OPINION

પહેલો મલાલા એવોર્ડ મેળવનારી બે ભારતીય યુવતી અિશ્વની અને રઝિયાને તમે ઓળખો છો?

મલાલા, નામ પડતાં જ એક માસૂમ ચહેરો આંખ આગળ છવાઈ જાય છે. બાળાઓના શિક્ષણ માટે તાલિબાનો સામે બાથ ભીડનારી આ પાકિસ્તાની દીકરી રાતોરાત સમગ્ર વિશ્વની લાડલી બની ગઈ છે. તાલિબાનોની ગોળીથી ઘાયલ થયેલી મલાલા હવે એકદમ સ્વસ્થ છે અને ફરી પોતાની પ્રિય પ્રવૃત્તિ - અભ્યાસમાં લાગી ગઈ છે. મલાલા હવે એક વૈશ્વિક હસ્તી બની ગઈ છે. વિશ્વભરમાં બાળકીઓના શિક્ષણનું પ્રતીક અને પ્રેરણાસ્રોત બની ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તો મલાલાના જન્મ દિવસને 'મલાલા દિન' તરીકે ઊજવવાનો નવો સિરસ્તો શરૂ થયો છે. ગત ૧૨ જુલાઈના રોજ ન્યૂ યોર્કમાં આવેલા સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે મલાલાના ૧૬મા જન્મ દિવસની અને પહેલા મલાલા દિનની ઉજવણી કરવામાં આવી. મલાલા દિનની ઉજવણી નિમિત્તે શિક્ષણના માટે યુવા સાહસિક એવોર્ડ, જેને મલાલા એવોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પણ એનાયત થયો. મલાલા એવોર્ડ એવી સાત બાળાઓને એનાયત કરાયો, જેણે બાળાઓના શિક્ષણ માટે સંઘર્ષ કરેલો છે ને કરી રહી છે. આમ, ૧૨મી જુલાઈએ એક મલાલાની સામે બીજી સાત 'મલાલા' પેદા થયેલી જોવા મળી!

આપણા દેશ માટે ગૌરવની વાત એ છે કે મલાલા એવોર્ડ મેળવનારી સાત યુવતીઓમાંથી બે તો ભારતીય છે; એક છે, કર્ણાટકની ૨૪ વર્ષીય અિશ્વની આંગડી અને બીજી છે, ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાની માત્ર ૧૫ વર્ષની રઝિયા સુલતાન. આ બન્ને યુવતીઓનો શિક્ષણ મેળવવા અને અન્ય બાળાઓને શિક્ષણ અપાવવા માટેનો સંઘર્ષ તો મલાલા કરતાં જૂનો છે, પણ મલાલા એવોર્ડ નિમિત્તે આખા દેશમાં તેમનું નામ જાણીતું થયું છે. આપણે તેમનાં કામથી પણ પરિચિત થવું રહ્યું.

કર્ણાટકના નાનકડા શેષાદ્રીપુરમ્ ગામમાં ગરીબ પરિવારમાં જન્મેલી અિશ્વની જન્મથી જ આંખે જોઈ શકતી નહોતી. પરિવાર માટે બોજ સમાન આ બાળાએ પોતે ભણવા માટે પણ ઘરના લોકો સાથે સંઘર્ષ કરવો પડયો અને પછી શાળામાં શિક્ષકો દ્વારા રખાતા ભેદભાવ સામે લડત આપવી પડી. ધોરણ દસ સુધી તો તેણે પ્રજ્ઞાચક્ષુઓ માટેની વિશેષ શાળામાં અભ્યાસ કર્યો, પરંતુ પછી તે સામાન્ય શાળામાં જ દાખલ થઈ. ભણવામાં ખંતને પ્રતાપે તેણે ધોરણ-૧૨ અને કોલેજમાં સમગ્ર વર્ગખંડમાં સારા ગુણો સાથે ટોચનો ક્રમાંક મેળવ્યો હતો. હાલ તો તે એક આઈટી કંપનીમાં નોકરી કરે છે, પણ નોકરીમાં ઠરીઠામ થવાને બદલે તેણે પોતાના જેવાં વિકલાંગ બાળકોના શિક્ષણ માટે સંઘર્ષ આદર્યો છે. બેંગલુરુમાં કાર્યરત લિયોનાર્ડ ચેસાયર ડિસેબિલિટી નામની એનજીઓ સાથે સંકળાઈને વિકલાંગ બાળકોના શિક્ષણના અધિકાર માટે ઝુંબેશ ચલાવી રહી છે. અિશ્વનીને દર મહિને એક હજાર રૂપિયા વિકલાંગ સહાય સ્વરૂપે મળે છે, જેને તે પોતાના જેવાં વિકલાંગ બાળકોના અભ્યાસ માટે ખર્ચી નાખે છે. અિશ્વની પોતાના જેવાં બાળકોના શિક્ષણ માટે પોતાની આખી જિંદગી કુરબાન કરી દેવા પ્રતિબદ્ધ છે.

મલાલા એવોર્ડ મેળવનાર બીજી તરુણી છે રઝિયા સુલતાન. મેરઠ જિલ્લાના નાંગ્લાખુંબા ગામની આ દીકરીને નામ તો સામ્રાજ્ઞીનું મળ્યું છે, પણ નસીબમાં બાળમજૂરી લખી હતી. જો કે, નસીબ સામે ઝૂકી જાય તે રઝિયા શાની! માત્ર ચાર વર્ષની વયથી પોતાના ગામની અન્ય બાળાઓની સાથે તે ફૂટબોલ સીવવાની મજૂરી કરવા લાગી હતી. જો કે, એક એનજીઓના પ્રતાપે તેને બાળમજૂરીમાંથી છૂટીને ભણવાની તક મળી. પોતે શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તેને શિક્ષણનું ખરું મહત્ત્વ સમજાયું અને તેણે પોતાના જેવા બાળમજૂરોને કામેથી છોડાવીને શાળામાં ભણવા બેસાડવાનો યજ્ઞા આદર્યો. રઝિયા ૧૧ ધોરણ સુધી ભણી છે, પણ શિક્ષણ પ્રત્યેની લગનીને કારણે પોતાના જેવી ૪૮ બાળકીઓને બાળમજૂરીમાંથી છોડાવીને શાળાએ ભણતી કરી છે. હાલ તે પોતાના વિસ્તારમાં તેમ જ અન્ય રાજ્યોમાં પણ જઈને ઘરે ઘરે ફરીને પોતાનાં બાળકોને મજૂરીએ નહીં મોકલવા, પણ ભણવા બેસાડવા માટે સમજાવી રહી છે.

એવોર્ડ મેળવનાર અન્ય પાંચ વિદેશી તરુણીઓમાં એક પાકિસ્તાનની ૧૫ વર્ષીય બાળા સાઝિયા છે, જે મલાલાની બહેનપણી છે. બીજી મોરક્કોની માત્ર ૧૨ વર્ષની રાઓઇઆ છે, જેણે પોતાને ભણવાનું છોડીને લગ્ન કરવા માટે છોકરાઓ જોવાની સલાહ આપનાર શિક્ષણ મંત્રીને 'માઇન્ડ યોર બિઝનેસ' કહી દેવાની હિંમત દાખવી હતી. ત્રીજી બાંગ્લાદેશની ૧૮ વર્ષીય કેશોબ છે, જેણે બાળલગ્ન સામે સંઘર્ષ આદર્યો છે. ચોથી સિએરા લિયોનની ૨૦ વર્ષીય યુવતી અમિનતા છે, જે દેશની ડામાડોળ સ્થિતિમાં પણ બાળકોના શિક્ષણ માટે સતત ઝુંબેશ ચલાવી રહી છે. પાંચમું નામ નેપાળની ૨૨ વર્ષીય ઊર્મિલા છે, જેની સ્ટોરી સૌથી સાહસિક છે. માત્ર છ વર્ષની વયે માતા-પિતા દ્વારા ઘર-નોકરાણી (કમલારી) તરીકે વેચી દેવાયેલી ઊર્મિલા બાર બાર વર્ષ સુધી નોકરડી તરીકે સબડયા પછી તેણે 'કમલારી ગર્લ્સ ફોરમ'ની સ્થાપના કરી તેની સામે અવાજ ઉઠાવ્યો છે. મલાલા જેવી દીવા સમી દીકરીઓ છે ત્યાં સુધી અંધારું છવાવાનું નથી!

(સૌજન્ય : સમય-સંકેત, સંસ્કાર પૂર્તિ, “સંદેશ” Jul 20, 2013,)  

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion

ત્રિવાયુ

સુરેશ જાની
22-07-2013

નાઈટ્રોજન

ઘનઘોર કાળાં વાદળ ઘેરાયેલાં હતાં. આભ જાણે હમણાં જ ટૂટી પડશે તેવો માહોલ સર્જાયો હતો. કાંઈક અવનવું આજે બનવાનું છે, તેવો ભયજનક ઓથાર વાતાવરણમાં ઝળુંબી રહ્યો હતો.

નાઈટ્રોજન મહાશય પાણીની થયેલી દુર્દશા જોઈ મુખમાં મલકાતા હતા. કેવું એ ક્ષુદ્ર ! સહેજ તાપ અડ્યો અને બાષ્પીભવન થઈ જાય. વાયરો તેને ક્યાંયથી ક્યાંય ખેંચી જાય. બિચારું પાણી! જો ને, પૃથ્વીના ચુંબકત્વની પણ તેની ઉપર અસર થઈ જાય અને સાથે કાળઝાળ વિજભાર વેંઢારવો પડે. ધૂળના રજકણ પણ તેને ચોંટીને મલીન બનાવી દે. બીજા વાયુઓ ય પાણીમાં ભાડવાત તરીકે રહી જાય. શું વસવાયાં જેવી પાણીની જિંદગી?

વાતાવરણમાં નાઈટ્રોજનની તો બહુમતિ હતી. બીજા બધા તો દસ પંદર ટકામાં! કોઈ તેમને અવિચળ કરી શકે તેમ ન હતું. એ તો બધાથી અળગા અને અતડા રહેતા. કોઈ વિજભાર તેમની નજીક ફરકી શકે તેમ ન હતું. કોઈની પણ સાથે તેમના જેવા ઉચ્ચ ખાનદાનવાળાથી કાંઈ ભળાય? ‘અમે તો જો આ કોલર ઊંચા રાખીને ફરીએ!’ નાઈટ્રોજન મહાશય આમ પોતાની મગરૂરીમાં મહાલી રહ્યા હતા.

ત્યાં જ કાન ફાડી નાંખે તેવો કડાકો અને ભડાકો થયો. બે વાદળાં ટકરાઈ ગયાં હતાં અને વિદ્યુતનો પ્રચંડ કડાકો ક્ષણાર્ધમાં પ્રગટી ગયો હતો. પાણીની બધી નિર્માલ્યતાઓમાંથી તડિતની તાતી તલવાર વિંઝાઈ ચુકી હતી. ઘડીના છઠ્ઠા ભાગમાં એની પાતળી રેખામાં સપડાયેલા બધા વાયુઓ લાખો અંશ આગમાં શેકાવા માંડ્યા હતા.

નાઈટ્રોજન મહાશયે પણ આ બળબળતા અગ્નિ સામે  ઝૂકી જવું પડ્યું. ઓરમાયા ઓક્સિજન સાથે ભળી જવું પડ્યું. અને એ જ ક્ષુદ્ર પાણીનાં ટીપાંઓમાં ઓગળી જવું પડ્યું. બળબળતા નાઈટ્રિક એસિડનો હવે તે એક અંશ માત્ર બની ગયા હતા.

ઉત્તુંગ ગગનમાંથી તે તો સીધા ભોંય પર પટકાયા. ચુના અને માટી જેવા બીજા ક્ષુદ્ર જીવો સાથે સંયોજાયા.  બેક્ટેરિયા, અમિબા, લીલ, શેવાળ, કદરૂપા જીવજંતુના કોશે કોશમાં બિચારા ભરાઈ ગયા; અને એક જીવમાંથી બીજા જીવમાં ભક્ષાતા રહ્યા. નાઈટ્રોજન મહાશયની આ દુર્ગતિનો કોઈ અંત ન હતો. એક પ્રોટીનમાંથી બીજા પ્રોટીનમાં બદલાતા રહેવાનું. એક જીવમાંથી બીજા જીવમાં. કોઈ છુટકારો જ નહીં. અનંત જેલ. બધી ગગનયાત્રાઓ ભૂતકાળની ઘટના બની ચૂકી હતી. હવે તે કદી પાછી આવવાની ન હતી.

આ જ તો હવે તેનું જીવન બની ગયું હતું. પહેલાં તો અક્કડ બનીને ઊડતા હતા. પણ જે ક્ષુદ્ર જીવોનો પહેલાં તિરસ્કાર કરતાં હતા, તેમનો જ તે આધાર બની બેઠા હતા. જે જીવન(પાણી)ની હાંસી ઉડાવતા હતા તે જ જીવનનું પાયાનું તત્ત્વ બનવાનું મહાત્મ્ય તેમને સાંપડ્યું હતું. મોક્ષની દશામાંથી હવે તે અનેકાનેક જન્મોની ભરમાળમાં ફસાયા હતા.

હવે નાઈટ્રોજનને મોક્ષની કોઈ ખેવના રહી ન હતી.  હવે જ તો નાઈટ્રોજનનું જીવન સાર્થક બન્યું હતું.

હાઈડ્રોજન

લાખો અંશ ઉષ્ણતામાનવાળો, સૂર્યમાંથી છુટો પડેલો ગોળો ધીરે ધીરે ઠંડો પડી રહ્યો હતો. ઉજ્વળ સફેદમાંથી પીળો, પછી નારંગી, પછી તપ્ત લાલ અને હવે એ ધીમે ધીમે આછા રતુમડા રંગનો ગોળો બની ગયો હતો. બધા ભારે પદાર્થો ધીમે ધીમે તેના મધ્યભાગમાં ઉતરી ગયા હતા. તેના બહારના ભાગમાં માત્ર વાયુઓ જ રહ્યા હતા. નાઈટ્રોજન, કાર્બન ડાયોક્સાઈડ, હિલિયમ, હાઈડ્રોજન અને બીજા ઘણા બધા વાયરાઓ હેઠા બેસવાનું નામ જ ન લેતા હતા. વાયરા જેનું નામ! બીજા બધા તરવરિયા વાયરા - ક્લોરિન, ફ્લોરિન વિ. તો ક્યારના ય મસ મોટી વજનવાળી ધાતુઓ સાથે ઘર માંડીને બેસી ગયા હતા!  ઓક્સિજનભાઈ પણ આમ તો આવા જ તરવરિયા હતા. તેમણે ય ઘણા સાથે સહચાર કરી લીધો હતો. પણ તેમની વસ્તી ઝાઝી એટલે હજુ વાતાવરણ જોડે ય પોતાનો સંબંધ થોડો ઘણો  જાળવી રાખ્યો હતો.

આ હંધાય વાયરાઓમાં સૌથી નાના બચોળિયા જેવો હાઈડ્રોજન હતો, પણ એનું ઠેકાણું કોઈની ય જોડે પડતું ન હતું. આવા હલકા ફૂલ જેવાની હારે કોણ ઘર માંડે? બચાડો આ નાનકડો જીવ હિજરાતો રહ્યો. ખૂણે બેસીને આંસુડાં સારતો રહ્યો. એવામાં પ્રાણથી ભરેલા ઓક્સિજનને થોડી દયા આવી. એમાંના થોડાક આ નાનકાની પાસે ગયા. અને બાપુ! જો પ્રીતડી બંધાણી છે. જેવી ગરમી ઓછી થઈ કે તરત ફટાફટ આમની જોડીઓ બંધાવા લાગી. હાઈડ્રોજન અને ઓક્સિજનની જોડી બની અને પાણીમાં ફેરવાઈ ગઈ. અને લો! બધી ગરમી શોષાવા લાગી. પેલો ગોળો થવા માંડ્યો ઠંડોગાર. પ્રેમમાંથી પ્રગટેલા પાણીનો આ તે કેવો નવીનતમ સ્વભાવ કે જ્યાં જાય ત્યાં સૌની ગરમી શોષી લે, અને ઠંડક જ ઠંડક ફેલાવે.

અને બાપુ, એ ગરમાગરમ ધરતીના ગોળા પર પહેલવહેલો વરસાદ ટૂટી પડ્યો. મૂશળધાર કે સાંબેલાધાર શબ્દ તો એને માટે ઓછો પડે. આ બેઉની જોડીઓએ તો વરસવા જ માંડ્યું. વરસ્યા વરસ્યા તે એટલું વરસ્યાં, કે ન ગણાય એટલાં વરહ વરસ્યાં. ધરતીમાતા હાથ જોડીને વિનવે, ‘બાપુ! હવે ખમૈયા કરો.’ પણ આ નાનકો તો જબરો લોંઠકો નીકળ્યો. પેલી બધી ય ભારેખમ ધાતુઓના બધાં જ ઘર ડુબડુબાં! આખી ધરતી ડુબાણી, એટલી આ નાનકાની જોડીઓ બંધાણી. લાલચોળ ધરતી હવે પાણીની નીલા રંગની ચાદર ઓઢી, ઠંડીગાર બનીને મલપતી રહી. અવકાશમાં મોટો મસ ભૂરા રંગનો જાણે લખોટો.

દશે દિશાયું પાણીના આ તાંડવથી નહાતી રહી. નાનો નાનો પણ હાઈડ્રોજનનો દાણો ! બધાંય વાયુનાં વાદળાં વિખેરાયાં અને સૂરજદાદા પોતાના આ બચોળિયાના નવા નવલા, નીલવર્ણા રૂપને ભાળી હરખાણા. એમના હરખનો તાપ જેવો પાણીને અડક્યો; તીં એ તો ચંચળ જીવ - પાછો પોતાના પિયર, ગગન તરફ હેંડવા માંડ્યો. પાછાં વાદળ બંધાણાં, ને વાયરે ખેંચાણા, ને પહાડ પર ભટકાણા, ને બન્ને ધ્રુવ પર વિંઝાણા.

અને લે કર વાત! કદી ય નો’તું બન્યું એવું બન્યું. મારો વ્હાલો, ઠંડોગાર પાણીડો ઝગમગવા લાગ્યો. ઈનાં નાનાં નાનાં ફોરાં ઠરીને રૂપાળાં ધોળાં ફૂલ બની ગ્યાં. જાતજાતનાં ફૂલડાં. ઝરતાં જ જાય ને ઠરતાં જ જાય. ને ઈ ફૂલડાં બન્ને ધ્રુવ પર જે વરસ્યાં, જે વરસ્યાં તે ધરતીમાને બન્ને કોર ધોળીબખ્ખ ટોપિયું ઓઢાડી દીધી. અને ઈ ટોપિયું કાંઈ નાની અમથી નહીં હોં!  જોજનોના જોજન ફેલાયેલી મોટી મસ અને આભને અડે એવડી ઊંચી જ તો.

અને નીલા સાગરના નીર ઓસર્યાં. થોડી થોડી ધરતી ખુલ્લી થઈ. અને લો! પાણીનું નવું જીવન શરૂ થયું. સૂરજ તાપે તપી આભે ચડવાનું; ધરતી પર ઠંડા પડી વરસવાનું; અને સૂરજ તાપે તપેલી ધરતીને ભિંજવતા, શાતા આપતા રહેવાનું. પાણી જેનું નામ. એ તો વહેતું જ રહે. ધરતીનો બધો કચરો પોતાનામાં ભેળવી પાછા એ તો પોતાના સ્વસ્થાન ભણી વહેતાં જ રહ્યાં. રસ્તામાં તેમની જાતરાની નદિયું ને નદિયું વહેવા લાગી. ક્યાંક ધરતીના ખાડાઓમાં ય પાણી ભેરવાણાં અને મસ મોટાં, નાના નીલ સાગર જેવાં સરોવરો ય સરજાણાં. નદિયુંનાં બધાં નીર પાછા સાગરમાં સમાઈ ગયાં.  અને બસ આ જ ચક્કર. દિન રાત ધરતીને પખાળતા રહેવાનું. તેની લાખો વરસથી તપી તપીને ભેગી થયેલી પ્યાસને બુઝાવતા રહેવાનું. અને ફરી પાછા સાગરમાં સમાઈ જવાનું.

અને લો! ધીમે ધીમે સાગર તો ખારો થવા માંડ્યો. ધરતીમાંથી લાવેલા અને વીજળીની ચાબૂકે સર્જાયેલા જાતજાતના પદાર્થો એમાં સમ્મેલનો ભરવા લાગ્યા, સંયોજાવા લાગ્યા! અને કો’ક પળે આ બધાયથી અળગા રહેતા ચૈત્ય તત્ત્વને ય મન થઈ ગયું – આમની સાથે દોસ્તી કરવાનું. ચપટિક ખારની ચીકાશ, અને આ નવા આગંતુક. અને માળું કૌતુક તો જુઓ! એ જીવ તો હાલવા ચાલવા મંડ્યો;  મોટો થવા માંડ્યો. એટલો મોટો થયો, એટલો મોટો થયો  કે,  પોતાની મોટાઈ ન જીરવાણી અને એકમાંથી બે અને બેમાંથી ચાર, અને આઠ અને એમ એ તો વધવા જ માંડ્યા. પાણીના ઘરમાં નવા ભાડવાત આવી પૂગ્યા. પાણી જેનું નામ. આમને ય વ્હાલ જ વ્હાલ. આ નવા મહેમાનને પાણી તો જાતજાતના પકવાન જમાડે. એ તો બાપુ! વકર્યા. અવનવાં રૂપ ધારણ કરવા માંડ્યા. અને પાણીના ઘરમાં અવનવી સજીવ સૃષ્ટિ સરજાવા લાગી.

અને બાપુ, આમ પાણીનું જીવન, નવા અને નવા જીવોને પોશતું રહ્યું, પાળતું રહ્યું. માટે તો તે પોતે જીવન કહેવાયું! અને એનો બાપ કોણ? હાઈડ્રોજન જ ને?

ઓક્સિજન

ઓક્સિજન, આમ તો તું બહુમતિ ધરાવતો જણ નથી. એ બહુમાનના અધિકારી તો નાઈટ્રોજન મહાશય છે. એમનો વ્યાપ વાતાવરણના ૭૮%  જેટલો ફેલાયેલો; એમના વજનની કની જ તો! પણ એમનો કોઈને સીધો ખપ ન પડે. એ તો ભારેખમ જણ.

પણ તારા વિના તો કોઈને ક્ષણ ભર પણ ના ચાલે. નજરે ન દેખાય તેવા બેક્ટેિરયાથી માંડીને મદમસ્ત પહાડ જેવા હાથી અને ગંદી ગોબરી શેવાળથી માંડીને એની ઉપર મલપતા અમે મ્હાલતાં કમળનાં ફૂલ કે એ જળાશયને કાંઠે આસમાનને આંબતા નાળિયેરીના મહાકાય પાન - સૌને તારી પનાહ લેવી જ પડે. એટલે જ તો ભલે ને, તારું  વિલાયતી નામ ભલે ને ઓક્સિજન હોય; અમે તો તને પ્રાણવાયુ જ કહેવાના!

અને ઘરની રસોઈ પકાવવાના ચૂલા પણ તારા વિના તો ઠંડા જ પડી જાય. કોઈક ગર્વ લઈને ઈલેક્ટ્રિક સ્ટવ વાપરતા હોય; તો પણ શું? એમનો વીજ પૂરવઠો પૂરો પાડનાર પાવર સ્ટેશનનાં બોઈલરો પણ તારા વિના શેં ભખભખ કરવાના? અને કારો, સ્ટીમરો, પ્લેનો, ટ્રેનોમાં મ્હાલવાના ધખારા પણ તારા વિના ઠંડાગાર જ ને?

વીજળીનો ચાબખો વાગે અને ઓલ્યા ભારેખમ જનાબ નાઈટ્રોજનને પણ તારી હારે જોડાવું જ પડે. અને પછી તો એ ભાઈ વાઈરસ, બેક્ટેિરયા, અને બધા જીવ માત્રની સેવામાં લાગી પડે - બધું માન બાજુએ મેલીને! 

બધા જીવતરની પાયાની ઈંટ જેવા કાર્બનલાલા પણ તારા વિના તો ગ્રેફાઈટની ખાણમાં જ સડતા રહેવાના ને? ભાઈલા! તું તો  ખરો બળૂકો નીકળ્યો  હોં!

પણ એમ બહુ અભિમાનમાં ના રાચીએ હોં. લીલીછમ વનરાઈ ના હોત ને; તો તારો વસ્તાર ક્યાંથી એમનો એમ રહેવાનો? એ તો શેરને માથે સવાશેર હોય, હોય ને હોય જ! એમને તારા વિના ના હાલે અને તારે એમના વિના નો હાલે!

હેં ભાઈલા? મને એક વાત ખાનગીમાં કહી દે ને – ઓલ્યો હજાર હાથવાળો, આખી દુનિયા ચલાવનારો અને બધી માતાઓ અને યમરાજા - એ બધાંને તારા વિના ચાલે છે ખરું કે, એમને ય તું સપાટામાં લઈ નાંખ છ?! એ કાઠિયાવાડી બાપુના હુક્કા પણ તારા વિના ગુડ ગુડ ક્યાંથી કરવાના?

લે! તારી આટલી બધી ખુશામત કરી; હવે થોડોક પોરો ખાઈ લઉં; અને બે ચાર ઊંડા શ્વાસ લઈ લઉં.

પણ આ શું?  એ શ્વાસ/ ઉચ્છ્વાસની સાથે જ આ શેનો નાદ ચાલુ થઈ ગયો?

सोsहम्……. सोsहम्……. सोsहम्……. सोsहम्…….

રોમે રોમમાં આ શેની ઝણઝણાટી? શરીરનો એકે એક કોશ રૂમઝુમ નાચતો શીદ ભાળું? હા! હવે ગેડ બેસી. તારો વાયરો બધે ય ફરી વળ્યો. કોશે કોશને તેં તો ભઈલા નવપલ્લવિત કરી દીધો. મારો હજાર હાથવાળો બેલી તો ભાઈલા તું જ. તું જ આ ઘડીનો મારો પરમેશ્વર.

મેન્સફિલ્ડ, યુ.એસ. e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion