OPINION

ટાઈપ ગયા, લીસોટા રહી ગયા

દીપક મહેતા
06-10-2014

ઓગણીસમી સદીમાં મુંબઈ ઈલાકામાં ગુજરાતી મુદ્રણનો આરંભ થયો ત્યારે છાપખાનાનું બધું કામ હાથ વડે કરવું પડતું. હાથ વડે ચાલતા યંત્ર પર એક કલાકમાં ૨૪૦ થી ૪૮૦ નકલ છાપી શકાતી, કાગળની એક બાજુએ. આ નકલો પરની શાહી સૂકાઈ જાય પછી જ કાગળની બીજી બાજુ પર છાપકામ થઈ શકતું. યુરોપ અને બ્રિટનમાં પણ ૧૮૧૨ સુધી હાથ વડે ચાલતા મશીન પર જ છાપકામ થતું. ૧૮૧૨ના અરસામાં તેને બદલે સ્ટીમ પ્રેસ પ્રચલિત બનવા લાગ્યાં. જેમાં મશીન શરૂઆતમાં કલાકની ૮૦૦ નકલ છાપી શકતાં પણ ૧૮૧૮ સુધીમાં તે ઝડપ વધીને ૨૪૦૦ પાનાં જેટલી થઈ. આ જ અરસામાં અગાઉ વપરાતાં ફલેટબેડ મશીનને બદલે રોટરી સિલિન્ડરવાળાં મશીન કામ કરતાં થયાં. તેના પર કાગળની બંને બાજુ એક સાથે છાપી શકાતું. જો કે આવાં મશીન અખબારો છાપવા માટે જ વપરાતાં. પુસ્તકો છાપવા માટે તો ફલેટબેડ કે પછીથી આવેલાં પગથી ચલાવાતાં ટ્રેડલ મશીન જ વપરાતાં. જો કે મુંબઈ ઈલાકામાં સ્ટીમ પ્રેસ, રોટરી સિલિન્ડર પ્રેસ, ટ્રેડલ મશીન કયારથી વપરાતાં  થયાં તેની માહિતી મળતી નથી. પણ ૧૯મી સદીની છેલ્લી પચીસીમાં આ પ્રકારનાં કેટલાંક છાપખાનાં મુંબઈ શહેરમાં તો હતાં જ. ૧૯૧૧થી મુંબઇ શહેરમાં વીજળીનો ઔદ્યોગિક વપરાશ શરૂ થયો. પણ શરૂઆતમાં તો સુતરાઉ કાપડની મિલ જેવા મોટા ઉદ્યોગો જ વીજળી વાપરતા થયા. મુદ્રણ જેવા લઘુ ઉદ્યોગોમાં તો વીજળીનો વપરાશ ઘણો મોડો શરૂ થયો.

છાપવા માટેનાં મશીન બદલાયાં, તેમની ઝડપ વધી, પણ ૧૭૯૭થી માંડીને ૨૦મી સદીનાં છેલ્લાં વર્ષો સુધી ગુજરાતી પુસ્તકોનું મોટા ભાગનું છાપકામ હેન્ડ કમ્પોઝ વડે થતું. તેમાં એક એક અક્ષરનું બીબું હાથ વડે ગોઠવવું પડતું જે કામ કમ્પોઝિટરો કરતા. હેન્ડ કમ્પોઝમાં વપરાતાં બીંબા વધુ સુઘડ અને સુડોળ થયાં, તેનું ટાઇપ ફાઉન્ડ્રીઓમાં મોટે પાયે ઉત્પાદન થવા લાગ્યું, છતાં એક અક્ષર માટે એક બીબું એ મૂળભૂત વાત તો જેમની તેમ રહી.

આમાં આમૂલ પરિવર્તન આવ્યું છેલ્લાં કેટલાંક વર્ષોમાં કમ્પ્યુટરના ઉપયોગને કારણે. જો કે દેશની બીજી કેટલીક ભાષાઓની સરખામણીમાં આપણે આ સગવડ જરા મોડેથી અપનાવી. હવે ધાતુનાં બીબાં જ રહ્યાં નથી એટલે તેની સાથેનો સરંજામ પણ રહ્યો નથી. હવે નથી તો મૂળ લખાણના કાગળ પર શાહીના ડાઘ પડતા. અક્ષરોના વળાંક તો જેવા હતા તેવા જ રહ્યા છે, થોડાક નજીવા ફેરફારને બાદ કરતાં – પણ હવે લખાણ કમ્પોઝ કરવાને બદલે ડેટા એન્ટ્રી વડે કમ્પ્યુટર પર તૈયાર થાય છે. ભાંગેલા, ઘસાયેલા, ખોટા માપના ટાઇપ બદલવા પડે એવું હવે રહ્યું જ નથી. એકંદરે છાપકામની સમગ્ર પ્રક્રિયા વધુ સહેલી, ઝડપી, સ્વચ્છ-સુઘડ અને ઓછી ખર્ચાળ બની છે. અખબારો અને સામયિકો માટે જ નહીં, પુસ્તકો છાપવા માટે પણ આ નવી પદ્ધતિ ઝડપથી પ્રચલિત બની છે.

આજે મુંબઈ જેવાં શહેરમાં ગુજરાતી લેટર પ્રેસ ભાગ્યે જ જોવા મળે. વળી કમ્પોઝ કામ અને મુદ્રણ એક જ સ્થળે થાય એ પણ હવે જરૂરી રહ્યું નથી. ડેટા એન્ટ્રી એક શહેરમાં થાય, તૈયાર થયેલાં પાનાં ઇમેલથી મોકલાવાય અને છાપકામ સેંકડોં માઇલ દૂરના શહેરમાં થાય એ હવે સ્વાભાવિક વાત બનવા લાગી છે.

જો કોઈ મોટો અવરોધ હોય તો તે એ છે કે મોટાભાગના ગુજરાતી ફોન્ટ (ટાઇપ) યુનિકોડ - આંતરરાષ્ટ્રીય સ્વીકૃત ધોરણ - પ્રમાણેના નથી. તેથી એક ફોન્ટ વાપરીને તૈયાર કરેલું લખાણ બીજા ફોન્ટમાં બદલવાનું કે છાપવાનું મુશ્કેલ છે. આથી ઘણીવાર એક કરતાં વધારે વાર ડેટા એન્ટ્રી કરવી પડે છે. તેથી સમય, શ્રમ અને પૈસાનો બગાડ થાય છે. વખત જતાં આવી મુશ્કેલીઓ દૂર થશે એવી આશા રાખી શકાય. નોન-યુનિકોડ ફોન્ટનું યુનિકોડ ફોન્ટમાં રૂપાંતર કરવા માટેની સગવડ એ આ દિશાનું પહેલું પગલું છે, પણ ખરી જરૂર નોન-યુનિકોડ ફોન્ટનો ઉપયોગ કરવાનું ટાળવાની છે. આજે હવે હેન્ડ કમ્પોઝ માટે ધાતુના ટાઈપ વાપરીને લેટર પ્રેસથી છાપકામ કરવાનું લગભગ બંધ થઈ ગયું છે. પણ કમ્પ્યુટરના સ્ક્રીન પર તેના લીસોટા તો રહી ગયા છે. 

(વધુ હવે પછી)

સૌજન્ય : ‘ફલેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 06 અૉક્ટોબર 2014

Category :- Opinion Online / Opinion

હવે તો લોકશાહી એ જ કલ્યાણ!

દિવ્યેશ વ્યાસ
06-10-2014

હોંગ કોંગમાં ચાલી રહેલા આંદોલને ચીનની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી કરી નાખી છે. આપણે સૌ જાણીએ છીએ કે ચીનને જેટલો ડર કટ્ટર દુશ્મન જાપાન કે અમેરિકા-રશિયા જેવી મહાસત્તાથી નથી એટલો ડર 'લોકશાહી' નામના એક શબ્દથી છે!

હોંગ કોંગમાં ૨૪ સપ્ટેમ્બરથી મુક્ત ચૂંટણી અને પૂર્ણ લોકશાહીની માગણી સાથે વિરોધ પ્રદર્શન-આંદોલન શરૂ થયું છે. ૧૯૯૭માં બ્રિટને જ્યારે હોંગ કોંગનો કબજો ચીનને સોંપ્યો ત્યારે વિસ્તારવાદી ચીન બહુ ખુશ થયું હતું, પરંતુ તાજા આંદોલનને જોતાં ચીન છાના ખૂણે પસ્તાતું પણ હશે, કારણ કે હોંગ કોંગના લોકશાહી માટેના આંદોલને ચીનના સામાન્ય લોકોમાં પણ લોકશાહી માટેની ઝંખનાને ફરી જગાવી દીધી છે.

હોંગ કોંગનું આંદોલન તાઇનામેન સ્ક્વેર હત્યાંકાંડની (૧૯૮૯) રજત જયંતી વર્ષમાં શરૂ થયું છે, એ ભલે યોગાનુયોગ હશે, છતાં હોંગ કોંગના આંદોલને ચીનના લોકોને તાઇનામેન ચોકના લોકશાહી માટેના આંદોલન અને ચીની સરકારે ગુજારેલા અમાનુષી અત્યાચારની કડવી યાદ તારી કરાવી દીધી છે. હોંગ કોંગના આંદોલનને 'તાઇનામેન-ટુ' નામ પણ અપાયું છે. ચીન સહિત આખી દુનિયાના લોકો એવી ચિંતા પણ સતાવે છે કે ચીની સરકારે તાઇનામેનમાં જે લશ્કરી પગલાં લીધેલાં એવું અહીં તો નહીં કરેને? જો કે, ગયા રવિવારે હોંગ કોંગના આંદોલનકારીઓનાં ટોળાં વિખેરવા માટે અશ્રુવાયુના ગોળા છોડાયા હતા અને વધુમાં મરી-મસાલાના ફુવારા છાંટવામાં આવેલા, પરંતુ એ પછી આ લખાય છે ત્યાં સુધી ચીની સરકાર કે સ્થાનિક તંત્ર દ્વારા અન્ય કોઈ દમન આચરાયું નહોતું, એ રાહતના સમાચાર છે.

આર્થિક અને લશ્કરી મહાસત્તા તરીકે મહાલતા ચીને એક દેશ તરીકે અનેક વિરાટ સિદ્ધિઓ હાંસલ કરી છે, પરંતુ લોકશાહી અને મુક્ત માહોલ વિના ત્યાંનો નાગરિક ગૂંગળામણ અનુભવે છે. અભિવ્યક્તિની આઝાદીથી વંચિત ચીનના લોકોમાં હોંગ કોંગના આંદોલનકારીઓએ નવી આશાનો સંચાર કર્યો છે અને એટલે જ ચીનની સરકાર સફાળી જાગી છે અને ધૂંધવાઈ ઊઠી છે. હોંગ કોંગ આંદોલનના પડઘા ચીનમાં ન પડે એ માટે ઇન્ટાગ્રામ સહિતની સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સ બ્લોક કરી દેવામાં આવી છે અને હોંગ કોંગ આંદોલનને સમર્થન આપનારા ચીનના લોકશાહી કર્મશીલોની ધરપકડ કરી લેવામાં આવી છે. હોંગ કોંગ જતી ટૂર રાતોરાત કેન્સલ કરાવી દેવામાં આવી છે.

ચીનની સરકારનો જીવ અધ્ધર કરનાર હોંગ કોંગના ઓક્યુપાય સેન્ટ્રલ આંદોલન પાછળનો ઉદ્દેશ અને આંદોલનકારીઓની માગણીને ટૂંકમાં જાણીએ. આપણને ખ્યાલ છે કે હોંગ કોંગ ૧૫૫ વર્ષ સુધી બ્રિટનના કબજા હેઠળ હતું. ચીન અને બ્રિટન વચ્ચેની સમજૂતી થયા પછી ૧ જુલાઈ, ૧૯૯૭ના રોજ બ્રિટને હોંગ કોંગનો કબજો ચીનને સોંપી દીધો હતો. બ્રિટને હોંગ કોંગનો કબજો સોંપ્યો ત્યારે ચીને 'એક દેશ, બે વ્યવસ્થા'નો સિદ્ધાંત સ્વીકાર્યો હતો અને હોંગ કોંગને ભવિષ્યમાં લોકશાહી વ્યવસ્થા પૂરી પાડવાની ખાતરી આપેલી. 'એક દેશ, બે વ્યવસ્થા'ના સિદ્ધાંત મુજબ હોંગ કોંગમાં આજે પણ ચીનથી અલગ ન્યાય તંત્ર અને કાયદાઓ અસ્તિત્વમાં છે. લોકોને અભિવ્યક્તિની આઝાદી તેમ જ વિરોધ પ્રદર્શનની આઝાદી પ્રાપ્ત છે. ચીને હોંગ કોંગને ૨૦૧૭માં મુક્ત ચૂંટણી કરવાની ખાતરી આપી હતી. જો કે, ચીને હવે ચૂંટણીમાં એવી જોગવાઈ કરી છે કે તેમણે નીમેલી સમિતિ જે ઉમેદવારને મંજૂરી આપે તે જ ચૂંટણી લડી શકશે. મતલબ કે ચીનના માનીતાઓ જ ચૂંટણી લડી શકશે. હોંગ કોંગના લોકો આને નકલી લોકશાહી કે લોકશાહીના નામે છેતરપિંડી માની રહ્યા છે. આંદોલનકારીઓ ૨૦૧૭ની ચૂંટણીની આ યોજનાને પડતી મૂકીને મુક્ત ચૂંટણીની માગ કરી રહ્યા છે. સાથે સાથે તેઓ ચીને નીમેલા હાલના ચીફ એક્ઝિક્યુટિવ લ્યુંગ ચુન-યિંગના રાજીનામાની પણ માગ કરી રહ્યા છે.

વૈશ્વિક માહોલ જોતાં ચીન કોઈ હિંસક કાર્યવાહી કરી શકશે નહીં પણ ત્યાંના ચીફ એક્ઝિક્યુટિવ અત્યારે આંદોલનકારીઓને કોઠું આપી રહ્યા નથી. તેમની ગણતરી છે કે આંદોલકારી યુવાનો બૂમબરાડા કરીને દસ-પંદર દિવસમાં થાકી જશે અને તેઓ નહીં થાકે તો લોકો ચક્કાજામ-ઘેરાવાથી કંટાળીને તેમનો વિરોધ કરવા લાગશે એટલે આંદોલનની હવા નીકળી જશે. હવે જોવાનું એ રહેશે કે હોંગ કોંગના યુવાનો ચીનની જોહુકમી સામે ઝૂકી જશે કે ચીનને લોકશાહીના પાઠ ભણાવી શકશે?

સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની કટાર, “સંદેશ”, 05 અૉક્ટોબર 2014

Category :- Opinion Online / Opinion