OPINION

સેક્સ એજ્યુકેશન બાબતે ડો. હર્ષવર્ધનના નિવેદનથી ફરી એક વાર ગુસપુસ ઊભી થઈ છે. પ્રમાણમાં શિક્ષિત હોય તેવાં માતા-પિતા પણ બાળક જ્યારે પૂછે કે હું "હું ક્યાંથી/કેવી રીતે આવ્યો?" એનો યોગ્ય જવાબ આપી શકતાં નથી. જાતીય અપરાધો -રોગો વધી રહ્યા છે ત્યારે સેક્સ એજ્યુકેશન જરૂરિયાત નહીં અનિવાર્યતા બની રહે છે. આ બાબતે મીંઢું મૌન કે ગલીપચીવાળી ગુસપુસ નહીં પણ નક્કર વૈજ્ઞાાનિક ચર્ચા જરૂરી છે

તાજેતરના દિવસોમાં બે સમાચારો એક સાથે ધ્યાન ખેંચનારા બની રહ્યા. એક ગુજરાતની પ્રસિદ્ધ રાણકીવાવને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસતની યાદીમાં સ્થાન અને બીજું નવી સરકારના વ્યવસાયે દાક્તર એવા પ્રધાન હર્ષવર્ધનનો બફાટ. આ બેઉ બાબતોને જોડતી કડી છે સેક્સ. જેને વિશ્વ વિરાસતનો દરજ્જો મળ્યો છે તે રાણકીવાવ પર ચિતરાયેલાં શૃંગારિક શિલ્પો પર ભલે લોકોનું ધ્યાન ન ગયું હોય, પણ ડો. હર્ષવર્ધનના પહેલાં કોન્ડોમ અંગેના અને પછી સેક્સ એજ્યુકેશન અંગેના નિવેદને ગુસપુસ ઊભી કરી છે. રિપીટ ગુસપુસ. જેનું કોઈ ફળદાયી પરિણામ હોય તેવી ચર્ચા નહીં. ફરી એના એ જ સવાલો ઊભા થયા છે. શું સેક્સ એજ્યુકેશન ('સેક્સ' શબ્દ માત્રથી જેમને ગલગલિયાં થતાં હોય કે પછી નાકનું ટીચકું ચઢી જતું હોય તેમણે સેક્સને બદલે 'જાતીય કે યૌન' એમ વાંચવું) ખરેખર જરૂરી છે? કેમ જરૂરી છે? જો એ જરૂરી હોય તો કોની જવાબદારી છે? શું એ માતા-પિતાનો વિષય છે? કે પછી બાકી બધા શિક્ષણની જેમ તે પણ શાળાએ આપવું જોઈએ? કેટલાં વર્ષે આપવું જોઈએ? કઈ હદ સુધી આપવું જોઈએ? અને ડો. હર્ષવર્ધનના નવા વિવાદ મુજબ સેક્સ એજ્યુકેશનને બદલે બાળકોને યોગશિક્ષણ અને ઉચ્ચ નૈતિક મૂલ્યો શીખવીએ તો ન ચાલે? આ તમામ સવાલો થતાં પહેલાં જે મૂળભૂત સવાલ થવો જોઈએ તે એ કે, સેક્સ એજ્યુકેશન એટલે શું?

સેક્સ એજ્યુકેશન એટલે શું?

સેક્સ આપણા સમાજમાં એક અપરાધિક શબ્દ માનવામાં આવે છે. તેને વર્જ્ય ગણવામાં આવે છે એટલે સ્વાભાવિક છે કે તેની સાથે જે કાંઈ જોડાય તે તમામ બાબતો વર્જ્ય બની જાય છે. આવું જ કંઈક અંશે સેક્સ એજ્યુકેશનમાં થાય છે. સેક્સ શબ્દને માત્ર ફિલ્મી સ્ટાઇલમાં જોનારો વર્ગ એવડો મોટો છે કે તે આ શબ્દ સાંભળતા જ નૈતિક મૂલ્યોના નારા સાથે રસ્તા પર આવી જાય છે, કેમ કે તેઓ સેક્સ એટલે બે વ્યકિતઓ વચ્ચેનો શરીરસંબંધ એવી સાંકડી સમજણ ધરાવે છે. આ બાબતે જાણીતા સેક્સોલોજિસ્ટ પ્રકાશ કોઠારી (સંદેશ, ૨૭ એપ્રિલ, ૨૦૧૩માં) કહે છે કે, "ખરેખર તો સેક્સ એજ્યુકેશન યાને કે યૌન શિક્ષણ એ માનવીય પ્રજનનતંત્રની આંતરિક સંરચના અને શરીરક્રિયાનું સરળ વિજ્ઞાાન છે. એ માત્ર બાળકો કેવી રીતે પેદા થાય છે તેની વાત નથી કરતું પણ ગર્ભધારણ, ગર્ભનિરોધક, જાતીય મનોવિજ્ઞાાન, શારીરિક વિવિધતાઓ, આપસી સંબંધો અને તેની પરાકાષ્ઠા, પ્રેમ જેવા ઘટકો વિશે પણ પૂરતી માહિતી આપે છે. આ જાણકારીથી મનમાં એક એવો પાયો નંખાઈ જાય છે, જેના આધાર પર કોઈ પણ વ્યક્તિનો વિકાસ એક સ્વસ્થ અને જવાબદાર વયસ્ક તરીકે થાય છે. સેક્સ વ્યક્તિને પોતાની સેક્સુઆલિટીની ઓળખ આપે છે."

સેક્સ એજ્યુકેશન કેમ જરૂરી છે?

જે દેશમાં વાત્સ્યાયનનું 'કામસૂત્ર' રચાયું હોય, જેનાં મંદિરોની ભીંતો પર કામઅંગભંગિમાઓ સાક્ષાત્ હોય, મહાકવિ કાલિદાસના કુમારસંભવથી નરસિંહ મહેતાનાં પદોમાં પ્રચુર શૃંગાર મળી આવતો હોય ત્યાં આજે સેક્સ એજ્યુકેશન કેમ જરૂરી છે, એવો સવાલ પૂછવામાં આવે છે તે વાત જ દુઃખદ અને અસાહજિક લાગે છે. અલબત્ત, સેક્સ એજ્યુકેશન એ સંવેદનશીલ બાબત તો છે જ પણ તેની તરફેણ માટે અનેક કારણો છે. પ્રાણીઓને સેક્સ વિશેની સમજણ આપવાની જરૂર પડતી નથી, તેઓ 'આપમેળે જ તે શીખી લેતાં હોય છે.' : આ દલીલ સેક્સ એજ્યુકેશનના વિરોધમાં બહુ વાપરવામાં આવે છે. આ બાબતે કામસૂત્રના સર્જક મુનિ વાત્સ્યાયન કહે છે કે, "સેક્સ એજ્યુકેશનની જરૂર જાનવરોને નહીં પણ પ્રાણીઓને છે, કેમ કે જાનવરો એક ખાસ ઋતુમાં શરીરસંબંધ બાંધે છે જ્યારે માનવ દરેક ઋતુમાં શરીરસંબંધ બાંધે છે." વાત સાચી માનવી પડે તેવી છે. માણસ એક વિચારશીલ પ્રાણી છે એટલે તેનો શારીરિક સંબંધનો હેતુ માત્ર પ્રજનન નહીં પણ આનંદ પણ છે. દેશમાં જાતીય હિંસાના બનાવો ઝડપથી વધી રહ્યા છે. કેટલાંક લોકો આવા શિક્ષણથી તેમાં હજી વધારો થશે તેમ માને છે, પણ હકીકત તો એ છે કે આવા શિક્ષણથી તેમાં ઘટાડો થઈ શકે છે. અલબત્ત, કાયદાઓનો કડક અમલ તેમાં વધારે અગત્યનો છે તેની ના નથી.

આપણા દેશમાં કિશોરવયની વ્યક્તિઓનું પ્રમાણ ઘણું છે. યોગ્ય જાણકારીના અભાવે તેઓ ઘણા હેરાન થાય છે અને તેને લીધે જાતીય રોગો તથા વસ્તીવધારા સહિતની સમસ્યાઓ ઉપરાંત સ્ત્રીઓને લગતી અનેક શારીરિક તકલીફો ઊભી થાય છે. દેશમાં નેશનલ હેલ્થ સર્વે મુજબ ૧૫-૧૯ વચ્ચેની વયજૂથ ધરાવતી ૧૨ ટકા છોકરીઓ માતા બને છે. આ આંકડાને અવગણી શકાય તેમ નથી. તેઓ માતા બને છે કેમ કે ગર્ભધારણ કે ગર્ભનિરોધકની યોગ્ય વૈજ્ઞાાનિક જાણકારીઓનો અભાવ છે. ભારતનાં કિશોર-કિશોરીઓ દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં સમજણથી વધારે વંચિત છે. તેમને પોતાના શરીર બાબતે, સેક્સ્યુઆલિટી બાબતે યોગ્ય જાણકારી મળે તે જરૂરી છે. તેમની જાણકારીનો મુખ્ય સ્રોત હાલ માતા-પિતા તથા અધકચરું જ્ઞાાન ધરાવતા આડોશીપાડોશી છે. જો શાળામાં આ અંગે યોગ્ય શિક્ષણ આપવામાં આવે તો તેમને અનેક જાતીય રોગોથી બચાવી શકાય તેમ છે. વળી, તેને લીધે માતામૃત્યુદર, કુપોષણ સહિતની અનેક બાબતો પર અસર નિપજાવી શકાય. બીજો એક મુદ્દો, બાળ યૌનશોષણનો છે. જો યોગ્ય માહિતી હોય તો તેને પણ ઘટાડી શકાય છે.

ભારતમાં સેક્સ એજ્યુકેશનની સાથે તે કઈ ઉંમરે અપાય તેનો પણ વિવાદ છે. ૨૦૦૯માં રાજ્યસભાની વૈંકેયા નાયડુના અધ્યક્ષપદે નિમાયેલી સંસદીય સમિતિએ ધોરણ ૧૨ પહેલાં સેક્સ એજ્યુકેશન આપવાનો ઇન્કાર કર્યો હતો. આ વિષયના અનેક નિષ્ણાતો તેનો વિરોધ કરે છે. નિષ્ણાતોના મતે સેક્સ એજ્યુકેશન બાળકના જન્મથી જ પ્રાથમિક રીતે શરૂ થઈ જાય છે. ઔપચારિક શિક્ષણ તેઓ પ્યુિબર્ટી એજમાં આવે ત્યારે એટલે કે છોકરીઓ માટે સરેરાશ દસ વર્ષ અને છોકરાઓ માટે સરેરાશ ૧૨ વર્ષે શરૂ થવું જોઈએ. આ જ સમયગાળામાં તેઓના શરીરમાં હોર્મોનના ફેરફાર સર્જાતા હોય છે એટલે આ ઉંમરથી તેમને શિક્ષણ આપવું જોઈએ. ટૂંકમાં, ધોરણ ૬-૭થી આવું શિક્ષણ અપાવું જોઈએ એમ નિષ્ણાતો માને છે.

સેક્સ એજ્યુકેશનનો વિરોધ

સેક્સ એજ્યુકેશનનો વિરોધ કરતાં લોકોની એક દલીલ એ છે કે, હાલના સમયમાં જ્યારે ફિલ્મોમાં સેક્સની ભરમાર હોય છે ત્યારે તથા ઇન્ટરનેટ હાથવગું સાધન છે ત્યારે લોકોને તે શીખવવાની કોઈ જરૂર નથી, પણ ખરેખર તો આવા સમયે જ વધુ જરૂર ગણાય, કેમ કે ઇન્ટરનેટની સાથે પોર્નોગ્રાફી પણ આવે છે અને તે કાંઈ વૈજ્ઞાાનિક રીતે સેક્સ એજ્યુકેશન આપવા માટે નહીં પણ મનોરંજન માટે છે. તે એક ધંધો છે અને તેને લીધે જ બાળકો પોર્ન ફિલ્મ કે ફિલ્મો જોઈને નહીં પણ યોગ્ય પદ્ધતિ સાથે શાળામાં નિર્ધારિત અભ્યાસક્રમ મુજબ શીખે તે જરૂરી છે. કેટલાંક લોકો આ બાબતે માતા-પિતા પોતાની મેળે ફોડી લેશે તેમાં વળી શિક્ષણ શેનું? એવી દલીલ કરે છે પણ પ્રમાણમાં શિક્ષિત હોય તથા સાચી માહિતી ધરાવતા હોય તેવા લોકો પણ જ્યારે પરિવારમાં સેક્સ વિશે વાત કરી શકતા નથી ત્યારે અભણ તથા રૂઢિચુસ્ત લોકો પાસેથી આવી આશા રાખવી વધારે પડતું છે.

ખતરનાક જાતીય રોગ એઇડ્સ પણ સેક્સ એજ્યુકેશન માટેનું એક સબળ કારણ છે. વિવાદોને લીધે ટ્વિટર પર હર્ષ'બર્ડન' તરીકે પ્રસ્થાપિત થયેલા યુનિયન હેલ્થ મિનિસ્ટર ડો. હર્ષવર્ધન કોન્ડોમને બદલે સંયમની સલાહ ભલે આપે, પણ સંયમ એ એક નૈતિક મૂલ્ય ગણીએ તો પણ નૈતિક મૂલ્યો પ્રાયોગિક ધોરણે પ્રસ્થાપતિ થવાં જરૂરી છે. આમ ત્યારે જ શક્ય છે જ્યારે દરેક પાસે યોગ્ય વૈજ્ઞાાનિક જાણકારી હોય. સંયમ મનની બાબત છે, જ્યારે જાણકારી અને સાધન તે આંખે દેખી શકાય તેવી વૈજ્ઞાાનિક બાબત છે. હાલ, દેશમાં સેક્સ એજ્યુકેશનના નામે જાહેર મુતરડીઓ-શૌચાલયોનું સાહિત્ય, સસ્તી ફિલ્મોનાં દૃશ્યો તથા રેલવે/બસસ્ટેશને વેચાતાં પુસ્તકો ચાલે છે, પણ દેશનું ભવિષ્ય તથા અનેક લોકોની જિંદગી તેમના નામે દાવ પર લગાવી શકાય નહીં. ધાર્મિક-પરંપરાગત-રૂઢિચુસ્ત વિરોધોને અવગણીને કિશોર-કિશોરીઓ માટે યોગ્ય યૌન શિક્ષણ નીતિ ઘડાય અને તેમાં અદૃશ્ય સંયમની વાતો નહીં પણ નક્કર વૈજ્ઞાાનિક સત્યોનો સમાવેશ કરાય તે જરૂરી છે.

e.mail: [email protected]

સૌજન્ય : ‘વિગતવાર’ નામે લેખકની કટાર, “સંદેશ”,  2 July 2014 :

http://www.sandesh.com/article.aspx?newsid=2958216

Category :- Opinion Online / Opinion

ભારત જેવી કૃષિપ્રધાન અને દેવમાત્રુક ભૂમિ માટે અને તેના લોકો માટે વર્ષા ઋતુનું મહત્ત્વ અનન્ય છે. ભારતના જનજીવન માટે વર્ષા ઋતુ એ જીવાદોરીનો આધાર જ નહિ, પર્યાય છે. આથી જ વેદોમાંનાં પર્જન્ય સૂક્તોનાં ગાયકોથી માંડીને છેક આજનો કવિ કે લેખક પણ વર્ષા ઋતુને વધાવતાં થાકતો નથી. પરંપરાગત જીવનપદ્ધતિમાં વર્ષા ઋતુ એ વિખૂટાં પડેલાં પ્રેમીઓ-દંપતીઓને, કુટુંબીઓને, ગામવાસીઓને એકઠાં કરનારી ઋતુ પણ હતી. વેપારીઓ અને વણજારાઓ, ખલાસીઓ અને સૈનિકો, વિદ્યાભ્યાસ માટે આશ્રમમાં રહેવા ગયેલા વિદ્યાર્થીઓ, પરાયે ઘરે પરાણે વેઠ કરતા શૂદ્રો, સૌ ચોમાસાના ચાર મહિના શરૂ થાય તે પહેલાં પોતપોતાને ઘરે પાછાં ફરતાં. અરે, સતત પરિભ્રમણ કરનારા સાધુઓ પણ આ ચાર મહિના કોઈ એક સ્થળે ઠરીઠામ થઈને રહેતા. એટલે ભારતવાસી માટે વર્ષા એ વરદાયિની ઋતુ છે. વારિના વરદાન વડે તે વસુધાને વિકસાવે છે એટલે જ નહિ, પણ પ્રેમના પ્રસાદ વડે પ્રાણને પ્રફુલ્લિત કરે છે તેથી પણ. આથી જ વર્ષાગાન વગરની ભારતીય કવિતાને, અને વર્ષાગાથા વગરના ભારતીય ગદ્ય સાહિત્યની કલ્પના કરવી મુશ્કેલ છે. આપણી ભાષાના કવિઓએ અને ગદ્યકારોએ મેઘના જે અનેકવિધ રૂપો આલેખ્યાં છે તેમાંથી થોડા અમી છાંટણા આ નાનકડા ખોબામાં ઝીલવાનો અહીં પ્રયત્ન કર્યો છે. 

***

જળ વરસ્યું ને ...

હરિવર ઊતરી આવ્યા નભથી ગાતા મેઘ મલ્હાર,
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર.
ફૂંક હરિએ હળવી મારી, ગાયબ બળબળ લૂ,
શ્વાસ હરિના પ્રસર્યા, માટી સ્વયમ્ બની ખુશબુ.
ખોંખારો હરિએ ખાધો ને વાદળ ગરજ્યાં ઘોર,
સહેજ વાંસળી હોઠ અડાડી, ટહુક્યા મનભર મોર.
ત્રિભુવનમોહન નેત્રપલક ને ઝળળ વીજ-ચમકાર,
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર.
મેઘધનુંમાં મોરપિચ્છના સર્વ રંગ સાકાર,
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર.

− ભગવતીકુમાર શર્મા

(‘સીધો સાક્ષાત્કાર’ કાવ્યના સંકલિત અંશો)

***

વિજોગ

ઘન આષાઢી ગાજિયો, સબકી સોનલ વીજ,
દૂરે ડુંગરમાળ હોંકારા હોંશે દિયે.
મચાવે ધૂન મલ્હાર, કંઠ ત્રિભંગે મોરલા,
સબકે અંતર માંય સાજન! લખ લખ સોણલાં.
ખીલી ફૂલ બિછાત, હરિયાળી હેલે ચડી,
વાદળની વણજાર પલ પલ પલટે છાંયડી.
નહિ જોવા દિન-રાત, નહિ આઘું-ઓરું કશું,
શું ભીતર કે બ્હાર, સાજન! તુહીં તુહીં એક તું.
નેણ રડે ચોધાર તોય વિજોગ કેમ રે!
આ જો હોય વિજોગ, જોગ વળી કેવા હશે?

− મનસુખલાલ ઝવેરી

(‘વિજોગ’ કાવ્યના સંકલિત અંશો)

***

જય હો!
જય હો અષાઢ!
શંખ બજે ગગને ગગને,
શ્યામલ ઘન વાદળ દળ ઘેરાય પ્રગાઢ,
જય હો અષાઢ!
વનમાં નાચત મયુરપિચ્છના કલાપનું ટહુકાવું,
નયન મલક મલકાવું.
નરનારીનાં વૃંદ હિલોળે,
ગાય મલાર મહાડ,
જય હો અષાઢ!

− રાજેન્દ્ર શાહ

(‘જય હો અષાઢ’ કાવ્યના સંકલિત અંશો)

***

આષાઢી બાદલ

બરસ બરસ આષાઢી બાદલ,
શ્યામલ સઘન સજલ અંબરતલ,
રુક્ષ ધરા કરી દો રે છલ છલ ... બરસ ...
આ મધ્યાહ્ન ધખે સહરાના,
પ્રચંડ રણની જ્વાલા,
એને શીતલ સભર ભરી દો,
મેઘે બાર હિમાળા.
રણમાં રિક્ત પૂરણ લહરાવો
નવ અંકુર હરિયાળા
સ્પરશે મત્ત પવનને પાગલ ... બરસ ...
તલસી તલસી આથડતી તૃષ્ણા,
પલ પલ ઘેલી અકેલી,
એ મરુવન મૃગજળની માયા
વ્યર્થ લિયો સંકેલી.
મેઘધનુષના રંગ-મિલનની
સ્વપ્ન મધુરતા રેલી
પ્રગટ પરમ તૃપ્તિ જલ નિર્મલ ... બરસ ...


− પિનાકિન ઠાકોર  

***

વરસી ગયા

વરસી ગયા રે વાદળમાં વનમાળી.
કહીં હવે પણ ઉરને,
નભને ભરતી સૂરત કાળી?
વરસી ગયા રે વાદળમાં વનમાળી.
જેઠ લગી તો જલી રહી ‘તી
કશુંય ન્હોતું કહેણ,
અચિંત આવ્યા, નવ નીરખ્યા મેં,
ભરી ભરીને નેણ,
રોમ રોમ પર વરસી-પરસી
બિંદુ બિંદુએ બાળી!
વરસી ગયા રે વાદળમાં વનમાળી.
તપ્ત ધરામાં જે શોષાયું
જહીં સરોવર-કૂપ,
જલધારામાં વહી ગયું એ
ઉરને ગમતું રૂપ.
શૂન્ય હતું ને શૂન્ય રહ્યું એ
નભને રહી હું ન્યાળી,
વરસી ગયા રે વાદળમાં વનમાળી.

− પ્રિયકાંત મણિયાર

***

વરસાદમાં

ભીંજાવામાં નડતર જેવું લાગે છે:
શરીર સુધ્ધાં બખ્તર જેવું લાગે છે.
મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ,
‘ઊઘડી જઈએ: અવસર જેવું લાગે છે.’
મોસમની હિલચાલ જ છે આશાવાદી:
સોળ અચાનક સત્તર જેવું લાગે છે.
ખુલ્લા ડીલે વૃદ્ધ મકાનો ઊભાં છે,
અક્કેકું ટીપું શર જેવું લાગે છે.

− ઉદયન ઠક્કર

***********************

વરસાદ પોતપોતાનો

અષાઢના આ ભીના દિવસોના મેઘ સાથે કાલિદાસ જોડાઈ ગયા છે. આદિ કવિ વાલ્મિકી અને આ યુગના કવિ રવિ ઠાકુર પણ જોડાયેલા છે. આ કવિઓએ વર્ષાને વિરહની ઋતુ જાહેર કરી દીધી છે. વર્ષા એ ભારતવર્ષની પ્રધાન ઋતુ છે, અને એ ઋતુ વિરહની? પ્રેમમાં જેણે વિરહ અનુભવ્યો નથી, એ પ્રેમ પદારથ તે શું એ કેવી રીતે જાણે? વિરહ તો પ્રેમીઓના જીવનમાં ડગલે ને પગલે આવે. અરે, વચ્ચે કમળના પાંદડા જેટલું અંતર હોય તોય ચક્રવાક અને ચક્રવાકી વિરહથી ઝૂરી મરે છે. પણ આ અષાઢના દિવસોમાં વિરહ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. વર્ષામાં વિરહ સહન કરવો દોહ્યલો છે, એમ કવિઓ કહી ગયા છે.

− ભોળાભાઈ પટેલ
(‘બોલે ઝીણા મોર’માંથી)

કોઈ પણ જાતના ઠાલા દેશાભિમાન વગર એક વાત નોંધવાની લાલચ નથી રોકી શકતો. ઘણા દેશોમાં વરસાદમાં પલળવાનું બન્યું છે. લંડનમાં તો એકાદ ઝાપટું આવે અને તમે માંડ પલળી રહો ત્યાં તો ઝાપટું ગાયબ! સાચું છે કે વરસાદને રાષ્ટ્રીય વાડાઓ સાથે સાંકળવાનું યોગ્ય નથી. છતાંય કહેવું પડશે કે અષાઢને પ્રથમ દિવસે આકાશમાંથી વરસાદી સુગંધ વરસી પડે અને આપણા મનને ભીંજવી દે એવો અનુભવ કોણ જાણે કેમ બીજા દેશોમાં નથી થતો. વરસાદ આપણને પલાળી મૂકે એ પૂરતું નથી. એ તો આપણી અંતર-ક્યારીને ભીંજવીને તરબતર કરી મૂકે ત્યારે જ તો વરસાદ કહેવાય. ચોમાસાની માતૃભાષા છે ‘ડ્રાઉં, ડ્રાઉં’

− ગુણવંત શાહ
(‘ઋતુસંહાર’ લેખના સંકલિત અંશો)

ન આવે.  કચ્છીમાં જેને ધરતીનો લાડો કહેવાય છે તે મીં આવે નહિ. અમારી આંખોમાં લોહી ઉતરી આવે. પછી લોકો કહેવા માંડે કે મીંને કોઈએ બાંધી રાખ્યો છે. તે સાચે જ એવું લાગે કે જાણે કોઈ મંત્રતંત્રના જાણકારે વરસાદને બાંધી રાખ્યો છે. પછી એકાએક વરસાદ છૂટી જાય. રણના આકાશને પાર કરતો મોડો મોડો એ દેખા દે. પહેલો છાંટો મારી માલિકીનો. તપ્ત રેતીમાં ફફ્ દેતોકને છાંટો પડે. થોડી ધૂળ ઊડે અને પહેલો છાંટો સૂકાઈ જાય. પછી તો એક પછી એક છાંટા પડે અને મન હોય તો દિલ દઈને વરસવા લાગે. જે અંદર છે તે મારો વરસાદ છે. મારો વરસાદ તમારો વરસાદ નથી, અને તમારો વરસાદ મારો વરસાદ નથી. કારણ કે વરસતા વરસાદમાં આપણને જે યાદ આવવાના છે તે ચહેરા જુદા છે અને તે આંખો જૂદી છે. મારી અને તમારી ભીંતો પર જે લીલ ઊગે છે તે પણ જુદી જુદી છે.

− વીનેશ અંતાણી
(‘પોતપોતાનો વરસાદ’ના સંકલિત અંશો)

વર્ષાનાં અનેક રૂપ જોવાં ગમે છે. દૂરની આમલીની ઘેરી ઘટાની આસપાસ વૃષ્ટિની ધારા જે અવેષ્ટન રચે છે તે હું મુગ્ધ બનીને જોઈ રહું છે. વડની જટામાંથી નીતરતી ધારા પણ જોવી ગમે છે. ખુલ્લા મેદાનમાં યુદ્ધક્ષેત્રમાં ભારે વેગથી ધસી જતી અક્ષૌહિણી સેના જેવી વૃષ્ટિધારા પણ મેં જોઈ છે. દૂરની ક્ષિતિજે મેદુરતાને ઘૂંટતી વર્ષાધારા કશાક અપરિચિત જોડે આપણું સંધાન કરી આપતી હોય છે. જળભીના મુખ પરથી કપોલના ઢોળાવ પરથી સરીને ચિબુકને છેડેથી ટપકતું જળબિંદુ જોઈ રહેવું એ કેવું આહ્લાદક હોય છે!

− સુરેશ જોશી
(‘નિદ્રા ને વરસાદના તાણાવાણા’માંથી સંકલિત અંશો

સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 30 જૂન 2014

Category :- Opinion Online / Opinion