OPINION

સમાજના દાક્તર ડો. દાભોળકર

દિવ્યેશ વ્યાસ
26-08-2013

ધર્મ, પરંપરા અને રિવાજના નામે અંધશ્રદ્ધાની દુકાન અને જ્ઞાતિઓની ધોરાજી ચલાવનારાઓને સમાજસુધારકો ક્યારેય સહન થતા નથી એટલે તેમનું મોં બંધ કરાવવા કોઈ પણ હદે જતા હોય છે. મહારાષ્ટ્રમાં જાદુટોણા અને અંધશ્રદ્ધાના પ્રખર વિરોધી ડો. નરેન્દ્ર દાભોળકરની હત્યા આનો વધુ એક પુરાવો છે. એકવીસમી સદીમાં પણ અંધશ્રદ્ધાની નાગચૂડમાં ફસાયેલા સમાજની સારવાર કોણ કરશે ?

એક જમાનો હતો જ્યારે ટપાલમાં પોસ્ટકાર્ડ મળતું, જેમાં કોઈ દેવી-દેવતાના પરચાની પાંચ-સાત લીટીઓ લખેલી હોય અને છેલ્લે ગર્ભિત ધમકી કમ લાલચ આપતા લખ્યું હોય કે આ પોસ્ટકાર્ડને ફાડશો તો તમારું ધનોતપનોત નીકળી જશે અને જો આનાં જેવાં જ ૧૧ કે ૨૧ પોસ્ટકાર્ડ લખીને બીજાને મોકલશો તો ફલાણા-ઢીંકણા દેવી-દેવતાની ત્વરિત કૃપા આપના પર વરસશે ... હવે સમય બદલાયો છે. પોસ્ટકાર્ડ આઉટ ઓફ ડેઇટ થઈ ગયાનો ગર્વ લેવાય છે. લોકો ઈ-મેલ અને મોબાઇલથી સંદેશાની આપ-લે કરી રહ્યા છે, સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર હાજરી નોંધાવીને જમાનાની સાથે ચાલવાના કેફમાં રાચે છે ... કમનસીબે સમય બદલાયો છે, પણ સમાજ તો એનો એ જ છે. આજે દેવી-દેવતાઓના ગુણગાન કે તસવીરોવાળા એસએમએસ કે ઈ-મેલ મળે છે અને સાથે થોડી ધમકી ને થોડી લાલચવાળી ઓફર કરાય છે .. આ એસએમએસ-ઈ-મેલ ફોરવર્ડ કરો કે તસવીર લાઇક કરો અને ઇન્સ્ટન્ટ ફળ પ્રાપ્ત કરો કે ખુશખબરી મેળવો!!

આપણને આધુનિક બની ગયાનો દેખાડો કરવો ગમે છે, પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારવાની બાબતમાં આપણો મોટા ભાગનો સમાજ હજુ ભાંખોડિયાં જ ભરે છે. આપણે એકવીસમી સદીમાં પણ અંધશ્રદ્ધાના અંધારામાં કેમ અટવાયા કરીએ છીએ? ધર્મ અને પરંપરાના નામે ધુતારાઓ આજે પણ ઘીંગી કમાણી કરી રહ્યા છે. એક જમાનામાં એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવતો હતો કે લોકો શિક્ષિત થશે પછી અંધશ્રદ્ધા આપોઆપ દૂર થઈ જશે, પણ આજે સાક્ષરતાના દરમાં અત્યંત વધારો થયો હોવા છતાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘટવા કરતાં વધ્યું હોય એવું લાગે છે. સમૂહ માધ્યમોનો ઉપયોગ આજે જ્ઞાન-વિજ્ઞાન માટે થવાને બદલે અંધશ્રદ્ધા અને જાદુટોણાના પ્રચાર-પ્રસાર માટે વધારે થઈ રહ્યો છે, જેને છૂપા સામાજિક આતંકવાદથી કમ ન આંકી શકાય.

દેશ ગુલામ હતો ત્યારે રાજા રામમોહન રાયે બંગાળમાં સતીપ્રથા સામે અવાજ ઉઠાવીને અંગ્રેજો પાસે સતીપ્રથા વિરોધી કાયદો કરાવીને સામાજિક ક્રાંતિ આણી હતી. કાયદા થકી સમાજસુધારણાનો નવો ખયાલ આપણા દેશમાં વિકસ્યો, પણ આજે ય સમાજસુધારણા માટે આપણે કાયદાની જરૂર પડી રહી છે, એ આપણા સમાજની કમનસીબી જ ગણવી જોઇએ, કારણ કે લોકો જાગૃત હોય તો કોઈ નિયમ-કાયદા બનાવવાની જરૂર જ ન પડે! પણ એવું થઈ રહ્યું નથી. આટલું ઓછું હોય આપણી સરકારોને આવા જરૂરી કાયદા બનાવવાની ફરજ પાડવા માટે આંદોલનો ચલાવવા પડે છે! મહારાષ્ટ્રમાં જાદુટોણા અને અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવવા માટે લગભગ બે દાયકાથી ઝુંબેશ ચાલી રહી છે. મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના નેજા હેઠળ રાજ્યભરમાં જાદુટોણા વિરોધી ચળવળ ચલાવવામાં આવે છે, પણ કહેવાતાં ધાર્મિક સંગઠનો અને જૂથોને આ પ્રવૃત્તિ ઝેર જેવી લાગે છે, અને એટલે તેઓ સમિતિના સ્થાપક અને કાર્યાધ્યક્ષ ડો. નરેન્દ્ર દાભોળકરની હત્યા કરવા સુધી પહોંચ્યા છે. પુણેમાં ગત ૨૦ ઓગસ્ટના રોજ ડો. નરેન્દ્ર દાભોળકરની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. મોર્નિંગ વોક પર નીકળેલા ડો. દાભોળકરને પીઠ પાછળથી કાયરતાપૂર્ણ હુમલો કરીને ગોળીથી વીંધી દેવાયા. ડો. નરેન્દ્ર દાભોળકરનો 'વાંક' એટલો જ હતો કે તેઓ સમાજમાંથી અંધશ્રદ્ધાનાં અંધારા ઉલેચવા માગતા હતા. છેલ્લાં ૧૮ વર્ષથી તેઓ રાજ્યમાં જાદુટોણા વિરોધી કાયદો લાવવા માટેની ચળવળ ચલાવી રહ્યા હતા. તેઓ મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ થકી રાજ્યમાં શ્રદ્ધા અને પરંપરાના નામે ચાલતાં ધતિંગો સામે લોકજાગૃતિની ઝુંબેશ ચલાવવાની સાથે સાથે સામાજિક બદીઓને દૂર કરવા માટે પ્રયાસરત હતા. પણ કહેવાતા ધાર્મિક સંગઠનો-જૂથોથી ડો. દાભોળકરની પ્રવૃત્તિને સમાજસુધારણાની દૃષ્ટિએ તો ક્યાંથી જોઈ શકે, કારણ કે તેમને ખ્યાલ હતો કે લોકો જાગૃત થઈ જશે તો આપણી અબજો કમાતી દુકાનો બંધ થઈ જશે.

ડો. નરેન્દ્ર દાભોળકરનું નામ સામાન્ય ગુજરાતીઓ માટે કદાચ અજાણ્યું છે. ૧ નવેમ્બર, ૧૯૪૫ના રોજ સતારામાં જન્મેલા ડો. નરેન્દ્ર દાભોળકર વ્યવસાયે ડોક્ટર હતા. તેમણે એમબીબીએસની ડિગ્રી મેળવ્યા પછી લગભગ બાર વર્ષ સુધી પ્રેક્ટિસ ચલાવી પરંતુ તેમને શારીરિક રોગો કરતાં સામાજિક રોગો વધારે ખતરનાક જણાયા. તેમણે શારીરિક રોગોના ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ બંધ કરીને સામાજિક ડોક્ટરની ભૂમિકા ભજવવાની શરૂ કરી. સામાજિક કાર્યકર તરીકે તેમને સમજાયું કે ધર્મ અને પરંપરાના નામે સમાજમાં જે ચાલે છે, તેનો ભોગ મોટા ભાગના લોકો બને છે, પરંતુ તેની સૌથી ખરાબ અસર ગરીબ લોકો પર પડતી હોય છે. નદીમાં મૂર્તિ વિસર્જનથી ફેલાતું પ્રદૂષણ હોય કે જ્ઞાતિ પંચાયતોના રૂઢીચુસ્ત વલણો, તેમણે ધર્મ-પરંપરાના નામે ચાલતાં ધતિંગોનો તમામ સ્તરે વિરોધ કર્યો. તેમણે અંધશ્રદ્ધાના મુદ્દે અગિયાર પુસ્તકો લખ્યાં હતાં. સાને ગુરુજીએ શરૂ કરેલા “સાધના” સામયિકના તંત્રી તરીકે પણ તેમણે સમાજની અનેક બદીઓને ખુલ્લી પાડી હતી અને તેનો વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્રમાં જાદુટોણા વિરોધી કાયદો લાવવા માથે તેઓ આજીવન મથતા રહ્યા હતા. આ કાયદાને કેબિનેટમાં મંજૂરી મળ્યા છતાં વિધાનસભામાં રજૂ કરવામાં થઈ રહેલાં ઠાગાઠૈયાં બાબતે તેઓ નારાજ હતા. કોંગ્રેસ-એન.સી.પી.ની રાજ્ય સરકાર પાસે પૂરતી બહુમતી હોવા છતાં ભા.જ.પ.-શિવસેનાનો વિરોધ અને મત ગુમાવવાના ડરે તે આ કાયદો લાવતા ડરી રહી હતી, જો કે, ડો. દાભોળકરની હત્યા પછી તેઓ સફાળા જાગ્યા અને હવે રાતોરાત કાયદાનો વટહુકમ લાવવાનું સૂઝ્યું છે. વિધાનસભામાંથી આ કાયદાનું વિધેયક પણ પસાર થશે, છતાં પણ ગઢ આલા, સિંહ ગેલા જેવી દુઃખદ સ્થિતિ સર્જાયાનો અફસોસ કાયમ રહેશે.

કહેવાતા ધાર્મિક ગુરુઓ અને પરંપરા-પોલીસ બની બેઠેલાં સંગઠનોને ધર્મ અને પરંપરાની બદીઓને તાર્કિક રીતે પડકારનારા આંખના કણાની જેમ ખૂંચે છે. ધાક-ધમકી કે સામાજિક દબાણોને અવગણવાનું સાહસ કરનારાની હાલત ડો. દાભોળકર જેવી કરવામાં આવે છે, શું આપણે આવું ચલાવી લેવું જોઇએ? ધર્મના નામે ધતિંગ ચલાવનારા સામે આંખ ઉઘાડવાનો અને લાલ કરવાનો સમય ક્યારનો ય પાકી ગયો છે.   

e.mail : [email protected]

(સૌજન્ય ઃ ‘સમય-સંકેત’, સંસ્કાર પૂર્તિ, “સંદેશ”, 25 ઓગસ્ટ 2013)

Category :- Opinion Online / Opinion

વીરપસલી

ગુણવંત વૈદ્ય
23-08-2013

વ્હાલીડા વીર

જત જણાવવાનું કે  આજે રક્ષાબંધનના દિવસે તને રાખડી મોકલું છું જે તારું હંમેશાં ખરાબ વિચારોથી, ખરાબ મિત્રોથી રક્ષણ કરે એવી ભાવનાથી મોકલું છું .

મને ખાતરી છે કે તું મારી આ રક્ષા ખૂબ હોશે હોશે બાંધશે જ કેમ કે તું પણ મને ખૂબ વ્હાલ કરે છે ખરું ને?

તું જ્યારે ભાઈબીજ ઉપર મારે ત્યાં જમવા આવશે, ત્યારે મારે માટે ભેટ સોગાદ પણ લાવશે દર વર્ષની જેમ એની પણ મને ખાતરી જ છે કેમ કે તું રાખડીના બદલામાં દર વર્ષે મને કૈક ને કૈક ભેટ જરૂર આપે જ છે. પરંતુ ....

વીરા મારા, મને મનગમતી ભેટ આપી શકીશ ? તું કહેશે 'જરૂર, કેમ નહિ ?' તો લે સંભાળ, મારે શું જોઇએ છે તે .

પોતાની બહેનની રક્ષા અને અન્યની બહેનો ઉપર અત્યાચાર, બળાત્કાર, આ તે કયાનો ન્યાય ?

છતાં આવું જ દુનિયામાં બને છે ને? હું તને કહેતી નથી કે તું અત્યાચારી છે પરંતુ તારી આજુબાજુમાં એવા કેટલાયે દોસ્તો હશે જેઓ પોતાની બહેનની રક્ષા કરશે પરંતુ બીજાની બહેનની ... ? સમજે છે હું શું કહેવા માગું છું તે ? હું પણ જ્યારે જ્યારે ઘરની બહાર જાઉં છું ત્યારે ત્યારે તારા સિવાયની અન્ય વ્યક્તિઓ કે જેમણે પણ પોતાની બહેનની રાખડી બાંધી છે તેમને મન હું તેમની બહેન નથી . પરંતુ એટલે શું તેઓ મારી છેડતી કે એલફેલ બોલવા જેવું કે ચેનચાળા જે કરવું હોય તે કરી શકે ખરા ?

જ્યારે જ્યારે હું ઘરની બહાર પગ મુકું છું ને ત્યારે ત્યારે બસ આ જ ફફડાટ મને ઘેરી વળે  છે ... તું સમજે છે ને કે હું શું કહેવા માગું છું ? છાપાં, ટીવી જેવા પ્રચાર માધ્યમોમાંથી તને આવા ફફડાટ જોવાના જડતા જ હશે ... હું ઇચ્છું છું કે હવે એ ફફડાટ સમજવાનો પણ યત્ન તો કરી જો .... તું મારો ફફડાટ જો સમજે તો જ અન્યના ફફડાટ પણ સમજી શકશે , માટે ભૈલા મારા ... પાલવ પાથરીને એક ભીખ માગું તારી પાસે ?

મારી રાખડી બાંધીને કેવળ મારી જ નહીં, પરંતુ બીજાની બહેનોની પણ રક્ષા કરજે અને એમને સમ્માન આપજે. તે માટેનો સંકલ્પ લેજે અને તારી આજુબાજુના તારા દોસ્તોને પણ આ વાત સમજાવી એમની  પાસે પણ એવા સંકલ્પ લેવડાવજે મારા વીરા. તેઓ પણ એમના દોસ્તોને આ રીતે સમજાવશે, તેઓ વળી તેમના દોસ્તોને .

જો આમ થાય તો જ આ ભાઈ બહેનનો ઉત્સવ સમસ્ત પુરુષસમાજથી સ્ત્રીસમાજને નિર્ભય બનાવી શકશે. નહીં તો આવો ચીલાચાલુ રિવાજ દર વર્ષે આવે જ છે ... તારે ય લગ્ન પછી તારી પત્ની આવશે પછી બાળકો થશે જ ને ? તું ય આવો જ રિવાજી કરીશ કે પછી કૈક અલગ મેં કહ્યું તેવું ? ... વિચારજે .

મારે તો વીરપસલી આ જોઇએ છે, વીરા મારા .... આપીશને ?

.. નહીં તો તું વીર જ શાનો ?

લિ. તારી ગભરુ બહેન ગુણવંતી

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion