OPINION

ચાલો મળીએ

પ્રવીણા અવિનાશ
17-05-2013

આજે તમને થશે, કોણ છે આ મહેમાન, જેને મળવાનું છે. અરે, જરા પણ ચિંતા નહીં કરતાં, તમે એને બરાબર ઓળખો છો ! યા તેને બરાબર સારી રીતે ઓળખવાનો માત્ર પોકળ દાવો કરો છો. હા, જેનો સંગ અહર્નિશ તમે માણો છે, છતાં પણ કહેવું કઠિન છે, ‘હું બરાબર તેને ઓળખું છું’ !

બસ, થાકી ગયાને ? મને ખબર છે તમારી જાણવાની ઉત્કંઠા પરાકાષ્ટા પર પહોંચી ગઈ છે. ધીરજ ધરો અને વિચાર કરો. ઉત્તર મળી ગયો હશે. જો ન મળ્યો હોય, તો હવે મારે તમને જણાવ્યા વગર છૂટકો નથી !

આજે તમને, ’તમારી’ મુલાકાત કરાવવાની છે. રોજ જાણીતી અને નવિન વ્યક્તિઓને મળીએ છીએ. કોઈ દિવસ વિચાર આવ્યો છે, ‘આજે હું મને મળું’ ! જરા વિચિત્ર લાગે તેવી વાત છે ! વિચાર કરો, માત્ર એક સેકંડ માટે, તેનો જવાબ મળશે, ઉત્કંઠા વધશે અને ઉમળકાભેર તમે તેને મળશો !

‘શું હું જે છું તે ખરેખર સત્ય છે?’ ‘જે બીજા ધારે છે તે ખરેખર હું છું ?’ ખરી વાત તો એ છે, જો મારી નિયત સાચી હોય તો બીજા ધારે એની શા માટે મારે ફિકર કરવી ? બીજી વ્યક્તિ પોતાના સંજોગ અને માનસિક અવસ્થા પ્રમાણે તમને તુલવશે ! જ્યાં સુધી તમને તમારો અંતરઆત્મા ન ડંખે, ત્યાં સુધી તમે નિષ્ફિકર રહો. જો જો દંભના આંચળા નીચે, કોઈ પણ નિર્ણય ન લેવાય.

આપણે હંમેશાં બીજાના અભિપ્રાયને ખૂબ મહત્ત્વ આપીએ છીએ. આ સહુ માનવનો સહજ સ્વભાવ છે. તેનાથી જરા ઉપર ઉઠીને વિચાર કરીશું, તો તેમાં છુપાયેલો દંભ જણાશે. ‘લોક સારો કહે, તેથી હું સારો, અને ખરાબ કહે, તેથી ખરાબ’ ! આ વાક્ય બે વખત વાંચીશું તો સમજાશે કે એનો કોઈ મતલબ નથી.

સામાન્ય રીતે સ્વને તરત નિરખવાનો રસ્તો સીધો, પ્રત્યક્ષ અને વાસ્તવિક છે. આપણે બીજાની સમક્ષ હોઈએ, ત્યારે એક ક્ષણિક આવરણ ઓઢી લઈ, કૃત્રિમતા ધારણ કરીએ છીએ. એના માટે કોઈ પણ વર્ગ ભરવાની જરૂર નથી હોતી. તે વ્યક્તિ આપણા માટે શું ધારશે, એની ચિંતામા ‘હું શું છું’ તે ગૌણ બની જાય છે. આ વિચાર અને વર્તનને કારણે દંભ પોતાનો ભાગ ભજવે છે.

સ્વને નિરખતાં તેની કુરૂપતા અને નગ્નતાનો ભય નથી લાગતો ને ? તેની સાથે મુલાકાત થતાં સત્ય સપાટી પર આવશે. મન શંકા કરશે ‘શું ખરેખર આ હું છું?’ તેથી તો ઘણીવાર આપણે વાસ્તવિકતાથી દૂર ભાગીએ છીએ. ખોટા ભ્રમમાં રાચીએ છીએ. વિદ્વાન હોવાનો દાવો કરીએ છીએ. સામેવાળી વ્યક્તિને નીચું દેખાડવાનો પ્રયાસ કરીએ છીએ. આ બધું શા માટે. સત્ય પહેચાનો, જે છીએ તે કબૂલ કરો. બધાં એક સરખા નથી હોતાં. જે છીએ તે સુંદર છે. શુભ છે એ જાણવું જરૂરી છે.

સમાજ જે માત્ર માનવોનો સમૂહ છે, એ યાદ રહે. દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય બદલવાની સવતંત્રતા છે. તેનો અર્થ એ ન કાઢવો કે આપણે બદલાવું. એક સરળ વિચાર કરવો કૂતરાનો સ્વભાવ છે કરડવું, તે જો આપણને કરડે, તો આપણે તેને સામે કરડતાં નથી.’ ઘણી વખત જોયું છે હંમેશાં સારું વર્તન કરનાર ઘણીવાર પૈસો પામવાથી પોતાનો અસલી રંગ બતાવે છે.

શું મને મારું ગમતું ન મળ્યું, યા મારી મહત્ત્વાકાંક્ષા પરિણામ ન લાવી શકી, તો હું તેનું દુ:ખ બીજા ઉપર ઢોળું છું ? શું હું દરેક્ને સરખી રીતે નિહાળું છું ? પરિવારમાં સાંપડેલી નિરાશાનો દોષ કોને આપું છું. કોઈના માટે પૂર્વાગ્રહ રાખી નાઈન્સાફી કરી દિલ દુખાવું છું ? ઉંમરનો મલાજો પાળું છું ? વગર વિચારે બોલી સંબંધોમાં તિરાડો પાડી દોષનો ટોપલો બીજાને માથે ઓઢાડું છું ?

કેટકેટલા પ્રશ્નો અનુત્તર છે. આવો, ખુદને મળો. સમાધાનનો પ્રયત્ન જારી રાખો. સમય થોભતો નથી. ક્યારે અવસર આવી પહોંચશે ખબર છે ?

‘આપ ભલા તો જગ ભલા’. બસ તમે, તમને ખુલ્લા દિલે મળો અને વિચારો, અનુભવો મિલાપની ધન્ય પળોને.

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion

આજે નિયતિને ત્યાં અમારે જમવા જવાનું હતું.
અમે અમારી ટેવ મુજબ, સમયસર પહોચી ગયાં. બારણા પરનો ‘બેલ’ દબાવતાં, હસતા મુખે બારણું ખોલી નિયતિ બોલી : ‘મને હતું જ કે તમે જ હશો ! તમારા સિવાય કોઈ મારા ત્યાં ‘ઓન ટાઈમ’ આવતું નથી !’

અમારો આભાર માની, અમને એની બેઠકરૂમ સુધી કંપની આપી, બેસવાનું કહી, પૂછ્યું : ‘ડ્રીન્કમાં શું આપું, તમને ?’
મેં કહ્યું : ‘બધાને આવવા દો, પછી લઈશ.’
‘તો ઠંડુ પાણી તો લેશોને ?’
‘ના, પાણી તો અમે ઘેરથી પીને નિકળ્યા છીએ.’
ટી.વી. ચાલુ કરી, એ બોલી, ‘તમે આ સીરિયલ જુઓ છો ? સરસ આવે છે. તમે જુઓ અને હું જલદી જલદી તૈયાર થઈ તમને કંપની આપવા આવી જાઉં છું.’

‘તમારા મિસ્ટર દેખાતા નથી,’ મેં પૂછ્યું.

‘એ જરા થોડી વસ્તુઓ લેવા સ્ટોરમાં ગયો છે, તે આવતો જ હશે.’ કહી નિયતિ તૈયાર થવા સરી ગઈ.

એના ગયાં પછી, મેં ધર્મપત્ની તરફ જોયું. એ બોલી : ‘મને નાહકના તમે ઉતાવળ કરાવી ! મારે સાડી બદલવી હતી, પણ જવામાં મોડું થાય, અને તમે મારી ઉપર બગડો એટલે મેં સાડી પણ ન બદલી !!’ બાકીની એની ફરિયાદ એની આંખોમાં હું વાંચી ગયો.

અમે બંને ઘડીભર ચૂપ રહ્યાં. એ દરમ્યાન નિયતિ તૈયાર થઈને આવી ગઈ, અને એના મિસ્ટર પણ આવી ગયા.

થોડા મહિનાઓ પછી, નિયતિને ત્યાં ફરીથી જમવા જવાનું થયું.

ટી.વી. ચાલુ કરી, ધર્મપત્ની તૈયાર થઈ બહાર આવે, એની રાહ જોતો ચાલુ કપડાંમાં હું સમય કાપી રહ્યો હતો.

ધર્મપત્નીનો પ્રવેશ થતાં અને મને જૂનાં કપડાંમાં જોઈ એ ભડકી, ને બોલી : ‘તમે હજુ તૈયાર નથી થયા ?!’

એને આગળ બોલતાં અટકાવી મેં કહ્યું : ‘નિયતિ આપણે ત્યાં કાયમ એક કલાક મોડી આવે છે. મારી ટકોરોથી પણ એનામાં ફેર પડ્યો નથી, એટલે મેં આજે એની આંખ ખોલવા, એક નવો કિસ્સો અજમાવવાનો નિર્ણય કર્યો છે.’

પત્નીને ખુશ કરવા મેં કહ્યું : ‘તારે બીજી સાડી બદલવી હોય તો બદલી લે. આજે આપણી પાસે ઘણો સમય છે.’

‘પણ, મને પેટ ખુલ્લી વાત કરશો કે તમે શું કરવાનું વિચાર્યું છે?’

એની પાસે જઈ, કાનમાં મેં મારો કીમિયો કહ્યો.

‘ઓકે. ઓકે. હવે તમે તૈયાર થવા જશો, પ્લીઝ?’

નિયતિને ત્યાં પહોચતાં, કાયમની જેમ, બારણાનો બેલ દબાવ્યો. બારણું ખોલતાં નિયતિ બોલી : ‘તમે આજે આટલા મોડાં !! તમે તો મારે ત્યાં કાયમ નિયમિત આવનારાં. આજે ખાસ્સો કલાક મોડા છો ?! ટ્રાફિક નડ્યો કે શું?’ 

એના પ્રશ્નોની ઝડીઓ પડે એ પહેલાં હું બોલ્યો : ‘ચાલો, તમારી બેઠકરૂમમાં બેસીને વાત કરું.’

બેઠકરૂમમાં દાખલ થઈ, બેઠક લીધી. પત્ની પર એક નજર નાખી લઈ, મે કહ્યું : ‘કોઈ કારણ તો નો’તું, પણ જાણી બૂઝીને અમે આજે મોડાં આવ્યાં છીએ.’

મારા આ જવાબથી નિયતિની આંખના ભવા ઊંચા થતાં મે જોયા. મેં વાતને આગળ વધારતાં કહ્યું : ‘અમને થયું કે આમે ય તમારા કોઈ મિત્રો વહેલાં તો આવતાં નથી. અને અમારા કારણે તમારે કેટલી બધી ઉતાવળ કરવી પડે છે ! એટલે, અમને આજે થયું કે તમને તૈયાર થવામાં પૂરતો સમય આપીએ. અને અમારે એકલા એકલા બેસી પણ ન રહેવું પડે.’

નિયતિના મનના ભાવોમાં થતા ફેરફારોથી, એને અમારો સંદેશ પહોચી ગયો છે, એ અમે બંને વાંચી શક્યાં.

ત્યારથી, નિયતિ અમારે ત્યાં કદી મોડી પડી નથી.


(19 અપ્રિલ 2013)


e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion