OPINION

ગુરુ પૂર્ણિમા એટલે ? ગુરુની ભક્તિ નહીં; પણ તેની કસોટી કરવાનું પર્વ

ગયા વર્ષે ગુરુ પૂર્ણિમાના પર્વ પ્રસંગે મેં એક લેખ લખ્યો હતો, એનું શીર્ષક હતું :   ‘ગુરુ પૂર્ણિમા ગુરુની પૂજા કરવા માટેનો દિવસ નથી; એ તો ગુરુની પરીક્ષા કરવા માટેનો દિવસ છે.’

આજે એ જ અનુસન્ધાનમાં આગળ વધવાનો ઈરાદો છે. ગુરુ એટલે સૌથી આદરપાત્ર વ્યક્તિ. ગુરુ એટલે હૈયાના ઉમળકાપૂર્વક ભક્તિ કરવાયોગ્ય પાત્ર. આદર અને ભક્તિ બન્ને અનલિમિટેડ કમ્પનીઓ જેવાં છે. કોઈક એક જ ફીક્સ દિવસે જ અને કોઈ એક જ ફીક્સ ટ્રેડીશન પ્રમાણે ભક્તિ અને આદર વ્યક્ત કરી દેવાનાં ન હોય. ગુરુને જોઈને તેમના ગંધાતા પગમાં આળોટવા મંડી પડવું એ કાંઈ ગુરુભક્તિ નથી. ગુરુને જોતાં જ આપણા ચહેરા પર કૃતજ્ઞતા છલકાય અને આંખો આદરભાવનો અભિષેક કરવા લાગે એ સાચી ગુરુભક્તિ છે. બીજા લોકો ગુરુભક્તિ કરે છે એટલે મારે પણ કરવી જોઈએ એમ સમજીને અથવા ગુરુજી સ્વયમ્ આગ્રહ કરે છે માટે હું તેમની સેવા–પૂજા–ભક્તિ કરું એમ નથી સોચવાનું. એમાં તો દમ્ભ, ભય, લાલચ, પ્રદર્શનવૃત્તી, ગુપ્ત અહંકાર ઘણુંબધું પ્રવેશી જશે. શુદ્ધ ભક્તિ અને સાચો આદર બહાર રહી જશે અને ગુરુભક્તિનાં ધતીંગોનો વિકૃત સેલાબ આવશે !

ગુરુની પરીક્ષા કરો

ગુરુની ભક્તિ માત્ર ગુરુ પૂર્ણિમાના એક જ દિવસ માટે કરીએ તો આપણે અધૂરા–વામણા ગણાઈએ. ગુરુભક્તિ તો સતત, નિરન્તર કરવાની હોય. આજનું પર્વ તો ગુરુની પરીક્ષા કરવાનું પર્વ છે. જે ગુરુની આપણે હવે પછી લાઈફ ટાઈમ સેવાભક્તિ કરવા ઉત્સાહી–હરખપદુડા છીએ, તે ગુરુ આપણી સેવાભક્તિ માટે સુપાત્ર છે કે નહીં; કાબિલ છે કે નહીં એ ચકાસવાનું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. ઘરકામ માટે એક નોકર રાખીએ તો ય તેની ટેસ્ટ લઈએ છીએ. કોઈ બીમારીનો ઈલાજ કરવામાં ડૉક્ટર નિષ્ફળ જાય તો તરત આપણે બીજા ડૉક્ટરની પાસે જઈને તેની ટ્રીટમેન્ટ લઈએ છીએ. સોનું ખરીદતી વખતે કોઈ શાણો માણસ જરા ય બેદરકારી ન રાખે. હૉલમાર્કનો સિક્કો હોય તો ય પોતે છેતરાઈ તો નથી રહ્યોને, એની ચકાસણી કરે છે. યસ, ગુરુ પૂર્ણિમા એટલે ગુરુની ભક્તિ કરવાનું નહીં, તેમની કસોટી કરવાનું પર્વ ! હવે તમે આ સત્ય સમજી ગયા હશો.

જો તમને કોઈ પાખંડી ગુરુ ભેટી ગયો હશે તો તે તમને બીવડાવશે, નરકનો ભય બતાવીને પોતાનાં નેત્રો લાલઘૂમ કરીને કહેશે : ‘મૂર્ખ ! તું ગુરુની પરીક્ષા કરવા નીકળ્યો છે ? તારી ઓકાત શી છે ? ગુરુની કસોટી કરવા જઈશ તો રૌરવ નરકમાં ય તને જગ્યા નહીં મળે ! તું મહાપાપી પુરવાર થઈ જઈશ.’

મુનિ કે મુનીમ ?

આવી ધમકી કે ભય આપે તેવા ગુરુના નામ પર ચોકડી મૂકી દેવાની. ગુરુનું કામ જ્ઞાન આપવાનું છે, ધમકી આપવાનું નથી. ગુરુનું કામ માર્ગ બતાવવાનું છે, ભય પમાડવાનું નથી. સાચો ગુરુ તો તે છે જે આપણને ભયમુક્ત કરે, નિર્ભય અને નિર્દંભ બનાવે. જે ગુરુ પોતાના નામે કે ગુરુના નામે ટ્રસ્ટો ચલાવીને બારે મહિના ફંડફાળા ઉઘરાવ્યા કરતો હોય તે તો મુનિ નથી; મુનીમ છે. ગુરુ તે નથી, જે ચપટીઓ વગાડીને ફાલતુ આજ્ઞાઓ કરતો હોય અને શિષ્ય તે નથી, જે ગુરુની વાહિયાત આજ્ઞાઓને માથે ચઢાવ્યા કરતો હોય. ફંડફાળા કરનારા અને ફાલતુ આજ્ઞાઓ કરનારા ગુરુથી સાવધ રહેવું જોઈએ. લાંબો–મોટો પલાંઠો લગાવીને ઊંચા આસને ગોઠવાઈ જાય અને પોતાની નવ અંગે પૂજા કરાવે, કિંમતી ભેટસોગાદો સ્વીકારે, વધારે કિંમતી ભેટ આપનાર ભક્તને વધારે વહાલ કરે અને મોં પર કડવું સત્ય ઉચ્ચારનારને આઘો રાખે તેવા ગુરુથી તો આપણે સ્વયમ્ જ આઘા રહેવું જોઈએ. એમાં જ આપણી સેફ્ટી છે.

ગુરુ દ્રોણથી નફરત

જ્યારે–જ્યારે ગુરુની વાત નીકળે છે ત્યારે–ત્યારે મને ગુરુ દ્રોણ યાદ આવે છે. ગુરુ દ્રોણનું ચિત્ર જોઈને ય મારું તો લોહી ઉકળી ઊઠે છે. એકલવ્ય રાજકુમાર નહોતો એટલે તેને ધનુર્વિદ્યા શીખવાડવાની ના પાડનાર ગુરુ દ્રોણને પછીથી ખબર પડે છે કે આ એકલવ્ય તો મારા પ્રિય શિષ્ય અર્જુનના સામર્થ્યને ઓવરટેક કરી શકે તેવો સમર્થ છે, ત્યારે તેના જમણા હાથનો અંગૂઠો ગુરુદક્ષિણારૂપે માગી લઈને તેની સાથે ઘોર અન્યાય અને અત્યાચાર કર્યો હતો. અર્જુન તેમને એટલા માટે પ્રિય હતો કે તે રાજકુમાર હોવા ઉપરાન્ત આજ્ઞાકારી અને નિશાનબાજ હતો. હોશિયાર અને સમર્થ શિષ્ય પ્રત્યે પક્ષપાત કરે તે સાચો ગુરુ નથી. નબળા અને ગરીબ શિષ્ય પ્રત્યે વહાલ વહાવે, સમભાવ રાખે તે સાચો ગુરુ હોઈ શકે છે.

કૌરવો–પાંડવોની વચ્ચે જુગાર ખેલાયો, દ્રૌપદીને દાવ પર મુકવામાં આવી અને દુ:શાસન દ્વારા દ્રૌપદીનું ચીરહરણ થયું એ સમગ્ર ઘટનાક્રમ વખતે ગુરુ દ્રોણ સભામાં ઉપસ્થિત હતા છતાં; તેમણે કોઈને રોક્યા–ટોક્યા નહીં. કાયરતાભર્યું મૌન સેવીને બેસી રહ્યા. આવા સ્વાર્થી અને કાયર ગુરુઓ હોય તો ય શું અને ન હોય તો ય શું ? મીંઢા અને લુચ્ચા, લાલચુ અને ડરપોક ગુરુથી દૂર રહે તે સાચો ગુરુભક્ત છે.        

ગુરુ દ્રોણે એકલવ્યનો અંગૂઠો દક્ષિણામાં માગી લઈને એકલવ્યને સામર્થ્યહીન કરી દીધો તથા દ્રૌપદીની લાજ લુંટાતી જોઈને ય પોતે મૌન રહ્યા આ બે બાબતો માટે તેમને કદી માફ ન કરી શકાય. આમેય શિષ્ય ભૂલ કરે તો માફ કરી શકાય (કારણ કે તે અજ્ઞાની છે); કિન્તુ ગુરુ કોઈ ગુસ્તાખી કરે તો તેને માફ ન કરી શકાય (કારણ કે તે તો જ્ઞાની છે, જાણકાર છે).

શિષ્ય ભોળાભાવે ગુરુ માટે ગીફ્ટ લાવે તો તેને માફ કરી દેવાય; પણ ગુરુએ તેને કહેવું જોઈએ કે હું આ બધું ત્યાગીને સંયમને માર્ગે ચાલી રહ્યો છું. તું મને કોઈ પણ ગીફ્ટ આપે તો તને દોષ (પાપ) લાગે. ભક્ત તરફથી મળતી ગીફ્ટ વખતે ભક્તને આવી ચેતવણી આપીને, કોઈ પણ સંજોગોમાં ગીફ્ટનો અસ્વીકાર કરનારા ગુરુઓ કેટલા ?

ગુરુઓ કાયર બનીને કેમ બેઠા છે ?

દ્રૌપદીના વસ્ત્રહરણ પ્રસંગે કૃપાચાર્ય, દ્રોણાચાર્ય જેવા ગુરુઓ કાયર બની રહ્યા હતા. આજે પણ હજારો ગૅન્ગ–રેપની ઘટનાઓ સામે હજારો ગુરુઓ કાયર બની બેઠા છે. ત્યાગી–સંયમી, કહેવાતા મહાત્માઓ વગેરેને માથે નોકરી–વ્યવસાયની કે ફૅમિલીની કોઈ જવાબદારીનું બર્ડન તો હોતું નથી ! એવા લોકો દૂરાચારીઓને સજા કરાવવા કેમ મેદાનમાં ઊતરતા નથી ? શ્રેષ્ઠ ગોચરી અને છપ્પનભોગ આરોગનારા ગુરુઓ સરકાર સામે ભૂખહડતાળ કરે, મરણાંત અનશન કરે તો અન્યાય–અત્યાચારના ટાંટિયા ઢીલા પડે જ.

ઊંચા આસને બેસીને ભક્તોને વાહિયાત ઉપદેશો આપવા, પોથી–વૈકુંઠનાં અવાસ્તવિક ખ્વાબો બતાવવાં, ફંડફાળા ઉઘરાવવા – આ બધાં કામ સહેલાં છે અને અર્થહીન પણ છે. જે ગુરુઓ આવાં કાર્યો કરતાં ફરે છે તે ગુરુઓ સ્વયમ્ નરકના અધિકારી બનશે એવી ખુલ્લી ચેતવણી આપણે અવશ્ય આપી શકીએ.

ચમત્કારો કરીને વહેમો ફેલાવવાનો કારોબાર કરતાં ગુરુઓથી વેગળા રહેવું એ અધ્યાત્મનો સાચો માર્ગ છે. આટલું નાનકડું સત્ય ગુરુ પૂર્ણિમાના પર્વ પ્રસંગે પ્રત્યેક આત્માર્થીએ આત્મસાત્ કરવું જોઈએ.

મુમ્બઈના સાંધ્ય–દૈનિક ‘ગુજરાતી મીડ–ડે’(12 જુલાઈ, 2013ની આવૃત્તિ)માં પ્રગટ થતી એમની લોકપ્રિય કટાર ‘મન્ડે-મંથન’માંથી .. લેખકશ્રીના અને ‘ગુજરાતી મીડ–ડે’ ના સૌજન્યથી સાભાર …

લેખક સંપર્ક : ‘અનેકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કૂલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013

ઈ–મેઈલ : [email protected] 

Category :- Opinion Online / Opinion

રમઝાન મહિનો પૂરો થવા આવ્યો અને શ્રાવણ માસ શરૂ થશે. સહુ શ્રદ્ધાળુઓએ રોજા રાખ્યા હશે અને ઈદનો તહેવાર મનાવશે, તો વળી શ્રાવણનો પવિત્ર માસનો પ્રારંભ થયે શિવ પૂજા, જન્માષ્ટમી અને રક્ષાબંધન જેવા તહેવારોની હારમાળા શરૂ થશે. આમ છતાં જાણે દિલમાં ખુશી નથી અનુભવાતી. કારણ કદાચ એ હોઈ શકે કે અત્યારે દુનિયામાં જ્યાં ત્યાં બસ હિંસાનું તાંડવ ખેલાઈ રહ્યું છે.

ખાસ કરીને તાજેતરમાં ઈરાકમાં શિયા અને સુન્ની વચ્ચે જંગ મંડાયો છે અને તેમાં વળી પેલેસ્ટાઈન અને ઈઝરાઈલ વચ્ચેના જૂના ઘાવ દૂઝતા થયા છે તેવે ટાણે મન જરૂર ખિન્ન થાય. જો કે આ સંઘર્ષ માત્ર અમુક દેશોમાં અને એકાદ-બે કોમ વચ્ચે ચાલ્યા કરતા જણાય છે તેથી બીજા દેશોમાં શાંતિ છે અને ત્યાંના નાગરિકો સુમેળથી રહે છે એવા ભ્રમમાં રહેવું ય ઉચિત નથી.

આપણે ભારતનો જ દાખલો લઈએ. ભારતીય જનતા પક્ષની લઘુમતી વિશેની નીતિ અને તેને પરિણામે ભૂતકાળમાં પોષાયેલી કોમી વૈમનસ્યની ભાવનાને પરિણામે એમને બહુમતી નહીં મળે તેવું અનુમાન ખોટું ઠર્યું અને જેમને કપાળે પોતાના રાજ્યની પ્રજાની સમૂહ હત્યાને રોકવાને બદલે તેને ભડકાવવાનો ચાંલ્લો થવો જોઈતો હતો તેને જ દેશના સર્વોચ્ચ પદાધિકારીનું તિલક થયું ને ? અને એટલે જ તો હાલમાં મુસ્લિમ લોકો ખાસ કેરીને રાજ્કારણમાં આગેવાન એવા મુસ્લિમ લોકોને તેમની ભારતમાંની સલામતી વિષે ચિંતા રહે છે.

આ મુદ્દાના અનુસંધાને 16મી જૂન ‘14ના ‘નિરીક્ષક’ના અંકમાં ઈસ્માઈલ ગાંધીનો લેખ મનમાં વિચારો જગાવી જાય તેવો છે. તેમણે મુસ્લિમ દેશબાંધવો જોગ એક સુંદર સંદેશો આપ્યો છે. ભારતમાં વસતી લઘુમતી કોમની શી હાલત થશે એવી ચિંતા એક રાજકારણીય હેતુ સર ઊભો કરાયેલ પ્રશ્ન હતો, છે અને રહેશે એ હકીકત છે. કોઈ પણ દેશના નિવાસીઓ સૌ પ્રથમ પોતાને જે તે દેશના નાગરિક સમજે અને ત્યાર બાદ પોતાની બીજી બધી ઓળખ પ્રમાણે પોતાની ભાષાનું પોત, ખોરાકનું વૈવિધ્ય, પોશાકની ઢબ, પ્રાર્થના-પૂજાની રીત રસમ, તહેવારોની ઉજવણીની મોજ મજા ભલેને દિલથી જાળવે. એ અબાધિત અધિકાર દરેક નાગરિકને લોકશાહીને અનુસરનાર ભારત વર્ષમાં અપાયેલો છે. સવાલ એ છે કે બહુમતી સમાજ તેમના જ દેશબાંધવોને કેટલા પોતીકા ગણીને સમાજમાં સન્માનનીય સ્થાન આપે છે અને તેઓ નિર્ભયપણે તમામ અધિકારો ભોગવી શકે છે અને સામે પક્ષે લઘુમતી કોમ દેશ પ્રત્યે પૂર્ણ વફાદારી જાળવીને તેના સમગ્ર જીવનમાં ઓતપ્રોત થઈ જાય છે. કેમ કે તેના પર દેશમાં કોમી એખલાસ અને સામંજસ્યનો આધાર રહેલો છે.

પથ્થર યુગથી માંડીને આધુનિક સમયના ઇતિહાસ પર નજર નાખીએ તો માલુમ પડે છે કે દુનિયામાં મુખ્યત્વે હિંદુ, બૌદ્ધ, સીખ, જુઇશ, ખ્રિસ્તી, અને ઇસ્લામ ધર્મ પ્રચલિત છે જેમાંના પહેલા ત્રણના મૂળ સનાતન હિંદુ ધર્મમાં અને બાકીના ત્રણ જેને આજે એબ્રાહીમિક ફેઈથ તરીકે ઓળખવામાં આવે છે તેના ફાંટા છે. વેદિક તત્ત્વજ્ઞાનનું કાળક્રમે હિંદુ ધર્મ અને સંસ્કૃિતમાં સંક્રમણ થયું જેમાં એ બંને વચ્ચે કોઈ વિરોધાભાસ કે સંઘર્ષ હોવાનું નોંધાયું નથી. તેવું જ હિંદુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતોના માળખા પર છતાં તેમની વર્ણ વ્યવસ્થા અને ધાર્મિક ક્રિયાકાંડોને છાંડીને બૌદ્ધ અને જૈન એવી બે નવી વિચારધારાઓ ફૂટી પરંતુ તેવે વખતે પણ ફરજિયાત ધર્મ પરિવર્તન, ધર્મ યુદ્ધો કે બે ધર્મના અનુયાયીઓ વચ્ચે સામૂહિક હત્યાના બનાવો બન્યા નથી. હા, રાજકીય કારણોસર લડાઈઓ થઈ ત્યારે અલગ અલગ ધર્મના લોકો સામસામે લડ્યા હોય તે સંભવ છે. એ હકીકત ગૌરવ સાથે નોંધવા લાયક છે કે આ ત્રણેય ધર્મના લોકો ભારતમાં અને વિદેશોમાં સામાન્ય રીતે હળી મળીને રહે છે સિવાય કે તેમને રાજકારણીય હેતુસર ઉશ્કેરવામાં આવે. વળી એ ધર્મોનો પ્રસાર-પ્રચાર અન્ય દેશોમાં થયો છે પણ ક્યારે ય એ કારણસર બીજા દેશો પર આક્રમણ કર્યાનો કે અન્ય દેશો પર રાજ્ય કર્યાનો ઇતિહાસ સાક્ષી નથી. એ પણ એક નોંધપાત્ર બીના ગણાવી શકાય. જો કે પોતાના જ ધર્મ બંધુઓ માટે ઉચ્ચ-નીચની માન્યતા ધરાવીને તેમને અન્યાય કરી રહેલા લોકોને માનવ અધિકારનું રક્ષણ ન કરવા માટે જવાબદાર ઠેરવી શકાય.

જે ધર્મોના મૂળભૂત સિદ્ધાંતો અને ખુદ પયગંબરોમાં સારું એવું સામ્ય હોય તો  તેમની વચ્ચે એક પ્રકારની અતૂટ ગાંઠસાંઠ જ હોઈ શકે એમ આપણે માનીએ. પરંતુ યહૂદીઓની સામૂહિક હત્યા થઈ હોવાનો અને યહૂદીઓ તથા આરબ પ્રજા વચ્ચે જમાના જૂનું વૈમનસ્ય ચાલુ રહ્યું હોવાનો ઇતિહાસ સાક્ષી છે. આજે પેલેસ્ટાઈન અને ઈઝરાઈલ વર્ષોથી રાજકીય કાવાદાવામાં સપડાઈને એક જ ભૂમિના ટુકડા પર પોત પોતાનો માલિકી અધિકાર જમાવવા લડે છે જેમાં બે અદ્દભુત ધર્મ અને સંસ્કૃિતનો સર્વનાશ થતો જોઈએ છીએ. તો ઈરાક હોય કે અન્ય દેશ, શિયા અને સુન્ની વચ્ચે ચાલતી હિંસા હવે અસહ્ય લાગે છે. તો એવી જ રીતે ઠેક ઠેકાણે પ્રોટેસ્ટન્ટ અને કેથલિક વચ્ચે પણ ક્યાં ઓછી ટકરામણ થયા કરે છે? તેમાં વળી ભારત અને પાકિસ્તાન પણ રાજકીય અને ધાર્મિક મુદ્દાસર કાયમી સંઘર્ષની સ્થિતિ ઊભી કરવા માટે ઓછા જવાબદાર નથી એવું સાબિત કરી રહ્યા છે. બે ધર્મો વચ્ચે અસહિષ્ણુતા અને વેરભાવ હોય તે ય નથી સમજાતું તો એક જ ધર્મના અનુયાયીઓ સાંપ્રદાયિક માનસ ધરાવતા હોવાને કારણે અંદર અંદર શા માટે લડતા ઝઘડતા રહે છે તે કોઈ રીતે ગળે ઉતરે એવી વાત નથી. પેલેસ્ટીનિયન પિતા પોતાનાં સંતાનોને કહેતો હશે કે બેટા, આપણે ઈઝરાઈલ પર રોકેટ્સ નાખીએ છીએ કેમ કે એમણે આપણી જમીન પચાવી પાડી છે અને એ યહૂદીઓના દેશને આપણે માન્યતા નથી આપી. આપણી બે કોમ વચ્ચે તો સદીઓથી અણબનાવ ચાલતો આવ્યો છે. જ્યારે એ જ સંતાનો પોતાના પિતાને શિયા-સુન્ની વચ્ચે ચાલતી ખૂનામરકી પાછળના ઉદ્દેશ વિષે પૂછે ત્યારે એમને શું જવાબ દેતો હશે એ પિતા?

કેટલાક ધર્મો પાસે ભાઈચારો અને સમાનતાની વાતો શીખવા જેવી છે તો બીજા ધર્મો પાસેથી પરસ્પર વચ્ચેની વિવિધતા માટે સહિષ્ણુતા અને અહિંસાનો સંદેશ અપનાવવા લાયક છે. આથી જ તો બીજાં કોઈ વ્રતોનું પાલન કરીએ કે ન કરીએ પણ તમામ માનવ જાત જો સત્યાચરણ કરવાનું અને પરસ્પરને માટે પ્રેમ તથા કરુણા જગાવવાનું વ્રત લે તો કૈંક શાતા વળશે એમ ભાસે છે.

અત્યારના અશાંતિ ભર્યા સમયમાં મનમાં લેટિન ભાષામાં ગવાયેલ સ્તુિત ગુંજે છે તે ટપકાવીને વિરમું :

ડોના નોબીસ પાચેમ પાચેમ
ડોના નોબીસ પાચેમ

હે પ્રભુ અમ સહુને શાંતિ આપ

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion