OPINION

ગુરુ-શિષ્ય પરંપરા આપણા દેશની ધરોહર ગણાય છે. આ વિષય મુખ્યત્વે અધ્યાત્મને લગતો ગણવામાં આવે છે. જૂજ લોકોને બાદ કરતાં લગભગ મોટાભાગના લોકોએ ગુરુમહિમા કર્યો છે. ધર્મ અને અધ્યાત્મમાં ગુરુનું વેણ એ જ અંતિમ સત્ય તેવી આ પરંપરાને લીધે ધર્મ-અધ્યાત્મનો વિકાસ તો શક્ય બન્યો, પણ આ જ પરંપરાને લીધે ભારતીય તત્ત્વજ્ઞાન અને જ્ઞાનમાર્ગનો વિકાસ પશ્ચિમના દેશોની સરખામણીમાં રૂંધાયો તેમ પણ કેટલાક વિદ્વાનો માને છે. ગુરુ અને શિષ્ય વચ્ચે ફક્ત આજ્ઞા અને આજ્ઞાપાલનના સંબંધ થકી જે મૌખિક-મૌલિક જ્ઞાન હતું તે જળવાયું, પણ તેમાં ઉત્તરોત્તર વધારો થવો જોઈતો હતો તે ન થયો. અથવા તો એ જ્ઞાન ફક્ત શ્રદ્ધાનો વિષય બનીને રહી ગયું અને તેમાં આલોચનાત્મક અભ્યાસ થકી પુરાવાઓ જોડી ન શકાયા. આત્માની આસપાસ ચકરાવો લેતું ભારતીય તત્ત્વચિંતન બેશક સમૃદ્ધ છે, પણ આજની મુખ્ય એવી વેસ્ટર્ન ફિલોસોફી પર તેની નહીં, પણ ગ્રીક તત્ત્વચિંતનની અસર ગણવામાં આવે છે. આ સમજણ આપણને ના ગમે તો પણ માનવી પડે તેવી છે. આનું એક ઉદાહરણ જોઈએ તો પાયથાગોરસનો ત્રિકોણનો નિયમ આપણા શૃંગશાસ્ત્રમાં છે. તેના લેખક બોધાયન ગણાવાય છે. શાળાઓમાં પાયથાગોરસ ભણાવવામાં આવે છે, કેમ કે તેમાં ફક્ત નિયમ નહીં, પરંતુ નિયમને પ્રતિપાદિત કરતા પુરાવાઓ પણ છે.

પ્રાચીન ગ્રીક તત્ત્વજ્ઞાનના પિતામહ થેલસને માનવામાં આવે છે. જ્હોન બર્નેટ તેમને 'ફર્સ્ટ મેન ઓફ સાયન્સ' કહે છે. થેલસે પહેલી વાર પાણીમાંથી જીવનની ઉત્ત્પતિ થઈ હોવાની વાત કરી, ગ્રહણની સાચી આગાહી કરી અને ઇજિપ્તના લોકોને પિરામિડનું કદ માપતા શીખવ્યું. સૌથી મોટી વાત એ છે કે આ તમામ બાબતો તેમણે પુરાવા સહિત રજૂ કરી. આપણી પરંપરામાં સત્યને રજૂ કરવાની વાત તો છે, પણ તેનો પુરાવા આધારિત કાર્ય-કારણનો સંબંધ સ્થાપિત કરવામાં આવતો નથી. અહીંથી તત્ત્વજ્ઞાનમાં તર્કની શરૂઆત થાય છે. એટલે તે ફક્ત અધ્યાત્મ નહીં, પણ નક્કર જ્ઞાન બની રહે છે. 'હિસ્ટ્રી ઓફ ફિલોસોફી' પુસ્તકમાં બર્ટ્રાન્ડ રસેલ આધુનિક તત્ત્વજ્ઞાન થેલસથી શરૂ થાય છે એમ કહે છે, કેમ કે થેલસે પહેલી વાર દંતકથાઓને ફગાવી દઈ કુદરતી ઘટનાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો. આજનું વિજ્ઞાન એ તત્ત્વજ્ઞાનમાંથી જન્મ્યું છે એનો સઘળો જશ થેલસને જાય. યાદ રહે, થેલસનો સમયગાળો સિરકા ૬૨૪. બી.સી. એટલે કે ઇસ્વી સન પૂર્વે સાતમી સદીનો છે. થેલસે પહેલી વાર 'ભગવાન વરસાદ પાડે છે, પણ તે કેવી રીતે પાડે છે, કોઈક તો વ્યવસ્થા હશે ને એની!' એવો સવાલ પ્રગટ કર્યો. આમ, તે નેચરલ ફિલોસોફર ગણાય છે. પ્રાચીન ગ્રીકના મિલેતસ શહેરના થેલસ ગ્રીકના સર્પ્તિષમાં સ્થાન પામે છે. થેલસે તત્ત્વમિમાંસા, નીતિશાસ્ત્ર, ગણિત, ખગોળશાસ્ત્રમાં પાયાનું પ્રદાન કર્યું. થેલસના સમકાલીન (અથવા શિષ્યો એવા) એનાગ્સીમેન્ડર, એનાગ્સિમિનિસે મિલેશિયન સ્કૂલ શરૂ કરી. આ તત્ત્વજ્ઞાનની શાળામાં જ થેલસે પોતાને ખોટો પાડવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા. ગ્રીકમાં દંતકથાઓને બદલે પુરાવાથી વાત રજૂ કરવાની શરૂઆત આમ થઈ. આને ડાયલેક્ટિકલ મેથડ કહે છે. ભારતીય પરંપરામાં ગુરુમહિમાનો પ્રભાવ એવો તીવ્ર હતો કે આવી આલોચનાત્મક ડાયલેક્ટિકલ મેથડ વિકસી ન શકી એમ માની શકાય. કદાચ આને લીધે જ ભારતનું સમૃદ્ધ તત્ત્વજ્ઞાન નહીં, પણ ગ્રીકનું તત્ત્વચિંતન વેસ્ટર્ન ફિલોસોફીના પાયામાં ગણાય છે. એરિસ્ટોટલ એટલે જ થેલસને પ્રથમ તત્ત્વચિંતક તરીકે બિરદાવે છે. આ મિલેશિયન સ્કૂલ થકી જ ઝેનોફેનેસ, પાયથાગોરસ, હેરાકિલટસ જેવા એકબીજાનાં માથાં ભાંગે એવા શિષ્યો નીકળ્યા. દંતકથાને અવગણી પુરાવાઓ વિશે વિચારી જ્ઞાન સંપાદન કરવાની આ વાત થકી જ આગળ જતા સોક્રેટિસનો યુગ શરૂ થયો. સોક્રેટિસે આલોચનાત્મક વિચારોને ઉત્તેજન આપી સોક્રેટિક મેથડ આપી, જેમાં તેના શિષ્ય પ્લાટો, ઝેનોફોન, એન્ટિસ્થેસેન્સ, એરિસ્ટિપસે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.

આપણી ગુરુ-શિષ્ય પરંપરામાં શિષ્યને ગુરુ કરતાં સવાયા બનવાની વાત તો ક્યાંક ક્યાંક સંભળાય છે, પણ જ્યાં સુધી તેને દંતકથાઓમાંથી બહાર લાવી નક્કર જ્ઞાન માટે મથામણ ન થાય ત્યાં સુધી આપણી પરંપરાનું જે સમાજને મળવું જોઈએ તે નહીં મળે. જે સવાલનો જવાબ આપે તે નહીં, પણ જે સવાલ કરતાં શીખવે તે ગુરુ તેવી એક સમજણ માટેનો આ ખરો સમય છે.

સૌજન્ય : “સંદેશ”, 12 જુલાઈ 2014

http://www.sandesh.com/article.aspx?newsid=2962297

Category :- Opinion Online / Opinion

ગુજરાત ઇતિહાસ-પુરાતત્ત્વ ગ્રન્થસૂચિ / સં. હસમુખ વ્યાસ : રાજકોટ: પ્રવીણ પ્રકાશન, ૧ આવૃત્તિ, ૨૦૧૪ : ૨૦૮ પાનાં:   રૂ. ૨૦૦ 

આપણાં ઇતિહાસ અને સંસ્કૃિત બહુ પ્રાચીન અને સમૃદ્ધ છે એવાં બણગાં ફૂકવાં આપણને ગમે છે, પણ તેની જાળવણી માટે, તેના દસ્તાવેજીકરણ માટે કશું કરવાનું આપણને ભાગ્યે જ સૂઝે છે.

અરે, આ વિષયનાં જે સાધનો – જેમ કે પુસ્તકો – આપણી પાસે છે તેની વ્યવસ્થિત સૂચિ કરવાનું પણ આપણને ભાગ્યે જ સૂઝે છે. આથી જે થોડાઘણા – કે ઘણા થોડા – અભ્યાસીઓ છે તેમની મહેનત અને મુશ્કેલી ઘણી વધી જાય છે. પણ આવી ખોટ પૂરી કરવાનો કોઈ પ્રયાસ જોવા મળે ત્યારે હાશકારો થાય, કે ચાલો, આપણે ત્યાં હજી વિદ્યાપ્રીતિ સાવ મરી પરવારી નથી.

ગુજરાતનાં ઇતિહાસ, ભૂગોળ, જાતિઓ, કુળ, વંશ, જ્ઞાતિઓ, પ્રદેશો અને ઘટનાઓ, વ્યક્તિચિત્રો, સંસ્મરણો, સ્વાતંત્ર્ય સંગ્રામ, ધર્મ, લોકસંસ્કૃિત, પુરાતત્ત્વ, શિલ્પ-સ્થાપત્ય, લેખો, સિક્કા અને સંગ્રહાલયો જેવા વિષયો પરનાં ૧૧૧૧ પુસ્તકોની સૂચિ આ પુસ્તકમાં આપી છે તે આવાં કામોમાં રસ અને રૂચિ ધરાવનારાઓ માટે ઘણી ઉપયોગી થાય તેમ છે. ગુજરાતનાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકાલયો, સંસ્થાઓ અને સંગ્રહાલયોમાંની સામગ્રીનો અહીં આધાર લેવાયો છે. પણ સૌથી મોટો અને મહત્ત્વનો આધાર તો લેખકને તેમના અંગત પુસ્તક-સંગ્રહનો મળ્યો છે. તેમનું આ અંગત પુસ્તકાલય અભ્યાસીઓને ઈર્ષા આવે એવું હોવું જોઈએ. મુખ્ય સૂચિ પછી અહીં કર્તાનામ અને ગ્રંથનામ  સૂચિઓ પણ આપી છે. પુસ્તક તૈયાર થઈ ગયા પછી મળેલી ૧૧ પુસ્તકો વિશેની માહિતી પણ છેલ્લે પરિશિષ્ટ રૂપે ઉમેરી લીધી છે.

આવાં કામો કરવાં, અને તે પણ એકલે હાથે, સરકારની કે કોઈ સંસ્થાની મદદ વગર કરવાં, એ કેટલું મુશ્કેલ છે એ તો માહીં પડ્યા હોય તે જ જાણે. વળી આ પુસ્તકના લેખક તો મુંબઈ-અમદાવાદમાં નહિ, પણ અમરેલીમાં વસે છે, જ્યાં આવાં કામો માટેનાં સાધનો ટાંચા જ હોવાનાં. આવાં કામ કરવાથી વ્યાપક પ્રમાણમાં યશ કે મોટા પ્રમાણમાં અર્થની પ્રાપ્તિ થાય એ તો આપણે ત્યાં શક્ય જ નથી. અરે, દર વર્ષે ઢગલાબંધ ઈનામો સારી-સાધારણ કૃતિઓને આપી દેતી આપણી સરકારી કે અન્ય સંસ્થાઓને આવાં કામો માટે પણ એકાદો પુરસ્કાર રાખવાની જરૂર જણાતી નથી. ત્યારે આવા એકલવીરો આપણી પાસે હોય એ જ મોટી વાત.

આવાં કામો ક્યારે ય સંપૂર્ણ ન હોઈ શકે. આ સૂચિ પણ નથી. એક તો આપણી પાસે પ્રકાશિત પુસ્તકોની સર્વગ્રાહી સૂચિ જ નથી. બીજું, ઘણાં પુસ્તકાલયો આવાં કામોમાં મદદરૂપ થવા માટે બહુ ઉત્સાહ ધરાવતાં હોતાં નથી. અા સૂચિના વ્યાપમાં સમાઈ શકે એવાં પુસ્તકો ૧૯મી સદીમાં ઘણાં બધાં પ્રગટ થયાં હતાં, પણ તેમાંથી પ્રમાણમાં ઓછાં અહીં જોવા મળે છે. કેટલાંક પુસ્તકોને એકને બદલે બીજા વિભાગમાં મૂકી શકાયાં હોત એમ પણ લાગે. જ્યાં પુસ્તકના નામ પરથી તેના વિષય-વસ્તુનો ખ્યાલ આવે તેમ ન હોય ત્યાં ‘એનોટેશન’ પણ બધે મૂકવાનું બની શક્યું નથી. સૂચિકરણમાં પણ બધે એકવાક્યતા જળવાઈ જ છે એમ કહેવું મુશ્કેલ છે. પણ આ બધી ઉણપો એવી છે કે બીજી આવૃત્તિમાં સહેલાઈથી સુધારી શકાય.

આ વાક્ય લખ્યા પછી તરત વિચાર આવ્યો કે આવાં પુસ્તકોની બીજી આવૃત્તિ આપણી ભાષામાં થાય? થાય તો ય ક્યારે? એના કરતાં આવી સૂચિઓને ડિજિટલ સ્વરૂપે ઈન્ટરનેટ દ્વારા સર્વસુલભ બનાવવી જોઈએ. કારણ આ સ્વરૂપમાં ગમે ત્યારે, ગમે તેટલા ફેરફાર બહુ ઓછી મહેનત અને ખર્ચે કરી શકાય છે. એ સૂચિનો ઉપયોગ કરનારાઓ પણ તેમાં સુધારા-વધારા સૂચવી શકે છે. આવાં પુસ્તકો તૈયાર કરાવવાનું આપણી સંસ્થાઓ ભલે ન કરે, તેને ડિજિટલ રૂપ આપવાનું કામ કરીને થોડું પુણ્ય તો કમાઈ શકે.

સૌજન્ય : ‘બુક માર્ક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 07 જુલાઈ 2014

Category :- Opinion Online / Opinion