OPINION

સવારના પહોરથી માંડીને રાત્રે સુવા ટાણા સુધીમાં છાપું વાંચો કે સ્માર્ટ ફોન પર whats આપ તપાસો, ટેલીવિઝન પર સમાચાર જુઓ કે ફેઇસ બુક પર નજર નાખો, ઈ.મેઈલ ખોલો કે કોઈ કુટુંબી-મિત્રો સાથે વાત કરો, જ્યાં ત્યાં અને જ્યારે ત્યારે બસ અમુક જગ્યાએ બોમ્બ ફૂટ્યો, અમુક દેશમાં ફલાણી સંખ્યામાં યુવાન સ્ત્રીઓને પકડીને લઈ ગયા, કોઈ ઓફિસમાં ગન  ફાયરથી આટલી લાશો ઢળી, કોઈ કબ્રસ્તાનમાં કેટલીક કબરો ખોદીને ભાંગફોડ કરવામાં આવી, ક્રોધે ભરાયેલા યુવાનો બીજી કોમ વિરુદ્ધ સૂત્રો પોકારે અને દીવાલો પર તેનું વરવું ચિત્રણ કરે છે, આટલાં એરોપ્લેન તૂટી પાડવામાં આવ્યાં, મોટા મોટા શોપિંગ મોલમાં બંદૂકની અણીએ કેર વર્તાવ્યો અને આટલા લોકોએ જાન ગુમાવ્યા, એવા એવા સમાચારોનો સતત મારો ચાલ્યા કરે છે. થાય છે કે એવા ગ્રહ ઉપર રહેવા જઈએ જ્યાં માનવ માનવ બનીને શાંતિથી જીવતા હોય અને જીવવા દેતા હોય !

હાલની પરિસ્થિતિથી વ્યથિત થયેલ એક સજ્જનની હૃદયવ્યથા મારા વાંચવામાં આવી. જર્મનીના એક જાણીતા પ્રતિષ્ઠિત માનસ ચિકિત્સક કે જેમના પૂર્વજો બીજા વિશ્વ યુદ્ધ પહેલાં અનેક ઉદ્યોગો અને જાગીરના માલિક હતા. તેમના કુટુંબ પર વીતેલી યાતનાઓ યાદ કરતાં તેઓ કહે છે કે ‘અમે તો એમ ધારેલું કે નાઝી એ તો થોડા મૂર્ખ લોકોનું જૂથ છે, એટલે અમે તેના પર કંઈ ધ્યાન ન આપ્યું અને તેઓએ જે કેર વર્તાવ્યો તે જોયા કર્યું. અમે એ ભયાનક પરિસ્થિતિથી સજાગ થઈએ તે પહેલાં તેમણે અમારા પર માલિકી જમાવી, અમે અમારા ઉપરનો કાબૂ ગુમાવ્યો અને અમારા વિશ્વનો જાણે અંત આવ્યો. મારા કુટુંબે બધી માલમત્તા ગુમાવી અને હું કોન્સન્ટ્રેશન કેમ્પમાં પુરાયો.’

હાલની સ્ફોટક પરિસ્થિતિના અનુસંધાનમાં તેઓ કહે છે કે આપણે હવે ગફલતમાં રહેવું પોસાય તેમ નથી. એમણે એમ પણ કહ્યું કે, ‘નિષ્ણાતો કહે છે કે ઇસ્લામ એક શાંતિપ્રિય ધર્મ છે, જે હકીકત કદાચ સાચી હોય તો પણ અત્યારે એ અર્થવિહીન સાબિત થઈ રહી છે. તેનાથી અત્યારે ઈસ્લામને નામે થતી ખાનાખરાબીનો જવાબ નહીં મળે. હકીકત એ છે કે એ મુઠ્ઠીભર આતંકવાદીઓ જ પોતાના ધર્મ પર રાજ કરે છે, ઠેક ઠેકાણે કૂચ કરી દેખાવો કરે છે, દુનિયાના ખૂણે ખૂણે લડાઈઓ છેડે છે, આફ્રિકાના નિર્દોષ ક્રિશ્ચિયન અને આદિવાસી લોકોની પધ્ધતિસર હત્યા કરીને આખા ખંડને ઇસ્લામિક મોજા નીચે તાણી લેવા પ્રયત્નશીલ છે, અને એ લોકો જ બોમ્બ ફેંકે છે, શિરચ્છેદ કરે છે અને ધર્મની કહેવાતી રક્ષા માટે હત્યા કરે છે. એ આતંકવાદીઓ જ મસ્જિદોનો કબજો લઈ લે છે, બળાત્કારનો ભોગ બનેલા અને હોમોસેક્સુઅલને પથ્થરમારો કરીને મારી નાખે છે, અને એ લોકો જ પોતાની જ કોમના નાના કૂમળાં બાળકોને સ્યુસાઈડ બોમ્બર બનાવી મોતને ઘાટ ઉતારે છે.’

આ લેખકના આક્રોશ સાથે ઘણા વાચકો સહમત થશે. એમણે આપણું એ હકીકત તરફ ધ્યાન દોર્યું છે કે મોટા ભાગના રશિયન શાંતિપ્રિય હોવા છતાં સામ્યવાદી શાસન દરમ્યાન 20 મીલિયન રશિયનો માર્યા ગયા, ચીનમાં પણ સામ્યવાદી સરકારે જ 70 મીલિયન ચાઈનીઝ્ના જાન લીધા. એવું જ દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલાના જાપાનીઝ લોકો કંઈ લડાકુ કે ખુન્નસ માનસ વાળા નહોતા, છતાં લગભગ 12 મીલિયન ચાઇનીઝને તલવાર, પાવડા ને બંદૂકની બેયોનેટથી મોતને ઘાટ ઉતાર્યા. વળી રુઆન્ડાનો મહાસંહાર કેમ ભૂલાય? ઇતિહાસના પાઠ ઘણી વખત સાવ સીધા અને સમજવા સહેલા હોય છે. ઉપર કહેલા બધા દેશોમાં બહુમતી પ્રજા તદ્દન શાંતિપ્રિય હતી છતાં તેમનો અવાજ ન સંભળાયો અને એ લોકો જ નિર્દય સંહારનો ભોગ બન્યા. એવું પણ બની શકે કે શાંતિપ્રિય મુસ્લિમ લોકો જ આપણા દુશ્મન બની જાય કેમ કે જે દિવસે તેઓ આ સ્થિતિથી જાગશે ત્યારે ભાન થશે કે તેમની ચોટલી તો આ અંતિમવાદીઓના હાથમાં છે અને ત્યારે પેલા જર્મન સજ્જન સાથે બન્યું તેમ તેમનો અને જગતનો અંત થવાની શરૂઆત થઈ ચુકી હશે. શાંતિપ્રિય જર્મન, ચાઇનીઝ, રશિયન, રુઆંડન્સ, સર્બિયનન્સ, અફઘાન્સ, ઈરાકી, પેલેસ્તેિનયન્સ, સોમાલી, નાઈજીરિયન્સ, અલ્જીિરયન્સ અને અન્ય લાખો કરોડો જાન ગુમાવી બેઠા હશે કેમ કે એ શાંતિપ્રિય લોકો આતંકના વિરોધમાં અવાજ ઉઠાવવામાં મોડા પડ્યા.  

આ લેખ વાંચતાં વિચાર જરૂર આવ્યો કે ખરેખર દુનિયામાં સામાન્ય પ્રજાને આ ધર્માંધ હિંસક લડાઈ સાથે સીધી કોઈ લેવા દેવા નથી, તેમાંના મોટાભાગના શિક્ષિત છે અને વગ ધરાવતા સ્થાનો પર નોકરી કરે છે અને ખાનગી વાતચિત  દરમ્યાન ‘આ બહુ ખોટું થાય છે, અટકાવવું જોઈએ’ એમ કહે છે પણ ખરા, પણ સંયુક્તપણે કોઈ અસરકારક પગલાં લઈ નથી શકતા અને પરિણામે હિંસાનું તાંડવ અવિરોધ ચાલ્યા કરે છે. એવા જાગૃત લોકોએ ધર્મને નામે પ્રજાની સમજશક્તિનું ધોવાણ કરનારા તત્ત્વોથી પણ સજાગ રહેવું જોઇશે.

ભારત ઉપર ઉલ્લેખ કર્યો છે તે દેશોની સરખામણીએ શાંતિ અને સલામતી જાળવી શક્યો છે તેમ કહી શકાય, પરંતુ તેના પાડોશી દેશો સાથેના તંગદીલીભર્યા સંબંધો અને ત્યાંથી ઢોળાઈને આવતો આતંકવાદ અને દાયકાઓ જૂના કોમી વિખવાદને કોમી એખાલાસમાં પરિવર્તિત કરવાને અશક્ત એવા રાષ્ટ્રના બુદ્ધિજીવીઓ અને દેશના ઘડવૈયાઓએ આ મુદ્દો ધ્યાનમાં લઈને સક્રિય પગલાં લેવાની તાત્કાલિક જરૂર છે. નહીં તો કહેવાતા ‘બાપુ’ અને ધર્મોપદેશકો પોતાના સંકુચિત વિચારોને પોતાના સ્થાનના બળ ઉપર લોકોને ગળે ઉતરાવવા પૂરા સક્રિય બનેલા જ છે તેમને સફળતા મળી જશે. તેનું એક ઉદાહરણ આપું. કચ્છના સ્વામીનારાયણ સંપ્રદાયના એક ‘સ્વામી’ (???) પોતાના ભક્તજનો(???)ને એક મહામૂલ્ય સંદેશ આપતા હતા તે યુ ટ્યુબ પર મુકેલું મને કોઈ એક બહેને ‘ફોરવર્ડ’ કર્યું. એ સાંભળ્યા પછી એ મોકલનાર બહેન, એ સંદેશ આપનાર સ્વામી અને એ ચેતવણી સાંભળનાર શ્રોતાઓ કેટલા ફોરવર્ડ છે તેનો ખ્યાલ આવ્યો. અહીં તેનો સારાંશ આપું છું :

‘જેની પાસે મોટર બાઈક કે ગાડી ન હોય તેવા લોકો કોની રિક્સા કે છકડામાં બેસે છે તેનો ખ્યાલ કરે. માઈલો દૂર ચાલીને જવું પડે તો ભલે પણ કોઈ મુસલમાનની રિક્સા કે છકડામાં બેસશો તો તમારી બહેન-દીકરીની લાજ જોખમમાં મુકશો. એટલું જ નહીં કેટલાક ખેડૂતો પોતાના ખેતર પાસે ‘વિધર્મીઓ’ને ગાય કે ભેંસનો તબેલો કરવા દે છે. એ ચોપગાંનાં ખાતર એ લોકો વિધર્મીઓને પોતાની બાજુમાં આવવા દે છે અને પોતાની દીકરીઓને ગીરવી મૂકે છે. તમે સ્વામીનારાયણના પૂજક હો તો આવા વાડાને બહાર કરી મુકજો. ગામની ગોશાળામાં કે પાંજરાપોળમાં ગાયો માટે દાન દેજો પણ કોઈ મુસલમાનની ગાયોને દાન ન દેતા. વાડીમાં કામ કરતી તમારી દીકરીઓ ઉપર એ વિધર્મી બૂરી નજર નાખે એટલે એને ભગાડી મુકજો. દરેકને પગે લાગીને કહું છું કે હિન્દુની રિક્સામાં બેસવાનો વાંધો નથી પણ મુસલમાનની રિક્સામાં બેસતા નહીં.’

હવે આ સ્વામીની વાતો કેવી વાહિયાત છે? છતાં સેંકડો-હજારો સ્વામીનારાયણના ભક્તો આ સાંભળશે અને કદાચ તેને અનુસરશે પણ ખરા. આવા કૂપમંડૂક વિચારો અને કોમવાદી માનસ ધરાવનારાઓને કહેવા ઈચ્છું છું કે મેં ભારતમાં એક સંસ્થામાં કામ કરેલું છે જ્યાં અનેક સ્ત્રીઓ અને બાળાઓ બળાત્કાર, ઘરેલુ હિંસા અને શારીરિક-માનસિક ત્રાસનો ભોગ બનીને આશ્રય શોધવા આવતી. એ બધી બદનસીબ બહેનો હિંદુ હતી અને તેમના પર થતો અત્યાચાર તેમના જ કુટુંબીઓ અને સમાજના લોકો તરફથી થતો. તેઓ અનેક રિક્સાચાલકો અને ખેતરમાં વાડાઓમાં કામ કરતા પિશાચોના શિકાર બનતાં તેના અમે સાક્ષી હતા અને તેઓ બધા હિંદુ હતા. એટલું જ નહીં, મેં એવા બે કેઈસ પર કામ કરેલું જેમાં મારે સ્વામીનારાયણ મંદિરોમાં ચાલતી ગેરરીતિઓ પર લડવું પડેલું.

અહીં એક વાત નોંધવી રહી કે સ્ત્રીઓ પર અત્યાચાર કરવાનો પરવાનો માત્ર એક ધર્મના લોકો પાસે નથી, તેમ જ બીજા ધર્મ વિરુદ્ધ ઝેર ઓકવાનું વલણ પણ કોઈ એક કોમના લોકોનું નથી હોતું એ સૂચિત ક્લીપથી સાબિત થયું. દુખની વાત તો એ છે કે આવા ‘ધર્માત્માઓ’ને ઘણા લોકો સાંભળવા જાય, આવી ક્લીપ્સનો પ્રચાર-પ્રસાર થાય અને પોતાના જ દેશબાંધવો વિરુદ્ધ લાગણી ફેલાવવાનું કામ કહેવાતા ભણેલા લોકો કરે. મને તો એવા લોકો અને જેમના પર બ્રિટન-અમેરિકાની સરકારો દ્વારા પ્રજાની શાંતિ અને એકતાને જોખમમાં લાવવા બદલ કાયદાથી કામ લેવામાં આવી રહ્યું છે તેમનામાં કોઈ ફરક નથી જણાતો. બહેતર તો એ છે કે આવી વાતો પર ધ્યાન દેવામાં ન આવે, અને તેનો પ્રસાર કરવામાં ન આવે. દુ:ખની વાત તો એ છે કે કચ્છના લોકો એ વાતનું ગૌરવ લઈ શકે તેમ હતા કે એ પ્રદેશમાં સદીઓથી વિવિધ જાતિઓ અને ધર્મના લોકો આવીને વસ્યા અને તેમની સાથે કળા, ભાષા, સંસ્કૃિત, પોશાક, ધાર્મિક તહેવારો અને ખોરાકની આપ-લે થતી અને એખલાસભર્યા વાતાવરણમાં પેઢીઓ ઉછરી. દેશમાં અન્ય સ્થળે કોમી રમખાણોનો દાવાનળ સળગ્યો હોય ત્યારે કચ્છી માડુ શાંતિથી જીવ્યે જતો હતો. એ ભૂમિમાં આવા કોમવાદનાં બીજ રોપનારને કદી સફળ નહીં થવા દેવાનો નિર્ણય ત્યાના રહેવાસીઓ કરે તેવી પ્રાર્થના.

ભારતમાં ઉપર કહ્યા તેવા કોમવાદનું ઝેર ફેલાવનાર વ્યક્તિઓ અને સંગઠનોની ખોટ નથી. તેવે વખતે અબુ ધાબીના ટેલીવિઝન પર 2006માં એક બુધ્ધીજીવી મી. મુસાવીની મુલાકાત પ્રસારિત થયેલી જે તાજેતરમાં જોવા મળી એ વિષે જાણવું રસપ્રદ થશે. સૌ પ્રથમ તો ભારતીય ‘સંત’ એટલે ઉદાર વિચારો ધરાવતો અને કોમવાદી ઝેર ઓક્નારો ન હોય અને અબુ ધાબીનો બુદ્ધિજીવી એટલે આખર તો મુસલમાન એટલે અંતિમ ધાર્મિક વિચારો ધરાવનારો અને ખુન્નસ ભરેલા વિચારો ફેલાવનારો જ હશે એવી સર્વ સામાન્ય છાપ સરેરાશ માણસ ધરાવે છે. મી. મુસાવીના વિચારો જાણ્યા પછી વાચકો જાતે નિર્ણય લઈ શકશે. ભાઈ મુસાવીને આરબ જગતમાં સામાજિક વિશ્વાસઘાતના આરોપો મુકીને કોઈને કોઈ બુદ્ધિવાન જાગૃત નાગરિક, વિચારક કે કવિને એક નહીં ને બીજા ગાળિયામાં ફાંસી આપવામાં આવે છે જેનું દુ:ખ છે અને આવાં કૃત્ય સંસ્કૃિત અને તેની ક્રિયાત્મક શક્તિની વિરુદ્ધ છે એમ લાગે છે. તેમને આરબ લોકોમાં આવી પછાત વિચારધારા રૂપી કોલેસ્ટ્રોલ કે જે લોકોના મસ્તિષ્ક અને ધોરી નસોમાં જમા થતું જાય છે તેને  દૂર કરવાની હિંમત હોવી જોઈએ . મી. મુસાવી સ્પષ્ટ પણે માને છે કે ભૂતકાળમાં આરબ સંસ્કૃિત આંડાલુસિયા(દક્ષિણ સ્પેઇન)થી માંડીને ઘણા દેશોમાં વિકસી હતી પણ આજે એ અધોગતિ તરફ વળી રહી છે. પોતાની જ કોમ આજે હિંસાનો નિકાસ કરે છે, સમગ્ર દેશને આતંકથી ભયભીત કરી મૂકે છે અને અન્ય દેશોની સલામતીને જોખમમાં મૂકી રહ્યા છે એ વિષે તેઓ ઘણો રંજ અનુભવે છે. મસ્જીદનો તખ્ત હવે જનતાને હિંસાના મુખમાં ધકેલી રહ્યો છે, એમને ‘બીજાઓ’ પ્રત્યે નફરત કરવા પ્રેરીને booby trap કરે છે માટે આપણે આપણી ધાર્મિક વિચારધારાને તપાસીને સુધારવીજોઈશે તેમ કહેનાર ઘણો હિંમતવાન હોવો જોઈએ. એ મુલાકાતમાં મી. મુસાવીએ ધર્મ ઉપર રાજકારણનો દબાવ, શહીદ થયેલાઓ માટે સ્વર્ગમાં અપ્સરાઓ રાહ જોતી હશે તેવો ધર્મને નામે થતો પ્રચાર વગેરે જેવાં પરિબળોને કારણે નિર્દોષ પ્રજા, યુવાનો, સ્ત્રીઓ અને બાળકો જાન ગુમાવે છે તેનો ઉલ્લેખ કર્યો. આ મૃત્યુની ભાષા છે, આપણે આવી રીતે મૃત્યુ પામવા કે બીજાને એ રીતે મારવા નથી જન્મ લેતા પરંતુ માનવ જીવનનું સાર્થક્ય પોતાની માતૃભૂમિને ખાતર સુંદર જીવન જીવવામાં છે એવું દ્રઢપણે મી. મુસાવી માને છે. ધાર્મિક વૃત્તિ ધરાવનાર મુસ્લિમ, બીજાને સત્કારતો બંધ થાય, કયામતને દિવસે સતત નરકનો ભય બતાવતો ફરે, જ્ઞાનની મશાલ ધરવાને બદલે શિક્ષણ અને સુંદર વાચનથી દૂર ભાગે તે ઇસ્લામ ધર્મનો અનર્થ કરે છે જેથી કરીને એનું પોતાનું મન કેટલાક આદર્શો અને સિદ્ધાંતોની ખાઈઓમાં અપહૃત થઈ જાય છે અને તેનો પ્રચાર કરીને બીજાને પણ એ ખાઈમાં લઈ જાય છે. આ યુવાન ગાંધીના એકાદ બે જીન્સ આરબ પ્રજાને મળે તો દરેક યુવાનમાં રોપવા માંગે છે. ઘરમાં જીસસ, ગાંધી અને માર્ટીન લ્યુથર કિંગની તસ્વીરોમાંથી પ્રેરણા લેનારો, શાસ્ત્રીય સંગીત માનવીના આત્માને ખીલવનાર અને નમ્ર બનાવનાર ઉત્તમ સાધન ગણનાર કેવો ઉદારમત ધરાવનાર હશે? તેમણે 70 મીલિયન જેટલા અશિક્ષિત આરબ બંધુઓને શિક્ષણ મેળવીને ઉત્કૃષ્ટ વાંચનની ટેવ કેળવવા અનુરોધ કરીને મુલાકાત પૂરી કરી.

આજે ભારતમાં પેલા સ્વામીનારાયણ પંથી સ્વામી જેવી મનોવૃત્તિ ધરાવનાર નહીં પરંતુ અબુ ધાબીના આ બુદ્ધિજીવી જેવા યુવક-યુવતીઓની બનેલ સેનાની તાતી જરૂર છે કે જેઓ પોતાના અને પોતાના દેશબંધુઓની શાંતિપ્રિયતાનો વિચાર બુલંદપણે માત્ર ઘોષિત જ કરે તેટલું પૂરતું નથી પણ એમની પિપૂડી એવી સક્ષમ બને કે આતંકવાદના ઢોલના અવાજને પાતાળમાં ધરબીને શાંતિ અને અમન ભર્યું ચમન બનાવી શકે.  

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion

ઉપરોક્ત વિધાન મેં ગુજરાતમાં ત્રણ માતા-પિતાને મુખે સાંભળ્યું, એમ કહું તો વાચકો માની શકશે? હા, આ હકીકત છે અને તે પણ 2014ના નવેમ્બર માસની મારી ગુજરાતની મુલાકાત દરમ્યાન થયેલ આ સુખદ અનુભૂતિ માન્યામાં ન આવે એવી છે ને? ખરું કહું છું, મને પણ સુખદ આશ્ચર્ય થયેલું એ યુવાન પેઢીના આવો નિર્ણય સાંભળીને અને એથી જ તો મેં એમની સાથે લંબાણથી ચર્ચા કરી અને ખાતરી કરી કે તેઓ પૂરેપૂરા હોશમાં છે અને ઊંડું સમજી વિચારીને બોલે છે.

વાત એમ છે કે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પહેલાં જન્મેલા આપણા વડવાઓ ગમ ગચ્છ = to go એવી રીતે ગણિત, વિજ્ઞાન અને ઇતિહાસ તો શું પણ પોતાની માતૃભાષા અને ખુદ સંસ્કૃત પણ અંગ્રેજી માધ્યમ દ્વારા જ શીખેલા. બ્રિટિશ શાસકોની મૂળ ભારતીયોને શિક્ષણ આપવા પાછળની એક માત્ર નીતિ હતી કારકુન વર્ગ પેદા કરવાની, જે એમના હુકમ મુજબ દેશનો વહીવટ સંભાળે. કોઈ પણ પ્રજાનું હીર ચૂસી લેવું હોય તો તેની માતૃભાષા ઝુંટવી લેવી એ કીમિયો બરાબર જાણતા હોવાને લીધે તત્કાલીન શાસકોએ તમામ શાળાઓમાં શિક્ષણનું માધ્યમ ઇંગ્લિશ રાખ્યું અને તેમનો હેતુ સર્યો. ગુલામ પ્રજાને પોતાના હિત માટે કોઈ પણ નિર્ણય લેવા જેટલી મુક્તિ નથી હોતી અને બે સદીના ગાળામાં તો ભારતીય પ્રજા પોતાની ઓળખ, સંસ્કૃિત અને અસ્મિતા સારી પેઠે ગુમાવી બેઠેલી. પરિણામે જે કેટલાક જાગૃત અને સ્વાભિમાની આગેવાનો ઇંગ્લિશ માધ્યમથી અપાતા શિક્ષણનો વિરોધ કરવા પ્રયત્નશીલ હતા તેમને નમાલી પ્રજાનો સાથ ન મળી શક્યો.

સ્વાતંત્ર્યની ચળવળ દરમ્યાન અસહકાર આંદોલનના ભાગરૂપે રાષ્ટ્રીય શાળાઓ ખૂલી જેમાં માતૃભાષાએ શિક્ષણના માધ્યમનું માનભર્યું સ્થાન મેળવ્યું. પહેલાં દસેક વર્ષ એ જુવાળ ઠીક ઠીક ટકી રહ્યો. કમનસીબે વિશ્વના તખ્તા પર પોતાની પ્રતિમા ઊભરી આવે તેવા અબળખા સેવતું ભારત એમ માનવા લાગ્યું કે માત્ર ઇંગ્લિશ ભાષા સારી રીતે શીખવાથી આપણું દળદર નહીં ફીટે, એ માટે તો શિક્ષણનું માધ્યમ જ ઇંગ્લિશ હોવું ઘટે જેથી કરીને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કૂદકે ને ભૂસકે આગળ વધતી પશ્ચિમી દુનિયાને આંબી જઈ શકાય. આ વિચારથી ભ્રમિત થયેલ કેટલાક દાનેશ્વરી દાતાઓ અને શિક્ષકોએ ઇંગ્લિશ માધ્યમની શાળાઓ ખોલી અને પછી તો ઘેટાંની આપણા દેશમાં ક્યાં ત્રુટી છે? બ્રિટિશ રાજ સમયની મિશન સ્કૂલો અને સેન્ટ મેરી તથા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલો તો હજુ હતી જ તેમાં ઇંગ્લિશ માધ્યમની ખાનગી શાળાઓ ખુલવા લાગી. પ્રખર ગાંધીવાદી અને સારા કેળવણીકાર મગનભાઈ દેસાઈએ લોકોની ઇંગ્લિશ માટેની ઘેલછાને સરકાર ટેકો ન આપે તે માટે ખૂબ પ્રયાસ કરેલા, જેને મગન માધ્યમ તરીકે ખ્યાતિ મળેલી. સરકારની ઉત્તમ શિક્ષકો રોકીને સાત ધોરણ સુધીના ફરજિયાત શિક્ષણને સુધારવાના પોતાના કાર્યને પ્રાથમિકતા આપવા બાબતની ઉદાસીનતાનો લાભ વેપારીઓ અને ઉદ્યોપતિઓએ લીધો અને શિક્ષકોને ઇંગ્લિશ માધ્યમની શાળાઓ શરૂ કરવા ઉદારતાથી દાન આપવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે છેલ્લા પાંચ દાયકામાં તો બિલાડીના ટોપની માફક ગામે ગામ નહીં, શેરીએ શેરીએ ઇંગ્લિશ માધ્યમની શાળાઓ ખુલવા લાગી.

શિક્ષણનું માધ્યમ ઇંગ્લિશ હોવું જોઈએ તેવી ઘેલછાનું પરિણામ શું આવ્યું? શું ભારતમાં શિક્ષણનો પ્રસાર વધ્યો? શું તેની ગુણવત્તા સુધરી? શું એ પ્રથાને કારણે ભણીને ઉતરેલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ વિશ્વના તખ્તા પર નામ કમાનારની સંખ્યા વધી? શું તેનાથી ભારતને દુનિયાના બીજા દેશોએ શાબાશી આપી? હકીકત તપાસતાં માલુમ પડશે કે ઇંગ્લિશ માધ્યમ વાળી નિશાળો મુખ્યત્વે ખાનગી ધોરણે જ સ્થપાઈ અને તેના વહીવટમાં નફાખોરી ઘુસી ગઈ એટલું જ નહીં, બાળકોને શારીરિક શિક્ષા થતી હોવાના પુરાવા છે, એવી શાળાઓમાં શિક્ષણના ધોરણ માટે પ્રશ્નો ઉઠાવી શકાય તેમ છે, ત્યાં શિક્ષકોને પૂરતા પગાર ન મળે, વેકેશનમાં છુટ્ટા કરી દેવામાં આવે એ હકીકત પણ સર્વ વિદિત છે. અલબત્ત, અહીં એમ કેવાનો આશય બિલકુલ નથી કે તમામ ઇંગ્લિશ માધ્યની શાળાઓમાં આવી ગેરરીતી પ્રવર્તતી જોવા મળે છે. પરંતુ પોતાની આવક અને બચતમાંથી ખાસ્સી રકમ ફાળવીને કે કેટલાક કિસ્સાઓમાં ઉધાર લઈને પણ ઇંગ્લિશ માધ્યની શાળાઓમાં પ્રવેશ આપવા માટે માગવામાં આવતા ‘દાન’ની મસ મોટી રકમ ભરનારા મા-બાપ એવા ભ્રમમાં રહ્યા કે મારા સંતાનને હું ‘ઉત્તમ’ શિક્ષણ આપું છું જેને પરિણામે તેને ભારતમાં ઊંચા પગારની નોકરી મળશે અને નસીબ પાધરું હશે તો વિદેશ જવા મળશે અને એ માલામાલ થશે અને અમારા આખા કુળને નીચલા મધ્યમ વર્ગના શાપિત કળણમાંથી ઉઠાવીને સીધા ઉચ્ચ વર્ગના સિંહાસને બેસાડી દેશે એટલે પોષક ખોરાક ન ખાઈ-ખવડાવીને કે જરૂરી દવા ન કરી-કરાવીને આપેલ ભોગ લેખે લાગશે.

પણ પરિણામ ધાર્યા કરતાં જુદું આવ્યું. એવી શાળાઓમાં નિમણુક પામેલા ઘણા ભાગના શિક્ષકો નથી તો પોતાના વિષયમાં નિષ્ણાત હોતા, નથી ઇંગ્લિશ ભાષાને કુશળતાથી ભણાવી શકતા. એટલે એવી શાળાઓના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં પ્રથમ દસમાં સ્થાન મેળવે એવી કોઈ ખાતરી નથી હોતી. વળી તેમાંના જેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજનું શિક્ષણ લેવા નસીબદાર નીવડ્યા તેમને ભાગે રોજગારીને બદલે બે-રોજગારી આવી અને વિદેશ જવાનું સ્વપ્ન તો હજુ પણ મુઠ્ઠીભર ધનિકોના કે રાજકીય લાગવગ ધરાવનારના સંતાનોને જ ફાળે આવ્યું. પછી બાપનો ધીકતો ખેતી, કાપડનો કે કરિયાણાનો ધંધો છોડીને કોઈ કોલ સેન્ટરમાં ‘હલ્લો, આઈ એમ પીટર સ્પીકિંગ, મોમ’ એમ બોલતો પ્રવીણ એક સામાન્ય નોકર તરીકે બે છેડા ભેગા કરવા જિંદગીભર આધુનિક સ્વરૂપની ગુલામી કરવા ઘાણીના બળદની માફક આંખ મીંચીને મચી પડે, તેમાં શી નવાઈ?

આ તો થયો શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાલતનો ચિતાર। આપણો સમાજ તેની બીજી આડ અસરનો પણ સ્વાદ ચાખી ચુક્યો છે. મા-બાપ પોતાનાં બાળકોનાં શિક્ષણમાં રસ લઈ ન શક્યાં, માત્ર પોતાનો દીકરો કે દીકરી ઇંગ્લિશમાં ગોટપીટ કરે ત્યારે સમજ્યા વિના બસ ગૌરવ અનુભવ કરતા રહ્યાં. બાળકો ‘ટ્વિન્કલ ટ્વિન્કલ લીટલ સ્ટાર’ ગાતાં ગાતાં ક્યારે પોતાની ભાષા સાથે પોતાની સંસ્કૃિતથી દૂર થઈ ગયા તેનું ઓસાણ પણ ન રહ્યું.

રહી વાત ઇંગ્લિશ ભાષી દેશો તરફથી શાબાશી મળવાની વાત. વિદેશ જઈને અભ્યાસ કરવા કે સ્થાઈ થવા નસીબદાર નીવડેલા લોકોને અનુભવ થયો કે દુનિયામાં ભારત એક માત્ર એવો દેશ છે કે ગુલામીમાંથી મુક્ત થયા પછી પણ પોતાના ભૂતપૂર્વ શાસક દેશની માતૃભાષાના માધ્યમથી પોતાની નવી પેઢીને શિક્ષણ આપે છે. અરે મેં તો એક કુટુંબીને ઘેર તેમની પૌત્રી અને દોહિત્રાઓ ઇંગ્લિશ માધ્યમની શાળામાં ભણે છે તેના નર્સરીમાંથી પહેલા ધોરણ - ના સોરી હોં, first standardમાં જતી વખતના graduation કાર્યક્રમની સી.ડી. જોતાં જાણ્યું કે એ શાળામાં ભણતાં તમામ ભુલકાંઓને કહેવામાં આવે છે કે તેમણે માત્ર ઇંગ્લિશમાં જ વાતચીત કરવી અને જ્યાં ઇંગ્લિશ શબ્દ ન આવડે ત્યાં ન છૂટકે હિન્દી શબ્દ વાપરવો. હવે આવા નિયમો બનાવનારની શિક્ષણ અને બાળ માનસ વિશેની સમજણ માટે શું કહેવું? તેઓ આ બાળકો પાસેથી શું બનવાની અપેક્ષા રાખતા હશે? આવો નિયમ ઘડતાં પહેલાં વિચાર નહીં આવ્યો હોય કે અમે કે અમારાં સંતાનો તો આવી નિશાળમાં નહોતાં ભણ્યાં, તો આજે એવું શું બન્યું કે ગુજરાતમાં જન્મેલ બાળકો પોતાની માતૃભાષા બોલી ન શકે? અને તે પણ જે ઉંમરે તેમની ભાષાનો સહુથી વધુ વિકાસ થાય. કલ્પના શક્તિ ખીલે અને અભિવ્યક્તિ માટે મોકળાશ મળે તે સમયે જ તેને માના ધાવણ સમી માતૃભાષાથી વેગળાં કરવામાં કયું ડહાપણ બતાવવા માંગતા હશે?

અમારા એક કુટુંબીને બે દીકરા. હવે તેમને ઘેર પાંચ-સાત વર્ષનાં સંતાનો છે. તેમાં એક દીકરાએ પોતાના દીકરાને ઇંગ્લિશ માધ્યમની શાળામાં દાખલ કર્યો કેમ કે એનું માનવું છે કે ગુજરાતી માધ્યમની શાળામાં શિક્ષણનું ધોરણ સારું નથી. અને મજાની વાત તો એ છે કે એક જ ગામમાં રહેતા તેના સગા ભાઈએ પોતાના બંને સંતાનોને ગુજરાતી માધ્યમની શાળામાં ભરતી કર્યા, છે ને તાજુબની વાત? કહે છે, એક વેલનાં બે તુંબડા સરખા ન પણ હોય તે ખરું છે. બીજી એક મા જે પોતે ગણિત સાથે એમ.એ.ની ડિગ્રી અને તેમાં ગોલ્ડ મેડલ મેળવી ચુકી છે તેનો આગ્રહ છે કે પોતાની દીકરી તો ગુજરાતી માધ્યમમાં જ ભણશે કેમ કે તે પોતે તેના ઉછેર, શિક્ષણ અને કેળવણીમાં પૂરો હિસ્સો લેવા માંગે છે. ત્રીજા મા-બાપને તો પોતાનાં ત્રણેય સંતાનો ગુજરાતી માધ્યમની શાળામાં ભણીને ઉત્તમોત્તમ ઉપાધિઓ મેળવશે અને ઇંગ્લિશ માધ્યમમાં ભણેલ લોકો કરતાં પણ વધુ સારી નોકરી મેળવશે એવી ખાતરી છે. અને એ વાત પોતાના  કુટુંબીઓ અને પડોશીઓ પાસે સાબિત કરવા માંગે છે.

મને લાગ્યું કે એ પેઢીને આપણે ઇંગ્લિશ માધ્યમમાં ભણાવ્યા તેમની આંખ સામેથી પડદો હઠી ગયો છે અને તેઓ પોતાના બાળકોનાં શિક્ષણની દિશા અને દશા જે સ્વાતંત્ર્ય બાદ હોવી જોઈતી હતી તે જ નક્કી કરવા માગે છે. દિલ તો કહેવા લાગ્યું કે એ મા-બાપ અને તેમના જેવા બીજાં મા-બાપને જાહેરમાં અભિનંદન આપવાનો કાર્યક્રમ કરું અને તેમના ગળે ‘માતૃભાષામાં શિક્ષણ આપીશું, તમે પણ સાથે જોડાઓ’ એવું લખીને ઇંગ્લિશ માધ્યમની શાળાઓના દરવાજે લઈ જાઉં.

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion