OPINION

જેમાંથી માત્ર ચાર સ્વતંત્ર છે, બે અંકુશ હેઠળ છે, એક નજર હેઠળ છે અને એકને દિલ્હીના મુખ્ય પ્રધાનપદે મોકલવા દરવાજે ઊભા રાખી દેવાયા છે. જો સ્થિતિ આવી જ બની રહેશે તો કાર્યક્ષમતા બાબતનાં સૂચનોનો કોઈ અર્થ સરવાનો નથી. આનો અર્થ એવો પણ નથી કે રાજ્યસ્તરના પ્રધાનોમાં કોઈમાં કૌવત નથી. પીયૂષ ગોયલ અને નવા ઉમેરાયેલા જયંત સિંહા જેવા પ્રધાનો આગળ જતાં ઝળકી શકે છે. અરુણ જેટલી અને અરુણ શૌરી અટલ બિહારી વાજપેયીના પ્રધાનમંડળમાં જુનિયર પ્રધાન હતા

પૂર્વ એશિયાના દેશોની દસ દિવસની મુલાકાતે જતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તારિત કરવામાં આવેલા પ્રધાનમંડળનો રીતસર ક્લાસ લીધો હતો. ક્લાસમાં જૂના-નવા બધા જ પ્રધાનો હતા જેમને વડા પ્રધાને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એટલું જ નહીં, શેનાથી સાવ દૂર રહેવું જોઈએ એનાં વિષે સૂચનો કર્યાં હતાં. તેમણે આપેલાં સૂચનો આવાં છે : ઘડિયાળ સામે જોયા વિના ચોવીસ કલાક કામ કરો, રવિવારે કે રજાના દિવસે પણ કામ કરો, તમે જો ૧૩ કલાક કામ કરશો તો હું (વડા પ્રધાન) ૧૪ કલાક કામ કરીશ અને તમે જો ૧૪ કલાક કામ કરશો તો હું ૧૫ કલાક કામ કરીશ. મીડિયા સાથે ઓછી વાત કરો અને જો બોલતાં ન આવડતું હોય તો મૂંગા રહો. એકબીજાના કામમાં ઉપયોગી બનો, પણ અવરોધ પેદા ન કરો. સરકારની આંતરિક ચર્ચા, અભિપ્રાયો, નુકતેચીનીઓ કે નોટ્સ લીક ન થવાં જોઈએ. વિદેશ પ્રવાસને ટાળો અને ખાસ કરીને સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે તો કોઈ પ્રધાન દેશની બહાર ન હોવો જોઈએ. તેમણે કૅબિનેટ પ્રધાનોને પોતાના ખાતામાં કામ કરતા રાજ્ય કક્ષાનાં જુનિયર પ્રધાનોની ઉપેક્ષા નહીં કરવાની અને તેમને નિર્ણય પ્રક્રિયામાં સાથે રાખવાની ભલામણ કરી હતી. વડા પ્રધાને સૂચવ્યું હતું કે કૅબિનેટ પ્રધાને તેમના જુનિયર પ્રધાનો સાથે સાપ્તાહિક બેઠક લેવી જોઈએ. વડા પ્રધાન એકંદરે પ્રધાનમંડળની પ્રોડક્ટિવિટી વિશે સભાન હોય એ આવકાર્ય છે. જવાહરલાલ નેહરુમાં આવો ગુણ હતો. તેઓ પ્રધાનોને સૂચનો કરતા, તેમના કામ પર નજર રાખતા એટલું જ નહીં; રાજ્યોના મુખ્ય પ્રધાનોને પણ દર ૧૫ દિવસે એક પત્ર લખતા. તેમના પાક્ષિક પત્રમાં રાજકીય આકલન અને ચિંતન પ્રગટ થતું અને એ પત્રો એટલા પ્રગલ્ભ હતા કે આજે પણ એનું મૂલ્ય છે અને વખતોવખત ટાંકવામાં આવે છે. નેહરુ પછીના વડા પ્રધાનોમાં આવો ગુણ જોવા મળ્યો નથી. ઇન્દિરા ગાંધીના વખતમાં દરેક પ્રધાનની જીવદોરી અનિશ્ચિત રહેતી. ક્યારે કોની નોકરી જશે એ કોઈ કહી શકતું નહોતું અને ખુલાસા કરવાની ઇન્દિરા ગાંધીને ટેવ નહોતી. રાજીવ ગાંધીએ પ્રધાનોમાં ટીમ સ્પિરિટ અને પ્રોડક્ટિવિટી વધારવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના નવા નિશાળિયા પ્રધાનો વધારે પડતા સ્માર્ટ સાબિત થયા હતા જેમાં સરવાળે રાજીવ ગાંધી હાસ્યાસ્પદ બની ગયા હતા. એ પછીની મિશ્ર સરકારોમાં તો સરકાર ટકાવી રાખવી એ જ જ્યાં મુખ્ય પડકાર હોય ત્યાં કોઈને શું સલાહ આપવી અને કોઈ સલાહ માને પણ શા માટે? નરેન્દ્ર મોદીએ જો પોતાના પ્રધાનમંડળમાં ટીમ સ્પિરિટ અને પ્રોડક્ટીવિટી વધારવાં હોય તો તેમણે જવાહરલાલ નેહરુને અનુસરવા જોઈએ જેમની આજે સવાસોમી જન્મજયંતી છે. નેહરુ દરેક પ્રધાનને પોતાનું કૌવત બતાવવાનો અવસર આપતા હતા અને એમાં તેઓ મદદ કરતા હતા. નેહરુની મર્યાદા સ્વપ્નરંજકતા અને અધીરાઈ હતી. એક દાયકામાં તેઓ ભારતની કાયાપલટ કરી નાખવા માગતા હતા. નરેન્દ્ર મોદીમાં અધિરાઈ તો નથી નજરે પડતી, પરંતુ તેમણે તેમના પ્રધાનમંડળના દરેક સભ્યને કૌવત બતાવવાનો અવસર આપવો જોઈએ જેનો અભાવ નજરે પડી રહ્યો છે. નેહરુ શાસનની ગુણવત્તાને કેન્દ્રમાં રાખતા હતા, જ્યારે મોદી શાસનની ગુણવત્તા કરતાં પોતાને વધુ કેન્દ્રમાં રાખે છે. એક તો જવાહરલાલ નેહરુની કૅબિનેટ અને નરેન્દ્ર મોદીની કૅબિનેટ વચ્ચે તુલના ન થઈ શકે. આમાં મોદીનો કોઈ વાંક નથી. એ યુગ જુદો હતો અને લોકો જુદા હતા. એ લોકો સત્તા માટે રાજકારણમાં નહોતા આવ્યા, સ્વરાજ માટે આવ્યા હતા અને સફળ કારકિર્દીનો ત્યાગ કરીને આવ્યા હતા. નેહરુના અડધા વેણનો અર્થ સમજવા જેવી તેમની ક્ષમતા હતી અને નેહરુએ પણ તેમને સાંભળવા પડે એવા એ મહાન માણસો હતા.આની સામે નરેન્દ્ર મોદીનું પ્રધાનમંડળ ફીકું છે. વડા પ્રધાનની ટીમમાં વડા પ્રધાનને છોડીને ૬૫ સભ્યો છે જેમાંથી સ્વતંત્ર રીતે ચાલી શકવાની ક્ષમતા ધરાવનારા માત્ર આઠ સભ્યો છે; અરુણ જેટલી, સુષમા સ્વરાજ, મનોહર પર્રિકર, સુરેશ પ્રભુ, રવિશંકર પ્રસાદ, નીતિન ગડકરી, નિર્મલા સીથારામન અને ડૉ. હર્ષવર્ધન. આમાંથી હર્ષવર્ધનને કદાચ દિલ્હીના મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે અને સુષમા સ્વરાજ તેમ જ નિર્મલા સીથારામનને સ્વતંત્ર રીતે કામ કરવાની તક આપવામાં આવતી નથી. નીતિન ગડકરીની મથરાવટ મેલી છે એટલે તેમના પર નજર રાખવી પડે એમ છે. રાજનાથ સિંહ પક્ષના સિનિયર નેતા છે, પણ સક્ષમ શાસક તરીકે તેમણે ક્યારે ય નામના મેળવી નથી. વળી તેઓ પણ ગૃહપ્રધાન તરીકે કામ કરવાની કોઈ આઝાદી નથી ધરાવતા. તેમણે વડા પ્રધાન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ અને આગળ વધીને અમિત શાહના સૂચન મુજબ કામ કરવું પડે છે.

આનો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદીની કૅબિનેટ વ્યવહારમાં આઠ સભ્યોની કૅબિનેટ છે જેમાંથી માત્ર ચાર સ્વતંત્ર છે, બે અંકુશ હેઠળ છે, એક નજર હેઠળ છે અને એકને દિલ્હીના મુખ્ય પ્રધાનપદે મોકલવા દરવાજે ઊભા રાખી દેવાયા છે. જો સ્થિતિ આવી જ બની રહેશે તો કાર્યક્ષમતા બાબતનાં સૂચનોનો કોઈ અર્થ સરવાનો નથી. આનો અર્થ એવો પણ નથી કે રાજ્યસ્તરના પ્રધાનોમાં કોઈમાં કૌવત નથી. પીયૂષ ગોયલ અને નવા ઉમેરાયેલા જયંત સિંહા જેવા પ્રધાનો આગળ જતાં ઝળકી શકે છે. અરુણ જેટલી અને અરુણ શૌરી અટલ બિહારી વાજપેયીના પ્રધાનમંડળમાં જુનિયર પ્રધાન હતા. નરેન્દ્ર મોદીએ અત્યારે પ્રોડક્ટિવિટી કરતાં ટકોરાબંધ ટીમ મોદી બને એના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એ હશે તો જ એ પ્રોડક્ટિવ નીવડશે. કૂવામાં હોય તો હવાડામાં આવે એ કહેવત તો સાંભળી જ હશે.

સૌજન્ય : ‘મંતવ્ય-સ્થાન’ નામક કટાર, “ગુજરાતી મિડ-ડે”, 14 નવેમ્બર 2014

Category :- Opinion Online / Opinion

લોખંડી પુરુષ સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃિત કાયમ જળવાઈ રહે એ હેતુથી સાંપ્રત સરકારના ઉચ્ચ પદાધિકારીઓએ નર્મદા નદી પર બંધાયેલા સરદાર સરોવર ડેમથી 3.5 દૂર આવેલા કેવડિયા ગામમાં સરદારનું 182 મિટર ઊંચું લોખંડનું બાવલું બનાવવાનો મનસૂબો કર્યો છે. એ પ્રતિમાને પૂર્ણ થતાં ચાર વર્ષ લાગશે, સરકારી તિજોરીમાંથી માત્ર રૂ. 2063 કરોડનો ખર્ચ થશે અને વિશ્વમાં સહુથી ઊંચું બાવલું  હોવાનું માન મેળવશે તે છોગામાં. છે ને ભારતીય પ્રજા માટે ગૌરવ લેવા જેવી વાત? વળી આ કામ માટે આમ આદમી પાસે (અને આમ નારીઓ પાસે પણ) ઘેર ઘેરથી લોખંડના નાના ટુકડાઓ ઉઘરાવી લાવવાની ટહેલ પણ નાખી છે.

સરદાર વલ્લભભાઈ કયા સિદ્ધાંતોને વરેલા હતા, તેમણે ભારતની જનતા માટે કયા કયા મુદ્દાઓ પર લડાઈ આપેલી હતી અને સ્વાતંત્ર્ય સંગ્રામથી માંડીને પ્રજાસત્તાક થવા સુધીના માર્ગમાંથી કયા કયા કંટકો દૂર કરવામાં પોતાની જિંદગી ખર્ચેલી તે વિષે જરા સરખી પણ માહિતી હોય એ સરદારનું આવું ખર્ચાળ બાવલું બનાવવાની વાત જ ન કરે.

આમ જોઈએ તો મૂર્તિ પૂજકો જ ભગવાનની મૂર્તિ કે સંત-મહંતો અને મહાપુરુષોના બાવલાં મૂકે છે એવું નથી. દુનિયામાં ઠેકઠેકાણે રાજકીય ક્ષેત્રે નામના મેળવનારનાં સ્ટેચ્યુ બનતાં આવ્યાં છે. એમની જન્મ કે મૃત્યુ તિથિ પર શ્રધ્ધાસુમન ચડાવાય છે, એમનાં સત્કૃત્યો વિષે બે બોલ બોલવામાં આવે છે અને બોલનાર તથા સાંભળનાર લોકો ફરી પાછા એ મહાપુરુષોનાં મૂલ્યોને વિસ્મૃિતની ચાદર નીચે ઢાંકીને રાબેતા મુજબ તેમના ચિંધેલા માર્ગથી તદ્દન વિરુદ્ધ દિશામાં જીવન જીવવા લાગે છે. ખરું પૂછો તો મહમ્મદ પયગંબર, જીસસ, બુદ્ધ કે મહાવીર જેવા ધર્મ સંસ્થાપકો કે ગાંધીજી, નેલ્સન મંડેલા કે માર્ટીન લ્યુથર કિંગ જેવા રાજકીય-સામાજિક ક્રાંતિકારીઓ હોય તેઓએ હંમેશ એમ જ ઈચ્છેલું કે પ્રજા તેમના વિચારો સમજે, એમાંના શક્ય તેટલા સિદ્ધાંતોને  અમલમાં મૂકે અને જગતમાં એ વિચારધારાઓનો પ્રેમથી પ્રચાર-પ્રસાર કરે. એમાંના કોઈને દેવત્વ, સંતનું પદ, રાજ્ય લાલસા, ધન કે નામનાની ખેવના નહોતી. ભગવાન રામ અને કૃષ્ણના સદ્ગુણોને જીવનમાં ઉતારી પોતાનું જીવન ઉજ્વળ બનાવવાને બદલે એમની પ્રતિમાઓ ઘડી, તેમને વાઘા પહેરાવ્યા, રોજ ભોગ ધર્યા, રાત્રે સુવાડ્યા, સવારે ઉઠાડ્યા. વર્ષો જતાં માનવ જાત પોતે આદર્શ પુત્ર-પુત્રી, ભાઈ, પતિ, મિત્ર, રાજા અને પ્રજા થવાનો પ્રયત્ન છાંડીને નીતિમત્તાને નેવે મૂકીને નરાધમ બની બેઠી.

રામ, કૃષ્ણ, મહાવીર અને બુદ્ધના અવતારો એળે ગયા. હવે આપણે આપણા આગવાન નેતાઓની પણ એવી જ ભૂંડી હાલત કરવા કૃતનિશ્ચય થયા છીએ. ગાંધીનાં બાવલાં કર્યાં, સમાધિ કરી, શું વળ્યું? એમાં વળી સરદારનો ઉમેરો કરવો? જીનિવામાં યુ.એન.ના હેડ ક્વાર્ટર પાસે ભારતની સરકારે ગાંધીજી પ્રાર્થના ભૂમિ પર અર્ધનીમીલિત આંખે બેઠા હોય તેવું બાવલું ભેટ ધર્યું છે એ જોયું ત્યારે થયું કે યુ.એન.નાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા છે એટલે ગાંધીજી હજુ આંખ ઊંચી કરીને માનવ જાત સામે જોઈ શકતા નથી. આવાં બાવલાંઓ પર ધૂળ ચડે, પક્ષીઓની વિષ્ટાનો અભિષેક થાય અને આપણા પછીની પેઢી - “આ કોણ છે?” એમ પૂછે તો એવી પ્રતિમાઓ પાછળ એ જ પ્રજાની મહેનતની કમાઈનો આટલો ધુમાડો કાં કરવો?

તત્કાલીન સરકારે પોતાની સારાસારના વિવેકનું દેવાળું કાઢ્યું છે એ જગ જાહેર છે, તો હવે જાગૃત પ્રજા, કે જેણે આ સરકારને મુગટ પહેરાવ્યો છે તેણે સંગઠિત થઈને સરદારનું બાવલું મુકવા જવાબદાર અધિકારીઓને એ વાત ગળે ઉતરાવી શકે કે સરદાર પટેલની સ્મૃિતને અમર કરવી હોય તો ખેડૂતોને ખેત સુધારણા કરવા માર્ગદર્શન અને મદદ મળે અને કોમી એખલાસ દ્વારા ઐક્ય સ્થપાય અને જળવાય એ કાર્ય પાછળ રૂ.2063 કરોડ ખર્ચાય તેમ પ્રજા ઈચ્છે છે. જો સરકાર પોતાનો નિર્ણય ન બદલે તો તેનો સવિનય વિરોધ કરવો પણ યોગ્ય થશે. ચાલો આપણે એટલે કે સામાન્ય પ્રજાજનો સરકારી અધિકારીઓને માહિતી આપીએ કે ગ્રામાલય નામનું સંગઠન છેલા પચીસ વરસથી ગ્રામ્ય જનતાને પોસાય તેવાં શૌચાલયો માત્ર રૂ.1500માં બાંધી રહ્યા છે. તો  રૂ.2063 કરોડમાંથી તો કેટલા બધાં શૌચાલયો બાંધી શકાય? એવી જ રીતે Mr. John Wood દ્વારા ન નફો ન નુકસાનના પાયા પર એક Room to Read નામનું સંગઠન ઊભું થયું છે અને તેમની સહાયથી લાઓસ, નેપાળ અને શ્રી લંકામાં ત્રણથી ચાર ઓરડાની પ્રાથમિક શાળાનું મકાન 35 હજાર ડોલર (રૂ. 17,50000) અને પાંચ કે છ ઓરડાનું મકાન 50 હજાર ડોલર(રૂ.25,0000)ના ખર્ચે બાંધવામાં સફળ થયા છે. એ જ રીતે કોમી એખલાસનું વાતાવરણ ઊભું કરવા માટે શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃિતક પ્રવૃત્તિઓ કરવા માટે જે ખર્ચ થશે તેનાથી સરદાર પટેલનું યોગ્ય સ્મારક રચાશે.

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion