OPINION

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે અમારી સરકાર અંગેની ઇમેજ અને રિયલિટી વચ્ચે જે અંતર છે એ અમારી શોકાન્તિકા છે. તેમણે ટ્રૅજેડી શબ્દ વાપર્યો છે. કોણે આ અંતર પેદા કર્યું છે? જે પરિવારમાંથી નરેન્દ્રભાઈ આવ્યા છે એ જ પરિવારમાંથી અટલ બિહારી વાજપેયી પણ આવ્યા હતા. ઇમેજ અને રિયલિટી વચ્ચેની ખાઈનો પ્રશ્ન તેમની સામે પણ ઉપસ્થિત થયો હતો

એક ઘરમાં બે ભાઈઓ રહે છે. એકનું નામ નરેન્દ્રભાઈ અને બીજાનું નામ મોહનભાઈ. આમાં મોહનભાઈ મોટા છે અને પરિવારના મોભી છે. અત્યાર સુધી પરિવારમાં મોટા ભાઈ એટલે કે પરિવારના મોભી કહે એમ થતું આવ્યું છે. હવે પરિવારના મોભી મોહનભાઈ કહે છે કે આ ઘરમાં રહેવું હોય તો આમ-આમ કરવું પડશે અને આ રીતે જ જીવવું પડશે. નાના નરેન્દ્રભાઈ કહે છે કે ચિંતા કરીશ નહીં, મારા ખોળામાં માથું મૂકીને નિશ્ચિંતપણે સૂઈ જા, તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં; મોહનભાઈ અને બીજા ભાઈઓ શું કહે છે એના તરફ ધ્યાન આપવાની જરૂર નથી. હવે તમે કહો કે હું જો મોહનભાઈની માગણી સાથે સંમત ન થતો હોઉં તો મારે નરેન્દ્રભાઈના ખોળામાં માથું મૂકીને સૂઈ જવું જોઈએ ખરું? તમે હો તો શું કરો? બીજી બાજુ તમે મોહનભાઈની માગણી સાથે સંમત હો તો તમને મોહનભાઈના ખોળામાં માથું મૂકીને નિશ્ચિંતપણે સૂઈ જવામાં નરેન્દ્રભાઈનો ડર લાગે ખરો? તમને પાક્કી જાણ છે કે નરેન્દ્રભાઈના હાથમાં સત્તાનો દંડો છે અને આખું તંત્ર તેમના હાથમાં છે, પણ એમ છતાં તમને મોહનભાઈના ખોળામાં માથું મૂકીને સૂઈ જવામાં ડર લાગે? વિચારી જુઓ કોણ કોના ખોળામાં સુરક્ષિત છે.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે અમારી સરકાર અંગેની ઇમેજ (છાપ) અને રિયલિટી (વાસ્તવિકતા) વચ્ચે જે અંતર છે એ અમારી શોકાન્તિકા છે. તેમણે ટ્રૅજેડી શબ્દ વાપર્યો છે. કોણે આ અંતર પેદા કર્યું છે? જે પરિવારમાંથી નરેન્દ્રભાઈ આવ્યા છે એ જ પરિવારમાંથી અટલ બિહારી વાજપેયી પણ આવ્યા હતા. ઇમેજ અને રિયલિટી વચ્ચેની ખાઈનો પ્રશ્ન તેમની સામે પણ ઉપસ્થિત થયો હતો. એ સમયે તો બાળાસાહેબ દેવરસ અને રજ્જુભૈયા (પ્રા. રાજેન્દ્રસિંહ) જેવા સંઘના દિગ્ગજો હજી હયાત હતા. એવું નથી કે સંઘ ત્યારે પાછલે બારણેથી સંઘનો એજન્ડા લાગુ નહોતો કરતો. ડૉ. મુરલી મનોહર જોશીને શિક્ષણ ખાતું સોંપી દીધું હતું અને તેઓ સંઘ સાથે મળીને પાઠuપુસ્તકો અને શિક્ષણસંસ્થાઓનું ભગવાકરણ કરતા હતા. એમાં કોઈ શંકા નથી કે આ દેશના સાંસ્કૃિતક-સામાજિક પોતને ચીરનારી એ ગંભીર રમત હતી અને અમે એનો વિરોધ પણ કરતા હતા, પરંતુ સંઘને આનાથી આગળ શાસનમાં ચંચુપાત કરવાની મનાઈ હતી. કહો કે એવી સમજૂતી હતી.

એ સમયે રજ્જુભૈયા અને કે. સુદર્શન ઘરના મોટા ભાઈ અને મોભી હોવા છતાં વાજપેયીના ખોળામાં માથું મૂકીને સૂઈ જવામાં આ લખનાર જેવા સેક્યુલરને કે કોઈ ગેરહિન્દુને ડર નહોતો લાગતો. બહુ-બહુ તો આપણા છોકરાને સાવરકર હતા એના કરતાં વધારે મહાન અને ઔરંગઝેબ હતો એના કરતાં પણ વધારે ખરાબ હતો એટલું ભણવું પડશે. મુસલમાનો વિશે એકાદ-બે ઇશારતો હશે. સંઘની વિચારધારાના વિરોધીઓએ પણ એટલું સ્વીકારી લીધું હતું કે લોકતંત્રમાં અલગ-અલગ વિચારધારાની સરકારો આવે ત્યારે આવું થતું હોય છે જે પાછળથી સુધારી શકાય છે.

ખૂબી જુઓ. ડૉ. મુરલી મનોહર જોષીએ લખાવેલો ઇતિહાસ ભણવા છતાં કન્હૈયાકુમારો અને રોહિત વેમુલાઓ યુનિવર્સિટીઓમાં જઈને આજે સરકારને હંફાવે છે. આ એટલા માટે બની શક્યું છે કે કન્હૈયાકુમારોનું માથું અટલ બિહારી વાજપેયીના ખોળામાં સુરક્ષિત હતું. બહુ-બહુ તો તેમનું માથું ચોક્કસ સંસ્કારો દ્વારા દૂષિત કરાયું હશે જે તેમણે સુધારી લીધું છે. ત્યારે કોઈ તમારા ઘરમાં ઘૂસીને ફ્રિજ ખોલીને માંસ ગાયનું છે એવું જાહેર કરીને હત્યાઓ નહોતું કરતું. ત્યારે કોઈ ડોકું કાપવાનાં અને જીભ કાપવાનાં ઇનામો જાહેર નહોતું કરતું. ત્યારે વિરોધીઓ પર સીધા દેશદ્રોહના આરોપ મૂકવામાં નહોતા આવતા. ત્યારે ચૂંટણી જીતવા સેંકડોની સંખ્યામાં કોમી છમકલાં કરવામાં નહોતાં આવતાં. ચૂંટણી જીતવા ભારતીય જનતા પાર્ટી કોમી રંગ અપનાવતી હતી, પરંતુ ઠેકઠેકાણે હોળી પ્રગટાવવામાં નહોતી આવતી. અટલ બિહારી વાજપેયીને રાજધર્મની જાણ હતી અને રાજા તરીકે તેઓ પોતાની મર્યાદા જાણતા હતા. એટલે તો પોતાને સેક્યુલર ફન્ડામેન્ટલિસ્ટ તરીકે ઓળખાવનારા કૉન્ગ્રેસના નેતા મણિશંકર ઐયરે લખ્યું હતું કે અત્યારે તેઓ વાજપેયીને મિસ કરી રહ્યા છે.

તો સરકારની ઇમેજ અને રિયલિટી વચ્ચે અંતરની જે ટ્રૅજેડી પેદા થઈ છે એને માટે સરકાર પોતે જવાબદાર છે. ખરું પૂછો તો ટ્રૅજેડી અંતરની નથી, અંતર મટી રહ્યું છે એની છે. જે રિયલિટી છે એ જ ઇમેજ છે અને જે ઇમેજ છે એ જ રિયલિટી છે. કલ્પના કરો કે અનેક અનુપમ ખેરો બચાવમાં ઊતરતા હોવા છતાં સરકાર વિશેની ઇમેજ બદલાતી નથી. કેટલીક ટીવી-ચૅનલો સરકારની તરફેણમાં પ્રચાર કરતી હોવા છતાં ઇમેજ બદલાતી નથી. અનેક ભક્તો દિવસરાત સરકારના બચાવમાં ટ્વીટ કરતા હોવા છતાં ઇમેજ બદલાતી નથી. આ ટ્રૅજેડી નથી, જોખમનું રેડ સિગ્નલ છે. નીતિન ગડકરીએ ભ્રમમાં રહેવાની જગ્યાએ રિયલિટી ચેક કરવાની જરૂર છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીમાં વર્લ્ડ સૂફી ફોરમના અધિવેશનમાં સરસ ભાષણ આપ્યું હતું. આ દેશની પ્રજાને જોડવાનું કામ સંતોએ અને સૂફીઓએ કર્યું છે, સંગઠિત ધર્મોએ નથી કર્યું. સંગઠિત ધર્મોનું તો પ્રજા વચ્ચે અંતર વધારનારું નેગેટિવ યોગદાન છે. વડા પ્રધાને આધુનિક ભારતના નિર્માણમાં સૂફીઓના યોગદાનનો સ્વીકાર કર્યો છે. તેમણે આતંકવાદને ઇસ્લામ સાથે સીધો સંબંધ નથી એમ પણ કહ્યું છે. વડા પ્રધાને તમામ ધર્માનુયાયીઓને અને નાસ્તિકોને સુધ્ધાં અભયવચન આપ્યું છે કે દેશ તેમનો પણ છે અને આપણા બધાનો સહિયારો છે. બસ, આજથી આ વાત કેન્દ્ર સરકારનો ધ્રુવમંત્ર બનવી જોઈએ. તેમણે દિલ્હીમાં જે કહ્યું એ સરકારની ઘંટીનો ખીલો બનવો જોઈએ. જુઓ પછી આવતા એક વર્ષમાં ઇમેજ બદલાય છે કે નહીં. જો દિલ્હીનું વક્તવ્ય પ્રસંગોચિત દેખાવ પૂરતું હશે તો નીતિન ગડકરીને જે વાત સતાવે છે એ ટ્રૅજેડીમાં વધારો જ થવાનો છે, ઘટવાની નથી.

ઇતિહાસ બેધારી તલવાર જેવો છે. એનો જો વિવેકપૂર્ણ માફકસર ઉપયોગ કરવામાં આવે તો એમાંથી ધડો લઈને મીઠી ઊંઘ આવે. જો એનો ઝનૂનપૂવર્‍ક ઉપયોગ કરવામાં આવે તો નથી તમે સૂઈ શકવાના નથી કે નથી તમે બીજાને સૂવા દેવાના. સૂફીઓની જ વાત કરીએ તો સૂફી ઇતિહાસની નેગેટિવ સાઇડ પણ છે. સૂફીઓના સિલસિલા વિકસ્યા હતા જેમાંથી આગળ જતા ગાદીઓ બની ગઈ હતી અને એમાંથી વારસદારી જન્મી હતી. બધા જ ગાદીધારી સૂફીઓ મહાન હતા એવું નથી. મૅગ્નિફાઇંગ ગ્લાસ લઈને નીકળી પડો તો એવા સૂફીઓ પણ મળી આવશે જે ધર્મઝનૂની બેવકૂફો હતા. આને કહેવાય ઇતિહાસનો વિવેકરહિત ધર્મઝનૂની ઉપયોગ.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 19 માર્ચ 2016

http://www.gujaratimidday.com/features/columns/truth-behind-bjp-government-image-and-reality-2

Category :- Opinion / Opinion

હિન્દુત્વવાદીઓ જાણે છે કે ધાર્મિક મુસલમાનને મરજાદ નડે છે એટલે તે ભારત માતા કી જય બોલવાનો નથી. તેઓ આગ્રહ ભારત માતા કી જયનો જ રાખશે. ભારત દેશ ઝિંદાબાદ, મેરા ભારત મહાન, ભારત દેશ અમર રહે કે એવાં બીજાં કોઈ દેશભક્તિનાં સૂત્રો તેમને સ્વીકાર્ય નથી

વિકૃત રાજકારણ : મારા ગળા પર છરી મૂકશો તો પણ હું ભારત માતા કી જય નહીં બોલું એવા ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન નામના પક્ષના નેતા અસદુદ્દીન ઓવૈસીએ કરેલા વિધાનનો ગઈ કાલે [17.03.2016] થાણેમાં વિરોધ કરી રહેલા શિવસંગ્રામ નામની પાર્ટીના સભ્યો.ભારતમાં મુસલમાનો એક કમનસીબ પ્રજા છે. તેમની કમનસીબી નેતૃત્વના અભાવની છે. ખાસ કરીને આઝાદી પછી ભણેલા-ગણેલા મુસ્લિમ નેતાઓ પાકિસ્તાન જતા રહ્યા હતા અને ભારતીય મુસલમાનોને જુનવાણી અને ધર્મઝનૂની મુલ્લાઓના હવાલે કરતા ગયા હતા. જેઓ ભણેલા-ગણેલા હતા એવા નેતાઓ બહુ દૂરંદેશી ધરાવતા હતા એવું નથી. જો દૂરંદેશી હોત તો ભારતનું વિભાજન જ ન થયું હોત અને અત્યારે ભારતીય ઉપખંડના મુસલમાનો ત્રણ દેશમાં વહેંચાયેલા છે એ વહેંચાયેલા ન હોત. આવો પોતાના પગ પર કુહાડો મારનારો નિર્ણય ભણેલા-ગણેલા મુસલમાનોએ લીધો હતો. આ ઉપરાંત મુસલમાનો અનેક ફિરકાઓમાં વહેંચાયેલા છે એ વધારામાં.

મુસલમાન મુસલમાન છે એ તેની પહેલી ઓળખ છે તો મુસલમાન કોઈ દેશનો નાગરિક છે એ તેની બીજી ઓળખ છે. આવી બીજી પણ એક ડઝન ઓળખ હોવાની. આ જગતમાં કોઈ વ્યક્તિ કેવળ એક ઓળખ લઈને નથી જીવતી. આજના યુગમાં માણસે બહુવિધ ઓળખ સાથે જીવતા શીખવું જોઈએ. હિન્દુઓએ પણ આઝાદી પહેલાં કૉન્ગ્રેસની જગ્યાએ હિન્દુત્વવાદીઓની આંગળી પકડી હોત તો હિન્દુઓની પણ એ જ દશા થઈ હોત જે ભારતીય ઉપખંડના મુસલમાનોની થઈ છે. હિન્દુત્વવાદીઓ પણ એક પ્રબળ હિન્દુ ઓળખનો આગ્રહ રાખે છે.

વન્દે માતરમ અને ભારત માતાની જય એ હિન્દુત્વવાદીઓનો ઓળખનો આગ્રહ છે. આ આગ્રહ એટલા માટે છે કે એ દ્વારા મુસલમાનોને મૂંઝવી શકાય છે. કોઈ માણસ ચિડાતો હોય તો તેને ચિડાવવામાં વિકૃત આનંદ આવે છે. કોઈ માણસની કોઈ દુખતી નસ હાથ લાગે તો એને મોકો મળ્યે દબાવવામાં વિકૃત આનંદ આવે છે. કોઈ માણસ મરજાદી હોય તો તેની મરજાદ તોડાવવામાં વિકૃત આનંદ આવે છે.

બસ, કેટલાક મુસલમાનો સાથે આવું જ થઈ રહ્યું છે. મુસલમાને અલ્લાહ સિવાય કોઈની ઇબાદત (પ્રાર્થના-જયજયકાર) કરવી નહીં એવો કુરાનમાં આદેશ છે. કોઈ એટલે કોઈની પણ નહીં. આની પાછળનો મૂળ ઇરાદો એવો હતો કે અલ્લાહના નામે ધતિંગ કરનારા લોકોને કે ધર્મના ઠેકેદારોને ખાળી શકાય જેથી કોઈ મુસલમાનોનું ધાર્મિક શોષણ ન કરી શકે. ખુદા અને બંદા વચ્ચે કોઈ હોય જ નહીં તો ધતિંગ કેવી રીતે કરી શકે. જો કોઈ અલ્લાહની બરાબરી કરે તો તેને શિર્ક તરીકે ઓળખાવવામાં આવે છે જે ઇસ્લામમાં મોટો ગુનો છે. મૂળ ઉદ્દેશ તો સારો હતો, પરંતુ ધર્મઝનૂનીઓ ગમે એવા સારા ઉદ્દેશનો પોપટપાઠ કરીને અને એનું આંધળું અનુકરણ કરીને એને મારી નાખે છે. અલ્લાહની બરાબરી કરવાની ચેષ્ટા માણસ કરી શકે. શિર્ક એ માણસ માટે વાપરવામાં આવતો શબ્દ છે. જેમ કે અહમદિયા પંથના સ્થાપક મિર્ઝા ગુલામ અહમદ ચુસ્ત મુસલમાનોની દ્રષ્ટિએ શિર્ક છે. મિર્ઝા ગુલામ અહમદ પોતાને મેહદી અને અવતાર તરીકે ઓળખાવતા હતા. એટલે તો કેટલાક મુસલમાનો અહમદિયા મુસલમાનોને મુસલમાન નથી માનતા.

આમ માણસ ખુદાની બરાબરી કરવાની ચેષ્ટા કરે એ સમજી શકાય છે, પરંતુ ભૂમિ ક્યાં આવી કોઈ ચેષ્ટા કરે છે? આપણો જ્યાં જન્મ થયો હોય એ ભૂમિ આપણને વહાલી હોય છે જેમ જન્મ આપનાર મા વહાલી હોય છે. કોઈને વહાલ કરવું અને કોઈનું ઋણ સ્વીકારવું એ સ્વાભાવિક માનવીય વૃત્તિ છે. આમાં ધાર્મિક બંધનો ક્યાં આડાં આવ્યાં? પરંતુ બાબા વાક્યમ્ પ્રમાણમ્. કુરાનમાં કહ્યું છે કે ખુદા સિવાય કોઈની ઇબાદત કરવાની નહીં અને કોઈનો જયકાર કરવાનો નહીં એટલે નહીં કરવાનો. એટલે તો ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના નેતા ઓવૈસીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મારા ગળા પર છરી મૂકશે તો પણ હું ભારત માતા કી જય નહીં બોલું.

આ મરજાદ છે અને આગળ કહ્યું એમ કોઈની મરજાદ તોડાવવામાં વિકૃત આનંદ આવતો હોય છે. તમારામાંથી ઘણાએ બાળપણમાં અણસમજમાં મરજાદીઓને સતાવ્યા હશે. મરજાદીએ બીજી વાર નહાવા જવું પડે એ જોઈને આનંદ આવતો હતો. મોટા થયા પછી એટલું તો સમજાયું હશે કે મરજાદીની મરજાદ તોડાવવી એમાં માણસાઈ નથી. હું અને તમે ઉંમર સાથે સંસ્કારી થયા છીએ અને વિવેકી બન્યા છીએ, પરંતુ હિન્દુત્વવાદીઓ તો વિકૃત ઉપરાંત કોમવાદી પણ છે. તેમનો કોમવાદી રાજકીય એજન્ડા છે. તેઓ જાણે છે કે ધાર્મિક મુસલમાનને મરજાદ નડે છે એટલે તે ભારત માતા કી જય બોલવાનો નથી. તેઓ આગ્રહ પણ ભારત માતા કી જયનો જ રાખશે. ભારત દેશ ઝિંદાબાદ, મેરા ભારત મહાન, ભારત દેશ અમર રહે કે એવાં બીજાં કોઈ દેશભક્તિનાં સૂત્રો તેમને સ્વીકાર્ય નથી. મરજાદી વૈષ્ણવ પાસે જય જય શિવ શંકર બોલાવવા જેવી જ આ વિકૃતિ છે.

એટલે તો હિન્દુત્વવાદીઓ જન મન ગણની જગ્યાએ વન્દે માતરમને રાષ્ટ્રગીત બનાવવા માગે છે. તેમને વન્દે માતરમ માટે કોઈ વિશેષ પ્રેમ છે એવું નથી. શુદ્ધ સંસ્કૃતમાં લખાયેલું એ ગીત તેમને સમજાતું હશે કે કેમ એ પણ સવાલ છે. તેમનો ઇરાદો મુસલમાનોને મૂંઝવવાનો છે. તેમને જાણ છે કે મરજાદી મુસલમાન વન્દે માતરમ બોલવાનો નથી એટલે તેને સહેજે રાષ્ટ્રદ્રોહી ઠરાવી શકાશે. પેલો મુસલમાન બાપડો બે હાથ જોડીને કહે કે ભાઈ, તમે કહો એ દેશભક્તિનું સૂત્ર બોલી બતાવું, પણ ભારત માતા કી જયનો આગ્રહ છોડો તો હિન્દુત્વવાદીઓ એવો આગ્રહ છોડવાના નથી. તેઓ પોતાની શરતે મરજાદી મુસલમાનની પરીક્ષા લઈને દેશપ્રેમમાં મુસલમાનને નાપાસ કરવા માગે છે.

આ વિકૃત રાજકારણ છે અને એમાં આગળ કહ્યું એમ મુસ્લિમ નેતૃત્વ નાદાર છે. વતનપરસ્તીમાં ખુદાની બરાબરી ક્યાં આવી કે તમે આટલા છેડાઓ છો. આગળ કહ્યું એમ માણસ શિર્ક થવાનો પ્રયાસ કરે, ભૂમિ ક્યાં શિર્ક બનીને ખુદાની સામે ઊભી રહેવાની છે? પણ આ વાત મુસલમાનોને સમજાવે કોણ? નેતૃત્વ નાદાર છે અને મુસલમાનો મૌલવીઓની કેદમાં છે.

http://www.gujaratimidday.com/features/columns/bharat-mata-ki-jai-controversy-2

સૌજન્ય : ‘કારણ-તારણ ‘ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 18 માર્ચ 2016

Category :- Opinion / Opinion