OPINION

દુઃખદર્શક રણછોડભાઈ

દીપક મહેતા
25-09-2014

જે થિયેટરમાં નાટક ભજવાતું હોય તે થિયેટરની બહાર હારબંધ પારણાં ગોઠવ્યાં હોય એવું તમે જોયું છે?

આવાં પારણાંમાં સુવડાવેલાં બાળકોને હીંચોળવા માટે અને તેમનું ધ્યાન રાખવા માટે ખાસ માણસો રોકવામાં આવ્યા હોય તેવું તમે જોયું છે? આજે તો આવી કલ્પના કરવી પણ મુશ્કેલ. પણ ૧૮૬૮ની સાલમાં આવું બન્યું હતું, મુંબઇ શહેરમાં જ બન્યું હતું!

મહાન રંગકર્મી કેખુશરૂ કાબરાજીએ ૧૮૬૭ના ઑગસ્ટની ર૧મી તારીખે મુંબઈમાં વિક્ટોરિયા નાટક મંડળી શરૂ કરી. રણછોડભાઈ ઉદયરામનું ‘હરિશ્ચન્દ્ર’ નાટક પારસી અભિનેતાઓ પાસે અત્યંત સફળતાથી ભજવાવ્યું. પછી બીજું નાટક ભજવ્યું, નળ-દમયંતી. એ પણ રણછોડભાઈનું લખેલું. આ નાટક પર હિંદુ સ્ત્રીઓ ઓવારી ગઈ. ગુજરાતી સ્ત્રીઓનાં ધાડેધાડાં આ નાટક જોવા ઊમટવા લાગ્યાં. પણ બપોરને વખતે ખાસ ભજવાતો ખેલ જોવા જે સ્ત્રીઓ આવતી તેમાંની ઘણી પોતાનાં બાળકોને સાથે લઈને આવતી. ચાલુ ખેલે બાળકો રડે ત્યારે બીજાંને ખલેલ થતી, અને ‘બાળકને ઝટ બહાર લઈ જાવ’ એવી બૂમો પડતી. એટલે આ નાટક જ્યાં ભજવાતું તે ધોબીતળાવ પર આવેલી ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટની બહાર કાબરાજીએ હારબંધ પારણાં ગોઠવવાનું શરૂ કર્યું. બાળકને તેમાં સુવડાવી સ્ત્રીઓ ખલેલ વગર ખેલ જોઈ શકે. પછી વખત જતાં વિક્ટોરિયા નાટક મંડળીમાં મતભેદ થતાં કાબરાજી છૂટા થયા અને નવી નાટક ઉત્તેજક મંડળી સ્થાપી. આ મંડળીએ પણ હરિશ્ચન્દ્ર અને નળ-દમયંતી નાટકો ફરી ભજવ્યાં. તેની ભજવણીમાંથી આ કંપની એટલું કમાઈ કે ક્રાફર્ડ માર્કેટ પાસે પોતાનું લાકડાનું થિયેટર બાંધી તેમાં નાટકો ભજવવાનું શરૂ કર્યું.મૌલિક અને અનુવાદિત મળીને કુલ ૧૪ નાટક લખનાર રણછોડભાઈ ઉદયરામ દવેનો જન્મ ૧૮૩૭ના ઑગસ્ટની નવમી તારીખે નડિયાદ નજીકના મહુધા નામના ગામમાં. બાળપણમાં મહુધામાં ભવાઈના વેશો જોયેલા. બાળપણથી જ અવાજ સારો. દસેક વર્ષની ઉમ્મરે વૈજનાથ મહાદેવના મંદિરમાં શિવપાર્વતીનાં સ્તોત્રો ગાઈને તેમણે લોકોને મુગ્ધ કરેલા. પ્રાથમિક શિક્ષણ મહુધામાં લીધું. સુરતના મિસ્ટર ગ્રેહામ પરીક્ષા લેવા આવેલા ત્યારે રણછોડભાઈની તેજસ્વિતાથી પ્રભાવિત થઈ અંગ્રેજીના અભ્યાસ માટે પોતાની સાથે સુરત લઈ જવાની તૈયારી બતાવી. પણ કુટુંબીજનો બાળક રણછોડને આટલે દૂર સુધી મોકલવા તૈયાર ન થયા, એટલે રણછોડભાઈ નડિયાદ જઈ એક ખાનગી શિક્ષક પાસે અંગ્રેજી શીખ્યા. નડિયાદમાં હરિદાસ વિહારીદાસ અને મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી સાથે મૈત્રી બંધાઈ. વધુ અભ્યાસ માટે ત્રણ જણ પહેલાં ખેડા અને પછી અમદાવાદ ગયા. ત્યાં હાઇ સ્કૂલનું શિક્ષણ પૂરું કરી ‘લૉ ક્લાસ’માં જોડાયા. અમદાવાદના અભ્યાસ દરમિયાન જ કવિતા અને નિબંધો લખવાનું શરૂ કર્યું. ૧૮૫૮માં આઠ મહિના માટે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના આસિસ્ટન્ટ સેક્રેટરી તથા ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના તંત્રી થયા.૧૮૬૨-૬૪ દરમિયાન આ જ ‘બુદ્ધિપ્રકાશ’ના ૧૯ અંકમાં રણછોડભાઈનું પહેલું નાટક પ્રગટ થયું. ત્યારે તેનું નામ હતું ‘જયકુંવરનો જય.’ એ જ નાટક ૧૮૬૪માં પુસ્તકાકારે પ્રગટ થયું ત્યારે તેનું નામ બદલીને ‘જયકુમારી વિજય’ રાખ્યું. એ જમાનામાં બીજા ઘણાખરા લેખકોની જેમ આ નાટક લખવા પાછળ રણછોડભાઈનો આશય પણ સમાજસુધારાની પ્રવૃત્તિનો પુરસ્કાર કરવાનો હતો. ૧૮૬૪માં અમદાવાદ છોડી મુંબઈ આવ્યા, શેઠ બેચરદાસ લશ્કરીના પ્રતિનિધિ તરીકે લોરેન્સ કંપનીમાં કામ કરવા લાગ્યા. ૧૮૬૫માં મુંબઈમાં ગુજરાતી સભા(પછીનું નામ ફાર્બસ ગુજરાતી સભા)ની સ્થાપના થઈ ત્યારથી પોતાના જીવનના અંત સુધી તેની કારોબારી સમિતિના સભ્ય રહેલા પણ ગુજરાતી રંગભૂમિ ઉપર રણછોડભાઈ છવાઈ ગયા તે તો તેમના લલિતાદુઃખદર્શક નામના નાટકથી. ૧૮૬૬માં એ પુસ્તક રૂપે પ્રગટ થયેલું. ૧૮૭૮ના જૂનની પાંચમી તારીખે ‘ગુજરાતી નાટક મંડળી’એ આ નાટક ભજવ્યું. જેવું છપાયેલું તેવું જ જો ભજવાય તો નવ કલાક ચાલે એવું આ નાટક હતું. રણછોડભાઈએ પોતે તેમાં કાપકૂપ કરી પાંચ કલાકમાં ભજવી શકાય તેવું બનાવ્યું. અને દિગ્દર્શન પણ પોતે જ કર્યું. વિક્ટોરિયા થિયેટરમાં પહેલો ખેલ પડ્યો ત્યારે રાતે આઠ વાગે શરૂ થયેલો ખેલ સવારે સાડા ત્રણે પૂરો થયો ! અને આ પહેલો ખેલ માત્ર આમંત્રિત મહેમાનો માટે જ હતો. પછી તેના ૯૦ જેટલા ટિકિટેડ ખેલ થયા. કજોડાનું દુઃખ એ આ નાટકનો મુખ્ય વિષય છે. આ નાટકને મળેલી અસાધારણ સફળતાના લાભ ખાટી લેવાને ઈરાદે એ પછી જેના નામમાં ‘દુઃખદર્શક’ આવતું હોય તેવાં દસેક નાટકો એ વખતે ભજવાયાં.૧૮૮૪માં રણછોડભાઈ મુંબઈ છોડી ‘હુઝુર એસિસ્ટન્ટ’ તરીકે કચ્છ નોકરી કરવા ગયા અને મુંબઈની રંગભૂમિ સાથેના તેમના પ્રત્યક્ષ સંબંધનો અંત આવ્યો. પછી તો કચ્છના દીવાન પણ બન્યા. શહેનશાહ સાતમા એડવર્ડના રાજ્યારોહણ પ્રસંગે દિલ્હી-દરબારમાં હાજરી આપી. પણ પછી ૧૯૦૪માં સ્વેચ્છાએ નિવૃત્તિ સ્વીકારી લીધી. ૧૯૧૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના ચોથા અધિવેશનના પ્રમુખ બન્યા. ૧૯૧૫માં બ્રિટિશ સરકારે તેમને ‘દીવાન બહાદુર’નો ઇલ્કાબ આપ્યો. ૧૯૨૩ના એપ્રિલની નવમી તારીખે મુંબઈમાં ૮૬ વર્ષની ઉમ્મરે રણછોડભાઈનું અવસાન થયું. રણછોડભાઈ ગુજરાતી નાટક કે રંગભૂમિના પિતા કે આદ્ય નાટકકાર નહોતા. આજે એમનું નામ અને કામ લગભગ ભુલાઈ ગયું છે, છતાં ગુજરાતી રંગભૂમિના વિકાસમાં તેમણે આપેલો ફાળો મૂલ્યવાન છે એ હકીકત ભૂલવા જેવી નથી.

સૌજન્ય : ‘પ્રોફાઇલ’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 22 સપ્ટેમ્બર 2014

Category :- Opinion Online / Opinion

સાહિત્યમાં સામંતશાહી

દીપક મહેતા
23-09-2014

એક જમાનામાં આપણે ત્યાં લેખકો અને વિવેચકોમાં નીતિ અને કલાના સંબંધ વિષે જોરશોરથી ચર્ચા ચાલતી હતી. ‘નીતિ એ તો કલાની વિષકન્યા છે’ એવા કનૈયાલાલ મુનશીના વિધાનથી ચોખલિયા લેખકો અને વિવેચકો ચોંકી ઊઠ્યા હતા. મુનશીના વિધાનની વિરુદ્ધમાં અને તરફેણમાં ઘણું લખાયું અને બોલાયું હતું. પણ થોડાં વર્ષો પછી વાત વિસરાઈ ગઈ. છેલ્લા થોડાક દાયકાથી આપણે ત્યાં એક બીજી ચર્ચા વખતોવખત થતી રહે છે : જે કોઈ સાહિત્યકૃતિ, સાહિત્યપ્રકાર, કે સાહિત્યકાર લોકપ્રિય હોય તેમાં સાહિત્યિક ગુણવત્તા ઓછી હોય કે ન જ હોય એમ કેટલાક ગાઈબજાવીને કહે છે – ખરેખર માને છે કે કેમ એ જુદો સવાલ છે. કેટલાક તો વળી ‘લોકપ્રિય’ શબ્દનો ઉપયોગ લગભગ સાહિત્યિક ગાળની જેમ કરે છે. વીસમી સદીના પાછલા ભાગમાં આપણા સાહિત્યમાં આધુનિકતાનો વાયરો વાયો ત્યારે મુનશી, રમણલાલ, મેઘાણી, ધૂમકેતુ, ચુનીલાલ મડિયા જેવા કેટલા ય લેખકોને ‘લોકપ્રિય’ કહીને લેખકની પંગતમાંથી ઉઠાડી મૂકવાનો પ્રયત્ન થયો હતો. એવો પ્રયત્ન કરનારા થોડાં વર્ષોમાં ઊઠી ગયા પણ એ લેખકોને ઊની આંચ ન આવી. લોકોમાં વંચાતા રહ્યા, આજ સુધી.

લોકપ્રિયતાનો વિરોધ કરવા પાછળ કદાચ આપણું સામંતશાહી માનસ કામ કરી રહ્યું હોય. જે રાજાને ગમે તે રાણી, જેને રાજા વખાણે તે ઉત્તમ, જે શેઠનું તે સારું. બાપડાં લોકડિયાંનુ તે તેમની સામે શું ગજું? જે એમને ગમે તે તો પાણી, જેને લોક વખાણે તે તો અધમ, જે લોકનું તે તો નઠારું. કારણ લોકોને સાહિત્યની, કલાની વાતોમાં શી ગમ પડે? એમને તો મનોરંજન મળે એટલે હાંઉ! એમને નહીં ધોરણોનો આગ્રહ, નહીં કલાનાં મૂલ્યોની પરખ. અને હા, લોકોને જે ઝટ સમજાઈ જાય, ગમી જાય, તે તો સાહિત્ય હોય જ નહિ. સાહિત્યના પાંચ-પંદર જાણતલ જોશીને કે પારખુ પારેખને જ સમજાય, બીજાને તો ગતાગમ પણ ના પડે, એ સાહિત્યકૃતિ ઉત્તમ, અને જે કોઈને જ ન સમજાય તે તો વળી ઉત્તમોત્તમ! છેલ્લા થોડા વખતથી આ વિરોધે એક નવું નિશાન તાક્યું છે : અંગ્રેજીમાં લખતા ભારતીય લેખકો. કહેવાય છે કે એ બધા લખે છે તો કચરા જેવું, પણ માર્કેટિંગને જોરે તેમની લાખો નકલ વેચાય છે અને તેઓ કરોડો રૂપિયા કમાય છે. પણ નથી એ લેખકો કહેતા, નથી એમને વેચવાવાળા કે વાંચવાવાળા કહેતા કે અલાણો ફલાણો ભગત તો ટોલ્સટોય કે હેમિંગ્વે છે. કોઈના પુસ્તકની જાહેર ખબર માટે એનો પ્રકાશક કરોડ રૂપિયા ખર્ચે તો તેમાં બીજા કોઈના પેટમાં શા માટે તેલ રેડાવું જોઈએ? પ્રકાશકને માટે તો પુસ્તક એક પ્રોડક્ટ છે. એનું પ્રમોશન કરવું એ તો એનું કામ છે. આપણી ભાષાના પ્રકાશકો બધો મદાર સરકારના આશ્રય પર જ રાખે અને તેથી લોકોનો આશ્રય મેળવવા પુસ્તકોની જાહેરાત ન કરે, એટલે બીજા બધાએ પણ એમ કરવું એવું કોણે કહ્યું? પાંચ સો નકલ વેચીને બેસી રહેવાનું અંગ્રેજીના પ્રકાશકોને ન પોસાય.

લોકપ્રિયતાની આવી સૂગ આપણે ત્યાં પ્રમાણમાં નવી છે. જયારે મુદ્રણનું સાધન નહોતું ત્યારે પણ નરસિંહ મહેતાથી માંડીને દયારામ સુધીના અનેક કવિઓ લોકજીભે રમતા રહ્યા અને તેથી જીવતા રહ્યા. સાહિત્યનાં વિવેચન, ચર્ચા, વિવાદમાં જેમનાં નામ સતત આવતાં રહે છે તે નર્મદ કે દલપતરામ, ગોવર્ધનરામ કે મુનશી, મેઘાણી કે રમણલાલ, એમના જમાનાના લોકપ્રિય લેખકો તો હતા જ, પણ સાથોસાથ વિવેચકપ્રિય લેખકો પણ હતા. એમની ટીકા કરનારા ત્યારે પણ હતા, આજે પણ છે, પણ આ લેખકોને લોકો વાંચે છે માટે એમનામાં દમ નથી એમ કોઈ એ વખતે કહેતું નહીં.

આજે તો કોઈ લેખક લોકપ્રિય બની જાય એટલે એ ગુનેગાર બની જાય એમ કેટલાક માને છે. જો કે તેમનો મુખ્ય વિરોધ કદાચ બીજાને મળતી લોકપ્રિયતા સામે હોય છે. છાપામાં કોલમ લખવી, પુસ્તકોનાં વિમોચન સમારંભ કરવા-કરાવવા, મિત્રોને વખાણવા અન્યોને વખોડવા, સંસ્થાઓમાં મોટાભા થઈને મહાલવું અને બીજાને કોઈ કામ કરવા ન દેવું, લોકપ્રિયતા મેળવવાના આવા નુસખા તેઓ પણ અપનાવતા હોય છે. પણ તેમનું માનવું હોય છે કે પોતે કરે તે તો લીલા, બીજા કરે તે છિનાળું! ખરેખર તો તેમનો વિરોધ લોકપ્રિયતા સામે નથી હોતો, પણ પોતાના કરતાં બીજા વધુ લોકપ્રિયતા ખાટી જાય તેની સામે હોય છે. એમને દુખતું હોય છે પેટમાં, પણ તેઓ કૂટે છે માથું, અને તે ય પોતાનું નહિ, પારકાનું, લોકોનું!   

સૌજન્ય : ‘ડાયરી’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 22 સપ્ટેમ્બર 2014

Category :- Opinion Online / Opinion