OPINION

માત્ર 24 વર્ષની ઉંમરે બ્રિટિશ કાનૂન હેઠળ ‘આતંકવાદી’ ઠેરવાઈને ફાંસીને માંચડે લટકી જનાર ભગતસિંહની ગયા સપ્તાહે 23મી માર્ચે 109મી પુણ્યતિથિ હતી. એ જ દિવસે કૉંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી શશિ થરુરે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા કનૈયાકુમારને આજના જમાનાનો ભગતસિંહ ગણાવ્યો તેમાં વિવાદ શરૂ થયો. ભાજપે આને શહીદ ભગતસિંહનું અપમાન ગણાવ્યું અને માગણી કરી કે કૉંગ્રેસ અને શશિ થરુર દેશની રાષ્ટ્રપ્રેમી જનતાની માફી માગે. ભાજપે કહ્યું કે ભગતસિંહનો રાષ્ટ્રપ્રેમ કનૈયાકુમારથી અલગ હતો.

પ્રો. પ્રીતમસિંહ સાચું કહે છે, ‘ભારતમાં જેટલા પણ પ્રકારની રાજનૈતિક વિચારધારા છે તેને માટે ભગતસિંહ એક ચુનૌતી છે’  

ભગતસિંહે તો ‘ભારત માતા કી જય’ના નારા સાથે ફાંસીનો ફંદો ગળે પહેરી લીધો હતો, જ્યારે કનૈયાએ તો દેશદ્રોહી અફઝલગુરુનો જયજયકાર કર્યો છે, એમ ભાજપે કહ્યું હતું. ભગતસિંહની સરખામણી કનૈયાકુમાર સાથે કરવાની થરુરની ચેષ્ટા બચકાની છે. બંને વચ્ચે ઉંમરના સામ્ય સિવાય, કશી સમાનતા ન હતી. થરુરને કદાચ કનૈયાકુમારની માર્ક્સવાદી વિચારધારાને લઈને ભગતસિંહ યાદ આવ્યા હોય એવું બને. ભગતસિંહ વર્ષોથી ભારતના સામ્યવાદીઓના હીરો રહ્યા છે, કારણ કે ભગતસિંહે એમની નાસ્તિકતાની ઘોષણા ડંકાની ચોટ પર કરી હતી.

બીજી તરફ, ભગતસિંહને બંધૂકમાંથી ગોળીઓ ધણધણાવતા, બૉમ્બ વર્ષાવતા રેમ્બો ટાઇપના આક્રમક રાષ્ટ્રવાદી નેતા તરીકે પેશ કરવાની કોશિશ પણ થતી રહી છે. ભગતસિંહની વિરાસતને લઈને ડાબેરી સામ્યવાદીઓ, જમણેરી હિન્દુવાદીઓ અને ‘લેફ્ટ ઑફ ધ સેન્ટર’ કૉંગ્રેસ વચ્ચે સતત ખેંચતાણ થતી રહી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર પ્રીતમ સિંહે ભગતસિંહનો ખાસ્સો અભ્યાસ કર્યો છે. તે લખે છે, ‘ભારતમાં જેટલા પણ પ્રકારની રાજનૈતિક વિચારધારા છે તેને માટે ભગતસિંહ એક ચુનૌતી છે.’

ગાંધી પ્રભાવિત રાષ્ટ્રપ્રેમીઓ, હિન્દુ રાષ્ટ્રવાદીઓ, શીખ રાષ્ટ્રવાદીઓ, સામ્યવાદીઓ અને સશસ્ત્ર સંઘર્ષના હિમાયતી માર્ક્સવાદીઓ ભગતસિંહમાં પોતપોતાનો હિસ્સો શોધે છે, પરંતુ એમને જ વિરોધિતા નડે છે. ગાંધીવાદીઓને ભગતસિંહની હિંસાથી મુસીબત છે, હિન્દુ અને શીખ રાષ્ટ્રભક્તોને એમની નાસ્તિકતા પચતી નથી, ડાબેરીઓને એમનામાં નક્સલવાદી દેખાય છે, જ્યારે નક્સલવાદીઓને વ્યક્તિગત આતંકી વિચારધારા પ્રત્યેની ભગતસિંહની નફરત ગમતી નથી.’ ભગતસિંહ બે રીતે તત્કાલીન ક્રાંતિકારીઓથી અલગ પડે છે.

એક, ભગતસિંહને એમની નાસ્તિકતા પર ગર્વ હતો, અને ફાંસીના પાંચ મહિના પહેલાં જ તેમણે લાહોરની જેલમાં ‘હું નાસ્તિક કેમ છું’ નામનો લેખ લખ્યો હતો, જે લાલા લજપતરાયના અંગ્રેજી સાપ્તાહિક ‘ધ પીપલ’માં 27 સપ્ટેમ્બર, 1931(જે એમનો જન્મદિવસ છે)ના રોજ પ્રકાશિત થયો હતો. અને બે, એમણે એવા સ્વતંત્ર ભારતની કલ્પના કરી હતી જેમાં ગરીબી ન હોય, પીડા ન હોય, શોષણ ન હોય અને સમાનતા હોય. 24 વર્ષનો એક યુવાન, જે કસમયના મૃત્યુની કગાર પર હોય, એ ઈશ્વરના અસ્તિત્વનો બેબાક ઇન્કાર કરે એ વાત જ એક ક્રાંતિ છે.

પંજાબના સ્વતંત્રતાસેનાની બાબા રણધીર સિંહ 1930-31 વચ્ચે લાહોર જેલમાં બંધ હતા. એમને એ જાણીને કષ્ટ થયેલું કે ભગતસિંહ પોતાને નાસ્તિક ગણે છે. એમણે ભગતસિંહમાં ઈશ્વર પ્રત્યે આસ્થા પેદા થાય તે માટે પ્રયાસ કરેલો, પણ એમાં નિષ્ફળતા મળતાં અકળાઈને કહેલું, ‘તને પ્રસિદ્ધિ મળી છે એટલે તારું દિમાગ ખરાબ થઈ ગયું છે અને તું અહંકારી બની ગયો છે, જે તારી અને ઈશ્વર વચ્ચે પડદો બની ગઈ છે.’ ભગતસિંહે અાના જવાબમાં એ લેખ લખ્યો હતો. ભગતસિંહ લખે છે, ‘શું હું કોઈ અહંકારના કારણે ઈશ્વરના અસ્તિત્વ પર વિશ્વાસ નથી કરતો? મારા અમુક દોસ્ત આવું માને છે.

હું શેખી નથી મારતો કે હું માનવીય કમજોરીઓથી ઉપર ઊઠી ગયો છું. હું એક મનુષ્ય છું અને એથી વિશેષ કશું જ નહીં. આવો દાવો કોઈ ન કરી શકે. આ કમજોરી મારી અંદર પણ છે. અહંકાર મારા સ્વભાવનો ભાગ છે. મને નિશ્ચિતપણે મારા મત પર ગર્વ છે, પરંતુ એ વ્યક્તિગત નથી. મને મારા વિશ્વાસ પ્રત્યે ન્યાયોચિત ગર્વ છે. એને ઘમંડ ન કહી શકાય. ઘમંડ તો સ્વયં પ્રત્યે અનુચિત ગર્વની અધિકતા છે.’ જીવનને ગહેરા અર્થમાં સમજવા કે એનો સંતોષ મેળવવા ભગતસિંહને ઇશ્વરની, સ્વર્ગની કે નર્કની કલ્પનાના સહારાની કે આત્માની અમરતામાં વિશ્વાસની જરૂર લાગી ન હતી.

એનાથી વિપરીત ભગતસિંહ એવું માનતા કે આવી શ્રદ્ધા માણસને કમજોર બનાવે છે અને એના તાર્કિક વિચાર અને વ્યવહારમાં અવરોધ બને છે. ભગતસિંહે હિન્દુ, મુસ્લિમ અને ઈસાઈને સંબોધીને કહેલું કે, ‘તમારો સર્વશક્તિમાન ઇશ્વર હર વ્યક્તિને એ સમયે કેમ નથી રોકતો જ્યારે એ અપરાધ કે પાપ કરતો હોય છે? એણે કેમ આક્રમણખોર રાજાઓની ઉગ્રતાને સમાપ્ત કરીને માનવને પ્રથમ વિશ્વયુદ્ધથી ન બચાવ્યો? એણે અંગ્રેજોના મસ્તિકમાં ભારતને મુક્ત કરવાની ભાવના કેમ ન ભરી? એણે શા માટે મૂડીવાદીઓના હૃદયમાં પરોપકારનો ઉત્સાહ ન ભર્યો?’

ભગતસિંહે ઈશ્વરને સ્વાર્થી નીરો અને આતતાયી ચંગેઝખાન સાથે સરખાવ્યો હતો, જે મનુષ્ય જાતિનાં દુ:ખ-દર્દની મઝા લઈ રહ્યો છે. ભગતસિંહનું રાજકીય અને સામાજિક ચિંતન એમની આ ઈશ્વર પ્રત્યેની અશ્રદ્ધામાંથી આવે છે, જે એમનો બીજો પક્ષ છે, જેની સાથે અનુકૂલન સાધવામાં ભગતસિંહના કહેવાતા વારસદારોને તકલીફ પડે છે. ભગતસિંહે ધર્મમુક્ત અને ગરીબીમુક્ત ભારતની કલ્પના કરી હતી, કારણ કે એમના મતે ધર્મએ તાકાતવર, સંપન્ન લોકોની તરફદારી કરી છે અને હિન્દુસ્તાનને હિન્દુ-મુસ્લિમ વેરઝેરની ગર્તમાં ગુમરાહ કરી દીધું છે.

1919માં જલિયાંવાલા બાગના હત્યાકાંડની અસર હેઠળ 1924માં (હાલ પાકિસ્તાનમાં) ખૈબર-પખ્તૂનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં ભયાનક રમખાણ થયાં હતાં, એ પછી સાંપ્રદાયિક તોફાનો પર લાંબી બહસ શરૂ થયેલી. ભગતસિંહે આ અંગે સ્પષ્ટ વિચારો રજૂ કરેલા, જે ‘કીર્તિ’ નામની પત્રિકામાં 1928માં પ્રગટ થયા હતા. એમાં ભગતસિંહે લખેલું કે ભારતમાં આજે એક ધર્મનું હોવું જ બીજા ધર્મ માટે કટ્ટર શત્રુ હોવું છે. 100 વર્ષ પહેલાંના ભગતસિંહના વિચારો આજે પણ એટલા જ સાંપ્રત છે. ભગતસિંહની આ સંવેદનશીલતા પણ આપણે એમની જે છબી બતાવી છે તેનાથી વિપરીત જાય છે.

હિન્દુ-મુસ્લિમ વિસંવાદિતા ભારતને વિશ્વમાં બદનામ કરી રહી છે, એવું ભગતસિંહને ત્યારે લાગેલું. એ લખે છે, ‘ખબર નથી આ ધાર્મિક દંગલો ક્યારે ભારતવર્ષનો પીછો છોડશે. આ અંધવિશ્વાસમાં બધા વિવેક ગુમાવી દે છે. કોઈ હિન્દુ, મુસલમાન યા શીખ વીરલો જ હશે જે એનું દિમાગ ઠંડું રાખે છે, બાકી બધા ખાલી નામના જ ધાર્મિક રોબને બતાવવા ડંડા, લાઠી, તલવાર, છૂરી હાથમાં પકડી લે છે અને માથા ફોડીને મરી જાય છે.’ ભારતમાં આજે ધાર્મિક અતિવાદને વોટબેન્ક રાજનીતિના કારણે વૈધતા મળી છે ત્યારે ઈશ્વરને લઈને ભગતસિંહના વ્યક્તિગત વિચારો અને હિન્દુ-મુસ્લિમ સાંપ્રદાયિકતાને લઈને એમનો જાહેર અભિગમ એમને સાવ જુદા જ (અને સાચા) પરિપ્રેક્ષ્યમાં મૂકે છે, જે પરિપ્રેક્ષ્ય ‘ભગતસિંહ તો મારો-કાપોવાળા સાચા સપૂત હતા’ એવી એમની છબી હેઠળ દબાઈ ગયો છે.

ભારતમાં ગરમા-ગરમ, આરપારના વિચારોના ચાહકો વધી રહ્યા છે. બધાને એવું લાગે છે કે છાતીઓ પહોળી કર્યા વગર આ દેશનો ઉદ્ધાર થવાનો નથી. એમને ભગતસિંહનું રેમ્બોઇઝમ લલચાવનારું લાગે, પણ આઝાદીને લઈને, રાષ્ટ્રપ્રેમને લઈને ભગતસિંહ શું માનતા હતા એની ભાગ્યે જ કોઈ દરકાર કરે છે. લાહોર જેલમાં 1931માં એમને ફાંસી અપાઈ તેનાં બે વર્ષ પહેલાં લાહોર વિદ્યાર્થી પરિષદમાં ભગતસિંહે કહેલું, ‘ભારતમાં આઝાદીના ઘણા બધા અર્થ કરવામાં આવે છે. મારા મતે આઝાદીનો મતલબ માત્ર રાજકીય ગુલામીથી મુક્ત થવાનો જ નથી.

આઝાદીનો મતલબ ઑલરાઉન્ડ આઝાદીનો છે, જેમાં વ્યક્તિગત આઝાદી હોય, સામાજિક આઝાદી હોય, ધનવાનોની આઝાદી હોય અને ગરીબોની ય આઝાદી હોય, પુરુષો માટે આઝાદી હોય અને સ્ત્રીઓ માટે ય હોય. આઝાદીનો મતલબ સંપત્તિની સમાન વહેંચણી, જાતિ ભેદભાવની નાબૂદી, કોમી વિસંવાદિતા અને ધાર્મિક અસહિષ્ણુતાની ગેરહાજરી એવો થાય છે. તમને કદાચ આ વાત દિવાસ્વપ્ન જેવી લાગે, પણ આ આદર્શ હશે તો જ માણસના આત્માને શાંતિ મળશે.’

ભગતસિંહનો રાષ્ટ્રવાદ બહુસંખ્યકવાદમાંથી નહીં, પણ માનવતાવાદમાંથી આવતો હતો એ એક મહત્ત્વની શીખ એમના જીવનમાંથી મળે છે.

પેલા ‘હું નાસ્તિક કેમ છું’ લેખમાં ભગતસિંહ લખે છે, ‘મને ખબર છે જે ક્ષણે ફાંસીનો ફંદો મારી ગરદન ઉપર લાગશે અને મારા પગ તળેથી પાટિયું ખસશે, એ ક્ષણ અંતિમ હશે. હું કે મારા આત્માનો ત્યાં જ અંત આવી જશે. આગળ કશું જ નહીં હોય. એક નાનકડી જિંદગી, જેની કોઈ ગૌરવશાળી પરિણતિ નથી, ખુદમાં સ્વયં એક પુરસ્કાર હશે. વિના કોઈ સ્વાર્થ કે અહીં અથવા અહીંથી આગળ કોઈ ઈનામની ખેવના વગર મેં અનાસક્ત ભાવથી પોતાના જીવનને સ્વતંત્રતાના ધ્યેય પર સમર્પિત કરી દીધું છે, કારણ કે હું બીજું કશું કરી શકું તેમ નથી. જે દિવસે આપણને આવી માનસિકતાવાળા બહુ બધાં સ્ત્રી-પુરુષ મળશે, જે પોતાના જીવનને મનુષ્યની સેવા અને પીડિત માનવતાના ઉદ્ધાર કરવા સિવાય બીજે ક્યાં ય સમર્પિત કરી જ ન શકે, એ દિવસથી મુક્તિના યુગનો શુભારંભ થશે.’

ભારત માતા કી જય!

e.mail : [email protected]

સૌજન્ય : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 03 અૅપ્રિલ 2016

http://www.divyabhaskar.co.in/news/MAG-article-of-breaking-views-by-raj-goswami-in-sunday-bhaskar-5290199-NOR.html

Category :- Opinion / Opinion

એ લોકો અમને રાષ્ટ્રવિરોધીઓ કહે છે

આનંદ પટવર્ધન (અનુવાદક : પાર્થ ત્રિવેદી)
02-04-2016

[અનુવાદકની નોંધ : આનંદ પટવર્ધન લોકશાહી અને નાગરિક સ્વાતંત્ર્યને લગતી બહુ મહત્ત્વની દસ્તાવેજી ફિલ્મોના સર્જક તરીકે  દુનિયાભરમાં જાણીતા છે. ગયાં પિસ્તાળીસ વર્ષથી તેઓ ધર્મનું રાજકારણ, અનેક પ્રકારની વિષમતા, અને વિનાશને ભોગે વિકાસ, એ વિષયોના અનેક પાસાં પર ડૉક્યુમેન્ટરી ફિલ્મ્સ બનાવતા રહ્યા છે. સેન્સર બોર્ડની સામે તે સર્વોચ્ચ અદાલત સુધી લડત આપીને એક કરતાં વધુ વખત જીત્યા છે. આનંદે “સ્ક્રૉલ” નામના વેબપોર્ટલ પર, એકવીસમી જાન્યુઆરીએ, મૂકેલા ‘ધે કૉલ અસ ઍન્ટિ-નૅશનલ’ નામના મૂળ અંગ્રેજી લખાણનો અનુવાદ અહીં રજૂ કર્યો છે. તેની પ્રસ્તુતતાની છણાવટ કરવાની ભાગ્યે જ જરૂર છે.]

એ લોકોના મોટાભાગના પૂર્વસૂરિઓ અને પ્રવર્તકો, કહેવાતી ઉચ્ચ બ્રાહ્મણ જ્ઞાતિના હતા, તેમને સત્તા અને આધિપત્ય  આપનારી  સંસ્કૃિતમાં  તેમને ઊંડી શ્રદ્ધા હતી.

તેમણે દેશના મુખ્ય પ્રવાહમાં ધર્મનિરપેક્ષ રીતે ચાલેલા સ્વતંત્રતા આંદોલનનો વિરોધ કર્યો, અને સાથે વીસમીની શરૂઆતથી જ લોકોને  ધર્મને આધારે એકઠા કરવાની શરૂઆત કરી.

હિટલર માટેની તેમની ચાહના જગજાહેર હતી. એ લોકો એમ પણ કહેતા કે લઘુમતી લોકો સાથે કામ પાડવાની નાઝીઓની  જે રીત હતી તેને અનુસરવાથી ફાયદો થશે.

તેમના  ટોચના ત્રણ દુ:શ્મનો એટલે મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને સામ્યવાદીઓ.

હિન્દુ-મુસલમાન ક્યારે ય એક થઇ રહી ન શકે એવી દલીલ સાથે તેમણે દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતનો પ્રસાર કર્યો, તેમના જ પ્રતિબિંબ સમા મુસ્લિમ લીગે પણ એમ જ કર્યું.  

મુસ્લિમ લીગની સાથે રહીને તેમણે ૧૯૪૨માં ‘હિંદ છોડો’ આંદોલનમાં અંગ્રેજોનો સાથ આપ્યો. દેશના ભાગલા વખતે મુસ્લિમ લીગની જેમ એ લોકોએ પણ અસાધારણ ખૂનામરકી કરાવી.

તેમણે તિરંગાનો ઇન્કાર કરીને ૧૯૪૭માં સ્વાતંત્ર્ય દિવસના પરોઢે ફક્ત પોતાનો ભગવો ધ્વજ જ ફરકાવ્યો.

તેમણે ૧૯૪૮માં મહાત્મા ગાંધીની હત્યા કરી અને મીઠાઈ વહેંચી.

તેમણે ૧૯૫૦માં ભારતીય સંવિધાન વિરુદ્ધ ઝેર ઓક્યું અને સંવિધાન સામે મનુસ્મૃિત તરફ પસંદગી દર્શાવી.

એ લોકોએ ૧૯૫૧માં કાયદા પ્રધાન ડૉ. આંબેડકરના હિન્દુ કોડ બિલનો વિરોધ કર્યો. તે બિલમાં હિન્દુ મહિલાઓ માટે પુરુષોના અધિકારોને સમાન અધિકારોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આંબેડકરે કટુતાપૂર્વક રાજીનામું આપી દીધું. આથી બાબાસાહેબે નક્કી કરેલા તરત પછીના, સમાન નાગરિક ધારા(કૉમન સિવિલ કોડ)નો મુસદ્દો ઘડવાના ધ્યેયનું કામ અધૂરું રહ્યું.

તેમણે  ૧૯૫૬માં ડૉ. આંબેડકરની સાથે, જાતિવાદ તળે કચડાતા હિન્દુ ધર્મને છોડીને જાતિ વિહીન બૌદ્ધ ધર્મ અપનાવનાર સહુનો વિરોધ કર્યો.

દલિતો વિરુદ્ધના સતત ક્રૂર અત્યાચારો પછી પણ તેમણે જાતિ વ્યવસ્થાને પ્રતિષ્ઠિત કરનારા ‘પવિત્ર’ ધાર્મિક ગ્રંથો સામે કોઈ પણ સવાલ ઉઠાવવાનો વિરોધ કર્યો . વળી તેમનો ધર્મ આ પૃથ્વી પરનો સહુથી સહિષ્ણુ ધર્મ છે એવો દાવો-દેખાડો પણ તેમણે ચાલુ જ રાખ્યો છે.

કાશ્મીરમાં ૩૭૦ની કલમ, જે એ વિસ્તારને કેટલીક સ્વાયત્તતા આપે છે, એના તેમણે કરેલા ભયંકર વિરોધના પરિણામે ત્યાં આતંકવાદને પ્રોત્સાહન મળ્યું.

ચૂંટણીમાં લાભ મેળવવા ૧૯૮૭માં રાજસ્થાનમાં સતી બનવાની ઘટનાનું તેમણે મહિમાગાન કર્યું. તેમણે દલિતો અને અન્ય છેવાડાના લોકોને મળતી અનામતની નીતિનો જોરદાર વિરોધ કર્યો. અલબત્ત, આ વિરોધ તેનાથી થનારા ચૂંટણીલક્ષી નુકસાનનો ખ્યાલ આવ્યો ત્યાં સુધી જ ચાલ્યો.

તેમણે ૧૯૯૨માં બાબરી મસ્જીદ તોડી પાડી અને હિન્દુ અને મુસ્લિમો વચ્ચેની નાજૂક એકતાને નષ્ટ કરી નાખી. તેમણે આદિવાસીઓના શિક્ષણ અને આરોગ્ય માટે કામ કરનાર ખ્રિસ્તીઓને નિશાન બનાવીને મારી નાખ્યા.

૧૯૮૮માં તેમણે અણુબોમ્બને પ્રોત્સાહન આપ્યું, એટલે સુધી કે તેમને અણુ અખતરાનું મંદિરેય બનાવવું હતું. એ લોકો અણુ બોમ્બનો શસ્ત્ર તરીકે જોતા થયા, એટલે પાકિસ્તાન સાથે અણુશસ્ત્રોની  હરીફાઈની શરૂઆત થઈ. આખો ય ઉપખંડ અણુ વિનાશને આરે મૂકાઈ ગયો .

આઝાદી પછી અગણિત કોમી રમખાણો કર્યા બાદ ૨૦૦૨માં ગુજરાતમાં મુસલમાનોના સામૂહિક સંહારની શરૂઆત કરી. તે પછી મુઝફ્ફરનગર અને અન્ય જગ્યાએ ચૂંટણીલક્ષી અનિવાર્યતાને કારણે તેમણે  જ્યાં, જેવી જરૂર પડી તેવા રમખાણો કરાવ્યાં.

તેમણે તીસ્તા સેતલવાડ અને તેમની ટુકડીના વ્હિસલ બ્લોઅર્સ વિરુદ્ધ શોધ-શિકાર ઝુંબેશનો આરંભ કર્યો, એટલા માટે કે એ જૂથે રમખાણો પછી તેમની ન્યાય વ્યવસ્થાએ  હિંસાચારીઓ માટે સર્જેલી ભયમુક્ત સ્થિતિને પડકારી હતી.

તેમણે ગોવા, થાણે, માલેગાંવ, સમઝૌતા એક્સપ્રેસ, મક્કા મસ્જીદ અને અન્ય સ્થાનો પર આતંકવાદી હુમલા અને બૉમ્બધડાકા કર્યા અને તેનો દોષ તેમણે મુસ્લિમો પર થોપવાની કોશિશ કરી. પણ  બહાદુર પોલીસ અધિકારી હેમંત કરકરેને કારણે  તેઓ ખુલ્લા પડી ગયા .

તેમણે ૨૦૧૩ બાદ ત્રણ પ્રસિદ્ધ રૅશનાલિસ્ટો સહિતના અનેક અજાણ્યા બૌદ્ધિકોની હત્યા કરી તેમ જ  ઘણાને ધમકીઓ આપી.

આજે તેઓ અને બિલાડીના ટોપની માફક વધી રહેલા તેમના સાગરિતો દેશભરના ગામડાંના વિસ્તારોમાં ગૌમાંસ પ્રતિબંધ અને લવ જિહાદના નામે લઘુમતીઓ પર હુમલો કરવા માટે દક્ષતા જૂથોને હથિયારો ચલાવવાની તાલીમ આપી રહ્યા  છે.

તેમના યુવામોરચા દેશભરના શિક્ષણ સંકુલોમાં ભય ફેલાવી રહ્યા છે. સેક્યુલર, લોકશાહી, ગાંધીવાદી, ડાબેરી અથવા આ બંધા વિચારોનો સમન્વય ધરાવતાં વિદ્યાર્થી સંગઠનોનો એ લોકો વિરોધ કરી રહ્યા છે. જેમના વિચારો તેમની સત્તાને પડકારે એવા હરિફ જૂથો અને વ્યક્તિઓને તે લોકો બદનામ કરે છે અથવા તેમની પર હિંસક હુમલા કરે છે. તેમાં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર સંદીપ પાંડેથી લઇ કબીર કલા મંચના શીતલ સાઠે, ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇ ન્સ્ટિટ્યૂટ ઑફ  ઇન્ડિયાના, ચેન્નાઈના આંબેડકર-પેરિયાર ગ્રુપના અને હૈદરાબાદના આંબેડકર વિદ્યાર્થી સંગઠનોના  વિદ્યાર્થીઓનો તેમાં સમાવેશ થાય છે.

મધ્યયુગીન પછાત માનસ સાથે મુક્ત બજારવાદી આર્થિક મૉડેલની ભેળવણી સાથેની તેમની   વિચારધારા દેશનાં સાર્વભૌમત્વ અને કુદરતી સંપત્તિને વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીઓને હવાલે કરી રહી  છે. તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના આધુનિક અવતાર છે.

તેમનો બિલકુલ તાજો શિકાર રોહિત વેમુલા છે. તે સમાજમાં હજારો વર્ષથી કચડાયેલા વર્ગનો છે. એ લોકો રોહિત વેમુલાને રાષ્ટ્ર વિરોધી કહે છે.

(અનુવાદક ઉમેરે છે : … અને હવે, એ લોકો, મુક્ત વિચારના સ્થાન સમી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના જુદી  રીતે વિચારતા  વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને રાષ્ટ્ર વિરોધી કહે છે.) 

અંગ્રેજીમાંથી અનુવાદ: પાર્થ ત્રિવેદી, અનુસ્નાતક વિદ્યાર્થી, સમાજકાર્ય વિભાગ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા 

27 માર્ચ 2016 

+++++++ 

Category :- Opinion / Opinion