OPINION

ગુજરાત ઇતિહાસ-પુરાતત્ત્વ ગ્રન્થસૂચિ / સં. હસમુખ વ્યાસ : રાજકોટ: પ્રવીણ પ્રકાશન, ૧ આવૃત્તિ, ૨૦૧૪ : ૨૦૮ પાનાં:   રૂ. ૨૦૦ 

આપણાં ઇતિહાસ અને સંસ્કૃિત બહુ પ્રાચીન અને સમૃદ્ધ છે એવાં બણગાં ફૂકવાં આપણને ગમે છે, પણ તેની જાળવણી માટે, તેના દસ્તાવેજીકરણ માટે કશું કરવાનું આપણને ભાગ્યે જ સૂઝે છે.

અરે, આ વિષયનાં જે સાધનો – જેમ કે પુસ્તકો – આપણી પાસે છે તેની વ્યવસ્થિત સૂચિ કરવાનું પણ આપણને ભાગ્યે જ સૂઝે છે. આથી જે થોડાઘણા – કે ઘણા થોડા – અભ્યાસીઓ છે તેમની મહેનત અને મુશ્કેલી ઘણી વધી જાય છે. પણ આવી ખોટ પૂરી કરવાનો કોઈ પ્રયાસ જોવા મળે ત્યારે હાશકારો થાય, કે ચાલો, આપણે ત્યાં હજી વિદ્યાપ્રીતિ સાવ મરી પરવારી નથી.

ગુજરાતનાં ઇતિહાસ, ભૂગોળ, જાતિઓ, કુળ, વંશ, જ્ઞાતિઓ, પ્રદેશો અને ઘટનાઓ, વ્યક્તિચિત્રો, સંસ્મરણો, સ્વાતંત્ર્ય સંગ્રામ, ધર્મ, લોકસંસ્કૃિત, પુરાતત્ત્વ, શિલ્પ-સ્થાપત્ય, લેખો, સિક્કા અને સંગ્રહાલયો જેવા વિષયો પરનાં ૧૧૧૧ પુસ્તકોની સૂચિ આ પુસ્તકમાં આપી છે તે આવાં કામોમાં રસ અને રૂચિ ધરાવનારાઓ માટે ઘણી ઉપયોગી થાય તેમ છે. ગુજરાતનાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકાલયો, સંસ્થાઓ અને સંગ્રહાલયોમાંની સામગ્રીનો અહીં આધાર લેવાયો છે. પણ સૌથી મોટો અને મહત્ત્વનો આધાર તો લેખકને તેમના અંગત પુસ્તક-સંગ્રહનો મળ્યો છે. તેમનું આ અંગત પુસ્તકાલય અભ્યાસીઓને ઈર્ષા આવે એવું હોવું જોઈએ. મુખ્ય સૂચિ પછી અહીં કર્તાનામ અને ગ્રંથનામ  સૂચિઓ પણ આપી છે. પુસ્તક તૈયાર થઈ ગયા પછી મળેલી ૧૧ પુસ્તકો વિશેની માહિતી પણ છેલ્લે પરિશિષ્ટ રૂપે ઉમેરી લીધી છે.

આવાં કામો કરવાં, અને તે પણ એકલે હાથે, સરકારની કે કોઈ સંસ્થાની મદદ વગર કરવાં, એ કેટલું મુશ્કેલ છે એ તો માહીં પડ્યા હોય તે જ જાણે. વળી આ પુસ્તકના લેખક તો મુંબઈ-અમદાવાદમાં નહિ, પણ અમરેલીમાં વસે છે, જ્યાં આવાં કામો માટેનાં સાધનો ટાંચા જ હોવાનાં. આવાં કામ કરવાથી વ્યાપક પ્રમાણમાં યશ કે મોટા પ્રમાણમાં અર્થની પ્રાપ્તિ થાય એ તો આપણે ત્યાં શક્ય જ નથી. અરે, દર વર્ષે ઢગલાબંધ ઈનામો સારી-સાધારણ કૃતિઓને આપી દેતી આપણી સરકારી કે અન્ય સંસ્થાઓને આવાં કામો માટે પણ એકાદો પુરસ્કાર રાખવાની જરૂર જણાતી નથી. ત્યારે આવા એકલવીરો આપણી પાસે હોય એ જ મોટી વાત.

આવાં કામો ક્યારે ય સંપૂર્ણ ન હોઈ શકે. આ સૂચિ પણ નથી. એક તો આપણી પાસે પ્રકાશિત પુસ્તકોની સર્વગ્રાહી સૂચિ જ નથી. બીજું, ઘણાં પુસ્તકાલયો આવાં કામોમાં મદદરૂપ થવા માટે બહુ ઉત્સાહ ધરાવતાં હોતાં નથી. અા સૂચિના વ્યાપમાં સમાઈ શકે એવાં પુસ્તકો ૧૯મી સદીમાં ઘણાં બધાં પ્રગટ થયાં હતાં, પણ તેમાંથી પ્રમાણમાં ઓછાં અહીં જોવા મળે છે. કેટલાંક પુસ્તકોને એકને બદલે બીજા વિભાગમાં મૂકી શકાયાં હોત એમ પણ લાગે. જ્યાં પુસ્તકના નામ પરથી તેના વિષય-વસ્તુનો ખ્યાલ આવે તેમ ન હોય ત્યાં ‘એનોટેશન’ પણ બધે મૂકવાનું બની શક્યું નથી. સૂચિકરણમાં પણ બધે એકવાક્યતા જળવાઈ જ છે એમ કહેવું મુશ્કેલ છે. પણ આ બધી ઉણપો એવી છે કે બીજી આવૃત્તિમાં સહેલાઈથી સુધારી શકાય.

આ વાક્ય લખ્યા પછી તરત વિચાર આવ્યો કે આવાં પુસ્તકોની બીજી આવૃત્તિ આપણી ભાષામાં થાય? થાય તો ય ક્યારે? એના કરતાં આવી સૂચિઓને ડિજિટલ સ્વરૂપે ઈન્ટરનેટ દ્વારા સર્વસુલભ બનાવવી જોઈએ. કારણ આ સ્વરૂપમાં ગમે ત્યારે, ગમે તેટલા ફેરફાર બહુ ઓછી મહેનત અને ખર્ચે કરી શકાય છે. એ સૂચિનો ઉપયોગ કરનારાઓ પણ તેમાં સુધારા-વધારા સૂચવી શકે છે. આવાં પુસ્તકો તૈયાર કરાવવાનું આપણી સંસ્થાઓ ભલે ન કરે, તેને ડિજિટલ રૂપ આપવાનું કામ કરીને થોડું પુણ્ય તો કમાઈ શકે.

સૌજન્ય : ‘બુક માર્ક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 07 જુલાઈ 2014

Category :- Opinion Online / Opinion

‘શોર્ટ કટ’

ચીમન પટેલ “ચમન’
08-07-2014

સમયની મારામારીમાં ‘શોર્ટ કટ’ લેવાનું કોઈને શીખવવું પડતું નથી. આપ મેળે, અનુભવો મેળવી, પોતાની સગવડતા-અગવડતા જોઈ શીખી જવાય છે, આપોઆપ ! ભલે એ ‘શોર્ટકટ’થી બીજાને મુસીબતોમાં મૂકી દેતા હોઈએ !

ગામના એક પ્રતિષ્ઠિત કુટુંબમાં એમના એક પુખ્ત ઉંમરના વડીલનું કુદરતી રીતે મૃત્યુ થતાં એમની પાછળ બેસણું ‘કમ’ ભજનો રાખ્યા અંગેની માહિતીભરી ઇ-મેલ મળી. આવનારને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને સૌ સમયસર પહોંચી જાય એનો સુંદર વિચાર કરી, શહેરની બધી દિશાઓ તરફ્થી આવવાના માર્ગોની અને ઘરના સંકળાયેલ સહુના સેલ ફોનના નંબરો મૂકી, આવનારને સુંદર સુવિધા કરી આપી હતી. આ આખા લખાણને લખતાં અને સામાવાળાનો વિચાર કરવામાં ઇ-મેલ ખૂબ લંબાઈ ગઈ હતી એવું વાંચનારને થાય.
મને તો આ ઇ-મેલ અને લખનાર વ્યક્તિ ગમી ગઈ.

છેલ્લે, આભાર વ્યક્ત કરી, પોતાના નામનું સવિસ્તાર સૂચન કરેલું, કે જેથી વાંચનાર કોઈ નામમાં ગોથું ન ખાઈ જાય! ઇ-મેલના અંતમાં ત્રણ અક્ષરો “JSK” લખ્યા હતા, એની મને સમજ ન પડી!! એક મિત્રને ફોન કરી પૂછ્યું તો પ્રથમ એ હસ્યો અને કહ્યું : ‘તમે લેખક થઈ ને આ ન સમજ્યા?!’

‘અરે ભઈ, સમજ્યો હોત તો તને સવારના પહોરમાં ફોન શું કરવા કરત?’

મને જ્યારે મિત્રે સમજાવ્યું કે ‘જય શ્રી કૃષ્ણનું’ આ સગવડિયું સમય બચાવવારું ‘નીક નેમ’ એમના સગવડિયા ભક્તો/ભકતાણીઓએ પાડ્યું છે. અને એકે પહેલ કરી, એટલે બીજાએ પણ કરી ! કેટલાક ભગવાનના આવાં ટૂંકા નામો હવે આ ઇ-મેલ પર લખાવવાં પણ શરૂ થઈ ગયાં છે! અહીં એનું લીસ્ટ મુકવા જેવું જ્ઞાન મારી પાસે નથી, નહિતર, તમારી જાણ માટે મૂકત !

આ સમજાયા પછી હું ભગવાન કૃષ્ણ પાસે પહોચી ગયો અને કહ્યું : ‘પ્રભુ, તમે મને હમણાં હમણાં ફરિયાદ કરો છો કે તમારા ભક્તોની સંખ્યા આજકાલ ઓછી થઈ રહી છે કારણ કે એમને સમયની તાણ છે, નાણાંની નથી!’

‘વસ્ત, આમ અવળી વાણી કેમ બોલે છે? તું શું કહેવા માગે છે એ જરા સરળ શબ્દોમાં સમજાવીશ?’

‘પ્રભુ, તમારા ભક્તો રોજની ટીવીની સિરિયલો, ભારતથી ઉનાળાના ઉકળાટથી બચવા અહીં આવતા સીને સ્ટારો, કથાકારો, નાટ્ય અને ગાયક વૃંદો માટે ગમે તેવાં કિંમતી કામ છોડીને, સમય કાઢી લઈ એમને જોવા/સાંભળવવા ‘હાઉસફુલ’કરી દે છે. આજકાલ સફેદ વસ્ત્રોમાં એમને સાંભળવા આવનારને ગમતી વાતો કહેતા, કાનને ગમે એવાં સંગીતમાં એમને ડોલાવતા, દેખાડવાના અને ચાવવાના અલગ દાંતોથી ભરમાવી, આ ભક્તોને એમના ભાષણોથી, આંધળા કરી દીધા છે, પ્રભુ! તમે તો માનવ જન્મ લઈ ઘણા ચમત્કારો કર્યા પછી આજે પૂજાવ છો. આ લોકોના દિવસ અને રાતના ચમત્કારો તમારા જેવા નથી છતાં તમને છોડી એ લોકોની ભક્તિ માટે ગાંડા કેમ થઈ ગયા છે, એ મને સમજાતુ નથી, પ્રભુ! હવે તો સમય બચાવવા તમારું નામ પણ ટૂંકાવી દીધું છે, પ્રભુ! તમને એની જાણ હશે કે નહીં એની મને ખબર નથી! પ્રભુ, તમે ચિંતા ન કરતા. નામ ટૂંકાવવાની પાછળ કોઈ કારણ તો હશે જ?’

‘વસ્ત, તું જો આ જાણતો જ હોય તો મને ચોખવટ કરી દે. મારા ભકતો માટે મારા દર્શનનો સમય થવા આવ્યો છે!’

‘પ્રભુ, જૂના જમાનામાં બાળકોનાં અસલ નામની સાથે સાથે બોલાવવાનાં નામો પણ અલગ આપવામાં આવતા હતાં. જેમ કે, દીકરાનું નામ ‘કોશલ’ રાખે, પણ બોલાવે એને ‘કીપો’ કહી! એ જ રીતે દીકરીનું નામ ‘અંકીનિ’ પાડી એને ‘શીની’ કહી બોલાવે. આમ કરવામાં આ સારા, શોભિતા, ખૂબ ખૂબ વિચારીને ચૂંટેલા નામોવાળા એમના બાળકોને કોઈની બૂરી નજર ન લાગે, અને એમનું આયુષ્ય લંબાવાય એવી માનતા માબાપોની રહેતી હશે, એવું મારું માનવું છે! કદાચ, આ કારણે તમારું સુંદર નામ તમારા સાચા ભક્તોએ ટૂંકુ કરી દીધું હશે, એવું મને લાગે છે. પ્રભુ, તમે તમારા નામને આમ ટૂંકાવનારા ઉપર ગુસ્સે ન થતા. સવારના નાહી-ધોઈ ચોપડીમાં તમારા સો (૧૦૦) નામ લખીને પછી જ ચા કે બદામવાળું દૂધ ગ્રહણ કરનારા તમને જેમ વધારે પસંદ છે, તેમ આ લોકોને પણ ગણી લેશોને પ્રભુ ?’

‘ચાલ, ચાલ તું હવે જલદી પતાવીશ, તારું ભાષણ?’

‘પ્રભુ, આ છેલ્લી વાત કરી લઉં. તમારો વધારે સમય નહીં લઉં એની ખાતરી આપું છું. આજ કાલ તમે જ આપેલી શક્તિઓ વડે, ભણેલાને પણ ભુલાવે એવી એમની વાચાઓથી એમના તરફ ખેંચીને તમારા ભક્તોની સંખ્યા ઓછી થતી હું જોઈ શકતો નથી!’

‘એ વાત તો તારી મને સાચી લાગે છે! તારી પાસે છે કોઈ ઉપાય એનો?’

‘પ્રભુ, છે. જો તમો થોડો વધારે સમય મને આપો તો?’

‘ચાલ, બોલી નાખ!’

‘ભૂતકાળમાં તમારો એક કિંમતી હાર કોઈ ચોરી ગયું હતું, અને તમે એ માટે કેમ ચુપ રહ્યા હતા, પ્રભુ? જો હવે તમારી આ ડાયમન્ડની માળા ચોરવા કોઈ હિમ્મત કરે, તો એને ત્યાં ને ત્યાં જ તમે સ્બધ્ધ કરી દો, તો આ એક જ ચમત્કાર એવો કામ કરી જશે કે પછી જુઓ તમારા ભક્તોની કેવી લાંબી લાંબી લાઈન લાગી જાય છે! … લ્યો, તમારા ભક્તોના પગરવનો અવાજ મને સંભળાવવા લાગ્યો. પ્રભુ, હું વિદાય લઉં!?’

e.mail : [email protected]

http://chimanpatel.gujaratisahityasarita.org/

Category :- Opinion Online / Opinion