OPINION

લેખકે પોતાના લેખનને વફાદાર રહેવું જોઈએ કે વાચકને? આ સવાલનો સાચો અને પ્રામાણિક જવાબ મેળવવો અઘરો છે. બીજો સવાલ છે, વાચકે પોતાના વાચનને વફાદાર રહેવું જોઈએ કે લેખકને? આનો સાચો જવાબ મેળવવો પણ અઘરો છે. આનું મુખ્ય કારણ એ કે માન્યતા અને વ્યવહાર વચ્ચે બહુ મોટો ફરક હોય છે, જેનો નિખાલસ સ્વીકાર કરવો અઘરો હોય છે.

વાચનને વફાદાર હોય એવા વાચકોનાં લક્ષણ શું? આમ પૂછતાં જ એક ચહેરો નજર સમક્ષ ઊપસી આવે. એ વાચક એટલે કુકેરીનાં ડાહીબહેન પરમાર. ૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ના ગુરુવારે બપોરે તેમનું ટૂંકી બીમારી પછી અવસાન થયું. તેમના અવસાનના સમાચાર મળતાં જ તેમની સાથેનો ચારેક વરસ જૂનો પરિચય કોઈ ચિત્રપટ્ટીની જેમ નજર સમક્ષ ફરી ગયો.

ડાહીબહેનને કંઈ એવા મરમી અને વિદ્વાન વાચક ન કહી શકાય, કે જે પોતે કેટલું વાંચ્યું છે, એની દુહાઈઓ છાશવારે આપતાં રહે અને પોતાના વાચનપ્રેમનો રાગ આલાપ્યા કરે. ડાંગ જિલ્લામાં ચીખલીની નજીક, ઉમરા જવાના રસ્તે આવેલા કુકેરી ગામમાં રહેતાં એક નિવૃત્ત શિક્ષિકા હતાં એ. પેન્શનની આવક. પતિ ચંદ્રસિંહ પણ નિવૃત્ત શિક્ષક. બંને દીકરીઓ યોગ્ય ઠેકાણે પરણાવી દીધી હતી, એટલે પતિ-પત્ની બંને એકલાં જ રહેતાં હતાં. આ ગામમાં પોસ્ટ-ઑફિસ પણ ન હતી. એ માટે તેમણે ખાસ ચીખલી જવું પડે. આવી વિપરીતતાઓ છતાં ય ડાહીબહેન પુસ્તકો ખરીદીને મંગાવતાં.

‘ગુજરાતમિત્ર’ સહિત અન્ય સ્રોતમાંથી તેમને નવાં કે સારાં પુસ્તક અંગેની માહિતી મળે એટલે ડાહીબહેન ફોનથી જે-તે પ્રકાશક કે લેખકનો સંપર્ક કરે, સંબંધિત પુસ્તકની કિંમત પૂછે. તેમનો ખાસ આગ્રહ રહેતો કે પોતે મનીઑર્ડરથી નાણાં મોકલે, એ નાણાં પ્રકાશક કે વિક્રેતાને મળે, એ પછી જ તેમણે પુસ્તકો મોકલવાં. તેમના આટલા પરિચયે કોઈ નાણાં મળતાં પહેલાં સીધેસીધાં પુસ્તકો મોકલી આપવાનું કહે, તો ડાહીબહેન ભડકી ઊઠે. તેમનો આગ્રહ એવો જ રહેતો કે પોતે મોકલેલાં નાણાં મળે, એ પછી જ પુસ્તકો મોકલવાં. આમ તો આ કંઈ એવી મોટી વાત કે મોટો ગુણ ન કહેવાય. પણ આ લખનારને તેનો બરાબર અનુભવ પોતે લખેલા પુસ્તક ‘ક્રાંતિકારી વિચારક’ વખતે થયેલો. વડોદરાના પ્રો. રાવજીભાઈ પટેલ(મોટા)ની જીવનકથાના આ પુસ્તકના અનેક ઠેકાણે પ્રકાશિત થયેલાં અવલોકન પછી ઘણી શૈક્ષણિક સંસ્થાઓ તેમ જ અન્ય શૈક્ષણિક અગ્રણીઓએ આ પુસ્તક મંગાવ્યું હતું. પણ એ પછી તેમાંના ઘણા લોકો આ પુસ્તકનાં નાણાં મોકલવાનું ‘ભૂલી ગયા હતા.’ આવા સંજોગોમાં ડાહીબહેનની આ પ્રકૃતિ બહુ દુર્લભ જણાય.

પુસ્તક મંગાવીને વાંચ્યા પછી અચૂક એ વિશે વાત કરતાં અને પોતાને જે બાબત ન સમજાઈ હોય એ વિષે પૂછપરછ કરતાં. વાતો કરવી તેમને બહુ ગમતી, એટલે ઘણી વાર પુસ્તક સિવાયની વાતો પણ લંબાણથી કરતાં.

‘ક્રાંતિકારી વિચારક’ પુસ્તક વાંચ્યા પછી તેમણે બહુ સહજભાવે ટિપ્પણી કરતાં કહેલું, ‘પુસ્તક સરસ છે, પણ તમે અંદર વાતચીતમાં અમુક અંગ્રેજી વાક્યો એમનાં એમ મૂક્યાં છે. અમારાં જેવાને એમાં હમજણ ની પડે. તમે કૌંસમાં એનું ગુજરાતી લખ્યું હોત, તો હારું થાત!’

કશું ય લખીએ ત્યારે આપણે મનમાં અમુક પ્રકારના કે અમુક કક્ષાના વાચકોને જ નજર સમક્ષ રાખતા હોઈએ છીએ. આવું માનવું કેટલું ભૂલભરેલું હોય છે, એનો પહેલવહેલી વાર ખ્યાલ એ વખતે આવ્યો. લખતી વખતે કદી સપને ય વિચાર્યું ન હતું કે કુકેરી જેવા ગામનાં ડાહીબહેન જેવા વાચક પાસે મારું આ પુસ્તક પહોંચશે. એક વાચકે આપેલો આ અત્યંત મહત્ત્વનો પાઠ હતો.

આ પાઠ એટલો યાદગાર બની રહ્યો છે કે હવે કંઈ પણ લખતી વખતે મનમાં એ જ વિચાર હોય કે ડાહીબહેન આ વાંચી શકશે કે કેમ? ‘જેનનેક્સ્ટ’ને આવું જ ચાલે, એમ ધારીને આજકાલ ગુજરાતી લિપિમાં અંગ્રેજીના શબ્દપ્રયોગો તો ઠીક, આખેઆખા ફકરા ઉતારનારા લેખકમિત્રો કેટલા મર્યાદિત લોકોને લક્ષમાં રાખીને લખે છે, એ વિચાર આવ્યા વિના રહે નહીં! લખાણમાં બને એટલી સરળતા હોવી જોઈએ અને વાત ગમે એવી અઘરી કેમ ન હોય, રજૂઆત શક્ય એટલી સરળ હોવી જોઈએ, એનો સૈદ્ધાંતિક પાઠ ગુરુ રજનીકુમારે આપેલો, જેનો વ્યાવહારિક પાઠ શીખવ્યો ડાહીબહેને.

એકાદ વરસ અગાઉ તેમને રૂબરૂ મળવાનું બન્યું હતું. એ નિમિત્તે કેટલાંક પુસ્તકો તેમને ભેટરૂપે આપ્યાં. પણ તેમણે ધરાર એના પૈસા ચૂકવી દીધા. પુસ્તક પૈસા વિના લેવાય જ નહીં, એવી સ્પષ્ટ સમજણ તેમનામાં હતી અને આ સમજણનો કશી દાંડી પીટ્યા વિના તે અમલ કરતાં હતાં.

તેમને ઘેર ‘નિરીક્ષક’ પણ આવતું હતું. એ ફરી શરૂ કરાવવામાં કંઈક મુશ્કેલી હતી. એ નિમિત્તે તેમનો સંપર્ક ફોન દ્વારા પ્રકાશભાઈ(ન. શાહ)નાં પત્ની નયનાબહેન સાથે કરાવવામાં નિમિત્ત બનવાનું થયું. નયનાબહેન સાથે તેમનો નિયમિત સંપર્ક સ્થપાઈ ગયો. બંને અવનવી વાતો કરતાં. પોતાના વિસ્તારની વાતો ડાહીબહેન એવી આંતરદૃષ્ટિથી કરતાં કે એક તબક્કે નયનાબહેને તેમને ખાસ આગ્રહ કરવો પડ્યો કે તે કંઈક લખીને મોકલે. જો કે, ‘મને એ ની ફાવે’ એમ કહીને ડાહીબહેન એ માટે તૈયાર ન થયાં.

‘સાર્થક પ્રકાશન’ના મિત્રો કાર્તિક શાહ અને બિનીત મોદી સાથે પણ તે નિયમિત ફોનસંપર્ક રાખતાં હતાં. તેમનો પુસ્તકપ્રેમ જોઈને બિનીત મોદીએ ‘ગૂર્જર ગ્રંથરત્ન’ની ઑફિસમાં કાયમી સૂચના આપી રાખી હતી કે ડાહીબહેનનો કોઈ પણ ઓર્ડર હોય તો તેના પર ખાસ ધ્યાન આપવું. ડાહીબહેનનાં પુસ્તકોની ખરીદીનો હિસાબ વાર્ષિક ધોરણે થાય, એવી સુવિધાની ઑફર પણ બિનીતે ડાહીબહેન સમક્ષ મૂકી હતી, પણ ઉધારીનું વાંચન તેમને ખપતું જ ન હતું.

પોતાનાં સગાંઓને આપવા માટે પણ તે એક જ પુસ્તકની એકથી વધુ નકલ મંગાવતાં. ધાર્યું હોત તો પોતાની ખરીદેલી એક જ નકલ તે વારાફરતી સૌને આપી શકતાં હતાં, પણ ના! તે પોતાના વાચનને વફાદાર હતાં. પુસ્તક પોતે જ વસાવવાનું હોયને! 

આવા વાચકોની પ્રજાતિ અમસ્તીય દુર્લભ છે, તેમાં ડાહીબહેન જેવાની વિદાયથી મોટી ખોટ વરતાશે!

e.mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2014, પૃ.17

Category :- Opinion Online / Opinion

સ્કોટલેન્ડ બ્રિટનથી અલગ થવું જોઇએ કે નહીં તે અંગે બી.બી.સી. પર પંડિતોની બહસ ચાલતી હતી તે જોઈને ગાર્ડિયન સમાચારપત્રના એક પત્રકારને ભારતના લેખક નિરદ ચૌધરીની ગેરહાજરી સાલી હતી. એમને ભારત કરતાં બ્રિટિશ સામ્રાજ્યમાં વધુ વિશ્વાસ હતો, અને એ કહેતા હતા કે જાહીલ ભારતીયોને સભ્ય બનાવવાનું શ્રેય બ્રિટિશરોને જાય છે.

બી.બી.સી.ની બહસ સ્વતંત્ર સ્કોટલેન્ડના હિમાયતી એલેક્સ સાલ્મન્ડ અને સત્તાધીશ લેબર પાર્ટીના એલિસ્ટર ડાર્લિંગ વચ્ચે હતી. પેલા પત્રકારને અફસોસ થયો કે 300 વર્ષના ઇતિહાસમાં બ્રિટને સ્કોટલેન્ડને સામાજિક, સાંસ્કૃિતક અને ટેક્નોલોજિકલ જે ઓળખ આપી છે તેનો સરખી રીતે બચાવ પેલા સાંસદ કરી ન શક્યા. પત્રકાર લખે છે કે મને આ વખતે નિરદ ચૌધરી યાદ આવ્યા. વિશેષ કરીને નિરદ ચૌધરીના એ શબ્દો જેના કારણે ભારતમાં એમની બદનામીને ચાર ચાંદ લાગી ગયા હતા : કિવિસ બ્રિટાનિક્સ સુમ … Civis Britannics Sum.

નિરદચંદ્ર ચૌધરીનું નામ ભારત વિરોધીઓની યાદીમાં સૌથી ઉપર, પ્રથમ નંબરે આવે છે. ધ ઓટોબાયોગ્રાફી ઓફ અનનોન ઇન્ડિયન, કોન્ટિનેંટ ઓફ સર્સે અને પેસેજ ટુ ઇન્ડિયા જેવી બહેતરીન કિતાબો બદલ પશ્ચિમમાં નિરદ ચૌધરીની ભરપૂર સરાહના થયેલી, પરંતુ એમના કથિત ભારત-વિરોધી વિચારોના કારણે ભારતમાં એમનું નામ ખોવાઈ ગયેલું.

નિરદ ચૌધરી હાલ બાંગ્લાદેશના કિશનગંજમાં જન્મેલા અને કોલકાતામાં ભણીને સામયિક સંપાદક બનેલા. રાજકીય લેખો લખવાના કારણે એ સુભાષચંદ્ર બોઝના મોટાભાઈ સરતચંદ્ર બોઝના પરિચયમાં આવ્યા હતા અને બોઝના સચિવ હોવાના નાતે ગાંધી, નેહરુ અને સુભાષબાબુ જેવા નેતાઓ સુધી પહોંચેલા. તે સમયની ભારતીય રાજનીતિની આંતરિક ગતિવિધિઓથી માહિતગાર થયા બાદ નિરદ ચૌધરીનું ભ્રમ નિરસણ થવા લાગેલું અને એમનો બ્રિટિશ પ્રેમ વધવા લાગેલો.

આ નિરદ ચૌધરીએ 1951માં ધ ઓટોબાયોગ્રાફી ઓફ અનનોન ઇન્ડિયન નામની આત્મકથા લખી હતી. નિરદબાબુએ એમાં એમની જીવનકથા ઉપરાંત એમનો બૌદ્ધિક વિકાસ કેવી રીતે થયો તેની કહાની પણ લખેલી અને એ દરમિયાન એમણે એનું શ્રેય બ્રિટિશરોને આપેલું. તત્કાલીન બ્રિટિશ પ્રધાનમંત્રી વિન્સન્ટ ચર્ચિલે આ કિતાબને એમના જીવનની ‘વન ઓફ ધ બેસ્ટ’ ગણાવેલી.

એ વખતે ભારતીય સમચારપત્રો સ્વદેશી ચળવળના જુસ્સામાં હતાં અને અંગ્રેજ માલિકીના ધ સ્ટેટ્સમેનને બાદ કરતાં તમામ પત્રોએ આ આત્મકથાનો ભરપૂર વિરોધ કરેલો. ભારત સ્વતંત્ર થયું તેના ચાર જ વર્ષમાં આ કિતાબ આવેલી અને ભારતને સ્વ-શાસનના પાટા પર ચઢાવવા મથી રહેલા પ્રધાનમંત્રી નેહરુ નિરદ ચૌધરી પર ભડકી ગયેલા. નેહરુએ નિરદબાબુને પત્ર લખીને સલાહ આપેલી કે અગર તેમને ભારતીય લોકો પર વિશ્વાસ ન હોય તો બીજે ક્યાંક જતા રહેવું જોઈએ. નિરદબાબુ 1970માં ભારત છોડીને બ્રિટનના ઓક્સફર્ડમાં વસી ગયેલા અને 101 વર્ષની વયે 1999માં ત્યાં જ મરી ગયેલા.

એમની આત્મકથામાં એમણે અંગ્રેજ સમાજના ભરપેટ વખાણ તો કરેલા જ, બાકી હોય તેમ પૂરી આત્મકથા ય અંગ્રેજ સામ્રાજ્યને અર્પણ કરેલી. ‘કિવિસ બ્રિટાનિક્સ સુમ’ વિધાન આ સમર્પણમાં જ આવે છે. નિરદબાબુ આત્મકથાના ઊઘડતા પાને લખે છે : ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યની યાદમાં અર્પણ, જેણે પ્રતિષ્ઠા આપી પણ નાગરિત્વ ન આવ્યું અને આપણે સૌએ ચીલ્લાઈને કહ્યું, કિવિસ બ્રિટાનિક્સ સુમ. કારણ કે આપણી અંદર જે ઉચિત હતું તેને આ જ બ્રિટશ શાસને પેદા કર્યું હતું, એને આકાર અને ગતિ અાપી હતી.

કિવિસ બ્રિટાનિક્સ સુમ એટલે ‘હું બ્રિટિશ નાગરિક છું.’ મૂળ આ લેટિન વિધાન ‘કિવિસ રોમાનુસ સુમ’નું અંગ્રેજીકરણ છે, જે ઇશુપૂર્વે 106મી સદીના રોમન ચિંતક સિસરોએ ગેરરીતિઓ વિરોધી ભાષણોમાં રોમન સામ્રાજ્યના નાગરિક હોવાનો પુર્નોચ્ચાર કરતી વખતે કહ્યું હતું. ન્યુ ટેસ્ટામેન્ટમાં પોલ ધ એપોસ્ટલ સીઝરના  દરબારમાં એની નિર્દોષતા પુરવાર કરવા આ વિધાન બોલે છે.

1850માં ડોન પેસિફિકો નામના બ્રિટિશ વેપારીને એથેન્સમાં રંજાડવામાં આવ્યો ત્યારે ગ્રીસને પાઠ ભણાવવા માટે બ્રિટિશ સંસદમાં અપીલ કરનાર લોર્ડ પાલ્મરસ્ટને ‘કિવિસ બ્રિટાનિક્સ સુમ’ સૂત્ર આપ્યું હતું. તેણે કહ્યું હતું કે જેમ રોમન સામ્રાજ્ય એના રોમન નાગરિકોનું સંરક્ષણ કરતું હતું તેમ વિશ્વના તમામ ‘બ્રિટિશ સબ્જેક્ટ’(બ્રિટિશ સામ્રાજ્યમાં જન્મેલા)નું રક્ષણ કરવાની ફરજ બ્રિટિશ સરકારની છે. 1963માં સોવિયત સંઘની મદદથી ઇસ્ટ જર્મનીએ બર્લિન વોલ ચણી દીધી ત્યારે વેસ્ટ જર્મનીના સમર્થનમાં આવેલા રાષ્ટ્રપ્રમુખ જ્હોન ઓફ કેનેડીએ કહેલું, ‘બે હજાર વર્ષ પહેલાં અભિમાનથી એક સૂર ગુંજ્યો હતો : કિવિસ રોમાનુસ સુમ. આજે દુનિયા આઝાદ છે અને અભિમાનનો મંત્ર છે : ઇચ બીન ઇન બર્લિન. દુનિયાના દરેક સ્વતંત્ર માણસ બર્લિનનો નાગરિક છે. મને આ કહેતાં ગૌરવ થાય છે, ઇચ બીન ઇન બર્લિન … હું બર્લિનનો નાગરિક છું.’

19મી સપ્ટેમ્બરે જ્યારે ભારતમાં સૂર્યોદય થયો ત્યારે નિરદ ચૌધરીના ‘વતન’ બ્રિટનના ટુકડા થતા રહી ગયા. એ દિવસે 55 પ્રતિશત સ્કોટિશ નાગરિકોએ સ્કોટલેન્ડને બ્રિટનથી સ્વતંત્ર થવાનો ઇન્કાર કરી દીધો. સ્કોટલેન્ડમાં જનમત સંગ્રહની બહસ ચાલતી હતી ત્યારે પેલા પત્રકારની જેમ ઘણા બ્રિટિશરોને નિરદ ચૌધરી જેવા કટ્ટર સમર્થકોની ગેરહાજરી સાલી હતી. પરંતુ બહુમતી સ્કોટિશ લોકોએ જ પુનરુચ્ચાર કર્યો, કિવિસ બ્રિટાનિક્સ સુમ.

દુનિયાના સૌથી જૂના પ્રદેશોમાં સ્કોટલેન્ડનો સમાવેશ થાય છે. 50 લાખની આબાદીવાળો આ પ્રદેશ 300 વર્ષ પહેલાં બ્રિટનનો હિસ્સો બન્યો તેના 800થી પણ વધુ વર્ષથી આઝાદ દેશ હતો. 18મી સદીમાં બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે સ્કોટલેન્ડ દુશ્મન સાથે હાથ ના મિલાવી દે તે માટે બ્રિટને સ્કોટલેન્ડનો વેપાર રોકી રાખ્યો હતો અને આ રોક ત્યાં સુધી જારી રહી જ્યાં સુધી સ્કોટલેન્ડ બ્રિટનમાં ભળી જવા રાજી ન થયું.

બ્રિટિશ હકૂમત ભારતના આઝાદી આંદોલન સામે ઝૂકી રહી હતી ત્યારે ચર્ચિલે કહ્યું હતું કે, ‘સત્તા આવારા, નીચ અને ડાકુઓના હાથમાં જતી રહેશે. ભારતના નેતા કમ ક્ષમતાવાળા નક્કામા લોકો હશે. સત્તા માટે એ આપસમાં લડશે અને ભારત રાજનૈતિક ઝઘડામાં ખોવાઈ જશે. એક દિવસ એવો આવશે જ્યારે ભારતમાં હવા અને પાણી પર પણ ટેક્સ લાગશે.’

ભારતમાં તો આવું કશું થયું નહીં પરંતુ બ્રિટનના ખુદના આંગણે કંઈક આવું જ થવાનું હતું. સ્કોટલેન્ડે આર્થિક કારણોસર બ્રિટનથી અલગ થવાનો ઇન્કાર કરી દીધો છે. હેરી પોટરની કિતાબો લખનાર જે. કે. રોલિંગ જે સ્કોટલેન્ડની છે તેણે કહ્યું હતું કે ગ્લોબલ માર્કેટમાં ટકી રહેવા માટે સ્કોટલેન્ડે બ્રિટન સાથે જોડાયેલા રહેવું જરૂરી છે. અર્થશાસ્ત્રના ઇતિહાસ સાથે સ્કોટલેન્ડનો સંબંધ જૂનો છે. મહાન અર્થશાસ્ત્રી ડેવિડ હ્યુમન સ્કોટિશ હતો. પ્રથમ જોઇન્ટ-સ્કોટ કોમર્શિયલ બેન્ક સ્કોટલેન્ડમાં સ્થપાઈ હતી અને તેમાંથી જ ગ્લોબલ અર્થવ્યવસ્થા આવી હતી.

નિરદબાબુ જીવતા હોત તો બ્રિટન સાથે જોડાયેલા રહેવાના સ્કોટલેન્ડના નિર્ણયની એમણે સરાહના કરી હોત? નિરદબાબુ સંસ્કૃિત અને સભ્યતાના માણસ હતા. તેમણે બ્રિટિશ શાસકોના જુલમની ટીકા કરી હતી પરંતુ એક સંસ્કૃિત તરીકે ગોરા સામ્રાજ્યનાં વખાણ કર્યાં હતાં. બ્રિટિશ સામ્રાજ્યની પડતી એમણે જોઈ હતી અને પાછલાં વર્ષોમાં એ ઇંગ્લેન્ડને ‘ફાઉલ ફ્રેન્ડ’ (દૂષિત દોસ્ત) ગણતા હતા. તેઓ કહેતા હતા કે એક જમાનાના આર્થિક અને રાજનૈતિક તાકાત ગણાતા બ્રિટનની પડતી જોઈને એમને અફસોસ થાય છે.

બે વર્ષ પહેલાં અલગ સ્કોટલેન્ડની માગણી ઊઠી ત્યારથી એક પ્રશ્ન પુછાતો હતો કે બ્રિટિશ સંસ્કૃિત એના પતનના આરે છે? એક્ચુઅલી, બ્રિટનની સાંસ્કૃિતક, આર્થિક કે રાજકીય પ્રાસંગિકતા એવી રીતે ખતમ થઈ ગઈ છે જેવી રીતે ધુંઆધાર લેખકો વચ્ચે નિરદ ચૌધરીની પ્રાસંગિકતા ખતમ થઈ ગઈ હતી. બ્રિટિશ રાજનું ભારતમાં પતન થયું ત્યારે નિરદ ચૌધરીએ કહ્યું હતું કે બ્રિટિશ લોકોને પોતાના જ સામ્રાજ્યમાંથી વિશ્વાસ ઊડી ગયો છે.

ભાંગ્યા ભાંગ્યા તો ય બ્રિટન સાથે રહેવાનો સ્કોટલેન્ડના નિર્ણયથી બ્રિટનને કોઈ તસલ્લી મળી હોય તે શક્ય નથી. ગાર્ડિયનના પેલા પત્રકારને જેને નિરદ ચૌધરીની ખોટ સાલી હતી તેણે જનમત સંગ્રહના પરિણામ પછી લખ્યું હતું, ‘મને હતું કે લોકો ‘હા’માં મત આપશે. પણ સ્કોટલેન્ડે બ્રિટનને ફાળ પડાવી દીધી એ સારું થયું.’

સૌજન્ય : ‘સન્નડે’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 28 સપ્ટેમ્બર 2014

Category :- Opinion Online / Opinion