OPINION

ત્રીજો દન. હીત વાર, ભગતનું લોક અમથાની વાડિયેં ભેળું થ્યું છે. માંયમાંય વાતું કરે છે. ‘મેં ભાળ્યા.’ ‘મેંય ભાળ્યા.’ જાગતી જોત. ભગત પંડે. હાજરાહજૂર પરચો. ટામો ભગત : “ભાયું મારા! ફીફાં ખાંડો માં. આ મેરાંને ને તમુ સંધાયને પરચા થ્યા કો’છ, ઇ સંધી આપાપણા મનની ઝૂરણ ને લોચ. સૌને ઇમ જ થાય. ભગત કેવા, ને વાત કેવી? ઈ તો કબરકોઠલામાં નો જડ્યા તાણેં જ મીં કીધું’તું કે નક્કી ઈમના કળેવરને ઓલ્યાવ માં’તવાળા ઉપાડી ગ્યા. પલીત અભાગિયા. હવેં હાલો સઉ ઘર્યે પાછા.”

“પણ મેં સગી આંખ્યે ભાળ્યા ને ભગતને!” ‘મેંય ભાળ્યા.’ ‘મેંય ભાળ્યા!’

ટામો ભગત : “કીધું નંઈ. ઈ સંધીયું આપણા મનની લોચ્યું ને શમણાં. ઇમ કાંઈ મૂવાં બેઠાં થાતાં હશે? હા, ઈ જો પાંખડું સાઈને રામરામ કરે, તો માનું કે સાચું.”

એક : “એલા ટામા! ચાંપલો મ થા. અણવશવાસી નત્ય અપવાસી. માળા મૂરખ! ઇમ ગુરુનાં પારખાં લેવાતાં હશે?” “માંય જો. તારું હૈયું ફંફોસ. હૈયે ગરુ હાજરાહજૂર ઝળહળ જોત બેઠા છે.”

બીજો : “કરો ને હાથ લાંબો. તરત ઝાલશે ને રામરામ કરશે. પરચો થાશે હાજરાહજૂર. જોડો હાથ. અમે ભાળ્યા ઈ ખોટું?”

ટામો ભગત સુનકાર થઈ જાય છે. “કાં ટામા? મૂંગો કાં થઇ ગિયો?”

ટામો ભગત : “માળું કાંક કોત્યક થ્યું ખરું – જાણે કે કોકે મને ઝાલ્યો. હાથ અડાડ્યો!”

“ચ્યમ તાણેં? કે’તો’તો ને ઈ સંધી મનની લોચ?”

ટામો : નાં, પણ હું પંડ્યે ઈને અડ્યો ખરો – કે પછી કોક મને અડ્યું?”

ત્રીજો : “હાલો હાલો હવે સંધાય. ચોવટ મેલો. ઇમ કાઈ દેવુંનાં પારખાં નો લેવાય.”

“હવે જો આપડી ભગતિ સાચી હોય તો હાલી નીકળો દુનિયા સંધીને ઈમના દીધા બોધની લાણી કરવા, ને આપડે અજવાળાં થિયાં ઇમ સઉનાં હૈયાં ઝોકાર કરવા.”

***  

ના, જી. આ શબ્દો કોઈ ખ્રિસ્તી પાદરીએ ધર્મપ્રચાર માટે લખેલા કોઈ પુસ્તકમાંથી લીધા નથી. એ જેમાંથી લીધા છે તે પુસ્તકના લેખક તો છે એક સંત મતના રામકૃષ્ણાનુયાયી સાધુ.

નામ હિંમતલાલ રામચંદ્ર દવે. પણ એ નામે ભાગ્યે જ કોઈ ઓળખે. કારણ એ તો એમનું પૂર્વાશ્રમનું નામ. સાધુ બન્યા પછીનું નામ તે સ્વામી આનંદ. જન્મ ૧૮૮૭માં, અવસાન ૧૯૭૬માં. એમનું એક ઓછું જાણીતું, પણ અસાધારણ પુસ્તક છે ‘ઈશુ ભાગવત.’

સ્વામી દાદાના લેખનની શરૂઆત ‘ઈશુનું બલિદાન’ નામના પુસ્તકથી થઈ હતી. તો આ ‘ઈશુ ભાગવત’ના લેખો જુદા જુદા સામયિકોમાં તેમની હયાતી દરમ્યાન છપાયેલા ખરા, પણ તે બધા પુસ્તક રૂપે તો પ્રગટ થયા સ્વામીદાદાના અવસાન પછી, ૧૯૭૭માં. પણ આ પુસ્તકને ‘અસાધારણ’ કહેવાનું કારણ? એક નહિ, એક કરતાં વધારે કારણ. પહેલું તો એ કે એક સંત મતના રામકૃષ્ણાશ્રયી સાધુ ઈશુ ખ્રિસ્ત વિશેનું પુસ્તક લખે. આ તો બીજાના ધરમની વાત એવો બાધ એમને આડો ન આવ્યો. બીજું, વાત ભલે ઇશુની, પણ વાતને તેમને વાઘા પહેરાવ્યા આપણી ભૂમિના. એ વગર અમથું ઈશુના નામ જોડે એમણે ‘ભાગવત’ જોડ્યું હશે. પુસ્તકનું પહેલું પ્રકરણ ‘પરથારો’ વાંચતા જ સમજાઈ જાય કે આ લેખકને મન રામ, કૃષ્ણ, ઈશુ જુદા નથી, કેવળ જુદાં રૂપ છે, એક પરમ તત્ત્વના.

સ્વામીદાદા કહે છે : “સાંભળો તાણેં. જૂનવાણી વારતા કરું છું. જૂની તોય નવી. કાં’કે મારો રામ થોડો જ કોય દિ’ જૂનો થાય ઇમ છે? ઈ તો નત્ય નવા અવતાર લ્યે છે ને નવાંનવાં રૂપ ધરીને, પંડે દખ વેઠી વેઠીને પર્થમીનાં પ્રાછત પીએ.”  કૃષ્ણના ગીતામાંના ‘યદા યદા હિ’ વચન સાથે તેઓ ઈશુને જોડી દે છે અને તેમને ‘હરચંદ સતિયા’ (રાજા હરિશ્ચન્દ્ર) સાથે સરખાવે છે, દુઃખ વેઠવાની બાબતમાં. ત્રીજું, આખું પુસ્તક લખાયું છે સાવ તળપદ લોકબોલીમાં. પણ આમ કરવાનું કારણ? ઈશુના જીવનની કથાઓ પણ સૌથી પહેલાં તો લોક બોલીમાં અને લોક સ્મૃિતમાં જ સચવાઈ હતી. તેને આધારે પછીથી અંગ્રેજી, જર્મન, સ્પેનીશ, ફ્રેંચ વગેરે ભાષાઓમાં તે લખાઈ. સ્વામી કહે છે : ખ્રિસ્તી પંથના ઉદયકાળના અનુનાયીઓ કહેવાતા ઉચ્ચ કે અમીર-ઉમરાવ જાતિકુલના નહોતા પણ કોળી, માછી, સુતાર લુહાર કડિયા કારીગર અગર તો એવી હલકી લેખાતી કોમોના શ્રમજીવીઓ હતા, જેમણે અપરંપાર દુઃખ અને જુલમ-જોરાવારી સામે અસંખ્ય બલિદાન તેમ જ જાન કુરબાનીપૂર્વક ટકી રહીને ઈશુ ભગતની પેઠે જ ‘માથા સાટે મોંઘી વસ્તુ’ મેળવવા પોતાના જીવતર સોંઘાં કર્યા.” એટલે જ અહીં સ્વામીદાદાએ પણ એવા કોળી, માછી, વસવાયાની બોલીનો ઉપયોગ કર્યો છે. હા, શરૂઆતમાં ઘણા વાચકોને ભાષા સમજતાં થોડી વાર લાગે, પણ પછી તો ગાડી સડસડાટ ચાલે. અને પછી તો સ્વામીદાદાની આ અનોખી ભાષા એક આગવું આકર્ષણ બની રહે.

પુસ્તકનું પહેલું પ્રકરણ ‘ઈશુ ભાગવત : પરથારો’ પુસ્તકના પ્રાસ્તાવિક રૂપ છે. પછી આવે છે પુસ્તકનો મુખ્ય ભાગ – લીલામૃત. ઈશુના જીવન સાથે સંકળાયેલી કથાઓ અહીં કહેવાઈ છે. કુલ ૨૫ કથાઓમાં લેખકે ઈશુના જીવનની ઘણીખરી મહત્ત્વની ઘટનાઓને આવરી લીધી છે. પછીનો ખંડ છે ‘કથામૃત.’ બાઇબલમાંની સાત કથાઓ તેમાં રજૂ થઇ છે. અને પુસ્તકને અંતે પાંચ પરિશિષ્ટો મૂક્યાં છે. તેમાં ઈશુના બાર શિષ્યો, નાતાળ, બાઈબલની ભાષા વગેરે, હિંદમાં ઈશુ અને ખ્રિસ્ત ધર્મ, ‘મીનીસ્ટ્રી’નો મૂળ અર્થ, જેવી બાબતોની ચર્ચા કરી છે.

ઓગણીસમી સદીની પહેલી પચ્ચીસી પૂરી થાય તે પહેલાં તો લંડન મિશનરી સોસાયટીના બે પાદરીઓએ બાઈબલનો ગુજરાતી અનુવાદ કરીને સુરતમાં છાપી સુરતથી જ પ્રગટ કરેલો. ત્યારથી ખ્રિસ્તી પાદરીઓએ ગુજરાતી ગદ્યના વિકાસમાં, મુદ્રણ-પ્રકાશનમાં, મહત્ત્વનો ફાળો આપ્યો છે. પણ આપણા સાહિત્યના વિવેચન કે ઇતિહાસ લખનારાઓએ મોટે ભાગે તે અંગે આંખ આડા કાન કર્યા છે. ધર્માંતરણની પ્રવૃત્તિનો બચાવ ન જ હોય, પણ એને કારણે ખ્રિસ્તી પાદરીઓએ જે થોડાં સારાં વાનાં કર્યાં હોય તેની અવગણના કરવાની ન હોય. સ્વામી આનંદ જેવા આપણા એક સમર્થ ગદ્યસ્વામી પાસેથી આપણને ઇશુની જીવનકથા મળી એ આપણાં અહોભાગ્ય. ગુડ ફ્રાઈ ડેને દિવસે ક્રૂસારોહણ પછી રવિવારે ઈશુએ ભક્તોને ફરી દર્શન દીધેલાં એમ મનાય છે. આજે એ ઇસ્ટર સન ડેનો પવિત્ર દિવસ. અને એટલે આ ‘ઈશુ ભાગવત’ વિશેની વાત.       

સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 19 એપ્રિલ 2014

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion

સમય નથી

અાશા બૂચ
11-04-2014

ક્યાં ગયો? બધા દેશોમાંથી અને દરેક ઉંમરના લોકો પાસેથી અદ્રશ્ય થઈ ગયો છે એ.

શાળાએ જતાં બાળકોને પૂછો, ‘તમે રમતો રમો છો? ઇતર વાંચન કરો છો?’ તો કહેશે, ‘ના રે, અમારી પાસે સમય નથી.’ એમની મમ્મી કે જે ઘર સંભાળે છે એમને પૂછી જુઓ, ‘તમે સમાચાર પત્ર વાંચો છો કે અન્ય રસ પડે તેવી પ્રવૃત્તિઓ કરો છો?’ તો ઉત્તર જરૂર, ‘અમારે વળી સમય કેવો ને વાત કેવી? આ આખો દહાડો બસ કૂચે મરી જઈએ બીજું શું?’ કોલેજ જનારાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને તો ઊભા રહીને તમારો સવાલ સાંભળવાનો વખત પણ ભાગ્યે જ હોય અને છતાં કોઈ વળી વિવેકવશ ઊભા રહીને તમારી પ્રશ્નાત્મક દ્રષ્ટિને અવગણીને જલદીથી જવાબ આપશે, ‘અરે સર, ડોન્ટ યુ સી અમારે પરીક્ષાનું કેટલું ટેન્શન હોય તેમાં કોઈ બી વસ્તુ માટે ટાઈમ ક્યાં મળે? સોરી સર, આઈ હેવ ટુ ગો, એક્સ્કુઝ મી.’ અને સ્કુટરને કિક કરી ફિલ્મ જોવા ઉપડી જશે.

કોઈ પણ કામનું ક્ષેત્ર લો અને સર્વોચ્ચ સ્થાને બેઠેલ ડાયરેક્ટર હોય કે પટ્ટાવાળો, કામ સમયસર ન કરી આપવા માટે પૂછ્યા પહેલાં જ જવાબ મળી જાય, ‘જુઓને હમણાં સમય જ ક્યાં મળે છે?’ ઘેર પત્ની બહાર જવા સૂચવે તો કહેશે, ‘ડાર્લિંગ, હું ખૂબ જ વ્યસ્ત રહું છું, જોતી નથી મને સમય નથી મળતો, તું જરા બેન્કનું કામ જાતે કરી લે અને ફિલ્મ જોવા બીજી બહેનપણી શોધી કાઢને પ્લીઝ।.’ અરે, વડાપ્રધાન પણ એમ વદે કે ‘નીચલા વર્ગની ઉન્નતિ કરવાનો અમારી પાસે સમય નથી, અમે અત્યારે મુઠ્ઠીભર માથાભારે ધનવાનોને ખુશ કરવામાં ઘણા વ્યસ્ત છીએ જેથી તેઓ સરકારમાં અમારું સ્થાન સુરક્ષિત કરી આપે માટે આઘા ખાસો, પછી આવજો પાછા.’ ત્યારે તો હદ થઈ કહેવાય ને?

આ બધાના ઉત્તરો સાંભળીને મને વિમાસણ થાય કે અમે પ્રાથમિક શાળામાં અને ઉચ્ચ માધ્યમિક શાળામાં ભણતાં ત્યારે સિલાઈ, સંગીત, ચિત્ર, સંસ્કૃત અને હિન્દીની શાળા સિવાયની પરીક્ષાઓ આપતાં, અને સંગીત-નૃત્યના વર્ગો ભરતાં તો અમે શું પરીક્ષા માટે તૈયારી નહોતાં કરતાં? અરે 70%થી 80% માર્ક્સ સાથે પાસ થતાં ! એ કેમ બન્યું હશે ભલા?

આજની ગૃહિણીઓને પૂછવાનું કે મારાથી આગલી બે પેઢીની સ્ત્રીઓની કહાણી સાંભળીને પોતાના બચાવ પેટે શું કહેશો? મારી નાની-દાદીને તો તળાવે કપડાં ધોવા જવું, કૂવેથી પાણી સીંચવું, ઘરને ગાર-માટીથી લીંપવું, ઢોર હોય તો તેના છાણ-વાસીદાં કરવાં, લાકડાના ચૂલા પર રાંધવું, કપડાં સાંધવાં અને ગોદડાં બનાવવાં, દીકરીનું આણું તૈયાર કરવું, તાજાં જન્મેલ છોકરાં માટે કપડાં સીવવાં જેવાં હજારો કામ કરવાનાં રહેતાં ! એ પેઢીની સ્ત્રીઓ શાળાકીય શિક્ષણથી વંચિત રહી ગયેલી. પછી આવી મારી મા અને માસીની પેઢી. એમને ભણવાની ‘છૂટ’ મળી અને કેટલાંક તો નોકરી કરવા પણ ભાગ્યશાળી થયાં. આમ છતાં ઘરની સફાઈ, વાસણ-કપડાંની ધોલાઈ, સંતાનોનો ઉછેર, મહેમાનોની આગતાસ્વાગતા, વડીલોની દેખભાળ, માંદાની માવજત, પતિની સગવડોનો ખ્યાલ કરવો વગેરે માત્ર ઘરની મુખ્ય સ્ત્રીની જ ફરજ બની રહેતી. વળી એમને તો સગડી અને પ્રાયમસ પર રસોઈ કરવાની, કાતરી, અથાણાં-મસાલા બનાવવાનાં અને નાની મોટી સિલાઈ-ભરતનું કામ પણ કરવાનું રહેતું. સવારે ઊઠીને માટલાંમાં પીવાનું પાણી ભરવું, દૂધ ઉકાળવું અને રસોઈ કરવાથી માંડીને રાત્રે ગાદલાં પાથરી સહુને સુવાડે નહીં ત્યાં સુધી શ્વાસ લેવાનો સમય ન મળતો કેમ કે તેને પોતાના પતિ કે સાસરિયાં તરફથી કોઈની પણ મદદ ન મળતી.

પણ મારી પેઢીને તો જલસા જ જલસા છે. અમારે તો કપડાં અને વાસણ ધોવાનાં મશીન છે, ગેસ પર રસોઈ થાય છે. ન માટલામાં પાણી ભરવું, ન દૂધ ઉકાળવું કે ન રોજ રોજ ઘરની સફાઈ કરવી અને છતાં ય મારી પેઢીની ગૃહિણીઓ બૂમ પાડે, ‘અમારે તો જરાય સમય નથી.’ તો તમારી દાદી અને મા પાસેથી બચેલો સમય ક્યાં ગયો? કદાચ એમ કહે કે અમે વધુ શિક્ષણ મેળવ્યું અને હવે નોકરી પણ કરીએ છીએ એટલે સમય શાનો રહે? માફ કરજો ભગિનીઓ, પણ તમે હુતો ને હુતી બે જ જણાંનું પેટ ભરો છો, પતિ ખરીદી કરવામાં, રસોઈ કરવામાં, ઘરના તમામ કામ કરવામાં ‘સ્ત્રી સમાનતા’ને નામે અર્ધો અર્ધ ભાગ પડાવે છે અને જમવાનું પણ ઘણે ભાગે બહાર પતાવી દેવાનો કે તૈયાર માલ ચાટવાનો રિવાજ થયો છે પછી તો સમય વધવો જોઈએ ને?

આજે વાહન વ્યવહાર ઝડપી બન્યો, સંદેશ વ્યવહારના સાધનોમાં અકલ્પનીય પ્રગતિ થઈ અને કમ્પ્યુટર આપણી અષ્ટભુજા જેવું કામ કરી આપે છે. મારા પછીની પેઢીને ખરીદી કરવા સુપર માર્કેટ કે સ્ટોર્સમાં જવાને બદલે ઈન્ટરનેટ પર હુકમ છોડવાથી ઘેર બેઠાં માલ મળી જાય છે. બેંકમાં પણ ન જવું પડે અને છતાં ‘સમય નથી’ની બૂમ વધુને વધુ બળવત્તર બનતી જાય છે.

મને તો ઘેર બેઠાં આરામથી ખાવાનું સદ્દભાગ્ય મળ્યું છે, પરંતુ મારી આસપાસના દુર્ભાગી જીવડાઓને પૂછું કે ભાઈઓ-બહેનો, આમ આટઆટલાં સાધનો તમારી તહેનાતમાં હાજર હોવા છતાં સમયની મારામારી કેમ આટલી તીવ્ર છે? તો મને સમજ આપવામાં આવે છે કે દરેક સરકારી અને ખાનગી ક્ષેત્રે ગળાકાપ હરીફાઈ છે એટલે પોતાનું કામ બહેતર જ માત્ર નહીં પણ હર હંમેશ ઉત્તમોત્તમ ન થાય તો ક્યાં ય ફેંકાઈ જઈએ અને વળી સરકાર તો પળે પળે દરેકની કાર્ય ક્ષમતાનો પુરાવો માગ્યા જ કરે એટલે પાર વિનાના ફોર્મસ ભરવા અને રીપોર્ટ લખવા એ જ જાણે મુખ્ય વ્યવસાય બની રહ્યો છે. હશે મારા ભાઈ, રોટલો રળવા એ ય કરવું પડે. છતાં ય મારો અસખિયો જીવ શાંત ન બેસે !

જુઓ મારી કંઈ સમજ ફેર થતી હોય તો સુધારજો પણ મને તો લાગે છે કે જેમ ભણતરની ઉપાધિઓના પૂછડા લાંબા તેમ હોદ્દાની ઊંચાઈ વધુ અને તેમ તેમ આવકનો આંક પણ ઊંચો અને એવા લોકોને જ સમયની વધુ ખેંચ રહે. આજે દીકરો કે દીકરી કામ કરીને ઘેર આવે એટલે ‘થાકી ગઈ/ગયો’ એમ અચૂક કહેશે. મા-બાપને મળવા આવે તો બારણામાં પ્રવેશતાં જ ‘મારી પાસે સમય નથી, હું બહુ વ્યસ્ત છું’ એમ બોલીને જ ઘરમાં પગ મૂકે. અરે, એક ઘરમાં રહેતા સભ્યો પણ એક બીજા સાથે વાત ન કરે, પૂછો તો કહેશે, ‘ઇન્ટરનેટ પર સર્ચ કરું છું, અમે હવે કેટલું બધું જ્ઞાન મેળવીએ છીએ એ તમને શી ખબર? તમારી સાથે વાત કરવા બેસીએ તો આ બધું કેવી રીતે શીખાય? તમારે આવી સગવડ નહોતી એટલે તમને એમાં કંઈ સમજણ ન પડે.’

એ મારા વહાલાં સંતાનો, જો અમારે માટે સમય નથી તો મોબાઈલ પર કલાકો કોની જોડે વાત કરો છો? કામ પરથી રજા લઈને કુટુંબ સાથે રહેવાનો સમય નથી કેમ કે ‘ફરવા’ જવું એ જ પરમોધર્મ ગણાય છે. અરે ઘરમાં શુભ પ્રસંગ દીકરા કે દીકરીનો હોય પણ એ પોતે ગેરહાજર હોય કેમ કે એમને સમય નથી હોતો કારણ કે બધી રજાઓ ‘હનીમૂન’ માટે બચાવી હોય. મા-બાપ માંદા પડે તો ડોક્ટરને કહેશે એમને જલદી સાજા કરો, અમારી પાસે એમની સારવારનો કે એમને જોવા આવવાનો સમય નથી. મા કે બાપનાં મૃત્યુ પછી ઉત્તરક્રિયા પણ ત્રીજે જ દિવસે ‘પતાવી’ દો કેમ કે સમય નથી અને જીવન રાબેતા મુજબ ચાલવું જોઈએ ને?

મને તો લાગે છે કે લોકોને સ્વજનો માટે નિસ્બત નથી અને કામ માટે નિષ્ઠા નથી એટલે ‘સમય નથી’ એ સૂત્ર વાપરીને જે તે ફરજોમાંથી મુક્તિ મેળવવાની આ ચાલ છે. બાકી વરસના 365 દિવસ અને એક દિવસના ચોવીસ કલાક હજુ અહીંના અહીં જ છે, જેને યોગ્ય રીતે વાપરવા હોય તે વાપરી શકે અને બધા માટે ખરચ્યા ઉપરાંત પોતાને માટે પણ બચશે એની ખાતરી આપું, બસ, જરા આયોજન અને બીજા માટે સમય ફાળવવાની ઈચ્છા હોવાની જરૂર છે.

આ લખાણ વાંચવાનો ‘સમય નથી’ કહીને કોઈ ડબલ ક્લિક કરી ટ્રાશમાં નાખી દેશે તો ય મને ક્યાં ખબર પડવાની છે? આ તો મારી પાસે સમય નથી એવું નથી એટલે લખ્યું છે, માફ કરશો !

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion