OPINION

હોળીનો તહેવાર તો હતો 16મી માર્ચના, પણ ઇન્ડિયન એસોસીએશન, માન્ચેસ્ટર તરફથી તારીખ 23મી માર્ચને દિવસે માન્ચેસ્ટરના પ્લાટફિલ્ડ પાર્કમાં, નાનકડી તળાવડીને કાંઠે, ધુળેટીની ઉજવણીનું આયોજન કરવામાં આવેલું !

ભાઈ, આ તો માન્ચેસ્ટર એટલે વરસાદ આવે તો જ તેનું અસ્તિત્વ સાર્થક થાય, પણ અમને એટલાથી સંતોષ ન વળ્યો, તે કરાંની બૌછાર વચ્ચે અમે તો ઉત્સવની જમાવટ કરી. છેવટ જો કે સૂરજદાદાને પણ અમારી સાથે જોડાવાનું પ્રલોભન થયું।

લાલ, પીળો, લીલો, જાંબલી, વાદળી, કેસરી અને ગુલાબી રંગો અમે નાની નાની ડબ્બીઓમાં વેંચ્યા ! ધીમે ધીમે લોક ઉમટતું ગયું. અર્ધા કલાકમાં તો યુનિવર્સિટીમાં ભણતાં યુવક-યુવતીઓથી મેદાન ભરાઈ ગયું. રંગના વેચાણમાંથી માથું ઊંચું કરીને જોયું તો આખેઆખાં કુટુંબ સાથે આવેલ લોકો હતાં, ચાર મહિનાનું બાળક અને પંચોતેર વર્ષની દાદીમા પણ હતાં.

મજાની વાત તો એ બની કે રંગ ખરીદવા આવે ત્યારે જમૈકન, પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી, અંગ્રેજ, મરાઠી, આઈરીશ, આફ્રિકન, પંક, ગે, યુરોપિયન અને મન્ક્યુનિયન એમ જાત જાતના લોકો આવ્યાં છે એવો અહેસાસ થયો પણ રંગોના છંટકાવ થયા પછી રંગો વચ્ચે ઢંકાયેલા ચહેરાઓ અને નાચતાં-કૂદતાં લોકો વચ્ચે ફરતાં લાગ્યું કે એ તો બધા માત્ર રંગ રસિયા હતાં. એ બધાની ઓળખ જાણે એ સપ્ત રંગોની મિલાવટમાં ઓગળી ગઈ. એ વખતે સહુ જાણે વૃન્દાવનમાં હોળી ખેલવા એકઠાં થયેલ ગોપ-ગોપીઓ જેવા લાગતાં હતાં.

એક હાથે રંગ ભરી પોટલી આપીને બીજે હાથે બદલામાં રોકડ લેતાં ભારતમાં હતી ત્યારે કેવો ગુલાલ ઉડતો હતો તેની સ્મૃિતઓ સળવળી ઊઠી એટલે સામે આવેલા ંયુવક-યુવતીઓને અમે કેવા સુતેલી ભોજાઈને ગળે કંકુના લપેડા કરેલા, મિત્રોના ચહેરાઓ પર કાજળની મૂછો બનાવેલી, ઘેર આવેલ મામા-માસીને તેમની પીઠ તરફથી આવીને કપાળે રંગ ચોપડેલો તે વાતો કરતી રહી. તેમાં ય જંગલમાં કેસૂડાં વીણવા જતાં એ યાદથી તો આંખો ભીની થઈ ગઈ. એ કેસૂડાનાં ફૂલોના આકાર, એક જ ફૂલમાંના ચચ્ચાર રંગોની જમાવટ અને ગરમ પાણીમાં પલળવાથી એમાંથી છૂટતી ફોરમનું મારું વર્ણન સંભાળીને ટોળે વળેલ લોકો કહેવા લાગ્યા, ‘અહીં એ મગાવોને!’ એકે કહ્યું, ‘મારે ભારત જવું છે.’

મેં હોળીનો ઉલ્લાસ ભરપૂર માણીને થાક ઉતારતી બે બહેનો વચ્ચે વાર્તાલાપ સાંભળ્યો, ‘અહીં આલ્કોહોલ નથી વેચાતો, છતાં લોકો કેવા ખુશ થઈને નાચે-ગાય છે!’ મેં તેમને નવરાત્રીના ઉત્સવમાં જોડાવાનું આમત્રણ આપતાં કહ્યું કે અમે હજાર-બારસોની સંખ્યામાં આવેલ નાર-નારીઓ એક એક પ્લેટ ભેળ-ચાટ કે સમોસાં સાથે પાણી, કોક કે સ્પ્રાઈટ પીને ચાર-પાંચ કલાક મધરાત સુધી વણથંભ્યા રાસ લઈએ છીએ એ જોઈને તમને ખ્યાલ આવશે કે આનંદનો અનુભવ કરવા એક સરખા રસ ધરાવતા લોકોની હાજરી, સુંદર સંગીત અને તાલ સિવાય કશું જરૂરી નથી.

એ બહેનોને મેં કહ્યું કે એમ તો આ હોળીના તહેવાર સાથે જોડાયેલ વાર્તા પણ જાણવા જેવી છે, તો મને આગ્રહ કરીને સંભળાવવા કહ્યું, એટલે એ 20-25 વર્ષની ઉંમરની, એ ઉત્સુક બહેનોને, પ્રહ્લાદની વાર્તા કહી. જે સાંભળીને તેઓ બોલી ઊઠ્યાં, તમે એક કથાકાર છો? આવતે વર્ષે હોળી ખેલવા સાથે વાર્તા પણ કહો તો કેવું? મેં સ્વીકાર્યું કે હા, નાનાં બાળકોને એ ગમે, તો શરમાઈને નીચું જોઈને કહે, ‘ખરેખર તો અમને બહુ મજા આવી’. આ રીતે હોળી રમવાની સગવડ કરી આપવા બદલ લોકો આભાર માને, આવતે વર્ષે ક્યારે ઉજવશો એમ પૂછે, રંગ ખલાસ થાય તો હવે એક આખું વર્ષ રાહ જોવી ન પોસાય, તેના કરતાં તરત બીજો રંગોત્સવ કરોને એવી માંગણી કરતાં લોકોનો અદમ્ય ઉત્સાહ અને આનંદ જોવાથી પાનો ચડે એમાં નવી કશી?

આ અનુભવને વાગોળતાં ઘર ભણી વળતી હતી ત્યાં ચહેરા અને કપડાં પૂરેપૂરાં રંગેલ હોય તેવી સ્થિતિમાં લોકોને માન્ચેસ્ટરના રસ્તાઓ પર ચાલતાં જોયાં ત્યારે થયું, ‘79ની સાલમાં મને ‘તમારી ક્રિસ્ટમસ જેવી ઉજવણી ક્યારે હોય?’ એમ પૂછનાર પ્રજા અત્યારે અમારી સાથે હોળી, દિવાળી, વૈશાખી, પ્રજાસતાક અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી હોંશે હોંશે કરે છે. ખરું જુઓ તો આ તહેવારની પાછળ કોઈ પણ જાતના ઉંમર, નાત-જાતના કે ભાષા-ધર્મના ભેદભાવ વગર નિર્ભેળ-નિર્દોષ આનંદ કરવાની તક મળે છે તેને કારણે તેની ચાહના વધવા પામી છે. આજની પ્રજાને એકબીજા સાથે સાંકળનાર અસામાજિક અને આતંકવાદી તત્ત્વો વધુ નજરે પડે છે ત્યારે સામાજિક મેલજોલના આ માહોલને જોઈને હૈયામાં એક પ્રકારનો સંતોષ અનુભવ્યો અને તેને કારણે હોળીનો તહેવાર ખરેખર પવિત્ર બન્યો તેવું લાગ્યું!

અમને તો એવી આશા છે કે હવે ‘આ મારો ધર્મ, મારા તહેવારો, મારી નૈતિક બોધ આપનારી વાર્તાઓ’ અને ‘આ તમારો ધર્મ, તમારા તહેવારો, તમારી વાર્તાઓ’ અમે ‘અમારી રીતે, અમારા લોકો સાથે ઉજવીએ’, તમે ‘તમારી રીતે તમારા લોકો સાથે ઉજવો’ એવી રીત રસમ ખત્મ થશે અને ‘ચાલો હું તમને એક ધર્મની વાત કહું, તેમાંના સિદ્ધાંતોનો અમુક અર્થ છે, એમાં આવી આવી વાર્તાઓ છે, એ નીતિમત્તાનો બોધ ગ્રહણ કરવા વિવિધ તહેવારો ઉજવાય છે, તો ચાલો આપણે બધા એ સાથે મળીને ઉજવીએ’ એવું બનશે ! એક દિવસ એવો આવશે જ્યારે બધા લોકો નાતાલ, દિવાળી, ઈદ, બૈસાખી, બુદ્ધ પૂર્ણિમા અને જુઇશ નવ વર્ષ તેના વિષે પૂરતી જાણકારી સાથે ભેળાં મળીને ઉજવશે!

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion

રોહિત પ્રજાપતિ ચાહે પર્યાવરણના મુદ્દે કાર્ય કરે કે માનવહકની લડાઈ લડે પણ તેમનો એક જ ઉદ્દેશ હોય છે કે વંચિતોને ન્યાય મળે, વિકાસ પ્રક્રિયામાં લોકોને જોડવા. રોહિત પ્રજાપતિ મૂળે ઇજનેર છે, પણ તેમનું ઇજનેર તરીકેનું શિક્ષણ સમાજ સંરચના તરફ વળ્યું. રોહિત પ્રજાપતિની વિકાસયાત્રા મૂળ તો તેમના બચપણના વિચારમંથનનું પરિણામ છે. વર્ષ ૧૯૬૫માં જન્મેલા રોહિત જ્યારે પ્રાથમિક શિક્ષણ લઈ રહ્યા હતા ત્યારે ઘરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓ અને દેશભક્તિનું વાતાવરણ હતું. સમગ્ર કુટુંબ આર.એસ.એસ.ના રંગે રંગાયેલું. રોહિત પ્રજાપતિના પિતાના ફુઆ બાબુભાઈ ઓઝા ગુજરાત અને બિહાર રાજ્યના પ્રાંત પ્રચારક હતા. રોહિત પ્રજાપતિ પોતે પણ આર.એસ.એસ.ની શાખામાં જતા હતા. બચપણમાં જ્યારે તેઓ આઝાદી અને આબાદી વિશે સાંભળતા પણ ત્યા ગરીબાઈ, શોષણ જોતા તો રોહિત પ્રજાપતિના મનમાં અજંપો સર્જાતો કે આઝાદી તો મળી પણ સમાજ તો ત્યાંનો ત્યાં જ છે. મનોમંથનથી રોહિત પ્રજાપતિને આબાદી વગરની આઝાદી તો અધૂરી લાગી. બાળપણમાં જ રોહિત પ્રજાપતિને આઝાદીનો સાચો જવાબ ન મળ્યો. આઝાદી અને આબાદીને કેવી રીતે આમ સમાજ સુધી લઈ જવાય તેના રસ્તા રોહિત પ્રજાપતિએ ગાંધી વિચારસરણીમાં શોધવાના પ્રયાસ કર્યા. રોહિત પ્રજાપતિની આંતરિક શોધની પ્રક્રિયાથી કેટલાકને પ્રશ્નો થવા લાગ્યા ને એવી અફવા ફેલાવાની કોશિશ થઈ કે આ છોકરો ખોટી દિશા તરફ જઈ રહ્યો છે. કદાચ રોહિત પ્રજાપતિના આઝાદી અને આબાદીના સહિયારા સ્વપ્નએ જ લોકોની સાથે કાર્ય કરવાની ભૂમિકા બાંધી હશે.

રોહિત પ્રજાપતિ

પહેલાં હું ધર્મિષ્ઠ હતો અને હવે હું નાસ્તિક છું એમ કહી રોહિત પ્રજાપતિ ઉમેરે છે કે, હું કાર્લ માર્કસ અને ભગતસિંહને વાંચીને નાસ્તિક બન્યો છું. મારા પિતા પરદેશથી આવ્યા અને પોતાની કંપની શરૂ કરી. પણ મને ફેક્ટરીમાં રસ પડે નહીં. હું વડોદરા ખાતે કોઠી ચાર રસ્તા પર આવેલી આર.એસ.એસ.ની ઓફિસે જતો અને પ્રશ્નો પૂછતો પણ સંતોષકારક જવાબ ન મળતા. મને થયું તેમના આઝાદી અને આબાદીના ખ્યાલો ખોટા હતા. પછી હું ગાંધીજી અને આંબેડકરના સાહિત્ય તરફ વળ્યો. મને સમજાયું કે આઝાદી અને ક્રાન્તિ એ અલગ-અલગ વાત છે. હું માનતો થયો કે ક્રાન્તિ એટલે મૂળભૂત પાયાના ફેરફાર. મારા આ ખ્યાલો બારમાં ઘોરણમાં હતો ત્યારના છે. બારમાં ધોરણમાં ભણતો ત્યારથી મેં ઘરેથી પૈસા લેવાનું બંધ કર્યું. મેં મિત્રના ઘરે રહીને બારમાં ધોરણની પરીક્ષા આપી. એ સમયે લોકોના મગજમાં બાર સાયન્સ કરી મેડિકલમાં જવાનું ભૂત નવુંસવું ભરાવાનું શરૂ થયું હતું. મેં મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો. હું માનતો કે સમાજ સેવા કરવા કરતાં સમાજ બદલાવની પ્રક્રિયા કરવી. આ સમયે હું જાણીતા નારીવાદી કાર્યકર તૃપ્તિ શાહના સંપર્કમાં આવ્યો. મેં કાર્લ માર્કસનું ‘દાસ કેપિટલ’ અને લિયોન ટ્રોટસ્કીનું’ રિવોલ્યુશન બિટ્રેડ’ (ક્રાન્તિને દગો) નામનું પુસ્તક વાંચ્યું. આ પુસ્તકે મારાં મન ઉપર મોટી અસર સર્જી. અમે માનતા થયા કે લોકોને ઈન્કલુસિવ વિકાસ માટે જોડવા જોઈએ. આ વિચારથી તૃપ્તિ અને અન્ય મિત્રોની સાથે વડોદરાના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અને વડોદરાની નજીક આવેલા નાનપુરા ગામમાં કાર્ય કરવાની શરૂઆત કરી. અમે નક્કી કર્યું કે દેશી કે પરદેશી ફંડિંગ એજન્સીના પૈસા લેવાં નહીં, પ્રોજેક્ટ આધારિત કાર્ય કરવા નહીં, લોકોની ઇચ્છા પ્રમાણે અમે તેમની સાથે કાર્ય કરીશું. આપણો ખર્ચ જે સમાજ માટે કાર્ય કરીએ છીએ તે સમાજમાંથી જ ઊભો કરવો. કારણ કે, આપણે તે સમાજને જવાબદાર છીએ. લોક આંદોલન એ લોકોના પૈસે ચાલવું જોઈએ. જેથી લોકો આંદોલનની સાથે સંકળાયેલા લોકો પાસે જવાબ માગી શકે.

રોહિત પ્રજાપતિનો ટ્રેડ યુનિયનની સાથે પણ ઘનિષ્ઠ નાતો રહ્યો છે. તેઓ ટ્રેડ યુનિયનમાં સક્રિય બન્યા. અવારનવાર યુનિયનના કામ અર્થે કોર્ટમાં જવાનુ બનતું. માનવહકના પ્રશ્ને કામ કરતા રોહિત પ્રજાપતિના મનમાં સમાન સમાજ કેવો હોવો જોઈએ તેની તસવીર સ્પષ્ટ બની ગઈ. બરાબર આ જ અરસામાં રાજ્યમાં નર્મદા બચાવો આંદોલન શરૂ થયું હતું. રોહિત પ્રજાપતિ અન્ય મિત્ર સાથે સક્રિય થયા હતા. કોનો વિકાસ, કોનો વિનાશ આ ભાવના રોહિત પ્રજાપતિમાં જન્મી અને તેઓ આ વિભાવના થકી નર્મદા બચાવ આંદોલનમાં વધુ સક્રિય થયા. આ એ સમય હતો કે જે સમયે સરદાર સરોવર ડેમને લોકો આંધળો ટેકો આપતા હતા. રોહિત પ્રજાપતિ કારકિર્દી વિશે જણાવે છે કે, એન્જિનિયર થયા પછી મોટી કંપનીઓમાં નોકરી કરી અને પછી નોકરી છોડીને જર્મનીમાં માસ્ટર કરવા ગયો, જેમાં પર્યાવરણ અને વૈકલ્પિક ઊર્જા કેન્દ્રસ્થાને હતા. ત્યાં પીએચ.ડી. કરવાનો મોકો મળ્યો પણ ગુજરાતમાં એ જ સમયે નર્મદા બચાવો આંદોલનમાં નવા-નવા મુદ્દા ઉમેરાતા જતા હતા. વિશ્વબેંક પણ નર્મદા યોજના માટે ધિરાણ આપવા તૈયાર થઈ હતી. યુરોપિયન દેશો પણ નર્મદામાં ધિરાણ આપવા તરફી હતા. બીજી તરફ સરકારના દાવા કરતાં સચ્ચાઈ અલગ દેખાતી હતી. સરકાર પુનર્વસન બાબતે અસ્પષ્ટ હતી. અમે પુનર્વસન અને સરકારી દાવા બાબતે સચ્ચાઈ સામે લાવવાની કોશિશ કરી હતી. જેમાં પર્યાવરણના મુદ્દા, આદિવાસીના અધિકારના મુદ્દા લોકો સુધી લઈ જવાની કોશિશ કરી હતી. રોહિત પ્રજાપતિ વિવિધ આંદોલનોમાં સહભાગી થવા માટે જર્મનીથી પીએચ.ડી. છોડીને વડોદરા આવી સંપૂર્ણ રીતે આંદોલનોમાં જોડાઈ ગયા.

૧૯૯૬-૯૭માં રોહિત પ્રજાપતિ અને તૃપ્તિ શાહ, સ્વાતિ દેસાઈ, માઈકલ મઝગાંવકર, ઝિયા પઠાણ જેવાં મિત્રોની સાથે મળીને પર્યાવરણ સુરક્ષા સમિતિની રચના કરી. આરંભમાં પર્યાવરણ સુરક્ષા સમિતિએ પ્રદૂષણની લોકોના અને કામદારોના આરોગ્ય ઉપર, હવા, પાણી અને ખેત પેદાશો ઉપર થતી અસરો બાબતે માહિતી અને અભ્યાસ કરવાની શરૂઆત કરી. પર્યાવરણ સુરક્ષા સમિતિએ વિગતવાર આંકડાકીય માહિતી એકત્ર કરી. ૧૯૯૮માં ઇન્ડિયન પીપલ્સ િટ્રબ્યુનલ કરવાનો વિચાર સૂઝ્યો. વિચાર એવો હતો િટ્રબ્યુનલમાં નિવૃત્ત જજની નિયુક્તિ  થાય જે સમાંતર કોર્ટ ચલાવે. આ કોર્ટ થકી સરકાર અને પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે કેસ હોય તેને પણ સાંભળવામાં આવે. પર્યાવરણ સુરક્ષા સમિતિએ વટવાથી વાપી સુધીનો ગોલ્ડન કોરિડોરમાં આવેલા ઉદ્યોગના પ્રદૂષણ બાબતે ‘હુ બેર ધ કોસ્ટ ઃ ઈન્ટસ્ટ્રિયલાઈઝેશન એન્ડ ટોક્સિક પોલ્યુશન ઈન ધ ગોલ્ડન કોરિડોર ઓફ ગુજરાત’ નામે રિપોર્ટ તૈયાર કર્યો. જે રિપોર્ટ આમ સમાજ, સરકાર, ઉદ્યોગો અને કર્મશીલો માટે આંખ ખોલી નાંખનારો રહ્યો. આ રિપોર્ટમાં ગોલ્ડન કોરિડોર વિસ્તારમાં વસતા લોકોના શરીરમાં શાકભાજીના માધ્યમ થકી કેટલું ઝેર પ્રવેશ્યું છે તેની ચોંકાવનારી વિગતો સમાવિષ્ટ છે. આ રિપોર્ટમાં બહાર આવેલા તથ્યોના આધારે વટવા, વાપીમાં નવા ઉદ્યોગોના વિસ્તરણ ઉપર પણ સરકારે મનેકમને પ્રતિબંધ મૂકવો પડ્યો છે.

પર્યાવરણના મુદ્દાને રોહિત પ્રજાપતિ સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયા છે. પર્યાવરણ સુરક્ષા સમિતિ વતી અને સ્થાનિક ખેડૂતોના ફાર્મર્સ એક્શન ગ્રુપ વતી રોહિત પ્રજાપતિએ ગુજરાત સહિત દેશના ૧૯ રાજ્યોના મુખ્ય સચિવ અને કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ સામે પ્રદૂષણની ગંભીર સમસ્યા બાબતે જાહેર અરજી નંબર ૩૭૫-૨૦૧૨થી કેસ કર્યો છે. જેની સુનવણી સુપ્રીમ કોર્ટના ત્રણ જજ કરી રહ્યાં છે અને તેની છેલ્લી તારીખ ૧૭મી ફેબ્રુઆરી ૨૦૧૪ હતી. સુપ્રીમ કોર્ટે આ બાબતે તમામ ખુલાસા રજૂ કરવાનો ચાર માસનો સમય આપ્યો છે.

હાલમાં રાજ્ય સરકાર સરદાર પટેલની મૂર્તિ સરદાર સરોવર ડેમથી ૩.૨ કિલોમિટરના અંતરે નર્મદા નદીમાં ઊભી કરવાની છે અને તે સ્થળે સરકાર બીજો એક ડેમ (ગરુડેશ્વર વિયર) તૈયાર કરી રહી છે. જેથી આ ડેમના કારણે સરદાર પટેલની મૂર્તિની આસપાસ એક સરોવરનું નિર્માણ થાય અને તેમાં બોટિંગ કરી શકાય. આ નવા ડેમથી ૧૧ ગામોના આશરે ૧૨ હજાર આદિવાસીઓને અસર થશે. સરદાર પટેલની મૂર્તિ બનાવી સરકાર ટુરિઝમના નામે ૭૦ ગામના ૭૦ હજાર આદિવાસીઓને વિસ્થાપિત કરવાની કોશિશ કરી રહી છે. રોહિત પ્રજાપતિ, તૃપ્તિ બહેન, લખન મુસાફરી અને તેમના સાથીઓ જે અસરગ્રસ્તોના માથે વિકાસના નામે વિનાશની તલવાર લટકી રહી છે તેવા આદિવાસીઓની સાથે તેમના હકો માટે લડત ચલાવી રહ્યાં છે.

રોહિત પ્રજાપતિએ રાજ્યના મુખ્યમંત્રીની ક્લાઈમેન્ટ ચેન્જના ‘કન્વિનિયન્ટ એક્શન-ગુજરાત રિસ્પોન્સ ટુ ચેલેન્જીસ ઓફ ક્લાઈમેટ ચેન્જ’ નામના પુસ્તક પર વિગતવાર છણાવટ કરતો રિવ્યુ લખ્યો છે. આ રિવ્યુમાં રોહિત પ્રજાપતિએ ગુજરાતના પ્રદૂષણની સમસ્યા અંગે નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રદૂષણને સંતાડવાની કોશિશ સામે પ્રશ્નો કર્યા છે, જેનો જવાબ આજ સુધી નરેન્દ્ર મોદીએ આપ્યો નથી. આ રિવ્યુ ગુજરાતી-ભાષા સહિત અન્ય ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે.

આ મુદ્દો પર્યાવરણનો હોય કે પ્રદૂષણનો કે આદિવાસીઓના હકનો - રોહિત પ્રજાપતિ તેમના જીવનસંગી તૃપ્તિબહેન અને અન્ય સાથીઓની સાથે ન્યાયની લડત સતત લડી રહ્યા છે. આ લડતે તેમના વ્યક્તિગત જીવનમાં મુશ્કેલી અને પ્રશ્નો ઊભા કર્યા છે. પર્યાવરણના મુદ્દે સરકારમાં ટહેલ નાખવાથી વાપી ઈન્ડસ્ટ્રિયલ એસોસિયેશન અને બે કંપનીઓએ રોહિત પ્રજાપતિ ઉપર રૂ.૨૫ કરોડનો માનહાનિ કેસ માંડ્યો છે. આ જ મુદ્દે  રોહિત પ્રજાપતિ ઉપર બે વર્ષની જેલ થાય તેવો માનહાનિનો ફોજદારી કેસ પણ નોંધાયો છે. અન્યાય સામે સતત લડત આપનારા રોહિત પ્રજાપતિ કોઈ પણ સાધકથી કમ નથી. પણ કમનસીબે આજે રોહિત-તૃપ્તિ જેવાંને ગુજરાતમાં સાચવીને ઘરની બહાર નીકળવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પોલિસ તપાસ અને હેરાનગતિ સામાન્ય બાબત બની છે. રોહિત પ્રજાપતિને ત્યાં પુત્ર માનવ જે દિવસે જન્મ્યો તે જ દિવસે નર્મદા બચાવો આંદોલનની ઓફિસને રાજકીય કાર્યકરોએ સળગાવી હતી.

આજે રોહિત પ્રજાપતિ અને તેમની જીવનસંગિનીની જોડી રોહિત-તૃપ્તિ તરીકે ઓળખાય છે. રોહિત પ્રજાપતિના વૈચારિક વિકાસમાં તૃપ્તિનું મોટું ભાથું છે. તેમની સક્રિયતાથી પર્યાવરણના મુદ્દે આગવી પહેલ થઈ છે. વંચિતોને ન્યાય મળે છે. રોહિત પ્રજાપતિ લડવૈયા છે. આવી રીતે માથે જોખમ વ્હોરી, આંખોમાં સ્વપ્નો લઈને સમાન સમાજના નિર્માણ માટે, સુરિક્ષત પર્યાવરણ અને વંચિતોને ન્યાય માટે રોહિત-તૃપ્તિ સક્રિય છે.

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion