OPINION

ખાડે ગયેલી શિક્ષણપદ્ધતિ સુધારવાનો સમય

શિક્ષણની ક્ષમતા વૈચારિક ક્ષેત્રે છે, નૈતિક કે આર્થિ‌ક ક્ષેત્રે નહીં. નવા વિચારોને અમલમાં મૂકવાનું કામ તેનું નથી

આને કોઈ જ્યારે પત્રકાર કે કર્મશીલ કહે છે ત્યારે હું કહું છું કે હું શિક્ષક છું અને તેમ હોવાનું મને ગૌરવ છે. જો હું ઊંઝા જોડણીને અનુસર્યો હોત તો આજે હું દીન એટલે કે ગરીબડો કે બાપડો હોત. મોક્ષ કહેતા મુક્તિના ત્રણ માર્ગો છે - જ્ઞાન, કર્મ અને ભક્તિ. શિક્ષક જ્ઞાન માર્ગનો ઉપાસક છે. પરંતુ જ્ઞાન માર્ગ એ સ્વૈચ્છાએ વહોરેલી ગરીબીનો -સુદામાનો માર્ગ છે. અલબત્ત, કેટલાક શિક્ષકોને આ માર્ગ પસંદ ન પડતા તેઓ ધંધો બદલી કાઢી રાજકારણ કે અર્થકારણમાં જાય છે. પરંતુ કોઈ રાજકારણી કે ધંધાદારીને શિક્ષક બનવાનું સૂઝયું નથી. એટલે બ્રેડની કઈ બાજુ બટર છે તે સ્પષ્ટ છે.

એક શિક્ષકને પૈસાદાર થવાનું મન થયું. તેણે પોતાના સાથીદારને કહ્યું, 'જો હું મુકેશ અંબાણી બની જાઉં તો મુકેશ અંબાણી કરતાં વધુ પૈસાદાર બનું.’ સાથીએ પૂછ્યું, 'તે કઈ રીતે?’ શિક્ષકે જવાબ આપ્યો, 'પછી ટયૂશનની વધારાની કમાણી તો ચાલુ જ રહે ને’ ખેર, હળવી વાત જવા દઈએ. આજે શિક્ષક દિન. આપણા બીજા રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણનનો જન્મ દિવસ. અન્ય રીતે ઉજવણીને બદલે તેમના સૂચન મુજબ જ આ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાની પ્રથા આપણા દેશમાં ૧૯૬૨થી શરૂ થઈ. આ દિવસને બીજી રીતે સ્વયં શિક્ષણ દિન તરીકે પણ ઉજવાય છે. આ દિવસે કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષકની ભૂમિકા ભજવી પોતાના વર્ગ મિત્રોને જ શિક્ષણના પાઠો આપવાનું કામ કરે છે.

આમાંથી કદાચ ભવિષ્યના શિક્ષકનું ઘડતર થાય છે. આ દિવસ અન્ય રીતે પણ દેશમાં ઉજવાય છે, જેમાં શિક્ષક સન્માન, ગુરુ વંદના (અલબત્ત ભારતીય પ્રણાલી મુજબ ગુરુ પૂર્ણિમા અલગ છે), વકતૃત્વ સ્પર્ધા (કોણ ચડે - કલમ કે તલવાર?), કાર્ડ અને પોસ્ટર સ્પર્ધા, શ્રેષ્ઠ શિક્ષક એર્વોડ મહાનુભાવોના પ્રવચનો વગેરે અનેક રીતે શિક્ષકોનું સન્માન થશે. પરંતુ વાસ્તવમાં આપણો સમાજ શિક્ષકને કેટલું માન આપે છે તે નીચેના પ્રસંગથી તાદ્રશ્ય થાય છે.

એક તાલુકા મથકે કેળવણી નિરીક્ષક, જમાદાર તથા કલેકટર કચેરીના ચીટનીસ પહોંચી ગયા. નિયમ મુજબ નિરીક્ષક સિનિયર ગણાય. ગેસ્ટ હાઉસમાં બે કમરા હતા. ચોકીદારે ચિટનીસને એક કમરો આપ્યો, જમાદારને બીજો કમરો આપ્યો અને કેળવણી નિરીક્ષકને કહ્યું, 'માસ્તર, તમે તો નિશાળમાં સૂઈ રહેશો ને?’ આ તો એક માત્ર દાખલો છે, પરંતુ ગામમાં કોઈ મહાનુભાવ આવે ત્યારે શિક્ષકે શાળાના વિદ્યાર્થીઓને લઈને જવું પડે નહીં તો સંખ્યા ન થાય. કોઈ પણ ખાતાના કોઈ પણ કાર્યક્રમમાં બંદોબસ્તનું કામ શાળાના શિક્ષકે કરવાનું હોય. કુટુંબ નિયોજનના કેમ્પમાં લોકોને લાવવાનું કામ શિક્ષકે કરવાનું હોય. શિક્ષકને શિક્ષણ સિવાય અન્ય કામો ન સોંપવાનો હુકમ હોવા છતાં આવું બને છે.

આ વાત ત્યાં સુધી લંબાય છે કે આપણા એક સનદી અધિકારીએ કોલેજના વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે અધ્યાપકોને વહીવટના કામો સોંપ્યા હતા. શિક્ષકો બાપડા ખરા કે આવા કામોમાંથી પણ આનંદ પ્રાપ્ત કરતા. એક બાજુ શિક્ષકનું આ વાસ્તવિક સ્થાન અને બીજી બાજુ આપણી શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષક પાસેની ઉચ્ચ અપેક્ષા -બેનો મેળ કઈ રીતે પડે? શિક્ષણના દાર્શનિકો કહે છે કે રાજકારણ અને અર્થકારણ શિક્ષણને વધુ અસર કરે છે, જ્યારે તે બંને વ્યવસ્થાઓને અસર કરવાની શિક્ષણની ક્ષમતા મર્યાદિત છે.

શિક્ષણની ક્ષમતા માત્ર વૈચારિક ક્ષેત્રે છે, નૈતિક કે આર્થિ‌ક ક્ષેત્રે નથી. શિક્ષણ નવા વિચારો આપી શકે, સંશોધનો કરી શકે, પરંતુ આ નવા વિચારોને અમલમાં મૂકવાનું કામ શિક્ષણનું નથી. શિક્ષણ વિદ્યાર્થીનું ચારિત્ર્ય ઘડતર કરી શકે, પરંતુ જો રાજકારણ અને અર્થકારણ જુદા મૂલ્યો પર ચાલતા હોય તો આ ચારિત્ર્ય ઘડતરની અસર માર્યાદિત બની જાય છે. પરંતુ શિક્ષણ દ્વારા અપાતા વિચારો જો ઉચ્ચ કક્ષાના હશે તો તે અર્થકારણ અને રાજકારણને અસર કરી શકશે. આ અર્થમાં શિક્ષણ અને શિક્ષક સ્વાયત્ત છે.

જો વાસ્તવમાં શિક્ષણ અને શિક્ષકને સક્ષમ બનાવવા હોય તો રાજકારણ કે અર્થકારણ પાસે જે સત્તા છે એટલી સત્તા શિક્ષણને આપવી પડે. ઉદારીકરણના આ યુગમાં શિક્ષણ અંગેના નિર્ણયો રાજકારણ કે અર્થકારણ ન લે પરંતુ જો શિક્ષણના જ લોકો લે તો શિક્ષણ વાસ્તવમાં સ્વાયત્ત બને. બાકી જો દિવસ ઉજવવાની વાત હોય તો દરેક દેશ શિક્ષક દિન ઉજવે છે, આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન પ ઓક્ટોબરે આવે છે. પરંતુ આવી ઉજવણીથી કોઈ ફર્ક પડતો નથી. યુનો દ્વારા એક વર્ષમાં કુલ ૧૮૨ દિવસો ઉજવાય છે, આ જગતમાં ૩૬પમાંથી ૨૦પ દિવસો ઉજવાય છે.

દા.ત. ૧ મેના દિવસે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિન ઉજવાય છે, પરંતુ શ્રમિક કાનૂનો તો નબળા જ પડતા જાય છે. એટલે માત્ર સમારંભ ઉજવવાને બદલે વાસ્તવમાં શિક્ષણની સ્થિતિ સુધારવાનો પ્રયાસ વધુ સારું પરિણામ આપશે.

(સૌજન્ય : ‘ઘડતર’ નામે લેખકની કટાર, “દિવ્ય ભાસ્કર”, 05 સપ્ટેમ્બર 2014)

Category :- Opinion Online / Opinion

દૃશ્ય ૧ : સામસામેની સોસાયટીમાં રહેતાં એક જ કોમનાં છોકરો-છોકરી પ્રેમમાં પડયાં. પકડાઈ ગયાં. છોકરીના બાપે છોકરાને ધમકાવ્યો. આ ધમકાવવાની ટેગલાઈન હતી, તેં મારી છોકરીને ફસાવી છે.

દૃશ્ય ૨ : સામસામેની સોસાયટીમાં રહેતાં બે અલગ-અલગ કોમનાં છોકરા-છોકરી પ્રેમમાં પડયાં. છોકરીનો બાપ કે બીજું કોઈ ક્યાં ય પિક્ચરમાં નથી, પણ છોકરીની સોસાયટીના સો-કોલ્ડ ચેરમેન ફ્રેમમાં એન્ટર થયા. એમણે છોકરાને ધમકાવ્યો. ટેગલાઈન હતી, સાલા તમારી સોસાયટીના છોકરાઓ અમારી સોસાયટીની છોકરીઓને ફોસલાવીને પટાવી જાય છે. હવે આ બીજા દૃશ્યમાં એક નવો જ ચહેરો સામેલ થયો. એને સોસાયટી સાથે કંઈ લેવાદેવા નથી પણ એ કોઈક ધાર્મિક સંગઠનનો વડો છે. એણે જાહેર કર્યું, "તમને ખબર છે, આ તમારી સામેવાળી સોસાયટીમાં રહેતા બધા તો ફલાણા ધરમના છે અને એ કોમવાળા તો બધા આવું જ કરે છે. આપણી દીકરીઓને કંઈ ને કંઈ લાલચ આપી પટાવી જાય છે, તેમનો ઉપયોગ કરે છે અને તેમને વટલાવી નાખે છે. ફલાણી જગ્યાએ પણ આવું થયેલું. એમની કોમવાળાઓ આવા જ છે બધા.”

ઉપર છે રાઈના પર્વત નામે લવ-જેહાદની શરૂઆતનો તબક્કો.

ઉપરનાં બે દૃશ્યોમાં ફરક સમજવા જેવો છે. એક વ્યક્તિગત વાત છે, જેમાં છોકરીના બાપને મારી દીકરીને ફસાવવામાં આવી રહી છે એવી લાગણી થાય છે. (જે સાહજિક ગણી શકાય.) રિપીટ. લાગણી થાય છે, ખરેખર છોકરીએ છોકરાને ફસાવ્યો હોય કે કોઈએ કોઈને ન ફસાવ્યા હોય કે બેઉ એકબીજાને પ્રેમ કરતાં હોય તેમ બની શકે છે. બીજા દૃશ્યમાં એક ઘટના વ્યક્તિમાંથી કેવી રીતે નાના સમૂહની યાને કે સો-કોલ્ડ સોસાયટીની બની જાય છે તેની વાત છે. હવે આ નાના સમૂહમાં ધરમનો મોટો સમૂહ ભળે છે અને સાદો, સરળ પ્રેમ પણ 'કોમવાલા ઇસ્ક' બની જાય છે. "ફલાણી કોમના છોકરાઓ ઢીંકણી કોમની છોકરીઓને પૂર્વયોજિત કાવતરા મુજબ ફસાવે છે, તેમનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાવે છે અને તેમને રંજાડે છે" એવી વાત એક સોસાયટીથી બીજી સોસાયટી ને ગામમાંથી પરગણામાં થઈ છેવટે છાપે પહોંચે છે. એક વ્યક્તિગત વાતને આખા સમાજના ધારણાત્મક સત્ય તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે છે. આ વાત જેની હવા બંધાઈ છે તે લવ-જેહાદનો મૂળ વિચાર છે.

કથિત લવ-જેહાદને હિન્દુ-મુસ્લિમ એવા કોમી ચોકઠામાંથી બહાર કાઢી જોવામાં આવે તો બેઉ પક્ષે દાવ પર તો સ્ત્રી જ લાગેલી છે. "અમારામાં (છોકરી) લેવાય પણ દેવાય નહીં" એવી પ્રચલિત સમાજોક્તિ યાદ આવે છે? 'લવ-જેહાદ' નામે તૂત ઊભું થયું છે તેની પાછળની ધાર્મિક રૂઢિચુસ્ત પુરુષવાદી માનસિકતા આ છે. આધુનિક બની રહેલી પેઢી દેશના બંધારણે આપેલા અધિકાર મુજબ ધર્મથી લઈને પસંદગી મુજબનાં લગ્ન સુધીનું સ્વાતંત્ર્ય મેળવવાની કોશિશ કરી રહી છે, પણ તમામ ધર્મો અને તેમના સેંકડો વાડાઓમાં પેઠેલો સડો તેમને ફરી એ જ કળણમાં ખૂંપવી દેવા માગે છે. આ પરિસ્થિતિનો સૌથી વધારે ફાયદો રાજકારણ મેળવે છે એટલે એક પણ પક્ષ "દેશના બંધારણ મુજબ અને મૂળભૂત માનવીય અધિકારો મુજબ તમને તમારી પસંદગીથી પ્રેમ કરવાનો, લગ્ન કરવાનો, ગમે તે વ્યયસાય કરવાનો, હરવા-ફરવાનો, અભિવ્યક્તિનો કે ધર્મ પસંદ કરવાનો અધિકાર છે" એમ કહેવાને બદલે 'લવ-જેહાદ' જેવી મોંમાથા વગરની વાતની પણ રોકડી કરી લે છે.

કોઈ પરિવારનો છોકરો બીજા ધર્મની છોકરીના પ્રેમમાં પડે અને તેને પરણે તેની સામે જે હદે વાંધો હોય તેનાથી હજાર ગણો વધારે વાંધો પોતાના પરિવારની છોકરી સામેની કોમમાં પરણે તેમાં હોય છે. અહીં સ્ત્રીની વ્યક્તિગત ઓળખ ભૂંસાઈ જાય છે. એ માત્ર ઘર-ખાનદાન-નાત-ધરમનું ગૌરવ બનીને રહી જાય છે. બીજી કોમનો છોકરો તમારી કોમની છોકરીને પરણે એવા તમામ સંબંધોની સત્યતાને તમે 'લવ-જેહાદ' ગણી નકારી કાઢો અને તેને ધર્મપરિવર્તનનું પૂર્વયોજિત ષડ્યંત્ર ગણો તો આ જ ગણિત ઊલટું પણ લાગુ ન થઈ શકે? થઈ શકે. આ વાત જો સાચી માનવામાં આવે તો બેઉ કોમના છોકરાઓ કથિત રીતે લવ-જેહાદી ઠરે અથવા તો તમામ વિધર્મી પ્રેમલગ્નનું કારણ ધર્માંતરણ જ ગણાવવામાં આવે. જે હસી કાઢવી પડે એ હદે મૂર્ખતાભરી વાત છે. અલબત્ત, આવું કરવામાં પણ આવી રહ્યું છે. લવ-જેહાદ નામના કથિત સંગઠનની હયાતી કે સત્યતા તો સાબિત થઈ શકી નથી, પણ તેની સામે એન્ટી લવ-જેહાદ નામે નવો મોરચો ઊભો થયો છે. "એ લોકો આપણી કોમની એક છોકરી લઈ જાય છે તો તમે તેમની કોમની સો છોકરીઓ લઈ આવો" એવા હોંકારા પડકારા કેટલાક કટ્ટરવાદીઓ કરી પણ રહ્યા છે. અરે! એક મિનિટ ભાઈ, સ્ત્રીઓને દાવ પર લગાવવાની કોઈ હોડ જામી છે કે શું? બે કબીલા કે બે દેશો કે પછી બે જૂથો વચ્ચે યુદ્ધ થાય અને તેઓ સ્ત્રીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવી યુદ્ધ જીતી લેવાની પરંપરા હતી પહેલા. અહીં યુદ્ધ તો નથી, પણ લોકશાહી પ્રણાલીમાં ચૂંટણીઓ જ યુદ્ધ ગણાતી હોય છે એ કોણ નથી જાણતું?

તો આ આખી લવ-જેહાદની વાતમાં તથ્ય શું નીકળે? ૨૦૦૭થી ગુજરાતમાં અને કર્ણાટક, કેરળમાં ગૂંજી રહેલો આ મુદ્દો ખરેખર છે શું? કોઈ કોમના લોકો આવું પૂર્વનિયોજિત ષડ્યંત્ર રચીને કામ કરી રહ્યા છે એ દાવો કેટલો સાચો ઠરે? આપણે સમજવી પડે એવી ઘણી બાબતો છે. એક, દરેકને પોતાની પસંદગી મુજબ પ્રેમ અને લગ્ન કરવાનો અધિકાર છે. બે, બે અલગ કોમ વચ્ચે પ્રેમલગ્ન હોય તો એમાં બળજબરી ધર્મપરિવર્તન એ જ એજન્ડા ન હોઈ શકે. ત્રણ, ધર્મપરિવર્તન પણ જો લોભલાલચ વગર કરવામાં આવ્યું હોય તો એ કાયદેસર છે અને બંધારણીય અધિકાર છે. ચાર, લોભ કે લાલચની વ્યાખ્યા વ્યક્તિ વ્યક્તિએ જુદી હોઈ શકે છે. પ્રેમ કરનાર માણસ માટે પોતાના પ્રેમને પામવાથી મોટી કોઈ લાલચ ન હોઈ શકે અને તે માટે જો એ ઘર છોડી શકે તો ધર્મ શું કામ ન છોડી શકે? પાંચ, અનેક હજાર કેસના દાવા ભૂતકાળમાં કરવામાં આવ્યા છે અને હજી પણ થઈ રહ્યા છે, પણ બહુ જ જૂજ કેસમાં બળજબરી કરવામાં આવી હોય તેવું પ્રતિપાદિત થયું છે અને મોટા ભાગના કેસમાં બે નોખી કોમના લોકો પોતાની મરજીથી પરણ્યા હોવાની વાત બહાર આવી છે. છ, રાજકીય તત્ત્વો કે કટ્ટરવાદીઓને ઇશારે પ્રેમની કે લોભ-લાલચની વ્યાખ્યા નક્કી કરવી બેવકૂફી છે. સાત, જેમ અન્ય સામાન્ય લગ્નો નિષ્ફળ જાય છે અને તેવા લગ્નસંબંધમાં બંધાયેલી છોકરી અનેક યાતનાઓનો ભોગ બનતી હોય છે તેમ જ બે નોખી કોમ વચ્ચેનાં લગ્ન પણ નિષ્ફળ જઈ શકે, પણ તેને લીધે જે તે ધર્મના તમામ લોકોને ખોટા ન ઠેરવી શકાય. આઠ, આ પ્રકારની રાજકીય અને કટ્ટરવાદી પેંતરાબાજીથી સમાજમાં સદ્દભાવનું અને એખલાસનું જે વાતાવરણ હોય છે તે ડહોળાય છે એટલે તમામ સત્યોને જનરલાઇઝ ન કરી તેને કેસ ટુ કેસ જોવા જોઈએ અને જો કોઈ દબાણ કે બળજબરી હોય તો તેની કાયદેસર તપાસ થવી જોઈએ. નવ, પ્રેમલગ્ન જો સ્પેિશયલ મેરેજ એક્ટ મુજબ કરવામાં આવે તો એવાં લગ્નની નોટિસ એક મહિના સુધી લાગતી હોય છે. આની સામે ધર્માંતરણ બતાવીને તરત લગ્ન થઈ શકે તેમ હોય છે, તેથી પણ અનેક યુગલો કટોકટીની સ્થિતિમાં સરળ રસ્તા તરીકે આને પસંદ કરે છે જે બીજા લોકો માટે નવો મુદ્દો બની જાય છે. આપણા લગ્ન અંગેના કાયદાઓ પણ આ સ્થિતિ ઊભી થવા માટે જવાબદાર છે. દસ, લવ-જેહાદ જેવી થિયરી સ્ત્રીની નિર્ણયની સ્વતંત્રતાની સ્વાયત્તતા સામે પ્રશ્નાર્થ ખડો કરે છે અને સમાજમાં પુરુષવાદી રૂઢિચુસ્ત ધાર્મિક વિભાવનાઓ પ્રસ્થાપિત કરવાની કોશિશ કરે છે. હકીકતમાં લવ-જેહાદ જેવું કોઈ સંગઠન છે એવું સાબિત થઈ શકયું નથી.

છેલ્લે, પ્રેમ નાતજાત-કોમ-ધરમ જોતો નથી તેના અનેક કિસ્સાઓ આપણી સામે છે. આધુનિક વિચારોથી ઊછરી રહેલી આજની પેઢી પોતાના નિર્ણયોની પસંદગી પોતે કરવામાં માને છે એટલે બેશક ઇન્ટર-કાસ્ટ કે ઇન્ટર-ફેઇથ લગ્નો વધતાં જ જવાનાં છે. અલબત્ત, એ વધે તે સમાજના હિતમાં છે તેમ ડો. ભીમરાવ આંબેડકરથી લઈને ભારતની સર્વોચ્ચ અદાલત સુધી અનેક કહી ગયા છે, પણ તો ય આપણો પરંપરાવાદી મોહ છૂટતો નથી. 

e.mail : [email protected]

સૌજન્ય : ‘વિગતવાર’ નામે લેખકની કટાર, “સંદેશ”, 03 સપ્ટેમ્બર 2014

Category :- Opinion Online / Opinion