OPINION

ઇંગ્લેન્ડમાં આબો વાવ્યો હોય અને કેરી પાકી હોય એવું બન્યાનું જાણ્યું છે? 

ગયે વર્ષે સેન્દ્રીય ખાતર બનાવવાનો અમે પ્રયોગ આદર્યો. રસોડામાં જે કંઈ મોઢામાં ન જાય તેવી વસ્તુ હોય તે બધી એકઠી કરીને પાછલા બગીચામાં ગાળેલ ખાડામાં નાખવા માંડ્યા. દર થોડા દિવસે એ કચરાને માટી સાથે મલ્લકુસ્તી કરાવી ઊંચી નીચી કરીને શાક-ભાજીના છોડા વગેરેનું વિઘટન કરવામાં મદદ કરતા રહ્યા. વસંત ઋતુ ઉતરવા માંડી ત્યારે બટેટા અને વટાણા વાવવાનું સાહસ કરવાનું મન થયું એટલે પેલા ખાતરને વધારાની માટી સાથે મેળવીને તેમાં બી પધરાવવા જતા, મારા પતિની નજર કેરીના ગોટલાને ફૂટેલ કૂંપળ પર પડી. બેદરકારીથી એને જમીનમાં બીજા ખાતર સાથે દાટી દેવાને બદલે હળવેથી પ્રેમથી એક કૂંડામાં વાવીને વધુ ગરમાવો મળે એ હેતુથી ઘરમાં લાવી મુક્યો. એક વર્ષથી તેમાં બેમાંથી ત્રણ પાન નથી થયા, પણ આંબો વાવ્યો છે એવા સંતોષ સાથે રોજ રોજ એનું દર્શન કરી લઉં છું.

વાત આટલેથી નથી અટકી. કોણ જાણે કેમ પણ તે દિવસથી મારી સ્મૃિતઓ પાંચ હજાર માઈલ દૂર ગુજરાતના આંબાવાડિયામાં ભમવા લાગી છે. મારી કેરી વિષયક સ્મૃિતને જાણે મોર બેઠા છે. સમજણી થઈ ત્યારથી હોળી ઊતરે એટલે કાચી કેરી બજારમાં આવે તેની રાહ જોઈએ. ધોમ ધખતા તડકામાં નિશાળે જવાનું હોય, પણ રોટલી સાથે કાચી કેરી અને ડુંગળીનું કચુંબર અથવા કાચી કેરીના ગોળ નાખીને બનાવેલા મુરબ્બાની લિજ્જત માણી હોય એટલે ચામડી બાળતો તડકો ય સહ્ય બની જતો. શનિ-રવિવારે બપોરે કાચી કેરી બાફી તેમાં ગોળ કે ખાંડ નાખી, બરફની ફેકટરીમાંથી લાવેલા બરફના દડબાવાળું શરબત ધીમી ધીમી ચૂસકી લઈને પીધાનું યાદ છે.

કાચી કેરી વેચાવા લાગે તેની હારોહાર અમારા ઘરમાં ધાણા-જીરું અને હળદર દળાવા લાગે અને અથાણાં માટેના મસાલા તૈયાર થાય. એક શનિવારે મોટી શાક માર્કેટમાં કાચી કેરીના ઢગલાઓ પસાર કરતાં કરતાં જ્યાં માલ અને તોલની ખાતરી થાય એવું લાગે ત્યાં જઈને પાંચ-સાત કિલો કેરીની વરધી આપી આવીએ. ગોળકેરી અને મેથિયા કેરીનાં અથાણાં માટે એ વેપારીઓ કેરીના નાના નાના કટકા કરી આપે. એ મહાકાય સૂડાના ખચક ખચક અવાજ સાથે કેરીના ટુકડા થાય ત્યારે કેરીમાંથી સોડમ છૂટે અને તેમાંની કાચી ગોટલી છુટ્ટી પડે તે જોયા જ કરીએ. ક્યારેક વળી થોડી પાકી શી દેખાતી કેરીમાંથી એકાદ નાનો ટુકડો ખાવા ય મળી જતો. બે દિવસ સુધી કેરીનો છૂંદો કે કટકી કરીને તડકે મુકવા અને બાકીના કેરી ગુંદાને મસાલો ચડાવી આથવા મુકવાના કામમાં મદદ કરતા એ દ્રશ્ય હજુ ય નજરે તરે છે. અથાયેલી કેરીને પાણી નીતારવા મૂકી હોય ત્યારે માની નજર ચૂકવીને બે-ચાર બે-ચાર કટકા લઈ છાંયામાં ઊભા રહીને ખાવાની મજા જ જુદી હતી. છેવટ મોટો થાળ ભરીને સુકવેલ કેરીમાં ખાસ્સો ઘટાડો નોધાય અને અમે જમતી વખતે દાંત અંબાઈ ગયાની ફરિયાદ કરીએ ત્યારે ચોર પકડાઈ જાય !

તળ ભારતથી વિદેશ ગયેલા લોકો કદાચ ગામડામાં રહેતા હશે અથવા પોતાના દૂર કે નજીકનાં સગાંને ઘેર ગયા હોય ત્યારે ગામડે ગયા હશે અને જો એમ ન બન્યું હોય તો તેઓએ ભારતને હોયું-જાણ્યું નથી. મારા મામા જામનગરની નજીક એક ગામડામાં ગ્રામશાળાનું સંચાલન સંભાળતા હતા. અમે રજામાં જઈએ ત્યારે તેઓ ગામડાના વિદ્યાર્થીઓને કેવી રીતે ખેતીનું શિક્ષણ આપે તેની વાત પોતાનાં બે’ન-બનેવીને કહેતા હોય ત્યારે અમારી નજર તો આંબે લટકતી કાચી કેરી પર હોય. અમારા રહેવાસ દરમ્યાન થોડી કેરી પાકવા લાગે અને રતુંબડા રંગની થઈને આપોઆપ જમીન પર ખરી પડે. અમને એ કેરી જાતે લઈને ખાવાની છૂટ મળતી. શું એ તાજી તાજી જમીન પર પડેલી કેરીની ખુશ્બૂ અને રસ ઝરતી મીઠાશ! મામા જ્યારે અમારે ઘેર રાજકોટ આવે ત્યારે એક નાની સૂટકેઈસ અને નાની શી થેલી લાવે. સૂટકેઈસમાં કેરી અને થેલીમાં કપડાં હોય એ બરાબર યાદ છે. એમને ઘેર ઉનાળાના વેકેશનમાં જઈએ ત્યારે જમવામાં તો રોટલી અને છાશ અને સુંડલો ભરીને પાકી કેરી હોય. ક્યારેક તો મામા, માસી, મા અને પાપા વચ્ચે કેરી ખાવાની હરીફાઈ થતી. કોની બાજુમાં છાલ-ગોટલાનો ઢગલો મોટો થાય છે એ જોવા અમે છોકરાં ટોળે વળતાં.

મારી મા સાથે શિક્ષકની તાલીમ લેતા એક વિદ્યાર્થીનો પરિવાર ફળોની વાડીના માલિક હતા. તેમણે મારી માને બહેન માનેલી એ સંબંધે મારા મામા થાય. ૧૯૫૪-૫૫ની સાલથી દર વર્ષે અમલસાડથી ટોપલાં ભરીને કેરી મગાવીએ. એક ટોપલામાં ચાર ડઝન ઉપરાંત ચાર (એકાદ-બે સડેલી નીકળે તો એ હિસાબે) એમ બાવન કેરી આવતી અને વર્ષમાં એવા પાંચ-સાત ટોપલાં સહેજે મગાવતાં. કેરી આવે એટલે અમે જમીન પર સૂઈએ અને કેરી બહેન અમારા ખાટલા પર. ખાટલાની ઉપર વહેલી પાકે તેવી કેરી અને નીચે થોડા દિવસ પછી પાકે તેવી કેરીઓને ઘાસની પથારી કરી, જૂની સાડીનું ઓઢણું ઓઢાડીને પાકવા મુકતાં. દિવસમાં એકાદ-બે વખત એનાં પડખાં ફેરવીએ. સવારના નાસ્તો હોય, બપોરનું કે સાંજનું જમવાનું હોય જયારે મન થાય ત્યારે કેરી ખાઈ લેતાં. ત્યારે જો અમારું લોહી તપાસ્યું હોત તો રક્ત કણને બદલે કેરી કણ આવી શકે એવી મજા કરી છે. બાળક અનાજ ખાતું થાય ત્યારેથી કેરી ચૂસતાં શીખી જાય. અને તેના પ્રકારો પણ કેવા? ચૂસવાની નાની કેરી, હાફૂસ, લંગડો, પાયરી, તોતા કેરી, કેસર કેરી એમ અનેક પ્રકારની કેરીનો રસાસ્વાદ લીધો છે. તેમ એની ખાવાની રીત પણ જુદી જુદી. ચૂસો, ચીર કરો, નાના કટકા કરો, મિલ્ક શેઈક કરો, રસ કાઢો કે શ્રીખંડમાં નાખો હંમેશ એનો સ્વાદ ભરપૂર આનંદ આપે. ફળોનો રાજા કેરી એવું અમથું બિરુદ મળ્યું હશે એને?

બાળપણ અને યુવાનીના અઢી દાયકા સુધી આ લિજ્જત માણ્યા પછી યુનાઇટેડ કિંગ્ડમ આવીને વસવાનું સદ્દભાગ્ય મળ્યું. ત્યારથી બસ એકાદ વખત કેરી-ડુંગળીનું કચુંબર બનાવું. કાચી કેરી મળે એ અરસામાં અહીં હજુ ઠંડી હોય એટલે પેલું શરબત કંઈ હીટર ચાલતું હોય ત્યારે પીવાની મજા થોડી આવે? હવે તો અહીં પાઠક કે અહમદના બનાવેલ અથાણાં ખાઈએ અને દેશી અથાણાંની સોડમ અને સ્વાદ યાદ કરીએ. વર્ષે એકાદ બે વખત વીસ-પચીસ માઈલ દૂર જઈને બાર-પંદર પાઉન્ડની કિંમતની ડઝન કેરી ખરીદીએ અને મા-બાપ-છોકરા એક બીજાને આગ્રહ કરી ખવડાવે. અમે અમારા સંતાનોને કહીએ, અમે તો ખૂબ ખાધેલી છે તમે વધુ લો. તેઓ એમ કહે કે અમે તો ઘણાં વર્ષો ખાઈશું, તમારે હવે કેટલા ઉનાળા જોવાના, તમે વધુ લો.

આ એક ગોટલાને અકસ્માતે કૂંપળ ફૂટી તેમાં યાદોનાં દરિયામાં મોજા ઉછળ્યા. આંબે મોર આવે એટલે કોયલ ટહુકે એના જેવું થયું. મારી આ વાતો લાગણીની ભીનાશની ચાસણીમાં સાચવીને પેલા છોડની ડાળીએ લટકાવી દઈશ જેથી મારા સંતાનો અને તેના ય સંતાનો કેરી એટલે શું એ ન જાણે તો પણ તેનાથી અમને મળેલ  અપરમ્પાર આનંદની કલ્પના કરી શકે.

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion

ક્રોની કૅપિટલિસ્ટોને એક એવો પસંદગીનો માણસ જોઈએ છે જે સત્તાતુર હોય અને ઇતિહાસ તેમ જ રાજકીય પ્રવાહોની બાબતમાં અભણ હોય. ભારતમાં મોદી તેમને મળી ગયા છે

જેઓ સેક્યુલરિઝમમાં, કોમી એખલાસમાં, લોકતંત્રમાં અને વંચિતોને મળવા જોઈતા ન્યાયમાં માને છે તેઓ નરેન્દ્ર મોદીના ઉદયથી અને તેમની સત્તામાં આવવાની સંભાવનાથી ભયભીત છે. ભય ત્રણ વાતનો છે. એક ભય એ વાતનો કે નરેન્દ્ર મોદી ફાસીવાદી વિચારધારામાંથી આવે છે અને એમાં પણ તેઓ સવાયા આક્રમક ફાસિસ્ટ છે અને ઇન્દિરા ગાંધી કરતાં પણ વધુ આપખુદશાહી મનોવૃત્તિ ધરાવે છે. બીજો ભય એ વાતનો કે નરેન્દ્ર મોદી પોતાના પ્રેમમાં પડેલા આત્મમુગ્ધ માણસ છે અને સત્તાવાસના ધરાવતા આત્મમુગ્ધ લોકો કલ્પના બહારનું સાહસ કરી શકે છે અને કલ્પના બહારનું નુકસાન પહોંચાડી શકે છે. ત્રીજો ભય એ વાતનો કે નરેન્દ્ર મોદી સમગ્ર રાજ્યને હાઇજૅક કરીને દેશને લૂંટવા માગતા ક્રોની કૅપિટલિસ્ટો (શાસકો સાથે ભાગીદારી કરીને પૈસા બનાવનારા આંગળિયાત ઉદ્યોગપતિઓ)ના પસંદગીના ઉમેદવાર છે. મૂડીવાદીઓએ પસંદગીના મહત્ત્વાકાંક્ષી માણસને આગળ કરીને રાજ્યને કબજે કર્યું હોય એવું જગતમાં આ પહેલાં બીજા દેશોમાં પણ બન્યું છે.આ લખનારને આમાંથી પહેલી સંભાવનાની ખાસ ચિંતા નથી, કારણ કે ઇન્દિરા ગાંધીએ બંધારણ અને ન્યાયતંત્ર સાથે ચેડાં કર્યા હતાં જેમાં છેવટે બંધારણ અને ન્યાયતંત્ર વિજયી થયાં છે. અત્યારે ભારતીય લોકતંત્રના મૂળભૂત માળખાને તોડી પાડવું શક્ય નથી. આત્મમુગ્ધતા એક બીમારી છે અને એવો માણસ જો સાથે સત્તાવાસના ધરાવતો હોય તો એ વધારે જોખમી છે. આ ચિંતાનો વિષય જરૂર છે, પણ એનું વિવેચન જરૂરી નથી; કારણ કે માનવીનું વર્તન સંયોગો પર આધારિત હોય છે અને ક્યારે કેવા સંજોગો પેદા થશે એની કલ્પના કરવાનો અર્થ નથી. ત્રીજો ભય નક્કર છે અને આ લખનારને ત્રીજો ભય આજે સૌથી વધુ સતાવી રહ્યો છે. હજી પાંચ વર્ષ પહેલાંની જ વાત છે. યાદ કરી જુઓ. આ જ મધ્યમવર્ગ અને મૂડીવાદીઓ ડૉ. મનમોહન સિંહ પર ફિદા હતા. આજે જેમ નરેન્દ્ર મોદી તેમને તારણહાર લાગી રહ્યા છે એમ ત્યારે ડૉ. મનમોહન સિંહ તેમને તારણહાર લાગતા હતા. ૨૦૦૮ પછી પરિસ્થિતિએ અચાનક પલટો લીધો અને જગતના વિકસિત અને વિકાસશીલ દેશો મુશ્કેલીમાં આવી ગયા. ખનિજ તેલના ભાવ વધવા માંડ્યા જેને કારણે ફુગાવો હાથ બહાર જતો રહ્યો. બીજી બાજુ મંદીને કારણે વિકાસનો રથ થંભી ગયો. જગત આખામાં, ખાસ કરીને લોકશાહી દેશોમાં નિરાશા ઘેરી વળી. ઓછામાં પૂરું, ગેરલોકતાંત્રિક ચીનનો ઝડપભેર ઉદય થયો. આજે લોકશાહી દેશોમાં લોકતંત્ર પરની શ્રદ્ધા ઘટી રહી છે અને ચીન જેવી ગેરલોકતાંત્રિક આક્રમકતાનો મહિમા થઈ રહ્યો છે. આ ઉપરાંત એક નવી સ્થિતિ પેદા થઈ. ૧૯૮૦ પછીથી વિશ્વ-દેશોએ સરકારી નિયંત્રણો ઘટાડ્યાં હતાં અને મૂડીવાદીઓને મોકળાશ કરી આપી હતી એને કારણે સંપત્તિના કેન્દ્રીકરણની નવી સ્થિતિ પેદા થઈ. જો સંપત્તિની ન્યાયી વહેંચણી ન થાય અને થોડા હાથોમાં એ જમા થાય તો સ્વાભાવિક રીતે ટૂંકા ગાળામાં પ્રચંડ સંપત્તિ અર્જિત કરનારાઓની રાજ્ય પર ભીંસ આવે. આમ આવી સાગમટે પેદા થયેલી પરિસ્થિતિના ડૉ. મનમોહન સિંહ શિકાર થઈ ગયા.ડૉ. મનમોહન સિંહની બીજી ઇનિંગ્સ અસમંજાવસ્થાની છે. એક બાજુ ટૂંકા ગાળામાં પ્રચંડ સંપત્તિ અર્જિત કરનારા ક્રોની કૅપિટલિસ્ટોની ભીંસ વધવા માંડી અને બીજી બાજુ વિકાસથી વંચિત રહેલી ૯૦ ટકા પ્રજાને રાહત કઈ રીતે આપવી એની ચિંતા હતી. તેમની પાસે સબસિડી અને એન્ટાઇટલમેન્ટ્સના નામે રાહતનાં પૅકેજિસ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આને કારણે અર્થતંત્ર વધારે ખાડે ગયું હતું. આ ઉપરાંત વિકાસના નામે કુદરતી સંપદાની ચાલી રહેલી લૂંટ અટકાવીને પર્યાવરણ બચાવવાનો પણ પ્રશ્ન હતો. આ સ્થિતિમાં એક સમયના લાભાર્થીઓના ડાર્લિંગ ગણાતા ડૉ. મનમોહન સિંહ વિલન બની ગયા. લાભાર્થીઓએ નરેન્દ્ર મોદી નામના નવા ડાર્લિંગ શોધી લીધા છે અને પૂરી તાકાત લગાવીને તેમને સત્તામાં પહોંચાડવાના કામે લાગી ગયા છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અનેક કિસ્સાઓમાં મફત અને બીજા કેટલાક કિસ્સાઓમાં પાણીના ભાવે ક્રોની કૅપિટલિસ્ટોને સવલતો પૂરી પાડીને પોતાની લાયકાત સિદ્ધ કરી આપી છે. ટૂંકમાં, ક્રોની કૅપિટલિસ્ટો નરેન્દ્ર મોદીને આગળ કરીને રાજ્યને હાઇજૅક કરી જવા માગે છે. આ અર્થમાં નરેન્દ્ર મોદી ક્રોની કૅપિટલિસ્ટોના પસંદગીના ઉમેદવાર છે. ડૉ. મનમોહન સિંહની સરકારમાં તેમને જે તક જોઈએ એટલા પ્રમાણમાં નહોતી મળી એ તક તેઓ નરેન્દ્ર મોદી દ્વારા ઝડપવા માગે છે.ક્રોની કૅપિટલિસ્ટો એવી વ્યક્તિ પર પસંદગીનો કળશ ઢોળે છે જે આત્મમુગ્ધ હોય, સત્તાની પ્રચંડ વાસના ધરાવતી હોય અને રાજકીય રીતે અભણ હોય. ૧૯૭૦ના દશકના અંતિમ ભાગમાં બ્રિટન અને અમેરિકામાં આમ બન્યું હતું; જ્યારે ખનિજ તેલના ભાવ આસમાને ગયા હતા, ફુગાવો વધ્યો હતો. અત્યારે ચીન છે એમ ત્યારે સામ્યવાદી રશિયા રાજકીય રીતે આક્રમક હતું, રશિયા અફઘાનિસ્તાનને ગળી ગયું હતું, મૂળભૂતવાદી ઇસ્લામનો ઉદય થયો હતો અને ઈરાનમાં ઇસ્લામિક ક્રાન્તિ કરનારાઓએ ઈરાનમાં રહેતા અમેરિકનોને બાન પકડ્યા હતા. આજના જેવી જ નિરાશાની સ્થિતિ ત્યારે હતી અને એમાંથી બ્રિટનમાં માર્ગરેટ થૅચરનો અને અમેરિકામાં રોનાલ્ડ રેગનનો ઉદય થયો હતો. મૂડીવાદીઓએ ત્યારે તેમને એવી અને એટલી મદદ કરી હતી જેવી આજે તેઓ નરેન્દ્ર મોદીને કરી રહ્યા છે. રોનાલ્ડ રેગનના પુરોગામી જિમી કાર્ટર ડૉ. મનમોહન સિંહ જેટલા જ ભલા અને સોજ્જા માણસ હતા, પરંતુ તેમને નબળા ગણાવીને પરાજિત કરવામાં આવ્યા હતા. મૂડીવાદીઓએ ત્યારે પ્રચંડ લોકમત થૅચર અને રેગનની તરફેણમાં પેદા કર્યો હતો. મૂડીવાદીઓ ત્યારે થૅચર અને રેગન દ્વારા રાજ્યને હાઇજૅક કરી ગયા હતા અને અર્થતંત્ર પરનાં રાજ્યનાં નિયંત્રણો ઘટાડવાની શરૂઆત ત્યારે થઈ હતી. નિયંત્રણો હળવાં કરાયાં એને કારણે સત્તાધીશો સાથેની ભાગીદારીમાં મૂડીવાદીઓની નવી પેઢી પેદા થઈ જે આજે ક્રોની કૅપિટલિસ્ટ તરીકે ઓળખાય છે. આ લોકો રાજ્યને હાઇજૅક કરવા વધારે આક્રમક બન્યા છે અને નરેન્દ્ર મોદીઓ તેમનું હાથવગું રમકડું છે. આ વાત જો ગળે ન ઊતરતી હોય તો હું બે પ્રમાણ રજૂ કરી શકું એમ છું. પહેલું પ્રમાણ અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ ગયા ડિસેમ્બરમાં સેન્ટર ફૉર અમેરિકન પ્રોગ્રેસ નામની સંસ્થાના વિદ્વાનો સમક્ષ આપેલું પ્રવચન છે જેમાં તેમણે વધતી અસમાનતા અને રાજ્ય પરની ક્રોની કૅપિટલિસ્ટોની ભીંસ વિશે ચિંતા વ્યક્ત કરી છે. એ ઐતિહાસિક પ્રવચનની વિગતો ૫ જાન્યુઆરીએ આ કૉલમમાં હું લખી ચૂક્યો છું એટલે એની વિગતમાં જવાની જરૂર નથી. એ પ્રવચન ઑનલાઇન ઉપલબ્ધ છે. બીજું પ્રમાણ ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ સ્થાપેલી અને દાયકાઓથી ન્યાયી સમાજની રચના માટે કામ કરતી ઑક્સફામ નામની સંસ્થાએ વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ માટે તૈયાર કરેલો અહેવાલ છે. ‘વર્કિંગ ફૉર ધ ફ્યુ : પૉલિટિકલ કૅપ્ચર ઍન્ડ ઇકૉનૉમિક ઇનઇક્વલિટી’ નામનો અહેવાલ વાંચો તો સંવેદનશીલ માણસના શરીરમાં અક્ષરશ: લખલખું પસાર થઈ જાય. એ અહેવાલનાં તારણો આવાં છે:જગતની અડધોઅડધ સંપત્તિ પર સૌથી શ્રીમંત એક ટકો પ્રજા માલિકી ધરાવે છે, જ્યારે ૯૯ ટકા પ્રજાએ બાકીની અડધી સંપત્તિ વહેંચવી પડે છે.સંપત્તિની દ્રષ્ટિએ વિશ્વ-પ્રજાને બે હિસ્સામાં વહેંચો તો નીચેના હિસ્સાની ૫૦ ટકા પ્રજા જેટલી સંપત્તિ ધરાવે છે એટલી સંપત્તિ વિશ્વના એકલા ૮૫ શ્રીમંતો ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ત્રણ અબજ માણસો જેટલી સંપત્તિ ધરાવે છે એટલી સંપત્તિ ૮૫ જણ ધરાવે છે. આર્થિક મંદી પછી એટલે કે ૨૦૦૯થી અત્યાર સુધીમાં અમેરિકાએ જેટલી સંપત્તિ પેદા કરી છે એમાંનો ૯૫ ટકા હિસ્સો ત્યાંના એક ટકો શ્રીમંતોના ખિસ્સામાં ગયો છે અને બાકીનો પાંચ ટકા હિસ્સો ૯૯ ટકા અમેરિકન પ્રજાને મળ્યો છે. રાજ્ય પર કબજો જમાવીને ૨૦૧૩ની સાલમાં નવા ૨૧૦ જણ વિશ્વના અબજોપતિઓ (ડૉલર્સમાં)ની ક્લબમાં જોડાયા હતા. અત્યારે એક અબજ કરતાં વધુ સંપત્તિ ધરાવનારા લોકોની ક્લબમાં ૧૪૨૬ સભ્યો છે અને તેમની કુલ સંપત્તિ ૫૪૦૦ અબજ ડૉલર્સ છે.છેલ્લા બે દાયકામાં સ્પેન, બ્રાઝિલ, ભારત, દક્ષિણ આફ્રિકા, બ્રિટન અને અમેરિકામાં મૂડીવાદીઓને અનુકૂળ આવે એ રીતે સરકારી નિયંત્રણો ઘટાડવા કાયદાઓ સુધારવામાં આવ્યા છે.વિશ્વનાં શૅરબજારો એક ટકો અતિ શ્રીમંતો ચલાવે છે. બરાક ઓબામાએ અમેરિકન શૅરબજારના કાયદા સુધારવાનો પ્રયાસ કર્યો ત્યારે અમેરિકાના સૌથી શ્રીમંત પાંચ રોકાણકારોએ ૪૦૬ લૉબિસ્ટોને સુધારો અટકાવવા રોક્યા હતા. એ ખરડામાં સૂચવેલા ૩૯૮ સુધારાઓમાંથી ૧૪૮ સુધારાઓ જ પસાર થઈ શક્યા છે.ભારતમાં દાયકા પહેલાં છ અબજોપતિ (ડૉલર્સમાં) હતા જે આજે ૬૧ છે અને તેમની કુલ સંપત્તિ ૨૫૦ અબજ ડૉલર્સની છે જે ભારતની કુલ સંપત્તિમાં ૨૬ ટકાનો હિસ્સો ધરાવે છે. બીજા શબ્દોમાં ૬૧ જણ દેશની ચોથા ભાગની સંપત્તિ ધરાવે છે.ઑક્સફામના અહેવાલ મુજબ ૬૧ અબજોપતિઓમાંના અડધા કુદરતી ગૅસ, ખાણ, ટેલિકૉમ જેવાં સરકારી મહેરબાનીવાળાં ક્ષેત્રોમાં ધંધો કરનારા ક્રોની કૅપિટલિસ્ટ છે.આ હાઇલાઇટ્સ વાંચ્યા પછી ખ્યાલ આવ્યો હશે કે ક્રોની કૅપિટલિસ્ટો કેટલા શક્તિશાળી થઈ ગયા છે અને વહીવટી તંત્રને હાઇજૅક કરવા કેટલા આક્રમક છે. તેમને એક એવો પસંદગીનો માણસ જોઈએ છે જે સત્તાતુર હોય અને ઇતિહાસ તેમ જ રાજકીય પ્રવાહોની બાબતમાં અભણ હોય. ભારતમાં નરેન્દ્ર મોદી તેમને મળી ગયા છે. દુર્ભાગ્ય એ છે કે આપણી મોટા ભાગની થિન્ક ટૅન્ક સંસ્થાઓ પણ ક્રોની કૅપિટલિસ્ટોની માલિકીની છે જેના માટે અર્થશાસ્ત્રીઓ અને રાજકીય વિચારકો કામ કરે છે. મીડિયા પણ તેમની માલિકીનાં છે જે તેમના હિતમાં અને તેમના ઇશારે પ્રચાર કરવાનું કામ કરે છે. સોશ્યલ મીડિયા પર પણ તેમના લૉબિસ્ટોએ કબજો જમાવ્યો છે. એકંદરે સ્થિતિ ભયજનક છે. આ લખવાનો હેતુ એટલો જ કાલે એવું કહેવાનો પ્રસંગ ન આવે કે કોઈએ અમને ચેતવ્યા નહોતા.

સૌજન્ય : લેખકની ‘નો નૉન્સેન્સ’ નામે કટાર, “ગુજરાતી મિડ-ડે”, 27 અૅપ્રિલ 2014

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-27042014-2

Category :- Opinion Online / Opinion