OPINION

પુસ્તકપરિચય પહેલાં લેખકનો પરિચય. ‘વિદ્યા વધે એવી આશે’ પુસ્તકના લેખક ડૉ. ગૌરાંગ જાનીથી ગુજરાત અજાણ્યું નથી. સમાજશાસ્ત્રના અધ્યાપક, વર્ષોથી સમાચારપત્રોમાં કટારલેખન, સેક્સવર્કર બહેનોની સમસ્યા મુદ્દે સક્રિય, એચ.આઈ.વી.ગ્રસ્ત દર્દીઓની તકલીફો હોય કે વર્ગખંડમાં - કાર્યક્રમોમાં સામાજિક મુદ્દે ચર્ચા કરતા હોય ... ગૌરાંગભાઈનું કામ હંમેશાં પોંખાયું છે. તેનું કારણ, તેઓએ પોતાના વર્ગખંડને તો ખરો જ, સમાજ આખાને પોતાના સંશોધનની પ્રયોગશાળા તરીકે જોયો છે. બહુ ઓછા અધ્યાપકો તેમના જેટલી સંવેદનશીલતા અને લોકપ્રિયતા ધરાવે છે. હું તેમને ઊંઘવાના સમયને બાદ કરતાંના સમાજશાસ્ત્રી તરીકે ઓળખાવું છું.

મૂળ તો ગુજરાતી રાણી-વાણીના વકીલ કવિ દલપતરામે ૧૮૫૫માં રચેલી કવિતા :

‘જુઓ પુસ્તકસ્થાન જે ભદ્ર પાસે

રચ્યું રૂડું વિદ્યા વધે આવિ આશે’ના નીચેના બંધને સહેજ ફેરફાર સાથે લેખસંગ્રહનું શીર્ષક બનાવ્યું છે.

‘વિદ્યા વધે એવી આશે’ (દલપતરામે એ જમાનાની લેખનશૈલી મુજબ ‘આવિ’ શબ્દ વાપર્યો  હતો.)માં કુલ ૪૦ લેખો છે. તેનું વર્ગીકરણ કરીએ તો શિક્ષણ, નારી-અભ્યાસ અને સામાજિક ઇતિહાસની આસપાસ આ લેખો કેન્દ્રિત છે. વધુ અંદર ઊતરીએ તો પાઠ્યપુસ્તકો, અભ્યાસક્રમ, સમયપત્રક, પરીક્ષા, દફતરો, વસતિ, જ્ઞાતિ, સામાજિક સંશોધન, ધર્મ, તહેવારો, આપઘાત, શોખ, હસ્તાક્ષર, વિજ્ઞાન, અંધશ્રદ્ધા અને તેમના માંહ્યલામાં જે બિરાજેલા છે, તે સમાજના નબળા સમુદાયોનું સમાજવિજ્ઞાનીય પરિપ્રેક્ષ્યમાં અહીં વિવેચન છે. કુલ ૧૫૫ પાનાં (છપાયેલાં ૧૬૦ છે, પણ તેમાં ૪ પાનાં પરિશિષ્ટનાં અને ૧ પાનું વાચકોની નોંધ માટે છે.)ના ગ્રંથમાં બહુવિદ્યાકીય, આંતરવિદ્યાકીય લેખો છે. અહીં ભૂતકાળ સાથે વર્તમાન સંકળાય છે, તો ભાવિનિર્દેશન પણ છે. આ દ્વારા ડૉ. જાનીએ સમાજશાસ્ત્રના સીમાડાઓ વિસ્તાર્યા છે. ઉદાહરણ તરીકે લેખ નં. ૯, ૧૩, ૧૪, ૧૬, ૨૨, ૩૩, ૩૮.

ડૉ. ગૌરાંગ જાનીનું ‘વિદ્યા વધે એવી આશે’ નિમિત્તે થયેલું સમાજદર્શન ભદ્રવર્ગીય કે શહેરી નથી. ‘હાંસિયાના ગુજરાત’, ભારતને તેમણે બારીકાઈથી આલેખ્યું છે. ‘આમ ભારત અને ખાસ ભારત’નું તેમનું નિરીક્ષણ જોઈએ : ‘પ્રાથમિક શિક્ષણમાં સમગ્ર દેશમાં આર્થિક આધાર પર એક ચોક્કસ વર્ગવ્યવસ્થા પણ દેખાય છે. મોટાં શહેરોમાં કેજી કે સિનિયર કેજીમાં વર્ષે એક લાખની ફી આપીને પોતાનાં સંતાનોને ભણાવતા પરિવારો છે, તો બીજી તરફ ખેતરમાં મજૂરીએ જવાને કારણે ઘરમાં નાનાં ભાઈ-બહેનોને સાચવવાં કે પછી બળતણનું લાકડું મેળવવા અને પાણી ભરવા જવાના કારણે શાળા નસીબમાં જ નથી, એવાં લાખો બાળકો છે. આ વાસ્તવિકતા એક જ દેશનાં બાળકો જ્યારે નાગરિક બને છે, ત્યારે આમ ભારત અને ખાસ ભારતનું નિર્માણ કરે છે.’ (પૃ.૧૯) આવાં તો અનેક સટીક નિરીક્ષણોથી ‘વિદ્યા વધે એવી આશે’ પુસ્તક હર્યુંભર્યું છે. વધુ બે નિરીક્ષણોઃ ‘સમાજમાં અનેકવિધ સમૂહો હોય છે તે સૌનો પરિચય સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને કરાવવો હોય તો વર્ગખંડના બ્લૅકબોર્ડ પર કે પ્રશ્નોના ઉત્તરો કે પછી પાઠ્યપુસ્તકોમાં શક્ય નથી. તે સમૂહો સાથે વાર્તાલાપ જરૂરી છે.’ (પૃ.૧૩૫)

“હું સમાજશાસ્ત્રનો અધ્યાપક ગુજરાતી સાહિત્યનો રસાસ્વાદ મેળવવા નવલકથા કે કવિતા વાંચું તો સાહિત્ય મારો શોખ ગણી શકાય, પરંતુ મને ‘વાંચવાનો શોખ છે’ એવું વિધાન કરતાં પૂર્વે મારા વ્યવસાયની અનિવાર્યતા તપાસવી રહી.” (પૃ.૧૩૯) આમ, સાંપ્રત વહીવટીતંત્ર, સમાજવિજ્ઞાનીઓ અને ખાસ તો ખાડે ગયેલા ‘મોટા માસ્તરો’(અધ્યાપકો)ને તેમણે જવાબદારી ચીંધી છે.

ભાષા અને શૈલીની દૃષ્ટિએ પણ પુસ્તક મજાનું છે, જે સામાન્ય રીતે સમાજવિજ્ઞાનનાં પુસ્તકોમાં હોતું નથી. (એક આડવાત. આજે તો અનિંદ્રાના દર્દીઓને દાક્તરો ઊંઘની ગોળીઓ કારગત ન નીવડે ત્યારે સમાજવિજ્ઞાનનાં પુસ્તકો પ્રિસ્ક્રાઇબ કરે છે.) ગૌરાંગ જાનીની ભાષા સાડાબારી રાખતી નથી. કેટલાંક ઉદાહરણો જોઈએ :

‘બાળકો બોલે અને આપણે સાંભળીએ.’

‘શાળા-પ્રવેશોત્સવની પ્રસ્તાવના પછીનાં પૃષ્ઠો ક્યાં છે ?’

‘હાજરીપત્રકનાં ખાનાં કે પરંપરાનાં ચોકઠાં ?’

‘પરીક્ષામાં મૂડીરોકાણ અને મૂડીરોકાણની પરીક્ષા’

‘કોણ જીતશે, વિજ્ઞાનનો આત્મવિશ્વાસ કે અંધશ્રદ્ધાનું અફીણ ?’

‘મધ્યાહ્નભોજનનું આમ ગુજરાત અને લંચબૉક્સનું ખાસ ગુજરાત’

‘દફતર છોડે ગુજરાત... ક્યારે ?’

‘ગુજરાત : શિક્ષણના વિચારબીજથી વેપારવૃક્ષ સુધી’

‘શોખની નવરાશ, નવરાશનો શોખ.’

આ ભાષા અને શૈલી વિષયવસ્તુ પર મજબૂત પકડ અને સંવેદના ન હોય તો આવી જ ન શકે. આવી ભાષાશૈલીમાં લખાય તો સમાજશાસ્ત્ર કે અન્ય સમાજવિદ્યાઓનાં પુસ્તકો વંચાય, સમજાય. બાકી આગળ કહ્યું તેમ ઊંઘની ગોળીઓનો વિકલ્પ.

સમગ્રતયા વિષયવસ્તુનું નાવીન્ય, રજૂઆતની શૈલી અને નિર્ભીક લખાણ વગેરેને લઈ આ પુસ્તક નવી ભાત પાડે છે. પુસ્તકનું પ્રોડક્શન, જોડણી, આયોજન વગેરેમાં લેખક, પ્રત-સંપાદક (કેતન રૂપેરા) અને પ્રકાશકની મહેનત દીપી ઊઠી છે. જોડણી, વાક્યરચનાના દોષો શોધવા અઘરા છે. મોટાભાગના લેખોના અંતે ચુનંદાં અવતરણો કે વિષયવસ્તુરૂપ ગદ્યખંડો અપાયાં છે, તે અને કેટલાક કોઠાઓ તથા પરિશિષ્ટ પુસ્તકનું સંદર્ભ-સાહિત્ય તરીકેનું મૂલ્ય ઊભું કરે છે. બીજી એક નવતર બાબત આ પુસ્તકના સંદર્ભમાં એ છે કે ગૌરાંગભાઈએ પુસ્તક તેમના વિદ્યાગુરુ ડૉ. તારાબહેન પટેલને અર્પણ કર્યું છે, જ્યારે આવકારવચન તેમનાં વિદ્યાર્થિની મિત્તલ પટેલે લખી છે. (મિત્તલબહેને આવકાર આખું પુસ્તક વાંચીને લખ્યું છે, જે સહેજ જાણ ખાતર) આમ, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યરૂપી ત્રણ પેઢીઓનું અનુસંધાન આ પુસ્તકમાં થયું છે.

છેલ્લે, પુસ્તકની ઇતિશ્રી ખરીદવામાં કે વાંચવામાં નથી, ગૌરાંગભાઈએ અહીં શિક્ષણની ચિંતા અને તેના ઉકેલો આપ્યા છે, બાળકલ્યાણ અને નારીઉત્થાનના રસ્તા ચીંધ્યા છે, નબળા સમુદાયો પ્રત્યેની નિસબત દર્શાવી છે. આ બધાને કારણે સાંપ્રત વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓને નીતિનિર્ધારણમાં ચાવીરૂપ બની શકે તેમ છે.

એક આસ્વાદ તરીકે કહું તો ‘વિદ્યા વધે તેવી આશે’ પુસ્તક ગુજરાતનાં વિશ્વવિદ્યાલયોના સમાજશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓને તેમની સંવેદનશીલતા અને સંશોધનક્ષમતા વધે તે માટે ભણાવવું જ જોઈએ અને તો જ આવાં પુસ્તકો લખવાનો અને પ્રકાશિત કરવાનો શ્રમ સાર્થક થાય.

વિશેષ નોંધ : દોઢ મહિનાના ટૂંકા ગાળામાં પુસ્તકની ૪૦૦ નકલો વેચાઈ ચૂકી છે.

e.mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2015; પૃ. 18-19

Category :- Opinion Online / Opinion

તા. ૧૨ ઑક્ટોબર, ૨૦૧૫ના રોજ ધ રૉયલ સ્વિડિશ એકૅડેમી ઑફ સાયન્સિઝે એ આલ્ફ્રેડ નોબેલની યાદમાં આર્થિક વિજ્ઞાનમાં સ્વેરીઝ રીક્સબૅન્ક ઇનામ ૨૦૧૫, અર્થશાસ્ત્રી ઑન્ગસ ડીટનને તેમના ‘વપરાશ, ગરીબી અને કલ્યાણના વિશ્લેષણ’ માટે એનાયત કરવાનું નક્કી કર્યું.

ઍન્ગસ ડીટન અમેરિકા અને બ્રિટન એમ બે દિશોનું નાગરિકત્વ ધરાવે છે. તેમનો જન્મ ઇંગ્લૅન્ડના એડિનબરો ખાતે ઈ.સ. ૧૯૪૫માં થયો હતો. ઈ.સ. ૧૯૭૮માં તેમણે કૅમ્બ્રિજ યુનિવર્સિટી, ઇંગ્લૅન્ડથી પીએચ.ડી.ની પદવી હાંસલ કરી. ત્યાર બાદ ૧૯૮૩થી તેઓ પ્રિન્સટન યુનિવર્સિટી, ન્યુ જર્સી, અમેરિકા ખાતે અર્થશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. તેમનું પ્રખ્યાત પુસ્તક The Great Escape : Health, Wealth and Origins of Inequality ૨૦૧૩માં પ્રસિદ્ધ થયું.

ઍન્ગસ ડીટનની પસંદગી સંદર્ભે નોબેલ પસંદગી-સમિતિએ જે વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિકા પ્રસિદ્ધ કરી તેમાં જણાવ્યા મુજબ :

‘વસ્તુઓ અને સેવાઓની વપરાશ એ માનવકલ્યાણને નક્કી કરનારું મૂળભૂત પરિબળ છે. વ્યક્તિઓ વચ્ચે વપરાશની વહેંચણી ઘણા અગત્યના મુદ્દાઓને અસર કરી શકે છે જેમાં, સમાજની આર્થિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રની અસમાનતા અને ગરીબીનો સમાવેશ થાય છે. મોટા ભાગના દેશોમાં, કુલ વપરાશ, કુલ માંગનો મોટો હિસ્સો છે અને આર્થિક પ્રવૃત્તિમાં આવતા મોટાભાગના સામયિક પરિવર્તનો માટે જવાબદાર પણ છે. આવકના કોઈ એક સ્તરે, વપરાશ, બચતો અને તેના કારણે મૂડીના પુરવઠા દ્વારા મૂડીરોકાણ નક્કી કરે છે. આથી જ, એ સ્વાભાવિક છે કે, વપરાશ, છેલ્લી સદીમાં આર્થિક સંશોધનના કેન્દ્રમાં રહ્યું છે.

‘છેલ્લા ત્રણથી ચાર દાયકા દરમિયાન વપરાશનો અભ્યાસ ખૂબ જ વિકાસ પામ્યો છે. આ વિકાસમાં ઘણા વિદ્વાનોએ યોગદાન આપ્યું છે, પરંતુ તે તમામમાં ઍન્ગસ ડીટન ખાસ છે. તેમણે ઘણાં મૂળભૂત અને આંતરસંબંધિત યોગદાનો કર્યાં છે, જે વપરાશના માપન, સિદ્ધાંત અને આંકડાકીય વિશ્લેષણ વિશે સીધી વાત કરે છે.’

ધ રૉયલ સ્વિડિશ એકૅડેમીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ‘તેમના સંશોધને કુલ ઉત્પાદન અને વ્યક્તિગત પસંદગીઓને જોડીને, એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને વિકાસના અર્થશાસ્ત્રમાં આવેલા પરિવર્તનમાં મદદ કરી છે. ડીટનના જે કામને સન્માનિત કરવામાં આવી રહ્યું છે, તે મુખ્યત્વે નીચેના ત્રણ પ્રશ્નો પર આધારિત છે :

(૧) ગ્રાહકો વિવિધ વસ્તુઓ પાછળ પોતાનો ખર્ચ કેવી રીતે વહેંચે છે? આ પ્રશ્નનો ઉત્તર વાસ્તવિક વપરાશ તરેહની સમજણ અને અનુમાન માટે આવશ્યક હોવા ઉપરાંત વપરાશવેરામાં પરિવર્તન જેવા નીતિવિષયક સુધારાઓ, જુદા-જુદા વર્ગોના કલ્યાણને કેવી રીતે અસર કરે છે, તેના મૂલ્યાંકન માટે નિર્ણાયક બની રહે છે. ઈ.સ. ૧૯૮૦ની આસપાસના પોતાના અગાઉના કાર્યના સંદર્ભમાં ડીટને દરેક વસ્તુની માંગ તમામ વસ્તુઓની કિંમતો અને વ્યક્તિગત આવક પર કેવી રીતે આધાર રાખે છે, તેના માપનની સરળ, પરિવર્તનશીલ એવી ‘લગભગ આદર્શ માગ પ્રણાલી’ (Almost Ideal Demand System) વિકસાવી. તેમનો અભિગમ અને પાછળથી તેમાં થયેલા સુધારાઓ, આજે શૈક્ષણિક તેમ જ વ્યાવહારિક નીતિમાપન માટેના આદર્શ સાધન તરીકે વપરાય છે.

(૨) સમાજની આવકનો કેટલો ભાગ ખર્ચાય છે અને કેટલો બચે છે? મૂડીનિર્માણ અને વ્યાપારચક્રના વિવિધ આયામો સમજાવવા, સમયગાળા દરમિયાન આવક અને વપરાશ વચ્ચેનો આંતરસંબંધ સમજવો જરૂરી છે. ૧૯૯૦ની આસપાસ કેટલાક સંશોધન-લેખોમાં ડીટને દર્શાવ્યું હતું કે જો કુલ આવક અને વપરાશને આરંભબિંદુ હોય, તો પ્રવર્તમાન વપરાશનો સિદ્ધાંત વાસ્તવિક સંબંધ સમજાવી શકતો નથી. એને બદલે, વ્યક્તિઓ પોતાના વપરાશને તેમની વ્યક્તિગત આવક સાથે કેવી રીતે જોડે છે કે જે કુલ આવકના સંદર્ભમાં જુદી જ રીતે બદલાતો રહે છે. તેના સંદર્ભમાં દરેકે અભિપ્રાય બનાવવો જોઈએ. વ્યક્તિગત માહિતી, કુલ માહિતીનાં વલણોને સમજવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, તેવા આધુનિક સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના વ્યાપક રીતે પ્રયોજાતા અભિગમને આ સંશોધને સરળતાથી રજૂ કર્યો છે.

(૩) આપણે કલ્યાણ અને ગરીબીનું ઉત્તમ માપન અને વિશ્લેષણ કેવી રીતે કરીએ છીએ ? તેમના તાજેતરનાં સંશોધનમાં ડીટને સમજાવ્યું કે વ્યક્તિગત ઘરેલુ વપરાશના સ્તરના આધારભૂત માપનના આર્થિક વિકાસ પાછળ રહેલી પ્રક્રિયાઓ સમજવામાં કેવી રીતે ઉપયોગ થઈ શકે છે, તેમના સંશોધને સમય અને સ્થળમાં પ્રવર્તતી ગરીબીની માત્રાની સરખામણીમાં રહેલી અગત્યની મર્યાદાઓને પણ ખુલ્લી પાડી દીધી. આ સંશોધને એ પણ સાબિત કર્યું કે ઘરેલુ માહિતીનો સમજણપૂર્વકનો ઉપયોગ આવક અને કૅલરી-વપરાશ અને કુટુંબમાં રહેલા લિંગ-ભેદભાવ(gender discrimination)ના પ્રમાણ વચ્ચેના સંબંધને લગતી સમસ્યાઓ પર પ્રકાશ પાડી શકે છે. વિકાસના અર્થશાસ્ત્રના, કુલ માહિતી પર આધાર રાખતા ક્ષેત્રમાંથી વિસ્તૃત વ્યક્તિગત માહિતી પર આધારિત અનુભવમૂલક ક્ષેત્રમાં થયેલા પરિવર્તનમાં ડીટનના ઘરેલુ મોજણીના આગ્રહે મદદ કરી છે.

આમ, ઍન્ગસ ડીટનનું સંશોધન વપરાશના વિવિધ આયામોને આવરી લેતાં વિશાળ ક્ષેત્રમાં વિસ્તર્યું છે. તેમના સંશોધનનો મૂળ હેતુ સિદ્ધાંત અને માહિતી તથા વ્યક્તિગત વર્તનો અને કુલ આર્થિક પરિણામો વચ્ચેનો સેતુ પૂરો પાડવાનો છે.

વિશ્વના તમામ દેશો માટે વિકાસની ‘સાચી માપણી’ અને આર્થિક નીતિઘડતરમાં ડીટનના સંશોધને એક સ્પષ્ટ, મહત્ત્વનો અને વ્યવહારુ આયામ ઊભો કર્યો છે.               

હાઇલેન્ડ પાર્ક, અમદાવાદ-૩૮૦ ૦૧૫

Web Resources : http://scholar.princeton.edu/deaton

                             http://kva.se and

                             http://nobleprize.org

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2015; પૃ. 17

Category :- Opinion Online / Opinion