OPINION

લતાબહેન અને અજયભાઈનો દીકરો સુલય અને તેની પત્ની ઋતુજા એમના નાના દીકરા હેતને લઈને પરદેશથી માત્ર બે અઠવાડિયાં માટે આવ્યાં છે. આ બે અઠવાડિયાંમાં તેમને ઘણાં કામ પતાવવાનાં છે. બેન્ક, પોસ્ટ, શેર બજાર, ઇન્સ્યોરન્સ કંપની જ્યાં જ્યાં તેમણે પૈસા રોક્યા હોય ત્યાં જવાનું છે. સગાં, સમ્બન્ધીઓ અને મિત્રોને મળવાનું છે. સુલય અને ઋતુજા અમદાવાદમાં જનમ્યાં અને અમદાવાદની સ્કૂલ, કૉલેજોમાં અભ્યાસ કર્યો છે. તેથી એમનું મિત્રમંડળ પણ અમદાવાદમાં જ છે. જે મિત્રો સાથે સમ્પર્ક ચાલુ રહ્યો હોય તેમને ખાસ મળવાનું છે.

સવારથી સુલય અને ઋતુજા દીકરા હેતને લઈને બહાર નીકળી પડે છે. બહાર જતી વખતે ઋતુજા એનાં સાસુ લતાબહેનને કહે છે, ‘મમ્મી, તમે રસોઈમાં કંઈ બનાવશો નહીં, બહારથી અમે લેતાં આવીશું.’ પુત્રવધૂની સૂચના સાંભળીને લતાબહેન કંઈ બોલતાં નથી; પણ તેઓ એમની રીતે દાળ, ભાત, રોટલી અને શાક બનાવે છે.

સુલય અને ઋતુજા બહારથી જે ખાવાનું લાવે તે માત્ર ચાખે જ. સુલય કહે,

‘પપ્પા, તમે કેમ અમારું લાવેલું કંઈ ખાતાં નથી? મમ્મીને અમે કહીને જઈએ છીએ કે તું રસોડામાં કંઈ બનાવીશ નહીં; પરંતુ મમ્મી રોજ રસોઈ બનાવે છે અને તમે એનું બનાવેલું જ ખાઓ છો.’

‘બેટા, બહારનું ચટાકેદાર, તળેલું ખાવાનું અમને માફક ન આવે. તેથી મમ્મી જે સાદું અને ઝટ પચી જાય એવું ખાવાનું બનાવે છે તે હું ખાઉં છું. બહારનું હું ખાતો નથી.’

‘પણ તમારે રોજ ક્યાં ખાવાનું છે ? અમે અહીં છીએ તો લાવીએ છીએ અને પપ્પા તમે તો ખાવાના શોખીન છો. પપ્પા, તમને તો બધું પચી જાય છે. ખોટો વહેમ ન રાખશો. તમારી ઉંમરના બીજા લોકો ખાતા જ હોય છે ને !’ ઋતુજા બોલી.

‘બધાં ખાતા હોય છે અને પછી ડૉક્ટરને ત્યાં દોડતાં રહે છે, મારે ડૉક્ટરને ત્યાં નથી દોડવું. મારે તો પૂરાં સો વર્ષ જીવવું છે અને તંદુરસ્ત રહેવું છે.’

‘પપ્પા, તમે સો નહીં; પણ સવાસો વર્ષ જીવશો. તમે પંચ્યાશીના થયા; પણ જ્યારે જુઓ ત્યારે કેટલા ફ્રેશ હો છો ! તમે કદી થાકવાની કે કંટાળવાની ફરિયાદ નથી કરતા, અમે કંટાળી જઈએ છીએ; પણ તમે કદી નથી થાકતા કે કંટાળતા !’

‘બેટા, હું કદી થાકતો નથી; કારણ કે હું કુદરતના નિયમો ચીવટાઈથી પાળું છું. આપણા શરીરમાં સાત પ્રવેશદ્વાર છે, જ્યાંથી રોગનાં જંતુઓ આપણા શરીરમાં પ્રવેશે. માટે હું બહુ સાવધ રહું છું. એક પળના આનંદ માટે કોઈ રોગને શરીરમાં ન પેસવા દેવાય. ઊતરતી અવસ્થાએ રોગ હેરાન કરી મૂકે. અને બેટા, કાયમ હું ફ્રેશ હોઉં છું; કારણ કે હું કદી ચિંતા નથી કરતો, કદી તનાવ નથી અનુભવતો. નાનપણથી મારો સ્વભાવ જ આનંદી છે.’

‘પપ્પા, તમે ક્યારેય તનાવમાં નથી આવી જતા, ક્રોધ નથી કરતા, એ તો હું જોઉં છું; પણ અમને પ્રશ્ન એ થાય કે તમારા જીવનમાં એવી પળો તો આવતી જ હશે જ્યારે ચિંતા થાય, લાચારી અનુભવાય, અકળામણ થાય, ગુસ્સો આવે – ’

ઋતુજાએ અજયભાઈને પૂછ્યું. અજયભાઈ ઋતુજાના સસરા છે પણ તેઓ એક પિતાની જેમ જ ઋતુજા સાથે નિખાલસપણે વાત કરે છે, તેથી ઋતુજા તેના મનમાં ઊઠતી શંકા, કુશંકાઓનું સમાધાન સસરાને પ્રશ્નો પૂછીને મેળવે છે.

‘ઋતુજા, મેં મારા બાપુજીના મોંએ સાંભળ્યું કે, ‘Ageing is a natural process.’ જીવનમાં ઉમ્મર વધે તેમ અવસ્થા બદલાવાની છે, તેથી આપણે અગાઉની જ દરેક અવસ્થામાં આનંદપૂર્વક સ્વસ્થતાથી રહી શકીએ માટે એની તૈયારી અગાઉથી જ કરવી જોઈએ. વૃદ્ધ થઈએ ત્યારે શારીરિક ક્ષમતા ઘટે; પણ અનુભવ વધે. તેથી જ માણસ વધુ સક્ષમ અને સમ્પન્ન બને છે. વળી ત્યારે સંસારની જવાબદારી ઓછી થઈ હોય છે. સન્તાનો વિકાસ પામીને એમનું જીવન જીવતા થઈ ગયા હોય છે. તેથી તેમની ચિન્તા હોતી નથી. બેટા, શરીરનું આરોગ્ય સાચવીએ તો આપોઆપ આપણું મન તંદુરસ્ત રહે અને જીવનમાં આવતાં પરિવર્તનોને સહર્ષ સ્વીકારાય અને પ્રસન્નતાથી જીવી શકાય.’

‘પણ વૃદ્ધાવસ્થામાં શરીર અને મનની શક્તિ ઓછી થઈ જાય છે, એવું આપણે જોઈએ છીએ.’ સુલયે કહ્યું.

અજયભાઈએ હેતથી કહ્યું, ‘બેટા, આપણું શરીર એક અદ્દભુત યંત્ર છે. અંદરનો બગાડ જાતે જ સાફ કરીને આપોઆપ નરવા થઈ જવાની કળા એ જાણે છે. અને આપણે આપણા શરીરને બરાબર સંભાળીએ તો જરાય વાંધો નથી આવતો. દરેક માણસ નિયમીતપણે કસરત કરે, યોગ અને પ્રાણાયામ કરે તો રોગ દૂર રહે છે. જીવનશક્તિ જળવાઈ રહે છે. ઉંમર વધે તેમ વૃદ્ધાવસ્થા તો આવે; પણ તમારે વૃદ્ધ થવું કે યુવાન રહેવું છે એ તમારે નક્કી કરવાનું છે.’

‘પપ્પા, તમે નિવૃત્ત થયા છો છતાં કંઈ ને કંઈ કામ તો કર્યા જ કરો છો. તમને કામ કરવામાં આટલો બધો રસ પડે છે? શી રીતે રસ ટકી રહ્યો છે ?’

‘બેટા, નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતા નહીં. માટે આપણને ગમતી કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરતા જ રહેવાનું, જેથી આપણી જિન્દગી આપણને બોજ ન લાગે. જિન્દગી નિરસ ન બની જાય.’

‘પણ, પપ્પા, તમે તો સમાજકલ્યાણની પ્રવૃત્તિ કરો છો, કેટલી જવાબદારવાળી આ પ્રવૃત્તિ છે તમારી ! સીધો પૈસા સાથે જ સમ્બન્ધ !’

‘દીકરા, જે સમાજ આપણને સલામતી આપે છે, આપણને સમૃદ્ધ રાખે છે, એ સમાજ માટે હું જે કંઈ કરું છું, એ કરવું જ જોઈએ. મારી આવડત અને અનુભવનો લાભ સમાજને મળે એ જ મારો સન્તોષ છે. સમાજ પાસેથી હું કોઈ લાભ કે નફાની અપેક્ષા નથી રાખતો. નિવૃત્તિકાળનો આ શ્રેષ્ઠ ઉપયોગ છે. તું જાણે છે કે વૃદ્ધાવસ્થા તો જિન્દગીનું સ્વર્ણીમ શીખર મનાય છે. એ સુવર્ણકળશની જેમ હમ્મેશાં ઝગમગવું જોઈએ.’

‘પપ્પા, અત્યારે અમારા વૃદ્ધત્વ માટે અમારે શી તૈયારી કરવી જોઈએ ?’ ઋતુજાએ પૂછ્યું.

‘બેટા, શરીર અને મનને જાળવવાં. સૌથી પહેલાં તો તમે નકારાત્મકતાથી દૂર રહો. શરીર કે મનમાં કચરો ન નાખો. કોઈ પણ પ્રકારના ક્લેશ, અસંતોષ, નિરાશા, ઉદાસીનતા, હતાશાને મનમાં ઊગવા જ ન દો. આપણા રોજિન્દા જીવનમાં ક્યારેક એવી ઘટના ઘટે છે કે આપણને નુકસાન પણ થાય; પણ એ નુકસાનનો વિચાર જ નહીં કરવાનો. નુકસાન કે વિષાદની પળોમાંય સ્વસ્થ રહો. વૃદ્ધત્વ આવ્યું એટલે હાર નહીં માની લેવાની. આપણે આપણી જાતમાં ભરોસો રાખવાનો, આપણા અનુભવોએ આપણને જે જ્ઞાન અને પરિપક્વતા આપી છે એનો પૂરો લાભ લેવાનો. આપણા સમગ્ર લાગણીતંત્રને હકારાત્મકતાથી ભરી દેવાનું, નિર્ભય રહેવાનું, મક્કમ રહેવાનું અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાની. વિશ્વના શુભ–મંગલ તત્ત્વમાં વિશ્વાસ રાખવાનો અને પ્રસન્નતાથી જીવવાનું.’

ઋતુજાએ પૂછ્યું, ‘પપ્પા મારી મમ્મી આનંદમાં રહે છે; પણ હમણાં હમણાં એની યાદશક્તિ ક્ષીણ થતી જાય છે. તેથી એ મુંઝાય છે, તો એના માટે શું કરવું ?’

‘બેટા, ઉંમર વધે તેમ મગજ નાનું થતું જાય છે. બ્રેઈન સેલ્સ ઘટી જાય છે, ક્યારેક લોહી બરાબર પહોંચતું નથી. તેથી યાદશક્તિ ક્ષીણ થતી લાગે; પણ એના માટે ઉપાય કરવાના. યોગ કરો, પ્રાણાયામ કરો, બ્રેઈન ટૉનીક જેવા કે શંખપુષ્પી ચૂર્ણ, આમળાં વગેરે લો. દવાને ખોરાક ન બનાવો; પણ ખોરાકને દવા બનાવો. આહાર–વિહારમાં તકેદારી રાખીએ તો શરીરનો ઘસારો પુરાઈ શકે છે. દૂધ, દૂધની બનાવટ, તાજાં ફળો, લીલાં શાકભાજી, બદામ, પીસ્તા, કાજુ, અખરોટ, તલ, મગફળી લેવાથી શરીરને થતો ઘસારો અને ઈજાને પહોંચી વળાય છે. હૃદયના સ્નાયુને સંકોચન કે પહોળા થવાની ક્રિયામાં વિટામીન ડી મદદ કરે છે. વિટામીન ડી હાડકાંને મજબૂત કરે છે. આપણાં હાડકાં મજબૂત હોય એ જરૂરી છે. આપણી રોગપ્રતિકારક શક્તિ અકબંધ રાખવામાં વિટામીન ડી મદદ કરે છે. પરન્તુ જેમ ઉમ્મર વધે તેમ શરીરમાં વિટામીન ડી ઓછું બને છે. માટે બહાર સૂર્યપ્રકાશમાં ફરવું જોઈએ, કુમળા તડકામાં બેસવું જોઈએ. તડકો મળતાં શરીર આપોઆપ જરૂરી વિટામીન ડી બનાવી લેશે. આપણા શરીરની ઉણપો વિશે સમજીને તે પૂરવા પ્રયત્ન કરવો જોઈએ.’

ઋતુજા બોલી, ‘પપ્પા, હું ભણતી હતી ત્યારે આ બધું ભણવામાં આવતું હતું; પણ એ તો હું પરીક્ષાની દૃષ્ટિએ યાદ રાખતી હતી. આ બધી જાણકારી જીવનમાં ઉતારવાની સૂઝ ન હતી. પરન્તુ અત્યારે સમજાય છે કે શું ખાવું ને શું ન ખાવું, કયો ખોરાક લેવાથી ક્યા અંગને પોષણ મળે છે, એ વખતથી જ જો એક સમજ કેળવાઈ હોત તો શરીર કેવું તંદુરસ્ત હોત !’

‘અરે બેટા, તમે નાનપણમાં ખુલ્લી હવામાં, કુમળા તડકામાં દોડાદોડ કરી હોત, મેદાનમાં રમતો રમ્યાં હોત તો તમારા શરીરનો બાંધો સુદૃઢ હોત. જુઓ, હું પંચ્યાશી વર્ષનો થયો; પણ બાગકામ બધું કરી શકું છું ને ! પણ કોઈ વાતનો અફસોસ નહીં કરવાનો, જાગ્યા ત્યારથી સવાર. હવે આજથી, આ ક્ષણથી તબિયતની કાળજી લો, અને પ્રસન્નતાથી જીવો. આપણને જે મળ્યું છે એને સ્વીકારો અને ખુશ રહો.’

‘પપ્પા, હવે અમે વૃદ્ધત્વથી ગભરાઈશું નહીં; પણ જાગ્રત થઈને પૂરા મનથી વૃદ્ધત્વને વધાવીશું.’ ઋતુજા બોલી. સુલયે હસીને મૌનપણે પપ્પાની વાત પર મહોર મારી.

જુલાઈ, 2014ના ‘અખંડ આનંદ’ માસીકમાંથી સાભાર

‘શાશ્વત’ – કે. એમ. જૈન ઉપાશ્રય સામે, ઓપેરા સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ–380 007 — ઈ–મેઈલ – [email protected]

સૌજન્ય : ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષ : બારમું – અંક : 356 – 04 September, 2016

Category :- Opinion / Opinion

સવાલ એ છે કે નાથુરામ ગોડસે RSSમાં હતો કે નહીં? સંઘના અને ગોડસે વચ્ચેના સંબંધો કેવા હતા?  આનો ઉત્તર નાથુરામ ગોડસેના નાના ભાઈ ગોપાલ ગોડસેએ આપ્યો છે. ‘ફ્રન્ટલાઇન’ નામના અંગ્રેજી સામયિકને આપેલી મુલાકાતમાં ગોપાલ ગોડસેએ કહ્યું હતું કે ‘અમે ચારેય ભાઈઓ સંઘમાં હતા. અમારો ઉછેર ઘર કરતાં સંઘમાં થયો છે એમ કહેવું જોઈએ. સંઘ જ અમારું ઘર હતું. નાથુરામને તો બૌદ્ધિક કાર્યવાહનો હોદ્દો પણ આપવામાં આવ્યો હતો. બાકી નાથુરામે કે મેં ક્યારે ય સંઘ છોડ્યો નહોતો’

મહાત્મા ગાંધીની હત્યામાં RSSની ભૂમિકા વિશેના કેસમાં રાહુલ ગાંધીએ અદાલતને કહ્યું છે કે તેમણે બે વરસ પહેલાં જે કહ્યું હતું એ વાતને વળગી રહે છે અને તેઓ બદનક્ષીના ખટલાનો સામનો કરવા તૈયાર છે. મને ખબર નથી કે તેમની પાસે કયા પુરાવાઓ છે. અદાલતમાં ચાલી શકે એવા પુરાવાઓ એક વસ્તુ છે અને અદાલતમાં ભલે ચાલી ન શકે, પણ સાંયોગિક પુરાવાઓ તરીકે અસ્વીકાર ન થઈ શકે એ બીજી વસ્તુ છે. હવે ભિવંડીની અદાલતમાં રાહુલ ગાંધીની સામે બદનક્ષીનો ફોજદારી ખટલો ચાલશે. એનો ક્યારે અને કેવો ચુકાદો આવશે એ તો સમય કહેશે.

બન્યું એવું કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે ભિવંડીમાં પ્રચારસભામાં રાહુલ ગાંધીએ RSS પર આરોપ મૂક્યો હતો કે સંઘના લોકોએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. રાહુલ ગાંધીએ જે કહ્યું હતું એ કોઈ નવી વાત નથી કે આવું કહેનારા રાહુલ ગાંધી પહેલા ભારતીય નથી. ઊલટું એટલી હદે લોકોએ કહ્યું છે કે ગાંધીજીની હત્યામાં સંઘનો સીધો હાથ હતો. જવાહરલાલ નેહરુ આમ માનતા હતા અને બીજા ઘણા લોકો આમ માને છે અને કહે છે. સંઘના લોકો સાધારણપણે ચર્ચામાં ઊતરતા નથી કે અદાલતમાં જતા નથી, એટલે અત્યાર સુધી કોઈએ આવા નિવેદનને પડકાર્યું નહોતું. પહેલી વાર એક સ્વયંસેવકે ભિવંડીની અદાલતમાં રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ કર્યો, જેને રદ કરાવવા રાહુલ ગાંધીએ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી. સર્વોચ્ચ અદાલતે બદનક્ષીનો કેસ રદ્દ્ કરવાની જગ્યાએ રાહુલને સલાહ અને ચેતવણી આપી હતી કે જો તમારી પાસે મજબૂત પુરાવાઓ ન હોય તો તમારે માફી માગીને કે ખુલાસો કરીને અદાલતની બહાર મામલો ખતમ કરવો જોઈએ અને જો તમે એમ કરવા માગતા ન હોય તો બદનક્ષીના ફોજદારી ખટલાનો સામનો કરવો જોઈએ.

ગયા અઠવાડિયે રાહુલ ગાંધીના વકીલ કપિલ સિબલે અદાલતમાં દલીલ કરી હતી કે રાહુલે ક્યારે ય એવું નહોતું કહ્યું કે RSSએ ગાંધીજીની હત્યા કરી હતી. પોલીસના રેકૉર્ડ મુજબ રાહુલે ભિવંડીની સભામાં કહ્યું હતું કે RSS કે લોગોં ને ગાંધીજી કી હત્યા કી થી. કપિલ સિબલે આનું અર્થઘટન એવું કર્યું હતું કે જે લોકોએ ગાંધીજીની હત્યા કરી હતી એ સંઘ સાથે સંકળાયેલા હતા. આ આમ તો એક જ વાત થઈ, પરંતુ એ છતાં ય એની અર્થચ્છાયામાં થોડોક ફરક છે. અહીં નક્કર સત્ય શું છે એના પર એક નજર કરીએ.

મહાત્મા ગાંધીની હત્યા કોણે કરી હતી? નાથુરામ ગોડસે નામના માણસે કરી હતી એ આખું જગત જાણે છે. એ નાથુરામ ગોડસે કોણ હતો? તો RSS એના બે ઉત્તર આપે છે. બહારની દુનિયા માટેનો ઉત્તર એવો છે કે નાથુરામ માથાફરેલ હિન્દુ હતો જેણે ઉશ્કેરાઈને ગાંધીજી જેવા પ્રાત: સ્મરણીય મહાત્માની હત્યા કરી હતી (૧૯૬૯થી સંઘની શાખાઓમાં ગાંધીજીને પ્રાત: સ્મરણીય તરીકે સવારે યાદ કરવામાં આવે છે). નાથુરામ ગોડસે થોડા સમય માટે RSSમાં જોડાયો હતો ખરો, પણ તે વાત-વાતમાં ઉશ્કેરાઈ જનારો માથાફરેલ હિન્દુ હતો એટલે વિવેક અને મર્યાદામાં માનનારા સંઘથી નારાજ થઈને તે સંઘ છોડીને જતો રહ્યો હતો.

અંદરની દુનિયા માટેનો ઉત્તર એવો છે કે નાથુરામ વિદ્વાન હતો (સંઘસાહિત્યમાં તેનો ઉલ્લેખ પંડિત નાથુરામ ગોડસે તરીકે ખૂની માટે કરાય છે એમ તુંકારાથી નહીં પણ આદરપૂવર્‍ક કરવામાં આવે છે. તમે ખાતરી કરી શકો છો), હિન્દુ હિતને વરેલો પ્રતિબદ્ધ યોદ્ધો હતો અને તેણે ગાંધીનો વધ (જી હા, વધ. સંઘસાહિત્યમાં ગાંધીજીની હત્યાને ગાંધીવધ તરીકે ઓળખાવવામાં આવે છે એની પણ તમે ખાતરી કરી શકો છો) કર્યો હતો. હવે વધ તો તેનો કરવામાં આવે છે જે રાક્ષસ હોય. કંસવધ, રાવણવધ, તાડકાવધ, વાલીવધ એવા શબ્દપ્રયોગ કરવામાં આવે છે. આમ સંઘસાહિત્યમાં કહેવામાં આવે છે એ મુજબ પંડિત નાથુરામે ગાંધીવધ કર્યો હતો.

ગાંધીવધ સ્વયંસેવકોની જીભે કેટલી હદે ચડેલો છે એનો એક પ્રસંગ અહીં ટાંકવા જેવો છે. થોડાં વરસ પહેલાં મહારાષ્ટ્રના બહુ મોટા ગજાના ચિત્રકાર સાથે ઔંધનું મ્યુિઝયમ જોવા જવાનો મને મોકો મળ્યો હતો. ઔંધનું મ્યુિઝયમ ઔંધના રાજાએ વસાવેલાં ચિત્રોનું ખાનગી કલેક્શન છે અને એ ચિત્રોની સંખ્યા અને ગુણવત્તા એમ બન્ને દ્રષ્ટિએ અનોખું છે. એક મોટા ગજાના ચિત્રકાર સાથે ચિત્રો માણવા-સમજવા મળે એ લહાવો હતો. પાછા ફરતાં મેં કહ્યું કે ઔંધમાં વેદવિશારદ પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકર રહેતા હતા જે પોતે ચિત્રકાર હતા અને તેમના પુત્ર માધવરાવ સાતવળેકર તો બહુ મોટા ગજાના ચિત્રકાર છે. ૧૯૪૮માં ગાંધીજીની હત્યા કરવામાં આવી એ પછી મહારાષ્ટ્રમાં બ્રાહ્મણોનાં ઘર બળવામાં આવ્યાં હતાં એમાં પંડિત સાતવળેકરનું ઘર પણ બાળવામાં આવ્યું હતું જેમાં તેમનો અલભ્ય ગ્રંથસંગ્રહ બળીને ખાખ થઈ ગયો હતો. મેં સૂચવ્યું હતું કે આપણે અહીં આવ્યા છીએ તો એ મકાન પણ જોવું જોઈએ જ્યાં પંડિતજીએ વેદોના અધ્યયનનું ભગીરથ કામ એકલા હાથે કર્યું હતું. અમે પંડિતજીનું મકાન શોધતા હતા ત્યાં મારા ચિત્રકારમિત્રે એક વયસ્ક માણસને ઊભો રાખીને મરાઠીમાં પૂછ્યું : ગાંધીવધ ઝાલા ત્યાં નંતર પંડિત સાતવળેકરાંચા ઘર ઝાળલા હોતા તો ઘર કુઠલા હે તુમ્હાલા માહિત આહે કા?

ગાંધીવધ? ભારતભરમાં પોટ્ર્રેટ-આર્ટિસ્ટ તરીકેની નામના ધરાવનારા ચિત્રકારની જીભે ગાંધીવધ શબ્દ આવી ગયો હતો અને એ પણ મારી હાજરીમાં. મેં તેમની સામે જોયું ત્યારે ભોંઠા પડીને ખુલાસો કર્યો હતો કે અનાવધાનાને ચૂક ઝાલી. મોટા ભાગના સ્વયંસેવકોને મન ગાંધીજીનું ખૂન એ ગાંધીવધ છે અને એમાં મોટા ગજાના ચિત્રકાર પણ અપવાદ નથી. શાખાઓમાં એ રીતે જ તેમનો ઉછેર થયો છે અને તેઓ ખરેખર એમ માને છે કે ગાંધીજી વધને લાયક હતા. આમ નાથુરામ કોણ હતો એના બે જવાબ આપણે જોયા. એક બહારના લોકો માટેનો, અને એક અંદરના લોકો માટેનો.

હવે બીજો સવાલ એ ઉપસ્થિત થશે કે શા માટે નાથુરામે ગાંધીજીની હત્યા કરી હતી? આનો બહારના લોકો માટેનો જવાબ સીધોસાદો છે : તે માથાફરેલ ગાંડો હતો એટલે ભારતના વિભાજનથી ઉશ્કેરાઈને હત્યા કરી હતી. આનાથી ઊલટું સંઘની જમાત માટેનો જવાબ જુદો છે : પંડિત નાથુરામે હિન્દુવિરોધી નપુંસક વિચારધારાના પુરસ્કર્તાનો વધ કર્યો હતો (સંઘસાહિત્ય જોઈ જાઓ. આવું વિવેચન જોવા મળશે). તેઓ ગાંધીજીને થીસિસ તરીકે તો પંડિત નાથુરામને ઍન્ટિ-થીસિસ તરીકે રજૂ કરે છે. હત્યારો નહીં, વિલન તો બિલકુલ નહીં; કદાચ હીરો.

એટલે તો વિનાયક દામોદર સાવરકરનું પુસ્તક ‘હિન્દુત્વ’ અને નાથુરામ ગોડસેનું અદાલતમાં આપવામાં આવેલું નિવેદન ‘વાય આઇ કિલ્ડ ગાંધી’ એમ બે પુસ્તકોને હિન્દુત્વવાદીઓ માટે મસ્ટ રીડ માનવામાં આવે છે. વિડંબનાની પરાકાષ્ઠા તો જુઓ! સંઘને હિન્દુત્વના પ્રોફેટ તરીકે સાવરકર સત્તાવાર રીતે માન્ય નથી, પણ તેમનું પુસ્તક ‘હિન્દુત્વ’ બાઇબલ તેમ જ કુરાન બન્ને છે. નાથુરામ સત્તાવાર રીતે માથાફરેલ હિન્દુ છે, પરંતુ ખાનગીમાં ખૂની કે વિલન નહીં પણ ગાંધીનો વધ કરનાર હીરો છે. હિન્દુવિરોધી નપુંસક વિચારધારા પર પ્રહાર કરનાર પંડિત છે અને એટલે તો તેનું અદાલતમાંનું નિવેદન સ્વયંસેવકો માટે મસ્ટ રીડ છે.

આપદ્ધર્મ હોય ત્યારે પૂજ્યોની પણ હત્યા કરવી પડે જેમ મહાભારતમાં અજુર્‍ને ભીષ્મ પિતામહની અને ગુરુ દ્રોણની કરી હતી. RSSના બીજા સરસંઘચાલક ગુરુ ગોલવલકરને આમ કહેતાં વિનોબા ભાવેએ ટાંક્યા છે. ગાંધીજીની હત્યા કરવી એ એ સમયે હિન્દુિહતના યોદ્ધાનો આપદ્ધર્મ હતો એમ ગોલવલકર ગુરુજી કહી ગયા છે. ‘વાય આઇ કિલ્ડ ગાંધી’ નામના બચાવનામામાં નાથુરામ ગોડસેએ પણ બીજા શબ્દોમાં આવો જ બચાવ કર્યો છે. આપણે માત્ર એક પ્રશ્ન પૂછવો જોઈએ કે અજુર્‍ને ભીષ્મ પિતામહની હત્યા કોઈ ખૂની કરે એ રીતે તેમને જાણ પણ કર્યા વિના છેતરીને કરી હતી? શું ભીષ્મ નિહથ્થા હતા? ભીષ્મને જાણ હતી કે આ યુદ્ધ છે અને અજુર્‍ન તેમને મારવાનો છે. ચોરીછૂપીથી હથિયાર સાથે પ્રાર્થનાસભામાં ઘૂસી જઈને અને પ્રણામ કરવાના બહાને નજીક જઈને કોઈનું ખૂન કરે એને આપદ્ધર્મી યોદ્ધો ન કહેવાય, નપુંસક કહેવાય. એટલે તો મરાઠી વિદ્વાન ય. દી. ફડકે આગ્રહ રાખતા કે ગાંધીજીની હત્યાને ગાંધીજીના ખૂન તરીકે ઓળખાવવું જોઈએ અને નાથુરામને ખૂની તરીકે. નપુંસકો દ્વારા છેતરીને કરવામાં આવતી પ્રત્યેક હિંસા ખૂન છે એમ પ્રાધ્યાપક ફડકે કહેતા.

સંઘપરિવાર ખાનગીમાં નાથુરામને કઈ રીતે જુએ છે એ મેં જણાવ્યું. આ બાબતે કોઈને પણ શંકા હોય તો તેઓ સંઘસાહિત્ય જોઈ જાય, વિપુલ માત્રામાં પ્રમાણો મળી રહેશે. વાંચવાનો કંટાળો આવતો હોય તો કોઈ સંઘી સ્વયંસેવક સાથે ચર્ચામાં ઊતરો તો તે તમને એ જ કહેશે જે મેં અહીં કહ્યું છે.

હવે સવાલ એ આવે છે કે નાથુરામ ગોડસે RSSમાં હતો કે નહીં? સંઘના અને ગોડસે વચ્ચેના સંબંધો કેવા હતા? આનો ઉત્તર નાથુરામ ગોડસેના નાના ભાઈ ગોપાલ ગોડસેએ આપ્યો છે. ગોપાલ ગોડસે પણ ગાંધીજીના ખૂનમાં આરોપી હતો અને તેણે જન્મટીપની સજા ભોગવી હતી. તેણે ‘વાય આઇ અસૅસિનેટેડ મહાત્મા ગાંધી’ નામનું પુસ્તક લખ્યું છે. ‘ફ્રન્ટલાઇન’ નામના અંગ્રેજી સામયિકે ગોપાલ ગોડસેની લાંબી મુલાકાત લીધી હતી જે ૧૯૯૪ની ૨૮ જાન્યુઆરીના અંકમાં પ્રકાશિત થઈ છે. એ મુલાકાતમાં ગોપાલ ગોડસેએ કહ્યું હતું કે ‘અમે ચારેય ભાઈઓ સંઘમાં હતા. અમારો ઉછેર ઘર કરતાં સંઘમાં થયો છે એમ કહેવું જોઈએ. સંઘ જ અમારું ઘર હતું. નાથુરામને તો બૌદ્ધિક કાર્યવાહનો હોદ્દો પણ આપવામાં આવ્યો હતો.’

એ પછી ઘટસ્ફોટ કરતાં ગોપાલ ગોડસે આગળ કહે છે, ‘નાથુરામે એમ કહ્યું હતું કે તેણે સંઘ છોડી દીધો હતો. વાસ્તવમાં આ RSS પરનો પ્રતિબંધ ઉઠાવી શકાય એ માટે નાથુરામ પાસે બોલાવડાવવામાં આવ્યું હતું અને નાથુરામે એમ બોલીને સંઘને મદદ કરી હતી. ગોલવલકર ગુરુજીએ પોતે નાથુરામને આમ બોલીને મદદ કરવાની વિનંતી કરી હતી. બાકી નાથુરામે કે મેં ક્યારે ય સંઘ છોડ્યો નહોતો.’

રહી વાત સંઘની સીધી સંડોવણીની તો એ વિશે ગોપાલ ગોડસેએ વ્યંગમાં કહ્યું હતું કે હા, સંઘે ઠરાવ કરીને ગાંધીજીની હત્યામાં ભાગ નહોતો લીધો.

૧૯૯૭માં ભારતની આઝાદીના સુવર્ણજયંતી વર્ષમાં મેં ગોપાલ ગોડસેની બે દિવસમાં છ કલાક લાંબી મુલાકાત લીધી હતી અને એમાં પણ ગોપાલ ગોડસેએ આ જ વાત કરી હતી જે ‘મિડ-ડે’ના સ્વાતંત્ર્ય સુવર્ણજયંતી વિશેષાંકમાં છપાઈ છે. મારી સાથેની મુલાકાતમાં ગોપાલ ગોડસેએ સંઘ વિશે કહ્યું હતું કે હંમેશાં પાછળ રહેવાની, અનેક મોઢે બોલવાની અને કોઈ ચીજ રેકૉર્ડ પર ન રાખવાની સંઘની જૂની શૈલી છે. એટલે તો કપિલ સિબલે બદનક્ષીનો ખટલો કરનાર ફરિયાદીને કહ્યું છે કે કઈ તારીખે નાથુરામે સંઘમાંથી રાજીનામું આપ્યું હતું એની વિગત અદાલતમાં રજૂ કરવામાં આવે.

સારું થયું કે મામલો અદાલતમાં પહોંચ્યો છે. બાત નિકલી હૈ તો દૂર તક જાએગી. જો રાહુલ ગાંધી ટટ્ટાર ઊભા રહેશે તો કદાચ ખટલો સર્વોચ્ચ અદાલત સુધી પહોંચશે. એટલું નક્કી કે આ સંઘ માટે ખોટનો સોદો છે.

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’ નામક લેખકની કોલમ, ’સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 04 સપ્ટેમ્બર 2016

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-04092016-12

Category :- Opinion / Opinion