પ્રશ્ન ઊભા થાય. નવાબે એ કઠિયારાઓ માટે પેટિયાની વ્યવસ્થા કરી હતી. ચોમાસા દરમ્યાન તેમને પેટિયારૂપે નિશ્ચિત રકમ આપવામાં આવતી હતી. નવાબના સમયમાં પાણીના અવેડાઓની રખેવાળી કરનારાને પગાર ચૂકવાતા હતા. જૂનાગઢના વિલિંગ્ડન તળાવનો પાયો ૧૧.૫.૧૯૩૬ના રોજ નખાયો હતો. નવાબ મહાબત ખાન-ત્રીજાએ ગણેશપૂજા કરીને પાયો નાખ્યો હતો. એ તળાવના બાંધનારા ત્રણ એન્જિનિયર પૈકીના એક કે. જે. ગાંધી હતા, જેઓ અભિનેત્રી દીના પાઠકના પિતા હતા.

ચૂડાસમા કે મુઘલકાળમાં ગિરનાર પર રાજ્યવ્યવસ્થા કેવી હતી એ જાણવા મળતું નથી પણ બાબીકાળની વ્યવસ્થા અને દેખરેખની વિગતો મળે છે. ૧૮૯૭માં ગિરનારના દરેક ધર્મસ્થાનક દર્શાવતો અને હક્ક-હિસ્સાની સમજૂતી આપતો નકશો તૈયાર કરવામાં આવ્યો હતો જ્યારે વિવાદ થાય ત્યારે એ નકશાના આધારે નિરાકરણ લાવવવામાં આવતું હતું. મતલબ કે રાજ્યવ્યવસ્થાના દસ્તાવેજીકરણનું કામ નવાબીકાળમાં થયું હતું.

નવાબ મહાબત ખાન-ત્રીજાને કૂતરાં પાળવાનો જબરો શોખ હતો. તેમની પાસે ઢગલાબંધ કૂતરાં હતાં, પણ તેમને ગાયો પાળવાનો ય શોખ હતો. જેણે નવાબ સામે આરઝી હકૂમત સર્જીને જંગ માંડયો હતો એ રતુભાઈ અદાણીએ તેમનાં પુસ્તક 'સોરઠની લોકક્રાંતિનાં વહેણ અને વમળ'માં લખ્યું છે કે 'નવાબનો કૂતરાંનો શોખ અતિરેકને કારણે ગવાઈ ગયો, તેમને ગાયોનો પણ એટલો જ શોખ હતો. ગૌપાલન અંગેનું તેમનું જ્ઞાન અદ્દભુત હતું. એમની ગૌશાળામાં ગીર ઓલાદની ચડિયાતી ગાયોની સંખ્યા સારી એવી હતી.

૧૯૩૫માં ગિરનાર પર મસ્જિદ હોવાનો વિવાદ 'જમિયલતુલ મુસ્લેમિન' સંસ્થાએ ચગાવ્યો ત્યારે એ સંસ્થાને વિખેરી નાખવાનો આદેશ અપાયો હતો. વિવાદને મુસ્લિમ શાસક નવાબે તટસ્થતાથી દાબી દીધો હતો. એ વખતે 'દીન' નામનાં સાપ્તાહિકમાં નવાબ વિરુદ્ધ ખૂબ લખાયું હતું ત્યાં સુધી લખાયું હતું કે નવાબીતંત્ર હિંદુવાદી બની ગયું છે.

કાઠિયાવાડમાં આઝાદી આવી ત્યાં સુધી દલિતો પર કેટલાક પ્રતિબંધ હતા. દલિતો ગામના કૂવે કે મંદિરોએ જઈ શકતા નહોતા. દુકાનદાર પાસે કોઈ ચીજવસ્તુ ખરીદવા જાય તો તેના પૈસા પણ પાણીની છાંટ નાખીને દૂરથી જ લેવાતા હતા. રજવાડાઓના એ સમયમાં દલિતો માટે થોડી સગવડનું કાર્ય કોઈએ કર્યું હોય તો એ જૂનાગઢના નવાબ મહાબત ખાન-બીજાએ કર્યું. જૂનાગઢમાં એ વખતે હોળી નિમિત્તે દલિતોને ગાળો દેવાનો અવ્યવહારૂ રિવાજ હતો. નવાબે ૧૮૬૯માં એ રિવાજથી બચાવવા સમાન કરવાનો કાયદો ઘડયો હતો. યોગાનુયોગ જુઓ કે એ જ વર્ષે પોરબંદરમાં ગાંધીનો જન્મ થયો હતો.

નવાબીકાળમાં ૧૯૩૮માં એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે હરિજનોને મકાન બાંધવા જમીન શહેરમાં લેવી હોય તો અન્ય લોકો કરતાં અડધા ભાવે આપવાનું નક્કી કરીને તેમને શહેરમાં વસવાની સગવડ કરવામાં આવી હતી.

ગાંધીજી સાથે પણ નવાબને સારા સંબંધ હતા. હરિજનસેવાની પ્રવૃત્તિ માટે ૨૭.૧૦.૧૯૩૮ના રોજ નવાબે ૧,૫૦૦ રૂપિયા મોકલ્યા હતા, જેનો આભાર માનતો પત્ર પણ ગાંધીજીએ તેમને લખ્યો હતો.        

સાલેભાઈની આવડી એટલે કેસર કેરી

જૂનાગઢ-ગીર કેસર કેરી માટે ખૂબ વિખ્યાત છે. એ કેસર કેરીની કલમો નવાબકાળમાં વિકસાવાઈ હતી. નવાબે મોતીબાગ, સકરબાગ, પાઈબાગ વગેરે તૈયાર કરાવ્યા હતા, ત્યાં વિવિધ કેરીઓની કલમ ઉછેરવામાં આવી હતી. કેસર કેરી નવાબના સમયમાં આવી હતી. એ વખતે 'સાલેભાઈની આવડી'ના નામે મશહુર હતી.

જૂનાગઢની ધરોહર તરફ ધ્યાન દેવાની જરૂર છે

જૂનાગઢમાં નવાબીકાળના બેનમૂન દરવાજા અને મકબરાઓ છે. એવા દરવાજા અને કોતરણીવાળા મહાબત ખાનના અને બ્હાઉદ્દીન મકબરા ધરોહર છે પણ અફસોસ કે એની જાળવણી પ્રત્યે ભયંકર બેદરકારી રાખવામાં આવી રહી છે. માત્ર 'રક્ષિત સ્મારક'નું પાટિયું મૂકી દેવાથી સ્મારકનું રક્ષણ થતું નથી. અશોકના શિલાલેખની છત બે વર્ષ પહેલાં તૂટી ગઈ પછી એ મહાન શિલાલેખ અવાવરૂ અવસ્થામાં પડયો છે. આ સ્થળોની માવજત કરીને જૂનાગઢને મહત્ત્વનાં ટૂરિસ્ટ સ્પોટ તરીકે ડેવલપ કરી શકાય એમ છે. એ સરવાળે રાજ્યની તિજોરીના લાભમાં છે. જૂનાગઢને ટૂરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવાના પ્રયાસ થયા જ છે, યાત્રિકોની સંખ્યા વધી છે, પણ હજી થોડા વધારે પ્રયાસની જરૂર છે.

સંગીતરત્ન ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન અને જૂનાગઢ

સંગીત દિગ્ગજ પંડિત ભીમસેન જોશી અને વિદુષી ગંગુબાઈ હંગલ જેવાં શાસ્ત્રીય સંગીતજ્ઞો સંગીતના કિરાણા ઘરાના સાથે નાતો ધરાવે છે. કિરાણા ઘરાનામાં ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાનનું નામ ખૂબ આદરપૂર્વક લેવાય છે. પંડિત ભીમસેન જોશીના ગુરુ પંડિત સવાઈ ગાંધર્વ હતા. પંડિત સવાઈ ગાંધર્વના ગુરુ ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન હતા. મજાની વાત એ છે કે ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન છેલ્લા નવાબના કાળમાં જૂનાગઢ વસવાટ કરી ચૂક્યા છે. ઉપરાંત સેનિયા ઘરાનાના ઉસ્તાદ ગુલામઅલી કામીલ પણ જૂનાગઢમાં વસવાટ કરી ચૂક્યા છે.

e.mail : [email protected]

સૌજન્ય : ‘છપ્પરવખારી’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 04 નવેમ્બર 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3163731

Category :- Opinion Online / Opinion