OPINION

કોણ સંસ્કૃત?

આશા બૂચ
08-12-2015

આજકાલ ‘સંસ્કૃિત’ શબ્દ અનેક સંદર્ભમાં છૂટથી વપરાતો અને ચર્ચાતો જોવા મળે છે. પોતાના જ દેશમાં જન્મીને ઉછરેલા લોકો પોતાની નવી પેઢીના સંતાનો ‘અમારી સંસ્કૃિત આ નવી પેઢી નથી જાળવતી’ તેવી હૈયા વરાળ કાઢતાં હોય છે, વિદેશમાં જઈને તંબુ તાણીને રહેલી પ્રજા તો સતત ‘હાય અમારી સંસ્કૃિત તો સાવ ભુલાતી જાય છે’ તેવું અરણ્ય રુદન સતત કરતાં સંભળાય છે અને એ બધું જાણે પૂરતું ન હોય તેમ ઘણા દેશોની આંતરિક સમસ્યાઓ અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષો માટે પણ વિવિધ સંસ્કૃિતઓ વચ્ચેના તફાવત અને વિરોધાભાસોને જવાબદાર ગણવાનું વલણ જોર પકડતું જાય છે. છેલ્લા ત્રણ-ચાર દાયકાઓથી વકરેલ આતંકવાદ ‘અમારી ધાર્મિક માન્યતાઓ, અમારા સામાજિક મૂલ્યો અને સંસ્કૃિત પર આક્રમણ થાય છે, તેના પર ખતરો પેદા થયો છે માટે જેઓ અમારા પંથના નથી તેમનો સર્વનાશ કરો’ એવી વિકૃત વિચારધારા પર ચણાયેલો જોવા મળે છે. અને એ વિફરેલ આતંકવાદને ડામવા કેસરિયા કરી નીકળી પડેલા તેમનાથી વિશેષ જોરથી સાંપ્રદાયિકતનો દંડ લઈને વાર કરે છે. સવાલ એ થાય કે તો આ ‘સંસ્કૃિત’ની વિભાવના શી ચીજ છે?

આ મુદ્દા પર સ્વ. મનુભાઈ પંચોળીએ એક સુંદર નોંધ કરેલી વાંચવામાં આવેલી. તેમણે કહ્યું છે કે વિલાયતના એક વિચારકના મતે અન્ય જીવ સૃષ્ટિ કરતાં માનવી ત્રણ બાબતે વિશિષ્ટતા ધરાવે છે: 1) કાર્યકારણ બુદ્ધિ, 2) સૌન્દર્યાભિમુખતા, અને 3) નીતિ વિષે અંતરનો અવાજ. જગતની કોઈ પ્રાણી સૃષ્ટિ પાસે આ ત્રણ શક્તિઓ નથી જે મનુષ્ય પાસે છે અને તેથી જ તેની પાસે સંસ્કૃિત છે, તે ‘સંસ્કૃત’ છે તેમ કહી શકાય અને આ ત્રણ લાક્ષણિકતાઓથી તે પ્રાણી, પક્ષી, જંતુઓથી અળગો તરી આવે તે સમજાય તેવું છે.

હવે જો આ ત્રણ લાક્ષણિકતાઓને સંસ્કૃત હોવાનું માપદંડ ગણીએ તો ગોરા કે કાળા, ક્રિશ્ચિયન કે મુસ્લિમ, હિંદુ કે સીખ, પશ્ચિમી દેશોના રહીશ કે પૂર્વીય દેશોના રહેવાસીઓ, શહેરી કે આદિવાસીઓ, ભણેલા કે અભણ, ગરીબ કે તવંગર, ઉત્તર ગોળાર્ધમાં રહેનારા કે દક્ષિણ ગોળાર્ધના રહેવાસીઓ એ બધા જૂથોમાંથી કોણ વધુ કાર્યકારણ બુદ્ધિ, સૌન્દર્યાભિમુખતા અને નીતિ વિષે અંતરનો અવાજ ધરાવે છે અને પરિણામે કોણ વધુ સુસંસ્કૃત છે એ કહી શકાય ખરું? સંસ્કૃત હોવાના આ માપદંડમાં સાક્ષર હોવું, અમુક ધાર્મિક પંથના હોવું કે ભૌતિક સુખના સાધનોના માલિક હોવાનું જરૂરી નથી મનાયું. છતાં દુનિયા કેમ આજે અમુક ધર્મના અનુયાયીઓને, વિશિષ્ટ પ્રકારનું શિક્ષણ પામેલાને અને ધનવાન લોકોને જ ‘સંસ્કૃત’ ગણે છે?

હાથી અને વ્હેલ જેવાં પ્રાણીઓ કદમાં માનવીથી અનેક ગણાં મોટાં છે તો વળી કીડી જેવાં જંતુઓ સામાજિક રચનામાં માનવ સમાજ રચના કરતાં વધુ વ્યવસ્થા ધરાવતા માલુમ પડ્યા છે પરંતુ બુદ્ધિ પૂર્વક કાર્ય-કારણનો વિચાર કરીને નિર્ણય લેવો, સૌન્દર્ય દ્રષ્ટિને મધ્ય નજર રાખી વ્યક્તિગત અને જાહેર જીવનનું આયોજન કરવું અને નૈતિક મૂલ્યોને જીવનમાં વણી લેવા એ માત્ર માનવ જાત માટે જ શક્ય છે. ઈશ્વરદત્ત આ બક્ષિસનો આપણે સદ્દઉપયોગ કરીએ છીએ ખરા? આધુનિક અર્થ વ્યવસ્થાને પરિણામે ઉત્પન્ન થયેલી આર્થિક અને સામાજિક અસમાનતા આપણી કાર્ય-કારણની સમજણની ઉણપ ઉઘાડી પાડે છે. પ્રાકૃતિક સ્રોતોનો કરોડો હાથ વડે થતો ઉપભોગ માનવ જાતની સૌન્દર્ય પીપાસાનું લીલામ થઈ ગયાનું અને જરૂરિયાતોને અતિક્રમી જવાની તેની લોભી વૃત્તિનું પ્રમાણ છે. વિશ્વ ભરમાં ઉઘાડે છોગ અને બંધ બારણે થતા શત વિધ પ્રકારના અન્યાયો અને ફલસ્વરૂપ આચરવામાં આવતી હિંસા સાબિત કરે છે કે મહા મહેનતે મળતો માનવ અવતાર નીતિ અને ધર્મ ભાવનાથી યોજનો દૂર જવાને પરિણામે એળે જતો હોય તેમ ભાસે છે. શું આજે આપણે દાવો કરી શકીએ કે હા, માનવ જાત ઉપરોક્ત ત્રણ લાક્ષણિકતાઓ ધરાવે છે અને તે ખરા અર્થમાં સુસંસ્કૃત છે?

પેરિસમાં તાજેતરમાં પર્યાવરણ સમિટ મળી, જે વર્ષોવર્ષ મળે છે, કેટલાક નિર્ણયો લેવાય છે અને નીર્ધારેલ સમયે પ્રદૂષણ ઓછું કરવાના પ્રયત્નોમાં નિષ્ફળ જવાના કારણો માટે પોતાના સિવાયના અન્ય દેશોને જવાબદાર ઠેરવીને રાજકારણીઓ અને તેમના દેશના પ્રજાજનો ફરી એવી જ ભુખાળવી જીવન પદ્ધતિમાં જોતરાઈ જતા જોઈએ છીએ.

‘ભોમિયા વિનાના મારે ભમવાતા ડુંગરા’ એ કાવ્ય ઝરણાને કિનારે પાણી પીતાં હરણાં ન લખી શકે, એ વરદાન માત્ર માનવીને જ મળ્યું છે, તો એ ઝરણાં વહેતાં રહે એ ફરજ પણ તેની જ છે, નહીં તો તેને સંસ્કૃત કેમ કહેવો? પશુ-પક્ષી પોતાનું ઉદર પોષણ કરવા અને પોતાનાં બચ્ચાંને ઉછેરવા ખોરાક લાવે અને થોડો સંગ્રહે તે જોયું છે પણ તેનામાં પોતાની કે અન્ય જાતિના પશુ-પક્ષીને ભૂખે મરતાં હોય તો પણ ભાગ પાડીને આપવાની ક્ષમતા નથી, એ નૈતિક ભાન તો માનવીને જ હોય છે. એટલે જો માણસ પોતાને જરૂરી હોય તે કરતાં વધુ ખોરાકના જથ્થાનો સંગ્રહ કરે, વધુ પડતો ભાવ લઈને વેંચે, તેના કાળા બજાર કરે અને પોતાનાં જ ભાંડરૂ ભૂખ્યાં હોય છતાં અનાજનો વ્યય કરે તો તેને સંસ્કારી કેમ ગણવો?

આપણા શાસ્ત્રમાં લખ્યું છે:

આહારનિદ્રાભય મૈથુનમ ચ સામાન્યમેતત પશુભિર્ન્રાણામ
ધર્મો હિ તેષાં અધિકો મતો મે ધર્મેણ હીના: પશુભિ: સમાના

આહાર નિદ્રા અને મૈથુનને અંકુશમાં રાખવાની શક્તિ એ જ માનવીને પશુથી અલગ પાડનારું તત્ત્વ છે, એ જ ધર્મનો બોધ છે અને ધર્મ પાલન વિનાનો મનુષ્ય પશુ સમાન છે. જ્યારે આજે તો વધુ પડતો આહાર આરોગનારો અથવા વ્યય કરનારો, અનિયમિત નિદ્રા લેનારો અને નિરંકુશ મૈથુનમાં રાચનારો, પોતાના અંતરનો અવાજ ન સંભળાય તેટલાં ઉપકરણો વસાવનાર આદમી ઊંચા વર્ગનો, આદરણીય અને સંસ્કૃત ગણાય છે. લોકો સ્થાપિત ધાર્મિક ક્રિયાકાંડથી દૂર જાય તેની એટલી ચિંતા નથી જેટલી એ નૈતિક મૂલ્યોથી વેગળો થઈ રહ્યો છે તેની છે.

આપણા શાણા પૂર્વજોએ એમ પણ કહ્યું છે:

વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ: પરેશાં પરિપીડનાય
ખલસ્ય સાધોર્વિપરીત મેતત જ્ઞાનય દાનાય ચ રક્ષણાય

આપણે સંસ્કૃત છીએ એ સાબિત કરવું હોય તો વિદ્યાવાન બનીને બીજાને જ્ઞાન આપીએ, ધનવાન બનીને ધનનું છુટ્ટે હાથે દાન કરીએ અને બળવાન બનીએ તો નિર્બળનું રક્ષણ કરીએ; અને તો જ રામના સાચા અનુયાયી ઠરીએ નહીં તો રાવણના વંશ જ કહેવાઈએ. જે ઉપરોક્ત શ્લોકનો અમલ કરીને જીવે તે સંસ્કૃત, ન કરે તે લગીરે સંસ્કૃત ન કહેવાય.

આજે જાણે દુનિયાના તમામ દેશો પોતાને આધુનિક, સહિષ્ણુ, ઉદારમતવાદી અને સર્વસમાવેશી ગણાવવાની હોડમાં પડ્યા છે, ત્યારે ભારત પણ કેમ પાછળ રહે? ભારતની પુરાતન સંસ્કૃિત વિષે પુરાતત્વીય શોધને આધારે વ્યવસ્થિત ગ્રથિત માહિતી હજુ જોઈએ તેટલી ઉપલબ્ધ નથી પરંતુ આપણાં શિલ્પ-સ્થાપત્ય અને ચિત્રકલામાં સંસ્કૃિતના દર્શન થાય છે, એ સાહિત્ય, નાટ્ય, સંગીત, નૃત્યમાં ધબકે છે અને લોકકળાઓમાં શ્વસે છે. ભારતની યુવા શક્તિ આજે ટેકનોલોજી ક્ષેત્રે અપરાજિત ભાસે છે તો તેનો સદુપયોગ કરી ગુજરાતની વાત કરીએ તો જેસલ-તોરલની સમાધિ, તાનારીરીનું સ્મારક, નરસિંહ મહેતાનો ચોરો અને કીર્તિમંદિર અને દેશ આખામાં પથરાયેલ તેના જેવાં અસંખ્ય ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં સ્થળો વિષે પૂરતી માહિતી એકઠી કરી વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ કરી, તેની જાળવણી કરી, એવા સ્થળોએ જવાની અને રહેવાની સુવિધાઓ કરી અને તેને અનુલક્ષીને આગવા ઉત્સવો ઉજવીને તેને ચિરંજીવ બનાવવાનું બીડું ઝડપવું જોઈએ. જો કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં પ્રવાસન વિભાગે એ દિશામાં પ્રશંસનીય કામ કર્યાનું જાણમાં આવ્યું છે. એક બાજુ મોટા ભાગના ધર્મના પ્રચારકો પરલોકની વાતો કરે, સ્વર્ગમાં સ્થાન મેળવવા પુણ્ય કમાવાના રસ્તા બતાવે છે પણ આ લોકનાં વંદનીય તેમ જ સામાન્ય જન જીવનની તવારીખો ન સચવાય તો સૌને પોતપોતાની અને અન્યની સંસ્કૃિતની મહાનતાનો સાક્ષત્કાર કેવી રીતે થાય?

એક એવી માન્યતા છે કે વેદ સમયના ઋષિઓ માત્ર વેદ રચના કરતા, પરંતુ હકીકત એ છે કે તેઓ ખેતર ખેડતા અને રાજ્ય કરતા અને એટલે લડતા પણ ખરા પણ સાથે જ પરમ સત્યની શોધ પણ કરતા, જેની ગાથા સુંદર છંદોમાં કરી. ભારતીય સંસ્કૃિત અનેક હાથ વડે ઘડાયેલી છે, કોઈ એક વિરાટ માનવે વામણા અને અજ્ઞાન લોકો માટે બનાવેલ કોઈ યોજના નથી. સનાતન ધર્મના ઉદ્દભવ સમયે કોઈ મંદિર નહોતાં, મૂર્તિઓ નહોતી કે મૂર્તિ પૂજા ય નહોતી. કુદરતના સર્જનહાર અને તેની રચેલી તમામ પ્રકૃતિ એકબીજા સાથે સહયોગ યુક્ત સન્માનથી રહેતી, જરૂર પૂરતું લેતી અને તે બદલ કુદરતનો ઉપકાર માનવા વેદીમાં કુદરતે આપેલ સમિધો ‘ઈદમ ન મમ’ - આ મારું નથી એવા નિ:સ્વાર્થ ભાવે હોમતી.

ચાલો આપણે ફરી એ સમયમાં પાછા જઈએ. ખુલ્લા આકાશ નીચે જીવતા સહુ માનવો પોપોતાના કર્મ રૂપી ધર્મ બજાવી પોતપોતાનો યજ્ઞ કરી લે, કોઈ બ્રાહ્મણ-પુરોહિતની જરૂર નહીં કેમ કે સહુને યજ્ઞ ક્રિયાનું જ્ઞાન હશે. વેદકાળમાં એવી વ્યવસ્થા હતી કે જે ગાયો ચારે તે કાવ્યો પણ રચતાં, કાપડ વણે તે વેદ ઋચાઓ પણ ઉચ્ચારતા. આમ જો સમાજના બધા સભ્યો બધા પ્રકારનું કામ કરે તો એક વિશિષ્ટ સમૂહનો અમુક કાર્યો કરવા પરનો વિશેષાધિકાર ન રહે અને પરિણામે એક સમૂહ દ્વારા બીજા સમૂહના શોષણ થવાનો સવાલ જ ન રહે. પણ એવી સ્થિતિ લાવવા માટે દેશના તમામ નાગરિકોને ઉચ્ચ કક્ષાનું ઉત્તમ શિક્ષણ મળે તેવી સુવિધા કરવી જોઈએ અને દરેક વર્ગને વેઠમાંથી મુક્તિ મળે તેવી અર્થવ્યવસ્થા કરવી રહી. આમ બને તો જ સ્ત્રીઓ પણ સક્ષમ થાય. વેદ-ઉપનિષદ કાળમાં થઈ ગયેલી લોપામુદ્રા અને ગાર્ગી જેવી વિદુષીઓ એકાકી હતાં કે તે જમાનાનો તમામ સ્ત્રી વર્ગ સુશિક્ષિત હતો તેના તો કોઈ પુરાવા આપણી પાસે નથી, પણ આજે કોઈ એક મહિલા પોતાના રાજ્ય કે દેશના વડા બને, અવકાશમાં જાય કે કોઈ કંપનીમાં ઉચ્ચ પદ ભોગવે એવા 4% મહિલાઓની ઉન્નતિથી બાકીની 96% સ્ત્રીઓની દશાનું માપ કેમ નીકળે? જરૂર છે ઊભી દિશામાં થઈ રહેલા વિકાસને પ્રસરાવીને ક્ષિતિજની રેખાઓ સુધી ખેંચી જઈને વધુમાં વધુ માનવ સમૂહને સમાવવાનો, ત્યારે જ માનવ ખરો સંસ્કૃત કહેવાશે.  

સમયે સમયે માનવી સ્થળાંતર કરે, રાજાઓ પોતાના રાજ્ય વિસ્તારની પિપાસા છીપાવવા ચડાઈઓ કરે ત્યારે સ્થાનિક પ્રજાને મારીને સ્થાયી થતા તેનો ઇતિહાસ સાક્ષી છે. પણ એવા સામ્રાજ્ય વિસ્તાર માટેની ચડાઈઓ પછી બંને પ્રજાઓ અને રાજા-પ્રજા વચ્ચે સુમેળ અને સમાધાન ન સધાય તો રાજ્ય વહીવટ અને પ્રગતિ સાધવાનું અશક્ય બને તે પણ એટલું જ સાચું છે. આર્યો-અનાર્યો, યુરોપીયનો-નેટિવ અમેરિકાનો અને અંગ્રેજો-માઓરી વગેરે જેવી અનેક પ્રજા કેવી રીતે છેવટ સમાધાન સાધીને સાથે રહી તે તેના જ્વલંત ઉદાહરણો છે. સવાલ એ છે કે નાશવંત જાતિઓની સંસ્કૃિત જાણવાનું, જાળવવાનું અને તેનો પુનરુત્થાન કરવાનું કામ કોણ કરે? બહારથી આવેલી આક્રમક પ્રજાને પોતાની સત્તા ટકાવવા, પોતાની જીવન પદ્ધતિ બીજા પર ઠોકી બેસાડવામાં જ લાભ જણાય અને જે તે પ્રદેશની મૂળ પ્રજાને પોતાની સંસ્કૃિતના હ્રાસ લગીરે માન્ય ન હોય ના એમાંથી સંઘર્ષમય સ્થિતિ પેદા થાય એ સમજાય તેવું છે. અમેરિકામાં શ્વેત  અને અશ્વેત લોકો માટે પાણીના નળ જુદા હતા, તો ભારતમાં હજુ આજે પણ કેટલાંક ગામડાં ઓમાં સવર્ણ અને અછૂતો માટે જુદા કૂવા કે નળ પર પાણી ભરવાના સમય જુદા હોય છે. આવા ભેદભાવ દૂર કરવાનું ક્યારે શીખશું? જોવાનું એ છે કે સમયના વહેણ સાથે આર્ય-અનાર્યનું લોહી એક થઇ ગયું, તો હવે ધર્મના અને નાત-જાતના વાડા નડે છે. લોહી કે પાણીનો રંગ એક જ છે, માણસની આંખ અવળું જુએ છે. આપણે કહીએ છે કે ‘મારી સંસ્કૃિત મારા રગમાં - લોહીમાં છે’ સાથે એમ પણ માનીએ છીએ કે બીજાનું લોહી અશુદ્ધ છે, મારું શુદ્ધ છે, માટે મારી સંસ્કૃિત સાચવવા બીજા સાથે કોઈ પ્રકારનો વ્યવહાર ન કરવો એટલું જ નહીં, તેમને નિષ્કાસિત કરવા, જાનથી મારવા નહીં તો અમારી અશુદ્ધિ વધશે અને સંસ્કૃિત નહીં  બચે. ગજબ છે આ વિચાર (કે કુવિચાર?) પોતાની સંસ્કૃિત શુદ્ધ રાખવા બીજી સંસ્કૃિતના માનવોને મારવા એ સંસ્કૃત પગલું ગણાય? અરે કરુણતા તો એ વાતની છે કે આજે સામાન્ય માણસને આજે કઈ તારીખ છે કે કાલ શું કામ કરવાનું છે એ યાદ નથી રહેતું, પણ 1500 વર્ષ પહેલાં પોતાના ધર્મમાં થયેલ મતભેદોને આધારે આજે પણ એકબીજાને રહેંસી નાખવાનો ઉપક્રમ યાદ રહે છે, 150 કે 900 વર્ષ પહેલાં થયેલી લડાઈ કે આચરાયેલા દમનનું વેર કોઈ એક પ્રજાની સામૂહિક કતલ કરવાનું યાદ રહે છે. આ વર્તન કરનારને કઈ સંસ્કૃિતના સભ્યો કહીશું?

કેટલીક વાતો સમજવા જેવી છે જે આપણા સંત-મહંતોએ ગાઈ-વગાડીને કહી છે, અને તે એ કે જીવનમાં જન્મ મહત્ત્વનો નથી, કર્મ અને સંસ્કાર મહત્ત્વનાં છે. સંસ્કૃિત એ ખીલવવાની અને શીખવા-શીખવવાની ચીજ છે, બીજાની સંસ્કૃિતનો નાશ કરવાથી પોતાની પણ રસાતાળ જશે. અન્યની જીવન પદ્ધતિ કે વિચારધારાથી દોરાવાને બદલે કે તેનાથી દૂર ભાગવાને બદલે તેને સમજવાની કોશિશ  કરીએ, તેમાંથી જેટલું સારું લાગે તે ગ્રહણ કરીએ, બાકીનું તેમને માટે છોડી દઈએ. પોતાની અસ્મિતાનો લોપ કર્યા વિના દિલથી આપવું-લેવું તેનું નામ ‘સમન્વય’. વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક સ્તરે જીવન જીવવા માટે શું મહત્ત્વનું, શું ગૌણ, કેટલું અંદરનું, કેટલું ઉપરછલ્લું અને શું શાશ્વત, શું ક્ષણિક છે તે વચ્ચેના ભેદ સમજાય તો ભયો ભયો. આવું જ્ઞાન લાધે તો માનવીય મૂલ્યો મહત્ત્વનાં અને અમુક પોષાક ગૌણ, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અંદરની બાબત અને પ્રાર્થના કરવાની રીત બહારની બાબત, સત્યમય જીવન એ શાશ્વત અને ભૌતિક સુખ એ ક્ષણિક છે, એમ સમજાઈ જશે અને તો આ બધા વાદ વિવાદ અને સંઘર્ષો ખત્મ થઈ જશે. આર્ય-અનાર્યના મિલન પછી સમાજમાં વ્યવસ્થા લાવવા ચાર વર્ણ થયા હશે. તે પહેલાંની ત્રીવર્ણીય પ્રથામાં નીચલા વર્ણને પોતાના કર્મને આધારે ઉચ્ચ શિક્ષણ મેળવી ઊંચી દિશામાં આગળ જવાની સગવડ હતી. મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન - વ્યાસ શ્યામ હતા - એક માછી કન્યાના પુત્ર એ શું આપણે નથી જાણતા? રામાયણના કવિ કોળી જાતના અને ધંધે લુંટારા હતા વાલ્મીકિ, પણ તેમની મહાનતા તેમની મહાકાવ્યની રચનાને આભારી છે. આ બધું સૂચવે છે કે તે સમયની વર્ણ વ્યવસ્થા આજે છે તેવી સ્થગિત નહોતી. આજે કહેવાતા ભણેલા લોકોએ પોતાની જાતને પ્રશ્ન પૂછવા જેવો છે કે વ્યક્તિ અને સમષ્ટિની પ્રગતિ માટે જન્મ મહત્ત્વનો કે સંસ્કાર અને પુરુષાર્થ અગત્યનો?

હિંદુ ધર્મનાં શાસ્ત્રો, સંતોના કવનો અને ઉપદેશો માનવ માત્ર માટે ઉત્તમોત્તમ સંદેશથી ભરપૂર પડ્યાં છે:

“એકમ સત, વિપ્રા બહુધા વદન્તિ”

“એકો દેવ: કેશવો વા શિવો વા”

“ઘાટ ઘડિયા પછી નામ રૂપ ઝૂઝવાં, અંતે તો હેમનું હેમ હોયે”

ભારતીય પ્રજાને પોતાના દેશમાં રહેતા હોય કે વિદેશમાં, જો પોતાની જાતને ‘સંસ્કૃત’ કહેવડાવા હોય તો આ અને આવા ઉપદેશોનો શો અર્થ ઘટાવ્યો, તેને કેટલા પચાવ્યા અને તેમાંનું કેટલું અમલમાં મુક્યું એની જાત તપાસ કરવી રહી. જો દરેક વ્યક્તિ પોતાના ઘરમાં, કામના સ્થળે અને જાહેરમાં પોતાના દરેક કાર્યને એ કાર્યકારણ બુદ્ધિથી તર્કથી ચકાસે, એ સૌદર્યની જાળવણી અને વધારો કરનાર છે કે નહીં તે તપાસે અને નીતિમત્તાના ધોરણોને પગલે ચાલનાર છે એવા અંતરના અવાજની અનુમતિથી ચાલે તો પોતે સંસ્કારી બનશે અને તેની આસપાસનો સમાજ આપોઆપ સંસ્કૃત થશે.

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion

ગઈકાલ અને આવતીકાલ વિશે કંઈ પણ કહેતા પહેલાં હું મારી ઓળખ આપવી જરૂરી સમજું છું. હું મારી જાતને પ્રથમ ક્રમે માણસ, બીજા ક્રમે ભારતીય અને ત્રીજા ક્રમે શિક્ષક માનું છું. અને આ ત્રણ સિવાયની અન્ય કોઈ જાતિ કે ધર્મ વિષયક ઓળખ મને મંજૂર નથી. મારી ઓળખમાં જ મારા કર્મ અને ધર્મ બંનેનો સમાવેશ થઈ જાય છે.

 આ વિશાળ દેશ, એની ભાતીગળ પ્રજા, વિવિધ ભાષાઓ, ઉત્સવો, ધર્મો, રીતરિવાજો, શ્રદ્ધા અને અંધશ્રદ્ધાઓ ... અને છતાં ય એમાં વસનારા માનવીઓમાં કેટલું તો સામ્ય? અભાવની કોઈ ફરિયાદ કર્યા વગર જીવ્યે જતી આ દેશની પ્રજાએ હંમેશાં ‘સર્વ’નો વિચાર કર્યો હતો. આ દેશની પ્રજાએ હંમેશાં અજાણ્યાને આવકાર આપ્યો છે. પડોશીને પ્રેમ કરતી આ પ્રજાએ મંદિર કે મસ્જિદ કરતાં થાનક કે દરગાહને વધુ મહત્ત્વ આપ્યું છે. પોતાના ધર્મ જેટલા જ આદર સાથે આ દેશના વાસી બીજા ધર્મનો પાઠ કરતા. આ મહાદેશને, એની પચરંગી પ્રજાને પરસ્પર બાંધી રાખતું તત્ત્વ ધર્મ કદી ન હતું. એ સંસ્કૃિત છે જેણે આ દેશની પ્રજાઓને કાયમ જોડવાનું કામ કર્યું છે. હું એ ભારત દેશની વતની છું જ્યાં સંસ્કૃિત કાયમ ધર્મથી ઉપર મનાતી. જ્યાં નદીઓ, દરિયા, પર્વતો, દિશાઓ, વૃક્ષો જેવાં કુદરતી તત્ત્વોની પૂજા કરતી પ્રજા પોતાને ગંગાના, નર્મદાના, હિમાલયના સંતાન તરીકે ઓળખાવતી. જે પ્રજાના સદ્દભાવ, સૌહાર્દ અને સહિષ્ણુતાના દાખલા દેવાતા. જેનાં સંગીત, સ્થાપત્ય, કસબ અને કારીગરી દુનિયાભરમાં વિખ્યાત હતાં. જેની ભૌતિક અને નૈસર્ગિક સમૃદ્ધિ દુનિયાભરની પ્રજાઓને પોતા તરફ ખેંચતી. મન-હૃદયની સહજતા અને ઉદારતા હોય તો જ ‘કામસૂત્ર’ જેવા ગ્રંથની સમાંતરે કોણાર્ક કે ખજૂરાહોની ભવ્ય રમણિયતાના દર્શન થાય. ઋષિઓના આશ્રમો પછી અહીં તક્ષશિલા, નાલંદા કે વલ્લભી જેવી વિદ્યાપીઠોમાં ચોદિશથી લોકો જ્ઞાનપ્રાપ્તિ માટે આવતા હતા. મારા દેશની આ ગઈકાલ, એના ભવ્ય વારસાનો મને ગર્વ છે. આ સાંસ્કૃિતક ધરોહર, હજારો સદીઓના આ ઇતિહાસ, જ્ઞાનના અખૂટ ભંડારોની હું વારસદાર છું એનું મને અભિમાન છે.

પણ હું મારી ‘આજ’નું શું કરું જે ધરાર મને આ દેશની માનવા તૈયાર નથી ? દરેક ક્ષણે મારી ભારતીયતા પુરવાર કરવાની લાચારીનું શું કરું ? કોણે ક્યાં જન્મ લેવો એ તેના હાથની વાત નથી. મને મારા ભારતીય હોવા પર ગર્વ છે તો ‘શરીફા’નામ બદલ લેશમાત્ર અફસોસ નથી પણ એ નામ બદલ હજારો વર્ષના ઇતિહાસનો ભાર મારા ખભા પર ખડકનારાઓનું હું શું કરું ? મારી દેશભક્તિ પર મન થાય ત્યારે શંકા કરી લેનારાઓનું શું કરવું ? વાત ‘હું અને મારું ભારત’ છે એટલે લાખ કોશિશ કરીશ તોયે આ ‘હું’ તો ધરાર વચ્ચે આવશે જ.

મારા માટે ભારત શું છે ખબર છે? જ્યાં શીતળા માતાને પગે લાગતા, રામલીલામાં ભાગ લેતા, દુર્ગાની કે ગણપતિની મૂર્તિ બનાવતા, અમરનાથના પવિત્ર લિંગની પૂજા કરતા મુસ્લિમો છે, જ્યાં તાજિયાને પાણી પીવડાવતા, અજમેર શરીફની બાધા લેતા હિન્દુ છે, જ્યાં શિરડી કે જલારામના વીરપુર જવામાં કોઈ ધર્મનો બાધ નડતો ન હોય, જ્યાં નવરાત્રિ-દિવાળી-હોળી કે પતંગના પેચમાં રોજીરોટી મહત્ત્વની હોય, ધર્મ નહીં. જે દેશમાં મીર, ગાલિબ, મઝહબ કે શહરયારને, મહંમદ રફી, નૌશાદ, દિલીપકુમાર કે વહિદા રહેમાનને ચાહવામાં ધર્મ જરાય નડતો ન હોય એ મારું ભારત. સાવ નજીકના ભૂતકાળ સુધી એ એવું જ હતું. જે પ્રજાએ કાયમ સહિયારી સંસ્કૃિતનાં ફળ ચાખ્યા હતાં, ધર્મને ઘરના ઉંબરાની અંદર જ રાખ્યો હતો, એ પ્રજા ધર્મના નામે વહેંચાઈ એ બિંદુથી જ હું વાત માંડું તો કંઈક આવું કહેવાનું મન થાય :

આઝાદી સમયે થયેલી વરવી કત્લેઆમ અને દેશના ભાગલા છતાં એ વેળાએ અને પછીના દસ-પંદર વર્ષો સુધી દેશમાં શુદ્ધ ભારતીયોની જમાત, લોકનેતાઓની જમાત ખાસ્સી પ્રભાવશાળી હતી. દેશના વાતાવરણમાં, રાજકીય નેતાગીરીમાં હજી ગાંધીમૂલ્યોનો પ્રચંડ પ્રભાવ હતો. સાધ્ય માટે સાધનશુદ્ધિનો આગ્રહ હજુ બાજુ પર હડસેલાયો ન હતો. મૂલ્યહ્રાસનો યુગ બસ શરૂ જ થઈ રહ્યો હતો. ગાંધીના પ્રભાવે જે સો ટચના સોના જેવા માણસો ઘડ્યા હતા એ દેશના લગભગ તમામ ક્ષેત્રે સક્રિય હતા. પ્રજાનો પરસ્પર પરનો વિશ્વાસ હજુ નંદવાઈ નો’તો ગયો. પ્રજા પોતાના પડોશીઓથી ભડકતી ન હતી, પરંતુ ’70 પછી ઘરઆંગણાની કુટિલ રાજનીતિએ અને વિશ્વઆંગણે પલટાયેલી પરિસ્થિતિએ પ્રજાકીય સ્તરે આપણને સાવ બદલી નાખયા. જવાબદાર પરિબળો તો અનેક છે પણ પરિણામ માત્ર એક જ આવ્યું. આપણે સર્વધર્મ સદ્દભાવ, સમાદર, સહિષ્ણુતા, સાધનશુદ્ધિનો આગ્રહ – બધું જ ખોઈ બેઠાં. ભારતીય તરીકેની ઓળખ ગુમાવીને નાના નાના સંપ્રદાયો, વાડાઓમાં જઈ બેઠાં. અમારી આધ્યાત્મિકતા અચાનક જ ધાર્મિકતામાં વટલાઈ ગઈ. સાવ નજીકના ભૂતકાળ સુધી લગભગ દરેક ઘરમાં ડ્રાઇવર, ઘોડાગાડીવાળા કે ચોકીદાર તરીકે મુસ્લિમો જ કામ કરતા. પ્રામાણિકતા અને વફાદારીની મિસાલ ગણાતી આ પ્રજાને આજે ન તો કોઈ પડોશમાં ઘર આપે છે, ન એને એની લાયકાત પ્રમાણે નોકરી મળે છે. પરસ્પર પરનો વિશ્વાસ આપણે ક્યાં ખોયો તેની તપાસ કરવાને બદલે આપણે એકમેકથી અલગ રહેતા થયા, અલગ મહોલ્લાઓ, અલગ વિસ્તારો ... એટલે હું એવું કહીશ કે ગઈકાલે તો માત્ર એક જ પાકિસ્તાન બન્યું હતું પણ આજે તો હું અને તમે ન જાણે કેટલા પ્રકારના પાકિસ્તાનો બનાવી બેઠા છીએ ! આજે હવે રામ-રહીમનગર નથી બનતા, ગઈકાલ જેવી વસંત-રજબની જોડી નથી બનતી, એ મારા દેશની વર્તમાન વસમી વાસ્તવિકતા છે.

હું સૌરાષ્ટ્રના ખોબા જેવડા ગામડામાં મોટી થઈ, જ્યાં ધર્મ ઘરના ઉંબરાની માલીપા રહેતો. ગુરુકુળમાં ભણવાને કારણે મને હોમ-હવન, હનુમાનચાલીસા, ગાયત્રીમંત્ર કે મધુરાષ્ટકમ્, ભજનો, આરતી બધું જ જીભના ટેરવે .... બારમા ધોરણ સુધી કોઈના પણ ઘરે કથા હોય તો ભજનો ગાવા જતી, મારા ગામની સ્ત્રીઓને બોળચોથ, નાગપાંચમ, શીતળાસાતમની વાર્તાઓ કહી સંભળાવતી. રામાયણ, મહાભારત કે ભાગવત ... બધું કાયમ પોતીકું જ લાગતું, શુદ્ધ શાકાહારી, કપાળમાં પાવલી જેવડો ચાંદલો ... પણ થયું શું ? નામ નડ્યું જ. હાથમાં રોકડા પૈસા હોવાં છતાં સુરત શહેરના દરેક ખૂણે મારા માટે નર્યો નકાર જ સંભળાયો : તમને આપીએ તો અમારા બીજા ફલેટ્સ ન વેચાય’, ‘તમારા વિસ્તારમાં લો ને ...., ‘નામ બદલી લો ને ...’ જવાબો જુદા જુદા હતા પણ અર્થ એક જ હતો. હું તમારા બાળકોને ભણાવી શકું, જિંદગીનો રસ્તો દેખાડી શકું, રામાયણ-મહાભારત પર વ્યાખ્યાન આપી શકું, પણ તમારા પડોશમાં રહી ના શકું. કેમ ? હું માત્ર માણસ હોઉં, ભારતીય હોઉં તો મારે કોઈ અલગ વિસ્તારમાં શા માટે જવું પડે ? માણસ તરીકેની મારી ધારણાના પાયા હચમચી ગયેલા. મારું વજૂદ તળે ઉપર ગયેલું. મેં તમામ તાકાતથી ઇતિહાસને મારા ખભા પરથી ખંખેરવા કોશિશ કરેલી, પણ થયું શું ? હું વ્યક્તિ બનવા ગઈ, નરી માનસ બનવા મથી, પણ પરિણામ તો સમૂહ તરીકે જ વેઠવાનું આવ્યું. મારા વર્તનના માહોલે મને સમજાવ્યું કે હવે આ દેશને નર્યા માણસનો ખપ નથી. મારા દેશની ગઈકાલ તો ગંગાજમુનાની સંસ્કૃિતને સ્વીકારાતી હતી, પ્રજાના હૈયાઓના સહિયારા ગીતને એના સહજીવનના મીઠાં ફળને માનતી હતી પણ મારી ‘આજ’ એને નકારે છે. માત્ર ટીલાં-ટપકાં, દાઢી-ચોટી, ધોતી-ટોપી જેવાં બાહ્ય કર્મકાંડો પૂરતી સીમિત થઈ ગયેલ ધર્મની સમજ મહાઆરતી કે નમાજને બહાને અમે બજારોમાં ઉછાળી રહ્યા છીએ. ધર્મનાં સત્ત્વ કે તત્ત્વને વિસારે પાડીને, ધર્મના નામે પ્રજાને બહેકાવતાં તત્ત્વો મારા દેશની આવતીકાલને ધૂંધળી બનાવી રહ્યાં છે. ‘હદીસ’ ફરમાવે છે : “તુમ દૂસરોં કે ખુદા કો બૂરા ના કહો તાકિ વહ તુમ્હારે ખુદા કો બૂરા ન કહે. તુમ દૂસરોં કે મઝહબ કો ...’ પણ મારી આસપાસ આજે બધા પોતપોતાના ધર્મને ચડિયાતો પુરવાર કરવાની ઘેલછામાં પડ્યા છે. આ દેશને આજે જરૂર છે એક તાંતણે બાંધનારી સંસ્કૃિતની સર્વોપરિતા ફરી પ્રસ્થાપિત કરનારા લોકનેતાની, વિચારોની આગમાં પાણી રેડનારી જીભોની, તમામ ભેદભાવોથી ઉપર ઊઠીને માત્ર દેશ માટે વિચારનારા થોડાક કોઠા ડાહ્યાઓની આજે બહુ જરૂર છે.

મારા દેશમાં શિક્ષણ કદી પણ માહિતી પાસે અટકી જવામાં નો’તું માનતું. માહિતીથી જ્ઞાન અને જ્ઞાનથી ડહાપણ – એ જ શિક્ષણનું ધ્યેય હતું. પણ આજે તો માહિતી પાસે અટકી જનારું શિક્ષણ માત્ર સપાટી પર છબછબિયાં કરનારો માસ જ બહાર પાડી રહ્યું છે. ભવ્ય શિક્ષણ સંસ્થાઓની પરંપરા આજે લગભગ આખા દેશમાં ખતમ થવાને આરે છે. શિક્ષણ એક ધંધાદારી પેઢી કે હાડટીમાં ફેરવાતું જાય છે. શિક્ષણક્ષેત્રે કૂવાઓ લગભગ ખાલી છે અને હવાડાઓને ભરવાની કશી પડી પણ નથી. ન તો પ્રજાકીય નિસબત બચી છે, ન એવા લાંબું જોઈ શકે એવા શિક્ષણશાસ્ત્રીઓ બચ્યા છે. આવતીકાલે ટાગોર કે જગદીશચંદ્ર બોઝને પરદેશમાં શોધવા પડે એટલી હદે દેશનું બુદ્ધિધન પરદેશ ઠલવાઈ રહ્યું છે. શિક્ષણ વડે વ્યક્તિત્વ વિકાસવાળી વાત જ કોરાણે મૂકાઈ ગઈ છે. આજે જે દેશનું શિક્ષણ ખાડે જાય તેનું સઘળે ખાડે જાય એટલે જ આવતીકાલની વધુ ચિંતા થાય છે.

મને મારા ઘર, કુટુંબ, સમાજ સાથે માતૃભાષા બાંધે છે. મારા સપનાની ભાષા, વ્યક્ત થવાની ભાષા પણ માતૃભાષા જ છે, પણ દુનિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં આજે બધી જ પ્રાદેશિક ભાષાઓ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. અંગ્રેજી માધ્યમ પાછળ ઘેલી થયેલી આ પ્રજા આવતીકાલ વિશે વિચારવા જ નથી માગતી, એનું શું કરીશું ?

ગઈકાલ સુધી દીકરીઓ મનફાવે ત્યારે, મનફાવે ત્યાં જઈ શકતી. હું છઠ્ઠા ધોરણ સુધીએ ભવાયા જોઈને મંડપમાં જ સૂઈ જતી ને સવારે જ ઘરે જતી .... સલામતીની કોઈ ચિંતા નો’તી. પણ આજે મહિનાથી લઈને 80 વર્ષની વૃદ્ધા સલામત નથી, એ વરવી અને વસમી વાસ્તવિકતા છે. મારે જો આવતીકાલ ઉજળી જોઈતી હોય તો દરેક ઘરમાં, દરેક મા-બહેન-પિતાએ, દીકરાને, ભાઈને એના દેશના સંસ્કારો યાદ કરાવવા પડશે. કાયદો કશું નહીં કરી શકે. આ બાબત ગાંઠે બાંધીને આપણે પુરુષ માણસને સુધારવા મથવું પડશે. બહેન-દીકરીઓને એમનું સ્વમાન, ગૌરવ, સલામતી મેળવવા સંઘર્ષ ન કરવો પડે એવી આવતીકાલ હું માંગુ.

આજે ‘મારાવાળા’ અને ‘તમારાવાળા’ના વિસ્તરતા જતા વર્તુળો વચ્ચે ‘આપણાવાળા’ની મૂળભૂત સંસ્કૃિત ખોવાઈ રહી છે. માણસ તરીકે, ભારતીય તરીકે બોલવાની આપણી ટેવ અચાનક ક્યાંક પાછળ છૂટી ગઈ અને આપણે એની નોંધ પણ ન લઈએ તો આવતીકાલની ચિંતા ન થાય ? ધર્મને કેમ આપણે અસ્મિતા અને રાષ્ટ્રીયતા સાથે સાંકળી રહ્યા છીએ ? મારી અસ્મિતાને મારી સંસ્કૃિત સાથે નાતો છે, જાતિ-ધર્મ કે પ્રદેશ સાથે નહીં. આપણે શું ઇતિહાસમાંથી એટલું પણ નથી શીખવા માગતા ? ધર્મના નામે વારંવાર ખાંડા ખખડાવતા આજના ટૂંકી સમજ અને ટૂંકી દૃષ્ટિવાળા અસ્મિતાવાદીઓને મારે માત્ર એટલું જ યાદ અપાવવાનું છે કે, “Those who do not learn from history are condemned to repeat it”. આંખની શરમ ગઈ, પરસ્પરનો વિશ્વાસ ગયો, વર્ષોનું સહજીવન ગયું, જીવનમૂલ્યો તળિયે જઈ બેઠાં. છેલ્લા થોડાંક વર્ષોમાં તમામ ક્ષેત્રે આપણે કેટલું ગુમાવ્યું છે એનો હિસાબ માંડીએ તો છાતી બેસી જાય.

છાશ-કેરી ને લીંબુનાં શરબત પીતી મારા દેશની પ્રજા પેપ્સી કે કોકાકોલા પીએ એને હું ઉજળી આવતીકાલ નથી માનતી. ઝળહળતા શોપિંગમોલ પાછળ કરોડોને એક ટંક ખાવા નથી મળતું તે સત્ય ઢાંકી નથી દેવાનું. સચ્ચાઈ, નિષ્ઠા, નમ્રતા, સાદગી, પ્રામાણિકતા – આ બધા કાં તો ગઈકાલના કે પછી નર્યા દેખાડાનાં મૂલ્યો બની ગયાં છે. આજે એટલે મને મારા દેશની આવતીકાલની વધુ ચિંતા થાય છે. વેદ-ઉપનિષદથી લઈને ગઈકાલ સુધી મારા દેશની સાહિત્યકૃતિઓ એટલી માતબર હતી કે એની સામે નોબલ પુરસ્કાર રળેલી કૃતિ નબળી લાગે, પણ એની સરખામણીએ આજકાલ મારા દેશમાં અંગ્રેજીમાં લખનારા ચેતન ભગત કે અમીષ કરોડો કમાય છે. મારા ભારતીય સાહિત્યની આવતીકાલ આ લોકોના હાથમાં ન હોય એવી પ્રાર્થના હું ચોક્કસ જ કરું. દેશની ફળદ્રુપ જમીનો, વનસ્પતિઓ, કુદરતી સ્ત્રોત-ઊર્જા, ખનીજ, પેટ્રોલ વગેરે જાણે કે માત્ર આજ માટે જ હોય એમ આપણે વેડફી રહ્યા છીએ. મારા દેશે તો સર્વોદયની વાત કરી છે. સ્વકેન્દ્રિયતા આપણી ફિતરત તો કદી હતી જ નહીં, પણ આજે માત્ર ‘સ્વ’નો વિચાર કરનારાઓને જોઈને મને આવતીકાલની ચિંતા થાય છે.

કોઈને કદાચ એવું થશે કે મને આવતીકાલ માટે કશી શ્રદ્ધા જ નથી, માત્ર ચિંતા જ છે. ના, એવું નથી. મને આ દેશના આમઆદમીમાં શ્રદ્ધા છે. કીડિયારું પૂરતો, ચબૂતરે ચણ નાખતો, થોડામાંથી થોડું વહેંચતો, પડોશીના દુ:ખે દુ:ખી થતો, હાજી અલી અને તિરુપતિની સાથે બાધા રાખતો આમ આદમી – એની કોઠાસૂઝમાં, એના ડહાપણમાં મને પાકી શ્રદ્ધા છે. સર્વને સમાવતી સંસ્કૃિતનો પ્રતિનિધિ એવો આ આમ આદમી ભલભલા ચમરબંદીને પણ એની જગ્યા દેખાડી શકે છે. મારી શ્રદ્ધા એનામાં છે. આ દેશના બંધારણમાં, એના ન્યાયતંત્રમાં, ધીમેધીમે મજબૂત થતા જતા લોકતંત્રમાં મને વિશ્વાસ છે. મારી આવતીકાલ આશાના આ બધા સ્તંભો વધુ મજબૂત થાય, સલામત રહે એ જ પ્રાર્થના.

‘જનકલ્યાણ’માંથી સાભાર (સપ્રેસ)

સૌજન્ય : “બિરાદર”, વર્ષ - 08; અંક - 03; 15 અૉક્ટોબર 2015; પૃ. 07-10

Category :- Opinion Online / Opinion