OPINION

આ કોલમમાં  અવારનવાર ‘જૂનાં’ ગુજરાતી પુસ્તકો વિષે વાત થતી હોય છે અથવા તેમાંથી ઉતારા કે ચિત્રો અપાતાં હોય છે. એના અનુસંધાનમાં થોડા દિવસ પહેલાં એક વાચકમિત્રે ફોન પર પૂછ્યુ ં: ‘પુસ્તક જૂનું છે કે નહીં, તે કઈ રીતે નક્કી કરાય?’ પહેલી વાત તો એ કે આપણે ત્યાં ‘રેર બુક્સ’ માટે કોઈ સારો શબ્દ પ્રચલિત થયો નથી. કોઈ પણ સેકન્ડ હેન્ડ બુક તે રેર બુક નહીં. કોઈ પણ પુસ્તક આજે બજારમાં મળતું ન હોય એટલે તે રેર બુક ન બની જાય. એ આઉટ ઑફ પ્રિન્ટ બુક છે. બે-પાંચ મહિને કે વર્ષે ફરી છપાય પણ ખરું. મરાઠીમાં ૧૮૬૭ પહેલાં છપાયેલાં પુસ્તકો માટે ‘દોલા મુદ્રિત’ નામ રૂઢ થયું છે. ‘દોલા’ એટલે પારણું. મરાઠી મુદ્રણના બાલ્યકાળનાં પુસ્તકો તે ‘દોલા મુદ્રિત.’ તે પછી છપાયેલાં અને આજે રેર ગણાય તેવાં પુસ્તકો માટે ત્યાં ‘દુર્મિળ’ (દુર્લભ) શબ્દ વપરાય છે. આપણે આ બંને સંજ્ઞા અપનાવવા જેવી છે. પણ અપનાવી નથી, કારણ રેર બુક્સનું મહત્ત્વ જ આપણી નજરમાં વસ્યું નથી. 

કોઈ પુસ્તક ‘રેર’ છે કે નહીં તે નક્કી કરવા માટેનું પહેલું ધોરણ એ કે તે ક્યારે છપાયું છે તે જોવું. સાધારણ રીતે પચાસ વર્ષ કરતાં વધુ જૂનું પુસ્તક હોય તો તે રેર ગણાવાને પાત્ર ઠરે, નહીંતર નહીં. અલબત્ત, આમાં અપવાદ હોઈ શકે. બીજી વાત એ છે કે એ પુસ્તકની કેટલી નકલો આજે ઉપલબ્ધ છે તે જોવું. પુસ્તક ભલે બજારમાં મળતું ન હોય, પણ ગુજરાતી પૂરતી વાત કરીએ તો મુંબઈ-ગુજરાતનાં ઘણાં પુસ્તકાલયોમાં જો તેની નકલ હોય તો તે પુસ્તક રેર ન ગણાય. અલબત્ત, આપણે ત્યાં પુસ્તકાલયોનું યુનિયન કેટલોગ છે નહીં, અને મોટે ભાગે ક્યારે ય થશે પણ નહીં, એટલે આ જાણવું લગભગ અશક્ય છે.

અમદાવાદની કોઈ લાઇબ્રેરીમાંથી અમને ફલાણું પુસ્તક જોવા ન મળ્યું એમ કોઈ વિવેચક-સંશોધકે લખ્યું હોય પણ એ પુસ્તકની બે-ત્રણ નકલ મુંબઈની એક જ લાઇબ્રેરીમાં હોય એવું બન્યું છે. એટલે આ ધોરણ ગુજરાતી પૂરતું ઝાઝું કામ આવે તેમ નથી. કોઈ પુસ્તક થોડે થોડે વખતે ફરી ફરી છપાતું રહેતું હોય તો ય તેની પહેલી આવૃત્તિ તો ‘રેર’ જ ગણાય. જેમ કે ‘સરસ્વતીચન્દ્ર’ એક યા બીજા કારણસર સતત છપાતી રહેલી નવલકથા છે, પણ તેના પહેલા ભાગની ૧૮૮૭માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિ અત્યંત રેર ગણાય, કારણ ભાગ્યે જ કોઈ પુસ્તકાલયમાં એ સચવાઈ છે. આનું એક કારણ આપણાં ઘણાં ખરાં પુસ્તકાલયોની એક કુટેવ. કોઈ પુસ્તકની નવી આવૃત્તિ ખરીદાય ત્યારે તેની અગાઉની આવૃત્તિ પસ્તીમાં જાય!

કનૈયાલાલ મુનશી કે રમણલાલ દેસાઈની નવલકથાઓની પહેલી આવૃત્તિમાં રવિશંકર રાવળ, સોમાલાલ શાહ, કનુ દેસાઈ જેવા જાણીતા ચિત્રકારોનાં ચિત્રો છપાતાં. પછીની આવૃત્તિઓમાંથી તે કાઢી નખાયાં. એટલે એવાં પુસ્તકોની પહેલી આવૃત્તિની સચિત્ર નકલ પણ રેર ગણાય. પુસ્તક જૂનું હોય, તેના પર લેખકની સહી હોય, કે કોઈ જાણીતી વ્યક્તિને તે ભેટ અપાયું હોય કે બીજા કોઈ અભ્યાસીએ તેમાં માર્જિનલ નૉટ્સ લખી હોય તો તેથી પણ તે નકલ રેર બની શકે. સરકારે કે ધર્મસત્તાએ કોઈ પુસ્તક પર પ્રતિબંધ મૂકી નકલો જપ્ત કરી હોય કે કોઈ કુદરતી આફતમાં ઘણીખરી નકલો નાશ પામી હોય કે ક્યારેક લેખક-પ્રકાશકે પોતે નકલો પાછી ખેંચી લીધી હોય તો પણ બચી ગયેલી નકલો અત્યંત રેર ગણાય.ટી ટેસ્ટર કે વાઈન ટેસ્ટર જેમ ચાંગળું ચાખીને તરત ચા કે વાઈનની ગુણવત્તા નક્કી કરી શકે છે તેમ રેર બુક્સના નિષ્ણાત પુસ્તક હાથમાં લઈ, સૂંઘી (હા, સૂંઘીને), ઉથલાવી, નક્કી કરી શકે છે કે આ પુસ્તક રેર છે કે નહીં. ગુજરાતીમાં રેર બુક્સની લે-વેચ અલાયદા વ્યવસાયરૂપે વિક્સી જ નથી, છતાં દેશમાં અને દુનિયામાં પણ રેર બુક્સ ડિલર તરીકે વ્યાપક ખ્યાતિ ધરાવનાર એક ગુજરાતી જ હતા - અમદાવાદમાં એલિસ બ્રિજને તળિયે એક વખત આવેલી હતી તે ન્યુ ઓર્ડર બુક કંપનીના માલિક દિનકર ત્રિવેદી. ગુજરાતી ઉપરાંત બીજી ભાષાઓનાં રેર પુસ્તકોનો તેમની પાસે જબરો ભંડાર - માત્ર દુકાનમાં જ નહીં, બંગલાના બેઝમેન્ટમાં પણ. જેવા પુસ્તકોના પરખંદા એવા જ ગ્રાહકોના પણ પરખંદા. ગ્રાહકને અમુક પુસ્તક શા માટે જોઈએ છીએ (વેપારી ભાષામાં તેને કેટલી ગરજ છે) અને તે કેટલી કિંમત આપી શકે તેમ છે એનો અંદાજ તેમને જોતાંવેંત આવી જતો અને તે પ્રમાણે તેને કિંમત કહેતા. અભ્યાસી સાચો છે પણ તેની પાસે પૈસાના ફાંફા છે એમ લાગે તો પુસ્તક વાંચીને પાછું આપી જજો એમ પણ કહે કે ક્યારેક ભેટ પણ આપી દે. તેમની સરખામણીમાં બહુ નાને પાયે, પણ રેર બુક્સનો વ્યવસાય કરનાર મુંબઈમાં હતા કીકા સ્ટ્રીટમાં રહેતા ચંદુલાલ શાહ અને પ્રિન્સેસ સ્ટ્રીટની એક દુકાનમાં નોકરી કરવાની સાથોસાથ રેર બુક્સનું કામ પણ કરતા બચુભાઈ. કોકિલ એન્ડ કંપની અને ન્યુ એન્ડ સેકન્ડહેન્ડ બુક શોપમાંથી પણ ઘણીવાર ગુજરાતી રેર બુક્સ મળી આવતી. આજે મુંબઈમાં રેર બુક્સ અંગે સૌથી વધુ જાણકારી અને અનુભવ ધરાવતું કોઈ હોય તો તે છે મરાઠીના વિદ્વાન અભ્યાસી, પત્રકાર ડૉ. અરુણ ટીકેકર. તેમનો રેર બુક્સનો અંગત સંગ્રહ વધતાં જતાં એટલો મોટો થઈ ગયો કે થોડાં વરસ પહેલાં તેમાંનો મોટો ભાગ તેમણે મુંબઈ યુનિવર્સિટી લાયબ્રેરીને ભેટ આપી દીધો.

આપણે ત્યાં રેર બુક્સમાં રસ લેનારા પણ રેર છે એટલે ... જવા દો. આવા તો કેટલા હાયબળાપા કરવા?

સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, ફોકસ : “ગુજરાતમિત્ર”, 28 અૅપ્રિલ 2014

Category :- Opinion Online / Opinion

ત્રણ ત્રણ વખત મેટ્રિકની પરીક્ષામાં નાપાસ થનાર વ્યક્તિનું જ્યારે અવસાન થાય ત્યારે બ્રિટિશ સામ્રાજ્યના નામદાર શહેનશાહ પાંચમા જ્યોર્જ અને રાણી ભારત ખાતેના વાઈસરોયને દિલસોજીનો તાર મોકલે અને તે તારમાં પેલી વ્યક્તિને ‘અમારા જૂના મિત્ર’ તરીકે ઓળખાવે અને તેમના મૃત્યુથી આખા હિન્દુસ્તાનને ખોટ પડી છે એમ જણાવે એવું બને ખરું? બને નહીં, હકીકતમાં બન્યું હતું.

એ વ્યક્તિ તે બેહેરામજી મેહેરવાનજી મલબારી, ૧૯મી સદીના એક અગ્રણી સમાજ સુધારક, પત્રકાર અને કવિ. ૧૮૫૩માં મે મહિનાની ૧૮મી તારીખે એમનો જન્મ. પિતાનું નામ ધનજીભાઈ મહેતા. ગાયકવાડ સરકારમાં સાધારણ કલાર્ક તરીકે નોકરી કરતા. બેહેરામજી માંડ પાંચ વર્ષના થયા ત્યાં તો પિતા બેહસ્તનશીન થયા. માતા ભીખીબાઈ અને બેહેરામજી અનાથ થઈ ગયાં. હવે વડોદરામાં રહેવું અશક્ય હતું. અનેક વિટંબણાઓ વેઠીને વડોદરાથી ચાલતાં ચાલતાં વીસ દિવસે દીકરાને લઈને ભીખીબાઈ સુરત પહોંચ્યાં, પિતાને ઘરે. કોઈ વાહનમાં મુસાફરી કરી શકાય એટલા પૈસાય ગાંઠે નહીં એટલે પગપાળા પ્રવાસ. પિતાએ વિધવા દીકરીને અને તેના પોરિયાને પ્રેમથી આવકાર્યાં.

આશરો મળતાં મા-દીકરાને ‘હાશ’ થઈ. પણ એ હાશકારો પૂરા ચોવીસ કલાક પણ ન ટક્યો. તેઓ સુરત પહોંચ્યાં તે રાતે જ પિતાનું ઘર, તેમની બધી મિલકત, આગમાં બળીને ખાખ થઈ ગયાં. છતાં પિતાએ આશરો તો આપ્યો જ. પણ ભીખીબાઈને થયું કે પિતાને માથે હવે ભારરૂપ ન થવાય. બાળક બેહેરામજીનો ઉછેર સારી રીતે કરવાનો હેતુ પણ ખરો. એટલે થોડા વખત પછી ભીખીબાઈએ મેહેરવાનજી નાનાભાઈ મલબારી સાથે બીજાં લગ્ન કરી લીધાં અને એટલે બેહેરામજી ધનજીભાઈ મહેતા મટી બેહેરામજી મેહેરવાનજી મલબારી બન્યા.

પણ ઓરમાન પિતાને આંગળિયાત બેહેરામજી માટે કશી મમતા નહીં. દુકાનમાં નોકરની જેમ કામ કરાવે. સુરતમાં મલબારીના ઘર પાછળ જ નરભેરામ મહેતાજીની ધૂડી નિશાળ હતી તેમાં બેહેરામજીએ ભણતર શરૂ કર્યું. પછી પારસી પંચાયતની સ્કૂલમાં દાખલ થયાં. પછી સર જમશેદજી એંગ્લો-વર્નાક્યુલર સ્કૂલ. ભણવાનું તો ઠીક પણ બેહેરામજીને સંગીતનો જબરો શોખ. જાણીતા ઉસ્તાદ બહાદુરસિંહના એક ચેલા પાસેથી બે હજાર જેટલાં ખ્યાલ, ગઝલ, ટપ્પા, ઠુમરી વગેરે શીખ્યા. પણ અણધારી રીતે કોલેરામાં માતાનું અવસાન થતાં બેહેરામજીના જીવનમાંનું સંગીત સુકાઈ ગયું. ખાનગી ટ્યૂશનો આપી થોડી કમાણી કરવા લાગ્યા, ભણવાની સાથોસાથ. પછી રાતે મોડે સુધી જાગી અંગ્રેજી કે ગુજરાતી કવિઓની કવિતા વાંચતા. પછી જાતે ગુજરાતીમાં કવિતા લખવા લાગ્યા.

એ વખતે મેટ્રિકની પરીક્ષા માત્ર મુંબઈમાં જ લેવાતી. પારસી જિવાજી કસાઈ પાસેથી વીસ રૂપિયા ઊછીના લઈને બેહેરામજી મુંબઈ પહોંચ્યા. મુસાફરીનું ભાડું દસ રૂપિયા ને પરીક્ષાની ફી દસ રૂપિયા. પરીક્ષામાં નાપાસ. સુરત પાછા જવાના ફદિયાં મલે ની. માતાની બહેનપણીના દીકરા ડોક્ટર રુસ્તમજી બહાદુરજીની ભલામણથી પારસી પ્રોપ્રાયટરી સ્કૂલમાં વીસ રૂપિયાના પગારે નોકરી મળી. બીજી બે વાર મેટ્રિકની પરીક્ષા આપી, પણ પરિણામ એનું એ, નાપાસ! પણ હાર્યા નહીં. ચોથી ટ્રાયલે પાસ થયા, ૧૮૭૧માં. એ વખતે લેખિત ઉપરાંત મૌખિક પરીક્ષા પણ લેવાતી. બેહેરામજીની મૌખિક પરીક્ષાના એક પરીક્ષક હતા રેવરંડ જોસેફ વાનસામરન ટેલર, ગુજરાતી વ્યાકરણના લેખક. સુરતમાં લખેલાં કાવ્યો બીતાંબીતાં બેહેરામજીએ રેવરંડ ટેલરને બતાવ્યાં. પ્રભાવિત થઈને તેમણે રેવરંડ ડોક્ટર જ્હોન વિલ્સન સાથે ઓળખાણ કરાવી. વિલ્સને કાવ્યો વાંચી તે પુસ્તક રૂપે પ્રગટ કરવા જણાવ્યું અને કાવ્ય સંગ્રહનું નામ પણ પાડી આપ્યું, ‘નીતિવિનોદ.’ ૧૮૭૫માં એ સંગ્રહ પ્રગટ થયો. એ વખતે બેહેરામજીની ઉમ્મર ફકત બાવીસ વર્ષ. કાવ્યો પારસી ગુજરાતમાં નહીં, ‘શુદ્ધ’ ગુજરાતીમાં લખાયેલાં અને તેના વિષયો હતા હિન્દુઓના જીવનને લગતા.

‘નીતિવિનોદ’થી મલબારી ગુજરાતમાં જાણીતા થયા તો ૧૮૭૬માં પ્રગટ થયેલ અંગ્રેજી કાવ્યસંગ્રહ ‘ધ ઈન્ડિયન મ્યૂઝ ઈન ઇંગ્લિશ ગાર્બ’ને કારણે ઇંગ્લેન્ડ અને બીજા દેશોમાં જાણીતા થયા. રાણી વિકટોરિયા, કવિ ટેનિસન અને પંડિત મેક્સમૂલરે પ્રશંસાના પત્રો લખ્યા. પછી મલબારી મુંબઈના “ટાઈમ્સ ઓફ ઈન્ડિયા”માં સામાજિક, રાજકીય, શૈક્ષણિક સ્થિતિ વિષે લેખો લખતા થયા. આ ઉપરાંત ‘ધ ઈન્ડિયન સ્પેક્ટેટર’ અને ‘ધ બોમ્બે રિવ્યૂ’માં પણ લખતા. ‘ગુજરાત એન્ડ ગુજરાતીઝ’ પુસ્તક પણ પરદેશોમાં જાણીતું થયું. ૧૮૮૦માં મલબારીએ ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ખરીદી લીધું. લગભગ દરેક અંક આખો જાતે જ લખતા.

મલબારીનું વલણ સમાજ સુધારાવાદી હતું. જો કે હિન્દુઓનો વિરોધ તેમને સહન કરવો પડ્યો કારણ એક પારસીને અમારા ધરમકરમમાં દખલ કરવાનો શો હક્ક, એમ રૂઢિવાદીઓ માનતા. મલબારીના અથાક પ્રયત્નોને પરિણામે સરકારે ‘સંમતિવયનો કાયદો’ છેવટે પસાર કર્યો. મલબારીએ ઇંગ્લેન્ડના પ્રવાસો કર્યાં. ખુદ શહેનશાહ સાથે સંબંધ બંધાયો. પણ ૧૮૯૮માં પ્રગટ થયેલ કાવ્યસંગ્રહ ‘સંસારિકા’ પર રાજદ્રોહનો આરોપ મૂકાયો પણ છેવટે સરકારે તેમને નિર્દોષ જાહેર કર્યો.

૧૯૧૨ના જુલાઈમાં મિત્રોના આગ્રહથી મલબારી આરામ કરવા શીમલા ગયા. ૧૧મી જુલાઈએ વાઈસ રોય લોર્ડ હાર્ડિજ અને બીજાઓની મુલાકાત લીધી. રાતે સાડા નવે મિત્ર જોગિન્દરસિંહ સાથે ટેલિફોન પર વાતો કરતાં મલબારી એકાએક બેભાન થઈ ગયા અને થોડીવારમાં જ આ ફાની દુનિયાને છોડી ચાલતા થયા. સીમલામાં આવેલી પારસી આરામગાહમાં મલબારીના નશ્વર દેહને દફનાવવામાં આવ્યો.

સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, પ્રોફાઇલ : “ગુજરાતમિત્ર”, 28 અૅપ્રિલ 2014 

Category :- Opinion Online / Opinion