OPINION

‘શોર્ટ કટ’

ચીમન પટેલ “ચમન’
08-07-2014

સમયની મારામારીમાં ‘શોર્ટ કટ’ લેવાનું કોઈને શીખવવું પડતું નથી. આપ મેળે, અનુભવો મેળવી, પોતાની સગવડતા-અગવડતા જોઈ શીખી જવાય છે, આપોઆપ ! ભલે એ ‘શોર્ટકટ’થી બીજાને મુસીબતોમાં મૂકી દેતા હોઈએ !

ગામના એક પ્રતિષ્ઠિત કુટુંબમાં એમના એક પુખ્ત ઉંમરના વડીલનું કુદરતી રીતે મૃત્યુ થતાં એમની પાછળ બેસણું ‘કમ’ ભજનો રાખ્યા અંગેની માહિતીભરી ઇ-મેલ મળી. આવનારને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને સૌ સમયસર પહોંચી જાય એનો સુંદર વિચાર કરી, શહેરની બધી દિશાઓ તરફ્થી આવવાના માર્ગોની અને ઘરના સંકળાયેલ સહુના સેલ ફોનના નંબરો મૂકી, આવનારને સુંદર સુવિધા કરી આપી હતી. આ આખા લખાણને લખતાં અને સામાવાળાનો વિચાર કરવામાં ઇ-મેલ ખૂબ લંબાઈ ગઈ હતી એવું વાંચનારને થાય.
મને તો આ ઇ-મેલ અને લખનાર વ્યક્તિ ગમી ગઈ.

છેલ્લે, આભાર વ્યક્ત કરી, પોતાના નામનું સવિસ્તાર સૂચન કરેલું, કે જેથી વાંચનાર કોઈ નામમાં ગોથું ન ખાઈ જાય! ઇ-મેલના અંતમાં ત્રણ અક્ષરો “JSK” લખ્યા હતા, એની મને સમજ ન પડી!! એક મિત્રને ફોન કરી પૂછ્યું તો પ્રથમ એ હસ્યો અને કહ્યું : ‘તમે લેખક થઈ ને આ ન સમજ્યા?!’

‘અરે ભઈ, સમજ્યો હોત તો તને સવારના પહોરમાં ફોન શું કરવા કરત?’

મને જ્યારે મિત્રે સમજાવ્યું કે ‘જય શ્રી કૃષ્ણનું’ આ સગવડિયું સમય બચાવવારું ‘નીક નેમ’ એમના સગવડિયા ભક્તો/ભકતાણીઓએ પાડ્યું છે. અને એકે પહેલ કરી, એટલે બીજાએ પણ કરી ! કેટલાક ભગવાનના આવાં ટૂંકા નામો હવે આ ઇ-મેલ પર લખાવવાં પણ શરૂ થઈ ગયાં છે! અહીં એનું લીસ્ટ મુકવા જેવું જ્ઞાન મારી પાસે નથી, નહિતર, તમારી જાણ માટે મૂકત !

આ સમજાયા પછી હું ભગવાન કૃષ્ણ પાસે પહોચી ગયો અને કહ્યું : ‘પ્રભુ, તમે મને હમણાં હમણાં ફરિયાદ કરો છો કે તમારા ભક્તોની સંખ્યા આજકાલ ઓછી થઈ રહી છે કારણ કે એમને સમયની તાણ છે, નાણાંની નથી!’

‘વસ્ત, આમ અવળી વાણી કેમ બોલે છે? તું શું કહેવા માગે છે એ જરા સરળ શબ્દોમાં સમજાવીશ?’

‘પ્રભુ, તમારા ભક્તો રોજની ટીવીની સિરિયલો, ભારતથી ઉનાળાના ઉકળાટથી બચવા અહીં આવતા સીને સ્ટારો, કથાકારો, નાટ્ય અને ગાયક વૃંદો માટે ગમે તેવાં કિંમતી કામ છોડીને, સમય કાઢી લઈ એમને જોવા/સાંભળવવા ‘હાઉસફુલ’કરી દે છે. આજકાલ સફેદ વસ્ત્રોમાં એમને સાંભળવા આવનારને ગમતી વાતો કહેતા, કાનને ગમે એવાં સંગીતમાં એમને ડોલાવતા, દેખાડવાના અને ચાવવાના અલગ દાંતોથી ભરમાવી, આ ભક્તોને એમના ભાષણોથી, આંધળા કરી દીધા છે, પ્રભુ! તમે તો માનવ જન્મ લઈ ઘણા ચમત્કારો કર્યા પછી આજે પૂજાવ છો. આ લોકોના દિવસ અને રાતના ચમત્કારો તમારા જેવા નથી છતાં તમને છોડી એ લોકોની ભક્તિ માટે ગાંડા કેમ થઈ ગયા છે, એ મને સમજાતુ નથી, પ્રભુ! હવે તો સમય બચાવવા તમારું નામ પણ ટૂંકાવી દીધું છે, પ્રભુ! તમને એની જાણ હશે કે નહીં એની મને ખબર નથી! પ્રભુ, તમે ચિંતા ન કરતા. નામ ટૂંકાવવાની પાછળ કોઈ કારણ તો હશે જ?’

‘વસ્ત, તું જો આ જાણતો જ હોય તો મને ચોખવટ કરી દે. મારા ભકતો માટે મારા દર્શનનો સમય થવા આવ્યો છે!’

‘પ્રભુ, જૂના જમાનામાં બાળકોનાં અસલ નામની સાથે સાથે બોલાવવાનાં નામો પણ અલગ આપવામાં આવતા હતાં. જેમ કે, દીકરાનું નામ ‘કોશલ’ રાખે, પણ બોલાવે એને ‘કીપો’ કહી! એ જ રીતે દીકરીનું નામ ‘અંકીનિ’ પાડી એને ‘શીની’ કહી બોલાવે. આમ કરવામાં આ સારા, શોભિતા, ખૂબ ખૂબ વિચારીને ચૂંટેલા નામોવાળા એમના બાળકોને કોઈની બૂરી નજર ન લાગે, અને એમનું આયુષ્ય લંબાવાય એવી માનતા માબાપોની રહેતી હશે, એવું મારું માનવું છે! કદાચ, આ કારણે તમારું સુંદર નામ તમારા સાચા ભક્તોએ ટૂંકુ કરી દીધું હશે, એવું મને લાગે છે. પ્રભુ, તમે તમારા નામને આમ ટૂંકાવનારા ઉપર ગુસ્સે ન થતા. સવારના નાહી-ધોઈ ચોપડીમાં તમારા સો (૧૦૦) નામ લખીને પછી જ ચા કે બદામવાળું દૂધ ગ્રહણ કરનારા તમને જેમ વધારે પસંદ છે, તેમ આ લોકોને પણ ગણી લેશોને પ્રભુ ?’

‘ચાલ, ચાલ તું હવે જલદી પતાવીશ, તારું ભાષણ?’

‘પ્રભુ, આ છેલ્લી વાત કરી લઉં. તમારો વધારે સમય નહીં લઉં એની ખાતરી આપું છું. આજ કાલ તમે જ આપેલી શક્તિઓ વડે, ભણેલાને પણ ભુલાવે એવી એમની વાચાઓથી એમના તરફ ખેંચીને તમારા ભક્તોની સંખ્યા ઓછી થતી હું જોઈ શકતો નથી!’

‘એ વાત તો તારી મને સાચી લાગે છે! તારી પાસે છે કોઈ ઉપાય એનો?’

‘પ્રભુ, છે. જો તમો થોડો વધારે સમય મને આપો તો?’

‘ચાલ, બોલી નાખ!’

‘ભૂતકાળમાં તમારો એક કિંમતી હાર કોઈ ચોરી ગયું હતું, અને તમે એ માટે કેમ ચુપ રહ્યા હતા, પ્રભુ? જો હવે તમારી આ ડાયમન્ડની માળા ચોરવા કોઈ હિમ્મત કરે, તો એને ત્યાં ને ત્યાં જ તમે સ્બધ્ધ કરી દો, તો આ એક જ ચમત્કાર એવો કામ કરી જશે કે પછી જુઓ તમારા ભક્તોની કેવી લાંબી લાંબી લાઈન લાગી જાય છે! … લ્યો, તમારા ભક્તોના પગરવનો અવાજ મને સંભળાવવા લાગ્યો. પ્રભુ, હું વિદાય લઉં!?’

e.mail : [email protected]

http://chimanpatel.gujaratisahityasarita.org/

Category :- Opinion Online / Opinion

સ્વર્ગની ચાવી

હરનિશ જાની
07-07-2014


હમકો માલૂમ હૈ જન્નત કી હકીકત લેકિન,
દિલ કે ખુશ રખને કો ગાલિબ યહ ખયાલ અચ્છા હૈ.

દોઢસો વરસ પહેલાં, ગાલિબ સાહેબ આ ડહાપણની વાત કહી ગયા છે. વાત વિચારીએ તો ‘જન્નત’ છે કે નહીં. તેની પાકી ખાતરી કોઈની પાસે નથી. આજ સુધીમાં એકે હાલતા ચાલતા મનુષ્યએ સ્વર્ગ જોઈને પૃથ્વી પર આવીને સ્વર્ગની વાતો નથી કરી. હવે આ વાત આપણે ફેલાવીએ કે ‘ભાઈ, ઉપર સ્વર્ગ જેવું કાંઈ છે જ નહીં.’ તો? અને આપણી વાત લોકો માને તો ? આ પૃથ્વી પર કેટલી અરાજકતા ફેલાય ? તેની કલ્પના કરવી પણ અઘરી છે.

મારા બાલુકાકા રોજ સવારે ગામના વિશ્વેશ્વર મહાદેવની પૂજા કરે છે. એમની બે ઈચ્છા છે. એક તો બીજીવાર પરણવું છે અને બીજી ઈચ્છા સ્વર્ગમાં જવું છે. મારે એમને કહેવું પડ્યું કે એક વાર પરણો તો ખરા! પછી આપોઆપ સ્વર્ગના વિચારો સૂઝશે. બીજી કાકી સારી હશે તો અહીં જ સ્વર્ગ ઉતારશે. અને નહીં હોય તો તમને સ્વર્ગમાં પહોંચવાની વ્યવસ્થા કરી આપશે.

આપણાંમાંના ઘણાં માને છે કે ભગવાન કે સ્વર્ગ–નરક જેવું કાંઈ નથી. ચાલો, આપણે તે માની લઈએ. અને કદાચ કોઈ ગેબી શક્તિ (ભગવાન?) આ પૃથ્વી પરથી બધાં દેવ-સ્થળો ગાયબ કરી દે તો ? મારા મિત્ર યોગેશભાઈ દર શનિવારે હનુમાનજીના મંદિરે ચાલતા દર્શન કરવા જાય છે. તે તો ગુંચવાઈ જાય કે સાલું, આ શનિવારે શું કરવાનું? અને તેનાથી પણ વધુ એમના પત્ની ગીતાબહેનનું સરદર્દ વધી જાય. જ્યારે યોગેશભાઈ મંદિરે જાય છે તે જ સમય ગીતાબહેનનો નિરાંતનો સમય હોય છે. હવે એ ઘેર રહે તો ? ભારતમાં મંદિરનો સૌથી વધુ ઉપયોગ કરતી હોય તો તે સ્ત્રીઓ છે. પત્નીની ભક્તિ કદાચ ફળે તો તેમને પણ સુખ મળવાનું જ છે. અને ભક્તિ ન ફળે તો ય ઘરમાં તેમની ગેરહાજરીની શાંતિ તો છે! એમ સમજીને કોઈ પણ ડાહ્યા પતિદેવો તેમને તેમ કરતાં રોકતા નથી. લાંબા લગ્ન જીવનનું રહસ્ય એ છે કે બન્ને જણે દિવસના અમુક કલાક છૂટાં રહેવું જોઈએ. શરૂઆતનાં વરસો એકમેકની સાથે ચોવીસ કલાક નિકટ રહ્યાં હોય છે. એટલે જ પાછલાં વરસોમાં થોડા છૂટાં રહેવાનું ગમે છે. અને એ ભગવાનની આ એક્ટિવિટીને કારણે જ શક્ય છે.

હવે બધાં મંદિરો જ ન હોય તો દેશની ઈકોનોમી પડી ભાંગે. ભારતનું આખું અર્થતંત્ર મંદિરો પર નિર્ભર છે. કાલે ઊઠીને કોઈ ડિક્ટેટર કે જે ભગવાનમાં ન માનતો હોય તેના હાથમાં સત્તા આવે અને કહે કે ‘બધાં મંદિરો દૂર કરો.’(એકલાં મંદિરો જ નહીં, પણ બધાં જ ધર્મના ધાર્મિક સ્થળો) તો અડધો દેશ બેકાર થઈ જાય. લાખો પૂજારીઓ અને કરોડો ભક્તો જાય કયાં? મંદિર એટલે ઈંટ ચૂનાનું બિલ્ડીંગ જ નહીં, પણ તેને લીધે તૈયાર થતાં બીજા સેંકડો  ધંધાઓ પણ ગણવાના.

વરસો પહેલાં અમે મોટા અંબાજી ગયા હતા અમદાવાદથી ત્યારે બે ટાઈમ બસ ઉપડતી હતી. અને રહેવા માટે માંડ પાંચ ધર્મશાળાઓ હતી. આજે ત્યાં મોટું શહેર વસી ગયું છે. ફાઈવ સ્ટાર હોટલો છે. મોટો હાઈ વે પણ બન્યો છે. નાનકડું મંદિર આજે મોટો મહેલ થઈ ગયું છે. આ બધું માતાજીના નામ પર થયું છે. અને એનો લાભ કોને મળ્યો ? માતાજીને ? ના એ પૈસા લોકોના જ ખીસ્સામાં આવ્યા. આમ લોકોની માતાજીમાં શ્રદ્ધાને કારણે થયું છે.

અમે વિજ્ઞાન અને કલાના પારણાં સમાન ઈટાલી ગયા હતા. અમારે જિસસ જોડે આમ જોઈએ તો કાંઈ  લેવા દેવા નહીં. પરંતુ ક્રિશ્ચિયનોનું વેટિકન સીટી જોવા ગયા. ત્યાં સેન્ટ પિટર્સ બેસેલિકામાં સેન્ટ પિટર્સનું બ્રોન્ઝનું સ્ટેચ્યુ છે. તેના હાથમા સ્વર્ગની ચાવી લટકે છે. રોજના હજારો લોકો તે સ્ટેચ્યુના ચરણ સ્પર્શ કરવા લાઈનોમાં ઊભા રહે છે. મારા પત્નીએ મને કહ્યું કે, ‘આપણે પણ લાઈનમાં ઊભા રહીએ.’ મેં કહ્યું કે, ‘પહેલે નંબર સેન્ટ પિટર્સ મને ઓળખે પણ નહીં. અને ભૂલે ચૂકે મને સ્વર્ગમાં જવા દે તો શું આ અજાણ્યા લોકો જોડે ત્યાં રહેવાનું ? રામભક્તોની લાઈનમાં ન ઊભો રહું !’ જે હોય તે પણ અમે ત્યાં સો, બસો ડોલર ખર્ચી આવ્યા. 

ત્યાં તેના પરિસરની બહાર ડઝનબંધી ટુરિસ્ટની બસો ઊભી હતી. અને ત્યાંની અસંખ્ય રેસ્ટોરાં માનવ મહેરામણના પૈસા ભેગા કરતી હતી. અને વેટિકનની ઈકોનોમી સુધારતી હતી. વેટિકનની બીજી તો કોઈ ઇન્કમ જ નથી. લોકો આ સ્વર્ગની ચાવીના ચક્કરમાં જ વેટિકનનું ચક્કર ફરતું રાખે છે. હવે સવાલ એ થાય કે એને શ્રદ્ધા કહેવી કે અંધશ્રદ્ધા ? આ લોકો આગળ હું ગેલેલિયો કે વિન્ચીની વાતો કરું તો કોઈ મને સાંભળે ખરા? ગાલિબ કહે છે તેમ સ્વર્ગ છે કે નહીં તે અગત્યનું નથી; પરંતુ તેના અસ્તિત્વનો વિચાર જ આ જગત માટે પુરતો છે. અને એ વિચાર જગતમાં લોકોને નીતિમય જીવન જીવવા પ્રેરે છે. (નીતિમય જીવન જીવવું કે નહીં તે વાતનો આધાર વ્યક્તિ પર નિર્ભર છે.) જગતના દરેક ધર્મમાં આ જ વિચાર પ્રવર્તે છે. મરણ પછી સ્વર્ગમાં જવું છે. અને સ્વર્ગમાં જવા સારા કૃત્યો કરવા જરૂરી છે. એટલે હજુ લોકોમાં કાંઈક માનવતા છે. દુનિયામાં ભગવાન છે કે નહીં તે જાણવું હોય તો કોઈ પણ હોસ્પિટલની મુલાકાત લો. પલંગે પલંગે ભક્તો ભગવાનનું રટણ કરે છે. જો ભગવાનનો વિચાર જ ન હોય તો દર્દીઓ શું બોલિવુડના હીરોનું નામ લેશે? દુ:ખમાં તેમની ઇશ્વરમાં શ્રદ્ધા જ રાહત આપે છે. કોઈ અપંગ બાળકના માતા પિતાને સમજાવી જો જો કે ભગવાન જેવી વસ્તુ દુનિયામાં છે જ નહીં.

સવાલ ઈકોનોમીનો છે. પછી તેને શ્રદ્ધા ગણો કે અંધશ્રદ્ધા. આપણી ઈકોનોમીમાં લોકો પોતાનું સોનું શિરડીમાં ચઢાવે છે. ત્યાં હજારો કિલોગ્રામ સોનું છે. તે આપણું જ છે. બીજા ધંધાઓ કરનારા પણ સોનું કમાય છે. વકિલો, ડૉક્ટરો, શિક્ષણ સંસ્થાઓ, સ્ટોક અને શેર બજારવાળા અને ખાસ તો પોલિટીશિયનો ક્યાં લોકોને નથી લૂંટતાં? અને તે લૂંટ સ્વિસ બેંકોમાં જમા કરાવાય છે. દરેક ધંધાઓ કરતાં મંદિરના ધંધા દેશની બેકારી દૂર કરવામાં મદદ કરે છે. અરે! બુટ ચંપલ સાચવવાનો પણ ધંધો તેને લીધે ખિલ્યો છે. અને એમાં મંદી તો હોય જ નહીં. કથાકારોનો પણ જબરદસ્ત ફાળો છે. કથા કાંઈ એમને એમ નથી થતી. એક કથા પાછળ લાખોનો ધુમાડો થાય છે. તે ધુમાડો લોકોના શ્વાસમાં જ જાય છે ને ! દેશમાં ક્રિકેટના કે કોલસાના કે મિલીટરીના કોંટ્રાકટોમાં કેટલા કરોડો ખવાય છે. તો એક કથાકાર કથા કરીને કમાય તેમાં શું ખોટું છે? કેટલીય ટીવી ચેનલોને આજે આ કથાકારો પોષે છે! કેટલાય પુસ્તક પ્રકાશનો ધાર્મિક પુસ્તકો છાપીને જીવંત રહે છે. કવિતાનાં પુસ્તકોથી તો બિચારો કવિ પણ નથી કમાતો.

ટૂંકમાં લોકોનો ઈશ્વરમાં અને સ્વર્ગમાં વિશ્વાસ એમનું જીવન સરળ બનાવી દે છે. અને એ ન હોય તો માનવ જીવનમાં મોટું વેક્યુમ સર્જાય. તે પુરવા માટે પોલિટીશિયનો અને બીજા ધંધાધારીઓ ઘુસી જાય. તેના કરતાં ભગવાન સારા. એકની એક માન્યતા, કોઈની શ્રદ્ધા અને તો કોઈની અંધશ્રદ્ધા પણ બની શકે છે. પરંતુ એક વાત સાચી છે કે તે દેશની ઈકોનોમી ટકાવવામાં એ માન્યતા ભાગ ભજવે છે. પછી તમે કે હું ભગવાનમાં માનીએ કે ન માનીએ તેથી આ હકીકત બદલાતી નથી.

ગાલિબ સાહેબની વાત સોએ સો ટકા સાચી છે કે જન્નત નથી. એ બધાંને ખબર છે. પણ જન્નતનો ખ્યાલ જગતને દોડતું રાખે છે.

[4th July 2014]

4, Pleasant drive, Yardville, NJ 08620. USA

e.mail. [email protected]

Category :- Opinion Online / Opinion