OPINION

તાજેતરમાં ઓક્સફામ દ્વારા પ્રગટ કરાયેલો એક અહેવાલ વાંચવામાં આવ્યો, જેમાં દર્શાવાયું છે કે આ દુનિયાના ૮૫ ધનિકો પાસે બાકીના બધા નિર્ધનો પાસેની મૂડી એકઠી કરીએ તેટલું ધન જમા થયેલું છે.

આ અહેવાલમાં આપેલ ગુણદર્શક આંક ફેરવતા કેટલીક હકીકત તારવી શકાઈ જેનો સાર આ પ્રમાણે છે: અઢળક સંપત્તિનો સ્રોત છે ખાણ ઉદ્યોગ, એપલ કમ્પ્યુટર, ગુગલ, ફેઈસબુક, ડીઝની, ખનીજ તેલ, ગેસ, ખાંડ ઉત્પાદન અને વેંચાણ, કમ્પ્યુટર સોફ્ટવેર, બેંકમાં ધીરધારનો ધંધો સંભાળનારા, સમાચાર પત્રો, ટેલીકોમ, સ્ટીલ ઉદ્યોગ અને સુપર માર્કેટ જેવા અનેકાનેક વેપાર-ઉદ્યોગ.

આવા ધનિકોની ઉંમર ચાલીસથી માંડીને એકાણું વર્ષની છે તેવું પણ આલેખાયેલું છે જેથી મને પણ આ સાહસ ક્ષેત્રમાં પાકી ઉંમરે ઝંપલાવવાનું બળ મળે છે. વળી સંપત્તિની માલિકી કોઈ અમુક દેશના નાગરિકોનો જ ઈજારો તો નથીને એ જોવા મહેનત કરી તો જણાયું કે ના હોં, યુરોપ, અમેરિકા, કેનેડા, સાયપ્રસ, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ફિલીપાઈન્સ, ચીલી, ઓસ્ટ્રેલિયા અરે નાઇજીરિયા અને ભારત જેવા દેશોના ધનિકો પણ કુબેરોની ટોળકીમાં સામેલ છે. એ જાણીને જરા સારું લાગ્યું, ખોટું નહીં બોલું, ભાઈ. આપણને કોઈ બાબતમાં પાછળ રહી જવું ન પોસાય. અને ઉપર જણાવેલા જે તે દેશોમાં માનવ અધિકાર ભંગની હરીફાઈ થાય છે તેમાં ભારત મોખરે છે એ સહુ જાણે છે. 

એક પછી એક કરોડપતિઓનાં ઠામઠેકાણાં અને એમની કોથળીના વજનની ભાળ  મળતી ગઈ તેમ તેમ મારા હરખનો પાર ન રહ્યો. પણ સાચું કહું, જયારે લક્ષ્મી મિત્તલ પાસે $૧૬.૫ બીલિયન હોવાનું જાણ્યું ત્યારે થયું બસ આટલા જ? એમણે બાકીના ક્યાં વાપરી નાખ્યા હશે? આમાં દુનિયા આગળ ભારતની આબરૂ ક્યાં રહે? ત્યાં વળી મુકેશ અંબાણીની તિજોરીમાં $૨૧.૫ બીલિયન બોલતા જોઈને થયું હવે બરાબર. જો કે તો ય જેની પાસે $૬૫ કે $૮૭ બીલિયન ડોલર છે તેની પાસે ભરતના આ સપૂતોની મિલકત કોઈ હિસાબમાં નહીં. હશે, ધીમે ધીમે ભારત પણ પહેલા ત્રણ અબજોપતિઓ પેદા કરતું થશે, જરા વડાપ્રધાન પદ પર ગુજરાતને સ્વર્ણિમ બનાવનાર જાદુગરને બિરાજવા દો, પછી જુઓ મજા.

ભલા, મારા જેવા અણસમજુને વિચાર એવો આવે કે ખેતી, મકાન બાંધકામ, કાપડ ઉદ્યોગ, શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે જેવા જીવન જરૂરિયાતના કામ-ધંધા કરનારામાંથી કેમ કરોડો કે અબજોપતિ નહીં નીપજતા હોય? સુપર માર્કેટ્સ, કમ્પ્યુટરને લગતા ધંધાઓ, બિયર ઉત્પાદન-વેંચાણ, ખનીજ તેલ અને સ્ટીલ (કે જે મુખ્યત્વે વાહનો, શસ્ત્રો અને ભારે ઓજારો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે) તે શું માનવ જીવનની જરૂરિયાતો છે? તો એનું વળતર આટલું રૂપાળું કેમ મળે? અને તે પણ માત્ર મુઠ્ઠીભર લોકોને જ તેનો લાભ મળે? ઉપર ગણાવ્યા છે એ તમામ ઉત્પાદન અને વેપારના ક્ષેત્રમાં કેટલા લાખ લોકો કામ કરતા હશે? એમને શું વળતર મળતું હશે? ખાંડ બનાવનાર ફેકટરીના કારીગરને ચામાં ખાંડ નાખવી નહીં પોસાતી હોય પણ તેનો માલિક પોતાની ચામાં સોનાના વરખ વાળી ચા પીતો હશે.

લિયો ટોલ્સટોય ખૂબ વૈભવી જીવન જીવતો હતો. એને અહેસાસ થયો કે જ્યાં કોઈ મુઠ્ઠીભર માણસો પોતે મહેનત ન કરીને બીજા પાસે વેઠ કરાવી શકે ત્યાં ગુલામી આવે છે અને મેહનતકશ માનવીનું ગૌરવ થવાને બદલે એદી માણસોના અખૂટ ભંડારની વાહ વાહ બોલાય છે. તેણે મજૂરી કરતા ભૂખ્યા કંગાળ લોકો અને વૈભવમાં રાચતા લોકો વચ્ચેના જીવનમાં વિરોધાભાસ સામે આંગળી ચીંધી. આપણા પેલા ૮૫ ધનિકોને આ હકીકત દેખાતી હશે? ટોલ્સટોયએ કહ્યું કે માનવ જાત માટે મજૂરી કરવી એ જીવન નભાવવા માટેનો એક સર્વ સામાન્ય બોજ છે પણ કેટલાક પ્રમાદી લોકોએ પોતાનો મહેનત કરવાની ફરજનો બોજો બીજા પર નાખીને માનવ જાત પર બહુ મોટો શાપ વહોર્યો છે.  ટોલ્સટોયને જે ઘડીએ આ વરવી વાસ્તવિકતાનું ભાન થયું તે જ ઘડીએ સાપ કાંચળી ઉતારે તેમ પોતાની સર્વ સુખ સુવિધાઓ ત્યાગીને એક અકિંચન ખેડુનું જીવન જીવતો થયો.

દુનિયાના ધનિકોની યાદીમાં શામેલ સહુ અબજોપતિ-કરોડપતિઓને માત્ર એક અને એક જ વર્ષ માટે તેમના ઉદ્યોગ કે વેપાર ક્ષેત્રમાં કામ કરતા કામદાર કે નોકરિયાત વર્ગના ઘરમાં એમને મળતા પગારની મર્યાદામાં રહેવાની ફરજ પાડીએ તો કદાચ એમની આંખ ઉઘડે અને પોતાને થતા અમર્યાદ નફાની સમાન વહેંચણી માટે પ્રેરણા મળે. ત્યાં સુધી માત્ર Haves and Have nots જેવા વર્ગ ભેદમાં માનવ જાત સબડયા કરશે. સરકારો ધનિકો પાસેથી વધુ કરવેરા ઉઘરાવવાના વચનો આપશે, કર્મશીલો આ કરુણ પરિસ્થિતિ માટે ઊહાપોહ કરીને પોતાના ઉદાર વલણનું પ્રદર્શન કરશે અને એ ઘંટીના બે પડ વચ્ચે ૮૫ ધનિકોના સામે છલડે બેઠેલા નિર્ધનો પોતાના મોઢામાં ક્યારે ઉચ્છિષ્ટ અન્ન પડશે તેની રાહ જોતાં જોતાં મજૂરી કર્યા કરશે.

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion

સેક્યુલરિઝમ વિના લોકતંત્ર ટકી જ ન શકે. પાકિસ્તાનની બંધારણસભાએ પ્રભુસત્તા નાગરિકની જગ્યાએ અલ્લાહને આપી હતી. આ એક ઠરાવ સાથે સમૂહની સામે વ્યક્તિની ખો નીકળી ગઈ હતી. પાકિસ્તાને સેક્યુલરિઝમ નકાર્યું એટલે એના પરિણામસ્વરૂપ લોકતંત્ર પણ ગુમાવી દીધું

૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરી એ બે તિથિમાં શું ફરક છે એ જો તમે જાણતા હો તો આ લેખ વાંચવાની જરૂર નથી. ૧૫ ઑગસ્ટ સ્વતંત્રતા દિવસ છે અને ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન છે એટલું જ જો જાણતા હો અને એ બે વચ્ચે શું ફરક છે એની જાણ ન હોય તો આ લેખ વાંચવાનો ખાસ આગ્રહ છે. ભારતના ઇતિહાસમાં આ બન્ને દિવસ મહાન છે અને બન્નેનું મહત્ત્વ છે, પણ સ્વતંત્રતા દિન કરતાં પ્રજાસત્તાક દિનનું વધારે મહત્ત્વ છે. ગાંધીજી આઝાદીના આંદોલન દરમ્યાન ક્યારે ય આઝાદી કે સ્વતંત્રતા શબ્દ વાપરતા નહોતા, તેઓ હંમેશાં સ્વરાજ શબ્દ જ વાપરતા હતા એનું મહત્ત્વ છે. ગાંધીજીને મન સ્વરાજ એ સ્વતંત્રતાનો પર્યાયવાચી શબ્દ નહોતો પણ શાસનનો એક વિકલ્પ હતો. ગાંધીજીના નેતૃત્વ હેઠળ આપણે સ્વરાજ માટે લડતા હતા, સ્વતંત્રતા માટે નહોતા લડતા. સ્વ-રાજ એટલે આપણું પોતાનું રાજ, દેશના પ્રત્યેક નાગરિકનું પોતાના પર રાજ. સ્વતંત્ર તો પાકિસ્તાન પણ છે અને એવા બીજા અનેક દેશો છે, પણ સ્વરાજ બહુ ઓછા દેશો ભોગવે છે. ૨૬ જાન્યુઆરીએ આપણો દેશ પ્રજાસત્તાક બન્યો હતો. 


પ્રજાસત્તાક એટલે પ્રજાની સત્તા. ૧૯૪૭ના ઑગસ્ટ મહિનામાં ભારત અને પાકિસ્તાન સ્વતંત્ર થયાં ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે અંગ્રેજોની ગુલામીથી આઝાદ તો થયા, પણ સત્તા કોની હશે? ભારતને આઝાદી મળી એના એક વર્ષ પહેલાં ભારતનું બંધારણ ઘડવા બંધારણસભાની રચના કરવામાં આવી હતી. બંધારણસભામાં આ મૂળભૂત પ્રશ્ન આવ્યો હતો કે આઝાદ ભારતમાં પ્રભુસત્તા (સૉવરેન્ટી) કોની હશે? બંધારણસભાના સભ્યોમાં એ વિશે કોઈ મતભેદ નહોતો કે આઝાદ ભારતમાં પ્રભુસત્તા ભારતની પ્રજાની હશે. ભારત એક એવો દેશ હશે જ્યાં અંતિમ સત્તા પ્રજાની હશે. પ્રજા એટલે કોણ? તો એનો ઉત્તર આપવામાં આવ્યો કે ભારતનો નાગરિક, હું અને તમે. ભારતનો નાગરિક ભારતીય રાજ્યનું પ્રાથમિક એકમ છે. ટૂંકમાં, ભારતના બંધારણના અને રાજ્યના કેન્દ્રમાં નાગરિક છે, સમાજ એટલે કે સમૂહ નથી. હવે નાગરિક જ્યારે રાજ્યનું મૂળભૂત એકમ હોય તો સ્વાભાવિક રીતે નાગરિકના મૂળભૂત માનવીય અધિકારો, કાયદા સમક્ષની સહિત દરેક પ્રકારની સમાનતા, એક સરખી સુરક્ષાનો અધિકાર, ઇચ્છે ત્યાં વસવાટ કરવાનો, ઇચ્છે એ વ્યવસાય કરવાનો, એક સરખી તકનો અધિકાર કોઈ પણ પ્રકારના ભેદભાવ કર્યા વિના આપવો જોઈએ. બંધારણ ઘડનારાઓએ કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહો વિના ભારતના પ્રત્યેક નાગરિકને આ અધિકારો આપ્યા છે એટલું જ નહીં, રાજ્યસત્તા કે બીજી કોઈ પણ સત્તા નાગરિકના અધિકારો પર તરાપ મૂકે તો સીધા સર્વોચ્ચ અદાલતમાં ધા નાખવાનો પણ અધિકાર આપ્યો છે. બંધારણે નાગરિકના અધિકારોને સુરક્ષિત કર્યા છે અને સર્વોચ્ચ અદાલતને એના પર ચોંપ રાખવાનું કહ્યું છે. બંધારણ ઘડનારાઓએ જેવા ભારતની કલ્પના કરી છે એવા ભારતની રચના કરવી હોય તો એ લોકતંત્ર અને સેક્યુલરિઝમ વિના શક્ય નથી. લોકતંત્ર હોય પણ સેક્યુલરિઝમ ન હોય તો બહુમતી હિન્દુઓ લઘુમતી કોમને અન્યાય કરી શકે. આમ સેક્યુલરિઝમ વિના લોકતંત્ર ટકી જ ન શકે. એક કોમ બીજી કોમ પર શરતો લાદે તો એનો અર્થ એ થયો કે આપણે રાજ્યના કેન્દ્રમાંથી નાગરિક એટલે કે વ્યક્તિને હટાવીને સમૂહની સ્થાપના કરી ગણાય. જગતનો ઇતિહાસ એમ કહે છે કે સમાજનો સમૂહ હંમેશાં ખતરનાક સાબિત થયો છે. જો સમૂહની સત્તાને આદર આપવામાં આવે તો પુરુષ-સમાજ સ્ત્રીને અન્યાય કરી શકે, સવર્ણ-સમૂહ દલિતોને અન્યાય કરી શકે, હિન્દુઓ મુસલમાનને અન્યાય કરી શકે, ખાપ પંચાયત આંતરજ્ઞાતીય લગ્ન કરવા ઇચ્છતાં યુવકો-યુવતીઓને અન્યાય કરી શકે, મરાઠી પ્રાંતવાદીઓ પરપ્રાંતીયોને અન્યાય કરી શકે. એ સ્થિતિમાં લોકતંત્ર ટકી જ ન શકે. એટલે જ તો આધુનિક ભારતીય રાજ્યનું મૂળભૂત એકમ વ્યક્તિ કહેતાં નાગરિક છે, સમૂહ નથી.

આપણી સાથે જ એક દિવસ પહેલાં પાકિસ્તાન પણ બહારથી અલગ થઈને આઝાદ થયું હતું. વિભાજન અને આઝાદી પછી પાકિસ્તાને પણ બંધારણસભાની રચના કરી હતી. ૧૯૪૭ની ૧૧ ઑગસ્ટે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાએ પાકિસ્તાનની બંધારણસભામાં ઐતિહાસિક પ્રવચન કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં પ્રભુસત્તા નાગરિકની હશે. પાકિસ્તાન લોકતાંત્રિક અને સેક્યુલર દેશ હશે જેનું મૂળભૂત એકમ નાગરિક હશે અને સમૂહના ધોરણે નાગરિક સાથે ભેદભાવ કરવામાં નહીં આવે. ઝીણાના એ પ્રવચનમાં અને ભારતની બંધારણસભાએ પસાર કરેલા ઉદ્દેશના મુસદ્દામાં (ઑબ્જેક્ટિવ રેઝોલ્યુશનમાં) કાનોમાત્રનો પણ ફરક નહોતો એમ કહીએ તો ચાલે. પણ બન્યું એવું કે ઝીણાના મંગળ-પ્રવચન પછી સ્વતંત્ર પાકિસ્તાન રાજ્યની કલ્પના વિશેના ઑબ્જેક્ટિવ રેઝોલ્યુશન વિશે મતભેદ થયા હતા. મુલ્લાઓ અને ઇસ્લામવાદીઓએ કહ્યું હતું કે જો ભારત જેવું જ પાકિસ્તાન બનાવવું હતું હતું તો બહારથી અલગ થવાની જરૂર શું હતી?ઇસ્લામવાદીઓના દબાણ હેઠળ મોહમ્મદ અલી ઝીણાએ ઝૂકવું પડ્યું હતું અને પાકિસ્તાનની બંધારણસભાએ પ્રભુસત્તા નાગરિકની જગ્યાએ અલ્લાહને આપી હતી. આ એક ઠરાવ સાથે સમૂહની સામે વ્યક્તિની ખો નીકળી ગઈ હતી. અલ્લાહની પ્રભુસત્તા સ્થપાઈ એટલે આપોઆપ હિન્દુ સહિત ગેરમુસલમાનો દ્વિતીય નાગરિક બની ગયા. મુસલમાનોમાં પણ અહમદિયા મુસલમાનો દ્વિતીય નાગરિક બની ગયા અને અત્યારે સુન્ની બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં શિયાઓના અધિકારો છીનવી લેવાનો સંઘર્ષ ચાલી રહ્યો છે. પાકિસ્તાનમાં દેવબંદી મુસલમાનો બરેલવી મુસલમાનોને ઓછા કે હલકા મુસલમાન ગણાવી રહ્યા છે. પાકિસ્તાનની આજની અવદશાનું કારણ અલ્લાહના નામે સમૂહની સ્થાપના કરવાનું અને નાગરિકનો અને નાગરિકના માનવીય અધિકારોનો છેદ ઉડાડવાનું છે. પાકિસ્તાને સેક્યુલરિઝમ નકાર્યું એટલે એના પરિણામસ્વરૂપ લોકતંત્ર પણ ગુમાવી દીધું. 

વાતનો સાર એ છે કે સેક્યુલરિઝમ વિના લોકતંત્ર ટકી જ ન શકે. સેક્યુલરિઝમ વિશે શંકા ધરાવનારા વાચકોએ આજના ઐતિહાસિક અને એટલા જ પવિત્ર દિવસે સ્વસ્થ ચિંતન કરવું જોઈએ.

(મંતવ્ય-સ્થાન)

http://www.gujaratimidday.com/features/columns/2014-01-25-23-57-58-

Category :- Opinion Online / Opinion