OPINION

મોહમ્મદ અલી જિન્હા માટે એવું કહેવાય છે કે ભારત-પાકિસ્તાનનું વિભાજન નિશ્ચિત થઇ ગયું તે પછી એમણે અમુક લોકોની ઉપસ્થિતિમાં વિધાન કર્યું હતું કે એમણે ખાલી એક ટાઇપરાઇટર અને ક્લાર્કની મદદથી પાકિસ્તાન મેળવ્યું હતું. એ કાયદે-આઝમનું મગરૂરીનું વિધાન હતું. ગાંધીજી, જેમણે સ્વતંત્રતા માટે હિન્દુ-મુસ્લિમ સૌને જાગૃત કર્યા હતા, એ એમના અંતિમ ઉપવાસના આગલા દિવસે બોલ્યા હતા, ‘ભારતના ટુકડા થતાં જોવાની લાચારી કરતાં મૃત્યુથી છુટકારો મળે એ મને ગમશે.’ આ મહાત્માની નિષ્ફળતાના શબ્દો હતા.

બન્ને ગુજરાતી પરિવારના ફરજંદ, સૌરાષ્ટ્રમાં આવેલા બન્નેના વતન વચ્ચે માંડ 70 કિલોમીટરનું અંતર હશે, અને જેમણે એકસાથે એક જ સ્વપ્ન જોયું હતું, તેઓ ઉંમર અને ઇતિહાસના એક પડાવ પર આવીને કેવી રીતે પરસ્પર વિરોધિતા અને વિવાદ પર્યાય બની ગયા એ જાણવું દિલચસ્પ કવાયત છે.

એ યોગાનુયોગ તો નથી જ કે પૂરા દક્ષિણ એશિયાના ઇતિહાસની કરવટ બદલી નાખનાર આ નાયક અને પ્રતિનાયક, મોહનદાસ કરમચંદ ગાંધી અને મોહમ્મદ અલી જિન્હા (ઝીણા) ગુજરાતી વેપારી પરિવારમાંથી આવ્યા હતા. ગાંધીજી મોઢ વાણિયા હતા. એમણે પાલનપુરના નવાબ તૈલી મોહમ્મદ ખાનને મજાકમાં કહેલું કે, ‘હું વાણિયો છું. તમે મને મૂરખ ન બનાવી શકો.’

જિન્હા ખોજા પરિવારમાં પેદા થયા હતા. એમના પિતા ઝીણાભાઈ પૂંજા કપાસ, ઊન અને અનાજની નિકાસ કરતા હતા. ખોજા શબ્દ મૂળ ફારસી ‘ખ્વાજાહ’ પરથી આવે છે, જેનો અર્થ થાય છે ધનવાન વેપારી. જિન્હાના દાદા પ્રેમજીભાઈ ઠક્કર ગોંડલના હતા અને વેરાવળમાં મચ્છીનો વ્યવસાય કરતા હતા. એનાથી એમનો શાકાહારી લોહાણા સમાજ નારાજ થઈ ગયો અને પ્રેમજીભાઈને બહિષ્કૃત કરવામાં આવ્યા.

પ્રેમજીભાઈના દીકરા પૂંજાલાલ ઠક્કરનું લોહી એવી રીતે જ ઊકળી ઊઠ્યું જેવી રીતે એક લોહાણાનું લોહી ઊકળી ઊઠે. પિતાની બેઇજ્જતથી વ્યથિત પૂંજાલાલ મુસ્લિમ બની ગયા અને એમના ચારે દીકરાનાં નામ બદલી નાખ્યાં. એમને ઘરમાં ‘ઝીણાભાઈ’ કહીને બોલાવતા હતા.

‘ઝીણા’ નામ ગુજરાતમાં બહુ સામાન્ય છે. એક તર્ક એવો છે કે પૂંજાલાલ શરીરે સુકલકડી અને નાના હતા એટલે ‘ઝીણા’ કહેવાતા. અચ્યુત યાજ્ઞિક એમની કિતાબ ‘ધ શેપિંગ ઑફ મોડર્ન ગુજરાત: પ્લુરાલિટી, હિન્દુત્વ એન્ડ બિયોન્ડ’માં એવો તર્ક કરે છે કે ‘ઝીણા’ શબ્દ જૈન ‘જિન’ પરથી આવ્યો છે, આનો અર્થ થાય છે જેણે મન અને ઇન્દ્રિયોને જીતી લીધી છે. જિન એટલે આત્મજયી. જૈન ધર્મની ઉત્પત્તિ આ જિન શબ્દથી થઈ છે. પિતાના આ ‘ઝીણા’ નામને જિન્હાએ પોતાની અટક બતાવી દીધી હતી.

દિલચસ્પ વાત એ છે કે ગાંધીજી પર જૈન ધર્મની ખાસી અસર હતી. એ નાના હતા ત્યારથી જૈન પંડિત રાયચંદભાઈ રાવજીભાઈ મહેતાની અસર હેઠળ હતા અને દક્ષિણ આફ્રિકા વસવાટ દરમિયાન એ ગાંધીના આધ્યાત્મિક ગુરુ બની ગયેલા. આ રાયચંદભાઈ એટલે શ્રીમદ્દ રાજચંદ્ર જેમણે 28 વર્ષની વયે પૂરા જૈન ધર્મનું આત્મસિદ્ધિ નામના મહાકાવ્યમાં અર્થઘટન કર્યું હતું. ગાંધીજીની અહિંસાની ધારણા આ જૈન તત્ત્વજ્ઞાનની અસરમાંથી આવી છે.

ઇતિહાસમાં ‘જો આમ થયું હોત તો’નો એક રિવાજ છે. ઇતિહાસ ખાસ્સો દર્દનાક હોય છે, અને એને બદલવો આપણા હાથમાં હોતો નથી, એટલે ઘણા લોકો ‘જો અને તો’ના તુક્કા લડાવતા રહે છે. વિચાર કરો કે જિન્હાના દાદાને લોહાણા સમાજે નાત બહાર ન મૂક્યા હોત અને જિન્હાના પિતા વટલાઈને મુસ્લિમ બની ગયા ન હોત તો? ઇતિહાસના રસિકો કહે છે કે તો દક્ષિણ એશિયાનો ઇતિહાસ અલગ જ હોત.

થોડું નાટ્યાત્મક રીતે કહીએ તો ‘દીવાર’ ફિલ્મમાં ‘એક હી પુલ કે નીચે સે’ મોટા થયેલા બે ભાઈ જે રીતે ન્યાય અને અન્યાયના સામા છેડાઓ પર જઈ ઊભા એવી રીતે ગાંધીજી અને જિન્હા સામાજિક, ધાર્મિક અને પારિવારિક પરિસ્થિતિઓના પ્રવાહમાં તણાઈને વિરોધી બની ગયા. 18 જાન્યુઆરી, 1943ના દિવસે પૂણેમાં મહાદેવ ગોવિંદ રાનડેના જન્મદિવસ પ્રસંગે એક પ્રવચનમાં ડૉ. આંબેડકરે જરા આકરી ભાષામાં કહેલું ‘બંને વચ્ચે મેળાપ શક્ય નથી. જિન્હાની જીદ છે કે ગાંધી એ સ્વીકારે કે તેઓ હિન્દુ છે. ગાંધીનો આગ્રહ છે કે જિન્હા કબૂલ કરે છે એ મુસ્લિમોના નેતા છે. એક મહાત્મા તરીકે ઓળખાય છે, અને બીજા કાયદે-આઝમ છે. આ બે મહાન માણસોના હાથમાં રાજનીતિ, બેતુકી પ્રતિસ્પર્ધી બનીને રહી ગઈ છે.’

જિન્હામાં ક્યાંક ને ક્યાંક બચપણની પેલી અસમ્માન અને લઘુતાની વૃત્તિ હતી, જે સામાજિક બહિષ્કાર અને ધાર્મિક આભડછેટમાંથી આવી હતી. એ કરાચીમાં જન્મેલા, મુંબઈમાં ભણેલા અને કચ્છી-અંગ્રેજી બોલતા હતા. તેમને આજન્મ ઉર્દૂ આવડ્યું ન હતું. જિન્હામાં એક પવિત્ર મુસ્લિમમાં જે નીતિ-નિયમ કે રિવાજ હોય તેમાનું કશું જ ન હતું. એ પૂરું જીવન એકલવાયું જીવ્યા હતા.

ગાંધીજી એમની સરખામણીમાં ખુલ્લા અને જાહેર વ્યક્તિ હતા. જિન્હાને જન્મથી જ કોઈ શ્રેષ્ઠ અવસર મળ્યા ન હતા અને એમણે એકલા હાથે જ પોતાની નિયતિ ઘડી હતી. ગાંધીજી ઊંચા અને વગદાર ઘરાનામાંથી આવ્યા હતા. એમના પિતા કરમચંદ ઉત્તમચંદ ગાંધી પોરબંદર, રાજકોટ અને વાંકાનેર સ્ટેટના દીવાન રહી ચૂક્યા હતા. ગાંધીજીના દાદા ઉત્તમચંદ ગાંધી પણ પોરબંદર સ્ટેટના દીવાન હતા.

ગાંધીજીની શરૂઆત જ જોરથી થઈ હતી અને એટલે જ તાકાત એમના હાથમાં કઠપૂતળી બની ગઈ, જ્યારે જિન્હા ખુદ તાકાતની જડ બની ગયા. ગાંધીજી સમાવેશી હતા અને ‘કટ્ટર દુશ્મન’ અંગ્રેજોને પણ સાથે લઈને ચાલતા હતા. જિન્હા ઠંડા કલેજાવાળા, તાર્કિક ભાવશૂન્ય અને એક જ દિશામાં વિચારવાળા હતા. ગાંધીજી ભારતીય સમાજ, સમજ અને કરુણામાં ડૂબેલા હતા. જિન્હાને કમજોર, ગરીબ, દલિત સાથે કોઈ લેવા-દેવા ન હતી, અને એ નખશિખ અંગ્રેજ હતા.

ગાંધીજીની મહિલા-બ્રિગેડમાંની એક સરોજિની નાયડુ પહેલી વખત 30 વર્ષના જિન્હાને મળી (સરોજિનીને એમના પ્રત્યે પ્રીતિ હતી એવી પણ ગોસિપ છે) ત્યારે જિન્હાને એમણે ‘મર્દાના દેશપ્રેમ’ના પ્રતીક ગણાવ્યા હતા. 8 જૂન, 1940માં ‘હરિજન’માં ગાંધીજીએ લખેલું ‘કાયદે-આઝમ પોતે ઉમદા કૉંગ્રેસી હતા.’ અસહકારની ચળવળ પછી જ, બીજી અનેક કોમના કૉંગ્રસીઓની જેમ એ કૉંગ્રેસ છોડી ગયા. એમનો નિર્ણય શુદ્ધ રૂપે રાજકીય હતો.’

એમ. જે. અકબર નામના સંપાદક-પત્રકાર આનું અર્થઘટન કરતા કહે છે કે, કૉંગ્રેસ છોડીને મુસ્લિમ લીગના લીડર બનવા પાછળ કોમવાદની ભાવના ન હતી, પણ તકવાદી રાજકારણ હતું. હકીકત એ છે કે જિન્હા ગયા ત્યારે ય લગભગ બધા જ મુસ્લિમો ગાંધી સાથે જ હતા. સંજોગો માણસને બદલે છે, અને પછી માણસ આવનારા સમયને બદલે છે.

1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે મુંબઈના ગુજરાતી સમાજે એમનું શાનદાર સ્વાગત કરેલું. ગુજરાતી હોવાના નાતે જિન્હા આ ગુજરાતી સભાના અધ્યક્ષ હતા, અને આ જ પ્રસંગ હતો જ્યારે બંને પહેલીવાર આમને સામને થયા હતા. મુંબઈના મશહૂર લોકોની આ સભામાં જિન્હાએ અધ્યક્ષના નાતે અંગ્રેજીમાં ભાષણ આપેલું અને એમાં એમણે ગાંધીજીની તારીફનાં ફૂલ બાંધ્યાં હતાં.

ગાંધીજી જવાબ આપવા ઊભા થયા તો એમણે જાણીબૂઝીને ગુજરાતીમાં શરૂ કર્યું. એમાં એમણે એ વાતની ખુશી વ્યક્ત કરી હતી કે એક ‘મોમેડિયન’ અે સભાના અધ્યક્ષ હતા. આ ઘટનાની બે-ત્રણ ગોસિપ છે. કહે છે કે ગાંધીજીએ જિન્હાને ગુજરાતીમાં બોલવા ટોક્યા અને એ ગુજરાતીમાં બોલવા ગયા પણ ગૂંચવાઈ ગયા. એ વખતના ‘ધ બોમ્બે ક્રોનિકલ’ સમાચારપત્રમાં આ સભાના અહેવાલમાં તો એવું છપાયેલું કે જિન્હા પછી કનૈયાલાલ માણેકલાલ મુનશી પણ અંગ્રેજીમાં બોલેલા પણ એમને ટોકવામાં આવ્યા ન હતા.

ગાંધીજીએ જિન્હાને પ્યારથી ‘મોમેડિયન’ કહેલા, પરંતુ જિન્હાને તે સભામાં પહેલીવાર એવું લાગેલું કે એમને આંગળી ચીંધવામાં આવી છે. એમ તો જિન્હાની માતા પણ બચપણમાં એમને ‘માર્મદ’ કહીને બોલાવતી હતી. ગાંધીજી જિન્હાને એમનો ધર્મ યાદ કરાવે કે ગુજરાતીમાં બોલવા માટે થઈને શરમમાં નાખે એ મનાય તેવું નથી પરંતુ જિન્હામાં બચપણથી લઘુતાની પેલી ગ્રંથિ પડી હતી તે આ ગુજરાતી સભા પછી તાકાત સાથે બહાર આવી તે સાચું.

મહાત્મા ગાંધીજી હત્યા થઈ ત્યારે જિન્હા ગાંધી સાથેના એમના પેલા ધાર્મિક વિભાજનને યાદ કરવાના હતા. એમના શબ્દો હતા, ‘અમારા રાજનૈતિક મતભેદ ગમે તે હોય, હિન્દુ કોમે ગાંધીના નામે એક મહાન શખ્સીયત પેદા કરી હતી તેમાં કોઈ શક નથી. હું હિન્દુ કોમ અને એમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું.’

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની કોલમ, ‘રંગરસ’ પૂર્તિ,  “દિવ્ય ભાસ્કર”, 01 મે 2016

http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5312855-NOR.html

Category :- Opinion / Opinion

અન્યાય સામે અડીખમ લડાઈ

ચંદુ મહેરિયા
22-04-2016

મેં સચ્ચાઈ કહી એમાં શું ખોટું કર્યું કે મને આટલો ભયંકર માનસિક - શારીરિક ત્રાસ આપવામાં આવે છે?

છત્તીસગઢના દંતેવાડા-બસ્તર વિસ્તારનાં સામાજિક-રાજકીય કાર્યકર સોની સોરી ફરી એક વાર સરકારી હિંસાનો ભોગ બન્યાં છે. આ વરસની ૨૦મી ફેબ્રુઆરીએ સોની સોરીના ચહેરા પર જ્વલનશીલ કેમિકલ નાખી તેમનો ચહેરો વિકૃત કરી નાંખવાનો પ્રયાસ થયોે. હાલ દિલ્હીમાં સારવાર લઈ રહેલાં સોનીના જણાવ્યા મુજબ તેઓ મોટર સાયકલ પર બેસીને જગદલપુરથી ગીદમ જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં ત્રણ અજાણ્યા મોટર સાયકલ સવારોએ તેમને આંતરી તેમના ચહેરા પર કેમિકલ નાખ્યું હતું. સોનીનો આરોપ છે કે હુમલાખોરો માર્ડુમ ફેક એન્કાઉન્ટર અને આઈજી વિરુદ્ધ ન બોલવા ધમકી આપતા હતા. એટલે આ હુમલો પોલીસ અને આઈ.જી. દ્વારા થયો હોઈ શકે છે.

નકસલવાદ-માઓવાદ પ્રભાવિત છત્તીસગઢના દંતેવાડા જિલ્લાના જબેલી ગામની સરકારી પ્રાથમિક શાળામાં સોની સોરી શિક્ષિકા છે. તેમના પિતા મદ્રુરામ ૧૫ વરસ ગામના સરપંચ હતા, કાકા ભારતીય સામ્યવાદી પક્ષના પૂર્વ ધારાસભ્ય તો મોટા ભાઈ કોંગ્રેસમાં છે. રાજકીય રીતે સક્રિય એવા આ આદિવાસી પરિવારની દીકરીએ શિક્ષણ મેળવ્યું અને કુટુંબના વારસાગત રાજકીય સંસ્કાર કરતાં ભિન્ન માર્ગ પસંદ કર્યો. પોતાનાં આદિવાસી ભાંડુરડાંઓને સારુ શિક્ષણ મળે એ હેતુસર ભણીગણીને શહેરમાં જતાં રહેવાને બદલે ગામમાં રહ્યાં અને શિક્ષણનું કામ કર્યું. ચાળીસેકની વયનાં સોની ત્રણ બાળકોનાં માતા છે. સુખચેનનું ગૃહસ્થ જીવન જીવતાં સોની સોરીનાં માથે છેલ્લાં પાંચેક વરસથી સરકારી હિંસાનો પહાડ તૂટી પડ્યાં છે.

બસ્તર વિસ્તારમાં ૪૦ લાખ જેટલી આદિવાસી વસ્તી છે. સરકાર અને પોલીસની નજરમાં પ્રત્યેક આદિવાસી નક્સલવાદી કે નકસલ સમર્થક છે. અહીંના નિવાસીઓ માટે બે જ વિકલ્પ છે. નકસલવાદ - માઓવાદના પક્ષે રહો કાં તેમના વિરોધી પોલીસના પક્ષે રહો. એ સિવાયનો કોઈ અન્ય માર્ગ ન તો પોલીસને મંજૂર છે, ન તો નકસલોને. શિક્ષણ સાથે સંકળાયેલાં સોનીને પોતાના સાદાસીધા જાતભાઈને પોલીસ નકસલ ગણી જેલમાં ધકેલી દે તે મંજૂર નહોતું. આ પોલીસદમન સામે તે અવાજ ઉઠાવતાં હતાં. નકસલવિરોધી પોલીસઝુંબેશ સાલવા જુડુમનો ભાગ ન બનવા બદલ સોનીના પત્રકાર તરીકે કાર્યરત ભત્રીજા લિંગારામ કોડોપીને ૯મી સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ દંતેવાડાના પાલનાર બજારમાંથી પોલીસે પકડી લીધા. છત્તીસગઢ પોલીસે તેમના પર માઓવાદીઓના મદદગાર હોવાનો આરોપ મૂક્યો. આવો જ આરોપ સોની સોરીના પતિ પર પણ મૂક્યો હતો અને પછી વારો આવ્યો સોની સોરીનો.

પોલીસ ધરપકડના ડરથી મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવા અને કાનૂની સહાય તથા માર્ગદર્શન અર્થે દિલ્હી આવેલાં સોની સોરીની ૪થી ઓકટોબર ૨૦૧૨ના રોજ પોલીસે ધરપકડ કરી. તેમનાં પર ઉદ્યોગસમૂહ એસ્સાર ગ્રુપ અને માઓવાદીઓ વચ્ચેના સંપર્કસૂત્ર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો. સોની સોરી એસ્સાર પાસેથી પૈસા મેળવી માઓવાદીઓને પહોંચાડે છે તેવો આરોપ પૂરવાર કરવા પોલીસે તેમના પર તમામ પ્રકારના શારીરિક - માનસિક જુલમો કર્યા. આઈ.પી.એસ. અધિકારી અંકિત ગર્ગે સોની સોરીની યોનીમાં પથ્થરના ટુકડા પીસીને નાંખ્યા અને ઈલેકટ્રિક કરન્ટ આપ્યા. આ બર્બર પોલીસદમન અને અમાનવીય જુલમનો દેશ અને દુનિયામાં ભારે વિરોધ થયો. નોમ ચોમ્સકી, અરુંધતી રોય, ઝ્યાં ડ્રેઝ અને આનંદ પટવર્ધન સહિતના ૨૫૦ જેટલા અગ્રણી બૌદ્ધિકો અને કર્મશીલોએ તત્કાલીન વડાપ્રધાન ડો. મનમોહનસિંઘને ખૂલ્લો પત્ર લખી આ અત્યાચારનો અંત આણવા, તેની તપાસ કરવા માગણી કરી હતી.

સોની સોરી પર છત્તીસગઢ પોલીસ અને અને સરકારે આઠેક કેસો ઠોકી દીધા હતા. છત્તીસગઢ હાઈકોર્ટે તેમને જામીન ન આપતાં ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાય માટે ધા નાંખવામાં આવી હતી. ૨૦૧૨ના વરસનો રાષ્ટ્રપ્રમુખનો પોલીસ વીરતા એવોર્ડ મેળવેલ આઈ.પી.એસ. અધિકારી અંકિત ગર્ગે સોની પર કરેલા અત્યાચારોના આરોપની ચકાસણી અને તબીબી તપાસનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. દિલ્હીની એઈમ્સમાં સોનીની તબીબી તપાસ થઈ અને તેમની યોનીમાંથી પથ્થરો કાઢ્વામાં આવ્યાં. એકાદ મહિનાની સારવાર પછી એમને પહેલાં જબલપુર અને પછી રાયપુર જેલમાં રાખવામાં આવ્યાં. ત્યાં ફરી શારીરિક યાતનાઓ શરૂ થઈ.

૨૭મી સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ સોનીએ જેલમાંથી દેશની સર્વોચ્ચ અદાલતનો ઈલાજ માટે ઋણસ્વીકાર કરવા સાથે ફરિયાદ કરતો પત્ર લખ્યો અને જણાવ્યું કે, ‘મને નગ્ન કરીને જમીન પર બેસાડે છે. ખાવાપીવાનું આપતાં નથી. મારા શરીરને અડકીને તપાસ કરવામાં આવે છે. જજસાહેબ, છત્તીસગઢ સરકાર અને પોલીસ ક્યાં સુધી મારાં કપડાં ઉતરાવ્યાં કરશે. હું પણ ભારતીય આદિવાસી મહિલા છું. મારામાં પણ શરમ છે. પણ હું મારી ઈજ્જત બચાવી શકતી નથી. મને સતત હેરાન કરવામાં આવે છે. ગંદી ગાળો બોલવામાં આવે છે. મેં સચ્ચાઈ કહી એમાં શું ખોટું કર્યું કે મને આટલો ભયંકર માનસિક શારીરિક ત્રાસ આપવામાં આવે છે? શું જોર-જુલમ-અત્યાચાર સામે લડવું ગુનો છે?’

આઠમાંથી સાત કેસોમાં સોની નિર્દોષ પૂરવાર થયાં. એક કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને કાયમી જામીન આપ્યા છે. પણ તેમની જિંદગી તબાહ કરી નાખવામાં આવી છે. અઢી વરસના તેમના જેલવાસ  દરમિયાન જ તેમનાં પતિની પોલીસે ધરપકડ કરી હતી. તેમના પર એટલો ત્રાસ ગુજારવામાં આવ્યો કે તેમને પેરેલિસિસ થઈ ગયો અને અંતે અવસાન થયું. આટલી યાતનાઓ છતાં સોની ડગ્યાં નથી. હાલમાં બમણા જોરે સરકાર, પોલીસ અને નકસલો સામે સંઘર્ષ કરતાં રહે છે. શાંતિ, શિક્ષણ અને કલમને તેમણે પોતાનાં હથિયારો બનાવ્યાં છે. આ વિસ્તારના દર ચોથા ઘરની એક વ્યક્તિ જેલમાં છે. પોલીસ પુરુષોને એક યા બીજા બહાને પકડીની પૂરી દે છે. સ્ત્રીઓ પર બળાત્કાર, નકલી એન્કાઉન્ટર, બર્બર પોલીસ અત્યાચાર આ વિસ્તારની રોજિંદી વાસ્તવિકતા બની ગઈ છે. સોની એ તમામ સામે લડે છે. લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ ચૂંટણી લડી ચૂક્યાં છે.

સોની પર એસિડ હુમલો થયો, એમનાં બહેન–બનેવીને પોલીસ ઉઠાવી ગઈ, તેમનાં બાળકો પર હુમલાના જાસા મળી રહ્યા છે. પરંતુ સોની આદિવાસીઓના જંગલ, જમીન, જળ, શિક્ષણ, રોજીના અધિકારો માટે ડર્યા વિના મુકાબલો કરવાના મક્કમ નિર્ધાર સાથે સંઘર્ષ જારી રાખે છે. સરકાર  આદિવાસીઓને ખદેડી મૂકી તેમની જમીનો મોટા ઉદ્યોગોને આપી દેવા માગે છે તેની સામે સોનીનો વિરોધ છે. સુદૂર મણિપુરમાં પોલીસને દમનનો છૂટો દોર આપતા કાળા કાનૂન સામે ઈરોમ શર્મિલા ગાંધીમાર્ગે આમરણ અનશન પર છે. આદિવાસીઓના માનવઅધિકારો માટે લડતાં સોની સરકારી હિંસાનો ભોગ બનતાં રહે છે. જ્યારે ભારતમાતાની જયનો દેશમાં વિવાદ હોય ત્યારે ઈરોમ અને સોની જેવી સાચી ભારતમાતાઓ ઠેબાં ખાય અને તેમનાં બાળુંડાં ઉવેખાતાં રહે તે ભારતની રાજનીતિની કરુણ વાસ્તવિકતા છે. 

ચંદુ મહેરિયા લેખક સામાજિક-રાજકીય  પ્રવાહોના ઊંડા અભ્યાસી અને વિશ્લેષક છે 

e.mail : [email protected]

સૌજન્ય : ‘સોની સોરીનો સવાલ’,  “દિવ્ય ભાસ્કર”, 21 અૅપ્રિલ 2016

Category :- Opinion / Opinion