OPINION

‘શૌર્ય’ ફિલ્મમાં લશ્કરનું ભગવાકરણ દેખાડ્યું, ત્યારે મારા જેવાને એ એક અતિશયોક્તિ લાગેલી, પરંતુ ‘સમજૌતા એક્સપ્રેસ’ની આસપાસ કર્નલ પુરોહિત અને પ્રજ્ઞાસાધ્વીનાં ભેદી કૂંડાળાંઓ રચાયાં ત્યારે થયું કે લશ્કરનું ય ભગવાકરણ થવા માંડ્યું છે. કચ્છના ભૂકંપમાં માત્ર ચાર જ દિવસમાં લશ્કરને હટાવીને પ્રજાકાર્યને કોન્ટ્રાક્ટરના હવાલે કરનાર એનડીએ સરકારે શ્રી શ્રી રવિશંકરની સેવામાં લશ્કરને લગાડી દીધું! યમુનાકિનારે શ્રી શ્રી રવિશંકરે જે રીતે પ્રાકૃતિક સંસાધનોનો ખાત્મો બોલાવ્યો અને જે રીતે ગંદકી છોડીને ગયા (ભાષણો અને અભિનયમાં પણ ...) તેથી મારા જેવાને તો એ છી ... છી ... રવિશંકર જ લાગ્યા! બજેટનો  સૌથી મોટો હિસ્સો સંરક્ષણમાં, એમાં ય વિશેષતઃ લશ્કર માટે ફાળવાય છે એ લશ્કરને દુષ્કાળમાં ય રાહતકામોમાં મદદ માટે બોલાવાતું નથી ને એ લશ્કર આ ધર્મગુરુઓની, ‘બાપજી’ની સેવામાં લગાડતાં સરકાર અચકાતી નથી. ભારતીય સૈન્યનું આ ગરિમાહનન છે.

નાનકડી મલ્ટિનેશનલ કંપનીના માલિકો જેવા શ્રી શ્રી રવિશંકર (સંપત્તિ ૭૦૦૦ કરોડ) કે બાબા રામદેવ (સંપત્તિ ૫૦૦૦ કરોડ) સૈન્યનો આવો ભોગ લેતાં જ રહેશે ? આ ભગવાકરણની દિશામાં પગલું નથી? જાન્યુઆરી, ૨૦૧૬ની પશ્ચિમ શાખાના ૨૫૦ આર્મી ઑફિસર્સને યોગશિક્ષકની ટ્રેનિંગ રામદેવબાબાની પતંજલિ વિદ્યાપીઠમાં હરદ્વાર ખાતે આપવામાં આવી. ક્રમશઃ આવા ૧૦૦૦ અધિકારીઓને તાલીમ અપાશે, જે પુનઃ લશ્કરી થાણાંઓમાં જઈને પોતાની ટુકડીઓને યોગ શીખવશે!

શું લશ્કરમાં કવાયતથી માંડી શારીરિક ક્ષમતા વધારવાની યોજનાઓનો અભાવ છે કે એક ભગવાધારીને સૈન્ય સોંપવું પડે? દિલ્હીમાં રાજપથ પર વડાપ્રધાનની સાથે ત્રણ મોટા લશ્કરી અધિકારીઓએ યોગ કરવા પડ્યો (જૂન, ૨૦૧૫), ત્યારથી જ આ સિલસિલો ચાલુ થયો છે. અહીં પ્રશ્ન યોગશિક્ષણનો નથી. જો માનસિક અને શારીરિક ક્ષમતા માટે યોગ જરૂરી હોય, તો ત્યાંના અભ્યાસક્રમો કે કાર્યક્રમોમાં ઉમેરી શકાય, પરંતુ વિવાદાસ્પદ રામદેવબાબાને ત્યાં આવી તાલીમ આપવી એ સ્ફોટક છે. રામદેવબાબાના આશ્રમની જમીન કેટલા ય ખેડૂતોની જમીન છે, જે પડાવી લીધી છે અને જેના વિવાદાસ્પદ કેસોનો હજુ નિકાલ નથી આવ્યો. બીજી તરફ જે જગાએ આ લશ્કરી અધિકારીઓને તાલીમ આપી ત્યાં જ, એ જ આશ્રમમાં આર.એસ.એસ.નાં રાષ્ટ્રીય સંમેલનો યોજાયાં છે. આમ, લશ્કર અને આર.એસ.એસ. વાયા રામદેવને ભેગા કરવામાં જોખમ છે. જેમ ૨૦-ટ્‌વેન્ટી ક્રિકેટમાં ચોગ્ગો/છગ્ગો લગાવાય, ત્યારે ચિયરલીડર્સ નાચી ઊઠે છે, તેમ આ બાબા રામદેવ નરેન્દ્ર મોદી માટે ઝૂમી ઊઠે છે. કાળાં નાણાં માટેની એમની ઝૂંબેશનું સૂરસૂરિયું થઈ ગયું છે અને તેઓ એક મોટા વેપારીમાં પરિવર્તિત થઈ રહ્યા છે. વળી, આશ્રમમાં યોગશિક્ષણનો અર્થ એ પણ થાય છે કે એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રનું સૈન્ય ધર્મગુરુ પાસે પ્રેરણા લે છે! આવાં આચરણો દ્વારા, આવા કાર્યક્રમોની મંજૂરી દ્વારા આપણે બંધારણના ‘ધર્મનિરપેક્ષ’ શબ્દનું હાર્દ મારી રહ્યા છીએ. આજે ૧૦૦૦ને તાલીમ આપી, કાલે સેંકડોને અપાશે એમ કરીને લશ્કરને ધાર્મિક બનાવાશે. વડોદરામાં હમણાં જ પોલીસ-તાલીમશાળામાં ગયો ત્યારે પસંદ થયેલા પ્રત્યેક તાલીમાર્થીએ ‘ધર્મો રક્ષતિ ધર્મઃ’ સ્ટીકર ત્યાંથી જ ખરીદી ફરજિયાત પહેરવાનું જોયું! શા માટે ધર્મ, શા માટે રાષ્ટ્ર નહીં?!

લશ્કરી શિસ્તમાં રાજ્યની આવી દખલગીરી એ સરકારની તટસ્થતા ને જોખમમાં મૂકીને પક્ષને, પક્ષપરિવારને પોષે છે. વર્તમાન સામાજિક અને રાજકીય પરિસ્થિતિ વચાળે આ આશ્રમમધ્યે બાબા રામદેવની નિશ્રામાં લશ્કરને યોગશિક્ષણ એ સંકુલ ઘટના છે. હિન્દુવાદી કાર્યક્રમ છે. ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર માટે આવી તાલીમ લશ્કરની તટસ્થતાને પણ પ્રશ્નાર્થ હેઠળ મૂકશે.

ધીરેન્દ્ર બ્રહ્મચારી કે ચંદ્રસ્વામીથી, રાસ્પુટિન જેવી ધર્મ-રાજનીતિની સાંઠગાંઠની ભારતમાં ય પરંપરા છે. દ્વારમાં આશ્રમ સ્થાપ્યા પછી એમણે ધનયોગ અને રાજયોગમાં ય પાછીપાની કરી નથી. કાળાં નાણાં સંદર્ભે જંતરમંતર મેદાનમાં બાબા રામદેવે રાજયોગ સાધવાનો પ્રયાસ કર્યો હતો. ધરપકડથી ગભરાઈને સ્ત્રીનો પોષક પહેરીને બાબા જંતરમંતર પરથી છુમંતર થઈ ગયા હતા. નવી સરકાર આવ્યા પછી પુનઃ એમનો રાજયોગ સળવળતો થયો છે. અલબત્ત, હમણાં ‘અચ્છે દિન’નું અજવાળું એટલું છે કે કાળું નાણું હવે એમને દેખાતું નથી! હમણાં-હમણાં દેશભક્તિ, ભારતમાતાકી જય વગેરે પર રીઢા ભ્રષ્ટ રાજકારણીઓથી માંડી યોગીઓ પણ પોતાની ખીચડી પકવવા માંડ્યા છે. તાજેતરમાં જ બાબા રામદેવે કહ્યું કે કાયદાની શરમ નડે છે, નહિતર ભારતમાતાકી જય ન બોલનારાનાં માથાં વાઢી નાંખતાં ન અચકાઈએ.

યોગ એ કેવળ શારીરિક વ્યાયામનું પ્રદર્શન નથી. એમાં યમ, નિયમ, સંયમની તાલીમનું મહત્ત્વ હોય છે. બાબાનાં આવાં હિંસક નિવેદનો બતાવે છે કે એમનો યોગ પણ એમની મૅગી જેવો બજારુ છે. આવાં ભડકાઉ નિવેદનો દ્વારા તેઓ રાજનીતિના બજારમાં ચલણી થવા માંગે છે. આવાં નિવેદનોવાળા બાબા રામદેવ સૈન્યને ફાસીવાદી તાલીમ નહીં આપે, તેની ખાતરી શું ?

e.mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2016; પૃ. 16

Category :- Opinion / Opinion

ક્લાસિકલ લાઇબ્રેરી ઑફ ઇન્ડિયા

સંજય શ્રીપાદ ભાવે
19-04-2016

ભારતના કેટલાક બૌદ્ધિકો પણ ઘાતક રાષ્ટ્રવાદની પકડમાં આવી ગયા હોવાનો વધુ એક દાખલો એક પ્રકાશનશ્રેણીને લગતા અત્યારના વિવાદ વિશે વાંચતાં મળે છે.  આપણા પ્રાચીન સાહિત્યના અંગ્રેજી અનુવાદની એક  ગ્રંથમાળા ‘મૂર્તિ ક્લાસિકલ લાઇબ્રેરી ઑફ ઇન્ડિયા’ નામે બહાર પડી રહી છે. જાણીતા સખાવતી ઉદ્યોગપતિ એન.આર. નારાયણમૂર્તિના હાર્વર્ડમાં અભ્યાસ કરી રહેલા પુત્ર રોહને આ ગ્રંથશ્રેણી માટે હાર્વર્ડ યુનિવર્સિટીને 5.2 મિલિયન ડૉલરનું  દાન આપ્યું  છે. તેના ઉપક્રમે  સંસ્કૃત સહિત દસ ભારતીય ભાષાઓનાં પ્રાચીન સાહિત્યના મૂળ પાઠ અને અંગ્રેજી અનુવાદની પાંચસો ખંડની ગ્રંથમાળાનું આયોજન છે. તેમાંથી કુલ પાંચેક હજાર પાનાનાં દસ પુસ્તકો ગયાં બે વર્ષ દરમિયાન બહાર પડી ચૂક્યાં છે. તેમાં તુલસી રામાયણ, બુલ્લે શાહની રચનાઓ, અબુલ ફઝલના અકબરનામા, બૌદ્ધ કવયિત્રીઓનાં પદ્ય ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ દુષ્કર કાર્યના મુખ્ય સંપાદક તરીકે અમેરિકન વિદ્વાન શેલ્ડન પોલૉકની વરણી અંગે વિવાદ ચાલ્યો છે. કોલંબિયા યુનિવર્સિટીના સંસ્કૃત અને ફિલોલૉજીના અધ્યાપક પોલૉકને ૨૦૧૦માં પદ્મપુરસ્કાર મળેલો છે.

તેમને સંપાદકપદેથી હઠાવવા માટે તાજેતરમાં દેશના એકસો બત્રીસ વિદ્વાનોએ ફાઉન્ડેશનને અરજી કરી છે. તેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્‌સ ઑફ ટેક્‌નોલૉજી(આઈ.આઈ.ટી.)ના બત્રીસ અધ્યાપકો ઉપરાંત સંસ્કૃત કે ભારતીય વિદ્યાઓના વિદ્વાનો છે. ભારતના પૂર્વચૂંટણી-કમિશનર ગોપાલસ્વામી ઉપરાંત કેટલાક સનદી અધિકારીઓ પણ અરજીના ટેકેદારો છે. ગુજરાતમાંથી સ્વામીનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનના માધવપ્રિયદાસ છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(જેએનયુ)ના અંગ્રેજીના વિખ્યાત અધ્યાપક-વિવેચક મકરંદ પરાંજપેએ અરજી પર સહી કરનાર તરીકેની ભૂમિકા સ્પષ્ટ કરતો લેખ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’(૨૧/૩)માં લખ્યો છે.  સ્વપન દાસગુપ્તાએ લખ્યું ‘ઇફ વિ ડોન્ટ સેવ સંસ્કૃત, વ્હાય સ્ટૉપ ફૉરિનર્સ?’ (ટાઇમ્સ,૩/૪).

સલીલ ત્રિપાઠીએ આ વિવાદનાં લેખાંજોખાં કરી, વિદ્યાજગત માટે તેની અશોભનીયતા બતાવી એક વિકલ્પ પણ સૂચવ્યો છે (લાઇવ મિન્ટ, ૨૪/૩). ગ્રંથકાર્ય શરૂ થયા પછી પાંચેક વર્ષે તેના સંપાદક સામે સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. તેનું  દેખીતું કારણ તો જેએનયુના મુદ્દે પોલૉકે ભારત સરકારના દમન અને લડાયક રાષ્ટ્રવાદ વિરોધી ભૂમિકા લીધી તે છે. પોલૉક સામેની અરજીમાં નોંધવામાં આવ્યું છે કે પોલૉક ‘દેશની એકતા અને અખંડિતતા માટે અનાદર’ ધરાવે છે. પરાંજપે તેમને ડાબેરી વિચારસરણીવાળા ‘હિન્દુફોબ’ ગણાવે છે. બીજો એક વાંધો એ મતલબનો ઉઠાવવામાં આવ્યો છે કે પોલૉકે ચારેક વર્ષ પહેલાં એક અભ્યાસપત્રમાં સાઉથ એશિયાના જ્ઞાન કરતાં પશ્ચિમના જ્ઞાનને માનવજાત માટે વધુ લાભકારી ગણાવ્યું હતું. જો કે આ આરોપ  સંશોધનપત્રના સગવડિયા, અવિચારી, અધકચરા અને પૂર્વગ્રહદૂષિત વાંચન તેમ જ અર્થઘટનથી કરવામાં આવ્યો હતો, તે પોલૉકના તરફેણદારોએ સાબિત કરી આપ્યું. આરોપ  જે ફકરાને ટાંકીને કરવામાં આવ્યો હતો તેમાં ખરેખર તો સાઉથ એશિયાના જ્ઞાનની પશ્ચિમે કરેલી ઉપેક્ષા સામે પોલૉકે સવાલ ઉઠાવ્યો છે. તેના પહેલાના હિસ્સામાં તેમણે વ્યાકરણ, રસમીમાંસા અને નાટ્યશાસ્ત્ર જેવા ભારતીય પ્રદાનની મહત્તા સમજાવી છે.

વાંધાનો અન્ય એક મુદ્દો એવો છે કે એક બિનભારતીય વિદ્વાનને આ કામ સોંપવામાં ભારતીય વિદ્યાજગતનું અપમાન છે. બિલ ગેટસ્‌ફાઉન્ડેશન અમેરિકન સાહિત્યસંસ્કૃિતનું કામ કોઈ ચીની વિદ્વાનને સોંપે, તો અમેરિકનોને કેવું લાગે, એવો અત્યારની દુનિયામાં તો ખાસ બાલિશ ગણાય તેવો સવાલ પણ ઊભો કરવામાં આવ્યો છે. સલિલ કહે છે કે આવા પ્રકારનો ગ્રંથસંગ્રહ કરવામાં ભારતીયોને કોઈએ અટકાવ્યા નથી. પછી તે પૂછે છે : ‘ભારતીય અક્ષરસાહિત્યનું અર્થઘટન માત્ર ભારતીયો જ કરી શકવાના હોય એવા માહોલવાળી દુનિયા તો ભયંકર હોય. શેક્સપિયરના નાટક ‘ઑલ્સ વેલ ધૅટ ઍન્ડ્‌સ વેલ’ના, સુનિલ શાનબાગે કરેલા ગુજરાતી અર્થઘટનનો અંગ્રેજો વિરોધ કરે એવું બને ખરું ? કટોકટીનો અણસાર આપતી અને તેની ટીકા કરતી ‘સૉક્રેટિસ’ નવલકથા ૧૯૭૫માં લખનાર મનુભાઈ પંચોળી-દર્શકને ગ્રીક સાક્ષરો અટકાવે એવું બને ખરું ?’ પોલૉકની હકાલપટ્ટી માટે, સભ્ય અને વિદ્વત્તાપૂર્ણ ભાષામાં લખાયેલી અરજીમાંનો  જીર્ણમત, અતિરાષ્ટ્રવાદ અને સંકુચિતતા હાસ્યાસ્પદ હોવાની સાથે ચિંતાજનક પણ છે. વળી એમ પણ થાય કે અઢારમી સદીના વિલિયમ જૉન્સથી લઈને અત્યારના વિલિયમ ડાર્લિમ્પલ સુધીનાનું શું કરીશું? એવો ય વિચાર આવે કે આ ખંડપ્રાય દેશમાં ભાગ્યે જ ક્યાંક ચાલતી દેવભાષાની જીર્ણતા અને ઉપેક્ષાનું સાંપ્રતકાળના સંદર્ભે શું કરીશુ?

જી.એ. તરીકે ઓળખાતા મરાઠી સાહિત્યના જાણીતા વાર્તાકાર ગુરુનાથ આબાજી કુલકર્ણી (૧૯૨૩-૮૭) તેમના ચાહકો-અભ્યાસીઓ માટે એક કોયડો રહ્યા છે. તેમના નવ સંગ્રહોની વાર્તાઓમાં ક્રૂરતા અને શોક, દૈવ અને દંતકથા, અપાર્થિવ અને અગોચર, ગૂઢ અને રમ્ય જેવાં તત્ત્વો વાચક પર છવાઈ જાય છે. વિવેચકોએ જી.એ. અને કાફકા તેમ જ બોર્જેસ વચ્ચે સામ્ય જોયાં છે. ધારવાડની કૉલેજના  અંગ્રેજી સાહિત્યના આ અધ્યાપકે વિલિયમ ગોલ્ડિંગની ‘લૉર્ડ ઑફ ધ ફ્‌લાઇઝ’ ઉપરાંત અમેરિકન લેખક કૉનરૅડ રિચ્ટરની પાંચ નવલકથાઓનો અનુવાદ કર્યો છે. ‘કાજળમાયા’ વાર્તાસંચય માટે ૧૯૭૩માં મળેલા કેન્દ્રિય સાહિત્ય અકાદમીના પુરસ્કાર અંગે વિવાદ થતાં તેમણે ઇનામી રકમ અને પ્રવાસખર્ચ સહિત પુરસ્કાર પાછો આપ્યો હતો. પોતાનો ઠીક મોટો વાચકવર્ગ ઊભો થયો હોવા છતાં  જી.એ. હંમેશાં લોકોથી સાવ અળગા રહેવાનું પસંદ કરતા. અપરિણીત અંગત જીવન વિશે કોઈને માહિતી ન મળે તેની પૂરી તકેદારી રાખતા. એટલે તેમના  જીવનનાં રહસ્યો ઉકેલવામાં ચાહકો-અભ્યાસીઓ સતત મથતા રહ્યા છે. એકંદરે બિનઅંગત એવાં સાહિત્યિક-વૈચારિક પત્રોનાં ચાર સંચયો અને સંપર્કમાં આવેલા માણસોનાં સંભારણાં થકી તેમના વ્યક્તિગત જીવન પર પ્રકાશ પાડવાની  કોશિશો ચાલતી રહી છે. આવી જ એક જંગમ કોશિશ વિ.ગો.વડેર  નામના અભ્યાસીના ‘અર્પણપત્રિકાંતૂન જી.એ. દર્શન’ (રાજહંસ પ્રકાશન, પુણે, રૂ.૪૦૦) નામના પુસ્તકમાં મળે છે. જી.એ.એ નવ કથાસંગ્રહો માતા, પિતા, ત્રણ મામા, ત્રણ બહેનો, એક માશી એમ તેમના પરિવારની વિવિધ વ્યક્તિઓને અર્પણ કર્યા છે. તેમાંથી દરેક પર વડેરે એક-એક પ્રકરણ લખ્યું છે. સહુથી લાંબું પ્રકરણ ‘રમલખુણા’ નામનો વાર્તાસંગ્રહ, જે વતન બેળગાવ અને તેમાં વસતા જી.એ. પરનો છે. કુલ ત્રણસો નેવું પાનાંમાં જી.એ.ના ભેદી જીવનનો ચિતાર આલેખાયો  છે. તેના માટે લેખકે ૨૦૦૬થી આઠેક વર્ષ છ-સાત હજાર કિલોમીટરનો પ્રવાસ કરી પચીસેક ગામોની સો વ્યક્તિઓની મુલાકાત લીધી છે. સંશોધકે પોતાના પ્રિય લેખકના માનવસંબંધોની કરેલી શોધયાત્રાની બહુ રસપ્રદ વિગતો પ્રસ્તાવના અને પરિશિષ્ટોનાં પાંત્રીસ પાનાંમાં છે. આ પૂર્વે અરધા તપની આવી જ મહેનતથી વડેરે ‘જી.એં.ચી કથા પરિસરયાત્રા’ નામના ગ્રંથનું સહલેખન પણ કર્યું છે.

e.mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2016; પૃ. 10 અને 12

Category :- Opinion / Opinion