OPINION

હિન્દુત્વવાદીઓ જાણે છે કે ધાર્મિક મુસલમાનને મરજાદ નડે છે એટલે તે ભારત માતા કી જય બોલવાનો નથી. તેઓ આગ્રહ ભારત માતા કી જયનો જ રાખશે. ભારત દેશ ઝિંદાબાદ, મેરા ભારત મહાન, ભારત દેશ અમર રહે કે એવાં બીજાં કોઈ દેશભક્તિનાં સૂત્રો તેમને સ્વીકાર્ય નથી

વિકૃત રાજકારણ : મારા ગળા પર છરી મૂકશો તો પણ હું ભારત માતા કી જય નહીં બોલું એવા ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન નામના પક્ષના નેતા અસદુદ્દીન ઓવૈસીએ કરેલા વિધાનનો ગઈ કાલે [17.03.2016] થાણેમાં વિરોધ કરી રહેલા શિવસંગ્રામ નામની પાર્ટીના સભ્યો.ભારતમાં મુસલમાનો એક કમનસીબ પ્રજા છે. તેમની કમનસીબી નેતૃત્વના અભાવની છે. ખાસ કરીને આઝાદી પછી ભણેલા-ગણેલા મુસ્લિમ નેતાઓ પાકિસ્તાન જતા રહ્યા હતા અને ભારતીય મુસલમાનોને જુનવાણી અને ધર્મઝનૂની મુલ્લાઓના હવાલે કરતા ગયા હતા. જેઓ ભણેલા-ગણેલા હતા એવા નેતાઓ બહુ દૂરંદેશી ધરાવતા હતા એવું નથી. જો દૂરંદેશી હોત તો ભારતનું વિભાજન જ ન થયું હોત અને અત્યારે ભારતીય ઉપખંડના મુસલમાનો ત્રણ દેશમાં વહેંચાયેલા છે એ વહેંચાયેલા ન હોત. આવો પોતાના પગ પર કુહાડો મારનારો નિર્ણય ભણેલા-ગણેલા મુસલમાનોએ લીધો હતો. આ ઉપરાંત મુસલમાનો અનેક ફિરકાઓમાં વહેંચાયેલા છે એ વધારામાં.

મુસલમાન મુસલમાન છે એ તેની પહેલી ઓળખ છે તો મુસલમાન કોઈ દેશનો નાગરિક છે એ તેની બીજી ઓળખ છે. આવી બીજી પણ એક ડઝન ઓળખ હોવાની. આ જગતમાં કોઈ વ્યક્તિ કેવળ એક ઓળખ લઈને નથી જીવતી. આજના યુગમાં માણસે બહુવિધ ઓળખ સાથે જીવતા શીખવું જોઈએ. હિન્દુઓએ પણ આઝાદી પહેલાં કૉન્ગ્રેસની જગ્યાએ હિન્દુત્વવાદીઓની આંગળી પકડી હોત તો હિન્દુઓની પણ એ જ દશા થઈ હોત જે ભારતીય ઉપખંડના મુસલમાનોની થઈ છે. હિન્દુત્વવાદીઓ પણ એક પ્રબળ હિન્દુ ઓળખનો આગ્રહ રાખે છે.

વન્દે માતરમ અને ભારત માતાની જય એ હિન્દુત્વવાદીઓનો ઓળખનો આગ્રહ છે. આ આગ્રહ એટલા માટે છે કે એ દ્વારા મુસલમાનોને મૂંઝવી શકાય છે. કોઈ માણસ ચિડાતો હોય તો તેને ચિડાવવામાં વિકૃત આનંદ આવે છે. કોઈ માણસની કોઈ દુખતી નસ હાથ લાગે તો એને મોકો મળ્યે દબાવવામાં વિકૃત આનંદ આવે છે. કોઈ માણસ મરજાદી હોય તો તેની મરજાદ તોડાવવામાં વિકૃત આનંદ આવે છે.

બસ, કેટલાક મુસલમાનો સાથે આવું જ થઈ રહ્યું છે. મુસલમાને અલ્લાહ સિવાય કોઈની ઇબાદત (પ્રાર્થના-જયજયકાર) કરવી નહીં એવો કુરાનમાં આદેશ છે. કોઈ એટલે કોઈની પણ નહીં. આની પાછળનો મૂળ ઇરાદો એવો હતો કે અલ્લાહના નામે ધતિંગ કરનારા લોકોને કે ધર્મના ઠેકેદારોને ખાળી શકાય જેથી કોઈ મુસલમાનોનું ધાર્મિક શોષણ ન કરી શકે. ખુદા અને બંદા વચ્ચે કોઈ હોય જ નહીં તો ધતિંગ કેવી રીતે કરી શકે. જો કોઈ અલ્લાહની બરાબરી કરે તો તેને શિર્ક તરીકે ઓળખાવવામાં આવે છે જે ઇસ્લામમાં મોટો ગુનો છે. મૂળ ઉદ્દેશ તો સારો હતો, પરંતુ ધર્મઝનૂનીઓ ગમે એવા સારા ઉદ્દેશનો પોપટપાઠ કરીને અને એનું આંધળું અનુકરણ કરીને એને મારી નાખે છે. અલ્લાહની બરાબરી કરવાની ચેષ્ટા માણસ કરી શકે. શિર્ક એ માણસ માટે વાપરવામાં આવતો શબ્દ છે. જેમ કે અહમદિયા પંથના સ્થાપક મિર્ઝા ગુલામ અહમદ ચુસ્ત મુસલમાનોની દ્રષ્ટિએ શિર્ક છે. મિર્ઝા ગુલામ અહમદ પોતાને મેહદી અને અવતાર તરીકે ઓળખાવતા હતા. એટલે તો કેટલાક મુસલમાનો અહમદિયા મુસલમાનોને મુસલમાન નથી માનતા.

આમ માણસ ખુદાની બરાબરી કરવાની ચેષ્ટા કરે એ સમજી શકાય છે, પરંતુ ભૂમિ ક્યાં આવી કોઈ ચેષ્ટા કરે છે? આપણો જ્યાં જન્મ થયો હોય એ ભૂમિ આપણને વહાલી હોય છે જેમ જન્મ આપનાર મા વહાલી હોય છે. કોઈને વહાલ કરવું અને કોઈનું ઋણ સ્વીકારવું એ સ્વાભાવિક માનવીય વૃત્તિ છે. આમાં ધાર્મિક બંધનો ક્યાં આડાં આવ્યાં? પરંતુ બાબા વાક્યમ્ પ્રમાણમ્. કુરાનમાં કહ્યું છે કે ખુદા સિવાય કોઈની ઇબાદત કરવાની નહીં અને કોઈનો જયકાર કરવાનો નહીં એટલે નહીં કરવાનો. એટલે તો ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના નેતા ઓવૈસીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મારા ગળા પર છરી મૂકશે તો પણ હું ભારત માતા કી જય નહીં બોલું.

આ મરજાદ છે અને આગળ કહ્યું એમ કોઈની મરજાદ તોડાવવામાં વિકૃત આનંદ આવતો હોય છે. તમારામાંથી ઘણાએ બાળપણમાં અણસમજમાં મરજાદીઓને સતાવ્યા હશે. મરજાદીએ બીજી વાર નહાવા જવું પડે એ જોઈને આનંદ આવતો હતો. મોટા થયા પછી એટલું તો સમજાયું હશે કે મરજાદીની મરજાદ તોડાવવી એમાં માણસાઈ નથી. હું અને તમે ઉંમર સાથે સંસ્કારી થયા છીએ અને વિવેકી બન્યા છીએ, પરંતુ હિન્દુત્વવાદીઓ તો વિકૃત ઉપરાંત કોમવાદી પણ છે. તેમનો કોમવાદી રાજકીય એજન્ડા છે. તેઓ જાણે છે કે ધાર્મિક મુસલમાનને મરજાદ નડે છે એટલે તે ભારત માતા કી જય બોલવાનો નથી. તેઓ આગ્રહ પણ ભારત માતા કી જયનો જ રાખશે. ભારત દેશ ઝિંદાબાદ, મેરા ભારત મહાન, ભારત દેશ અમર રહે કે એવાં બીજાં કોઈ દેશભક્તિનાં સૂત્રો તેમને સ્વીકાર્ય નથી. મરજાદી વૈષ્ણવ પાસે જય જય શિવ શંકર બોલાવવા જેવી જ આ વિકૃતિ છે.

એટલે તો હિન્દુત્વવાદીઓ જન મન ગણની જગ્યાએ વન્દે માતરમને રાષ્ટ્રગીત બનાવવા માગે છે. તેમને વન્દે માતરમ માટે કોઈ વિશેષ પ્રેમ છે એવું નથી. શુદ્ધ સંસ્કૃતમાં લખાયેલું એ ગીત તેમને સમજાતું હશે કે કેમ એ પણ સવાલ છે. તેમનો ઇરાદો મુસલમાનોને મૂંઝવવાનો છે. તેમને જાણ છે કે મરજાદી મુસલમાન વન્દે માતરમ બોલવાનો નથી એટલે તેને સહેજે રાષ્ટ્રદ્રોહી ઠરાવી શકાશે. પેલો મુસલમાન બાપડો બે હાથ જોડીને કહે કે ભાઈ, તમે કહો એ દેશભક્તિનું સૂત્ર બોલી બતાવું, પણ ભારત માતા કી જયનો આગ્રહ છોડો તો હિન્દુત્વવાદીઓ એવો આગ્રહ છોડવાના નથી. તેઓ પોતાની શરતે મરજાદી મુસલમાનની પરીક્ષા લઈને દેશપ્રેમમાં મુસલમાનને નાપાસ કરવા માગે છે.

આ વિકૃત રાજકારણ છે અને એમાં આગળ કહ્યું એમ મુસ્લિમ નેતૃત્વ નાદાર છે. વતનપરસ્તીમાં ખુદાની બરાબરી ક્યાં આવી કે તમે આટલા છેડાઓ છો. આગળ કહ્યું એમ માણસ શિર્ક થવાનો પ્રયાસ કરે, ભૂમિ ક્યાં શિર્ક બનીને ખુદાની સામે ઊભી રહેવાની છે? પણ આ વાત મુસલમાનોને સમજાવે કોણ? નેતૃત્વ નાદાર છે અને મુસલમાનો મૌલવીઓની કેદમાં છે.

http://www.gujaratimidday.com/features/columns/bharat-mata-ki-jai-controversy-2

સૌજન્ય : ‘કારણ-તારણ ‘ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 18 માર્ચ 2016

Category :- Opinion / Opinion

હૃદયકોષે અનિલભાઈ : સંપાદન - રમેશ સંઘવી : પ્રકાશક - ગ્રામદક્ષિણામૂર્તિ ટૃસ્ટ (મુકામ પોસ્ટ આંબલા, વાયા અમરગઢ, જિલ્લો ભાવનગર) : પહેલી આવૃત્તિ : સાઇઝ 5.5 x 8.5 : પાકું પૂઠું : પાનાં 20 + 268 : કિંમત રૂ. 125/-

પહેલવહેલું, વર્ષ ૨૦૦૬માં ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા (તા. સિહોર, જિ. ભાવનગર) જવાનું થયું. પર્યાવરણ અને શિક્ષણ ક્ષેત્રે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા હિંદ સ્વરાજમંડળ તરફથી અંદાજિત દોઢ-બે દિવસની એ મુલાકાત હતી. નઈ તાલીમ શિક્ષણના પાયાનાં કેટલાંક પુસ્તકો વાંચ્યાં પછી આ પ્રકારની સંસ્થાઓમાં તે શિક્ષણ કેવી રીતે અપાય છે, તે જોવા-જાણવા-સમજવા માટેનો આ પ્રવાસ હતો. પણ કૌતુકવશ થતાં પ્રવાસમાં આંખ-કાન-મગજ કરતાં કદાચ અન્ય કોઈ તત્ત્વ વધારે સાબદું હોય છે. સમજણ કરતાં અનુભૂતિ વધારે ગહન હોય છે અને પ્રશ્નો પૂછવા કરતાં જે કંઈ અનુભવાય છે, એમાંથી પામવાનું વધારે હોય છે. એ પહેલી મુલાકાતમાં આંબલાની ધરા અને હવામાં ઋષિપરંપરાના ગુરુકુળની અનુભૂતિ થઈ. બેશક, પણ એ ગુરુકુળ પણ ચોપડીમાં ક્યાંક વાંચેલું કે ટીવીમાં ક્યાંક જોયેલું જ હતું, વાસ્તવિક જીવનમાં એની નજીક હોવાની આ પહેલી ઘટના હતી. એની ફેર અનુભૂતિ, વર્ષ ૨૦૦૭માં થઈ પણ તો ય ફેર ફેર અનુભૂતિની ઇચ્છા હજુ મનમાં હતી, એ ગયા માસે થઈ.

તા. ૧૪ ફેબ્રુઆરી ને રવિવારના રોજ કેળવણીકાર અનિલભાઈ ભટ્ટનું અભિવાદન કરતા પુસ્તક ‘હૃદયકોષે અનિલભાઈ’(સં. રમેશ સંઘવી)ના વિમોચન-પ્રસંગે જવાનું થયું. જવાનું થયું એમ કહેવા કરતાં ‘તક મળી કે તુરત જ ઝડપી લીધી’ એમ કહેવું વધારે સાચું કહેવાશે. નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી, મૂળશંકર મો. ભટ્ટ અને ન. પ્ર. બૂચ સમા કેળવણીકારોએ પોતાનો જીવ રેડીને આકારેલી સંસ્થામાં ફરી પગ મૂકવો એ પોતાનામાં એક ઉપલબ્ધિથી ઓછું નહોતું લાગતું. આ ચારેય શિક્ષણવિદોનો વારસો જાળવતાં અનિલભાઈ ભટ્ટે વિકસાવેલી આ સંસ્થામાં પગ મૂકતાં જ એક અલગ હવા શ્વસી રહ્યા હોવાનું લાગ્યું.

નવ કે દસ વર્ષમાં જાણે કશું જ બદલાયું નહોતું. નઈ તાલીમ શિક્ષણનો બુનિયાદી વિચાર તે  સમૂહજીવન. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ગાયેલી પ્રાર્થનાથી લઈને પૂરા પરિસરની સ્વચ્છતા-સુઘડતા અને સજાવટમાં એ આચાર રૂપે વર્તાતો હતો. અમદાવાદની સી.એન. કે ગુજરાત કૉલેજ જેવી, જૂજ શાળા-કૉલેજોમાં જોવા મળતી હરિયાળી અહીં જોવા મળે છે. ફરક એટલો છે કે અહીંના કોઈ પણ વિદ્યાર્થીને પૂછવામાં આવે, તો કોઈ પણ છોડ-વેલ-ક્ષુપ-વૃક્ષનું નામ કહી શકે. પરિસરની સ્વચ્છતાથી લઈને રસોડામાં બનતી વાનગીઓની સોડમમાં તો આ વિદ્યાર્થીઓનો ફાળો હોય જ, સૌ જમી લીધા પછી પોતાની થાળી જાતે જ સાફ કરતાં હોય અને એમાંનાં કેટલાંક રસોડામંત્રી, ગૃહકાર્યમંત્રી, પ્રાર્થનામંત્રી, ... જેવા વિભાગના મંત્રી નિમાયેલાં હોય, જે નિયમિતપણે ને વારાફરતી પોતાની જવાબદારી નિભાવતાં હોય. સંસ્થામાં કોઈ કાર્યક્રમ હોય ત્યારે ‘કોડિયું’નું લવાજમ કે પુસ્તકોનાં વેચાણ માટે પણ અહીં બારથી પંદર વર્ષના વિદ્યાર્થીઓ બેઠાં હોય. ખેતી, પશુપાલન અને સ્થાનિક જરૂરિયાતો પર આધારિત ગ્રામોદ્યોગનું શિક્ષણ પણ અહીં અપાય.

સંસ્થાના ખેતર કે અન્ય જગ્યાના નાના ટુકડામાં દરેક વિદ્યાર્થી કે વિદ્યાર્થીવૃંદ પોતાની મેળે ને સ્વતંત્ર રીતે કશુંક ઉગાડે-ઉછેરે ને એ છોડની સાથે કૃષિવિદ્યામાં પોતાનો વિકાસ પણ જાતે જ અવલોકે, ‘વાડોલિયું’ નામે એ પ્રયોગ જ કેવો અદ્‌ભુત. જ્યારે જિજ્ઞાસા ને કૌતુક સોળે કળાએ ખીલેલાં હોય એવી ઉંમરે આપણું વાવેલું કશુંક ઊગી નીકળવું એ ઘટના જ કેટલી આહ્‌લાદક લાગે! (પહેલી વાર જ્યારે આ જાણ્યું ત્યારે મારે કેમ આવી કોઈ બુનિયાદી શાળામાં ભણવાનું ન થયું, એવો અફસોસ મનોમન વ્યક્ત થયો હતો.) આ રીતે બાળકનું કુદરત સાથે થતું સંધાણ જીવનભરનું જ હોય. છોડ ઊગવાની રાહ જોતાં-જોતાં તેનામાં પાલન-પોષણ, કાળજી, ધીરજના ગુણો સહજપણે કેળવાયા હોય, પછી વૃક્ષ તરત કાપી તો નંખાય પણ બીજમાંથી અંકુર ફૂટતાં ને છોડ બનતાં ય મહિનાઓ-વર્ષો લાગે છે, એવી પાયાની સમજણ તો હોય જ હોય. એ પછી મોટા થયે વિદ્યાર્થીઓ ગ્લોબલ વૉર્મિંગ કે ક્લાઇમેટ ચેન્જ વિશે જાણે એ અલગ વાત છે. પણ પ્રકૃતિ સાથે છેડછાડ ના કરાય એ બીજ તો બાળપણમાં જ રોપાઈ જાય. આવા તો અનેક પ્રયોગો અનિલભાઈએ કર્યા હશે જે ‘મુક્તિશીલા કેળવણી’ (લે. અનિલભાઈ ભટ્ટ, સં. રમેશ સંઘવી) અને ‘હૃદયકોષે અનિલભાઈ’માં વાંચવા મળે.

આવી આ સંસ્થામાંથી ઘણાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ લૌકિક દૃષ્ટિએ ઊંચાઈએ કહેવાય એવા સ્થાને પહોંચ્યાં હશે, પણ તેની વધુ મહત્તા, આવી સમજણ સાથે અનેક સામાન્ય માણસો વધારે સંખ્યામાં બહાર નીકળ્યા હશે તેમાં રહેલી છે. એક સમય હતો, જ્યારે એનજીઓ-વીઓની કાર્યશીલતા ગુજરાતમાં ચરમસીમાએ હતી, ત્યારે બહુમતી કાર્યકરો આંબલા, લોકભારતી-સણોસરા ને એવી જ નઈ તાલીમની શાળાઓ કે ગ્રામવિદ્યાપીઠમાંથી તૈયાર થયેલા આવતા.

વળી, મજાની વાત એ કે અહીંનું શિક્ષણ કૃષિ-ગોવિદ્યા અને ગ્રામોદ્યોગમાં પૂરું ન થઈ જાય. જગતના વિકાસની દિશાએ આગળ વધતાં કમ્પ્યૂટર-શિક્ષણ તો જાણે કે હોય જ ‘દેશના સામાજિક, રાજકીય, આર્થિક અને સાંસ્કૃિતક પ્રજાજીવનમાં ... ઓછામાં ઓછું તેના પોતાનાં પ્રશ્નો, હકો અને કર્તવ્યોનો બુદ્ધિપૂર્વક અમલ કરી શકાય’ તેને માટેની કેળવણી પણ અહીં મળી રહે. એટલે ભણી લીધા પછી વિદ્યાર્થીઓને જે જગતમાં પ્રવેશવાનું છે ને તેમાં જે જવાબદારી નિભાવવાની છે, તેના ‘પાયલોટ પ્રોજેક્ટ’માંથી પસાર થઈ ગયા હોય. અને આ બધું કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ આપીએ છીએ, એવાં બણગા ફૂંક્યા વગર અપાય. કેમ કે નઈતાલીમ શિક્ષણમાં જ આ નિહિત છે. આટલામાં કંઈક ખૂટતું હોય, તો તે ગીત-સંગીત-નૃત્ય-ચિત્ર-રંગોળી ... મનુભાઈ અને અનિલભાઈના મેળાપથી એ પણ એટલી જ સહજતાથી ગ્રામદક્ષિણામૂર્તિમાં ઉમેરાયું. પુસ્તકની પ્રસ્તાવનામાં પ્રકાશભાઈ (ન. શાહ) લખે છે તેમ, ‘આંબલા જેવા ગામડામાં, વંચિતબહુલ શાળામાં સૌંદર્યાનુભવ શક્ય બને ત્યારે તે ... ગાંધી-રવીન્દ્ર મિલનભૂમિની એક નવી જ મિસાલ કાયમ કરે છે.’

આવી એ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશતાં જ દર્શકની ઐતિહાસિક નવલકથા ‘દીપનિર્વાણ’માંથી ટાંકેલી એક ઉક્તિ તરફ નજર જાય : ‘હે ચક્રવર્તી, આ જગ્યાએ જ્ઞાનની અધિષ્ઠાત્રી, આજીવન બ્રહ્મચારિણી સર્વવત્સલા સરસ્વતીનું ઉપાસનાસ્થાન છે, એટલે અહીંની શાંતિને અભંગ રાખવા માટે તારા સપ્તસિંધુઓનું જલ પીધેલા ઘોડાને અહીં બહાર જ વિશ્રામ દેજે. તારાં દેદીપ્યમાન અસ્ત્રશસ્ત્રોનો ભાર અહીં જ રથમાં ઉતારી નાંખજે, ને તારા રાજવી મદમર્દનનો અહંભાવ અહીં જ મૂકીને આ અંતર્વેદીમાં પગ મૂકજે.’ કાર્યક્રમમાં કોઈ ‘ચક્રવર્તી’ની હાજરી નહોતી. એટલે અસ્ત્રશસ્ત્ર ઉતારવાનો તો પ્રશ્ન જ નહોતો ને સંસ્થામાં પ્રવેશનાર હર કોઈને ઉદ્દેશીને તો આ ઉક્તિ નહોતી જ લખાઈ તો ય કાર્યક્રમ અહંશૂન્ય વર્તાતો હતો અને વક્તવ્યો એટલાં સ્વરાજપૂર્ણ હતાં કે ઉત્તમભાઈ પરમાર અને સંજય શ્રીપાદ ભાવેના વક્તા તરીકે પ્રવેશ પહેલાં તો સરકારની વાજબી ટીકાની ગેરહાજરી ને સરકારના હોવાપણાની પણ ગેરહાજરી વર્તાતી હતી. ગાંધીજીના શબ્દોમાં સ્વરાજનો એક અર્થ, ‘સરકારના અંકુશમાંથી મુક્ત થવાનો સતત પ્રયાસ, પછી ભલે તે સરકાર પરદેશી હોય કે દેશની. જો લોકો જીવનની દરેક વિગતના નિયમન માટે સરકાર તરફ જોશે, તો તે સ્વરાજમાં ઝાઝો સાર નહીં હોય.’

ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા અને તેના જેવી કેટલીક નઈ તાલીમની શાળાઓ કાળના પ્રવાહમાં ને સરકારના દરમિયાન થવામાં આવતી અનેક અડચણો અને તેનાં કારણે આવી ઊભતી મર્યાદા વચ્ચે ય સ્વરાજ તરફ મીટ માંડતી રહી છે. નાનાભાઈથી લઈને અનિલભાઈ, લાલજીભાઈ (નાકરાણી), અરુણભાઈ દવે જેવા નઈ તાલીમના પુરસ્કર્તાની મથામણ, ફાજલભાઈ, અરુણાબહેન જેવાં શિક્ષકોનાં સમર્પણ અને એ પછીની પેઢીના શિક્ષકોની નઈ તાલીમમાં શ્રદ્ધાના ફળસ્વરૂપે ગ્રામદક્ષિણામૂર્તિ આજે ‘રાષ્ટ્રીય વિરાસત શાળા’ તરીકે ઊભી છે.

દક્ષિણામૂર્તિના વિદ્યાર્થી અને લોકભારતીના પૂર્વઅધ્યાપક યશવંતભાઈ ત્રિવેદી અનિલભાઈ વિશે લખતાં પુસ્તકમાં એ મતલબનું નોંધે છે કે વેડછીમાં દસમું ધોરણ પૂરું કર્યું ત્યાં જ જુગતરામભાઈના પ્રશ્ન ‘મોટા થઈને શું કરવું છે?’નો અનિલભાઈનો ઉત્તર હતો - ‘ગાંધીનું કામ’. પછીનાં વર્ષોમાં ગાંધીનું કામ એટલે નઈ તાલીમ શિક્ષણ એવો ઉત્તર કદાચ તેમને માંહ્યલા પાસેથી મળ્યો હશે. છેક ૧૯૪૫-૪૬ના અરસામાં આ જવાબ આપ્યા પછી ૬૦ વર્ષે - જીવન આખું આ કામમાં ખર્ચી કાઢ્યા પછી - ૨૦૦૭માં ગાંધીજી અને શિક્ષણને સાંકળતા એક પ્રશ્નના જવાબમાં તેમનો ઉત્તર હતો, ‘ગાંધીજીનું સ્વપ્ન ભેદભાવવિહીન અને શોષણવિહીન સમાજરચનાનું હતું. આ માટે તેમણે પ્રયત્નો કર્યા તે બધા શિક્ષણના જ પ્રયત્નો હતા.’ (મુલાકાત : પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત શિક્ષણ-વિચાર, હરિજનબંધુ, ૧૯૩૩થી ૧૯૪૮ સંદર્ભે) અનિલભાઈના આ ટૂંકા જવાબનો વિસ્તાર ઘણો લાંબો-પહોળો છે. ‘… તેમણે પ્રયત્નો કર્યા તે બધા શિક્ષણના જ પ્રયત્નો હતા’, તેમાં ગાંધીજીના સત્યાગ્રહ સમર્પિત જીવનનાં સઘળાં કાર્યો - આ દેશને જાણવા-સમજવા માટે કરેલા ભારતભ્રમણથી લઈને આશ્રમની સ્થાપના, અનેક સત્યાગ્રહો, રચનાત્મક કાર્યો અને જીવનના અંતે નોઆખલીમાંકોમીએકતા માટેનું ભ્રમણ, બધું - સમાઈ જાય છે! અનિલભાઈના મતે આ શિક્ષણનો વ્યાપ છે, આ શિક્ષણનું કાર્ય છે. અભિવાદનના પ્રતિભાવરૂપ વક્તવ્યમાં પણ આ જ વાતનો પડઘો પાડતા હોય તેમ તેમણે, સૈકાઓથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા માટે કેટલાં ય રાજકીય પરિવર્તનો થયાં છતાં ય તેનાં દર્શન થતાં નથી, તેની વાત કરીને કોઈ પણ શિક્ષણસંસ્થામાં પાયાની ત્રણ બાબતોને લક્ષમાં રાખીને શિક્ષણ આપવાની અનિવાર્યતા વ્યક્ત કરી. એ માટે તેમની અનુભવવાણીનો સાર હતો : ૧. વાતાવરણ નિર્ભય બનાવીએ. ૨. સર્જન કરવાની તક દરેકને મળવી જોઈએ, પરાણે નહીં, હોંશે હોંશે સર્જન થવું જોઈએ અને ૩. સંવાદ સાધીએ, સહકારપૂર્ણ સંવાદ સાધીએ. દર્શકે કહ્યા પ્રમાણેના ‘નસેનસ શિક્ષક’ની નમ્રતા દાખવતા તેમણે ‘હૃદયકોષે અનિલભાઈ છે એમ નહીં, વિશ્વકોષે દક્ષિણામૂર્તિ પહોંચાડવા હોય, તો આપણે પ્રેમપૂર્વકનું આચરણ, પ્રેમપૂર્વકનો વ્યવહાર અને પ્રેમપૂર્વકની મૈત્રી શરૂ કરવી પડશે’, એમ કહ્યું.

હાલની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકે વિદ્યાર્થીને કરેલી શારીરિક શિક્ષાથી લઈને અત્યારના યુનિવર્સિટી શિક્ષણમાં પ્રવર્તી રહેલા વાતાવરણમાં અનિલભાઈની હૃદયવાણી, ચોક્કસ જ વિશ્વસ્તરે લઈ જવા જેવી છે.                                    

e.mail : [email protected]

પુસ્તક વિશે ...

‘સવાલાખનો સવાલ એ છે કે માનવજાતના તમામ પ્રશ્નો - મૂંઝવણોનો ઉકેલ જો શિક્ષણ પાસે હોય તો કયું, કેવું, કેમ શિક્ષણ આપવું? જેના મુખ્ય આધારો અનુભવ અને જીવાતા જીવન સાથેનો અનુબંધ છે એવા વૈધિક અને અવૈધિક શિક્ષણના વિવેકપૂર્ણ સમન્વયથી જન્મતા જીવનલક્ષી શિક્ષણ પાસે આવી તાકાત રહેલી છે. આ પ્રકારના શિક્ષણને અખંડદર્શનનું શિક્ષણ કે બુનિયાદી કેળવણી કે પાયાની કેળવણી કે નઈ તાલીમ કે વર્ધા શિક્ષણ કે લાઇફ લૉંગ એજ્યુકેશન કે સ્થાયી વિકાસનું શિક્ષણ કે જીવનલક્ષી કેળવણી કે માનવીય અભિગમ ધરાવતું હકારાત્મક મૂલ્યનિષ્ઠ શિક્ષણ - જે કહેવું હોય તે કહી શકાય. મનુષ્યના મનુષ્યત્વને ઉજાગર કરતું આવું બત્રીસ લક્ષણ શિક્ષણ શું શક્ય છે ખરું? શું ક્યાં ય આવો સફળ પ્રયોગ થયો છે ખરો? શું આવા કોઈ શિક્ષક જોયા - અનુભવ્યા છે ખરા? આ બધાનો જવાબ આ પ્રકાશનમાંથી મળવાની પૂરી ખાતરી હોવાથી અમે એક સંપૂર્ણપણે સદ્‌ભાવથી વિનમ્રતાપૂર્વતા આ પ્રયત્ન કર્યો છે. આશા છે કે વાચકોને અમે નિરાશ નહીં કરીએ.’             

(‘પ્રકાશકનું નિવેદન’માંથી)

*   *   *

‘ગ્રામદક્ષિણામૂર્તિ - આંબલામાં નિત્ય નયી નઈ તાલીમનો પ્રયોગ પાંગર્યો, પ્રસર્યો અને પ્રકાશ્યો. તેની દાસ્તાં કોઈ માંડે તો ‘તોતોચાન’ કે ‘જ્યોત સદાય જલે’ જેવી, કેળવણીના કીમિયાની અફલાતૂન રમણીય - સ્મરણીય - સ્મરણીય સ્મરણગાથા બને. રૉબર્ટ ફ્રોસ્ટની કવિતામાં આવે છે : ‘બે માર્ગમાંથી મેં ઓછો ખેડાયેલો માર્ગ પસંદ કર્યો.’ આંબલાના શિક્ષણનો માર્ગ અને મર્મ બંને નવતર અને ઓછો ખેડાયેલ. પૂર્વપ્રકાશિત આ. અનિલભાઈના લેખસંચય ‘મુક્તશીલા કેળવણી’માં આ માર્ગ અને મર્મની વાત ચિંતનના અને અનુભવના સ્તરે મૂકાઈ છે. હવે આ ‘હૃદયકોષે અનિલભાઈ’માં તે સાથીઓ-વિદ્યાર્થીઓનાં નિજી સ્મરણોથી મુદ્રા સાથે પ્રત્યક્ષ થાય છે અને હવે પછી પ્રકાશ્ય ‘ગોષ્ઠિ’માં તે આ. અનિલભાઈનાં નિજી મુદ્રા અને ભાવ લઈને આવશે.’

(સંપાદકીયમાંથી)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2016; પૃ. 20- 21

Category :- Opinion / Opinion