OPINION

વીસમી સદીમાં હિટલર, મુસોલિની અને સ્તાલિનનો એકસાથે અને પ્રચંડ તાકાત સાથે એવો ઉદય થયો કે જાણે એ ૧૯મી સદીની માનવતાવાદી મૂલ્યવ્યવસ્થાને ખતમ કરી દેવા માટેની કોઈ ઈશ્વરી યોજના હોય! આ ઉદય એ ૧૯મી સદીમાં વિકસેલી વૉલ્તેરથી વિવેકાનંદ સુધીની માનવતાવાદી પણછ સામેની પ્રતિક્રિયા હતી કે કવિન્યાય હતો?બન્યું એવું કે જે દિવસે નરેન્દ્ર મોદીની ભારતના ૧૫મા વડા પ્રધાન તરીકે સોગંદવિધિ થઈ એના બીજા દિવસે ૨૭ મેએ જવાહરલાલ નેહરુની ૫૦મી પુણ્યતિથિ હતી. કેટલાક લોકો આને યોગાનુયોગ તરીકે જુએ છે તો કેટલાક યુગપરિવર્તન તરીકે જુએ છે. ભારતીય સમાજજીવનમાં નેહરુયુગ પૂરો થયો અને એની જગ્યાએ નેહરુવિરોધી એવો હિન્દુ બહુમતીવાદી યુગ શરૂ થયો જે સહઅસ્તિત્વ માટે સહિષ્ણુતામાં નહીં પણ શરતોમાં માને છે. નેહરુએ આજીવન મેજોરિટેરિયન નૅશનલિઝમનો વિરોધ કર્યો હતો, જ્યારે BJP મેજોરિટેયન નૅશનલિઝમમાં માને છે. કેટલાક નેહરુવિરોધીઓ માટે કદાચ આ કવિન્યાય પણ હશે. ગાંધીનો તાપ અને નેહરુનો દબદબો એવો છે કે આ યોગાનુયોગને કે યુગપલટાને કવિન્યાય તરીકે ઓળખાવનારા લોકો મુક્ત કંઠે એમ કહેતાં શરમ અનુભવે છે. ક્યાંક કશુંક એવું છે આ બે જણના વારસામાં જે નકારી શકાતું નથી.શું છે જવાહરલાલ નેહરુનો વારસો અને એ વારસામાં એવી કઈ ચીજ છે જે તેમના વિરોધીઓને ગમતી નથી પણ કહેતાં શરમ આવે છે? અને બીજી એક મહત્ત્વની વાત. નકારાત્મકતા રચનાત્મકતાની જગ્યા લઈ શકે ખરી? પ્રજાના વલણમાં પરિસ્થિતિજન્ય હિલોળા આવતા હોય છે, પણ સરવાળે નકારાત્મકતા રચનાત્મકતાને મિટાવી શકે ખરી? અંતિમ વિજય કોનો થાય છે? માનવઇતિહાસ શું કહે છે? ૧૯મી સદીમાં ફ્રેન્ચ ક્રાન્તિ પછી યુરોપમાં જે મૂળભૂત માનવીય મૂલ્યો વિકસ્યાં અને જે ધીરે-ધીરે રાજ્યવ્યવસ્થાનો ભાગ બની રહ્યાં હતાં એના પર માત્ર સો વર્ષની અંદર યુરોપમાં જ કુઠારાઘાત થયો. વીસમી સદીમાં હિટલર, મુસોલિની અને સ્તાલિનનો એકસાથે અને પ્રચંડ તાકાત સાથે એવો ઉદય થયો કે જાણે એ ૧૯મી સદીની માનવતાવાદી મૂલ્યવ્યવસ્થાને ખતમ કરી દેવા માટેની કોઈ ઈશ્વરી યોજના હોય! ૨૦મી સદીમાં હિટલર, મુસોલિની અને સ્તાલિનનો ઉદય એ ૧૯મી સદીમાં વિકસેલી વૉલ્તેરથી વિવેકાનંદ સુધીની માનવતાવાદી પણછ સામેની પ્રતિક્રિયા હતી કે કવિન્યાય હતો?વિનોબાએ બહુ સરસ વાત કહી છે. માનવતા માનવીએ જ વિકસાવી છે અને એ સતત વિકસાવી રહ્યો છે. માણસનું માનવતાની દિશામાં સતત આરોહણ થતું આવ્યું છે અને હજી વધુ થવાનું છે. ક્યારેક એમાં અવરોહણ નજરે પડે તો એ અપવાદ છે, નિયમ નથી. નિયમ તો આરોહણ છે. માણસ સ્થિર ગતિએ ચડતો હોય એ આપણા ધ્યાનમાં નથી આવતું, પણ તે જ્યારે ઠેબું ખાય ત્યારે એ તરત આપણા ધ્યાનમાં આવે છે. ઠેબું એ ક્ષણિક અવરોધ છે, આરોહણનો અંત નથી અને ઠેબું ખાનાર માણસ માટે આપણી શી પ્રતિક્રિયા હોય છે? આપણે તરત તેને સંભાળી લેવા, તેનો હાથ પકડવા દોડી જઈએ છીએ. આ આપણામાં રહેલા માનવતાના સ્થાયી ભાવનાં લક્ષણો છે. સ્થાયી ભાવ અને આગંતુક ભાવમાં ફરક છે. આગંતુક ભાવ સ્થાયી ભાવની કાયમ માટે જગ્યા ન લઈ શકે. તો જવાહરલાલ નેહરુની ૫૦મી પુણ્યતિથિની પૂર્વસંધ્યાએ નરેન્દ્ર મોદીનો રાજ્યારોહણ એ યોગાનુયોગ છે કે યુગપલટો છે કે પછી કવિન્યાય છે એનો નિર્ણય તમારે, સુજ્ઞ વાચકે લેવાનો છે. અહીં નેહરુના વારસાની ચર્ચા આગળ વધારીએ.ગાંધી-નેહરુનો સૌથી મહત્ત્વનો વારસો છે શરતરહિત સહઅસ્તિત્વનો. વાસ્તવમાં આ ભારતનો પરંપરાગત વારસો છે જેને ગાંધી અને નેહરુએ રાજકીય માન્યતા આપી છે. ભારતમાં જેટલી વિદેશી કોમ આવી છે એ બધી કોમને ભારતે વિનાશરત આવકાર આપ્યો છે. એક વર્ગ આને ભારતની નબળાઈ સમજે છે, જ્યારે ગાંધી અને નેહરુએ એને સ્વીકાર અને સહઅસ્તિત્વના ઉદાત્ત વારસા તરીકે સ્વીકારીને એને ભારતના રાજકારણનું અંગ બનાવ્યો હતો.આજે જગત આખામાં સહઅસ્તિત્વ વિશે ચર્ચા ચાલી રહી છે. વૈશ્વીકરણના આજના યુગમાં વિશ્વપ્રજા સ્થૂળ રીતે અને સાંસ્કૃિતક રીતે નજીક આવી ગઈ છે. અચાનક અજાણ્યા સાથેની સહોપસ્થિતિએ સામાજિક, સાંસ્કૃિતક, આર્થિક અને માનસિક સમસ્યાઓ પેદા કરી છે જે રાજકારણમાં પ્રતિબિંબિત થાય છે. આજના વૈશ્વિકરણના યુગમાં સહઅસ્તિત્વથી બચી શકાય એમ નથી અને સહઅસ્તિત્વ સહજ પણ નથી. અજાણ્યા પરત્વેના અજ્ઞાન, ઈર્ષા, દ્વેષ અને ભય માણસના વર્તનને પ્રભાવિત કરે છે અને રાજકારણીઓ એ ગ્રંથિનો ઉપયોગ કરીને રાજકીય લાભ ઉઠાવે છે.સહઅસ્તિત્વ જો અનિવાર્ય હોય અને એનાથી બચી શકાય એમ ન હોય તો એને આસાન કેવી રીતે બનાવવું એ આજના યુગનો કૂટપ્રશ્ન છે. વિશ્વદેશોએ, ખાસ કરીને વિકસિત પાશ્ચાત્ય દેશોએ સહઅસ્તિત્વને સ્વીકાર્ય બનાવવાના ઉપાય શોધવા અનેક પ્રયત્નો કર્યા છે. બ્રિટને કમિશન ઑન ધ ફ્યુચર ઑફ મલ્ટિ-કલ્ચરલ બ્રિટનની રચના કરી હતી જેના અધ્યક્ષ લૉર્ડ ભીખુ પારેખ હતા. યુનિવર્સિટીઓએ પણ મલ્ટિ-કલ્ચરલિઝમનો અભ્યાસ કરવા વિભાગોની રચના કરી છે. ભારતની સાંસ્કૃિતક પરંપરા વિશે ઊંડો અભ્યાસ કરનાર વિદુષી ડાયના એલ. એક હાવર્‍ર્ડ યુનિવર્સિટીમાં પ્લુરલિટી પ્રોજેક્ટ ચલાવે છે અને એમાં તેમને ભારતની સહઅસ્તિત્વની પરંપરા ખૂબ કામમાં આવી રહી છે.પશ્ચિમમાં સહઅસ્તિત્વ માટેના બે અભિગમ અત્યારે ચર્ચામાં છે. એક અભિગમ શરત વિનાનો છે જેને અંગ્રેજીમાં હાઇફનેટેડ નૅશનલિઝમ અથવા બાઉલ ઑફ સૅલડ કહે છે. કોઈ માણસ મૂળ સ્પૅનિશ હોય અને અમેરિકામાં રહેતો હોય તો તેને સ્પૅનિશ-અમેરિકન તરીકે અમેરિકામાં ઓળખવામાં આવે છે. સ્પૅનિશ અને અમેરિકન વચ્ચે જે આડો લીટો છે એને અંગ્રેજીમાં હાઇફન કહેવામાં આવે છે. માણસ એક જ સમયે અને એક જ સ્થળે બે કે એનાથી વધુ ઓળખ સાથે જીવી શકે અને એ ઓળખ કોઈ પણ પ્રકારની શરતો વિના હાઇફન દ્વારા વ્યક્ત થઈ શકે છે. હાઇફનેટેડ નૅશનલિઝમની ખૂબી એ છે કે સ્પૅનિશ અને અમેરિકન એ બે ઓળખ વચ્ચે આંતરવિરોધ નથી અને બેમાંથી એક ઓળખ ઓગાળી દેવાનો કોઈ આગ્રહ નથી. સૅલડના બાઉલમાં પણ કાંદા, ટમેટાં, મરચાં, મૂળા કે બીટ વચ્ચેનો સંબંધ પોતપોતાની ઓળખ જાળવી રાખીને સૅલડ નામની નવી ઓળખ વિકસાવવાનો છે. બીજો અભિગમ શરતવાળો છે. એને અંગ્રેજીમાં મેલ્ટિંગ પૉટ અભિગમ કહેવામાં આવે છે. જે રીતે રાંધેલી ચીજમાં વાપરવામાં આવેલી દરેક ચીજ પોતાની ઓળખ ઓગાળી દે છે એ રીતે રાષ્ટ્રની પ્રજાએ પોતાની ઓળખ ઓગાળી દેવી જોઈએ. આમાં ફાયદો એ છે કે એક વાર ઓળખ ઓગાળી દીધા પછી વિવિધ ઓળખો વચ્ચે સંઘર્ષની સંભાવના રહેતી નથી. આમાં નુકસાન એ છે કે ઓળખ ગુમાવનાર ક્રમશ: ઓળખ ગુમાવતો જાય છે અને તે મુખ્ય ઘટક એટલે કે બહુમતીની તરફેણમાં ઓળખ ગુમાવે છે. દાખલા તરીકે દૂધીના શાકમાં બટાટા હશે; ચણાની દાળ હોઈ શકે; ટમેટાં હોઈ શકે; મેથી, હળદર, મરચું, કોથમીર પણ હશે; પરંતુ છેવટે એ દૂધીનું શાક કહેવાશે કારણ કે દૂધી એમાં મુખ્ય ઘટક છે, બહુમતીમાં છે. દેશના સંઘર્ષરહિત ઝડપી વિકાસ માટે બહુમતી કોમના કેટલાક લોકો આ બીજા મેલ્ટિંગ પૉટના અભિગમની વકીલાત કરે છે.હવે ખાસ વાત એ છે કે ભારત તો પહેલેથી જ, લગભગ અઢી-ત્રણ હજાર વર્ષથી બાઉલ ઑફ સૅલડ જેવો જ દેશ રહ્યો છે અને એ પણ કોઈ મોટા સંઘર્ષ વિના. વાંશિક અને કોમી હુલ્લડો એ પાશ્ચાત્ય રાષ્ટ્રવાદની કલ્પના હિન્દુસ્તાનમાં આવી એ પછીની, ૧૯મી અને વીસમી સદીની ઘટનાઓ છે. એ પહેલાં ભારતની વિવિધ પ્રજાઓ વચ્ચે આવા કોઈ મોટા સંઘર્ષ થયા હોય એવું જાણમાં નથી. ટૂંકમાં બાઉલ ઑફ સૅલડ એ ભારત માટે સહજસાધ્ય છે, કારણ કે એ તો ભારતની પરંપરા છે. ઊલટું શરતો અને આગ્રહો ધરાવતો, બહુમતી પ્રજાકેન્દ્રિત, સીમાબદ્ધ રાષ્ટ્રવાદ ભારત માટે અજાણી ચીજ છે. મેલ્ટિંગ પૉટ નૅશનલિઝમ ભારતમાં આયાત કરવામાં આવ્યો છે. આવા રાષ્ટ્રવાદની ઓળખ ભારતમાં અંગ્રેજો આવ્યા એ પછી ભારતની પ્રજાને થયેલા પાશ્ચાત્ય વિચારધારાના પરિચયના પરિણામે થઈ હતી. ભારતની પ્રજામાં જ્યારે આઝાદીની ઝંખના જાગી ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે શરતો આધારિત પાશ્ચાત્ય રાષ્ટ્રવાદ-મેલ્ટિંગ પૉટ નૅશનલિઝમ અને આપણા પરંપરાગત શરતો વિનાના - બાઉલ ઑફ સૅલડવાળા ભારતીય સમાજ વચ્ચે મેળ કઈ રીતે બેસાડવો? વિડંબના એવી છે કે જે લોકો હિન્દુ ધર્માભિમાની અને દેશાભિમાની હતા તેઓ પાશ્ચાત્ય રાષ્ટ્રવાદની વકીલાત કરતા હતા અને જે લોકો વૈશ્વિક અભિગમ ધરાવતા હતા એ લોકો ભારતીય પરંપરાવાળા બાઉલ ઑફ સૅલડવાળા રાષ્ટ્રમાં માનતા હતા. ગાંધીજીએ આ અભિગમને રાષ્ટ્રીય રાજકારણનો અંગ બનાવીને એને રાજકીય માન્યતા આપી હતી અને જવાહરલાલ નેહરુએ વડા પ્રધાન બન્યા પછી બાઉલ ઑફ સૅલડના અભિગમને શાસકીય માન્યતા આપી હતી. 


આનો અર્થ એવો નથી કે ગાંધી-નેહરુના બાઉલ ઑફ સૅલડવાળા ઉદારમતવાદી અભિગમનો વિરોધ કરનારાઓએ પોતાના શરતી અને આગ્રહી રાષ્ટ્રવાદને ત્યજી દીધો હતો. તેઓ એનો સતત વિરોધ કરતા હતા અને પોતાનો મત લોકો સુધી પહોંચાડવા મથતા હતા. નરેન્દ્ર મોદીની RSSના એક અદના પ્રચારકથી શરૂ કરીને છેક દિલ્હી સુધી પહોંચવા સુધીની યાત્રા એ આ અભિગમ માટેની જદ્દોજહદનો વિજય છે. એટલું તો કબૂલ કરવું રહ્યું કે આઠ દાયકાના પ્રયત્નો પછી RSSએ મેલ્ટિંગ પૉટ નૅશનલિઝમને રાષ્ટ્રીય રાજકારણમાં માન્યતા અપાવી દીધી છે, પણ એને શાસકીય માન્યતા અપાવવી મુશ્કેલ છે. ભારત રાજ્યસંઘની સ્થાપના અને એને માટેનું બંધારણ બાઉલ ઑફ સૅલડના તત્ત્વ પર આધારિત છે અને એ બદલવું મુશ્કેલ છે. 


સમાજમાં ક્રિયા-પ્રતિક્રિયાની ઘટમાળ ચાલતી રહે છે, પણ પ્રતિક્રિયા ક્યારે ય ક્રિયાની જગ્યા ન લઈ શકે. નકારાત્મકતા રચનાત્મકતાની જગ્યા ન લઈ શકે. અંતિમ વિજય શરતરહિત રાષ્ટ્રવાદનો જ થવાનો છે. જ્યાં શરતી અને આગ્રહી રાષ્ટ્રવાદનો જન્મ થયો એ યુરોપના દેશો હવે કમિશન ઑન ધ ફ્યુચર ઑફ મલ્ટિ-કલ્ચરલ બ્રિટન જેવા અભ્યાસ-અહેવાલો તૈયાર કરાવે છે અને પ્રજાને બાઉલ ઑફ સૅલડનો સ્વીકાર કરવા માનસિક રીતે તૈયાર કરી રહ્યા છે. જ્યાં રાષ્ટ્રવાદનો જન્મ થયો એ દેશોની બે વિશ્વયુદ્ધ પછી સાન ઠેકાણે આવી છે અને યુરોપ સંઘની સ્થાપના કરી છે. આજે પાશ્ચાત્ય દેશો શરતરહિત બાઉલ ઑફ સૅલડ જેવા રાષ્ટ્રવાદની જરૂરિયાત અને ઉપયોગિતા સમજાવતી વખતે ભારતનું ઉદાહરણ આપે છે, જ્યારે ભારતમાં આજે ઘરઆંગણેનો પોતીકો રાષ્ટ્રવાદ છોડીને પરાયા અને આયાતી રાષ્ટ્રવાદ માટે આકર્ષણ વધી રહ્યું છે. નરેન્દ્ર મોદીનો ઉદય એ યુગપરિવર્તન જરૂર છે, પણ એ પ્રતિક્રિયારૂપ યુગપરિવર્તન છે.વિનોબા કહે છે એમ માણસ સદૈવ આરોહણ જ કરે છે. ક્યારેક ઠેબું આવે અને માણસ પડતો દેખાય તો એને અપવાદ સમજવો.

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-01062014-24

સૌજન્ય : લેખકની ‘નો નૉન્સેન્સ’ નામે કટાર, “ગુજરાતી મિડ-ડે”, 01 જૂન 2014

Category :- Opinion Online / Opinion

બાળપણમાં, જેને ઇંગ્લિશમાં ટંગ ટ્વીસ્ટર કહે છે એવું કશુંક બોલતાં એ યાદ આવે છે, જે કંઈક આ પ્રમાણે હતું : “સૂપડામાં સાની વાની, વાની મૂકી સાની ખાઉં.” જે વાચકો પ્રાદેશિક વિભિન્નતાઓને કારણે અથવા વર્ષોથી ભાષાના આ સ્વરૂપથી છેટા પડી ગયા હોય તેમને યાદ અપાવવા સાની અને વાનીના અર્થ સ્પષ્ટ કરું તો ક્ષમા કરશો. તલમાંથી તેલ કાઢયા પછી જે બાકી રહે તેને ખોળ કહે, જે માણસ માટે ખાદ્ય ન રહે પરંતુ ઢોરને એ ખોરાક તરીકે આપી શકાય. જ્યારે તલમાંથી એકદમ તેલ નીચોવી ન લેવામાં આવે, તેવા કચરેલા તલમાં ગોળ કે ખાંડ, કાજુ, બદામ અને દ્રાક્ષ નાખીને વાનગી બનાવે તેને સાની કહેવાય. કોલસાની રાખનો પર્યાય શબ્દ તે વાની.

આ શબ્દ રમતમાં સૂપડામાં સાની અને વાની હોય ત્યારે રાખ મુકીને તલની સાની લઈ લેવાની વાત છે. વારંવાર બોલવાને કારણે જે રમનાર ‘સાની મૂકી વાની ખાઉં’ એમ બોલે તે આઉટ ગણાતું.

તાજેતરમાં ભારતમાં થયેલ સામાન્ય ચૂંટણીના જંગમાં જે ખેલ ખેલાયો તે જોઈને લોકો જાણે એમ બોલતા સંભળાય છે, “સુપડામાં કોમી એખલાસ, કોમવાદ : શું લઉં ને શું છોડું?” એમાંના મોટાભાગના પોતાના અંતર આત્માનો અવાજ સાંભળે ત્યારે કહે છે, “કોમવાદ મૂકી કોમી એખલાસ લઉં”. પણ જયારે અગણિત રાજકીય પક્ષો દ્વારા થતા અતિ ઘોંઘાટ ભર્યા પ્રચારને વારંવાર પોતાના મનમાં વાગોળ્યા કરે ત્યારે તેઓ પણ “કોમી એખલાસ મૂકી કોમવાદ લઉં.” એમ બોલવા લાગે છે.

જેમણે 50, 60 અને 70ના દાયકાઓમાં લડાયેલી ચૂંટણીઓ જોઈ હશે તેમને જરૂર વિમાસણ થતી હશે કે આ વખતની ચૂંટણી શા માટે આટલી બધી કોમી મુદ્દાઓને આધારે લડવામાં આવી? ભારતવર્ષ વધુને વધુ કોમી માનસ ધરાવતો થયો છે તેનો આ પુરાવો છે કે બીજું કંઈ ?

કોમી એખલાસની સગડ કાઢતાં હું જરા ઇતિહાસનાં પાછલાં પાનાંઓ પર નજર ફેરવતી હતી. ભારતીય સંસ્કૃિતના ઉષાકાળે વેદિક તત્ત્વજ્ઞાન અસ્તિત્વમાં આવ્યું. અહીં નોંધ લેવી ઘટે કે એ એક અતિ ઉમદા અને આધ્યાત્મિકતાથી ભરપૂર વિચારધારા હતી જેણે તત્કાલીન સમાજને માનવ શરીર, તેનું મન, તેની આસપાસની પ્રકૃતિ અને માનવ જાત સાથેનો તેનો સંબંધ તથા તમામ જીવસૃષ્ટિ સાથેના માનવીનું પરસ્પરાવલંબન સમજવાનો માર્ગ બતાવ્યો. તે વખતે લોકો પરસ્પર આધારિત જીવન જીવતા. કાળક્રમે જેમ જેમ ખેતીવાડી અને તેને સંલગ્ન ઉદ્યોગોનો વિકાસ થયો તેમ તેમ માનવ જાત એક જગ્યાએ સ્થાયી વસવાટ કરવા લાગી અને એક સુવવ્યસ્થિત સમાજની રચના થઈ. એવા સમાજને સુગઠિત રાખવા ન્યાયી રાજ્યવ્યવસ્થા અને પ્રતિપળ વિકસતી અર્થવ્યવસ્થા અસ્તિત્વમાં આવી. તેની હારોહાર એક ધર્મની વિભાવના ઉદ્દભવી જેણે પ્રજાને વેદાંત અને ઉપનિષદ જેવા ગ્રંથોની ભેટ આપીને એક સુંદર જીવન પદ્ધતિનો રાહ બતાવ્યો. પ્રકૃતિને હવે ઈશ્વરનું નામ આપીને વિધિવત્ પૂજવાની પ્રથા શરુ થઈ. આજે આપણે તેને ‘સનાતન ધર્મ’ અથવા ‘હિંદુ ધર્મ’ને નામે ઓળખીએ છીએ.

સમજવા જેવી વાત એ છે કે વેદિક કાળમાં જ શ્રમ વિભાજનની જરૂરિયાત જણાતાં વર્ણાશ્રમ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. પરંતુ એ વ્યવસ્થા માત્ર સમાજને સુચારુ રૂપે સંચાલિત રાખવાના ઉદ્દેશ્યથી જ રચાઈ હતી જેમાં એક વર્ણમાં જન્મ લેવા છતાં બીજા વ્યવસાય કરવાની પૂરેપૂરી ગુંજાઈશ રહેતી. નહીં તો શુદ્ર જાતિના ઋષિઓની કલમે વેદોની કેટલીક ઋચાઓ ન રચાઈ હોત. તેવું જ વિદુષીઓએ પણ વેદની ઋચાઓની રચનામાં એટલો જ હિસ્સો લીધો છે જે દર્શાવે છે કે સ્ત્રીઓને વેદાભ્યાસની સમાન તકો હતી. એ સમયે અલગ અલગ જીવન પદ્ધતિ, માન્યતાઓ અને આધ્યાત્મિક વિચારધારાઓ ધરાવતા લોકો વચ્ચે સંવાદી જીવન જીવાતું હતું એમ કહી શકાય. વેદિક તત્ત્વજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો એ જાણે હિંદુ ધર્મની કરોડરજ્જુ સમાન રહ્યા અને એટલે જ તો વર્ણવ્યવસ્થાનું   જ્યારે જ્ઞાતિ પ્રથામાં રૂપાંતર થયું ત્યારે એ પ્રથા દરેક જ્ઞાતિના સભ્યોને માન્ય હતી અને તેમાં પણ અભ્યાસ, રહેઠાણ, વ્યવસાય તથા લગ્નની બાબતોમાં પ્રવાહીપણું જોવા મળે છે. વળી તે દરમ્યાન હિંદુ ધર્મના દર્શનમાં જ અનેકાનેક વિચારધારાઓ ફૂટી નીકળી, પણ વેદનો મંત્ર ‘એકમ સત વિપ્રા બહુધા વદન્તિ’ એ કેન્દ્રમાં રહ્યો અને અદ્વૈતવાદી હો કે દ્વૈતવાદી, એકેશ્વરવાદમાં માનતા હો કે અનેકેશ્વાર્વાદમાં, શિવ પંથી હો કે વૈશ્નવ પંથી, બ્રાહ્મણ હો કે વૈશ્ય સહુ પોત પોતાના વ્યવસાય અને પૂજાપાઠને અનુસરતા અને એમ સમાજ બહુધા સરળતાથી ચાલતો. અલબત્ત, જેમ જેમ ધર્મ વધુને વધુ સંસ્થાકીય માળખામાં જકડાવા લાગ્યો અને ઉચ્ચ જ્ઞાતિઓ પોતાના સ્થાપિત હિતની રક્ષા કાજે જ્ઞાતિ પ્રથાને વધુ જડ બનાવતા ગયા, તેમ તેમ પંથ અને જ્ઞાતિ વચ્ચેનો સંવાદી સુર બેસુરો થવા લાગ્યો. અને ઇતિહાસના આ તબક્કે કદાચ સમાજના જુદા જુદા વર્ણો, પંથો અને જ્ઞાતિઓ વચ્ચે એખલાસને બદલે ઉચ્ચ-નીચ અને ભેદાભેદની ભાવનાઓ દ્રઢ બની એમ ભાસે છે. છતાં ગણાતીને નામે સમાજમાં સામૂહિક અત્યાચાર કે રમખાણો થયાની નોંધ જોવા નથી મળતી.

તે પછીનો ગાળો આવે છે બૌદ્ધ અને જૈન ધર્મના પ્રાદુર્ભાવનો. વેદિક અને હિંદુ ધર્મના મૂળ તત્ત્વને અવળી રીતે સમજી, સમજાવીને ધર્મની બાગડોર જેમના હાથમાં હતી તે ઉચ્ચ વર્ણના લોકોએ અંધશ્રદ્ધા, કુરિવાજો અને સામાજિક અસમાનતાને જન્મ આપ્યો. જેના પ્રતિભાવ રૂપે  બૌદ્ધ અને જૈન ધર્મ પ્રચલિત થયા. ઘણા હિંદુ ધર્મના અનુયાયીઓએ એ બંને ધર્મોનું અનુસરણ કર્યું, પણ એ ધર્મોનો પ્રચાર માત્ર પ્રજાને પોતાના સિદ્ધાંતો સમજાવીને કરવામાં આવતો અને શ્રોતાઓની પૂર્ણ સહમતીથી સ્વેચ્છાએ જ બૌદ્ધ અને જૈન ધર્મમાં પ્રવેશ આપવામાં આવતો. વળી એ બંને ધર્મોએ વેદિક અને સનાતન ધર્મના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો જેવા કે પ્રેમ, સત્ય, અહિંસા અને કરુણા વગેરેને અકબંધ રાખીને જ નવા ધર્મની રજુઆત કરી. આને પરિણામે એ ત્રણેય મુખ્ય ધર્મના અનુયાયીઓ વચ્ચે ધર્મ ચર્ચા થતી પણ પરસ્પર વેરભાવ પેદા ન થયો. આ જ વાત સીખ ધર્મ અને અન્ય અનેક પંથો જેવા કે સ્વામીનારાયણ સાથેના મુખ્ય ધર્મો અને પંથોના સંબંધોને લાગુ પડે છે. હા, ભારત અનેક ધર્મો અને પંથો-વાડાઓનો દેશ બની ગયો પણ તે છતાં તેની સહિષ્ણુતા જાણે ટકી રહેવા પામી.

આ તો થઇ વેદિક સમયથી માંડીને બૌદ્ધ-જૈન અને સીખ ધર્મના યુગમાં ધર્મ અને જ્ઞાતિના પરસ્પરના એખલાસભર્યા સંબંધની વાત. કોઈ એમ કહી શકે કે એ બધા છેવટ એક ભૂમિ પર ઉછરેલા, એક વેદિક સંસ્કૃિતનાં બચોળિયાં જેવા ફાંટા છે એટલે તેમની વચ્ચે સામંજસ્ય હોય જ ને? ભારત માટે ખરી તકલીફ ઊભી થઈ જેને આજે ‘એબ્રાહામિક ફેઈથ’ તરીકે ઓળખવામાં આવે છે તે જુડાઈઝમ, ક્રીશ્ચિયાનિટી અને ઇસ્લામના આગમનથી એવું કેટલાક લોકોનું માનવું છે. તો એ ધર્મના અનુયાયીઓના ભારતમાંના આગમન અને શાસનની નોંધ તપાસતાં જણાય છે કે જુઇશ, ક્રિશ્ચિયન અને ઇસ્લામ ધર્મ સાથે સહુ પ્રથમ સંપર્ક જે તે ધર્મના સંતોના આગમન અને તેમની હિંદુ ધર્મ વિશેની જિજ્ઞાસા સંતોષવાને પરિણામે થયેલો. તે પછી વેપાર અર્થે ભારતના સોદાગરો દૂર દેશ ગયેલા અને ત્યાંથી અહીં આવેલ વેપારીઓને કારણે જેમ તેમની ભાષા, ખોરાક અને જીવન પદ્ધતિનો પરિચય થયો તેમ તેમના ધાર્મિક આચાર-વિચારોની પણ અસર થઈ. અન્ય દેશના રાજાઓ કે સરકારોની ભારત પરની ચડાઈ એ માત્ર રાજકીય હેતુસર થયેલી એ પણ અહીં નોંધવું જરૂરી છે. હા, અન્ય ધર્મોએ હિંદુ ધર્મના લોકોનું ધર્માંતરણ જરૂર કરેલું એ પણ હકીકત છે જેને માટે તેમની પોતાના ધર્મને પ્રસરાવવાની ઘેલછા જેટલું જ હિંદુ ધર્મમાં પ્રવર્તતી સામાજિક અને આર્થિક અસમાનતા પણ એક મહત્ત્વનું પરિબળ હતું એ નકારી શકાય તેમ નથી.

સત્તરમી અને અઢારમી સદી સુધીમાં ભારત ભૂખંડ પર અનેક રાજાઓએ ચડાઈ કરી. એ બધા જ આપણી ધન-સંપત્તિ લૂંટવા આવેલા એવું આપણને હંમેશ કહેવામાં આવ્યું છે, પરંતુ એ વિષય પરના સંશોધનો અને અભ્યાસો પરથી જણાય છે કે એવી લૂંટફાટ કરીને જતા રહેનારા રાજાઓ સંખ્યામાં ઓછા હતા અને એમણે તો પોતાના ધર્મના જ બીજા રાજાઓને પણ એટલી જ નિર્દયતાથી કચડી મારેલા એટલે કે તેમના આક્રમણો પાછળ વિધર્મીને પરાસ્ત કરવાની મહેચ્છા કરતાં અન્ય કોઈ પણ રાજ્યની સંપત્તિ ઝૂંટવીને માલેતુજાર થવાની લાલચ વધુ કારણભૂત હતી. આર્યોથી માંડીને શક, હુણ, કુષાણ અને અન્ય અનેક જાતિઓ ભારતમાં આવી, કેટલાક રાજ્યોને જીત્યાં અને સંઘર્ષ પૂરો થયે અહીં જ સ્થાઈ થઈને રહ્યા એટલું જ નહીં પણ જીતેલા રાજ્યોમાં સારો વહીવટ આપ્યો, વેપાર, શિક્ષણ, કળા-સ્થાપત્યમાં અદ્દભુત પ્રદાન કર્યું અને પ્રજા પણ એકમેક સાથે હળી  મળીને રહેવા લાગી. આપણે જેને સુવર્ણ યુગ તરીકે ઓળખીએ છીએ એ બધાના રાજ્ય્કુળો એક સમયે હિંદની બહારની સરહદમાંથી આવેલ પણ પછી આ દેશને પોતાનું ઘર બનાવીને રહ્યા એમાના જ હતા. આ સ્થિતિ છેક મોગલોના રાજ્ય અમલ સુધી રહેવા પામી. મોગલો પણ ભારતમાં ચડાઈ કરીને આવ્યા, પણ અહીં જ સ્થાયી થયા અને જીવનના તમામે તમામ ક્ષેત્રમાં અનોખું પ્રદાન કર્યું. હિંદુ લોકોના મનમાં એક વાત જે ઠાંસી ઠાંસીને ભરવામાં આવી છે એ તે છે કે મુસ્લિમોએ હિંદુઓ પર ચડાઈ કરી, તેમનું ધર્મ પરિવર્તન કર્યું, એમને લૂંટીને બેહાલ કરી દીધા અને હવે કાયમના દુશ્મન બની બેઠા છે. ખરું પૂછો તો મોગલોના શાસન દરમ્યાન અકબરે સ્થાપેલ દિને ઈલાહીના અનુસરણથી આપણા ઘણા પવિત્ર ગ્રંથોના અનુવાદો આરાબીક અને ફારસી ભાષામાં થયા અને બંને ધર્મો વચ્ચે ખરા અર્થમાં આદાન-પ્રદાન થયું. એવી જ રીતે ધર્માંતરણનો એક તબક્કો પૂરો થયા પછી બન્ને પ્રજાઓ મુખ્યત્વે શાંતિથી રહેવા લાગી. એકબીજા પાસેથી સંગીત, નાટ્ય, કાંતણ, વણાટ, ભરત-ગુંથણ, છપાઈ, શિલ્પ-સ્થાપત્ય જેવી કલાઓથી માંડીને રાજ્ય વહીવટ અને દેશવિદેશ સાથેના વેપારની ક્ષમતા શીખી અને એક સમૃદ્ધ સામ્રાજ્યનું નિર્માણ થયું. હા, તેમ છતાં ક્યારેક બે કોમ વચ્ચે વિખવાદ અને મારામારી થઈ જતી, પણ સામૂહિક ધોરણે જેને આજે ‘રમખાણો’ કહે છે તે વીસમી સદી પહેલાં નોંધાયેલા નથી.

અઢાર અને ઓગણીસમી સદી એક નવો જ રાજ્ય પલટો લઈને આવી. હવે રાજકીય કે ધાર્મિક કારણોસર અન્ય દેશ પર ચડાઈ કરીને પારકી ભૂમિમાં રાજ્ય કે મહારાજ્ય સ્થાપવું એ ખ્યાલ જુનો થયો અને વેપાર-વાણિજ્ય વધારીને અન્ય દેશોને પોતાના તાબામાં રાખવામાં વધુ ફાયદો જણાવા લાગ્યો. અન્ય દેશો પર રાજ્ય કરવું અને ત્યાની સંપત્તિ પોતાના દેશમાં ઘસડી જઈ તેમને પાયમાલ કરી એ દેશોના હિતને ભોગે પોતે માલામાલ થઈ જવું એ યુરોપના કેટલાક દેશોને ફાવી ગયું. વેપારી કુશળતાને પગલે પગલે રાજકીય મહત્ત્વાકાંક્ષા ધરાવતા દેશોએ સંસ્થાનવાદને જન્મ આપ્યો. કારણકે સંસ્થાનવાદી દેશો પારકા દેશ ઉપર પોતાના વહીવટી ઉચ્ચાધિકારીઓ, અમલદારો અને સૈન્યના વડાઓ અલ્પ સંખ્યામાં શાસિત દેશમાં મોકલતા અને ત્યાની ધન-સંપત્તિ સ્વદેશ ઘસડી જઈને એશ આરામથી જીવતા જેને પરિણામે તેમને એ શાસિત દેશની પ્રજા પર જુલમ કરતાં થડકારો ન થતો એટલું જ નહીં પણ પોતાનું સામ્રાજ્ય અખંડ રાખવા જે તે દેશની પ્રજામાં ફાટફૂટ પડાવવાની નીતિ જ તેમને માફક આવી ગઈ.

ઓગણીસમી અને વીસમી સદી દરમ્યાન ભારત પરના વિદેશી શાસન કાળ દરમ્યાન લોકો માત્ર પોતાની ધાર્મિક માન્યતાઓ અને સાંસ્કૃિતક વારસાની ઓળખને જાળવવા વધુ જાગૃત બન્યા એવું નથી પરંતુ એ રાજ્ય પદ્ધતિની સ્થિરતા અને સલામતી શાસિત પ્રજાને ધર્મને આધારે વિભાજીત કરવામાં જ સમાયેલી છે એવું શાસકોને સમજાતાં હિંદુ અને મુસ્લિમ કોમ વચ્ચે એક બીજા માટે ભય ઊભો કરીને તેમની વચ્ચે વધુને વધુ પદ્ધતિસરનું ધ્રુવીકરણ કરવામાં આવ્યું. એની ચરમ સીમા એ એક અખંડ દેશના ધર્મના મુદ્દા પર થયેલ ભાગલા છે જેનો ઇતિહાસ સાક્ષી છે. આ સમય ગાળામાં કોમી એખલાસ જાણે દરિયા પાર થઈ ગયો અને તેનું સ્થાન કોમવાદે લીધું એમ કહી શકાય.

હશે ભાઈ, વિદેશી શાસકોએ સ્વાર્થી મનોવૃત્તિને વશ વર્તીને બે કોમ વચ્ચે વૈમનસ્ય પોષ્યું, પણ રાજકીય સ્વતંત્રતા મેળવ્યા પછી ભારત અને પાકિસ્તાનના રાજ્યકર્તાઓએ પણ એ જ નીતિ અમલમાં મુકીને બે દેશ વચ્ચે જૂની વેર ભાવના વકરાવી મારી અને ભારતમાં તો એક જ દેશના નાગરિકો એવી બે કોમ વચ્ચે પારાવાર ફાટફૂટ પડે તેવી નીતિઓ અપનાવવામાં જરા ય પાછી પાની કરી નથી. આમાં વિદેશી શાસન ભૂંડું કે પોતાની ચૂંટેલી સરકાર ભૂંડી? વિદેશી શાસનકર્તાઓને તો પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા આપણા દેશના ઉદ્યોગ-ધંધાઓનું ગળું ટૂંપવું પડ્યું અને બે મુખ્ય ધર્મીઓ વચ્ચે અંતર વધારવાના તમામ રસ્તાઓ અપનાવવા પડ્યા એટલું જ નહીં હિંદુ ધર્મને પણ વિઘટિત કરવા અછૂતોને જુદો મતાધિકાર આપવા લલચાવેલા એ સમજી શકાય પરંતુ આપણા જ દેશની સરકારોને મોટા ઉદ્યોગપતિઓની ધનલાલસા પોષવા ખેતી અને નાના ઉદ્યોગોની આહુતિ આપવાનું પ્રયોજન શું હોઈ શકે? આજે હવે હિંદુ-મુસ્લિમો વચ્ચે વેર ભાવના વધારીને કયું સામ્રાજ્ય ટકાવવાનું રહે છે? વિકાસના નામે આદિવાસીઓ, કહેવાતી નીચલી જ્ઞાતિના લોકો, સ્ત્રીઓ જેવી લઘુમતી કોમને નજર અંદાજ કરી ખીચડીમાં લીટો તાણી બધું ઘી ચંદ કરોડોપતિ તરફ વહેવડાવવા પાછળ કોનું ભલું થાય છે?

આજે જ્યારે ભારતની પ્રજાએ ભારતીય જનતા પક્ષને સત્તારૂઢ કર્યો છે અને એક પણ વિરોધી પક્ષનું અસ્તિત્વ નથી રહેવા પામ્યું ત્યારે જાગૃત બનેલ આમ જનતાએ પોતાની સામે સૂપડામાં કોમી એખલાસ અને કોમવાદ લઈને વિજેતા રાજકારણીઓ આવશે ત્યારે તેમણે કોમવાદ છોડી કોમી એખલાસ પર પસંદગી ઉતારીને દેશની આંતરિક શાંતિ, સ્થિરતા, વિકાસને અંકે કરવાની અને વિદેશમાંની ભારતની છબીને ઉજળી કરી બતાવવાની છે.  

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion