OPINION

લાલાને કાગળ −

ગુણવંત વૈદ્ય
28-08-2013

વ્હાલા લાલા

જત જણાવવાનું કે દર વરસની જેમ આ વરસે ય તું અવતરવાનો છે, એવી વાતોથી જગ આખું એ એકદિવસીય ઉત્સવ કાજે હરખપદુડું થયું છે, એ સમાચાર પહેલાં તો અમારે તને કહેવા છે. એમ છતાં હરખપદુડા એ તમામ જીવો એ પણ બહુ જ સારી રીતે જાણે છે અને સમજે ય છે કે તું કંઈ આવવાનો નથી જ.

'હું જન્મ લઈશ, જન્મ લઈશ', એમ હજારો વરસ પહેલાં કહીને તું દર વરસે જન્મ ન લઈને અમને બધાને જુઠું બોલવાની તાલીમ જ આપે છે ને ? બસ, એના જ અનુસંધાનમાં આજે તારી જોડે હૈયા ખોલીને વાત કરવી છે. ધ્યાનથી સાંભળ ....

જુઠું બોલવામાં તો અમે તને ય ટપી ગયા છે હોં, વાલીડા. એના તો લાખો નહીં પણ કરોડો ઉદાહરણો મોજુદ છે અમારી પાસે. તું માખણની ચોરી કરતો અને પછી જશોદા મા આગળ કેવા ખોટા ખોટા બહાના કાઢતો, ખબર છે કે યાદ કરાવીએ? 'મૈ નહિ માખણ ખાયો'થી તું શરૂઆત કરીને 'હું તો ગાયો ચારવા ગયો હતો' કે 'જબરજસ્તીથી મારા મોઢા ઉપર માખણ લગાવ્યું' કે 'માખણનું સિકુ મારી પહોંચથી દૂર હતું' એવું કહેતો, બરાબર ને ? યાદ આવે છે આ બધું ? અને છેલ્લા 'તે મને પરાયો ગણ્યો' એમ કહીને તું જશોદા માના દોરડેથી છૂટી જતો હતો, એ યાદ આવ્યું?

અમે તો એથી ય ઉપરવટ ગયા છે, અને ગીતા જ હાથમાં લઈને તારા જ સાવ ખોટેખોટા સોગંદ લેતા જરાયે ડરતા નથી. તને જ છડેચોક સામી છાતીએ ખોટો સાબિત કરીએ છીએ ... બોલ, આવું તો સપનામાં ય વિચાર્યું ન જ હોય, બરાબર ને ? હાહાહાહા .......

અરે, તારા અને અમારા કારણોમાં જ ફેર છે. ગામમાં બનતું માખણ બીજા ગlમે જઈને વેચાય એટલે તે ગામનાં બાળકો તો માખણ ખાવાથી વંચિત જ રહે એમ તું માનતો અને તેથી જ તું ચોરી કરીને ગામના જ તારા ભાઈ બંધોને ચોરેલું માખણ વહેંચતો એ તારી ફિલસૂફી હતી, ખરું ને ? જ્યારે અમે દીર્ઘદ્રષ્ટિ રાખીને એમાં ફેરફાર કર્યો અને અમારી એવી વગર મહેનતની કમાણીમાં બહારના કોઈને જરા સરખો ય ભાગ અમે દેતા જ નથી. અને .... આને જ કહેવાય બૌદ્ધિક વિકાસ. લુટેલા માલને લુટાવી ન જ દેવાય એ તને ન સમજાયું હતું, પણ અમને સમજાયું.

એક ખાનગી વાત કહું? અમે આમ તો કંસમામાને જ 364 દિવસ તો અનુસરીએ કેમ કે એના વિચારો અમને વધુ અનુકૂળ આવે છે છતાં ય વરસમાં એક દિવસ તને યાદ કરીએ ખરા હોં, અને પારણામાં તો તને જ અમે ઝૂલાવીએ . કંસમામાને પારણામાં ઝુલાવ્યાનું સ્મરણ નથી. વળી સમય મળે તો ગાળેખાતે તને મળવા તારા ઘરે ય, આઈ મીન મંદિરે ય ચક્કર મારીએ છીએ એ તો તું જાણે જ છે . અને જો વધુ માનવસમૂહ ભેગો થયો હોય તો ગજવા ઢીલા કરી ડોનેશન કરી પાવતી ફ્ડાવીને તારા હુરિયાની -સોરી જય જયકારની - સાથે અમારી વાહવાહ પણ લઈ જ લઇએ.

કહેવું તો ઘણું છે, કાના .....

દુર્યોધન જેવાને તો તેં યુદ્ધ પહેલાં કેટલીયે વાર સમજાવેલા પણ ન માન્યો ત્યાર પછી જ તું એમની સાથે યુદ્ધ કરવાનું પાંડવોને જણાવી શકેલો બરાબરને .. ? જયારે અમારામાં એટલી ધીરજ જ નથી હોં ... અમારી વાત ન માનનાર સાથે તરત જ અમે તો યુદ્ધ ઘોષિત જ કરીએ, વળી ... તેં તો ફક્ત એક કાલીનાગને નાથેલો, અમે કઈ કેટલાયે ઝેરીલા નાગો પાળી રાખ્યા છે, તે ઉપરાંત તું ગોપીઓ સંગે રાસ રમતો .. અને અમે ય .. બસ .... સમજી જ જાને દોસ્ત ..... એ ય ને તારી જેમ જ લીલા અને લ્હેર જ કરીએ છીએ .....

આવી તો કેટલી ય વિકાસગાથા તને સમજાવવી છે પણ સમય ખૂબ ઓછો છે .. હજી તો કઈ કેટલા કામો કરવાના છે .... અને બસ પછી ..... તારી જેમ જ ભગવાન થવું છે ...
લે યાદ આવ્યું, પત્ર લખવાનું મુખ્ય કારણ તો હું ભૂલી જ ગયો ....

તને બધા ભગવાન માને અને તારા કરતા વધારે કામ તો અમે કરીએ છીએ, તો પછી અમને દુનિયા ભગવાન કેમ નથી માનતી ? એ માનતી થાય તે માટે અમે શું કરીએ ? અમે તને અમારી ખાનગી વાત કહી દીધી તેમ તું અમને આ એક વાત ખાનગીમાં ન કહે .. ? તારું સિહાસન ન પચાવીએ બસ, તારા જ સમ ....

પણ અમારી ધીરજની પરીક્ષા ન જ કરતો

લિ.

અમે છીએ

'હું'

(દોસ્તો, ચાલો ચીલાચાલુ ઉત્સવ ન ઉજવતાં આપણામાં જ કૃષ્ણનાં જીવનજરૂરી તત્ત્વજ્ઞાનનો જન્મ કરવા દ્વારા જ આ ઉત્સવ ઉજવીએ . આ પત્રમાં દર્શાવેલ અહમ્ સહિતના સર્વે કાલીનાગોને વિષ વિહોણા કરીએ, માનવ બનીએ, બનાવીએ.)

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion

સમાજના દાક્તર ડો. દાભોળકર

દિવ્યેશ વ્યાસ
26-08-2013

ધર્મ, પરંપરા અને રિવાજના નામે અંધશ્રદ્ધાની દુકાન અને જ્ઞાતિઓની ધોરાજી ચલાવનારાઓને સમાજસુધારકો ક્યારેય સહન થતા નથી એટલે તેમનું મોં બંધ કરાવવા કોઈ પણ હદે જતા હોય છે. મહારાષ્ટ્રમાં જાદુટોણા અને અંધશ્રદ્ધાના પ્રખર વિરોધી ડો. નરેન્દ્ર દાભોળકરની હત્યા આનો વધુ એક પુરાવો છે. એકવીસમી સદીમાં પણ અંધશ્રદ્ધાની નાગચૂડમાં ફસાયેલા સમાજની સારવાર કોણ કરશે ?

એક જમાનો હતો જ્યારે ટપાલમાં પોસ્ટકાર્ડ મળતું, જેમાં કોઈ દેવી-દેવતાના પરચાની પાંચ-સાત લીટીઓ લખેલી હોય અને છેલ્લે ગર્ભિત ધમકી કમ લાલચ આપતા લખ્યું હોય કે આ પોસ્ટકાર્ડને ફાડશો તો તમારું ધનોતપનોત નીકળી જશે અને જો આનાં જેવાં જ ૧૧ કે ૨૧ પોસ્ટકાર્ડ લખીને બીજાને મોકલશો તો ફલાણા-ઢીંકણા દેવી-દેવતાની ત્વરિત કૃપા આપના પર વરસશે ... હવે સમય બદલાયો છે. પોસ્ટકાર્ડ આઉટ ઓફ ડેઇટ થઈ ગયાનો ગર્વ લેવાય છે. લોકો ઈ-મેલ અને મોબાઇલથી સંદેશાની આપ-લે કરી રહ્યા છે, સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર હાજરી નોંધાવીને જમાનાની સાથે ચાલવાના કેફમાં રાચે છે ... કમનસીબે સમય બદલાયો છે, પણ સમાજ તો એનો એ જ છે. આજે દેવી-દેવતાઓના ગુણગાન કે તસવીરોવાળા એસએમએસ કે ઈ-મેલ મળે છે અને સાથે થોડી ધમકી ને થોડી લાલચવાળી ઓફર કરાય છે .. આ એસએમએસ-ઈ-મેલ ફોરવર્ડ કરો કે તસવીર લાઇક કરો અને ઇન્સ્ટન્ટ ફળ પ્રાપ્ત કરો કે ખુશખબરી મેળવો!!

આપણને આધુનિક બની ગયાનો દેખાડો કરવો ગમે છે, પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારવાની બાબતમાં આપણો મોટા ભાગનો સમાજ હજુ ભાંખોડિયાં જ ભરે છે. આપણે એકવીસમી સદીમાં પણ અંધશ્રદ્ધાના અંધારામાં કેમ અટવાયા કરીએ છીએ? ધર્મ અને પરંપરાના નામે ધુતારાઓ આજે પણ ઘીંગી કમાણી કરી રહ્યા છે. એક જમાનામાં એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવતો હતો કે લોકો શિક્ષિત થશે પછી અંધશ્રદ્ધા આપોઆપ દૂર થઈ જશે, પણ આજે સાક્ષરતાના દરમાં અત્યંત વધારો થયો હોવા છતાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘટવા કરતાં વધ્યું હોય એવું લાગે છે. સમૂહ માધ્યમોનો ઉપયોગ આજે જ્ઞાન-વિજ્ઞાન માટે થવાને બદલે અંધશ્રદ્ધા અને જાદુટોણાના પ્રચાર-પ્રસાર માટે વધારે થઈ રહ્યો છે, જેને છૂપા સામાજિક આતંકવાદથી કમ ન આંકી શકાય.

દેશ ગુલામ હતો ત્યારે રાજા રામમોહન રાયે બંગાળમાં સતીપ્રથા સામે અવાજ ઉઠાવીને અંગ્રેજો પાસે સતીપ્રથા વિરોધી કાયદો કરાવીને સામાજિક ક્રાંતિ આણી હતી. કાયદા થકી સમાજસુધારણાનો નવો ખયાલ આપણા દેશમાં વિકસ્યો, પણ આજે ય સમાજસુધારણા માટે આપણે કાયદાની જરૂર પડી રહી છે, એ આપણા સમાજની કમનસીબી જ ગણવી જોઇએ, કારણ કે લોકો જાગૃત હોય તો કોઈ નિયમ-કાયદા બનાવવાની જરૂર જ ન પડે! પણ એવું થઈ રહ્યું નથી. આટલું ઓછું હોય આપણી સરકારોને આવા જરૂરી કાયદા બનાવવાની ફરજ પાડવા માટે આંદોલનો ચલાવવા પડે છે! મહારાષ્ટ્રમાં જાદુટોણા અને અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવવા માટે લગભગ બે દાયકાથી ઝુંબેશ ચાલી રહી છે. મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના નેજા હેઠળ રાજ્યભરમાં જાદુટોણા વિરોધી ચળવળ ચલાવવામાં આવે છે, પણ કહેવાતાં ધાર્મિક સંગઠનો અને જૂથોને આ પ્રવૃત્તિ ઝેર જેવી લાગે છે, અને એટલે તેઓ સમિતિના સ્થાપક અને કાર્યાધ્યક્ષ ડો. નરેન્દ્ર દાભોળકરની હત્યા કરવા સુધી પહોંચ્યા છે. પુણેમાં ગત ૨૦ ઓગસ્ટના રોજ ડો. નરેન્દ્ર દાભોળકરની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. મોર્નિંગ વોક પર નીકળેલા ડો. દાભોળકરને પીઠ પાછળથી કાયરતાપૂર્ણ હુમલો કરીને ગોળીથી વીંધી દેવાયા. ડો. નરેન્દ્ર દાભોળકરનો 'વાંક' એટલો જ હતો કે તેઓ સમાજમાંથી અંધશ્રદ્ધાનાં અંધારા ઉલેચવા માગતા હતા. છેલ્લાં ૧૮ વર્ષથી તેઓ રાજ્યમાં જાદુટોણા વિરોધી કાયદો લાવવા માટેની ચળવળ ચલાવી રહ્યા હતા. તેઓ મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ થકી રાજ્યમાં શ્રદ્ધા અને પરંપરાના નામે ચાલતાં ધતિંગો સામે લોકજાગૃતિની ઝુંબેશ ચલાવવાની સાથે સાથે સામાજિક બદીઓને દૂર કરવા માટે પ્રયાસરત હતા. પણ કહેવાતા ધાર્મિક સંગઠનો-જૂથોથી ડો. દાભોળકરની પ્રવૃત્તિને સમાજસુધારણાની દૃષ્ટિએ તો ક્યાંથી જોઈ શકે, કારણ કે તેમને ખ્યાલ હતો કે લોકો જાગૃત થઈ જશે તો આપણી અબજો કમાતી દુકાનો બંધ થઈ જશે.

ડો. નરેન્દ્ર દાભોળકરનું નામ સામાન્ય ગુજરાતીઓ માટે કદાચ અજાણ્યું છે. ૧ નવેમ્બર, ૧૯૪૫ના રોજ સતારામાં જન્મેલા ડો. નરેન્દ્ર દાભોળકર વ્યવસાયે ડોક્ટર હતા. તેમણે એમબીબીએસની ડિગ્રી મેળવ્યા પછી લગભગ બાર વર્ષ સુધી પ્રેક્ટિસ ચલાવી પરંતુ તેમને શારીરિક રોગો કરતાં સામાજિક રોગો વધારે ખતરનાક જણાયા. તેમણે શારીરિક રોગોના ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ બંધ કરીને સામાજિક ડોક્ટરની ભૂમિકા ભજવવાની શરૂ કરી. સામાજિક કાર્યકર તરીકે તેમને સમજાયું કે ધર્મ અને પરંપરાના નામે સમાજમાં જે ચાલે છે, તેનો ભોગ મોટા ભાગના લોકો બને છે, પરંતુ તેની સૌથી ખરાબ અસર ગરીબ લોકો પર પડતી હોય છે. નદીમાં મૂર્તિ વિસર્જનથી ફેલાતું પ્રદૂષણ હોય કે જ્ઞાતિ પંચાયતોના રૂઢીચુસ્ત વલણો, તેમણે ધર્મ-પરંપરાના નામે ચાલતાં ધતિંગોનો તમામ સ્તરે વિરોધ કર્યો. તેમણે અંધશ્રદ્ધાના મુદ્દે અગિયાર પુસ્તકો લખ્યાં હતાં. સાને ગુરુજીએ શરૂ કરેલા “સાધના” સામયિકના તંત્રી તરીકે પણ તેમણે સમાજની અનેક બદીઓને ખુલ્લી પાડી હતી અને તેનો વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્રમાં જાદુટોણા વિરોધી કાયદો લાવવા માથે તેઓ આજીવન મથતા રહ્યા હતા. આ કાયદાને કેબિનેટમાં મંજૂરી મળ્યા છતાં વિધાનસભામાં રજૂ કરવામાં થઈ રહેલાં ઠાગાઠૈયાં બાબતે તેઓ નારાજ હતા. કોંગ્રેસ-એન.સી.પી.ની રાજ્ય સરકાર પાસે પૂરતી બહુમતી હોવા છતાં ભા.જ.પ.-શિવસેનાનો વિરોધ અને મત ગુમાવવાના ડરે તે આ કાયદો લાવતા ડરી રહી હતી, જો કે, ડો. દાભોળકરની હત્યા પછી તેઓ સફાળા જાગ્યા અને હવે રાતોરાત કાયદાનો વટહુકમ લાવવાનું સૂઝ્યું છે. વિધાનસભામાંથી આ કાયદાનું વિધેયક પણ પસાર થશે, છતાં પણ ગઢ આલા, સિંહ ગેલા જેવી દુઃખદ સ્થિતિ સર્જાયાનો અફસોસ કાયમ રહેશે.

કહેવાતા ધાર્મિક ગુરુઓ અને પરંપરા-પોલીસ બની બેઠેલાં સંગઠનોને ધર્મ અને પરંપરાની બદીઓને તાર્કિક રીતે પડકારનારા આંખના કણાની જેમ ખૂંચે છે. ધાક-ધમકી કે સામાજિક દબાણોને અવગણવાનું સાહસ કરનારાની હાલત ડો. દાભોળકર જેવી કરવામાં આવે છે, શું આપણે આવું ચલાવી લેવું જોઇએ? ધર્મના નામે ધતિંગ ચલાવનારા સામે આંખ ઉઘાડવાનો અને લાલ કરવાનો સમય ક્યારનો ય પાકી ગયો છે.   

e.mail : [email protected]

(સૌજન્ય ઃ ‘સમય-સંકેત’, સંસ્કાર પૂર્તિ, “સંદેશ”, 25 ઓગસ્ટ 2013)

Category :- Opinion Online / Opinion